ન્યૂ યોર્ક સ્થિત ભારતીય કોન્સુલેટમાં ડેપ્યુટી કોન્સલ જનરલના હોદ્દા પર ફરજ બજાવતાં દેવયાની ખોબ્રાગડેની કામવાળી સંગીતા રિચર્ડ્સની ફરિયાદને પગલે અમેરિકી પોલીસતંત્રે દેવયાની સાથે બિનજરૂરી કડક વર્તાવ કર્યો અને અમેરિકી તંત્રના આ અયોગ્ય વ્યવહાર સંદર્ભે ભારત સરકારે અસામાન્ય ઉગ્ર પ્રતિક્રિયા આપી. આ મુદ્દાઓ થોડા સમયથી મીડિયામાં ગાજી રહ્યા છે. દેવયાની ખોબ્રાગડેને પોતાના હોદ્દાની રૂએ પોતાના માટે હાઉસહોલ્ડ હેલ્પ દેશમાંથી અમેરિકા લઈ જવાની છૂટ છે. એ માટે તેઓ પોતાના સર્વન્ટ્સ કે મેઇડ્સને એક વિશિષ્ટ કેટેગરીના વિઝા હેઠળ અમેરિકા લઈ જઈ શકે તેવી જોગવાઈ છે. એ રીતે જ સંગીતાને તેઓ ભારતથી ન્યુ યોર્ક લઈ ગયાં હતાં. થોડા સમય પહેલાં સંગીતા તેમનું કામ છોડીને ચાલી ગઈ હતી અને ત્યાર બાદ દેવયાની વિરુદ્ધ તેણે ફરિયાદ કરી હતી કે તે મારી પાસે નિયમ કરતાં વધુ કામ કરાવતી હતી અને નિયમ કરતાં ઓછો પગાર આપતી હતી. અમેરિકામાં આવું વર્તન ‘ઇલ ટ્રીટમેન્ટ’ની કેટેગરીમાં આવે છે. આ બધા આક્ષેપોને પગલે અમેરિકામાં દેવયાનીની ધરપકડ કરાઈ. ત્યાર બાદ તેને મોટી રકમની બેઇલ લઈને છોડવામાં આવી છે. ડિપ્લોમેટ હોવાને આધારે તેમને કાનૂનની જોગવાઇઓમાંથી અમુક પ્રકારની છૂટનો અધિકાર (ઇમ્યુનિટી) હોય છે તે પણ તેમને નથી અપાયો! જો કે આ વખતે ભારત સરકારે અમેરિકાની દાદાગીરી ચૂપચાપ સહેવાને બદલે સામો પડકાર કર્યો અને તરત યુ.એન. પરમેનન્ટ મિશનમાં દેવયાનીની નિમણૂક કરી દીધી છે એટલે દેવયાનીને આ સ્થિતિમાં એટલી રાહત થઈ હશે. દરમિયાન દેવયાનીના કહેવા મુજબ સંગીતા તેને ત્યાં કામ કરતી હતી ત્યારે જ તેણે બીજી જગ્યાએ કામ કરવા જવું હતું પણ દેવયાનીએ તેને એ માટે રજા નહોતી આપી, કેમકે તે ડિપ્લોમેટના હાઉસકીપર માટેના વિશિષ્ટ વિઝા ઉપર ત્યાં ગઈ હતી. પછી એક દિવસ સંગીતા દેવયાનીને છોડીને ભાગી ગઈ હતી! આપણે ત્યાં તો છાશવારે કામવાળીઓ શેઠાણીઓને લટકાવીને ભાગી જાય છે અને બીજાનું કામ પકડી લે છે, પરંતુ ન્યુ યોર્કના ભૂતપૂર્વ ભારતીય કોન્સલ જનરલ પ્રભુ દયાલે જુગલ પુરોહિત સાથે કરેલી વાત વાંચીએ તો લાગે કે અમેરિકામાં જઈને પોતાના શેઠ- શેઠાણીઓને છોડીને ભાગી જવાની ઘટના ડિપ્લોમેટિક અધિકારીઓના જીવનમાં કંઇક વધુ પડતી નિયમિતતાથી બની રહી છે! પ્રભુ દયાલ સપ્ટેમ્બર ૨૦૦૮થી ફેબ્રુઆરી ૨૦૧૩ દરમિયાન ન્યુયોર્કમાં ભારતીય કોન્સલ જનરલ હતા. અને દેવયાની ત્યાં આવી પછી તેમના જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. પ્રભુએ જણાવ્યું છે કે દેવયાની સાથે તેની કામવાળીએ જે કર્યું એ કંઇ નવી વાત નથી. તેમણે પોતાનો અને એક બીજા ભારતીય કોન્સલના અનુભવો વર્ણવ્યા છે તે વાંચતા એમ લાગે કે આ તો એક સરખી પેટર્ન છે! પ્રભુ જણાવે છે કે તેમને ત્યાં ભારતમાં સંતોષ ભારદ્વાજ નામની મહિલા ઘરકામ કરતી હતી. પ્રભુની મોરોક્કોમાં પોસ્ટિંગ હતી ત્યારે પણ પોતાના પરિવાર સાથે સંતોષને ડોમેસ્ટિક આસિસ્ટન્ટ તરીકે લઈ ગયા હતા. ત્યાં ચાર વરસ તેણે તેમને માટે કામ કર્યું હતું. ત્યાર બાદ અમેરિકામાં ન્યુ યોર્કમાં તેમને પોસ્ટિંગ મળ્યું તો સંતોષને ન્યુ યોર્ક પણ બોલાવી અને ૨૦૦૯ના ફેબ્રુઆરીમાં તે ન્યુ યોર્ક તેમના ઘરે આવી હતી. કોન્સ્યુલેટના મકાનમાં જ તેને રહેવા માટે એક ફેલટ આપ્યો હતો. પરંતુ અગિયાર મહિના પછી એ ત્યાંથી ભાગી ગઈ! અને સત્તર મહિના પછી ૨૦૧૧માં સંતોષે પ્રભુ દયાલ ઉપર કેસ કર્યો! દેવયાની ઉપર થયા છે એવા જ ‘ઓછા પગાર, વધુ કામ, જબરદસ્તી કામ કરાવવા’ના આક્ષેપો તેમની સામે કરાયા હતા. એટલું જ નહીં, પોતાને સ્ટોરેજ એરિયામાં સૂવું પડતું હતું એવી ફરિયાદ પણ તેણે કરી હતી. ઉપરાંત પ્રભુ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો પણ આરોપ પણ મૂક્યો હતો. મીડિયામાં આ વિશે જબરો ઊહાપોહ જાગ્યો. દોઢ મહિના પછી સંતોષના વકિલે એક સુધારેલી પિટિશન ફાઇલ કરી જેમાંથી પેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને સ્ટોરેજ એરિયાવાળા આરોપ સ્વેચ્છાએ કાઢી નખાયા હતા! પ્રભુ ઉમેરે છે કે એના બધા જ આક્ષેપો તદ્દન ખોટા હતા. તેને અપાતો પગાર અને રહેવા માટે અપાયેલી સગવડો (હિટિંગ અને એર કન્ડિશનિંગની સવલત સાથેનો વન બેડરુમનો ફ્લેટ, ટીવી અને અન્ય સવલતો)ની વેલ્યુ નિયમ મુજબ આપવાના પગાર કરતાં વધારે હતી. અને અમારે ત્યાં વરસોથી કામ કરતી હતી ત્યારે તેને અમે ગુલામી કરાવીએ છીએ એમ ન લાગ્યું અને અચાનક ન્યુયોર્કમાં આવીને એવું કેમ લાગવા માંડ્યું? પ્રભુ કહે છે કે અમેરિકામાં કાનૂની કારવાહી બહુ જ મોંધીદાટ છે અને મોટા ભાગના કેસીસમાં આક્ષેપોનો સ્વીકાર કર્યા વગર જ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થાય છે. મારે પણ એમ જ સેટલમેન્ટ કરવું પડ્યું હતું. તેઓ ઉમેરે છે કે ભારતના અનેક ડિપ્લોમેટ્સ સાથે અમેરિકા આવતા અનેક કામવાળા અને સિક્યોરિટી કર્મચારીઓ લાપતા થવાની ફરિયાદો થાય છે પણ અમેરિકી તંત્ર એ અંગે કંઇ જ નથી કરતું! બહુ નવાઇ લાગે તેવી વાત છે પણ પાછળથી આમાંના ઘણા ખરા ટી વિઝા લઈને ત્યાં રહી જાય છે. એટલું જ નહીં, પોતાના ઘરવાળાને પણ બોલાવી લે છે. શું છે આ ટી વિઝા? પ્રભુ જણાવે છે કે ૨૦૦૦ના ઑક્ટોબરમાં અમેરિકામાં ‘વિક્ટિમ્સ ઑફ ટ્રાફિકિંગ ઍન્ડ વાયોલન્સ પ્રોટેક્શન ઍક્ટ’ ઘડાયો છે. આ કાયદાનો ભરપૂર લાભ આવા ડોમેસ્ટિક વર્કર્સ એટલે કે કામવાળાઓ ઊઠાવે છે. તેઓ આ કાયદા હેઠળ ટી વિઝા મેળવે છે. આમાં તેઓ પોતે ટ્રાફિકિંગનો અને વાયલન્સનો ભોગ બન્યા છે તેવા આક્ષેપો કરીને અમેરિકામાં રહેવા માટે વિઝા માગે છે અને તેમને એ મળી પણ જાય છે! ટી વિઝા હેઠળ તેઓ ત્રણ વરસ સુધી અમેરિકામાં રહી શકે છે અને પછી તેનું સ્થાયી નિવાસમાં પણ રૂપાંતર થઇ શકે છે! હા, આશ્ર્ચર્યચિહ્ન પૂરી સભાનતાથી