Showing posts with label સંજય છેલ. Show all posts
Showing posts with label સંજય છેલ. Show all posts

Monday, June 1, 2015

ખાતાપીતા ગુજ્જુઓ: વી ધ સ્વીટ પીપલ! --- સંજય છેલ

ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન નથી, પણ એને ‘આધીન’ છે! તેઓ પૈસાનેય ખોરાકની જેમ ‘પચાવી’ શકે છે

                     

એક ગુજ્જુ ગૃહિણીએ રાજકોટમાં મમ્મીને ફોન જોડ્યો, ‘મમ્મી... બહુ ફસાઈ ગઈ છું. ઉનાળામાં મારે અથાણાં બનાવવાના છે, પરમ દિવસે પંદર મહેમાનો જમવા આવવાના છે. છોકરાઓનું વેકેશન ચાલે છે એટલે નાસ્તા ર૪ કલાક બનાવવા પડે છે! મરી જઈશ રસોડામાં!’

મમ્મીએ તરત કહ્યું, ‘ચિંતા ના કર, હું હમણાં જ રાજકોટથી કારમાં અમદાવાદ જઉં છું ત્યાંથી મુંબઈની ફ્લાઈટ પકડીને રાત્રે જ મુંબઈ પહોંચું છું. હું બધું ફટાફટ કરી નાખીશ. ઓકે? અચ્છા, મને પહેલાં એ કહે કે પીયૂષકુમાર માટે રાજકોટથી પેંડા લેતી આવું?’

ગૃહિણી ચોંકી, ‘પીયૂષ? મારા વરનું નામ તો મયંક છે! આ કયો નંબર છે?’

સામેથી પેલી સ્ત્રીએ કહ્યું, ‘સોરી, તમે રોંગ નંબર લગાડ્યો લાગે છે.’

એટલે ગુજ્જુ ગૃહિણી બોલી, ‘હાય હાય, એટલે તમે હેલ્પ કરવા નહીં આવો? રસોઈ મારે એકલીએ જ બનાવવી પડશે?’

રસોડું, જમણવાર, ડિનર, ગુજરાતી ખાણીપીણી, એક સદાબહાર ટોપિક છે, કારણ કે આપણી આખી અસ્મિતા અથાણામય છે, મહાજાતિ મસાલામય છે. ગુજરાતીઓ માટે પૃથ્વીનું કેન્દ્ર ‘પેટ’ છે. આપણી છ ઈંદ્રિયોની સ્વામિની સ્વાદેન્દ્રિય ‘જીભ’ જ છે! એક ગુજરાતી ટૂરિસ્ટને પરદેશમાં જઈને સોક્રેટિસ કે પ્લેટોની ધરતી પર શું-શું જોવા મળશે એના કરતાં ત્યાં શું ખાવા મળશે એની વધુ ચિંતા હોય છે. મને તો સો ટકા ખાતરી છે કે જો કોલંબસ કાઠિયાવાડી હોત અને અમેરિકા શોધવા નીકળ્યો હોત તો પોતાની સાથે ચોક્કસ ચાનો મસાલો નાની ડબ્બીમાં ભરીને લઈ ગયો હોત અને બે-ત્રણ મહિના ચાલે એટલાં થેપલાં-અથાણાં તો બાંધ્યાં જ હોત!

તમે માર્ક કર્યું હશે કે ગુજરાતી દુકાનોની બહાર ‘અહીં ખાટાં ભરેલા મરચાં તૈયાર મળશે.’ જેવી લાંબી ઓર્ગેનિક જાહેરાતોનાં પાટિયાં લટકતાં હોય છે. અરે, આપણા ભજનમાંયે નરસિંહ મહેતા ભગવાનને જગાડવા ‘જાગને જાદવા’ ગાતાં ગાતાં ‘ઘી તણાં ઢેબરાં, દહીં તણાં દહીંથરા’ અચૂક ઓફર કરે છે. મીરાંબાઈ હોય કે પ્રેમાનંદ, સમસ્ત જગતના સ્વામીને ઘેર બોલાવી લોજિંગ-બોર્ડિંગ સાથે કંસાર કે ખીર જેવું મિષ્ટ ભોજન તો જમાડે જ! અરે, જમ્યા પછી ભૂકો કરીને જીરું નાખેલી છાશ પીને જે ‘હાશ’ એક ગુજરાતીને થાય છે! આહાહા જાણે મોક્ષ મળી ગયો. ‘હાશ’ શબ્દનો પર્યાય બીજી કોઈ ભાષામાં જોવા મળતો નથી. જેમ બોક્સિગંમાં ત્રણ રાઉન્ડ હોય છે એમ પ્રેમમાં જો ત્રણ રાઉન્ડ હોય તો એક ગુજ્જુ સ્ત્રી, ગુજ્જુ પુરુષને ‘સરસ જમાડી’ને પહેલા જ રાઉન્ડમાં નોકઆઉટ કરી શકે છે. બિનગુજરાતી લોકો ગુજ્જુઓને ‘ગરબા’ અને ‘ગાંઠિયા’ની પ્રજા કહે છે એ સાવ અમસ્તું નથી. ગુજરાતમાં ‘રાસડો’ની જેમ ‘ટેસડો’ શબ્દ છે, જે ‘ટેસ્ટ’ પરથી અવતરી આવ્યો હશે એમ મને તો લાગે છે. ચવાણું હોય કે ભૂસું કે મુખવાસ કે સેવમમરા... પણ ર૪ કલાક કંઈ ને કંઈ ચાવતા રહેવું કે મંચિંગ કરતા રહેવું એમાં આપણો અસ્તિત્વ બોધ છે!

ભારતભરના બીજા લોકો એ વાતથી હેરત થાય છે કે આપણી દરેક વાનગીમાં મીઠાશ કેમ હોય છે. દાળ પણ મીઠી, શાક પણ મીઠાં! અરે ત્યાં સુધી કે હનીમૂનની રાત પણ કેવી મસ્ત હતી એ કહેવા માટે પણ ગુજ્જુ સ્ત્રી ‘મીઠા લાગ્યા રે મને રાતનાં ઉજાગરાં’ ગાય છે! આપણને સુહાગરાતના શૃંગારિક ઉજાગરા પણ ફક્ત ‘મીઠાં’ જ લાગી શકે છે? તીખા તમતમતા કે રસીલા, નશીલા કેમ નહીં લાગતા હોય? અરે ત્યાં સુધી કે મહાત્મા ગાંધીએ પણ બ.ક. ઠાકોરની એક પ્રેમ-કવિતા નીચે રિમાર્ક રાખેલી ‘બહુ મીઠું લાગ્યું!’ આ તો સારું છે કે આપણા ગુજરાતીઓનાં આંસુ હજી ખારાં જ રહ્યાં છે, આપણાં આંસુ મીઠાં નથી બની ગયાં, બાકી આપણું કહેવાય નહીં! ગુજ્જુ બાળવાર્તાઓમાં જ્યારે બકરીના બચ્ચાને વાઘ ખાવા આવે છે ત્યારે પણ કેવી સ્વાદભરી ખલનાયકી કરે છે: ‘ગોળ કેરી ભીંતલડી ને શેરડી કેરા સાંઠા, બચ્ચાં બારણાં ઉઘાડો’ આપણા હીરો કે વિલન, ગળચટ્ટા અને શ્યુગરી શ્યુગરી જ હોય! ગુજરાતીમાં એક સસ્પેન્સ નાટક આવેલું જેનું ટાઈટલ હતું: ‘મોત મલકે મીઠું મીઠું’ બોલો આપણા મોતમાં પણ મીઠાશ? આપણને ગુજ્જુઓને છાપાં-મેગેઝિન-નાટક-સાહિત્યમાં ક્યાંય પણ ગંભીર વાત કે જીવનની કડવી સચ્ચાઈઓ ઝટ નથી ભાવતી કે નથી પચતી. આપણી સુખી જનતાને બધું સ્વીટ સ્વીટ જ જોઈએ. કદાચ એટલે જ આપણે ડહાપણના ડાયાબિટીસથી પીડાઈએ છીએ!

