Friday, January 3, 2014

શ્રીલેખા યાજ્ઞિક -- મોબાઈલ મેનિયા: લાંબે ગાળે રોગને નિમંત્રણ

શ્રીલેખા યાજ્ઞિક

મોબાઈલ મેનિયા: લાંબે ગાળે રોગને નિમંત્રણ


શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડીને અનેક બીમારીની ભેટ આપતા મોબાઈલનો ઉપયોગ સમજદારીથી કરવાનો સમય આવી ગયો છે

ચર્ચગેટ સ્ટેશન પર બપોરે લગભગ એક વાગ્યની આસપાસ વિરાર ફાસ્ટ ટ્રેનમાંથી એક મોડર્ન યુવતી બંને કાનમાં ઈયર ફોન લગાવીને ઉતરી. પોતાની દુનિયામાં એટલી તો મસ્ત હતી કે બીજી ટ્રેન આવી તેની તેને તો ખબર જ ના પડી. બાજુમાંથી પસાર થતાં એક બહેને તેને પકડીને બાજુ પર હડસેલી દીધી. તેનો જાન બચી ગયો. નહીતર ન બનવાનું બની જાત. આવા તો કાંઈ કેટલાય કિસ્સા આપણે રોજબરોજ સાંભળતા જ હોઈએ છે.

મોબાઈલ ફોનની સ્વાસ્થ્ય પર અસર જાણવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ પર એક સર્વે કરવામાં આવ્યો. જેમાં ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા. પહેલા ગ્રુપમાં વિદ્યાર્થીઓ મર્યાદામાં રહીને મોબાઈલનો વપરાશ કરનાર, બીજા ગ્રુપના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરનાર તથા ત્રીજા ગ્રુપના વિદ્યાર્થીઓ સૌથી ઓછા પ્રમાણમાં ઉપયોગ કરનાર હતા. એક અઠવાડિયા સુધી તેમની ઉપર ધ્યાન રાખવામાં આવ્યું. તેઓ બધા જ લેકચર ભરતા, તથા નોટ પણ લખતા. એક આઠવાડિયા બાદ જોયું તો જે વિદ્યાર્થીઓ એ મોબાઈલનો ઉપયોગ સૌથી ઓછો કર્યો હતો તેઓ ૬૨ % હતા અને સારી રીતે બધી જ નોટ લખી શક્યા હતા. લખેલું કડકડાટ બોલી પણ ગયા. તેમની નાની મલ્ટીપલ ચોઈસ હોય પરીક્ષામાં લેવામાં આવી હતી. તેમાં પણ તેઓ વધુ ગુણ મેળવી શક્યા. જ્યારે વધુ પડતો ઉપયોગ કરનાર ૩૦ % ગુણ જ મેળવી શકયા હતા. તેમને તેમણે જ લખેલું પુછવામાં આવ્યું તો તેઓ તેનો જવાબ પણ અટકી અટકી ને બોલ્યા હતા. જ્યારે મર્યાદામાં રહીને મોબાઈલનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓ ૪૫ % ગુણ મેળવી શક્યા હતા. 
અમેરિકામાં તો વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો સતત ઉપયોગ પિકચર મેસેજ, ટેક્સિગં કરવામાં કરે છે તેથી ત્યાં તો હવે શાળા-કૉલેજના સંચાલકોએ પેજર જેવું મશીન વસાવ્યું છે. જેને ઈલેક્ટ્રોનિક્સ ફોન ડિટેક્ટર્સ તથા મોબાઈલ ફોન સિગ્નલ બ્લોકિંગ કરવામાં ઉપયોગમાં લેવાય છે.
મોબાઈલ ફોને એક ક્રાંતિ સર્જી છે. આધુનિક ટેકનોલોજીએ ડેસ્કટોપ અને લૅપટોપની બધી સગવડો મોબાઈલમાં સમાવી લીધી છે. જેને કારણે ઝડપી માહિતી તથા તેના વિકલ્પો હાથવેંતમાં જ મેળવી શકાય છે. 
આજકાલ ૨૧મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ તેમ કહીને મનમાં આનંદ અનુભવતા હોઈએ છીએ. હાથમાં મોબાઈલ, કાનમાં ઈઅર ફોન, પીઠ પરની બેગમાં લેપટોપ ભેરવીને ફરતો યુવાવર્ગ આપણે બધાએ જોયો છે. પોતાની જાતને મોડર્ન કડેવડાવતો આ યુવાવર્ગ કઈ કઈ બીમારીઓનો ભોગ બની શકે છે તેની વિગતવાર જાણકારી મેળવીએ.
ઊંધ ઓછી થઈ જાય: 
ખાતાં-પીતાં-ઊઠતાં-બેસતાં-હાલતા-ચાલતા-કે પછી સૂતા -જાગતા મોબાઈલ જોઈએ જ. દરેક ઘરનું આ સામાન્ય દૃશ્ય હોય છે. પોતાની પુત્રી-પુત્ર ભોજન કરવા બેઠા હોય પરંતુ મોબાઈલ પર બીજા હાથની આંગળીઓ ફરતી જોવા મળશે.
સતત મોબાઈલના ઉપયોગથી વ્યક્તિની ઊંઘ ઓછી થઈ જાય છે. નાના-મોટા બધા જ વિધાર્થીઓમાં ભણવાની લગન ઓછી થઈ જાય છે. હંમેશા વૅાટ્સ અપ અને બીબીએમ (બ્લેક બેરી મેસેન્જર )માં જ ખોવાયેલા હોય છે, જેની સગવડ મોબાઈલ ઓપરેટર ફ્રીમાં આપે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સાંજ પછી બધાં જ બાળકો તથા યુવા વિધાર્થીના મોબાઈલ વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. તેમને સ્વ-શિસ્ત
શીખવવી જોઈએ. કાન થકી આપણે સાંભળી શકીએ છીએ, આંખ થકી આપણે જોઈ શકીએ છીએ. આ બંને અંગો આપણને ઈશ્ર્વરે આપેલી ભેટ છે. તેની સંભાળ રાખવી
એ આપણું કર્તવ્ય છે. 
શ્રવણશક્તિ ઘટે :
કાનમાં ઈયરફોન લગાવીને સંગીત સાંભળવામાં આવે છે ત્યારે તેનો અવાજ કેટલો રાખવામાં આવે છે તે ઘણું અગત્યનું છે. જે વ્યક્તિ ૯૦ ડેસિબલથી વધુ ઊંચા અવાજે સંગીત સાંભળે તેઓને કામચલાઉ કાનમાં બહેરાશ આવી જાય છે. અને જો પંદર મિનિટ સુધી ૧૦૦ થી ૧૦૫ ડેસિબલના અવાજ પર સંગીત સાંભળવામાં આવે તો કાયમ માટે કાનમાં સંભળાવાનું બંધ થઈ જાય છે પરંતુ ધીમા અવાજે સંગીત સંભળાય તો કોઈ અડચણ આવતી નથી.
