Monday, December 30, 2013

Editorial -- Mumbai Samachar- 28-12-2013

નિરર્થક તપાસ પંચો: નાણાંની બરબાદી કરે છે

કમિશન ઓફ ઈન્કવાયરી ઍક્ટ, ૧૯૫૨ હેઠળ ગુજરાતમાં કથિત જાસૂસી બાબતે તપાસ પંચ નીમવા કેન્દ્ર સરકારનો નિર્ણય ખુદ કૉંગ્રેસ પક્ષને માટે ઘાતક પુરવાર થવાનો છે. સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારીની વાત પરથી હોબાળો મચાવનાર આ બાબતમાં છેલ્લે તો દળી દળીને ઢાંકણીમાં એવું બનવાનું છે.


કેન્દ્ર સરકારના અકાર્યક્ષમ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ ગૃહ વિભાગની નોંધ પ્રધાનમંડળને મોકલી હતી. તેના આધારે તપાસપંચ નીમવા નિર્ણય થયો છે. હવે સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત ન્યાયધીશને "કામ મળી જશે!! તેઓ જુદી - જુદી રીતે ચૂંથણા ચૂંથ્યે રાખશે અને રિંછના મોઢામાં લાકડું આપ્યું હોય અને તે ચગળ્યે રાખે તેમ આવા કોઈ "ધંધા વગરના ન્યાયધીશ વાતનું પુનરાવર્તન કર્યે રાખશે!!


પ્રજાને આવી બાબતમાં તલભાર પણ રસ નથી કારણ કે આટલા તપાસપંચ અને કોર્ટ કચેરી પછી પણ કંઈ જ ભલીવાર થતી નથી તો આ મુદ્દે હવે શું થઈ શકે? આશ્ર્ચર્યની વાત એ છે કે જાસૂસી કેસમાં કોઈએ ફરિયાદ કરી નથી - કોઈએ કાયદા હેઠળ કંઈ માગણી કરી નથી છતાં કેન્દ્ર સરકારે આ તપાસ પંચ નીમી દીધું છે તે ગૃહમંત્રાલયની "કાર્યક્ષમતા દર્શાવે છે!!


મહારાષ્ટ્રમાં નારાયણ દાભોલકરની હત્યા થઈ તેના આરોપી પડકાયા નથી - અંગ્રેજી દૈનિકના પત્રકાર જે. ડેની હત્યા ધોળે દિવસે થઈ તેના ગુનેગાર હાથ આવ્યા નથી, પરંતુ જાસૂસીકાંડમાં આવા તપાસ પંચ નીમવામાં આવે છે અને તપાસ કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ તૈયાર પણ થઈ જાય છે. તેના પ્રત્યાઘાત પ્રજામાં કેવા હોય છે તેની કોઈને પરવા નથી.


ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ સામે સુપ્રીમ કોર્ટમાં ચાલતા એક કેસમાં સીબીઆઈએ ધારાશાસ્ત્રી કે. ટી. એસ. તુલસીની નિમણૂક કરી હતી. અગાઉ તે જ ધારાશાસ્ત્રી ગુજરાતના પ્રતિનિધિ તરીકે તે જ કેસમાં હતા. જ્યારે કાયદા પ્રમાણે એડવોકેટ ઍક્ટ, ૧૯૬૧ કલમ - ૩૫ હેઠળ ફરિયાદી અને સામાવાળા એમ બન્ને રીતે વારાફરતી એડવોકેટ બની શકે નહિ છતાં આ બખડજંતર સુપ્રીમ કોર્ટમાં ચાલ્યું હતું.


જે "સાહેબનો ઉલ્લેખ ટેપમાં આવે છે તેનું નામ લેવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર આ બાબત નરેન્દ્ર મોદીને જ લાગુ પડે છે તે કઈ રીતે કહી શકે છે? શું તેમણે નિર્ણય કરી લીધો છે? પહેલા ગુજરાતમાં ટેપ થયાની વાત પ્રસિદ્ધ થઈ અને હવે કહે છે કે બીજા રાજ્યોમાં પણ જાસૂસી થઈ!! કાલે અમેરિકા અને રશિયાની વાતનો ઉમેરો પણ વેબસાઈટ કરશે કે જેની કોઈ જવાબદારી નથી.


ક્રિમિનલ પ્રોસીજર કોડ કલમ ૪૪ અને ૧૪૯ જો અલગ અલગ રીતે વાંચવામાં આવે તો પોલીસને તકેદારીના પગલાં લેવાનો અધિકાર છે. આમાં કાયદાના કે વ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગની વાત ક્યાંથી આવી? વર્ષ ૨૦૧૪ની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસ પાસે કોઈ જ મુદ્દા રહ્યા નથી. દિલ્હીમાં ઉંધા માથે પડવા છતાં કૉંગ્રેસ પક્ષ સુધરવાનું નામ લેતો નથી.


ભૂતકાળમાં ઈન્દિરા ગાંધીએ કટોકટી દરમ્યાન ઘણાના ફોન ટેપ કરાવ્યા હતા. બહુ દૂર જવાની જરૂર નથી. ૨૬/૧૧ના મુંબઈ પરના હુમલા બાદ ગૃહમંત્રી બનેલા પી. ચિદમ્બરમે હાલના રાષ્ટ્રપતિ અને તે વખતના નાણાપ્રધાન પ્રણવ મુખરજીની ઓફિસમાં જાસૂસી માટેના સાધનો ગોઠવ્યાં હતાં!! આ બાબતે ત્યારબાદ દેકારો થવાથી પ્રકરણ ભીનુ સંકેલાયું હતું તેની જાણકારી સુશીલકુમાર શિંદેને અવશ્યપણે છે.


તપાસ પંચની રેવડી કરવા માટે કૉંગ્રેસ પક્ષનો ઈતિહાસ જાણીતો છે. કટોકટી દરમ્યાન થયેલા જોર-જુલ્મ સામે તપાસ કરવા નીમવામાં આવેલા શાહ તપાસ પંચના શું હાલહવાલ થયા હતા? આદર્શ તપાસ પંચનો અહેવાલ કોણે નકારી કાઢ્યો છે? જરા અરીસામાં ચહેરો જોવાની જરૂર છે. કાયદાને ઠોકરે મારનારા વિશે પ્રજાને કંઈ જ સમજાવવાની જરૂર નથી.


દિલ્હીમાં આટલો ખરાબ દેખાવ થવા છતાં કૉંગ્રેસ પક્ષના નેતૃત્વને કેમ પૂર્વ જાણકારી નહોતી? માત્ર આઠ બેઠક મળી તેમાંથી પાંચ તો અલ્પસંખ્યક વિસ્તારની છે. છેલ્લા ૧૫ વર્ષથી ત્યાં કૉંગ્રેસનું જ શાસન હતું. કારણ એક જ છે કે સત્તાના ગુમાનમાં કૉંગ્રેસ પક્ષ છકી ગયો હોવાથી કોઈની વાત સાંભળવાની પરવા રહી નથી.


હવે આવા જાસૂસીકાંડ જેવી નિરર્થક બાબતમાં કે જ્યાં કોઈ ને કોઈ જ બાબતે લાભ થવાની વાત નથી. તે મુદ્દે તપાસમાં સમય અને શક્તિ બરબાદ કરી નાખવાની વાત થાય છે. પરિણામલક્ષી કામગીરી કે રોજગાર વધે તેવી તો કોઈ વાત કૉંગ્રેસના પ્રધાનો દ્વારા થતી નથી. માત્ર નકારાત્મક અને ખંડનાત્મક બાબતોમાં વ્યસ્ત રહીને પગ પર કુહાડો મારી રહ્યા છે.


વર્તમાન કેન્દ્ર સરકારમાં ભેગી થયેલી ટોળકી અસુરોની છે. તેમની પાસે કોઈ સારો વિચાર, બાબત કે પ્રજાને રાહત થાય તેવી કોઈ જ વાત હોતી નથી. કોઈએ જાસૂસીની વાત અંગે ફરિયાદ કરી નથી અને માગણી કરી નથી તો પછી કોઈ રાજ્યની બાબતમાં કેન્દ્રને તપાસ કરવાનો અધિકાર છે ખરો? જસ્ટિસ બેનરજીએ ગોધરાકાંડ રેલવે કંપાર્ટમેન્ટમાં આગ બાબતે આવા જ લોચા માર્યા હતા અને ખુદ સુપ્રીમ કોર્ટે તપાસને ગેરકાયદે ગણાવી હતી.

No comments:

Post a Comment