આપણી લગ્નવિષયક જાહેરખબરોમાં પણ મુરતિયા માટે ‘ખાધે પીધે સુખી’ જેવા શબ્દો દેખાય છે. એવરેજ ગુજરાતીને લાલ રસમાં તરતાં લીલાં ગુંદાના અથાણામાં બ્રહ્માંડ-દર્શન જડે છે અને છુંદાની ચાસણીમાં ‘રસ-સમાધિ’ દેખાય છે. ગુજરાતી છોકરો, છોકરીને પટાવવા ‘તું ગર્રરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી, ઓરી આવે તો તને વાત કહુંં ખાનગી’ જેવાં અલ્લડ ગીતો ગાય છે જેમાં સેક્સ પણ સ્વાદ દ્વારા જ છલકે છે! ગુજ્જુ નવલકથાઓમાં ગુજ્જુ પાત્રો ડાઈનિંગ ટેબલના સીનમાં વારંવાર ‘જમવાને ન્યાય’ આપે છે. આપણા લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓમાં પણ ‘કરારી રોટી’, ‘ચોકલેટની છારી’, ‘ઊકળતા શાક’ની લજ્જતદાર ખુશ્બૂ ઠેરઠેર જોવા મળે છે. વર્ષો પહેલાં બક્ષીની નોવેલને જ્યારે સર્ક્યુલેટિંગ લાઈબ્રેરીમાં લીધી તો એમાં એક નટખટ વાચકે પહેલા જ પાના પર નોંધ લખેલી: ‘નોવેલનો પ્લોટ તો ઠીક છે પણ એમાં ૩૭ જગ્યાએ ખાવાની આઈટમ આવે છે, એટલે મજા આવશે!’

‘ગુજરાતી સાહિત્યમાં ખાણીપીણી’ એ વિષય પર હવે પીએચ.ડી. કરવાનો સમય પાકી ગયો છે! ગુજરાતી કવિતામાંય શરાબ, શબાબ છે, પણ આપણા સાહિત્યમાં કબાબ નથી. આપણી વાર્તાઓમાં ભરવદાર શરીરવાળી વનિતાનાં વરણ હોય છે પણ વાઈન ભાગ્યે જ જોવાં મળે છે. કારણ કે આપણે ત્યાં માત્ર વેજિટેરિયન વૃત્તિના લોકો છે. (પણ જોકે એ મિથ છે. હકીકતમાં પ૦ ટકાથી વધુ ગુજરાતી ઘરે કે બહાર નોનવેજ ખાય જ છે. અને એથી વિપરીત ભારતમાં સૌથી વધુ વેજિટેરિયન હરિયાણામાં છે!) આપણી કહેવતોમાંય ‘ઘી ઢોળાયું ખીચડીમાં’ જેવી ખાવાની જ વાતો છલકે છે. સુસંસ્કૃત નાગરોમાં ખીચડીને ‘સુખ પાવની’ અને સેવમમરાને ‘પ્રમોદિની’ જેવા કોઈક અલંકારિક શબ્દોથી નવાજાય છે (ગુજ્જુઓ ખાણીપીણીના શોખીન નથી પણ ‘આધીન’ છે!) ગુજરાતીઓ પૈસાનેય ખોરાકની જેમ ‘પચાવી’ શકે છે... ગુજ્જુઓ એમની વાતમાં ‘મોણ’ નાખે છે અથવા તો અમુક વાર ‘મગનું નામ મરી નથી પાડતાં!’ મુંંબઈની હોટેલ ઈન્ડસ્ટ્રીને ચલાવવાની જવાબદારી એકલે હાથે ગુજરાતીઓએ ઉપાડી છે. એક ખૂની પાસે મર્ડરનો માસ્ટરપ્લાન હોય એમ એક શોખીન ગુજરાતી પાસે વીકએન્ડમાં કઈ કઈ હોટેલમાં જઈને શું શું ખાવું એની પૂરી માહિતી હોય છે જેને એ લોકો ‘સાંજનો પોગરામ’ કહે છે! અને પછી શનિ-રવિ, મનભાવન આઈટેમો ખાઈને સોમવારે એની વાતો મમળાવવી આપણી સુખની વ્યાખ્યા છે. જમીને ‘જલસો’ પડી ગયો એમ કહેવામાં આપણા આનંદનો ક્લાઈમેક્સ આવી જાય છે. 

સ્વીટ્ઝરલેન્ડની રમણીય વાદીઓમાં ‘યુંગ ફ્રાઉં’ (એટલે કે ‘યુવાન સ્ત્રી’) નામનાં બર્ફીલા શિખરોને જોવા નીકળેલા ગુજ્જુઓ ત્યાં પહોંચીને તરતર ગરમાગરમ દાળઢોકળી ખાશે. કારણ કે તેઓ જાણે છે કે બર્ફીલા પર્વતો તો હંમેશા આવા ટાઢા જ રહેવાના છે પણ દાળઢોકળી ઠંડી થઈ જશે એ નહીં પરવડે! પર્વતો શાશ્ર્વત છે પણ આ ક્ષણ તો વહી જશેને? એટલે પહેલાં ઝાપટી લો! હું તો માનું છું હવેથી ફોટોગ્રાફરોએ, ગ્રુપ ફોટા વખતે ‘સે ચીઝ’ને બદલે ‘સે ઢોકળાં’ જ બોલવું જોઈએ, તો ગુજ્જુઓના ફોટા વધુ સારા આવશે! ઈરોટિક નોવેલ્સના લેખક હેન્રી મિલર માટે કહેવાય છે કે એમણે અંગ્રેજી સાહિત્યમાં ‘ફૂડ’ અને ‘વાઈન’ને સૌથી રસાળ સ્ટાઈલમાં રજૂ કર્યું. આપણે ત્યાં પણ હવે કોઈકે નવલકથાઓને ખાણીપીણીનો હીરો બનાવીને લખવી જોઈએ. કેલિફોર્નિયામાં ગુજરાતી મહિલા દ્વારા ચાલતું ‘કોકિલા’ઝ કિચન’ કે ‘માણેક-ચોકનાં શરબત’કે ‘રાજકોટનો આઈસક્રીમ’ આ બધી આઈટેમોને ખાનારાઓને વાર્તામાં મેઈન પાત્રો બનાવવાં જોઈએ. ગુજરાતી બેસ્ટ સેલરનો કદાચ એ જ સાચો મસાલો છે, પછી જોજો ‘ઓમકાર-ઓડકાર’ કે ‘ખાનગી-વાનગી’ જેવા ટાઈટલ્સવાળી નવલકથા ઘેર-ઘેર રસોડે-રસોડે વંચાશે.

