Saturday, March 29, 2014

દિવ્યાશા દોશી-- બાળક પાસેથી શીખીએ

ખૂબ ધનવાન કુટુંબમાં જન્મેલું બાળક દશ વરસનું થયું ત્યારે તેના પિતાએ વિચાર્યું કે તેને ગામડાઓમાં લઈ જવું જોઇએ. જેથી તેને ખ્યાલ આવે કે લોકો કેટલી ગરીબીમાં જીવે છે. અને તેને પૈસાની કિંમત સમજાય. તેઓ નાનકડા ગામમાં ગરીબ ખેડૂતના ખેતરમાં જઈને થોડા દિવસ રહ્યા. 

પાછા ફરતી સમયે પિતાએ બાળકને પૂછ્યું કે તને ગામડામાં રહેવું ગમ્યું ?

બાળકે બહુ ઉત્સાહથી જવાબ આપ્યો, અરે મને તો બહુ મજા પડી. પિતાએ વળી પૂછ્યું તે જોયું લોકો કેટલી ગરીબીમાં જીવે છે ? બાળકે જવાબ આપ્યો, હા મેં જોયું... પિતાએ વળી પૂછ્યું કે શું જોયું વિગતે કહે તો ?

પેલા બાળકે થોડો વિચાર કરી કહ્યું, આપણી પાસે એક જ કૂતરો છે જ્યારે તેમની પાસે ચાર છે, આપણા બગીચામાં નાનકડો પુલ છે જ્યારે તેમની પાસે મોટી નદી છે... જેમાં અનેક માછલીઓ અને સુંદર પથરાંને કેટલા બધા પક્ષીઓ આવે છે. આપણા ઘરે મોંઘો ટેબલ લેમ્પ અને બત્તીઓ છે. પણ તેમની પાસે ચંદ્ર અને તારાઓ છે. આપણી પાસે નાનકડો બગીચો છે જ્યારે તેમની પાસે ખુલ્લાં મેદાનો છે. આપણે અનાજ, શાકભાજી, ફળ ખરીદીએ છીએ તેઓ ઉઘાડેલું તાજું ખાય છે. આપણી નાનકડા ઘરને સલામતી માટે વાડ બાંધી છે જ્યારે તેમની સલામતીનું ધ્યાન આસપાસના તેમના મિત્રો રાખે છે. 

પિતા કશું જ બોલી ન શક્યા. છેલ્લે બાળકે કહ્યું, થેન્ક યુ પપ્પા તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ. 

ઘણીવાર બાળકો સાચું શું ખોટું શું આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકતાં હોય છે. અને જીવનમાં ધન,સંપત્તિ કે ભૌતિક વસ્તુઓ આનંદ આપી શકતા નથી. પ્રેમ, મિત્રો, સ્વતંત્રતાની કિંમત આંકી શકાતી નથી.

No comments:

Post a Comment