સૌરભ શાહ
કેજરીવાલ અને આમ આદમી પાર્ટી: પાછલે બારણેથી સામ્યવાદની એન્ટ્રી થઈ રહી છે
કેજરીવાલ અને આમ આદમી પાર્ટી: પાછલે બારણેથી સામ્યવાદની એન્ટ્રી થઈ રહી છે
હવે દિલ્હી વિધાનસભામાં છ મહિના સુધી અરવિંદ કેજરીવાલ અને એમની ટોળકી રાજ કરશે. આવતા છ મહિના સુધી વિપક્ષ અવિશ્ર્વાસનો ઠરાવ લાવી નહીં શકે. હાલાકિ, ‘આપ’ સરકારની પોપ્યુલિસ્ટ પ્રપોઝલો વિરુદ્ધ જરૂર મત આપી શકશે અને ‘આપ’ને છ મહિનાનું જીવતદાન આપનારી કૉન્ગ્રેસ પણ વાંધાવચકા કાઢીને પચાસ ટકાએ બીજલી અને મહિને વીસ હજાર લિટર પાણી ફોગટ આપવાની દરખાસ્તનો વિરોધ કરશે. દરેક સરકાર પૉપ્યુલિસ્ટ ત્રાગાં કરતી જ હોય છે. નીચે સાઉથમાં જયલલિતા લાખો કલર ટીવી મફતમાં આપશે તો ઉપર નૉર્થમાં અખિલેશ યાદવ લાખો લૅપટોપની લહાણી કરશે. કૉન્ગ્રેસ પોતે આખા દેશમાં એક-બે રૂપિયે કિલોના ભાવે જુવાર, ચોખા અને બીજાં ધાન્યો આપવાની જાહેરાત કરી ચૂકી છે. ગુજરાતમાં કૉન્ગ્રેસનું રાજ નથી તે છતાં ‘અમે જીતીશું તો અમુક લાખ ઘરો’ સસ્તા ભાવે આપવાનું વચન આપતી હતી. તે જોઈને ભાજપની સરકારને ચાનક ચડી અને એણે પણ મફતિયાં કે સસ્તાં ઘરો આપવાની જાહેરાત કરી દીધી. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં રહેતા શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઈબના મતદારોને ૧૫,૦૦૦ રિક્શા લાયસન્સનો ક્વોટા આપવાની જાહેરાત કરીને ‘આપ’વાળા નાત-જાત-કોમના ભેદભાવમાં નથી માનતા એવી માન્યતાને પાણીમાં ડુબાડી. બીજા રાજકીય પક્ષો મફતમાં ટીવી, લૅપટોપ વગેરે સરકારી ખર્ચે આપે છે તો દિલ્હીમાં કેજરીવાલ પાણી-બીજલી માટે સરકારી તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયા વાપરી નાખે એમાં શું વાંધો હોવો જોઈએ એવી દલીલ કેટલાક ‘આપ’તરફીઓ કરતા હોય છે. ભલા (આમ) આદમી, પેલી સરકારો જે કરે છે ખોટું છે અને કેજરીવાલ કરે છે તે પણ એટલું જ ખોટું છે. સરકારી તિજોરીમાંથી એટલે કે ટેક્સપેયર્સના ખિસ્સામાંથી હજારો કરોડ રૂપિયા આ રીતે વેડફી નાખવાની કેજરીવાલની દાદાગીરીથી એક વાત તો પ્રૂવ થઈ ગઈ કે બીજા રાજકીય નેતાઓ કરતાં એ પોતે અને બીજા રાજકીય પક્ષો કરતાં આમ આદમી પાર્ટી જરા પણ જુદી નથી. પાર્ટીનું લેબલ રૂપાળું હોવાથી કંઈ નથી બનતું. જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી, કૉન્ગ્રેસ વગેરે ડઝનબંધ રાજકીય પક્ષો ભારતની પ્રજા જોઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી વાસ્તવમાં ભારતમાં અને દુનિયામાં અસ્ત થઈ રહેલા સામ્યવાદનું નવું, ઈમ્પ્રુવ્ડ, લાઈમ ફ્લેવર્ડ સ્વરૂપ છે. સમાજમાં તમામ ધનિકોએ ગરીબોનું લોહી ચૂસીને ધન ભેગું કર્યું છે એવી માન્યતા સામ્યવાદનો પાયો છે. આમ આદમી પાર્ટીની માન્યતાના પાયામાં પણ આ જ વિચારસરણી છે. લાખો ઘરોને રોજનું પોણા સાતસો લિટર પાણી મફત આપ્યા પછી જળ નિગમે નવી પાઈપલાઈનો, જૂનીના સમારકામો વગેરેના ખર્ચા માટે વધારાના ટેક્સ/ સરચાર્જ નાખીને ઈન્કમ ઊભી કરવી પડવાની. એ ભરશે કોણ? જેમને પાણી મફત નથી મળતું એ લોકો. વીજળીનું બિલ ૫૦ ટકા કરી નાખ્યું છે તે વીજ કંપનીઓએ નહીં પણ સરકારની સબ્સિડીઓએ. વીજ કંપનીઓને તો અગાઉ મળતા હતા તેટલા જ પૈસા યુનિટ દીઠ મળવાના, પચાસ ટકાનું ધરખમ ડિસ્કાઉન્ટ આપનારી દિલ્હીની સરકાર હજારો કરોડની ખાધ કેવી રીતે પૂરી કરવાની છે? કેજરીવાલને ચિંતા નથી એની. એમના હાથમાં આવેલી ગાજરની પિપૂડી ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સુધી વગાડતા રહેશે પછી બધા ભેગા મળીને ચાવી નાખશે. બજેટમાં જે ખાધ આવશે તે બધી ભરપાઈ કરવાનું આર્થિક મૅનેજમેન્ટ ‘આપ’ પછી આવનારી નવી સરકારે કરવાનું આવશે અને નવી સરકાર જૂની ખોટ ભરપાઈ કરવા કરવેરા નાખશે એટલે બદનામ થશે. લોકો અને મીડિયા કહેશે કે ‘આપ’ની સરકાર સારી હતી, લોકોનું કેટલું ધ્યાન રાખતી હતી. આ નવી સરકારે તો આમ આદમીની કમર તોડી નાખી. કેજરીવાલ કે એમની મંડળીની કે ‘આપ’માં જોડાઈ રહેલા તકવાદીઓની સાદગી દેખાડાની છે. કેજરીવાલે ચીફ મિનિસ્ટરનો બંગલો નકાર્યો પણ હવે તેઓ પાંચ બેડરૂમના ડુપ્લેક્સમાં રહેવા જવાના છે. ત્યાગ કે સાદગી કરતાં વધારે મહત્ત્વ પરફૉર્મન્સનું છે રાજકારણમાં. બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમની સાદગીભરી જીવનશૈલીનાં ખૂબ વખાણ થતાં. મુખ્યમંત્રી પદેથી ઊતર્યા પછી ખાદીની થેલી લઈને એસ.ટી. બસમાં ટ્રાવેલ કરતા કે ટ્રેનના થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા એવી લોકવાયકાઓ ખૂબ ચગાવાઈ. સાચી જ હશે. સવાલ એ છે કે આટલી સાદગી સાથે બાબુભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શું ઉકાળ્યું. નરેન્દ્ર મોદી અપટુડેટ કપડાં પહેરે છે. દિવસમાં ત્રણવાર ઝભ્ભા પહેરે છે. એમનાં સૅન્ડલ જોઈને અને એમની ચશ્માની ફ્રેમ જોઈને ભલભલાને ઈર્ષ્યા આવે. એમની ઑફિસ વગેરેનો ભપકો પણ ભારી છે, સાદગી નથી એમાં. વર્ષેદહાડે આ બધામાં કરોડો રૂપિયા ખર્ચાતા હશે. પણ એની સામે તમે છેલ્લાં બાર વર્ષનું એમનું પરફોર્મન્સ જુઓ (ઔદ્યોગિક ક્ષેત્રે, હિન્દુત્વની બાબતે નહીં) તો ખબર પડે કે ગુજરાત ભારતનાં બીજાં રાજ્યો સાથે નહીં પણ ચીન, જપાન જેવા વિકાસ પામેલા દેશો સાથે કમ્પેર થવા માંડ્યું છે. પરફોર્મન્સ ન હોય તો સાદગી કંઈ વર્ચ્યુ નથી. ગાંધીજીની સાદગી પણ મોંઘી હતી. બાપુ થર્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતા પણ એ ‘સાદગી’ માટે એક આખો ડબ્બો રેલવેમાં બુક કરવો પડતો. ગાંધીજીના આશ્રમો આશ્રમવાસીઓની આપકમાઈથી નહીં પણ બિરલા - બજાજ જેવા ઉદ્યોગપતિઓની ખેરાતથી ચાલતા. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં વાઈસ ચાન્સેલરને દસ વરસ પહેલાં એમની કેબિનમાં ભોંય પર બેસીને બેઠા મેજ જેવા ઢાળિયા પર કામ કરતાં જોયા છે. ગુજરાત વિદ્યાપીઠની હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જાતે સભાગૃહમાં પ્રાર્થના વખતે પાથરણાં પાથરે, ઉપાડે એટલું જ નહીં જાજરૂ પણ સાફ કરે. આટલાં વર્ષોમાં આ સાદગીભર્યા વાતાવરણે કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ બહાર પાડ્યા જેઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતું નામ બન્યા હોય. આની સામે અમદાવાદની જ આઈ.આઈ.એમ. વૈભવશાળી છે, લાખો રૂપિયાની ફીઝ છે ત્યાં. સાદગીનું નામોનિશાન નથી. પણ આઈઆઈએમની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની યાદી તપાસો તો તમને અત્યારના હુઝ હુમાં એમનાં નામ જડે. અરવિંદ કેજરીવાલની અત્યારની બધી વાહવાહી બે વરસ પહેલાં અણ્ણા હઝારેના ઉપવાસના ગતકડાને મીડિયાએ આપેલી પબ્લિસિટીને આભારી છે. ભારતમાં પોતાને કિંગ મેકર માનતું અને કેટલાય લોકોનાં કરપ્શનને છાવરતું તેમ જ પ્રોત્સાહન આપતું દેશનું જંગી મીડિયા હાઉસ જે રાગ છેડે છે તેને એના રાઈવલ્સ લોલેલોલ કરીને ઝીલી લે છે. મીડિયામાં મળતી પબ્લિસિટીને કારણે સાઈબર જગતના નવરાઓને પણ ઉપાડો મળે છે. મીડિયા વિશેનું એક સત્ય વાચકોએ જાણી રાખવું જોઈએ. મીડિયા સમાજનું દર્પણ છે એ વાત સાચી પણ સો ટકા સાચી નહીં. મીડિયા સમાજના દસ જ ટકા હિસ્સા પર અરીસો ધરે છે. આને કારણે ભોળા વાચકો/ ટીવી દર્શકો પર છાપ એવી પડે છે કે જે છે તે આ જ છે, બાકીનું ૯૦ ટકા જગત એક્ઝિસ્ટ જ નથી કરતું, બાકીના ૯૦ ટકા સમાજનું કોઈ અસ્તિત્વ જ નથી. આટલું ઓછું હોય તેમ ડગલે ને પગલે મીડિયા ન્યૂઝની સાથે વ્યૂઝની ભેળસેળ કરતું રહે છે. ન્યૂઝ જુદા અને વ્યૂઝ જુદા એવા બે સ્પષ્ટ વિભાગોની મીડિયા સેળભેળ કરી નાખે છે. આને લીધે મીડિયા જે દસ ટકા સમાજ સામે અરીસો ધરે છે તે અરીસો અમદાવાદની બાલવાટિકામાં એક જમાનામાં હતો તેવો બની જાય છે જેમાંનું પ્રતિબિંબ ક્યારેક લાંબું, ક્યારેક ઠીંગણું તો ક્યારેક જાડું ને ક્યારેક પાતળું દેખાય. મીડિયાના આવા વિકૃતિભર્યા આયનાથી જગતને, ભારતને કે આપણી આસપાસના સમાજને જોવાને બદલે થોડીક મહેનત કરીને ભગવાને આપેલી બુદ્ધિની ધાર તેજ કરીશું તો ખ્યાલ આવશે કે કેજરીવાલનો સામ્યવાદ આ દેશને સરવાળે કેટલો મોંઘો પડવાનો છે. |
No comments:
Post a Comment