ગુજરાતી નાટકનો એક એક્ટર બહુ હેંડસમ અને પોપ્યુલર હતો. એના દરેક શો પછી નવી નવી છોકરી એને મળવા આવે, ઓટોગ્રાફ વગેરે લે. એક વાર એક સીધીસાદી છોકરી બેકસ્ટેજમાં મળવા આવી. બંને કોફી પીવા ગયાં, બે-ત્રણ દિવસ રેગ્યુલર મળ્યા. એક રાતે પેલો એક્ટર એને પોતાના ફ્લેટ પર લઈ ગયો. બંનેએ એકસાથે રાત ગાળી. સવારે વિદાય કરતી વખતે એક્ટરે પેલી છોકરીને નવા નાટકની ચાર ટિકિટો આપી અને કહ્યું સાંજે ફ્રેંડ્ઝ સાથે શો પર આવજે! પેલી છોકરીએ કહ્યું, ‘હું બહુ ગરીબ ફેમિલીમાંથી આવું છું... મને આ ટિકિટનો શું ઉપયોગ? કંઈક પૈસા આપો. ઘરે ખાવાના સાંસા છે’ એક્ટરે તરત જ કહ્યું, ‘ઘરે ખાવાનું નથી તો કોઈ હોટેલવાળા સાથે રોમેન્સ કરવો જોઈતો’તોને? મારી પાછળ કેમ પડી! મારી પાસે જે હોય એ જ આપુંને?’

વાત તો સાચી છે! જેની પાસે જે હોય એ જ આપી શકેને? ગુજ્જુઓ પાસે અમાપ ફૂડ-પ્રેમ છે, જે જગતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. અને એ જ આપણા જીવનમાં અત્રતત્રસર્વત્ર છલકે છે! જુઓને, હાલમાં જ આપણા મોદીસાહેબને પણ ગુજ્જુ સ્ત્રીઓની સફળતા દર્શાવતી વખતે ‘સુનિતા વિલિયમ્સ-અવકાશયાત્રાવાળાં’ નહીં પણ ‘જસુબેન પિઝાવાળાં’ કે ‘ઈન્દુબેન ખાખરાવાળાં જ’ યાદ આવ્યાંને?

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87815

Tuesday, March 3, 2015

હવે તો ‘હરખે ગુજરાત’? -- મિજાજ મસ્તી - સંજય છેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89515

ભારતીય સિનેમાનાં ૧૦૦ વરસ પૂરાં થાય છે ત્યારે ગુજરાતીઓના અમાપ પ્રદાન વિશે વાત કરવાનું કેમ કોઈને સૂઝતું નથી?


મિજાજ મસ્તી - સંજય છેલ


રસૂલ હમઝાતોવની ‘મારું દાઘેસ્તાન’ નામની કિતાબમાં રશિયા પાસેના દાઘેસ્તાન પ્રાંતમાં બે ગામડિયણ સ્ત્રીઓ એક કૂવા પર ઝઘડી રહી હોય છે ત્યારે એક સ્ત્રી બીજીને ગુસ્સામાં એક ગાળ આપે છે, ‘જા, તારાં બાળકો એમની માતૃભાષા ભૂલી જશે!’ વાહ! આને કહેવાય ગાળ! તમને થશે કે આજે આ વાત મને કેમ યાદ આવે છે? ના, ના... ડરો નહીં... હું ગુજરાતી ભાષા મરી જશે કે નહીં એ વિષય પર રાગ મરસિયા નથી ગાવા માગતો!

વાત જાણે એમ છે કે આ વર્ષે ભારતીય સિનેમાનાં ૧૦૦ વરસ પૂરાં થવા આવ્યાં છે. ઠેર ઠેર સૌ ફિલ્મરસિયાઓ પોતપોતાની રીતે ૧૦૦ વરસનું સરવૈયું કાઢવા બેઠા છે. પોતાની ફેવરિટ ફિલ્મોનું લિસ્ટ બનાવવાનું જાણે ફરજિયાત હોય એમ સૌ ફેસબુક-ટ્વિટર, છાપાં-મેગેઝિનમાં મંડી પડ્યા છે! એવામાં મારા માતૃભાષાપ્રેમ પર વજ્રઘાત થાય છે કે ભારતીય સિનેમામાં ગુજરાતીઓના અમાપ પ્રદાન વિશે હરખભેર વાત કરવાનું આપણામાંથી કોઈને કેમ સૂઝતું નથી? બોલીવુડમાં ર૦ વરસ ગાળ્યા પછી, બીજી ભાષાના લોકોમાં એમની ભાષાના કલાકારો માટેનો જિદ્દી પ્રેમ જોયા પછી ગુજરાતી સમાજની બેફિકરાઈ માટે ખૂબ દુ:ખ થાય છે. ત્યારે આપણા ગુજરાતી કલાકારોની કેટલીક સ્વર્ણિમ વાતો લખીને તમને આત્મભિમાનનાં ઇંજેક્શન મારવા માગું છું! આવો મારી સાથે ડાઉન મેમરી લેનમાં...

ચલો, શરૂઆત શરૂઆતથી જ કરીએ. તમને ખબર છે, હિંદુસ્તાની ફિલ્મોના મૂળમાં ગુજરાતી માણસોના પૈસા અને પુરુષાર્થ છે? કહેવાય છે કે પહેલી ભારતીય ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેને ફિલ્મ બનાવવા માટે જે કેમેરા, લેબોરેટરી વગેરે માટે મદદ કરેલી એ ચંદુલાલ શાહ નામના ગુજરાતી ધનાઢ્ય કલારસિક હતા. જો ચંદુલાલ અને અન્ય પારસી સજ્જનો ન હોત તો હિંદુસ્તાની સિનેમાની શરૂઆત થોડાં વર્ષો પછી થાત! પછી તો કેટકેટલાં સ્ટુડિયો અને કંપનીઓ ગુજરાતી શઠિયાઓએ ચલાવ્યાં. એમાંના એક સ્વ. વિજય ભટ્ટે ‘રામરાજ્ય’ ફિલ્મ બનાવી, જે એકમાત્ર ફિલ્મ હતી જેને ગાંધીજીએ જોયેલી. (આજે વિજય ભટ્ટની ત્રીજી પેઢી, કેમેરામેન પ્રવીણ ભટ્ટના નિર્દેશક પુત્ર-વિક્રમ ભટ્ટ છે.) ભારતીય વિદ્યા ભવનના સ્થાપક, પ્રખર કાયદાશાસ્ત્રી અને ગુજરાતી લેખક કનૈયાલાલ માણેકલાલ મુન્શી પણ ફિલ્મોમાં લખવા આવેલા. એમની નવલકથાઓ ‘પૃથ્વીવલ્લભ’ વગેરે પર સોહરાબ મોદીએ ફિલ્મ બનાવેલી. સોહરાબ મોદી આપણા બીજા ગુજરાતી કલાકાર હતા જેણે ભારતમાં આલીશાન સેટ્સવાળી ફિલ્મો બનાવી અને એ ગુજરાતી જૂની રંગભૂમિમાંથી ફિલ્મોમાં આવેલા. 

