Wednesday, January 1, 2014

તંત્રીલેખ -- સુરક્ષા સામે સમયાંતરે નવા પડકાર આવ્યા છે

તંત્રીલેખ

સુરક્ષા સામે સમયાંતરે નવા પડકાર આવ્યા છે

ત્રાસવાદનો વ્યાપ અનેક રીતે વધી રહ્યો છે. માનવબૉમ્બથી આગળ વધીને હવે તેઓ નાના અણુબૉમ્બ સુધી પહોંચી રહ્યાની વાત એક ચિંતાનો વિષય છે. સુરક્ષા માટે નવા - નવા વિકલ્પ વિચારીને નાગરિકો પણ તેના માટે તૈયારી કરે તે હાલના સંજોગોની માગ છે. આવી બાબતમાં સરકાર કરતાં નાગરિકો વધુ સક્રિય રીતે વિચારણા કરી શકે તેમ છે.

સુરક્ષા પાછળ પણ ખર્ચ થાય છે છતાં જે રીતે આંતરિક સુરક્ષામાં છીંડાં જોવામાં આવે છે તે ટીકાને પાત્ર છે. પકડાયેલા ત્રાસવાદી યાસીન ભટકલે સુરતમાં નાની આવૃત્તિ જેવા અણુબૉમ્બના પ્રયોગની કામગીરી માટે પ્રયાસ કર્યો હતો. આ વાત પરથી આપણે ત્યાં સુરક્ષા ક્ષેત્રે કેવી બાબતો બની રહી છે તેની જાણકારી મળે છે.

આટલી ગંભીર બાબત હોવા છતાં હજુ ખુદ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ઈશરત જહાં ત્રાસવાદી નહોતી અને આઈ.બી.ના અધિકારીએ માહિતી આપવામાં ભૂલ કરી હતી જેવી બાબતોમાં ફીફાં ખાંડી રહ્યા છે. આવા નપાવટ સુરક્ષા અધિકારીઓ જો પ્રજાના હાથમાં આવશે તો લોકો તેમના હાડકાંપાંસળા એક કરી નાખવાના છે.

જ્યારે જ્યારે ભાંગફોડિયા કે ત્રાસવાદીઓ પકડાય છે તેવે વખતે તેઓ કોઈ ચોક્કસ વર્ગના છે તેમ કહીને દેકારો બોલાવીને સુરક્ષા એજન્સીઓનો નૈતિક જુસ્સો ભાંગી નાખવાનું કાર્ય થાય છે. આટલા વર્ષે હજુ કોઈ કહી શકતું નથી કે ઈશરત જહાંની સાથે મોટરમાં પાછળ બેઠેલી બે વ્યક્તિ કોણ હતી? તેઓ પાકિસ્તાની નાગરિક હતા તે વાત જણાવવાની નૈતિક હિંમત નથી.

નાનો અણુબૉમ્બ પણ ઘણો વિનાશ વેરી શકે છે. વળી પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધ થયાં તેમાંથી તેને એકપણ વખત જીત મળી નથી. આવે વખતે જો હવે કોઈ રીતે અણુબૉમ્બનો નાના સ્વરૂપે ત્રાસવાદીઓ મારફતે ભારત પર પ્રયોગ થાય તો શું થાય - તે અંગે ભાગ્યે જ કોઈએ વિચાર કર્યો છે અથવા તો તે માટે વ્યૂહ વિચાર્યો છે.

કારણ કે જો પ્રતિ હુમલો ભારતે કરવો હોય તો કોની પર કરવો? એટલું જ નહિ, પાકિસ્તાને તો કદી ત્રાસવાદી હુમલા અંગે કોઈ જવાબદારી સ્વીકારી નથી. ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં પાકિસ્તાને તો કહ્યું હતું કે તેઓ "સ્ટેટલેસ એક્ટર છે. આશ્ર્ચર્યની વાત છે કે હુમલાના બીજા જ દિવસે આ વાત કહેવામાં આવી હતી. તેના પરથી પાકિસ્તાનની તૈયારી કેટલી હતી તે નક્કી થાય છે.

સુરક્ષા વ્યૂહરચનાના ઘડવૈયાઓ માટે એક નવો પડકાર આ રીતે ત્રાસવાદીઓના હાથમાં અણુસામગ્રી છે. જોકે આવી બાબત બની હશે તો પણ બીજે દિવસે ઈનકાર કરવામાં આવશે અથવા તો ગોળ ગોળ વાતો કરવામાં આવશે. કેન્દ્ર સરકાર કહેશે કે આવી વાત સત્યથી વેગળી છે, પરંતુ જે રીતે ભૂતકાળમાં ઘટના બની છે તે જોતા હવે આવી વાતમાં કોઈને વિશ્ર્વાસ રહેવાનો નથી.

ત્રાસવાદની સેંકડો ઘટના બની છે તેમાં પાકિસ્તાનની સંડોવણીની સાબિતી છતાં પલાયનવાદી મનોવૃત્તિ ભારતે બતાવી છે. આવી બાબત કેમ બને છે તે સમજવું મુશ્કેલ છે. માત્ર અમેરિકામાં રાજદૂત સાથે બનેલી ઘટનામાં જ વિદેશી મંત્રાલય આકરા પાણીએ છે તે સિવાય હંમેશા દૂધ અને દહીંમાં પગ રાખવાની મનોવૃત્તિ ધરાવે છે તેવી સામાન્ય લોકોના મનમાં છાપ છે.

શ્રીલંકાએ પોતાને ત્યાં તેમને પસંદ નથી તેવા ત્રાસવાદ અને ત્રાસવાદી પ્રવૃત્તિનો સફાયો કરી નાખ્યો, પરંતુ આપણે ત્યાં આવી સખતાઈ આટલા વર્ષમાં દાખવવામાં આવી નથી. પાકિસ્તાન સાથે મિત્રતા વધારવી જોઈએ તેવું કહેનાર દેશદ્રોહીઓનો એક વર્ગ ઘરઆંગણે છે, કારણ કે તેમને ત્રાસવાદનો વરવો અનુભવ થયો નથી અને તેમના ઘરમાંથી કોઈ ત્રાસવાદીઓની એકે-૫૬ રાઈફલની ગોળીનો શિકાર બન્યા નથી.

એવી કોઈ રાજકીય સર્વસંમતિ પણ દેખાતી નથી કે કમસેકમ પ્રજાની સુરક્ષાના મામલામાં મતભેદ કે મતમતાંતર નહિ હોવા જોઈએ. જ્યારે આવી ભાવનાત્મક એકતા જોવા મળશે તે વખતે જ સામેના પક્ષને કોઈક સંદેશો મળવાનો છે. બાકી હાલમાં જે રીતે કાર્ય ચાલી રહ્યું છે તે જોતાં ભારત એક ખૂબ જ સોફટ ટાર્ગેટ ત્રાસવાદી પ્રવૃત્તિ માટે બની ગયું છે.

૨૬/૧૧ના હુમલા બાદ કયો પદાર્થપાઠ શીખવા મળ્યો છે? કઈ જગ્યાએ કેટલા સુધારા થયા? કેટલા યુવાનોને ત્રાસવાદ સામે પ્રતિકાર માટેની ટ્રેનિંગ આપવામાં આવી? આવા પ્રશ્ર્નનો જવાબ ગૃહમંત્રી કે સુરક્ષા મંત્રી આપી શકવાના નથી, કારણ કે ખુદ તેઓ જ કોઈ વિચાર કે બાબતને સાધ્ય કરી શકે તેમ નથી. બાકી રાષ્ટ્રપ્રેમ હોય તેવી વ્યક્તિ કદી બાંધછોડ કરવા માટે તૈયાર હોતી નથી.

જ્યારે જ્યારે ત્રાસવાદની ઘટના બની છે તેવે વખતે માત્ર આશ્ર્વાસન આપવા સિવાય કોઈ વાત થઈ નથી. આવી બાબતમાં પ્રજાને હવે ભરોસો નથી તેવી જ રીતે કાશ્મીર કે અન્યત્ર ત્રાસવાદી ઘટના બને છે તેવે વખતે તેમાંથી કોઈ બોધપાઠ ગ્રહણ થતો નથી તે બાબતને સંગઠનની નબળાઈ ગણવી કે પછી પ્રજા તરીકેની આપણી નિર્માલ્યતા?

No comments:

Post a Comment