કર્યું છે. દેવયાનીની કામવાળી સંગીતાએ પણ પોતે પાછી ઇન્ડિયા જાય તો તેને અને તેના પૂરા પરિવારને માથે જોખમ છે એવી રજૂઆત કરી છે. અને દેવયાનીની ધરપકડ કરાઈ તેના ત્રણ દિવસ પહેલાં જ સંગીતાના પતિ અને બાળકો અમેરિકા પહોંચી ગયા હતા! ૨૦૧૦માં અમેરિકામાં ‘ડોમેસ્ટિક વર્કર્સ બિલ ઓફ રાઇટ’ નામક કાયદો પસાર થયો ત્યાર બાદ તો આવા કિસ્સાઓ બહુ જ વધી ગયા છે. ત્રીજો કિસ્સો ડૉ. નીના મલ્હોત્રા નામના કોન્સલની કામવાળી શાંતિ ગુરંગનો છે. પ્રભુ કહે છે કે ડૉ. નીના મલ્હોત્રા ત્રણ વરસથી વધુ સમય સુધી કોન્સલ હતાં અને તે દરમિયાન તેમને કોન્સ્યુલેટમાં અનેક ફેસ્ટિવલ્સ દરમિયાન મળવાનું થતું. તેમની ડોમેસ્ટિક હેલ્પ શાંતિ ગુરંગ પણ ત્યારે સાથે રહેતી. અને એ ખૂબ જ ખુશ અને સંતુષ્ટ જણાતી. પણ ડૉ. નીનાની ન્યુ યોર્કથી ટ્રાન્સફર થઈ અને તેઓ જ્વાના હતાં એના આગલા જ દિવસે શાંતિ ક્યાંક ભાગી ગઈ! મને એ જાણીને ખૂબ જ નવાઈ લાગી હતી. પણ એનાથીય વધુ આઘાતજનક વાત તો હવે આવે છે: શાંતિએ એક વરસ પછી ડૉ. નીના મલ્હોત્રા વિરુદ્ધ કેસ કર્યો જેમાં તેણે આક્ષેપો કર્યા કે તે મારી પાસે ગુલામી કરાવતાં, મને પૂરી રાખતાં, પરાણે કામ કરાવતાં અને મને ઇલટ્રીટ કરતાં! કેટલી સમાનતા છે આ બધા કિસ્સાઓમાં! ટી વિઝા મેળવવા માટે જ પોતાના એમ્પ્લોયર્સની વિરુદ્ધમાં આવા કેસ દાખલ કરાતા હોય તેવી એક વ્યવસ્થિત ભાત નથી ઉપસતી? નવાઈ લાગે તેવી વાત છે! માત્ર ફરવા માટે અમેરિકા જવા ઇચ્છુક અનેક ભારતીય પ્રવાસીઓની ટુરિસ્ટ વિઝાની એપ્લિકેશન્સ કેટલીય વાર રીજેક્ટ થઈ જાય છે અને નજીવા ટેક્નિકલ કારણોસર કેટલાક પ્રવાસીઓને અમેરિકા પહોંચ્યા પછી પણ એરપોર્ટથી જ પાછા મોકલી દેવાય છે. તો બીજી બાજુ આ ડિપ્લોમેટ્સના કામવાળા કે પટ્ટાવાળાઓ ગેરકાયદે અમેરિકામાં રહી જાય અને પછી પોતાના બોસિસ વિરુદ્ધ ફરિયાદો કરીને ટી વિઝા મેળવી અમેરિકામાં રહેવાની કાનૂની પરમિશન મેળવી લે છે! અમેરિકાના ડોલરિયા આકર્ષણથી કદાચ આ વર્કર્સ આમ કરતાં હોય એવું સમજી શકાય. પણ તેમના પ્રત્યેની અમેરિકન સરકારની ઉદારતામાં જળવાતા સાતત્યનું કારણ? ક્યાંક વાંચ્યું હતું કે અન્ય દેશોમાં પોસ્ટિંગ થાય ત્યારે ભારતીય ડિપ્લોમેટ્સ ભારતના જ મદદનીશો લઇ જવાનું પસંદ કરે છે તે માટે એક કારણ સિક્યોરિટીનું અપાય છે. હા, ડિપ્લોમેટિક મિશનના સ્તરે કેટલીક માહિતી કે બાબતો ગોપિત રાખવી કે જાહેરમાં ચર્ચવી યોગ્ય ન હોય. ઘરકામ માટે પોતાના દેશના નાગરિક્ને રાખવા પાછળ કદાચ એક ગણતરી એ ગુપ્તતા જાળવી રાખવાની પણ હોઇ શકે! સવાલ થાય છે કે ક્યાંક એમની એ વિશિષ્ટતા(એક્સેસ ટુ ઇન્ફર્મેશન) જ કદાચ તેમની અમેરિકન વિઝા માટેની પાત્રતા નહીં બનતી હોય?!!! |
Monday, December 30, 2013
તરુ કજારિયા - ભારતીય ડિપ્લોમેટ્સના કામવાળાઓની ડિપ્લોમસી!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment