બે ટાઈમ-ઝોનની જરૂર: ઈલેક્ટ્રિસિટીની જંગી બચત
ભારતભરમાં એક જ ટાઈમ ઝોન છે. મતલબ કે જે સમય છે તે ઘડિયાળ અનુસાર આખા ભારતમાં એકસરખો સમય બતાવે છે. દિલ્હી અને ક્ધયાકુમારી ભલે એકબીજાથી સેંકડો માઈલ દૂર છે, પરંતુ બન્નેનો સમય એક જ છે. તેવી જ રીતે કોલકાતા અને ભૂજ બન્નેની ઘડિયાળ એકસરખો જ સમય બતાવે છે. ભારત એક વિશાળ દેશ છે. તે ૬૮ અને ૯૭ રેખાંશ વચ્ચે પથરાયેલો છે. વિશ્ર્વસ્તરે બે રેખાંશ વચ્ચે ચાર મિનિટનો તફાવત રહે છે. ૩૬૦ રેખાંશ છે તેને ૨૪ કલાક વડે ભાગવામાં આવે તો પૂર્વ અને પશ્ર્ચિમનાં નગરો વચ્ચે ૧૧૬ મિનિટ એટલે કે લગભગ બે કલાકનો ગાળો છે. ૧૯૪૭માં જ્યારે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ સ્વીકારવામાં આવ્યો હતો તે વખતે ૮૨.૫ રેખાંશને સ્વીકૃત કરવામાં આવ્યો હતો. તેના આધારે સમયની ઘડિયાળ ફરતી હતી. આ રેખાંશને કારણે બને છે એવું કે અરુણાચલ, આસામ, મેઘાલય જેવાં પૂર્વોત્તર રાજ્યોમાં સૂર્ય સવારે ચાર વાગે ઊગે છે જ્યારે ગુજરાતના ભૂજ, અમદાવાદ વગેરે સ્થળે સૂર્યોદય સવારે સાત વાગ્યે થાય છે. આ બધાને કારણે ઓફિસ તો ત્યાં સવારે ૧૧ વાગ્યાથી કાર્યરત થાય છે. જ્યારે સાંજે વહેલી બંધ કરી દેવી પડે છે અથવા તો ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ સાંજે વધી જાય છે. આ બાબત પૂર્વોત્તર રાજ્યોને લાગુ પડે છે. સવારે અને સાંજે બન્ને સમયે ઈલેક્ટ્રિસિટીનો વ્યય થાય છે. આસામના મુખ્યમંત્રી દ્વારા ઈલેક્ટ્રિસિટીના બચાવ માટે બે ટાઈમ ઝોનની માગણી કરવામાં આવી છે. કારણ કે પૂર્વનાં રાજ્યોની બૅન્ક, સરકારી ઓફિસ તેમજ વ્યાપારી સંસ્થાઓ દૂરના ભારતનાં મથકો સાથે તાલ મિલાવી શકતા નથી. કારણ એ છે કે તેમને ત્યાં અંધારું વહેલું થઈ જાય છે અને સૂર્યોદય સવારે વહેલો થાય છે. ૧૯૪૭ પૂર્વે બે ટાઈમ ઝોન હતાં. તે વખતે આટલો વેપાર, વ્યવહાર, રેલવે અને સંદેશા વ્યવહારની સુવિધા નહોતી છતાં કોલકાતા ૫=૩૦=૨૧ જીએમટીથી આગળ અને બોમ્બે ટાઈમ ૪=૫૧=૦૦ જીએમટીથી આગળનો હતો. પૂર્વોત્તર રાજ્યોથી બંગલાદેશ જે ભારતનો જ ભાગ હતું ત્યાં આજે અડધી કલાક આગળનો સમય પ્રવર્તમાન છે. વર્ષ ૨૦૧૨માં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ દ્વારા જણાવાયું હતું કે જો આ રીતે સમય ઝોનમાં ફેરફાર કરીને ઉચિત નિર્ણય કરવામાં આવે તો વાર્ષિક બે અબજ કિલોવોટ અવર્સની વિદ્યુત બચે તેવું છે. આ ફેરફારથી રેલવે, ટ્રાન્સપોર્ટ તેને કોઈ નકારાત્મક અસર થવાની નથી. એક વખત તેમાં સમયોચિત ફેરફાર થશે તો તેની રીતે ગોઠવણી પણ થઈ જવાની છે. પૂર્વ ભારતનાં રાજ્યોમાં આથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા બન્નેમાં