એક વાયકા છે કે હિંદીના મહાન લેખક પ્રેમચંદ અને કનૈયાલાલ માણેકલાલ મુન્શી બેઉએ ‘સલીમ-જાવેદ’ની જેમ જોડી બનાવીને ફિલ્મો લખેલી અને નામ હતું મુન્શી-પ્રેમચંદ. એટલે જ પ્રેમચંદનું નામ મુન્શી પ્રેમચંદ પડી ગયું! આવું, અદ્ભુત પ્રદાન આપનાર આ આપણી ગુજરાતી પ્રજા છે! પણ કોઈને જરાયે પડી છે? અરે, એ જમાનામાં સૌથી સફળ લેખક એટલે મોહનલાલ દવે નામના એક ગુજરાતી પટકથા-લેખક હતા જેમણે ૧૯૩૦થી ’૬૦ સુધી ૩૫૦ ફિલ્મોમાં સ્ક્રીન પ્લે લખીને એકચક્રી શાસન કરેલું, આપણા ગુણવંતરાય આચાર્ય જેમણે આપણી ભાષાને ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’ જેવી અનેક દરિયાઈ નવલકથાઓ આપી તેઓ હિંદી ફિલ્મોના સફળ લેખક હતા અને રણજિત મૂવીટોનમાં ખૂબ માનભેર કામ કરતા! રામચંદ્ર ઠાકુર હોય કે વિઠ્ઠલ પંડ્યા જેવા લોકપ્રિય લેખકો હોય, પણ અનેક ગુજરાતી કલાકારોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. તમે ‘અર્થ’-‘સારાંશ’થી લઈને ‘મર્ડર’ અને ‘રાઝ’ જેવી ફિલ્મોના નિર્માતા કે દિગ્દર્શક અને બોલ્ડ મેધાવી માણસ મહેશ ભટ્ટનું નામ સાંભળ્યું જ હશે. પણ એમના પિતા નાનાભાઈ ભટ્ટે પણ ૧૦૦થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કરેલું અને એકસાથે પાંચ-પાંચ ફિલ્મનું નિર્દેશન કરતા. ક્યારેક તો ફોન પર ડાયરેક્શન કરતા! આજે એ જ ભટ્ટ ફેમિલીની ત્રીજી પેઢી પૂજા ભટ્ટ નિર્દેશક બની ચૂકી છે અને આલિયા ભટ્ટ હિરોઈન બની ગઈ છે. મહેશના નાના ભાઈ રોબિન ભટ્ટે ‘બાઝીગર’થી લઈને ‘ઓમકારા’ કે ‘ક્રિશ’ જેવી ૬૦થી વધુ ફિલ્મો લખી છે! પણ આપણે ગુજરાતીઓ બોલીવુડમાં છવાયેલાં આ ગુર્જરરત્નોથી સાવ જ અજાણ છીએ! રાજ કપૂરને રોમેન્સનો રાજા બનાવવા પાછળ એના સંગીતનો મોટો ફાળો છે. અને એ સંગીત આપ્યું શંકર-જયકિશને. એમાંના જયકિશન પંચાલ એ ગુજરાતી સંગીતકાર હતા જે દક્ષિણ ગુજરાતના વાંસદા પાસેના હતા. માત્ર એમનું નામ જ પોસ્ટર પર છપાય તો ફિલ્મ વેચાઈ જાય એવી શંકર-જયકિશનની સફળતા હતી. કલ્યાણજી-આણંદજીએ વર્ષો સુધી બંગાળી-પંજાબી સંગીતકારો સામે ઝીંક ઝીલીને ર૦૦થી વધુ ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપ્યાં. છેક આજે પણ શાહરુખ ખાનની ‘ડોન ૧-૨’માં એમનાં ગીતો ગુંજે છે. અમિતાભ બચ્ચનને દેશ-વિદેશમાં સ્ટેજ શોઝ કરાવવાનું માન પણ કલ્યાણજી-આણંદજીને જ જાય છે! સુનિધિ ચૌહાણ જેવી ગાયિકા હોય કે જોની લિવર જેવો હાસ્ય કલાકાર, કલ્યાણજી-આણંદજીની મદદથી જ એ સૌ ફિલ્મમાં આવી શક્યાં છે! અરે, કોનાં કોનાં નામ લેશું? કેટકેટલા ચહેરા આપણે બેખબર, બેપરવા ગુજરાતી પ્રજાને યાદ અપાવશું? એન્ડ અફકોર્સ, હું કોઈ અધિકૃત ઇતિહાસકાર તો છું નહીં એટલે સરતચૂક પણ થશે અને ઘણાં નામો રહી જશે... પણ હું તો માત્ર નામી-અનામી હસ્તીના પાળિયા પરની સમયની ધૂળ ખંખેરીને પૂજવાનો પ્રયાસ કરી રહ્યો છું!

તમને ખબર છે, ‘ચિત્રલેખા’ના સંસ્થાપક તંત્રી અને લેખક વજુ કોટકે અનેક ફિલ્મો લખેલી! પન્નાલાલ પટેલની નવલકથાઓ પરથી હિંદી ફિલ્મો બની છે. અરે, ભારતની શ્રેષ્ઠ બે ફિલ્મો: ‘મધર ઈન્ડિયા’ અને ‘મુઘલે આઝમ’ની પાછળ ગુજરાતી માણસોનાં આંગળાંની ફિંગરપ્રિંટ છે. કે. આસિફને ૧૨ વર્ષ સુધી ‘મુઘલે આઝમ’ જેવા મેગ્નમ ઓપસ માટે જો શાપૂરજી પાલનજી જેવા પારસી ફાઈનાન્સરે વિના શરતે કરોડો રૂપિયા ૧૯૫૦-૬૦ સુધીમાં ન આપ્યા હોત તો આવી મહાન ‘મુઘલે આઝમ’ ક્યારેય ના બની હોત. અનેક વાર ‘મુઘલે આઝમ’નું શૂટિંગ અટક્યું, અનેક વાર એનું બજેટ વધતું ગયું પણ શાપૂરજી પાલનજીએ ફિલ્મ બનવા દીધી, કારણ કે એ કલાપારખુ ખાનદાન ધનાઢ્ય ગુજરાતી પુરુષ હતા. એમની જગ્યાએ જો કોઈ મારવાડી-પંજાબી ફાઈનાન્સર હોત તો કે. આસિફ ફિલ્મ તો પૂરી ન કરી શકત પણ દેવાળું કાઢીને આપઘાત કરી નાખત! સો ટચની ભારતીય ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બનાવનાર મહાન દિગ્દર્શક મહેબૂબ ખાન પણ મુસ્લિમ ગુજરાતી માણસ હતો. બે ચોપડી ભણેલ એ દરજીના દીકરાને માત્ર ગુજરાતી લખતાં-વાંચતાં આવડતી અને ગુજરાતીમાં જ પટકથા લખતો! ચિખલી પાસેના ધરમપુર નજીકના ગામમાં જન્મેલ એ ગુજરાતી માણસે ‘મધર ઈન્ડયા’નું શૂટિંગ પણ એ જ પ્રદેશમાં કર્યું. ઉપરાંત એ ગામના જ લોકલ લોકોને લઈને કામ કરાવ્યું અને ‘મધર ઇન્ડિયા’ ભારતની પહેલી ફિલ્મ હતી જે કોઈ પણ જાતના માર્કેટિંગ વિના ઓસ્કાર એવોર્ડ માટેની ૧૯૫૭ની ટોપ પાંચ ફોરેન લેંગ્વેજ ફિલ્મમાં નોમિનેટ થઈ. એ પછી છેક ૨૦૦૧’-૦૨માં ‘લગાન’ ફિલ્મ ઓસ્કાર માટે ટોપ પાંચમાં પહોંચી જેનું શૂટિંગ કચ્છમાં થયેલું અને એ ફિલ્મના લેખકોમાં પણ કુમાર દવે નામનો એક ગુજરાતી લેખક હતો! કર્યું કોઈ ગુજરાતી સંસ્થાએ આ કલાકારોનું સન્માન?

હિંદી ફિલ્મોને મસાલ ફિલ્મ એટલે શું, લોસ્ટ એન્ડ ફાઉન્ડની ફોર્મ્યુલા શું એ શિખવનાર મનમોહન દેસાઈ, શુદ્ધ ગુજરાતી ‘અનાવિલ’ હતા! મનમોહન દેસાઈ જેટલા સફળ કમર્શિયલ ડિરેક્ટર બહુ ઓછા થયા છે કે થશે પણ નહીં. કૃષ્ણકાંત ઉર્ફે કે. કે. નામના સુરતના અભિનેતા-દિગ્દર્શકે અનેક હિંદી ફિલ્મોમાં લગભગ ૭૦ વરસ સુધી કામ કર્યું અને હિંદી-ગુજરાતી ફિલ્મો પણ બનાવી! આપણી ગુજરાતી ફિલ્મોના અદ્ભુત અભિનેતા અરવિંદ પંડ્યા, મીનાકુમારીના હીરો રહી ચૂકેલા! ભરતભાઈ શાહ જેવા ખમતીધર ડાયમન્ડ મર્ચન્ટ જો ન હોત તો સંજય ભણસાળીની ‘દેવદાસ’થી માંડીને બીજી અનેક ખર્ચાળ ફિલ્મો આપણને જોવા મળત જ નહીં. (અરે, શાહરુખ ખાનનો ‘મન્નત’ નામનો કરોડોનો બંગલો પણ ભારત શાહની જ મદદથી શાહરુખને મળ્યો છે!) એવા જ બીજા બાહોશ ડાયમંડ મર્ચંટ અને ફિલ્મ ફાઈનાન્સર, દિનેશ ગાંધી ન હોત તો પ૦ વરસ પછી ‘મુઘલે આઝમ’ ફિલ્મ રંગીન સ્વરૂપે ફરી રિલીઝ ન થાત! શાહરુખને ‘બાઝીગર’ ફિલ્મથી સ્ટારડમ અપાવનાર અબ્બાસ-મુસ્તાન, આમિર ખાનની કમબેક ફિલ્મ ‘દિલ’ અને અનેક હિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક ઈન્દ્રકુમાર, નાના પાટેકરને સ્ટાર બનાવનાર પ્રોડ્યુસર-ડાયરેક્ટર મેહુલકુમાર! ૧૦૦ વરસમાંની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’ બનાવનાર કુંદન શાહ ગુજરાતી જ છે, પણ ગુજરાત સરકાર કે સમાજને એ વાતનો જરાય હરખ છે? કેટકેટલાં સફળ ગુજરાતી નામો છે આપણી પાસે! પણ અફસોસ ૬ કરોડની ગુજરાતી પ્રજાએ આપણા કલાકારો કે ફિલ્મકારોને ક્યારેય ખભા પર નથી બેસાડ્યા! (મરાઠી-બંગાળી-મલયાલમ પ્રજા એમના કલાકારોને માથે બેસાડે છે પણ આપણે ગુજરાતીઓના કલાપ્રદાનથી સાવ અજાણ છીએ કે અજાણ જ રહેવા માગીએ છીએ. જ્યાં સુધી ગુજરાતી પ્રજા માત્ર વેપારીઓ-ઉદ્યોગપતિઓ કે નેતાઓનાં જ ગાણાં ગાશે અને કલાકારો, લેખકો, વૈજ્ઞાનિકો, રમતવીરોનું જતન નહીં કરે ત્યાં સુધી એ માત્ર પૈસાકમાઉ ‘ગુજ્જુ’ પ્રજા બની રહેશે! કદાચ ‘વાંચે ગુજરાત’ની જેમ ‘હરખે ગુજરાત’ની મુહિમ શરૂ કરવાનો સમય પાકી ગયો છે! (વધુ સફળ નામો અને વધુ બળાપો આવતા અઠવાડિયે).

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=90357

સિનેમાનાં ૧૦૦ વર્ષમાં આપણા કેટલા ટકા?

અન્ય પ્રજા એમના નાના કલાકારોને માથે ઊંચકીને ફરે છે પણ અમીર ગુજ્જુ પ્રજા પોતાના લોકોને માન આપવામાં ભિખારી બની જાય છે.

ગયા રવિવારે કહેલું એમ ભારતીય સિનેમાને ૧૦૦ વર્ષ થયાં એમાં ગુજરાતીઓનાં પ્રદાન અને ગુજરાતી પ્રજાની ઉદાસીનતા વિશે મારો બળાપો હજુ બાકી છે! કડવું લાગે તો લાગે પણ વ્યાપાર વાણિજ્ય કે રાસ ગરબાથી આગળ વિચારવા માટે આપણે ગુજ્જુઓ સાવ અક્ષમ છીએ. મરાઠીઓ, મલયાલીઓ, બંગાળીઓ એમના નાના નાના કલાકારોને માથે ઊંચકીને ફરે છે પણ આપણી અમીર ગુજ્જુ પ્રજા આપણા પોતાના લોકોને માન આપવામાં ભિખારી બની જાય છે. ઉપરછલ્લી અસ્મિતાની વાતો કરીને પછી આપણને આળસ આવી જાય છે.

સૌથી મોટું ઉદાહરણ આપું? ૧૯૩૩માં પહેલી ગુજરાતી ફિલ્મ બનેલી અને છેક પંદર વરસે ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ, એ ૧૫ વર્ષમાં જો ૩૦-૪૦ ગુજરાતી ફિલ્મો બની શકી તો કોઈએ ગાંધીજીનો ગુજરાતીમાં એક ઈન્ટરવ્યુ ફિલ્મ પર શૂટ કેમ ના કર્યો? એક પણ નિર્માતા કે શેઠિયાને આ ન સૂઝ્યું? જો ગાંધીજીની આવી હાલત થાય તો ફિલ્મવાળાઓને કોણ પૂછે? છેક ૧૯૮૬માં સંજીવકુમાર ગુજરી ગયાં પણ આપણી પાસે અમદાવાદ-મુંબઈ દૂરદર્શનમાં કે ફિલ્મઝ ડિવિઝનમાં એમનો એક પણ ગુજરાતી ભાષામાં શૂટ થયેલ ઈન્ટરવ્યુ છે? કોમેડી હોય, ટ્રેજેડી હોય કે બાપના રોલ હોય સંજીવકુમારે સૌના બાપ બનીને પંજાબી-બંગાળીઓની ગ્રુપબાજી સામે માત્ર ટેલેન્ટનાં જોરે નામ કમાવેલું. અરે, જે સમયે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અભિતાભને ૧૨-૧૫ લાખ રૂ. મળતાં ત્યારે એમણે યશ ચોપરાની ‘ત્રિશૂલ’માં બાપનો રોલ કરવાનાં ૨૦ લાખ રૂ. માંગેલા અને મેળવેલાં, કારણ? સંજીવકુમારનો અદભુત આત્મવિશ્ર્વાસ અને એક ગુજરાતી માણસની વિચક્ષણ વેપારી બુદ્ધિ! એમને ખબર હતી કે અમિતાભના બાપનો રોલ કરવા માટે બે જ અભિનેતા લાયક છે: દિલીપ કુમાર અને સંજીવ કુમાર પોતે. દિલીપ કુમાર તો બાપનો રોલ કરશે નહીં એટલે એમણે દાદાગીરીથી ૨૦ લાખ મેળવ્યાં.. આવા હરીભાઈ જરીવાલા ઉર્ફે સંજીવકુમાર જો કેરળ કે બંગાળમાં હોત તો એમનાં નામે નાટ્યગૃહ હોત, યુનિવર્સિટી હોત. જિદ્દી મલયાલી - બંગાળી લોબીએ લડી-ઝગડીને અનેક સાચાં ખોટાં ‘નેશનલ એવૉર્ડ’ અપાવ્યાં હોત. અફસોસ, સંજીવ કુમાર ઉર્ફ હરીભાઈ જરીવાલાને આપણે જર્જર ગુર્જર સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર પણ ના બનાવી શક્યા!

ગઈકાલને છોડો, આજે બોલીવુડમાં સૌથી મોટા ત્રણ નામ છે: શાહરુખ, આમિર, સલમાન આ ત્રણેયની પાછળ ગુજરાતનો ફાળો છે! શાહરુખે પહેલીવાર મુંબઈમાં શૂટિંગ કર્યું એ કુંદન શાહ નામના ગુજ્જુ દિગ્દર્શકના હાથ નીચે કર્યું અને એમને જ લીધે કુંદનના પાર્ટનર અઝિઝ મિર્ઝાની ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ શાહરુખને મળી.

આમિર ખાને જીવનમાં અભિનયની બારખડી ગુજરાતી નાટ્ય દિગ્દર્શક સ્વ. મહેન્દ્ર જોષી પાસે શીખેલી. મુંબઈની નરસી મોનજી કોલેજમાં ગુજરાતી એકાંકીઓ કર્યાં પછી જ આમિરમાં અભિનયનો કીડો સળવળ્યો અને એટલે જ આજે સારી ફિલ્મોનો સ્ટાર કે કલાકાર બની શક્યો. સલમાનની જિંદગીમાં ગુજરાતી લેખક-દિગ્દર્શક હની છાયા ના આવ્યા હોત તો એ બાંદ્રામાં કોઈ ડિસ્કોમાં બાઉન્સર કે બોડીગાર્ડ હોત. લેખક સલીમ ખાનના સહાયક અને ‘દાદા હો દીકરી’ જેવી અનેક ફિલ્મોના નિર્દેશક હની છાયાએ રાજશ્રી ફિલ્મઝની ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મ અપાવી અને વર્ષો સુધી સલમાનની કેરિયરને એક વડીલની જેમ કંડારી. રાજેશ ખન્નાએ પહેલો સ્ક્રીન ટેસ્ટ જે ફિલ્મફેર સ્પર્ધામાં આપેલો એ સ્વ. પ્રબોધ જોષી નામના ગુજરાતી નાટ્ય લેખકે લખેલો. ભારતનાં પહેલાં સુપર સ્ટારથી માંડીને આજના ત્રણ સુપર સ્ટાર્સની સફળતામાં ગુજરાતી ભાષા - કલાકારોના ડીએનએ છે!

આજે પરેશ રાવલ, ગુજરાતી ભાષા રંગભૂમિમાંથી નીકળીને ફિલ્મોમાં રાજ કરતો એક એવો સ્ટાર-કલાકાર છે કે જેની તગતગતી કાતિલ આંખો સામે ૧૦૦ કરોડની હિટ આપનારાં ભલભલાં સુપર સ્ટારો પણ કલીન બોલ્ડ થઈ જાય છે. અને હા ગુજરાતી નાટકનાં મહાન અભિનેતા અરવિંદ જોષીનો દીકરો શર્મન જોષી ‘થ્રી ઈડિયટસ’ જેવી ફિલ્મો પછી એક સ્ટાર પણ છે અને એક સશક્ત અભિનેતા પણ.. પણ આપણે ‘આ બધામાં આપણા કેટલા ટકા?’ એવું વિચારતી સુખાળવી પ્રજા છીએ એટલે કોઈને કશી જ પડી નથી. ગયા સપ્તાહના લેખ પછી અનેક ફોન, ઈમેઈલ, એસ.એમ.એસ દ્વારા અમુક લોકોએ હરખ દેખાડ્યો, ખૂટતી માહિતીઓ આપી ત્યારે મને ગમ્યું કે હાશ બંધિયાર પાણીમાં સ્હેજ વમળ તો થયાં... પણ કેટલાંને ખબર છે કે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો અપાવનાર ફક્કડ ભેખધારી નેતા ઇંદુલાલ યાજ્ઞિક પણ ફિલ્મોથી સંકળાયેલા હતા? ‘અય મેરે વતન કે લોગો ઝરા આંખ મેં ભર લો પાની’ કે ‘આઓ બચ્ચોં તુમ્હે દિખાએ ઝાંકી હિંદુસ્તાન કી’ જેવાં અમર ગીતો લખનાર કવિ પ્રદીપ પણ મૂળે ગુજરાતી છે?

તમને ખબર છે છેલ્લા બે દાયકામાં ગુજરાતી કલાકારોએ બોલીવુડમાં અશ્ર્વમેધ યજ્ઞ આદર્યો છે. ‘હેરાફેરી’ જેવી ફિલ્મોથી લેખક-નિર્દેષક નીરજ વોરાના સિક્કા પડે છે. નીરજના નાના ભાઈ ઉત્તંક વોરાએ ‘પહેલા નશા’માં ૧૯૯૩માં અદભુત સંગીત પણ આપેલું. છેલ્લાં પંદર વર્ષમાં સફળ લેખક મોડાસાના અનીસ બઝમી હવે, સફળ ડાયરેક્ટર બનીને ‘નો એંટ્રી’, ‘સિંઘ ઈઝ કિંગ’, ‘વેલકમ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે. કચ્છી માડુ વિપુલ અમૃતલાલ શાહે, ટીવીથી ફિલ્મો તરફ હરણફાળ ભરીને આંખે, વક્ત, નમસ્તે લંડન, લંડન ડ્રીમ્સ, એકશન રીપ્લે જેવી ફિલ્મોનું નિર્માણ કરીને નામ કમાવ્યું છે. એકાંકીઓથી શરૂ કરીને ‘ઢૂઢતે રહ જાઓગે’ અને હવે અક્ષય-પરેશની ‘ઓહ માય ગોડ’ સુધી પહોંચેલા નિર્દેશક ઉમેશ શુકલા પણ વધુ એક નામ છે. ભવની ભવાઈ - મિર્ચ મસાલા જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોના નિર્દેશક કેતન મહેતા નખશિખ ગુજરાતી છે જે સત્યજિત રેના પ્રિય નિર્દેશક છે એ કોઈને ખબર છે? આપણા મનોજ જોશી, સતીષ શાહ, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક, હોમી વાડિયા, દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, સંગીતકાર હિમેશ કે સચીન જીગર, લેખક અભિજાત જોષી, પાર્થિવ ગોહિલ, ઈસ્માઈલ દરબાર કેટકેટલી ગુજરાતી હસ્તીઓનાં નામો ગણાવું? મારાથી અમુક નામો રહી પણ જશે પણ એક વાત કહેવા દો કે આપણા ગુજરાતી કલાકારો ભેગા મળીને જો અઠવાડિયા માટે હડતાળ કરે ૬૦ ટકા ટીવી સિરિયલો બંધ થઈ જાય અને ૫૦ ટકા ફિલ્મોનાં શૂટિંગો અટકી જાય! પણ... પણ... પણ.. પણ ગુજરાતી પ્રજાને આ બધા કલાકારો વિશે ખબર છે? ના આપણે ત્યાં જૂની રંગભૂમિ નવી રંગભૂમિ ના કલાકારો - ટેક્નિશિયનોની એક વ્યવસ્થિત કિતાબ નથી. મ્યુઝિયમ તો દૂરની વાત છે. ગુજ્જુ સમાજની જેમ ગુજરાત સરકારને પણ ક્યાં પરવા છે? મરાઠી ફિલ્મો માટે મહારાષ્ટ્ર સરકાર પૂરા ૪૦ લાખની સબ્સિડી આપે છે જ્યારે આપણી ગુજરાત સરકાર માત્ર પાંચ લાખ! પાંચ લાખમાં તો ટીવીનો એપિસોડ પણ નથી બનતો... આ છે વિકસિત ગુજરાત રાજ્યનો કલાપ્રેમ!

જરા વિચાર કરો... શું ભવ્ય ઈતિહાસ છે આપણો ‘મુઘલેઆઝમ’નું હીટ સોંગ ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયોરે’ ગુજરાતી જૂની રંગભૂમિનું સુપરહિટ ગીત હતું જે ફિલ્મમાં ઉઠાવી લેવાયું!! ‘સત્યમ શિવમ્-સુંદરમનું જાણીતું ગીત ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ એ સ્વ. નિનુ મઝુમદાર નામના ગુજરાતી ગીતકાર-સંગીતકારનું ઓરિજિનલ ગીત છે જે ૧૯૫૦માં એમણે એક ફિલ્મ માટે બનાવેલું! ભારતની સર્વપ્રથમ સ્ત્રી સંગીતકાર સરસ્વતીદેવી, જે મૂળ પારસી સન્નારી હતી એ ગુજરાતી પ્રજાનું ગૌરવ કહેવાય પણ આપણે આપણા બે-ચાર લોકલ સંગીતકારો કે ડાયરાના કલાકારોથી વિશેષ કશું જાણવા માંગતા જ નથી... ‘મંથન’, ‘મંડી’ જેવી ફિલ્મોમાં સંગીત આપનાર વનરાજ ભાટિયા, સંગીતકાર અજિત મર્ચંટ, નેશનલ એવૉર્ડ જીતનાર સંગીતકાર રજત ધોળકિયા, ‘બુનિયાદ’ સિરિયલ ફેમ ઉદય મઝુમદાર, આજના કેમરામેન સ્વ. રાજન કોઠારી, પ્રવીણ ભટ્ટ, સુનીલ પટેલ હોય કે ફલી મિસ્ત્રી, જાલ મિસ્ત્રી જેવા રાજકપૂર - દેવાઆનંદના ત્યારના સ્ટાર કેમેરામેન હોય એ બધા ગુજરાતી હતા કે છે! અરે, ડાન્સ ડિરેક્ટર રેમો ફર્નાન્ડીઝ પણ જામનગરનો ગુજરાતી છોકરો છે! કદાચ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી જન્મેલી ધર્માંધતાને કારણે આપણે પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી નામોને ગુજરાતી નથી ગણતા! બોલીવુડ છોડો, હોલીવુડનો હીરો કાલપેન પણ ગુજ્જુ છે. એટનબરોની ‘ગાંધી’માં ગાંધી બનનાર બેન કિંગ્સલે ઉર્ફે કૃષ્ણ ભાણજીમાં ગુજરાતી લોહી વહે છે. શેખર કપૂર કે દીપા મહેતા પહેલાં હોલીવુડમાં નિર્દેશક તરીકે ભારતનું નામ કાઢનારા કૃષ્ણા શાહ પણ આ એક ગુજરાતી માણસ જ હતો! ‘શાલીમાર’ ફિલ્મ બનાવનાર કૃષ્ણા શાહ, ગુજરાતી રંગભૂમિની પૈદાઈશ છે જેણે હોલીવુડમાં જઈને ૬૦-૭૦’ના દાયકામાં ‘રાઈફલ્સ’ જેવી ફિલ્મો બનાવી.

સદાબહાર અભિનેત્રી આશા પારેખ, યાદગાર માતા ‘નિરૂપા રોય’ હોય, પ્રેમાળ શમ્મી આન્ટી ગુજરાતી નારીપાવર છે! ડિમ્પલ કાપાડિયા જેવી ગલેમર કવીન હોય કે ટીના મુનીમ જેવી ચુલબુલી અદાકાર હોય, સ્વરૂપવાન સ્વરૂપ સંપટ હોય કે આયેશા તાકિયા જેવી માદક અભિનેત્રી હોય કે બિંદુ જેવી સેક્સી કલાકાર હોય કે ઓલ-રાઉંડર અરૂણા ઈરાની હોય કે ‘પ્રતિઘાત’ ફેમ સુજાતા મહેતા હોય કે આજની પ્રાચી દેસાઈ જેવી નમણી છોકરી હોય કે વૈભવી મર્ચંટ જેવી નિર્દેશિકા હોય કે નેશનલ એવૉર્ડ વિનર કશ્ર્શ્યુમ ડિઝાઈનર લીના દરૂ હોય, બધી આપણી ગુજરાતની ધરતીની સ્ત્રીઓ છે જેણે બોલીવુડમાં સમ્માનભેર નામ કાઢયું છે. ૧૩૦ ફિલ્મનો કરનાર જેકી શ્રોફ જેવા હેન્ડસમ ગુજરાતી સ્ટારને પણ આપણે સાવ સેક્ધડહેડ ટ્રીટમેંટ આપી છે!

આપણી પ્રજાએ શેરબજારને અપનાવી છે પણ સવાશેર બનીને કળા-સંસ્કૃતિનું જતન કરતાં શીખ્યા નથી. જ્યાં સુધી ગુજરાતી પ્રજા એમના કલાકારો, લેખકો, વૈજ્ઞાનિકોનું પણ જતન નહીં કરે ત્યાં સુધી એ માત્ર પૈસાકમાઉ ‘ગુજ્જુ’ પ્રજા બની રહેશે! ઉર્દૂ લેખિકા ઈસ્મત ચુગતાઈ કહેતાં "જો ઝુંબાં (ભાષા) રોટી કમા કે નહીં દે સકતી વો આખિરકાર મર જાતી હૈ તો હું કહીશ જે ભાષા રોટી સાથે મીઠાઈ પણ ખાઈ શકે એવી સમૃદ્ધ હોય પણ પોતાના કલાકારોને પ્રેમ ના કરી શકે એ મરી જશે. કમસેકમ ઈતિહાસમાં તો જરૂર મરી જશે! મહાજાતિ ગુજરાતીને ઊંઘમાંથી ઉઠાડીને મરતાં બચાવવાનો સમય આવી ગયો છે?













‘ટાઈટલ’ વહી જો પબ્લિક કો લુભાએ! --- મિજાજ મસ્તી - સંજય છેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=86152


સારું શીર્ષક બિકિની જેવું હોવું જોઈએ - જે છુપાવે ઓછું અને દેખાડે ઘણું બધું અથવા તો ઊલટું

સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી પાસે એક નિર્માતા આવ્યા અને કહ્યું કે ફિલ્મ માટે કોઈ સારું ટાઈટલ આપો. કલ્યાણજીભાઈએ તરત જ પૂછ્યું,

‘તુમ્હારી ફિલ્મ મેં ઢોલ હૈ?’

‘નહીં!’ નિર્માતા બોલ્યા.

‘નગાડા હૈ?’

‘નહીં! તો!’ નિર્માતા અકળાયા.

