ગીતા માણેક યે દિલ માંગે મોત... બૉલીવુડના કે ભારતીય ક્રિકેટ જગતમાં કોઈપણ લોકપ્રિય અને સફળ બને એટલે ઠંડાં પીણાં બનાવતી કંપનીઓ તરત જ તેમને અધધધધ રકમ આપીને જાહેરખબર માટે સાઇન કરી લે છે. કારણ? બોલીવુડના બાદશાહો કે ફૂટડી હીરોઈનો કે ચોક્કા-છક્કા ફટકારતા બેટ્સમેનો જ્યારે યે દિલ માંગે મોર અથવા સબસે બડી પ્યાસ કહીને ઠંડા પીણા પીતાં દેખાય છે ત્યારે સામાન્ય લોકો તેમની પાછળ-પાછળ એ પીણાંઓ ગટગટાવવા તૈયાર થઈ જાય છે. સામાન્ય પ્રજાને ભાગ્યે જ જાણ છે કે આ પીણાંઓથી તરસ છિપાતી હોવાની પ્રતીતિ ભલે થતી હોય પણ ખરેખર તો તેમના માટે બીમારી અને આપણી નહીં પણ યમરાજાની પ્યાસ બુઝાવવાનું માધ્યમ બની જતી હોય છે. કમનસીબે સત્તાની ખુરશી પર બેઠેલાઓને કાં તો પોતાના ગજવાં ભરવામાં રસ છે અને નહીં તો તેઓ જે મલ્ટીનેશનલ કંપનીઓ (એમએનસી)ને અછોવાનાં કરી રહ્યા છે, એ પ્રજાના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે કેવાં ચેડાં કરી રહ્યા છે એનું આ અભણ અને અનાડી નેતાલોગને ભાન પણ નથી. એટલું જ નહીં પણ આ ઠંડાં પીણાં જેને અંગ્રેજીમાં એરેટેડ વોટર કહે છે એ બનાવનારી કંપનીઓ આપણા દેશના જળસ્ત્રોતની અને અર્થતંત્રની પણ કેવી વાટ લગાડી રહી છે એ જાણવા-સમજવા જેટલી કાં તો બુદ્ધિ અને કાં તો દાનત ખુરશી પર બેઠેલાઓની નથી. જોકે આપણામાંના ઘણા લોકોમાં ધીમે-ધીમે એક જાગરૂકતા આવી રહી છે કે આ પીણાંઓ આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી પણ એ કેટલી હદે હાનિકારક છે એનો ઘણા લોકોને અંદાજ નથી અને એટલે જ આ કાળા-કેસરી કે સફેદ પીણાંઓ ગટગટાવતા રહે છે. સૌથી પહેલાં આપણે આ પીણાંઓની આપણા શરીર પર કેટલી ખતરનાક અસર થાય છે એની વાત કરીશું. પોતાનો માલ પધરાવવા માટે આમ તો કોકા કોલાના ચેરમેન અને સીઈઓએ એવો દાવો કર્યો છે કે અમારા ઉત્પાદનો તો બહુ જ સ્વાસ્થ્યપ્રદ છે. શરીરમાં પ્રવાહી જવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે... કોકા કોલા કંપની તો લોકોને પ્રવાહી પીવા માટે પ્રેરિત કરવાની મહાન સેવા બજાવી રહી છે! જ્યારે હકીકત એ છે કે આ પીણાંઓ દ્વારા આ કંપનીઓ લોકોના પેટમાં ઝેર રેડી રહી છે એવું કહેવામાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી. હિંદુસ્તાનમાં આ બધાં પીણાંઓ ઘણાં મોડેથી આવ્યા પણ અમેરિકા અને જર્મની અને પશ્ર્ચિમના અન્ય દેશમાં પાણી ઓછું અને એરેટેડ ડ્રિંક્સ અથવા જેને તેઓ સોડાના ટૂંકા નામે બોલાવે છે એ વધુ પીવાય છે. વર્ષો આ પીણાંઓ ગટગટાવ્યા બાદ ત્યાંના લોકોના આરોગ્ય પર જે અસર થઈ છે એ પછી કેટલાક સમજદાર જાગૃત વ્યક્તિઓ અને વૈજ્ઞાનિકોએ ઘણું સંશોધન કરીને આ પીણાંઓ શરીર માટે કેટલા હાનિકારક છે એનો પર્દાફાશ કર્યો છે. અહીં આ પીણાંઓની વાત કરતી વખતે