વધારો થશે. આસામના ચાના બગીચામાં શ્રમિકો વહેલી સવારથી કામ શરૂ કરે તો સાંજે સૂર્યાસ્ત સુધીમાં ઘણું કામ પૂરું થઈ શકે છે. સમય ઝોનમાં ફેરફાર કરવાથી ૧૭ થી ૧૮ ટકા ઈલેક્ટ્રિસિટીનો બચાવ થવાનો છે. આ બચત નાનીસૂની નથી. પૂર્વ ભારત આમ પણ ઈલેક્ટ્રિસિટીના પુરવઠાની તંગી ભોગવે છે. ત્યાં બચત થવાથી ઈલેક્ટ્રિસિટીનો પુરવઠો વધવાનો છે. અમેરિકા, બ્રિટનમાં શિયાળાની સિઝનમાં નવેમ્બર-માર્ચ દરમિયાન ઘડિયાળમાં એક કલાકનો ફેરફાર થાય છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ૧ કલાક આગળ અને શિયાળામાં પાછળ ઘડિયાળના કાંટા કરી નાખવામાં આવે છે. આ માટેની જાહેરાત રેડિયો અને ટીવી પર જોરદાર રીતે થાય છે. લોકોને પૂરતું શિક્ષણ અને સમજદારી આપવામાં આવે છે એટલે કોઈ મોટા પ્રશ્ર્ન ઊભા થતા નથી. જ્યારે ઈલેક્ટ્રિસિટી નહોતી તે વખતે ૧૦૦-૧૨૫ વર્ષ અગાઉ વહેલા જાગીને કાર્યની શરૂઆત કરવાનો ક્રમ હતો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું વર્ક કલ્ચર હતું. ગાંધીજી સ્થાપિત ખાદી ભંડાર અને ખાદી મંદિરોમાં સૂર્યાસ્તના સમયે કામકાજ બંધ કરી દેવાનો રિવાજ હતો. આથી ઈલેક્ટ્રિસિટીનો ખર્ચ બચી જતો હતો. કોઈ ખાદી ભંડાર ઈલેક્ટ્રિસિટીનો હદ બહાર ઉપયોગ કરતા નહોતા. આજના વ્યાપાર, વાણિજ્યમાં ઈલેક્ટ્રિસિટી અને ટેલિફોન (ઈન્ટરનેટ, ફેક્સ, મોબાઈલ સાથે) ખર્ચા અનહદ વધી રહ્યા છે. કેટલાક લોકો ઈલેક્ટ્રિસિટીના બિલ વધી રહ્યા છે તેની ફરિયાદ કરે છે, પરંતુ ઘરમાં પંખા, ફ્રીઝ, એસી, વોશિંગ મશીન અને મિક્સચર, વોટર પ્યોરીફાયર જેવાં ઉપકરણો કેટલાં છે? તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? ટીવી મધ્યરાત્રિ સુધી ચાલે છે. ત્યારબાદ ફરિયાદ કરે છે કે બિલ વધી રહ્યું છે! સમયના બે ઝોન બાબતે નિર્ણય લેવાનું કાર્યક્ષેત્ર કેન્દ્ર સરકારનું છે. જો કેન્દ્ર સરકાર આ બાબતે નિર્ણય કરે તો સમગ્ર રાષ્ટ્રને ફાયદો થવાનો છે. આશ્ર્ચર્ય એ વાતનું છે કે આવી બાબત પ્રતિ કોઈનું ધ્યાન કેમ જતું નથી? વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના કેન્દ્ર સરકારના કોઈ જ પ્રધાને આટલા વર્ષમાં આ બાબતે કોઈ જ પ્રત્યાઘાત આપ્યો નથી. સૂર્ય એ સમસ્ત બ્રહ્માંડને જાગ્રત કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. સૂર્ય એ જગતના નિયંત્રા છે, સંચાલન કરે છે. સૂર્યથી જ વિશ્ર્વની પ્રવૃત્તિ શરૂ થાય છે અને સૂર્યના અસ્તથી પ્રવૃત્તિઓને વિરામ મળે છે. બીજે દિવસે સવારે ફરીથી તે જ સૂરજ જગતને પ્રવૃત્તિમય કરે છે. સૂર્યને સમાંતર પ્રવૃત્તિ કરવામાં આવે તેમાં માનવીનું શ્રેય અને હિત છે. |
No comments:
Post a Comment