કાનમાં ઈન્ફેક્શન થઈ જાય છેે :
ઈયરફોન બંને કાનમાં વપરાય છે. તેથી બે જ વ્યક્તિ એક જ ઈયર ફોન વાપરે તો બંનેને કાનમાં ઈન્ફ્ેક્શન થઈ શકે છે. નિષ્ણાતોના મત મુજબ લાંબા સમય માટે ઈયર ફોનના વપરાશથી કાનમાં નુકસાનકારક બેક્ટેરિયાનો ઉપદ્રવ વધી જાય છે. 
એકબીજાના ઈયર ફોન વાપરવા કે એક જ ગીત બંને વ્યક્તિ એક જ ઈયર ફોનનો ઉપયોગ કરીને સાંભળે તો બીજાના કાનના બેક્ટેરિયા નો ચેપ પણ લાગી જાય છે. તેથી ઈયર ફોન શેર કરવા નહીં. તેના વિના ચાલે તેવું ના હોય તો તેને સેનિટાઈઝ કરીને જ વાપરવા. 
અકસ્માત પણ થઈ શકે છે : 
આજકાલ ઈયર ફોન કાનમાં નાખીને ગાડી ચલાવવી જાણે કે એક ફેશન થઈ ગઈ છે,
યુવાનો કરતાં પણ ગાડી ચલાવતાં મોબાઈલ ફોન પર વાત કરવાનો રોગ ત્રીસી વટાવી ચૂકેલા ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે. વળી, રસ્તા પર ચાલતી વખતે પણ કાનમાં ઈયરફોન નાખીને ચાલનારા ભૂલી જાય છે કે તેઓ ભયાનક અકસ્માતને વિના કારણ આમંત્રણ આપી રહ્યા છે. કારણ કે ઈયર ફોન કાનમાં હોવાથી વ્યકિત્ત તેનું ધ્યાન બે જગ્યાએ એક સાથે રાખી શકવા અસમર્થ બને છે. 
તે જ ક્ષણ તેના માટે વિનાશકારક હોય છે. 
સમજદારી- સાવધાની
કાનમાં એકદમ અંદર ખોસીને ઈયરફોન વાપરવા નહીં. એનાથી સંગીત તો સારું સંભળાય છે. પરંતુ કાનનાં પડદાને મોટું નુકસાન કરે છે. જેને કારણે ધીમે ધીમે બહેરાશ આવે છે. જે વખત જતાં કાયમી બની જાય છે. નિષ્ણાતો કહે છે કે એકધારું સંગીત સાંભળ્યા કરતાં થોડો વખત વિરામ લઈને સાંભળવામાં આવે તો કાનના પડદાને નુકસાન થતું અટકાવી શકાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (હુ) એ એક પ્રોગ્રામ શરૂ કર્યો છે તે અંતર્ગત ૨૦૧૫ સુધીમાં કાનની બહેરાશ અંગેના ૫૦ % કેસેાનો નિકાલ લાવવાની પહેલ કરવામાં આવશે. ત્યારબાદ ૨૦૩૦ સુધીમાં એકંદરે ૯૦ % કેસોનો ઉકેલ આવી જશે તેવું ‘હુ’ એ જણાવ્યું છે.
યુવાનોની ખોટી લાઈફસ્ટાઈલ, ખોટી આદતો અને ખોટી રીતે ઈયરફોનના ઉપયોગને લીધે બહેરાશ આવે છે .
સોસાયટીના બિલ્ડિંગ ઉપર મૂકવામાં આવેલા મોબાઈલ ફોનના ટાવરની સામે ઊહાપોહ કરનાર ઘરમાં બાળકો કાનમાં ઈયર ફોન નાખીને કે સૂતી વખતે પણ મોબાઈલ ફોન માથા પાસે રાખીને સૂતા હોય ત્યારે પોરસાતા હોય છે. 
હવે મોબાઈલમાંથી પણ હાનિકારક કિરણો ઉત્પન્ન થતાં હોવાથી માનવ શરીરમાં તે કિરણો પ્રવેશતાં જ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. સૂવાના સમયે પણ મોબાઈલ માથા પાસે જ રાખીને સૂવાથી મગજની અંદર થતી કિરણોની અસર તો એટલી ભયાનક હોય છે કે માણસ પોતાની યાદશક્તિ તો ગુમાવે છે પણ સાથે સાથે મગજને લોહી પહોંચાડતી નસોને નુકસાન પહોંચતાં જ બ્રેન ટ્યુમર કે પછી માથાનો દુખાવો - માઈગ્રેન જેવી બીમારી થતી જોવા મળે છે.
હવે તો યુવા વયમાં જ હાઈપર ટેન્શન જેવી બીમારી સામાન્ય બની ગઈ છે. 
ક્યારેક તો વળી નાની વયમાં વાળ સફેદ થવા કે પછી ટાલ પડી જવાનું કારણ પણ મહદઅંશે મોબાઈલનો સતત ઉપયોગ છે તેમ નિષ્ણાતો જણાવે છે.
કોઈપણ વસ્તુનો અતિરેક હાનિકારક જ ગણાય છે. મોબાઈલ મેનિયાથી દૂર રહેવામાં જ સારપ રહેલી છે એમ નથી લાગતું?

No comments:

Post a Comment