પરદેશમાં થયેલાં સંશોધનો પર વધારે આધાર રાખવો પડશે કારણ કે અહીં તો લોકોની ઊંઘ ઉડતાં હજુ વર્ષો લાગી જશે અને ત્યાં સુધીમાં આ કંપનીઓએ આપણી પ્રજાનું ઘણું નખ્ખોદ વાળી નાખ્યું હશે. આ પીણાંઓમાં એસિટિક, ફ્યુમેરિક, ગ્લુકોનિક અને ફોસ્ફોરિક એસિડનો ઉપયોગ થાય છે. આ પીણાંઓને હલકાં માદક અને એનું વ્યસન થઈ જાય એવા બનાવવા માટે એસિડનું જે કોમ્બિનેશન વપરાય છે એ એટલું તેજાબી હોય છે કે ઘણા પ્લમ્બરો મોરીનો પાઈપ ભરાઈ ગયો હોય ત્યારે એમાંથી કચરો છૂટો પાડવા માટે એનો ઉપયોગ કરે છે. કેટલાક કાર મેકેનિક્સ કટાઈ ગયેલી કારની બેટ્રીનો કાટ કાઢવા માટે પણ વાપરે છે. હવે વિચારો કે આ પીણાં આપણા પેટમાં કેવો વિનાશ સર્જતા હશે! નિયમિત આ પીણાંઓ પીવાથી પેટના પાચનઅવયવોમાં સોજો આવે છે ઉપરાંત અવયવો ખવાતાં જાય છે જેને મેડિકલ ભાષામાં ગેસ્ટ્રોનોમિક ડિસ્ટ્રેસ કહે છે. આ પીણાંઓ આપણા શરીર માટે જરૂરી એવા સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમનું સંતુલન ખોરવી નાખે છે. જેના પરિણામે હાડકાં નબળાં પડવા, કોલાઇટિસ, હાર્ટ ડિસીઝ, પાચનતંત્રને લગતી બીમારીઓ અને એનિમિયા જેવા રોગને ભાવભીનું નિમંત્રણ પાઠવે છે. આ ૩૦૦ મિલિલિટર કોલ્ડ ડ્રિંક્સની એક બોટલમાં ૩૦-૪૦ મિલીગ્રામ કેફિન હોય છે. કેફિનનું વ્યસન થઈ જાય છે એ તો આપણે બધાને ખબર છે. હું ચા-કોફી નથી પીતો કે મને એની ટેવ નથી’ એવું ગર્વ સાથે કહેતી વ્યક્તિઓ કોલ્ડ ડ્રિંક્સની બોટલો બેધડક ઢીંચતા હોય છે કારણ કે તેમને પોતાને પણ ખ્યાલ નથી હોતો કે તેમને આની પણ ટેવ પડી જાય છે. હકીકતમાં કેફિન પોતાનામાં જ શરીર માટે ઉપયોગી નથી પણ જ્યારે કેફિન ઠંડું કરીને પીવામાં આવે છે ત્યારે એની આદત પડવાની સંભાવના અનેકગણી વધી જાય છે. આ સિવાય પણ કેફિન ઠંડું કરીને પીવાથી એ વધુ ખરાબ અસરો પેદા કરે છે. ઠંડા પીણાંઓમાં ઠંડુ થયેલું કેફિન નર્વસનેસ, ચીડિયાપણું, અનિદ્રા અને હૃદયની ધડકનો તેજ કરે છે. અમેરિકામાં કરવામાં આવેલા સંશોધન મુજબ દરરોજ જો ૧૦૦ મિલીગ્રામ કેફિન જે બેથી ત્રણ બોટલ પીવાથી મળે છે એનાથી વ્યક્તિ તેનો બંધાણી બને છે. બોર થતાં યુવાનો એકાદ ઠંડા પીણાની બાટલી ઢીંચી જાય છે ત્યારે તેમને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ ધીમે-ધીમે એના બંધાણી થઈ રહ્યા છે. કદાચ કોઈ એવી દલીલ કરે કે અમે કંઈ રોજ ઠંડા પીણા પીતાં નથી પણ અવારનવાર પી લઈએ છીએ પણ આ વ્યક્તિઓને ખ્યાલ નથી કે કેફિનને કારણે હાડકાંઓમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. જે સંશોધન થયું છે એ પ્રમાણે ૩૦૦ મિલીલિટરની એક બોટલ એરેટેડ વોટર અથવા તો જેની જોરશોરથી જાહેરખબરો કરવામાં આવે છે એ ઠંડું પીણું પીવાથી હાડકાંઓમાંનું ૨૦ મિલીગ્રામ કેલ્શિયમ ઓછું થાય છે! આ સિવાય આ પીણાંઓમાં સાકરની માત્રા બહુ મોટા પ્રમાણમાં હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે રિફાઇન્ડ સુગર એટલે કે સાકર આપણા શરીર માટે કેટલી નુકસાનકારક છે. આ પીણાંઓમાં સાકર ઠાંસીઠાંસીને નાખવામાં આવે છે એસિડ, કેફિન જેવા જે પદાર્થો આ કોલ્ડ ડ્રિંક્સમાં નાખવામાં આવે છે એના કડવાશભર્યા સ્વાદને મારી નાખવા માટે દોથા ભરીને સાકર ભભરાવવામાં આવે છે. ના, અહીં દોથા ભરીને એવા આ કાઠિયાવાડી શબ્દો કંઈ લેખને વધુ મજેદાર બનાવવા નથી લખવામાં આવ્યા પણ દરેક ૩૦૦ મિલીલિટરની બોટલ દીઠ ૮-૯ ચમચી સાકર આ પીણાંઓમાં ઠાલવવામાં આવી હોય છે! વધુ પડતી સાકર પણ વ્યક્તિને એ પદાર્થની લત લગાડી શકે છે. આટલી બધી સાકરને પચાવવા માટે પાચનતંત્રને ખૂબ બધા પાણીની જરૂર પડે છે. એ જરૂરિયાત પૂરી કરવા માટે પાચનતંત્ર શરીરના અન્ય અવયવોમાંથી પાણી ખેંચી લે છે જેને કારણે આવું ઠંડું પીણું પીધા પછીના થોડા જ સમયમાં વધુ જોરથી તરસનો અનુભવ થાય છે અને એ પ્યાસ મિટાવવા શક્ય છે કે વ્યક્તિ એવું જ વધુ પીણું ગટગટાવી જાય. આ પીણાંઓ ઢીંચવાને કારણે ઓબેસિટી એટલે કે મેદસ્વીતા, ડાયાબિટીસ, હૃદયરોગ તેમ જ અન્ય રોગ કેવી રીતે આપણા મોં વાટે આ પીણાંઓ દ્વારા પ્રવેશે છે અને શરીરમાં મહેમાન નહીં પણ સ્થાયી થઈને રહી જાય છે એની વાત આવતા વખતે વિસ્તારપૂર્વક કરીશું અને પશ્ર્ચિમના દેશોમાં હવે જ્યારે આ બધી બાબતો અંગે જાગરૂકતા આવી છે અને ત્યાં આ મલ્ટીનેશનલ કંપનીઓના ઉત્પાદનોનું વેચાણ ઘટી રહ્યું છે ત્યારે તેમણે ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં કેવો પગદંડો જમાવવા માંડ્યો છે એ વિશે પણ વાત માંડીશું. આને માટે તેમના ટાર્ગેટ છે આપણાં બાળકો. નાનપણથી જ વિવિધ માધ્યમો દ્વારા તેમને આ પીણાંઓ પ્રત્યે આકર્ષિત કરીને પોતાના બેન્કનાં ખાતાંઓ નાણાંથી ફાટફાટ કરવાની પેરવી કરી રહ્યા છે. આપણે ત્યાં પણ હોંશે-હોંશે મા-બાપ પોતાના નાનાં-નાનાં ભૂલકાંઓને આવા પીણાં પીવડાવે છે. શહેરોમાં લગભગ દરેક બર્થડે પાર્ટીમાં આવા જ પીણાંઓના ગ્લાસ ભરી-ભરીને બાળકોને પીરસવામાં આવે છે. મા-બાપને પોતાને જ કદાચ ખ્યાલ નથી હોતો કે આ કોલ્ડ ડ્રિંક્સના નામે તેઓ બાળકોના પેટમાં ઝેર ઠાલવી રહ્યાં છે અને તેમને જાતભાતના રોગ ભેટમાં આપી રહ્યા છે. આપણા બેવકૂફ, લુચ્ચા, ખંધા અને લાંચિયા નેતાઓ આપણા ભારતીય સ્વાસ્થ્યવર્ધક પીણાંઓને ઉત્તેજન આપવાને બદલે આ મલ્ટીનેશનલ કંપનીઓની સાથે કુલડીમાં ગોળ ભાંગીને આપણા આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. આ વિશે વધુ વિસ્તારપૂર્વક વાત કરીશું આવતા શનિવારે. |
Wednesday, January 1, 2014
ગીતા માણેક -- યે દિલ માંગે મોત...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment