Sunday, January 5, 2014

તંત્રીલેખ - વડા પ્રધાન હતાશા અને નિષ્ફળતાની કબૂલાત કરે છે

વડા પ્રધાન હતાશા અને નિષ્ફળતાની કબૂલાત કરે છે



ભાગ્યે જ કંઈ બોલતા અને અભિપ્રાય આપતા વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની પત્રકાર પરિષદમાં મૂઆ નહીં, પરંતુ પાછા થયા જેવી વાતો નાગરિકોને સાંભળવા મળી છે!! દરેક બાબતે નિષ્ફળ નીવડેલા વડા પ્રધાન કૉંગ્રેસ પક્ષ અને દેશ માટે બોજો બની ગયા છે. આવી વ્યક્તિને વડા પ્રધાનપદ માટે ચલાવી લેવી તે પણ એક પ્રકારનો રાષ્ટ્રદ્રોહ છે.

જે વડા પ્રધાન ૮૦ વર્ષની વય વટાવી ચૂક્યા છે, ત્રણવાર બાયપાસ થઈ ચૂકી છે તેમની પાસેથી બીજી અપેક્ષા રાખવી યોગ્ય નથી, પરંતુ કમસે કમ નિષ્ઠાની અપેક્ષા ચોક્કસ રાખી શકાય. છતાં પ્રજાને તેમાં નિષ્ફળતા મળે તેવું તેમનું વક્તવ્ય હતું. ૧૦ વર્ષમાં રોજગારી વધી નથી તેવી કબૂલાત તેમણે કરી છે તે હકીકત સ્વીકાર્ય છે, પરંતુ જવાબદારી કોની?

કૉંગ્રેસ પક્ષ દ્વારા અવારનવાર ડૉ. મનમોહન સિંહનું અપમાન કરવામાં આવ્યું છે. તેમાં સાંસદોને ગેરલાયક ઠરાવતો ખરડો ફાડી નાખવાની પક્ષના જ મહામંત્રી રાહુલ ગાંધીની ચેષ્ટા અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી કૉંગ્રેસના ધબડકા બાદ જાહેરમાં પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ નવા વડા પ્રધાનનું નામ ટૂંક સમયમાં જાહેર થશે તેવી કરેલી જાહેરાત. આ બે મુદ્દા સ્પષ્ટ રીતે વડા પ્રધાનનું અપમાન સમાન હતા.

તેમ છતાં નારાજગી સુદ્ધાં વ્યક્ત કરવાની તસ્દી તેમણે લીધી નથી. વડા પ્રધાનપદે બેઠેલી વ્યક્તિ આટલી હદ સુધી સત્તાલાલચુ હોઈ શકે ખરી? સ્વમાન જેવી કોઈ ચીજ તેમનામાં નથી? પ્રજા આવો પ્રશ્ર્ન વારંવાર પૂછી રહી છે, પરંતુ કોઈ સંતોષ થાય તેવો જવાબ મળતો નથી.

પ્રજાને તુચ્છકાર તો ત્યારે થાય છે કે જ્યારે વડા પ્રધાન તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણ એ અમેરિકા સાથેના ન્યૂક્લિઅર સોદાને ગણાવે છે!! ડૉ. મનમોહન સિંહ આ કક્ષાની વ્યક્તિ હશે તેની કોઈએ કલ્પના કરી ન હોય. તેવે વખતે સૌથી વધુ ભ્રષ્ટ અને રાષ્ટ્રદ્રોહી સોદાને તેઓ વખાણે છે. તેથી કોઈને પણ તેમની નિષ્ઠા પ્રતિ શંકા જાય છે.

આ ન્યૂક્લિઅર સોદાની લેતીદેતી કેવી અને કઈ રીતની હતી તે સંસદમાં દર્શાવાયેલા ચલણી નોટના જથ્થા પરથી નક્કી થઈ શકે તેવું છે. આ સોદામાં તપાસ પણ "સરકારી પદ્ધતિથી થઈ અને હવે તે કેસ ફાઈલ કરી દેવાયો છે!! કોઈને તેની લજ્જા કે શરમ રહી નથી અને દેખિતી રીતે તેમાં ઉચ્ચકક્ષાની સંડોવણી છે તેથી કંઈ વળવાનું નથી. આ સઘળું છે તેઓ જ સોદાને "શ્રેષ્ઠ ગણાવે છે!!

વર્ષ ૨૦૦૪થી સત્તામાં રહેલી કૉંગ્રેસે વર્ષ ૨૦૦૯ની બીજી ટર્મમાં કોલસાકાંડ, રમતોત્સવ અને ટેલિકોમકાંડ દરમિયાન જે ગેરરીતિ થઈ છે તેમાં વડા પ્રધાનની જવાબદારી કેમ ન ગણાય? જો તેમની જવાબદારી નથી તો પછી કોની જવાબદારી? અમેરિકાના પ્રમુખને આવી ગેરરીતિ માટે જવાબદાર ગણવા? આ જવાબ તેઓ આપી શકતા નથી.

આવે વખતે વડા પ્રધાન એવો લૂલો બચાવ કરે છે કે માત્ર એક રાજકીય પક્ષ કદી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકે તેમ નથી!! આવું વિધાન તેમની પલાયનવાદી મનોવૃત્તિ સૂચવે છે એટલું જ નહીં માત્ર નિષ્ફળ વ્યક્તિ જ આવું બોલે છે. ૧૦ વર્ષમાં ઘણું થઈ શક્યું હોત, પરંતુ તેમને હાથા બનાવીને "અન્ય લોકોએ પોતાના કામ કરાવી લીધાં છે!!

તેમના જ પ્રધાનમંડળના રેલવેમંત્રી અને કાનૂનમંત્રી બન્ને પંજાબના હતા અને ગેરરીતિ બદલ ગયા. છતાં જો તેઓ એવો બચાવ કરે છે કે ગેરરીતિમાં તેમના કોઈ સગાંસંબંધી નથી અને મિત્રોને કે સગાને કોઈ ફાયદો કરાવ્યો નથી. આવી વાત કરવાથી તેમના હાથ ચોખ્ખા છે તે સાબિત થઈ શકતું નથી. ઊલટું તેમની નબળી બાજુ છે કે સુપ્રીમ કોર્ટે કોલસાકાંડમાં વડા પ્રધાનના મંત્રાલયને જવાબદાર ગણ્યું છે.

ભ્રષ્ટાચાર અને ભાવ મોરચે ડૉ. મનમોહન સિંહ સંપૂર્ણ નિષ્ફળ છે. પોતાની નિષ્ફળતાને અન્ય પર ઢોળવાનો પ્રયાસ પણ ટીકાને પાત્ર છે. માત્ર તેઓ જ વડા પ્રધાન બની શકે અને બીજું કોઈ જ નહીં? તેઓ કઈ રીતે વડા પ્રધાન બન્યા છે તે પણ જાણીતી બાબત છે. સોનિયા ગાંધી ઈચ્છે તેજ વ્યક્તિ વડા પ્રધાન બને તે કૉંગ્રેસનો નિયમ છે.

હવે તેઓ બાકી રહેલા સમયગાળામાં કામ કરવાની વાત કરે છે, પરંતુ જે કાર્ય બે ટર્મમાં ન કરી શક્યા તે હવે કઈ રીતે પૂરું થશે? ખરેખર તો તેમને હાથો બનાવીને કૉંગ્રેસ પક્ષમાં રહેલી એક ટોળકીએ ભ્રષ્ટાચાર કર્યો છે, જ્યારે કૉંગ્રેસ સત્તાભ્રષ્ટ થશે તે વખતે જ કઈ રીતે ગેરરીતિ થઈ તેના રહસ્ય બહાર આવશે.

બાકી, વડા પ્રધાને જે કંઈ વાત કરી તેમાં નિરાશા અને હતાશા સિવાય કશું જ નથી. કોઈ જોમજુસ્સો પ્રેરે તેવા મુદ્દા નથી. કોઈ દૃષ્ટિ કે આગળનું આયોજન આટલા વર્ષમાં નહીં દેખાયું તો પછી હવે શું બાકી રહ્યું છે? વડા પ્રધાન હજુ માનભેર નિવૃત્ત થાય તો તેમની બાંધી મુઠ્ઠી રહી જવાની છે.

No comments:

Post a Comment