Saturday, March 29, 2014

સૌરભ શાહ -- નાનપણથી જ ટેવ પડવી જોઈએ કે જે જોઈએ તે બધું મળવાનું નથી

બાળહઠ સાથે પનારો પાડવો સહેલું કામ નથી. બે બાળકો એકબીજા સાથે રમતાં હોય ત્યારે બીજું બાળક જેનાથી રમે છે એ જ રમકડું કે બોર્ડ ગેમ મને જોઈએ છે એવી જીદથી માંડીને જમતી વખતે અમુક વાનગી ખાવી અને અમુક ન જ ખાવી એવી ધરાર જીદ પકડવી કે પછી રસ્તે ચાલતી વખતે દુકાનમાં કે ફેરિયા પાસે જોયેલી કોઈ ચીજ અપાવી દેવા માટેની હઠ પકડવા સુધીની અનેક જીદોનો તમે પૅરન્ટ તરીકે સામનો કરી ચૂક્યા છો અથવા બાળક તરીકે એવી જીદ કરી ચૂક્યા છો.

બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો, સરળ પણ અત્યંત જોખમી ઉપાય છે. ખાધે પીધે સુખી એવાં કુટુંબોમાં માબાપની માનસિકતા એવી થઈ ગઈ હોય છે કે બાળક જે માગે તે એને અપાવી દેવું, બિચારાને કોઈ વાતે ખોટ ન પડવી જોઈએ, ભગવાને આ બધું આપ્યું છે તે શા માટે, વાપરવા માટે જ ને. આવા તર્કથી તેઓ નાનપણથી જ બાળકોની સાવ ક્ષુલ્લક માગણીઓથી માંડીને તદ્દન ગેરવાજબી માગણીઓને પણ પોષ્યા કરે છે. ક્યારેક બાળક જીદ કરીને રડવા માંડે ત્યારે ઘરમાં કકળાટનું વાતાવરણ ન સર્જાય એવા આશયથી માબાપ બાળકની જીદને વશ થઈ જતા હોય છે.

માનસશાસ્ત્રીઓ કહે છે કે જીદની બાબતમાં કે કશીક વસ્તુ પ્રાપ્ત કરવાની બાબતમાં બાળકનું મન પુખ્તવયની વ્યક્તિના મનની જેમ જ વર્તન કરતું હોય છે. (અથવા તો કહો કે આવી બાબતોમાં પુખ્તવયની વ્યક્તિ બાળકની જેમ જ વર્તન કરતી હોય છે). મોટા માણસને પણ જાહેરખબરો જોઈને, શૉ રૂમમાં લોભામણી રીતે સજાવેલી ચીજવસ્તુઓ જોઈને કે પછી ઓળખીતી વ્યક્તિ પાસે એ ચીજ જોઈને મન થઈ આવે છે કે મારી પાસે પણ એ વસ્તુઓ હોય. પોતાની ક્ષમતા હોય કે ન હોય, એ ચીજ ખરીદવાનાં સપનાં જોતાં થઈ જાય છે. ક્યારેક ખરીદવાની ક્ષમતા હોય અને એ ચીજ ખરીદાઈ પણ જાય ત્યારે સોમાંથી પચાસ કરતાં વધારે કિસ્સાઓમાં એવું બનતાં તમે જોયું હશે કે એ વસ્તુ વસાવી લીધાના થોડા જ સમયમાં એના માટેનો મોહ ઉતરી જાય છે. ક્યારેક મનમાં છુપી રીતે તમે કબૂલ પણ કરતા હો છો કે આ ખરીદી તમારી ભૂલ હતી, પણ બીજાઓ સમક્ષ એવી કબૂલાત કરતાં તમને ક્ષોભ થાય છે. ક્યારેક એવી કબૂલાત કરવાની તમને કોઈ જરૂર પણ નથી હોતી કારણ કે તમને કોઈ પૂછવાવાળું નથી હોતું. વસ્તુ ખરીદવાની ક્ષમતા ન હોય ત્યારે પુખ્ત વયની વ્યક્તિ મનને સમજાવી શકતી હોય છે કે આટલી આવકમાં મારાથી આટલી મોંઘી ચીજ ન ખરીદી શકાય. બાળક, મોટેભાગે, આવું સમજતું નથી. બાળક માટે માબાપ સર્વ સત્તાધારી ઈશ્ર્વર જેવાં છે, માગો તે ચીજ હાજર કરી દેશે. બાળકની આવી માન્યતા બને એટલી વહેલી તોડી નાખવી.

સાવ નાનાં બાળકો જીદે ચડે ત્યારે એમનું ધ્યાન ખૂબીપૂર્વક, એમને રસ પડે એવા કોઈક બીજા જ વિષય તરફ દોરવાની યુક્તિ જાણીતી છે, અસરકારક પણ છે. બાળકનો જીવ ખરેખર એ ચીજ પર ચોંટી ગયો હશે તો એ ફરી ફરીને એની માગણી કરશે, દિવસો પછી પણ એની માગણી ચાલુ રહેશે. આવા વખતે માબાપે પોતાની ક્ષમતાનો અને બાળકની પાત્રતાનો વિચાર કરવો જોઈએ. ત્રણ વર્ષનું બાળક ટ્રાયસિકલને બદલે બાયસિકલ માગે, આઠ વર્ષનું સંતાન મોબાઈલ ફોન માગે કે બાર વર્ષનો બાબો મોટરસાઈકલ માગે ત્યારે માબાપની ક્ષમતા હોય તે છતાં એમને એમાંનું કશું ન અપાવાય.

