Friday, March 6, 2015

કેમ? ડોસા થયા એટલે વહાલ ન થાય? --- બ્લુ બુક - કાજલ ઓઝા - વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=156052


‘હવે આ ઉંમરે તો જરા તમારી જાતને સંયમમાં રાખતા શીખો.’ લલિતાબહેને નજીક આવેલા મોહનભાઈને ધક્કો માર્યો, "છોકરાને ઘેર છોકરાં આવી ગયાં, તોય તમારી ભૂખ ઓછી નથી થતી.’ કહીને લલિતાબહેન પડખું ફરી ગયાં. પત્નીની નજીક સરકેલા મોહનભાઈને જાણે કોઈએ તમાચો માર્યો હોય એવી લાગણી થઈ.

"હું તને વહાલ કરું એમાં વળી ખોટું શું છે ? મોહનભાઈએ લલિતાબહેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

"ખોટું ? તમારી ઉંમર શું થઈ એનું ભાન છે તમને ? લલિતાબહેને છણકો કર્યો, "પચાસ વર્ષે લોકો વનમાં પ્રવેશી જાય. ભગવાનનું નામ લેવાનો સમય છે આ, પણ તમને તો... લલિતાબહેનના અવાજમાં વિચિત્ર પ્રકારનો તિરસ્કાર હતો.

"તે ? મોહનભાઈ છંછેડાયા, "મારી બૈરીને વહાલ કરું છું. ગુનો નથી કરતો... ને ભગવાનનું નામ રોજ લઉં છું. પ્રામાણિક્તાથી મહેનત કરું છું. આ બધા તામજામ એમ ને એમ ઊભા નથી થયા. મોહનભાઈ પલંગમાં બેઠા થઈ ગયા, "મને તો એ નથી સમજાતું કે મારા સાદા-સીધા વહાલને દરેક વખતે તું આવી ગંદી રીતે કેમ જુએ છે ?

"મને ખબર છે તમારા મનમાં શું છે તે. કહીને લલિતાબહેન ઊભાં થઈ ગયાં. ઓશીકું અને રજાઈ લઈને બહાર જવા લાગ્યાં.

"ક્યાં જાય છે ?

"બહાર. મારે નથી સૂવું તમારી બાજુમાં. કાલથી હવે હું કોકીના રૂમમાં જ સૂઈશ. કહીને એ બહાર જતાં રહ્યાં. 

પાછળ બંધ થતા દરવાજાને જોઈને મોહનભાઈએ જોરથી બૂમ પાડી, "બહુ સારું. આજ પછી કોઈ દિવસ મારી પાસે નહીં આવતી. લલિતાબહેન બહાર નીકળી ગયાં... એ પછીના ઘણા દિવસો સુધી બંનેની વચ્ચે મન ઊંચાં રહ્યાં. સમય વીતતો ગયો. કેટલીક વાર છોકરાઓની હાજરીમાં ઝઘડો કે આર્ગ્યુમેન્ટ થઈ જાય ત્યારે બંને જણાં આ બાબતે એકબીજાને મહેણાં મારતાં. દીકરો અને વહુ સાવ અજાણ નહોતાં જ, એ લોકો બધું સમજતાં પણ સંકોચને કારણે કશું બોલી શક્તાં નહીં.

આટલું ઓછું હોય એમ જે મોહનભાઈ ભાગ્યે જ ગુસ્સે થતા એમનું મગજ હવે વારંવાર ‘જવા’ લાગ્યું, એકાદ વાર એમણે લલિતાબહેન પર હાથ ઉગામ્યો, એમના સંસ્કારે એમને મારતા રોકી લીધા, પરંતુ એ ક્ષણ ઘરના સહુ માટે આંચકો આપનારી અને સંકોચ થાય એવી ક્ષણ હતી. પોતાના ગુસ્સા માટે મોહનભાઈ જ્યારે ડૉક્ટર પાસે ગયા ત્યારે એમને સમજાવતા ડૉક્ટરે કહ્યું, "સેક્સ્યુઅલી ડિપ્રાઇવ્ડ માણસોને ગુસ્સો બહુ આવે છે. ઊર્જાનો સાચો ઉપયોગ ન થાય ત્યારે એ ઊર્જા ઇરિટેશન અને ગુસ્સો જન્માવે છે. આ કિસ્સો કદાચ મોહનભાઈનો હોય, પરંતુ આ સમસ્યા ઘણા બધા પરિવારોની સમસ્યા છે. બાવન વર્ષની ઉંમર શરીરથી નિવૃત્તિ લેવાની ઉંમર નથી જ. કેટલીક સ્ત્રીઓને બાળપણથી જ શરીર વિશેની સમજ આપવામાં આવી હોતી નથી. એક પુરુષ સાથેના સંબંધમાં, ખાસ કરીને પતિ સાથેના સંબંધમાં શરીરનું મહત્ત્વ ઓછું આંકવાથી એ સંબંધને સીધો ઉઝરડો પડવાની સંભાવના રહે છે. 

શરીરને કોઈ વાનગીની જેમ ધરી દેવું ને પતિ અકરાંતિયાની જેમ ખાઈ લે એને સુખી કે સ્વસ્થ લગ્નજીવન ન જ કહેવાય. સામાન્ય રીતે પુરુષ માટે લગ્નજીવનની સાચી શરૂઆત એની ચાળીસી શરૂ થયા પછી જ થાય છે. પહેલાં ભણતર અને કારકિર્દી, પછી સંતાનોનું ભણતર અને પછી જિંદગીની બીજી વિટંબણાઓમાં અટવાયેલો માણસ પોતાના લગ્નજીવનની મજા સાચી રીતે અને સાચા અર્થમાં લગભગ ચાળીસ વર્ષ પૂરાં થયા પછી જ મેળવે છે. લગ્નજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં ઘરની જવાબદારી અને નાના - ઊછરતાં સંતાનોને કારણે પ્રાઇવસીનો પ્રશ્ર્ન પણ ઘણા બધા પરિવારોને નડતો હોય છે. થોડું-ઘણું કમાયા પછી જુદા બેડરૂમ્સની વ્યવસ્થા થાય અને જીવન પ્રમાણમાં થોડું સ્થિર અને થોડું સલામત થાય ત્યારે જ કદાચ માણસ પોતાની જરૂરિયાતો પ્રત્યે સભાન થાય છે. ખરેખર તો એ પુરુષોને અભિનંદન આપવા જોઈએ, જે ચાળીસીમાં આવેલી પોતાની થોડી સ્થૂળ અને થોડીક પ્રૌઢ દેખાતી પત્ની પરત્વે પણ એટલું જ આકર્ષણ અનુભવીને એની જ સાથે પોતાની શારીરિક જરૂરિયાતોને સીમિત રાખી શકે. પ્રમાણમાં સફળ અને ચાળીસીમાં વધુ સારા - મૅચ્યૉર અને હેન્ડસમ દેખાતા પુરુષ માટે ઘરની બહાર ઘણાં પ્રલોભનો હોય છે. એમાંથી બચીને જ્યારે એ પોતાની જ પત્ની સાથે પોતાની વફાદારી ટકાવી રાખવાના પ્રયાસમાં હોય એ સમયે જ્યારે એની પત્ની એને શરીરથી દૂર રાખે ત્યારે પુરુષ માટે એ અનુભવ તિરસ્કાર અને પીડાનો અનુભવ હોય છે. આમ પણ એક પુરુષ માટે શારીરિક અનુભૂતિ લાંબો સમય ચાલતી હોય છે એમ મોટા ભાગના સેક્સોલોજિસ્ટ માને છે. લગ્નજીવનની શરૂઆતનાં વર્ષોમાં કદાચ પત્ની કશું ન કહે એટલે એ સંબંધનું મહત્ત્વ ફક્ત શારીરિક સંતોષ પૂરતું હોય છે. વધતા અને વીતેલાં વર્ષો સાથે જ્યારે બંને જણાં એકબીજાને સમજવા લાગે ત્યારે બંનેને એકબીજાના ગમા-અણગમા સમજાવા લાગે છે... જરૂરિયાતોની જાણ થાય છે, એવા સમયે જો બે લોકો - જીવનસાથી એકબીજાને અનુકૂળ થવાનો કે એકબીજાની જરૂરિયાત સંતોષવાનો પ્રયાસ ન કરે તો સમસ્યાની શરૂઆત થાય છે.

બાળકો મોટાં થાય એનો અર્થ એવો નથી કે માતાપિતાએ શારીરિક સંબંધમાં નિવૃત્તિ લઈ લેવી. ‘દરવાજો બંધ કરીને સૂઈએ તો બાળકો શું વિચારે ?’ એવા સંકોચ સાથે પણ ઘણાં માતાપિતા બેડરૂમનો દરવાજો બંધ કરતાં નથી. સ્ત્રીઓની સેક્સ ડ્રાઇવ મેનોપોઝના સમયમાં ક્યારેક ઓછી થઈ જાય છે, વળી ઇન્ટરનલ ડ્રાયનેસને કારણે પણ આવા શારીરિક સંબંધ પરત્વે સ્ત્રીઓને થોડીક અરુચિ થાય એવું બને, પરંતુ આ બધા જ પ્રશ્ર્નોનો ઉકેલ ગાયનેકોલોજિસ્ટ પાસે હોય જ છે. સેક્સ એ સહેજ પણ જુગુપ્સાપ્રેરક કે ગંદો શબ્દ નથી. સાવ નાનપણમાં કેટલીક છોકરીઓને એમનાં અણઘડ માતાપિતા આવી અર્થહીન વાતો શિખવાડી દે છે. આ છોકરીઓ મોટી થઈને પોતાના પતિને શારીરિક સંતોષ આપવામાં નિષ્ફળ નીવડે છે. પતિને જ શું કામ, આવી સ્ત્રીઓને પોતાના શરીર વિશે પણ ઝાઝી ભાન હોતી નથી. એમને શું ગમે છે કે શું નથી ગમતું એ વિશેની પણ એમને પૂરી માહિતી હોતી નથી. આવા સંબંધોમાં પણ જો પતિ થોડોક મોડર્ન હોય, બહાર ફરતો હોય, વાંચતો કે વિચારતો હોય તો વધુ ને વધુ સમસ્યાઓ ઊભી થતી રહે છે. આવી સમસ્યાનું નિરાકરણ અસંભવ તો નથી જ, પરંતુ અઘરું છે. સાવ બાળપણમાં મગજમાં ઘૂસી ગયેલી બાબતોને ભૂંસીને ત્યાં નવેસરથી નવી સમજ ઉમેરવાનું કામ સમય અને ધીરજ માગે છે. સામાન્ય રીતે પોતાની કારકિર્દીમાં વ્યસ્ત પુરુષ પતિ તરીકે આટલી ધીરજ કેળવી શક્તો નથી. જે પત્ની માટે પોતે રાત-દિવસ ઘસાય છે અથવા જે પરિવાર માટે પોતે આટલી મહેનત કરે છે એ પત્ની જ્યારે એની ઇચ્છાઓ કે લાગણીઓને અનુકૂળ નથી થતી ત્યારે આવા પુરુષો લગ્નેત્તર સંબંધો તરફ ઘસડાય છે.

આપણે બધા જ જાણીએ છીએ કે એક પુરુષની શારીરિક જરૂરિયાત એની લાગણીઓની સીધી અભિવ્યક્તિ છે. આમાં કશું સારું છે કે ખોટું છે એવું નક્કી કરવાને બદલે પ્રકૃતિએ તદ્દન ભિન્ન એવી વ્યક્તિઓ પ્રત્યે સમજ કેળવવાની જરૂર છે.

જો સેક્સ એ ખરાબ બાબત હોત તો પ્રકૃતિએ એની સાથે સર્જન જેવી અદ્ભુત બાબતને જોડી ના હોત ! જે સ્ત્રીઓ એમ માને છે કે અમુક ઉંમરે સેક્સથી નિવૃત્તિ લેવી જોઈએ એ સ્ત્રીઓ ખરેખર પોતાના જીવનસાથી સાથે અન્યાય કરે છે. ઇચ્છા ન હોય કે શારીરિક તકલીફ હોય તો એ વિશે ખુલ્લીને વાત થઈ શકે છે. દરેક વખતે નજીક આવતો પતિ શારીરિક સંતોષ માટે જ આવે છે એમ માનવું પણ થોડુંક વધારે પડતું નથી ? ક્યારેક થોડુંક વહાલ, થોડોક સ્પર્શ, થોડોક સ્નેહ, વાળમાં હાથ ફેરવવા, ચુંબન કરવું કે એકબીજાને ભેટીને સૂઈ જવું વગેરે અભિવ્યક્તિ પણ જીવનસાથીની નિકટતા માટે મદદરૂપ પુરવાર

થાય છે...

સુરેશ દલાલની એક પંક્તિ, એવા લોકો માટે જે ઉંમર અને વહાલને એકબીજાના વિરુદ્ધ પરિબળો માને છે, "કમાલ કરે છે, કમાલ કરે છે... એક ડોસી ડોસાને હજુ વહાલ કરે છે... 

Top five regrets of the dying --- Bronnie Ware

http://www.theguardian.com/lifeandstyle/2012/feb/01/top-five-regrets-of-the-dying
 A palliative nurse has recorded the top five regrets of the dying.
There was no mention of more sex or bungee jumps. A palliative nurse who has counselled the dying in their last days has revealed the most common regrets we have at the end of our lives. And among the top, from men in particular, is 'I wish I hadn't worked so hard'.
Bronnie Ware is an Australian nurse who spent several years working in palliative care, caring for patients in the last 12 weeks of their lives. She recorded their dying epiphanies in a blog called Inspiration and Chai, which gathered so much attention that she put her observations into a book called The Top Five Regrets of the Dying.
Ware writes of the phenomenal clarity of vision that people gain at the end of their lives, and how we might learn from their wisdom. "When questioned about any regrets they had or anything they would do differently," she says, "common themes surfaced again and again."
Here are the top five regrets of the dying, as witnessed by Ware:
1. I wish I'd had the courage to live a life true to myself, not the life others expected of me.
"This was the most common regret of all. When people realise that their life is almost over and look back clearly on it, it is easy to see how many dreams have gone unfulfilled. Most people had not honoured even a half of their dreams and had to die knowing that it was due to choices they had made, or not made. Health brings a freedom very few realise, until they no longer have it."
2. I wish I hadn't worked so hard.
"This came from every male patient that I nursed. They missed their children's youth and their partner's companionship. Women also spoke of this regret, but as most were from an older generation, many of the female patients had not been breadwinners. All of the men I nursed deeply regretted spending so much of their lives on the treadmill of a work existence."
3. I wish I'd had the courage to express my feelings.
"Many people suppressed their feelings in order to keep peace with others. As a result, they settled for a mediocre existence and never became who they were truly capable of becoming. Many developed illnesses relating to the bitterness and resentment they carried as a result."
4. I wish I had stayed in touch with my friends.
"Often they would not truly realise the full benefits of old friends until their dying weeks and it was not always possible to track them down. Many had become so caught up in their own lives that they had let golden friendships slip by over the years. There were many deep regrets about not giving friendships the time and effort that they deserved. Everyone misses their friends when they are dying."
5. I wish that I had let myself be happier.
"This is a surprisingly common one. Many did not realize until the end that happiness is a choice. They had stayed stuck in old patterns and habits. The so-called 'comfort' of familiarity overflowed into their emotions, as well as their physical lives. Fear of change had them pretending to others, and to their selves, that they were content, when deep within, they longed to laugh properly and have silliness in their life again."
What's your greatest regret so far, and what will you set out to achieve or change before you die?



અંત સમયે એવા ઓરતડાઓની હોય ના ગોતાગોત --- યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155785

અંત સમયે એવા ઓરતડાઓની હોય ના ગોતાગોત



મૃત્યુ બિછાનાની લગોલગ આવીને ઊભું હોય અને જિંદગીની ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે એક પણ દર્દીને મેં ખુબસૂરત યુવતી કે યુવાન સાથે સેક્સ કરવાની ઇચ્છા કે સફળતા ન પામી હોવાનો અફસોસ કરતા નથી જોયો’ એવું ગયા વખતે જેના તારણો વિશે વાત શરૂ કરી હતી એ પેલિએટીવ કેઅર વિભાગની ઓસ્ટ્રેલિયન નર્સે કહ્યું હતું. 

અસાધ્ય રોગથી પીડાતા અને મૃત્યુ પામી રહેલા એ સેંકડો દર્દીઓ સાથે છેવટના દિવસો ગાળનારી આ નર્સે તેમની સાથેની વાતચીતના આધારે એક પુસ્તક લખ્યું છે ધ ટોપ ફાઇવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ’ (મૃત્યુ પામી રહેલી વ્યક્તિઓના પાંચ અધૂરાં ઓરતાઓ). જેમાંના બેની વાત ગયા વખતે કરી હતી. એક, પાગલની જેમ ઉંઘુ વાળીને કામ, કામને કામ જ ન કર્યે રાખ્યું હોત તો સારું હતું. પૈસો, પ્રતિષ્ઠા અને સફળતાની દોડમાં પોતે બહુ આગળ નીકળી આવ્યા અને જિંદગી જીવવાનું રહી ગયું એવો અફસોસ. બીજું, જે સપનાંઓ પૂરાં કરવા હતાં એ પૂરા કરવા પાછળ ધ્યાન ન આપ્યું.

ત્રીજી એક વાત જે મૃત્યુની સન્મુખ ઊભેલા દર્દીઓ પાસેથી આ નર્સને સાંભળવા મળી એ કે કાશ, મેં હિંમત કરીને મારી ભીતરની સાચી લાગણીઓ વ્યક્ત કરી હોત! બીજાઓને સારું લાગે, સંબંધોમાં ખળભળાટ ન આવે, અંદર ભલે દ્વેષ કે ગુસ્સાનો ચરુ ઉકળતો હોય તો પણ આપણે અનેક વાર એકબીજા સાથે મીઠું-મીઠું બોલતા રહીએ છીએ. અથવા એનાથી તદ્દન ઉલટું કેટલીય વાર કેટલી બધી લાગણીઓ વ્યક્ત કરવી હોય છે પણ એવું કહેવાની હિંમત ન હોવાથી આપણે એને મનમાં ઠાંસી રાખીએ છીએ. પોતે નૃત્યાંગના બનવા માગતી હોય તોય પપ્પાને નહીં ગમે કે પછી સમાજ શું કહેશે કે ડોક્ટરની દીકરી નૃત્યાંગના બની એવા કારણસર પોતાની ઇચ્છાઓનું ગળું ટૂંપી દે છે. એમબીબીએસમાં એડમિશન ન મળે તો હોમિયોપેથિક ડોક્ટર બનીને જિંદગી વિતાવવાને બદલે નૃત્ય શીખીને મન મૂકીને નાચવું જોઈતું હતું એવી લાગણી મૃત્યુ સમયે બહુ જોરથી ધસી આવે છે. કોઈ સમક્ષ પ્રેમનો એકરાર કરવાનું કે પછી અણગમતી વ્યક્તિ સાથે જિંદગી ઢસડ્યે રાખવાને બદલે પોતાની સાચી લાગણી વ્યક્ત કરી દીધી હોત તો સારું થયું હોત એવા અફસોસ સાથે લોકોને મરતાં આ નર્સે જોયા હતા. બ્રોની વેઅર નામની આ નર્સ કહે છે કે કેટલાક લોકો તો અમુક રોગનો ભોગ જ એટલા માટે બન્યા હતા કે તેમણે હિંમતપૂર્વક પોતાના મનની વાતને વ્યક્ત કરવાને બદલે એને એક ખૂણામાં સંઘરી રાખી અને પછી એ લાગણી એટલી હદે કહોવાઈ ગઈ કે બીમારી બનીને શરીર પર છવાઈ ગઈ હતી.

મનમાં ધરબી રાખેલી આમાંની કેટલીય વાતો દર્દીઓએ જ્યારે બ્રોની વેઅરને કરી ત્યારે તેને લાગ્યું કે જ્યારે આપણે આપણા મનની વાત રજૂ કરીએ ત્યારે બીજાઓ શું વિચારશે કે કરશે એ આપણા હાથમાં નથી. શક્ય છે કે જ્યારે તમે તમારી લાગણીઓ પ્રામાણિકતાથી રજૂ કરો ત્યારે સામેની વ્યક્તિ દુભાય પણ ખરી પરંતુ પછી ધીમે-ધીમે સ્થિતિ થાળે પડવા માંડે છે અને સંબંધોની તંદુરસ્તી જળવાઈ રહે છે. ઘણી વાર તો એ સંબંધોને સંપૂર્ણત: નવું જ પરિમાણ સાંપડે છે.

તમારો કોઈ જૂનો મિત્ર હોય જેને તમે વરસોથી મળ્યા ન હો અથવા કોઈ બહેનપણી એવી હોય જેની સાથે તમારે સમય વિતાવવો હોય તો આજે જ હમણાં જ ફોન કરી લેજો એવું આ નર્સ કહે છે કારણ કે મૃત્યુના બિછાને જૂના મિત્રો કે જેમની સાથે દિલના તાર મળ્યા હોય એવા દોસ્તો સાથે સમય ન વિતાવી શક્યાના વસવસા સાથે અનેક દર્દીઓને મરતા તેણે જોયા છે. 

મૃત્યુ પામી રહેલા આ દર્દીઓ પોતાના પૈસા કે સંપત્તિની પોતાના પ્રિયજનો અને સ્વજનો માટે ગોઠવણ કરવા માગતા હોય છે પણ તેમના હાથમાં ઘણી વાર સમય એટલો ઓછો હોય છે અને શરીર સાથ નથી આપતું એટલે આવી વ્યવસ્થા કર્યા વિના જ તેમણે વિદાય લઈ લેવી પડે છે. જો કે અંત સમયે પૈસા કે તમારી પાસે કેટલા બંગલા, ગાડી કે ઘરેણાં છે એનું કોઈ મૂલ્ય મરનાર વ્યક્તિ માટે હોતું નથી. એ વખતે તો ભૂખ હોય છે માત્ર સ્નેહ અને સંબંધોની.

આ નર્સે લખ્યું છે કે આ બધા દર્દીઓમાં એક વાત બધાએ જ કહી હતી અને તે એ કે અમારે સુખની પસંદગી કરવી જોઈતી હતી. કેટલાય લોકોને છેલ્લી ઘડીઓમાં સમજાય છે કે ખુશીને પસંદ કરવી પડે છે. જૂની ઘરેડ અને આદતોમાં અટવાયેલા રહીને સતત દુ:ખને જ ગળે લગાડતા રહ્યા છીએ એનું ભાન બહુ મોડે-મોડે થાય છે. કશુંક જુદું, કશુંક નવું કરીને નિર્દોષ અને નિર્ભેળ આનંદ મેળવી શકાયો હોત. જેમ કે કોઈ મહિલાને થાય કે સાડીને પહેર્યા કરવાને બદલે ઘણી વાર મન થયું હતું સલવાર-કમીઝ કે ફોર ધેટ મેટર જિન્સ પહેરવાનું તો પહેરી લેવું જોઈતું હતું. ખભે થેલો નાખીને મનગમતી જગ્યાએ એકલા જ ફરવા ઉપડી જવાની ઇચ્છાને હાય, હાય એવું કઈ રીતે કરાય’ એવું વિચારીને દબાવી દેવાને બદલે નીકળી પડવું જોઈતું હતું એવા કેટલાય આદતવશ કે હિંમતના અભાવે પૂરી ન કરી શકાયેલી અધૂરી ઇચ્છાઓ સાથે આ દર્દીઓ દફન થઈ ગયા હતા.

બ્રોની વેઅર નામની આ નર્સે કહ્યું છે કે જિંદગી આપણને પસંદગીનો અવકાશ આપે છે. આ તમારી પોતાની જિંદગી છે તો સભાનતાપૂર્વક, વિવેકપૂર્વક અને પોતાની જાતને પ્રામાણિક રહીને પસંદગી કરો; સુખ, ખુશી અને આનંદની પસંદગી કરો.

મૃત્યુની આંગળી પકડીને ચાલી નીકળવાનું હોય અને જિંદગીની વિદાય લેવાની હોય તો કેવી રીતે જવું ગમે? રડતાં, ચીડતાં, વસવસો કરતા કે પછી મસ્ત મૌલા થઈને?

પેલિએટીવ કેઅર વિભાગની ઓસ્ટ્રેલિયન નર્સ બ્રોની વેઅરે મૃત્યુ પામી રહેલા દર્દીઓ સાથે આખરના સમયે કરેલી વાતચીતના આધારે આ તારણો આપ્યા પણ આપણે ત્યાં આ જ વાત સંતો હંમેશાં જ કહેતા આવ્યા છે. આપણે ત્યાં તો માનવજીવનને દુર્લભ ગણવામાં આવ્યું છે અને એની ક્ષણે-ક્ષણને ઉત્સવની જેમ જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. જીવતાજીવત આસક્તિઓથી મુક્ત થઈ ધીમે-ધીમે પરમાત્માની નજીક સરકતા જવાની વાત આપણા શાસ્ત્રો, પુરાણો અને સંત કવિઓ કરતા રહ્યા છે. સમાધાન અને સંતોષ સાથે પ્રભુ સ્મરણ કરતા-કરતા મૃત્યુ મળે એવી માગણી આપણે કરીએ છીએ. આપણા કવિ કરસનદાસ માણેકે ઈશ્ર્વર પાસે એક આવા જ મોતની માગણી કરતી પ્રાર્થના કરી છે જ્યાં આ કરી લીધું હોત ને પેલું કરી લીધું હોત એવી અધૂરી ઇચ્છાઓ અને ઓરતાઓની ગોતાગોત ન હોય. આ સુંદર પ્રાર્થના વાંચવા અને ગણગણવા જેવી છે.

એવું જ હું માગું મોત,

હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત ને તે થયું હોત ને

જો પેલું થયું હોત...

અંત સમે એવા ઓરતડાઓની

હોય ન ગોતાગોત!

કાયાની કણીકણીથી પ્રગટે

એક જ શાંત સરોદ:

જો જે રખે પડે પાતળું કદી યે

આતમ કેરું પોત!

અંતિમ શ્ર્વાસ લગી આતમની

અવિરત ચલવું ગોત:

ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે

ઊડે પ્રાણ-કપોત!

ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં

તરતાં સરિતા-સ્રોત

સન્મુખ સાથી જનમજનમનો

અંતર ઝળહળ જ્યોત!

હરિ, હું તો એવું જ માગું મોત! 

Tuesday, March 3, 2015

અદૃશ્ય બ્રહ્માંડને શોધવું કેમ? --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

  http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=90375

સમગ્ર બ્રહ્માંડ હીગ્ઝ-બોઝોનથી ભરેલું છે અને કદાચ તે જ ડાર્કમેટર કે ડાર્કએનર્જી છે.





આઈન્સ્ટાઈને એકવાર કહેલું કે બ્રહ્માંડ વિષે ન સમજાય તેની વાત એ છે કે તે સમજાય એવું છે. તો બીજી તરફ જે. બી. એસ. હલ્ડને કહેલું કે બ્રહ્માંડ દેખાય તેના કરતાં પણ વધારે વિચિત્ર છે. 

પ્રાચીન સમયમાં પૃથ્વી અને તેની પર તારાભર્યો આકાશનો ચંદરવો જ બ્રહ્માંડ હતું. કોઈને કાંઈ બ્રહ્માંડ વિશે ખબર જ ન હતી. જ્યારે દુનિયા અંધારયુગમાં જીવતી હતી ત્યારે ભારતના ઋષિ-મુનિઓએ બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું હશે, અણુ-પરમાણુ શું છે તેના વિશે ઉત્કૃષ્ટ વિચારો કરેલાં, પંચમહાભૂત વિશે વિચારો કરેલાં. પ્રાચીન સમયમાં લોકો અંતરીક્ષને ખાલીખમ માનતાં. પછી વાયુમંડળની શોધ થઈ તો તેઓ માનતાં કે પૂરું બ્રહ્માંડ વાયુઓથી ભરેલું છે. પ્રાચીન સમયમાં લોકો માનતાં કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને પૃથ્વી માત્ર સૂર્યનો ગ્રહ છે. પૃથ્વી સહિત બુધ, મંગળ, શુક્ર, ગુરુ અને શનિ સૂર્યના ગ્રહો છે અને તેની પરિક્રમા કરે છે. પછી માલૂમ પડ્યું કે સૂર્ય તો એકમાત્ર તારો છે અને તારા બધા સૂર્યો છે. તારા વાયુનાં વાદળોમાંથી જન્મે છે. આપણો સૂર્ય વિશ્ર્વના કેન્દ્રમાં નથી, નથી તે આપણી આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં. તે આપણી આકાશગંગા મંદાકિનીના કેન્દ્રથી ૩૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે. પછી ખબર પડી કે આપણી આકાશગંગા બ્રહ્માંડમાં માત્ર એક જ મંદાકિની (galaxy) નથી. બ્રહ્માંડમાં તો આવી ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. ધૂમકેતુઓ અચાનક દેખાતા નથી. તેથી વિજ્ઞાનીઓને થયું કે કેટલાય ધૂમકેતુઓ આકાશમાં છે તે દેખાતા નથી. માત્ર અમુક સમયે જ દેખાય છે. શનિ પછીનો ગ્રહ યુરેનસ શોધાયાં પછી વિજ્ઞાનીઓ માનવા લાગ્યાં કે બીજા અદૃશ્ય ગ્રહો પણ સૂર્યમાળામાં છે અને તારાની ફરતે પણ હજારો લાખો અને કરોડો ગ્રહો હશે જે દેખાતાં નથી. પછી તો હજારો લઘુગ્રહો શોધાયા જે અદૃશ્ય રહે છે. 

અણુ-પરમાણુ ઈલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ શોધાયા જે પણ દેખાતા નથી. વૈશ્ર્વિક કિરણો પણ દેખાતાં નથી. પછી તો કાળાપટુ (Black Dwarf) શોધાયાં ત્યારથી વિજ્ઞાનીઓને લાગ્યું કે બ્રહ્માંડમાં ઘણો બધો એવો પદાર્થ છે જે આંખોથી ઓઝલ રહે છે. ત્યાર પછી બ્રહ્માંડ સર્જનની થીઅરીઓ અસ્તિત્વમાં આવી, તેમાં બ્રહ્માંડની કુલ પદાર્થની ઘનતાની ગણતરી કરવામાં આવી. બ્રહ્માંડ વિસ્તૃત થાય છે તેની આપણા બધાને ખબર પડી.

લોકો અને વિજ્ઞાનીઓ માનવા લાગ્યાં કે ધૂમકેતુ, લઘુગ્રહ, બ્લેક ડવાર્ફ, વાયુનાં વાદળો, કોસ્મિક કિરણો, તારામાંથી નીકળતા ન્યુટ્રોનો બ્રહ્માંડનો ડાર્કમેટર બનાવે છે. આ બધા પદાર્થ અને પદાર્થકણો, કિરણોને આપણે જોઈ શકતાં નથી. આ બધી ડાર્કમેટર પણ બ્રહ્માંડની ઘનતા અને ડાર્કમેટરને સમજાવવા જરા પણ પૂરતી ન નીવડી. ખગોળ વિજ્ઞાનીઓએ જોયું કે મંદાકિનીમાં ન્યુટનના નિયમો પ્રમાણે તારા ગતિ કરતાં નથી એટલે કે મંદાકિનીના છેડે ન દેખાય તેવો પદાર્થ છે. પણ થોડાં વર્ષો પહેલાં એ બાબત સ્પષ્ટ થઈ કે બ્રહ્માંડ જે વિસ્તૃત પામે છે તે હકીકતમાં પ્રવેશી છે, એટલે કે ૯૭ ટકા બ્રહ્માંડનો પદાર્થ અદૃશ્ય છે. આપણે બ્રહ્માંડનો જે પદાર્થ જોઈએ છીએ તે તો માત્ર બ્રહ્માંડનો ૩ ટકા જ પદાર્થ છે. બ્રહ્માંડનો ૯૭ ટકા પદાર્થ આપણી આંખની ઓઝલ રહે છે. ઓહો હો, ૯૭ ટકા બ્રહ્માંડ આપણાથી અદૃશ્ય રહે છે. આ બધા પદાર્થને શોધવો ક્યાં અને કેવી રીતે? તેઓએ આ પદાર્થને ડાર્કમેટર કે ડાર્ક ચેનનું એવું નામ આપ્યું. 

વિજ્ઞાનીઓ હવે બ્રહ્માંડમાં અદૃશ્ય રહેલી ડાર્કએનર્જી અથવા ડાર્કમેટર શોધવા લાગ્યાં, તેમને બ્રહ્માંડને સમજવા, તેની ગતિવિધિને સમજવા, પ્રવેગી બ્રહ્માંડને સમજવા, બ્રહ્માંડ જે પ્રવેગી છે તેની પાછળ કઈ વસ્તુ કાર્યરત છે તે જાણવું બહુ જરૂરી હતું. 

૧૯૬૪માં પીટર હીગ્ઝે ફિઝિક્સના સ્ટાન્ડર્ડમાં મોડેલને પૂર્ણ કરવા એક અજાણ્યા નવા પદાર્થકણ કહો કે ચેતનાકણના અસ્તિત્વની થિયરી આપી. આ પદાર્થકણ બોઝ સ્ટેટીસ્ટીક્સ અનુસરે છે. તેથી તેનું નામ હીગ્ઝ-બોઝોન રાખવામાં આવ્યું. આ હીગ્ઝ-બોઝોન પ્રોટોનની અંદર કવાર્કસના સંયોગો અસ્તિત્વ ધરાવે છે. તે એક ચેતના છે. તે દેખાતો નથી. તેને દૃશ્યમાન કરવા પ્રોટોનને તોડવો પડે. તે માટે જીનિવામાં ૪૦ અબજ રૂપિયાની લાગત પર લાર્જ હેડ્રોન કોલાઈડરનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં અબજો પ્રોટોનના અબજો વાદળોને લગભગ પ્રકાશની ઝડપે ગતિમાન કરવામાં આવ્યાં. આ સંરચના જબ્બર છે. તેમાં ૭૦૦૦ ટન સુપરક્ધડક્ટીંગ ચૂંબકો વડે ર૭ કિલોમીટર વર્તુળાકાર ટનલ પ્રોટોનને દોડાવવામાં આવે છે. ટન સુપરક્ધડક્ટીંગ ચુંબકો વડે જમીનમાં ઊંડે ર૭ કિલોમીટર વર્તુળાકાર ટનલ સ્થિતિ પાઈપમાં જેમાં ઉષ્ણતામાન ઓછા ર૭૧ અંશ સેલ્સિયસ રાખેલું હોય છે તેમાં પ્રોટોનને લગભગ પ્રકાશિત ઝડપે દોડાવી ભટકાડવામાં આવે છે અને હીગ્ઝ-બોઝોનને દૃશ્યમાન કરી શકાય તે તેનો હેતુ છે. આ પ્રયોગમાં હીગ્ઝ બોઝોન દૃશ્યમાન થયાં અને તે બે પ્રકારના માલૂમ પડ્યાં છે. બીજા પ્રકારના હીગ્ઝ-બોઝોન પણ કદાચ દૃશ્યમાન થાય. 

આ અદૃશ્ય ચેતનારૂપ છે. તે બ્રહ્માંડમાં બધા જ પદાર્થકણોને પદાર્થ આપે છે. માટે તેનું લોકભોગ્ય ઉપનામ ગૉડ-પાર્ટીકલ પડી ગયું છે. વિજ્ઞાનીઓ માને છે કે પૂરું બ્રહ્માંડ હીગ્ઝ-બોઝોનથી ભરેલું છે અને કદાચ તે જ ડાર્કમેટર કે ડાર્કએનર્જી છે. 

પણ તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્પૅશ સ્ટેશનમાં લગભગ બે વર્ષથી ચાલતા એક પ્રયોગનું નામ છે આલ્ફા મેગ્નેટિક સ્પેક્ટ્રોમીટર એક્સપેરિમેન્ટ. આ પ્રયોગે દર્શાવ્યું છે કે બ્રહ્માંડમાં પોઝીટ્રોનમાં પદાર્થ ઈલેક્ટ્રોનમાં જે પદાર્થ છે તેટલો જ છે પણ તેના પર વિદ્યુતભાર ઘન છે. થિયરી દર્શાવે છે કે જ્યારે ડાર્કમેટરના પદાર્થકણો અથડાય છે ત્યારે પોઝિટ્રોન્સ ઉત્પન્ન કરે છે અને ડાર્કમેટરના પદાર્થકણો અદૃશ્ય થઈ જાય છે. તે પોઝિટ્રોન્સના રૂપમાં રૂપાંતરિત થાય છે. આ પ્રયોગ ડાર્કમેટરના અસ્તિત્વ તરફ ઈશારો કરે છે અંગૂલી નિર્દેશન કરે છે. તેમ છતાં આ એક જ રીત નથી જેમાં પોઝિટ્રોન્સ ઉત્પન્ન થાય છે. માટે પ્રયોગ દર્શાવે છે કે ડાર્કમેટર આ બાબતને સમજાવતો એક ઉમેદવાર છે. આમ હાલમાં આપણને ડાર્કમેટરની ઝાંખી થઈ છે. ભવિષ્યના પ્રયોગો દર્શાવશે કે હકીકતમાં બ્રહ્માંડમાં પોઝિટ્રોન્સનું જે ઉત્પાદન થાય છે તે હકીકતમાં ડાર્કમેટરને લીધે છે.

હવે તો ‘હરખે ગુજરાત’? -- મિજાજ મસ્તી - સંજય છેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89515

ભારતીય સિનેમાનાં ૧૦૦ વરસ પૂરાં થાય છે ત્યારે ગુજરાતીઓના અમાપ પ્રદાન વિશે વાત કરવાનું કેમ કોઈને સૂઝતું નથી?


મિજાજ મસ્તી - સંજય છેલ


રસૂલ હમઝાતોવની ‘મારું દાઘેસ્તાન’ નામની કિતાબમાં રશિયા પાસેના દાઘેસ્તાન પ્રાંતમાં બે ગામડિયણ સ્ત્રીઓ એક કૂવા પર ઝઘડી રહી હોય છે ત્યારે એક સ્ત્રી બીજીને ગુસ્સામાં એક ગાળ આપે છે, ‘જા, તારાં બાળકો એમની માતૃભાષા ભૂલી જશે!’ વાહ! આને કહેવાય ગાળ! તમને થશે કે આજે આ વાત મને કેમ યાદ આવે છે? ના, ના... ડરો નહીં... હું ગુજરાતી ભાષા મરી જશે કે નહીં એ વિષય પર રાગ મરસિયા નથી ગાવા માગતો!

વાત જાણે એમ છે કે આ વર્ષે ભારતીય સિનેમાનાં ૧૦૦ વરસ પૂરાં થવા આવ્યાં છે. ઠેર ઠેર સૌ ફિલ્મરસિયાઓ પોતપોતાની રીતે ૧૦૦ વરસનું સરવૈયું કાઢવા બેઠા છે. પોતાની ફેવરિટ ફિલ્મોનું લિસ્ટ બનાવવાનું જાણે ફરજિયાત હોય એમ સૌ ફેસબુક-ટ્વિટર, છાપાં-મેગેઝિનમાં મંડી પડ્યા છે! એવામાં મારા માતૃભાષાપ્રેમ પર વજ્રઘાત થાય છે કે ભારતીય સિનેમામાં ગુજરાતીઓના અમાપ પ્રદાન વિશે હરખભેર વાત કરવાનું આપણામાંથી કોઈને કેમ સૂઝતું નથી? બોલીવુડમાં ર૦ વરસ ગાળ્યા પછી, બીજી ભાષાના લોકોમાં એમની ભાષાના કલાકારો માટેનો જિદ્દી પ્રેમ જોયા પછી ગુજરાતી સમાજની બેફિકરાઈ માટે ખૂબ દુ:ખ થાય છે. ત્યારે આપણા ગુજરાતી કલાકારોની કેટલીક સ્વર્ણિમ વાતો લખીને તમને આત્મભિમાનનાં ઇંજેક્શન મારવા માગું છું! આવો મારી સાથે ડાઉન મેમરી લેનમાં...

ચલો, શરૂઆત શરૂઆતથી જ કરીએ. તમને ખબર છે, હિંદુસ્તાની ફિલ્મોના મૂળમાં ગુજરાતી માણસોના પૈસા અને પુરુષાર્થ છે? કહેવાય છે કે પહેલી ભારતીય ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેને ફિલ્મ બનાવવા માટે જે કેમેરા, લેબોરેટરી વગેરે માટે મદદ કરેલી એ ચંદુલાલ શાહ નામના ગુજરાતી ધનાઢ્ય કલારસિક હતા. જો ચંદુલાલ અને અન્ય પારસી સજ્જનો ન હોત તો હિંદુસ્તાની સિનેમાની શરૂઆત થોડાં વર્ષો પછી થાત! પછી તો કેટકેટલાં સ્ટુડિયો અને કંપનીઓ ગુજરાતી શઠિયાઓએ ચલાવ્યાં. એમાંના એક સ્વ. વિજય ભટ્ટે ‘રામરાજ્ય’ ફિલ્મ બનાવી, જે એકમાત્ર ફિલ્મ હતી જેને ગાંધીજીએ જોયેલી. (આજે વિજય ભટ્ટની ત્રીજી પેઢી, કેમેરામેન પ્રવીણ ભટ્ટના નિર્દેશક પુત્ર-વિક્રમ ભટ્ટ છે.) ભારતીય વિદ્યા ભવનના સ્થાપક, પ્રખર કાયદાશાસ્ત્રી અને ગુજરાતી લેખક કનૈયાલાલ માણેકલાલ મુન્શી પણ ફિલ્મોમાં લખવા આવેલા. એમની નવલકથાઓ ‘પૃથ્વીવલ્લભ’ વગેરે પર સોહરાબ મોદીએ ફિલ્મ બનાવેલી. સોહરાબ મોદી આપણા બીજા ગુજરાતી કલાકાર હતા જેણે ભારતમાં આલીશાન સેટ્સવાળી ફિલ્મો બનાવી અને એ ગુજરાતી જૂની રંગભૂમિમાંથી ફિલ્મોમાં આવેલા. 

એક વાયકા છે કે હિંદીના મહાન લેખક પ્રેમચંદ અને કનૈયાલાલ માણેકલાલ મુન્શી બેઉએ ‘સલીમ-જાવેદ’ની જેમ જોડી બનાવીને ફિલ્મો લખેલી અને નામ હતું મુન્શી-પ્રેમચંદ. એટલે જ પ્રેમચંદનું નામ મુન્શી પ્રેમચંદ પડી ગયું! આવું, અદ્ભુત પ્રદાન આપનાર આ આપણી ગુજરાતી પ્રજા છે! પણ કોઈને જરાયે પડી છે? અરે, એ જમાનામાં સૌથી સફળ લેખક એટલે મોહનલાલ દવે નામના એક ગુજરાતી પટકથા-લેખક હતા જેમણે ૧૯૩૦થી ’૬૦ સુધી ૩૫૦ ફિલ્મોમાં સ્ક્રીન પ્લે લખીને એકચક્રી શાસન કરેલું, આપણા ગુણવંતરાય આચાર્ય જેમણે આપણી ભાષાને ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’ જેવી અનેક દરિયાઈ નવલકથાઓ આપી તેઓ હિંદી ફિલ્મોના સફળ લેખક હતા અને રણજિત મૂવીટોનમાં ખૂબ માનભેર કામ કરતા! રામચંદ્ર ઠાકુર હોય કે વિઠ્ઠલ પંડ્યા જેવા લોકપ્રિય લેખકો હોય, પણ અનેક ગુજરાતી કલાકારોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. તમે ‘અર્થ’-‘સારાંશ’થી લઈને ‘મર્ડર’ અને ‘રાઝ’ જેવી ફિલ્મોના નિર્માતા કે દિગ્દર્શક અને બોલ્ડ મેધાવી માણસ મહેશ ભટ્ટનું નામ સાંભળ્યું જ હશે. પણ એમના પિતા નાનાભાઈ ભટ્ટે પણ ૧૦૦થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કરેલું અને એકસાથે પાંચ-પાંચ ફિલ્મનું નિર્દેશન કરતા. ક્યારેક તો ફોન પર ડાયરેક્શન કરતા! આજે એ જ ભટ્ટ ફેમિલીની ત્રીજી પેઢી પૂજા ભટ્ટ નિર્દેશક બની ચૂકી છે અને આલિયા ભટ્ટ હિરોઈન બની ગઈ છે. મહેશના નાના ભાઈ રોબિન ભટ્ટે ‘બાઝીગર’થી લઈને ‘ઓમકારા’ કે ‘ક્રિશ’ જેવી ૬૦થી વધુ ફિલ્મો લખી છે! પણ આપણે ગુજરાતીઓ બોલીવુડમાં છવાયેલાં આ ગુર્જરરત્નોથી સાવ જ અજાણ છીએ! રાજ કપૂરને રોમેન્સનો રાજા બનાવવા પાછળ એના સંગીતનો મોટો ફાળો છે. અને એ સંગીત આપ્યું શંકર-જયકિશને. એમાંના જયકિશન પંચાલ એ ગુજરાતી સંગીતકાર હતા જે દક્ષિણ ગુજરાતના વાંસદા પાસેના હતા. માત્ર એમનું નામ જ પોસ્ટર પર છપાય તો ફિલ્મ વેચાઈ જાય એવી શંકર-જયકિશનની સફળતા હતી. કલ્યાણજી-આણંદજીએ વર્ષો સુધી બંગાળી-પંજાબી સંગીતકારો સામે ઝીંક ઝીલીને ર૦૦થી વધુ ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપ્યાં. છેક આજે પણ શાહરુખ ખાનની ‘ડોન ૧-૨’માં એમનાં ગીતો ગુંજે છે. અમિતાભ બચ્ચનને દેશ-વિદેશમાં સ્ટેજ શોઝ કરાવવાનું માન પણ કલ્યાણજી-આણંદજીને જ જાય છે! સુનિધિ ચૌહાણ જેવી ગાયિકા હોય કે જોની લિવર જેવો હાસ્ય કલાકાર, કલ્યાણજી-આણંદજીની મદદથી જ એ સૌ ફિલ્મમાં આવી શક્યાં છે! અરે, કોનાં કોનાં નામ લેશું? કેટકેટલા ચહેરા આપણે બેખબર, બેપરવા ગુજરાતી પ્રજાને યાદ અપાવશું? એન્ડ અફકોર્સ, હું કોઈ અધિકૃત ઇતિહાસકાર તો છું નહીં એટલે સરતચૂક પણ થશે અને ઘણાં નામો રહી જશે... પણ હું તો માત્ર નામી-અનામી હસ્તીના પાળિયા પરની સમયની ધૂળ ખંખેરીને પૂજવાનો પ્રયાસ કરી રહ્યો છું!

તમને ખબર છે, ‘ચિત્રલેખા’ના સંસ્થાપક તંત્રી અને લેખક વજુ કોટકે અનેક ફિલ્મો લખેલી! પન્નાલાલ પટેલની નવલકથાઓ પરથી હિંદી ફિલ્મો બની છે. અરે, ભારતની શ્રેષ્ઠ બે ફિલ્મો: ‘મધર ઈન્ડિયા’ અને ‘મુઘલે આઝમ’ની પાછળ ગુજરાતી માણસોનાં આંગળાંની ફિંગરપ્રિંટ છે. કે. આસિફને ૧૨ વર્ષ સુધી ‘મુઘલે આઝમ’ જેવા મેગ્નમ ઓપસ માટે જો શાપૂરજી પાલનજી જેવા પારસી ફાઈનાન્સરે વિના શરતે કરોડો રૂપિયા ૧૯૫૦-૬૦ સુધીમાં ન આપ્યા હોત તો આવી મહાન ‘મુઘલે આઝમ’ ક્યારેય ના બની હોત. અનેક વાર ‘મુઘલે આઝમ’નું શૂટિંગ અટક્યું, અનેક વાર એનું બજેટ વધતું ગયું પણ શાપૂરજી પાલનજીએ ફિલ્મ બનવા દીધી, કારણ કે એ કલાપારખુ ખાનદાન ધનાઢ્ય ગુજરાતી પુરુષ હતા. એમની જગ્યાએ જો કોઈ મારવાડી-પંજાબી ફાઈનાન્સર હોત તો કે. આસિફ ફિલ્મ તો પૂરી ન કરી શકત પણ દેવાળું કાઢીને આપઘાત કરી નાખત! સો ટચની ભારતીય ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બનાવનાર મહાન દિગ્દર્શક મહેબૂબ ખાન પણ મુસ્લિમ ગુજરાતી માણસ હતો. બે ચોપડી ભણેલ એ દરજીના દીકરાને માત્ર ગુજરાતી લખતાં-વાંચતાં આવડતી અને ગુજરાતીમાં જ પટકથા લખતો! ચિખલી પાસેના ધરમપુર નજીકના ગામમાં જન્મેલ એ ગુજરાતી માણસે ‘મધર ઈન્ડયા’નું શૂટિંગ પણ એ જ પ્રદેશમાં કર્યું. ઉપરાંત એ ગામના જ લોકલ લોકોને લઈને કામ કરાવ્યું અને ‘મધર ઇન્ડિયા’ ભારતની પહેલી ફિલ્મ હતી જે કોઈ પણ જાતના માર્કેટિંગ વિના ઓસ્કાર એવોર્ડ માટેની ૧૯૫૭ની ટોપ પાંચ ફોરેન લેંગ્વેજ ફિલ્મમાં નોમિનેટ થઈ. એ પછી છેક ૨૦૦૧’-૦૨માં ‘લગાન’ ફિલ્મ ઓસ્કાર માટે ટોપ પાંચમાં પહોંચી જેનું શૂટિંગ કચ્છમાં થયેલું અને એ ફિલ્મના લેખકોમાં પણ કુમાર દવે નામનો એક ગુજરાતી લેખક હતો! કર્યું કોઈ ગુજરાતી સંસ્થાએ આ કલાકારોનું સન્માન?

હિંદી ફિલ્મોને મસાલ ફિલ્મ એટલે શું, લોસ્ટ એન્ડ ફાઉન્ડની ફોર્મ્યુલા શું એ શિખવનાર મનમોહન દેસાઈ, શુદ્ધ ગુજરાતી ‘અનાવિલ’ હતા! મનમોહન દેસાઈ જેટલા સફળ કમર્શિયલ ડિરેક્ટર બહુ ઓછા થયા છે કે થશે પણ નહીં. કૃષ્ણકાંત ઉર્ફે કે. કે. નામના સુરતના અભિનેતા-દિગ્દર્શકે અનેક હિંદી ફિલ્મોમાં લગભગ ૭૦ વરસ સુધી કામ કર્યું અને હિંદી-ગુજરાતી ફિલ્મો પણ બનાવી! આપણી ગુજરાતી ફિલ્મોના અદ્ભુત અભિનેતા અરવિંદ પંડ્યા, મીનાકુમારીના હીરો રહી ચૂકેલા! ભરતભાઈ શાહ જેવા ખમતીધર ડાયમન્ડ મર્ચન્ટ જો ન હોત તો સંજય ભણસાળીની ‘દેવદાસ’થી માંડીને બીજી અનેક ખર્ચાળ ફિલ્મો આપણને જોવા મળત જ નહીં. (અરે, શાહરુખ ખાનનો ‘મન્નત’ નામનો કરોડોનો બંગલો પણ ભારત શાહની જ મદદથી શાહરુખને મળ્યો છે!) એવા જ બીજા બાહોશ ડાયમંડ મર્ચંટ અને ફિલ્મ ફાઈનાન્સર, દિનેશ ગાંધી ન હોત તો પ૦ વરસ પછી ‘મુઘલે આઝમ’ ફિલ્મ રંગીન સ્વરૂપે ફરી રિલીઝ ન થાત! શાહરુખને ‘બાઝીગર’ ફિલ્મથી સ્ટારડમ અપાવનાર અબ્બાસ-મુસ્તાન, આમિર ખાનની કમબેક ફિલ્મ ‘દિલ’ અને અનેક હિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક ઈન્દ્રકુમાર, નાના પાટેકરને સ્ટાર બનાવનાર પ્રોડ્યુસર-ડાયરેક્ટર મેહુલકુમાર! ૧૦૦ વરસમાંની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ બનાવનાર કુંદન શાહ ગુજરાતી જ છે, પણ ગુજરાત સરકાર કે સમાજને એ વાતનો જરાય હરખ છે? કેટકેટલાં સફળ ગુજરાતી નામો છે આપણી પાસે! પણ અફસોસ ૬ કરોડની ગુજરાતી પ્રજાએ આપણા કલાકારો કે ફિલ્મકારોને ક્યારેય ખભા પર નથી બેસાડ્યા! (મરાઠી-બંગાળી-મલયાલમ પ્રજા એમના કલાકારોને માથે બેસાડે છે પણ આપણે ગુજરાતીઓના કલાપ્રદાનથી સાવ અજાણ છીએ કે અજાણ જ રહેવા માગીએ છીએ. જ્યાં સુધી ગુજરાતી પ્રજા માત્ર વેપારીઓ-ઉદ્યોગપતિઓ કે નેતાઓનાં જ ગાણાં ગાશે અને કલાકારો, લેખકો, વૈજ્ઞાનિકો, રમતવીરોનું જતન નહીં કરે ત્યાં સુધી એ માત્ર પૈસાકમાઉ ‘ગુજ્જુ’ પ્રજા બની રહેશે! કદાચ ‘વાંચે ગુજરાત’ની જેમ ‘હરખે ગુજરાત’ની મુહિમ શરૂ કરવાનો સમય પાકી ગયો છે! (વધુ સફળ નામો અને વધુ બળાપો આવતા અઠવાડિયે).

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=90357

સિનેમાનાં ૧૦૦ વર્ષમાં આપણા કેટલા ટકા?

અન્ય પ્રજા એમના નાના કલાકારોને માથે ઊંચકીને ફરે છે પણ અમીર ગુજ્જુ પ્રજા પોતાના લોકોને માન આપવામાં ભિખારી બની જાય છે.

ગયા રવિવારે કહેલું એમ ભારતીય સિનેમાને ૧૦૦ વર્ષ થયાં એમાં ગુજરાતીઓનાં પ્રદાન અને ગુજરાતી પ્રજાની ઉદાસીનતા વિશે મારો બળાપો હજુ બાકી છે! કડવું લાગે તો લાગે પણ વ્યાપાર વાણિજ્ય કે રાસ ગરબાથી આગળ વિચારવા માટે આપણે ગુજ્જુઓ સાવ અક્ષમ છીએ. મરાઠીઓ, મલયાલીઓ, બંગાળીઓ એમના નાના નાના કલાકારોને માથે ઊંચકીને ફરે છે પણ આપણી અમીર ગુજ્જુ પ્રજા આપણા પોતાના લોકોને માન આપવામાં ભિખારી બની જાય છે. ઉપરછલ્લી અસ્મિતાની વાતો કરીને પછી આપણને આળસ આવી જાય છે.

સૌથી મોટું ઉદાહરણ આપું? ૧૯૩૩માં પહેલી ગુજરાતી ફિલ્મ બનેલી અને છેક પંદર વરસે ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ, એ ૧૫ વર્ષમાં જો ૩૦-૪૦ ગુજરાતી ફિલ્મો બની શકી તો કોઈએ ગાંધીજીનો ગુજરાતીમાં એક ઈન્ટરવ્યુ ફિલ્મ પર શૂટ કેમ ના કર્યો? એક પણ નિર્માતા કે શેઠિયાને આ ન સૂઝ્યું? જો ગાંધીજીની આવી હાલત થાય તો ફિલ્મવાળાઓને કોણ પૂછે? છેક ૧૯૮૬માં સંજીવકુમાર ગુજરી ગયાં પણ આપણી પાસે અમદાવાદ-મુંબઈ દૂરદર્શનમાં કે ફિલ્મઝ ડિવિઝનમાં એમનો એક પણ ગુજરાતી ભાષામાં શૂટ થયેલ ઈન્ટરવ્યુ છે? કોમેડી હોય, ટ્રેજેડી હોય કે બાપના રોલ હોય સંજીવકુમારે સૌના બાપ બનીને પંજાબી-બંગાળીઓની ગ્રુપબાજી સામે માત્ર ટેલેન્ટનાં જોરે નામ કમાવેલું. અરે, જે સમયે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અભિતાભને ૧૨-૧૫ લાખ રૂ. મળતાં ત્યારે એમણે યશ ચોપરાની ‘ત્રિશૂલ’માં બાપનો રોલ કરવાનાં ૨૦ લાખ રૂ. માંગેલા અને મેળવેલાં, કારણ? સંજીવકુમારનો અદભુત આત્મવિશ્ર્વાસ અને એક ગુજરાતી માણસની વિચક્ષણ વેપારી બુદ્ધિ! એમને ખબર હતી કે અમિતાભના બાપનો રોલ કરવા માટે બે જ અભિનેતા લાયક છે: દિલીપ કુમાર અને સંજીવ કુમાર પોતે. દિલીપ કુમાર તો બાપનો રોલ કરશે નહીં એટલે એમણે દાદાગીરીથી ૨૦ લાખ મેળવ્યાં.. આવા હરીભાઈ જરીવાલા ઉર્ફે સંજીવકુમાર જો કેરળ કે બંગાળમાં હોત તો એમનાં નામે નાટ્યગૃહ હોત, યુનિવર્સિટી હોત. જિદ્દી મલયાલી - બંગાળી લોબીએ લડી-ઝગડીને અનેક સાચાં ખોટાં ‘નેશનલ એવૉર્ડ’ અપાવ્યાં હોત. અફસોસ, સંજીવ કુમાર ઉર્ફ હરીભાઈ જરીવાલાને આપણે જર્જર ગુર્જર સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર પણ ના બનાવી શક્યા!

ગઈકાલને છોડો, આજે બોલીવુડમાં સૌથી મોટા ત્રણ નામ છે: શાહરુખ, આમિર, સલમાન આ ત્રણેયની પાછળ ગુજરાતનો ફાળો છે! શાહરુખે પહેલીવાર મુંબઈમાં શૂટિંગ કર્યું એ કુંદન શાહ નામના ગુજ્જુ દિગ્દર્શકના હાથ નીચે કર્યું અને એમને જ લીધે કુંદનના પાર્ટનર અઝિઝ મિર્ઝાની ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ શાહરુખને મળી.

આમિર ખાને જીવનમાં અભિનયની બારખડી ગુજરાતી નાટ્ય દિગ્દર્શક સ્વ. મહેન્દ્ર જોષી પાસે શીખેલી. મુંબઈની નરસી મોનજી કોલેજમાં ગુજરાતી એકાંકીઓ કર્યાં પછી જ આમિરમાં અભિનયનો કીડો સળવળ્યો અને એટલે જ આજે સારી ફિલ્મોનો સ્ટાર કે કલાકાર બની શક્યો. સલમાનની જિંદગીમાં ગુજરાતી લેખક-દિગ્દર્શક હની છાયા ના આવ્યા હોત તો એ બાંદ્રામાં કોઈ ડિસ્કોમાં બાઉન્સર કે બોડીગાર્ડ હોત. લેખક સલીમ ખાનના સહાયક અને ‘દાદા હો દીકરી’ જેવી અનેક ફિલ્મોના નિર્દેશક હની છાયાએ રાજશ્રી ફિલ્મઝની ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મ અપાવી અને વર્ષો સુધી સલમાનની કેરિયરને એક વડીલની જેમ કંડારી. રાજેશ ખન્નાએ પહેલો સ્ક્રીન ટેસ્ટ જે ફિલ્મફેર સ્પર્ધામાં આપેલો એ સ્વ. પ્રબોધ જોષી નામના ગુજરાતી નાટ્ય લેખકે લખેલો. ભારતનાં પહેલાં સુપર સ્ટારથી માંડીને આજના ત્રણ સુપર સ્ટાર્સની સફળતામાં ગુજરાતી ભાષા - કલાકારોના ડીએનએ છે!

આજે પરેશ રાવલ, ગુજરાતી ભાષા રંગભૂમિમાંથી નીકળીને ફિલ્મોમાં રાજ કરતો એક એવો સ્ટાર-કલાકાર છે કે જેની તગતગતી કાતિલ આંખો સામે ૧૦૦ કરોડની હિટ આપનારાં ભલભલાં સુપર સ્ટારો પણ કલીન બોલ્ડ થઈ જાય છે. અને હા ગુજરાતી નાટકનાં મહાન અભિનેતા અરવિંદ જોષીનો દીકરો શર્મન જોષી ‘થ્રી ઈડિયટસ’ જેવી ફિલ્મો પછી એક સ્ટાર પણ છે અને એક સશક્ત અભિનેતા પણ.. પણ આપણે ‘આ બધામાં આપણા કેટલા ટકા?’ એવું વિચારતી સુખાળવી પ્રજા છીએ એટલે કોઈને કશી જ પડી નથી. ગયા સપ્તાહના લેખ પછી અનેક ફોન, ઈમેઈલ, એસ.એમ.એસ દ્વારા અમુક લોકોએ હરખ દેખાડ્યો, ખૂટતી માહિતીઓ આપી ત્યારે મને ગમ્યું કે હાશ બંધિયાર પાણીમાં સ્હેજ વમળ તો થયાં... પણ કેટલાંને ખબર છે કે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો અપાવનાર ફક્કડ ભેખધારી નેતા ઇંદુલાલ યાજ્ઞિક પણ ફિલ્મોથી સંકળાયેલા હતા? ‘અય મેરે વતન કે લોગો ઝરા આંખ મેં ભર લો પાની’ કે ‘આઓ બચ્ચોં તુમ્હે દિખાએ ઝાંકી હિંદુસ્તાન કી’ જેવાં અમર ગીતો લખનાર કવિ પ્રદીપ પણ મૂળે ગુજરાતી છે?

તમને ખબર છે છેલ્લા બે દાયકામાં ગુજરાતી કલાકારોએ બોલીવુડમાં અશ્ર્વમેધ યજ્ઞ આદર્યો છે. ‘હેરાફેરી’ જેવી ફિલ્મોથી લેખક-નિર્દેષક નીરજ વોરાના સિક્કા પડે છે. નીરજના નાના ભાઈ ઉત્તંક વોરાએ ‘પહેલા નશા’માં ૧૯૯૩માં અદભુત સંગીત પણ આપેલું. છેલ્લાં પંદર વર્ષમાં સફળ લેખક મોડાસાના અનીસ બઝમી હવે, સફળ ડાયરેક્ટર બનીને ‘નો એંટ્રી’, ‘સિંઘ ઈઝ કિંગ’, ‘વેલકમ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે. કચ્છી માડુ વિપુલ અમૃતલાલ શાહે, ટીવીથી ફિલ્મો તરફ હરણફાળ ભરીને આંખે, વક્ત, નમસ્તે લંડન, લંડન ડ્રીમ્સ, એકશન રીપ્લે જેવી ફિલ્મોનું નિર્માણ કરીને નામ કમાવ્યું છે. એકાંકીઓથી શરૂ કરીને ‘ઢૂઢતે રહ જાઓગે’ અને હવે અક્ષય-પરેશની ‘ઓહ માય ગોડ’ સુધી પહોંચેલા નિર્દેશક ઉમેશ શુકલા પણ વધુ એક નામ છે. ભવની ભવાઈ - મિર્ચ મસાલા જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોના નિર્દેશક કેતન મહેતા નખશિખ ગુજરાતી છે જે સત્યજિત રેના પ્રિય નિર્દેશક છે એ કોઈને ખબર છે? આપણા મનોજ જોશી, સતીષ શાહ, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક, હોમી વાડિયા, દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, સંગીતકાર હિમેશ કે સચીન જીગર, લેખક અભિજાત જોષી, પાર્થિવ ગોહિલ, ઈસ્માઈલ દરબાર કેટકેટલી ગુજરાતી હસ્તીઓનાં નામો ગણાવું? મારાથી અમુક નામો રહી પણ જશે પણ એક વાત કહેવા દો કે આપણા ગુજરાતી કલાકારો ભેગા મળીને જો અઠવાડિયા માટે હડતાળ કરે ૬૦ ટકા ટીવી સિરિયલો બંધ થઈ જાય અને ૫૦ ટકા ફિલ્મોનાં શૂટિંગો અટકી જાય! પણ... પણ... પણ.. પણ ગુજરાતી પ્રજાને આ બધા કલાકારો વિશે ખબર છે? ના આપણે ત્યાં જૂની રંગભૂમિ નવી રંગભૂમિ ના કલાકારો - ટેક્નિશિયનોની એક વ્યવસ્થિત કિતાબ નથી. મ્યુઝિયમ તો દૂરની વાત છે. ગુજ્જુ સમાજની જેમ ગુજરાત સરકારને પણ ક્યાં પરવા છે? મરાઠી ફિલ્મો માટે મહારાષ્ટ્ર સરકાર પૂરા ૪૦ લાખની સબ્સિડી આપે છે જ્યારે આપણી ગુજરાત સરકાર માત્ર પાંચ લાખ! પાંચ લાખમાં તો ટીવીનો એપિસોડ પણ નથી બનતો... આ છે વિકસિત ગુજરાત રાજ્યનો કલાપ્રેમ!

જરા વિચાર કરો... શું ભવ્ય ઈતિહાસ છે આપણો ‘મુઘલેઆઝમ’નું હીટ સોંગ ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયોરે’ ગુજરાતી જૂની રંગભૂમિનું સુપરહિટ ગીત હતું જે ફિલ્મમાં ઉઠાવી લેવાયું!! ‘સત્યમ શિવમ્-સુંદરમનું જાણીતું ગીત ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ એ સ્વ. નિનુ મઝુમદાર નામના ગુજરાતી ગીતકાર-સંગીતકારનું ઓરિજિનલ ગીત છે જે ૧૯૫૦માં એમણે એક ફિલ્મ માટે બનાવેલું! ભારતની સર્વપ્રથમ સ્ત્રી સંગીતકાર સરસ્વતીદેવી, જે મૂળ પારસી સન્નારી હતી એ ગુજરાતી પ્રજાનું ગૌરવ કહેવાય પણ આપણે આપણા બે-ચાર લોકલ સંગીતકારો કે ડાયરાના કલાકારોથી વિશેષ કશું જાણવા માંગતા જ નથી... ‘મંથન’, ‘મંડી’ જેવી ફિલ્મોમાં સંગીત આપનાર વનરાજ ભાટિયા, સંગીતકાર અજિત મર્ચંટ, નેશનલ એવૉર્ડ જીતનાર સંગીતકાર રજત ધોળકિયા, ‘બુનિયાદ’ સિરિયલ ફેમ ઉદય મઝુમદાર, આજના કેમરામેન સ્વ. રાજન કોઠારી, પ્રવીણ ભટ્ટ, સુનીલ પટેલ હોય કે ફલી મિસ્ત્રી, જાલ મિસ્ત્રી જેવા રાજકપૂર - દેવાઆનંદના ત્યારના સ્ટાર કેમેરામેન હોય એ બધા ગુજરાતી હતા કે છે! અરે, ડાન્સ ડિરેક્ટર રેમો ફર્નાન્ડીઝ પણ જામનગરનો ગુજરાતી છોકરો છે! કદાચ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી જન્મેલી ધર્માંધતાને કારણે આપણે પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી નામોને ગુજરાતી નથી ગણતા! બોલીવુડ છોડો, હોલીવુડનો હીરો કાલપેન પણ ગુજ્જુ છે. એટનબરોની ‘ગાંધી’માં ગાંધી બનનાર બેન કિંગ્સલે ઉર્ફે કૃષ્ણ ભાણજીમાં ગુજરાતી લોહી વહે છે. શેખર કપૂર કે દીપા મહેતા પહેલાં હોલીવુડમાં નિર્દેશક તરીકે ભારતનું નામ કાઢનારા કૃષ્ણા શાહ પણ આ એક ગુજરાતી માણસ જ હતો! ‘શાલીમાર’ ફિલ્મ બનાવનાર કૃષ્ણા શાહ, ગુજરાતી રંગભૂમિની પૈદાઈશ છે જેણે હોલીવુડમાં જઈને ૬૦-૭૦’ના દાયકામાં ‘રાઈફલ્સ’ જેવી ફિલ્મો બનાવી.

સદાબહાર અભિનેત્રી આશા પારેખ, યાદગાર માતા ‘નિરૂપા રોય’ હોય, પ્રેમાળ શમ્મી આન્ટી ગુજરાતી નારીપાવર છે! ડિમ્પલ કાપાડિયા જેવી ગલેમર કવીન હોય કે ટીના મુનીમ જેવી ચુલબુલી અદાકાર હોય, સ્વરૂપવાન સ્વરૂપ સંપટ હોય કે આયેશા તાકિયા જેવી માદક અભિનેત્રી હોય કે બિંદુ જેવી સેક્સી કલાકાર હોય કે ઓલ-રાઉંડર અરૂણા ઈરાની હોય કે ‘પ્રતિઘાત’ ફેમ સુજાતા મહેતા હોય કે આજની પ્રાચી દેસાઈ જેવી નમણી છોકરી હોય કે વૈભવી મર્ચંટ જેવી નિર્દેશિકા હોય કે નેશનલ એવૉર્ડ વિનર કશ્ર્શ્યુમ ડિઝાઈનર લીના દરૂ હોય, બધી આપણી ગુજરાતની ધરતીની સ્ત્રીઓ છે જેણે બોલીવુડમાં સમ્માનભેર નામ કાઢયું છે. ૧૩૦ ફિલ્મનો કરનાર જેકી શ્રોફ જેવા હેન્ડસમ ગુજરાતી સ્ટારને પણ આપણે સાવ સેક્ધડહેડ ટ્રીટમેંટ આપી છે!

આપણી પ્રજાએ શેરબજારને અપનાવી છે પણ સવાશેર બનીને કળા-સંસ્કૃતિનું જતન કરતાં શીખ્યા નથી. જ્યાં સુધી ગુજરાતી પ્રજા એમના કલાકારો, લેખકો, વૈજ્ઞાનિકોનું પણ જતન નહીં કરે ત્યાં સુધી એ માત્ર પૈસાકમાઉ ‘ગુજ્જુ’ પ્રજા બની રહેશે! ઉર્દૂ લેખિકા ઈસ્મત ચુગતાઈ કહેતાં "જો ઝુંબાં (ભાષા) રોટી કમા કે નહીં દે સકતી વો આખિરકાર મર જાતી હૈ તો હું કહીશ જે ભાષા રોટી સાથે મીઠાઈ પણ ખાઈ શકે એવી સમૃદ્ધ હોય પણ પોતાના કલાકારોને પ્રેમ ના કરી શકે એ મરી જશે. કમસેકમ ઈતિહાસમાં તો જરૂર મરી જશે! મહાજાતિ ગુજરાતીને ઊંઘમાંથી ઉઠાડીને મરતાં બચાવવાનો સમય આવી ગયો છે?













દારૂબંધી ઉઠાવી લેવી જ જોઈએ --- લાતની લાત ને વાતની વાત - અધીર અમદાવાદી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89517

ગુજરાતના ડેવલપમેન્ટ મોડલમાં દારૂબંધી ફિટ નથી થતી અને સરકારે કરોડો રૂપિયાની એક્સાઈઝની આવક ગુમાવવી પડે છે.

ચેતન ભગત નામ ઘણું પ્રચલિત છે. એ અમદાવાદની પ્રસિદ્ધ આઇઆઇએમ સંસ્થામાં ભણ્યા છે એટલે એ ઇન્ટેલિજન્ટ હશે એવી ધારણા લોકો કરે છે. આ ચેતન ભગત લેક્ચર્સ, ઉદ્ઘાટનો અને ટ્વિટરના માધ્યમથી પોતાના વિચારો છૂટથી રજૂ કરતા ફરે છે. આપણા દેશમાં વાણીસ્વતંત્રતા છે એ વાતનો લાભ લઈ નેતાઓ, અભિનેતાઓ અને દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે છે. એમ પણ.

આ ચેતન ભગતે હમણાં ગુજરાતમાં આવી એવું કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ. ભગતસાહેબે દલીલ એવી કરી કે આમેય દારૂબંધી હોવા છતાં દારૂ છૂટથી મળે છે. કદાચ ભણતી વખતે એમણે એનો લાભ પણ લીધો હશે. આમ દારૂ છૂટથી મળતો જ હોય અને લોકો પીતા જ હોય તો પછી દારૂબંધી હટાવી જ લેવી જોઈએ. ચેતનભાઈએ એવું પણ કહ્યું કે દારૂબંધીને કારણે ગુજરાતને હજારો કરોડો રૂપિયાની એક્સાઈઝની આવક ગુમાવવી પડે છે. 

ગુજરાતના ડેવલપમેન્ટ મોડલમાં દારૂબંધી ફિટ નથી થતી એવું એમનું માનવું છે. એ કહે છે કે આખા દેશમાં, અને આખી દુનિયામાં દારૂની છૂટ છે અને ત્યાં બધું બરોબર ચાલે છે. આ ભગત એવું પણ કહે છે કે દારૂબંધી ન હોય તો યુવાનોને એમ્પ્લોયમેન્ટ પણ મળી રહે. 

પણ ભગતના આ સ્ટેટમેન્ટથી તાનમાં આવી ગયેલા બૂટલેગરોએ દેશી દારૂની પ્રીમિયમ પોટલીઓ ‘ભગત પાઉચ’ના નામ હેઠળ પાનની દુકાનોમાં ઠાલવવાનું ચાલુ કર્યું છે એવું સાંભળવા મળે છે. અમુક તો આ ધંધામાં હાલ કેટલી નોકરીઓ છે અને વધુ કેટલા માણસને રોજીરોટી મળી શકે એમ છે એનાં સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં પડ્યા છે. આ સક્સેસ સ્ટોરીઝમાં સ્કૂટરની ટ્યુબમાં દારૂ ભરીને ફેરી કરતાં કરતાં હપ્તાબળે આગળ વધીને હોન્ડા સિટીમાં ફરતી થઈ ગયેલી ‘સફળ’ વ્યક્તિઓના મેનેજમેન્ટ કેસ સ્ટડીઝ પણ છે. સર ચેતન કહે છે કે એ પોતે ‘ખાસ’ દારૂ નથી પીતા, ન એ પીવાની હિમાયત કરે છે. પણ કદાચ ગુજરાતના વિકાસ માટે એમના દિલમાં ઊંડી લાગણી છે એટલે જ એ વગર માગ્યે દારૂબંધી ઉઠાવવાની હિમાયત કરે છે. ભગતજી તો બસ ફ્રીડમ (રસ્તા ઉપર ટુન્ન થઈને પડવાની!), ચેન્જ (પોલીસના ડર વગર પીવાનો!) અને મોડર્નિટી (મા-દીકરો સાથે બેસીને દારૂ પીએ)માં માને છે. 

અમને તો ભગત ચેતનની વાત ખૂબ ગમી ગઈ છે. એટલે જ આ ‘ભચે’ વતી અમે બીજાં ક્ષેત્રોમાં પણ સરકારને લિબરલ બનવા અપીલ કરીએ છીએ. બીજાં ઘણાં એવાં ક્ષેત્રો છે જ્યાં થોડા પ્રક્ટિકલ થઈએ તો આપણે વેસ્ટર્ન ક્ધટ્રીઝની હરીફાઈમાં ઊભા રહી શકીએ એમ છીએ.

અમારા અમદાવાદમાં ટ્રાફિકની ઘણી સમસ્યા છે. લોકો રોંગ સાઇડમાં પણ વાહન ચલાવે છે. પોલીસદાદાનું ધ્યાન હપ્તો આપ્યા વગર જતા ટેમ્પો તરફ હોય તેવામાં સિગ્નલ રેડ હોય તો પણ લોકો ઘૂસી જાય છે. નો પાર્કિંગમાં લોકો વાહનો પાર્ક કરે છે. સિગ્નલ બતાવ્યા વગર ડાબી-જમણી બાજુ કટ મારવી રસ્તા પર પાનની પિચકારી મારવા જેવું સહજ છે. એકાએક વળવાનું અથવા તો કામ યાદ આવે તો રસ્તા વચ્ચે ઊભી રહી જવામાં કોઈને કાયદાનો ભંગ થતો હોય એવું લાગતું નથી. હેલ્મેટ તો ખુદ પોલીસદાદાઓ જ નથી પહેરતા! તો ગુજરાત સરકારને સર ચેતન ભગત તરફથી અમારી વિનંતી કે અમદાવાદને ફ્રી-ટ્રાફિક ઝોન ડિક્લેર કરવામાં આવે. આ ફ્રી-ટ્રાફિક ઝોનમાં રસ્તાની બંને બાજુ વાહનો ચલાવી શકાય. મન ફાવે ત્યાં પાર્ક કરી શકાય. બદલામાં બસ ઈમ્પેક્ટ ફીની રાહે વન ટાઈમ પોલીસ ટેક્સ ભરી દેવાનો. સરકારને આવક જ આવક.

અને હમણાં પોર્ન ફિલ્મો વિષે ચર્ચા ચાલુ થઈ છે. ઈન્ટરનેટના માધ્યમથી આવી ફિલ્મો આખા દેશમાં જોવાય જ છે. તો પછી ‘ભચે’ થિયરી અનુસાર આ પોર્ન ફિલ્મ પર પ્રતિબંધ લાવવાને બદલે સરકારે એના પર હેવી ટેક્સ નાખી કાયદેસર કરી નાખવી જોઈએ. સરકારમાન્ય વેબસાઈટ પર ક્રેડિટ કાર્ડ ઘસી લોકો ફિલ્મોનો આનંદ મેળવી શકશે અને સરકાર આ સેવા ઉપર સર્વિસ ટેક્સ નાખી કરોડો કમાઇ શકશે. મોબાઈલ કંપનીઓ પણ ચાર્જ વસૂલી કાયદેસર રીતે એમએમએસ જે તે જગ્યાએ પહોંચાડી આપશે. આવી કંપનીઓને મંજૂરી આપવામાં સરકાર અને નેતાઓને વ્હાઈટ અને બ્લેક બે પ્રકારની કમાણી થાય એ નફામાં. હવે કોઈ ચોખલિયો એમ પૂછે કે ‘પછી આપણા સંસ્કારોનું શું?’, ‘આપણી સંસ્કૃતિનું શું?’, તો એને ભગતના ભાષણ સાંભળવા મોકલી દેવાનો!

અને અમે તો વર્ષોથી લાંચને કાયદેસર કરવાની હિમાયત કરીએ છીએ. આમેય સરકાર ગમે તેટલા કાયદા કરે પચીસ રૂપિયાથી લઈને અમુક લાખ કરોડ સુધીની લાંચ લેવાય છે એ દેશમાં લાંચ કાયદેસર કરી નાખીએ તો કોઈએ પછી ‘અન્ડર ધ ટેબલ’ વ્યવહાર કરવા ન પડે, કોઈનું સમાજમાં ખરાબ ન દેખાય. દરેક પ્રકારની લાંચના બાંધ્યા ભાવ કરી નાખવાના. સરકારી કર્મચારીઓને પછી પગાર નહીં આપવાનો. આવા કર્મચારીઓના સિલેક્શનમાં પણ જે વ્યક્તિ પોસ્ટની હરાજીમાં સૌથી વધારે બોલી બોલે તેને આ પોસ્ટનો ઠેકો આપવાની રીત અપનાવી શકાય. 

ભગતસાહેબ મેનેજમેન્ટ ભણ્યા છે એટલે ઇકોનોમીની વાત કરે છે. એમનું કહેવું છે કે દારૂબંધી ઉઠાવી લેવાય તો વધુ નોકરીઓની તક ઊભી થશે. વાત તો ૧૦૦ ટકા સાચી છે. બાર ટેન્ડર, કેશિયર, બાઉન્સર, સ્ટોર્સ અને લોજિસ્ટિક્સ બધામાં નોકરી જ નોકરી. હા એ અલગ વાત છે કે અત્યારે પણ કોઈ આ કામ જીવના જોખમે કરે જ છે. 

પછી તો દારૂ કાયદેસર થતાં ગુજરાતની વેપારી પ્રજા પછી દારૂના ધંધામાં ઝંપલાવશે. પછી વિજયભાઈ માલિયાને ચોક્કસ ટફ કોમ્પિટિશન મળે અથવા તો એવું પણ બને કે વિજયભાઈ ગુજરાતમાં ઇન્વેસ્ટર બનીને આવે. એનાથી બીજું કશું થાય કે ન થાય, ગુજરાતની છોકરીઓ કિંગફિશરના કેલેન્ડર પર ચમકતી જરૂર થઈ જશે! ચેતનભાઈનો ગુજરાત પ્રેમ કહેવું પડે!

વાતાવરણનો આધ્યાત્મિક અર્થ --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89522


માનવીની પોતાની દુનિયાથી માંડીને છેક બ્રહ્માંડ સુધી વાતાવરણનો વિસ્તાર છે

પૃથ્વીને વાતાવરણ છે, વાયુમંડળ છે. આપણે પૃથ્વીના વાયુમંડળમાં જીવી રહ્યાં છીએ. સૂર્યમાળામાં સૂર્ય છે અને બીજા ગ્રહો છે, ગ્રહોના ઉપગ્રહો છે, ધૂમકેતુઓ, ઉલ્કાઓ અને લઘુગ્રહો છે. આ બધા પણ પૃથ્વી ફરતેનું વાતાવરણ બનાવે છે. પૂરું સૂર્યમંડળ સૂર્યના વાતાવરણમાં છે. સૂર્યમાંથી ધસમસતા નીકળતા વાયુઓ ચોમેર સૂર્યમાળામાં પથરાય છે અને સૂર્યમાળામાં વાતાવરણ કે વાયુમંડળ સર્જે છે. સૂર્યમાંથી શક્તિશાળી વિદ્યુતભારવાળા અને વિદ્યુતભારવિહીન પદાર્થકણોનાં ધોધ છૂટે છે. આ કણોના વરસાદમાં પૂરું સૂર્યમંડળ નહાય છે. પૃથ્વી ફરતે ચૂંબકીય અને વિદ્યુતક્ષેત્રો છે. પૃથ્વી તેમાં વીંટળાયેલી છે, તે પૃથ્વી પરના જીવનનું રક્ષણ પણ કરે છે. પૃથ્વી ફરતે ચૂંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રના આ ફુગ્ગા સૂર્યની સક્રિયતા અથવા નિષ્ક્રિયતા પર મોટા નાના થયા કરે છે. પૂરું સૂર્યમંડળ સૂર્યના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં છે.

પૂરા સૂર્યમંડળને આકાશગંગા મંદાકિનીનું વાતાવરણ છે. મંદાકિનીમાં ચૂંબકીયક્ષેત્ર છે, વિદ્યુતક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષણક્ષેત્ર છે. બધા જ તારા મંદાકિનીના વાતાવરણમાં છે. મંદાકિનીઓ બ્રહ્માંડના વાતાવરણમાં છે. બીજી મંદાકિનીઓના વાતાવરણમાં છે, તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં છે. આમ બધાને જ અને બધે જ વાતાવરણ છે. પોતાની આસપાસના વાતાવરણની અસર તળે દરેક વસ્તુનો ઉદ્ભવ થાય છે અને વિકાસ થાય છે.

બ્રહ્માંડમાં કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં વાતાવરણ ન હોય. પૂરા બ્રહ્માંડમાં વાતાવરણની માયા પથરાયેલી છે. છેવટે બધું પરબ્રહ્મમના વાતાવરણમાં છે.

વાતાવરણના સંસર્ગમાં, પાર્શ્ર્વભૂમિમાં વસ્તુનો વિકાસ થાય છે. જીવંત વસ્તુના જીવનમાં વાતાવરણ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. કોઈ ગ્રહનું વાતાવરણ એવું પણ હોઈ શકે જ્યાં માનવી પૃથ્વી પરના વૃક્ષોની જેમ કાર્બનડાયોક્સાઈડ ગ્રહણ કરી ઑક્સિજન બહાર કાઢે. ત્યાં વૃક્ષો ઑક્સિજન ગ્રહણ કરી કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢે.

પૃથ્વી સૂર્યથી એટલે અંતરે છે જ્યાં આપણા જેવું વાતાવરણ અને આપણા જેવા માનવીઓ છે. કોઈ ગ્રહ પર વાતાવરણ એવું પણ હોય જ્યાં માનવી કાળો હોય, દૃશ્ય પ્રકાશ જોઈ ન શકે પણ અલ્ટ્રાવાયોલેટ કે ઈન્ફ્રારેડ પ્રકાશમાં જોઈ શકે. તેની આંખો બીજી જ પ્રકારની હોય, તેને મોટા મોટા બબે ફૂટના કાન હોય, એવો પણ ગ્રહ હોય જ્યાં માનવીઓ વીસ કે ત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવતા હોય. એવો પણ ગ્રહ હોય જ્યાં પુખ્યવયનો માનવી માત્ર એક ફૂટ જ ઊંચો હોય. એવો પણ ગ્રહ હોય જ્યાં માનવીને ઘેટા-બકરાં જેવા વાળ હોય અને તે ધોળો હોય. આ બધું વાતાવરણ પર આધાર રાખે છે. માનવી ગરમ વાતાવરણમાં પણ રહી શકે, ઠંડા વાતાવરણમાં પણ રહી શકે. બેકટેરીયા ગરમ પાણીમાં પણ રહી શકે છે અને પૃથ્વીના પેટાળમાં ૨૦ કિલોમીટર નીચે પણ બેકટેરીયાની કોલોની મળી આવે છે.

માછલી પાણીમાં રહે છે. માનવી વાયુરૂપી સમુદ્રમાં રહે છે. આ બધું વાતાવરણને આભારી છે. કહેવત છે કે ‘મેન ઈઝ નોન બાય ધી કંપની હી કીપ્સ’ એ જ રીતે વાતાવરણ જ માનવીને ઘડે છે. જેવું વાતાવરણ એવો માનવી. વાતાવરણ જો સંસ્કારી હોય તો માનવી સંસ્કારી બને છે, વાતાવરણ અસંસ્કારી હોય તો માનવી પણ અસંસ્કારી બને છે.

ઝૂંપડપટ્ટીમાં ઉછરેલા માનવીના સંસ્કાર એવા જ હોય છે. કોઈક અપવાદમાં ઝૂંપડપટ્ટીમાં જન્મેલો માનવી પણ મહાન બને છે અને સંસ્કારી કુટુંબમાં પણ દુરાચારી માનવી જન્મે છે. પણ એકંદરે વાતાવરણની માનવી પર અસર થાય છે. જે યુગમાં મહાન માનવી જન્મે છે, તે યુગમાં બીજા માનવીઓ પણ મહાન બને છે. માટે સમાજને સંસ્કારી બનાવી રાખીએ તો જ આપણે સંસ્કારી માનવીઓની આશા રાખી શકીએ.

ઘરના વાતાવરણ પર બાળકના વિકાસનો ઘણો આધાર છે. માટે ઘરનું વાતાવરણ સંસ્કારી બનાવી રાખવું. વૈજ્ઞાનિક વાતાવરણ હોય તો જ વિજ્ઞાનીઓ પેદા થાય. વેપારી વાતાવરણ હોય તો વેપારી પેદા થાય. રાજકારણ જાણે વેપાર બની ગયો છે, ધંધો બની ગયો છે. રાજકારણી પોતાના દીકરા-દીકરીને રાજકારણમાં લઈ આવે છે. પણ તેમાંના ભાગ્યે જ સફળતાને વરે છે, સજ્જન રાજકારણી બને છે. બાકીના બધા હલકી કોટીના હોય છે.

જેમ ઘરનું વાતાવરણ હોય તેમ શેરીનું, ગામનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું વાતાવરણ હોય છે. જ્ઞાતિનું વાતાવરણ હોય છે. બહુ રસપ્રદ વાત છે કે દરેકે દરેક માનવીના મગજમાં પોતાનું વાતાવરણ હોય છે. તેને બીજી વ્યક્તિ જાણી શકતી નથી. આ વાતાવરણ જ માનવીને મહાન કે નઠારો બનાવવાની તાકાત ધરાવે છે. આ જ તેની દુનિયા હોય છે. આમ દુનિયામાં દુનિયા અને તેમાં દુનિયા હોય છે. છેવટમાં માનવીની પોતાની દુનિયા હોય છે. આ દુનિયા કેવી નંદનવન હોય છે તેના પર માનવીની મહાનતાનો આધાર છે. વાતાવરણ જ દુનિયા બનાવે છે. અલગ અલગ ઋતુમાં અલગ અલગ પ્રસંગે આપણને અલગ અલગ દુનિયાના દર્શન થાય છે. વાતાવરણનો વિસ્તાર માનવીની પોતાની દુનિયાથી માંડી છેક બ્રહ્માંડ સુધી છે. જેમ બ્રહ્માંડમાંથી છટકી શકાય તેમ નથી તેમ વાતાવરણમાંથી પણ છટકી શકાય તેમ નથી. કોઈને કોઈ પ્રકારે તમે વાતાવરણની ચૂડમાં તો છો જ.