બાળકની જીદ ઓછી કરવા શું કરવું? નાનપણથી બાળકને એક વાતની ટેવ પાડવી જોઈએ કે એને જે મેળવવાની ઈચ્છા થાય તે બધી જ ચીજ મળી જાય તે જરૂરી નથી. ચીજ મોંઘી છે એટલે તને નથી અપાવતા એવું કારણ જ્યારે સાચું હોય ત્યારે જ કહેવું અને સાથોસાથ એ પણ ઉમેરવું કે પોસાય એમ હોત તો પણ એ ન અપાવી હોત જેનાં અનેક કારણ હોઈ શકે: એ ચીજ તબિયત માટે હાનિકારક હોઈ શકે, માનસિક વાતાવરણ દૂષિત કરનારી હોઈ શકે, કોઈકનું કે કુદરતનું શોષણ કરીને બનાવેલી

ચીજ હોઈ શકે, અત્યારે એવી જ ચીજ આપણા ઘરમાં છે - ભલે એ જૂની થઈ ગઈ હોય, બગડેલી વસ્તુ ફેંકી દઈને નવી લાવવી જરૂરી નથી - સમારકામ કરાવીને ફરી વર્ષો સુધી વાપરી શકાય છે, એ ચીજની ઉપયોગિતા આપણા માટે બહુ ઓછી છે, અત્યારે એવી તકલાદી ચીજ ખરીદવાને બદલે પૈસા આવશે ત્યારે થોડીક મોંઘી પણ ટકાઉ ચીજ લઈશું, બીજાની પાસે એ ચીજ છે પણ બીજાની પાસે એવું શું શું નથી જે તારી પાસે છે. એ ચીજ ખરીદવાને બદલે કોઈની પાસેથી વાપરવા માટે ઉછીની લઈ શકાય એમ છે અને સાચવીને વાપર્યા પછી પાછી આપી દેવાની અથવા ભાડેથી પણ લાવી શકાય એમ છે અને છેલ્લે, ધારો કે એ ચીજ કોઈક રીતે ન જ મળી તો આપણા જીવનમાં એવો તે કેટલો મોટો ફરક પડી જવાનો છે?

બાળકને નાનપણથી જ આવી તાલીમ મળી હોય તો મોટા થયા પછી એ તમારો આભાર માનશે. કોઈ પણ માણસને એ જે કંઈ ઈચ્છે છે તે બધું જ નથી મળતું. એ શક્ય નથી, જરૂરી પણ નથી. જિંદગીમાં દરેક ઘણી બધી વસ્તુઓ વિના ચલાવી લેવું પડે છે. એક જમાનામાં જાહેરખબરોમાં સિગારેટના કશ લેતો માણસ બોલતો હતો: ‘મને જે કંઈ જોઈએ છે તે મેળવીને જ હું રહું છું.’ આવું રિયલ લાઈફમાં કહેવું કે માનવું એને મૂર્ખામી કહેવાય, ખુમારી નહીં.

બાળકને અભાવની પણ આદત પડવી જોઈએ. કપરી આર્થિક પરિસ્થિતિમાં ઉછરેલાં સંતાનોને મા રોજ સાંજે છ વાગ્યે સવાર-સાંજનું એકમાત્ર ભોજન જમાડતી હોય છે. આવાં સંતાનો મોટાં થઈને વધુ સમજુ સિદ્ધાંતવાદી અને પ્રામાણિક નાગરિકો બનતાં હોય છે. કોઈ પણ પ્રકારના અભાવની આદત પરિસ્થિતિવશ પડી હોય કે માબાપની સમજણને કારણે પાડવામાં આવી હોય, એ તાલીમ મોટા થયા પછી ખૂબ મોટી મૂડી પુરવાર થાય છે.

તમે મારા દેવના દીધેલ છો, તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રહો એવું ગાઈને બાળકને ભરપૂર માનસિક લાડ જરૂર લડાવીએ પણ ભૌતિક લાડકોડથી દૂર રાખીએ. બાળક જે માગે તે તરત હાજર કરી દઈએ ત્યારે એ મોંએ ચડી જાય છે અને મોટા થયા પછી એનાં દુષપરિણામો એણે પોતે જ ભોગવવાનાં આવે છે, જેના માટે સંપૂર્ણપણે જવાબદાર માબાપ હોય છે.

આજનો વિચાર

જે કરવું છે તે કરવા માટેનો સમય હંમેશાં મળી રહેતો હોય છે. અભાવ સમયનો નહીં, જે કરવું છે તે કરવાની તિવ્ર ઈચ્છાનો હોય છે.

- જ્હૉન લુબોક

એક મિનિટ!

એક જમાનામાં માત્ર ‘ઘરવાળી’ અને ‘બહારવાળી’ રહેતી.

હવેના જમાનામાં આ મારી ‘બીબીએમવાળી’, આ મારી ‘ફેસબુકવાળી’, આ મારી ‘વૉટ્સએપવાળી’, આ મારી ‘સ્કાઈપવાળી’, આ મારી ‘વાઈબરવાળી’, આ મારી ‘ ઈન્સ્ટાગ્રામવાળી’...

No comments:

Post a Comment