‘બસ તો ટાઈટલ મિલ ગયા, ‘ના ઢોલ, ના નગાડા!’ કલ્યાણજીભાઈએ તો મજાકમાં પેલાનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો પણ શીર્ષક કે ટાઈટલ શોધવાનું કામ એટલું સહેલું નથી. નોર્મલ માણસને ત્યાં બાળક જન્મે ત્યારે એક સાદું નામ શોધવા આખું ઘર ભેગું થઈને વિચારવામાં બિઝી થઈ જાય છે. તો નાટક-સિનેમા-સિરિયલોવાળા, નવલકથા-વાર્તાવાળા અને બિચારા કવિઓ, રોજેરોજ સારાં શીર્ષક ક્યાંથી કાઢે? પાછું એક સારું શીર્ષક પણ બિકિની જેવું હોવું જોઈએ- ‘જે છુપાવે ઓછું અને દેખાડે ઘણું બધું’ અથવા તો ઊલટું. એક જમાનામાં ગુજરાતી નોવેલનાં ટાઈટલો મજેદાર આવતાં. ‘આભ રૂએ એની નવલખ ધારે’, ‘મારે પણ એક ઘર હોય..’, ‘પીળા રૂમાલની ગાંઠ’, ‘હથેળી પર બાદબાકી...’ પછી ધીમે ધીમે જોડકાં ટાઈટલ શરૂ થયાં: ‘જડ-ચેતન’ ‘શેષ-વિશેષ’ વગેરે અને પછી તો ‘બ્રા-કોબ્રા’, ‘ફેણ-તરફેણ’ સુધી જવાનું જ બાકી રહ્યું. ગંભીર નવલકથાનાં શીર્ષકો તો અજીબ હોય છે જેમ કે ‘મને અડધો ચાંદો આપો!’ કે ‘સૂરજ કા સાતવાં ઘોડા!’ વગેરે. આવી કલાત્મક નવલકથાઓ સમજાવી તો બાજુએ રહી પણ એનું ટાઈટલ વાંચીને જ આપણે ક્લીન બોલ્ડ થઈ જઈએ!

પણ લેખકો-કવિઓ માટે ટાઈટલ શોધવું મગજમારીનું કામ છે. અમારો એક કવિમિત્ર છે (તમે એમ નહીં માનતા કે હું સાવ નવરો છું કે કવિઓ સાથે ફરું છું, આ તો જૂનો કોલેજકાળનો મિત્ર છે એટલે:) એ મિત્ર કવિતા લખવા કરતાં ‘શીર્ષક’ શોધવામાં વધારે મહેનત કરે છે, કારણ કે કવિતા તો ઝાકળ-સાંકળ-વાદળ-આગળ-પાછળ વગેરે તુકબંધીથી લખાઈ શકે પણ ધમાકેદાર શીર્ષક ક્યાંથી લાવવું? એટલે એ પહેલાં શીર્ષક લોક કરે. જેમ કે ‘દરિયાથી ભાગેલી માછલીની વેદના!’... વચ્ચે એણે ‘ચકલી’ પર એક કવિતા લખી. ભૂલથી એ કવિતા વખણાઈ એટલે એણે ચકલી-૧, ચકલી-૨, ચકલી-૩, એમ ચકલી સિરીઝ શરૂ કરી. છેક ચકલી-૯૬ સુધી સ્કોર ચલાવ્યો! જ્યાં મળે ત્યાં ચકલીઓ પકડીને કવિતાના પાંજરામાં પૂરવા માંડી. (વચમાં આપણા સાહિત્યમાં પંખીઓની સીઝન ચાલતી હતી. ત્યારે જટાયુ, કબૂતર, કાગડા, પારેવાં, ટિટોડી, ઘુવડ... ગુજરાતી કાવ્યના આકાશમાં ખૂબ ઊડાઊડ કરતાં:) પછી અમારા પેલા કવિમિત્રને થયું કે ચકલીઓ બહુ પકડી એટલે ચકલીને ઉડાડી મૂકી અને કવિ, ઝાડ પર ચઢી ગયો. ઝાડ પર કવિતા લખવા માંડી. વૃક્ષ-૧, વૃક્ષ-૨, વૃક્ષ-૩.. જેલમાં કેદી-નંબર હોય એમ દરેક કવિતામાં વૃક્ષને નંબર આપવા માંડ્યો. જોતજોતામાં વૃક્ષ-કાવ્યોનું જંગલ ઊભું કરી નાખ્યું. પણ બર્દાશ્તની પણ હદ હોય છે એટલે મેં એને સમજાવ્યું, ‘ભાઈ... તું આ ઝાડ, પંખી, નદીને છોડ. તું વૃક્ષ પર આટલું બધું લખીશ તો લોકો તને ફોરેસ્ટ ઓફિસર માની બેસશે!’ આપણા જેવા નોર્મલ લોકોને આખી લાઈફમાં એકાદ-બે વાર મેઘધનુષ જોવા મળે છે. ત્યારે કવિ-લેખકોને વાતવાતમાં મેઘધનુષ ક્યાંથી દેખાતાં હશે?

પણ સારા ક્લિયર ટાઈટલવાળા ફ્લેટની જેમ સારાં ટાઈટલો પણ માર્કેટમાં ઝટ મળતાં નથી! પછી એ કવિમિત્ર, નવલિકાઓ-ટૂંકી વાર્તાઓ લખવા માંડ્યો. એને થયું કે વાર્તા ભલે ટૂંકી હોય, ટાઈટલો તો લાંબાં જ રાખવાં! જેમ કે ‘ગુલમહોર મ્હોરી ઊઠેલાં પણ ત્યારે નળ આવ્યા નહીં!’ શીર્ષક વાંચીને મને એમ થયું કે નવલિકા, પાણીની સમસ્યા પર કે ઉનાળા વિશે હશે. પણ વાર્તામાં ના તો ગુલમોહર કે ના તો નળની વાત! એનું એમ કહેવું હતું ગુલમોહર એવી વનસ્પતિ છે કે જે ક્યાંક ને ક્યાંક તો ઊગી જ હશે અને ક્યાંક તો નળ નહીં જ આવ્યા હોય! એટલે આ વાર્તા જ્યાં ચાલી રહી હશે એની આસપાસ ક્યાંક તો આવું થયું જ હશેને? બોલો!! પણ નસીબ જુઓ, આવાં વિચિત્ર ટાઈટલોને લીધે વિવેચકો એને માન આપવા માંડ્યા. આર્ટ ફિલ્મોમાં પણ આવાં લાંબાં શીર્ષકો હોય તો ગંભીર દાઢીધારી લોકો બહુ જ ઈમ્પ્રેસ થતા હોય છે. જેમ કે, ‘આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યૂં આતા હૈ?’, ‘સલીમ લંગડે પે મત રો..’ એટલે પછી તો મારો એ વાર્તાકાર મિત્ર, ખિસ્સામાં એક ડાયરી રાખે. જ્યાં, જ્યારે સૂઝે એ ટાઈટલ ટપકાવી દે!! એવાં અટપટાં શીર્ષકો શોધે કે વાંચવાવાળો છક્ક થઈ જાય. શીર્ષકો પાછાં એટલાં લાંબા કે ઘણી વાર મૂળ વાર્તા એની સામે ટૂંકી લાગે! જેમ કે ‘૧૬ વર્ષની છોકરી ૧૬ વર્ષથી પ્રતીક્ષામાં ઊભી છે અને પતંગિયાએ પરેલમાં આત્મહત્યા કરી’, ‘ચંપલ પગમાં ડખ્યા કરે અને દિલમાં છાલાં પડ્યા કરે’, ‘ઈતિહાસ ગવાહ છે, કારણ કે કોર્ટમાં ગવાહ મળતા નથી!’ એક વાર તો હદ કરી. એણે મને પૂછ્યું કે ‘ચાંદનીનો રસ ધીમે ધીમે ટપકે અને કંદોઈ તીખું તીખું મલકે’ કેવું રહેશે? મારાથી રહેવાયું નહીં. મેં એનો કોલર પકડીને પૂછ્યું કે યાર, આ શું ચલાવ્યું છે? આવા ઉલઝુલૂલ ટાઈટલ પર તું શું વાર્તા લખવાનો? તો મને કહે, વાર્તા તો ગમે ત્યાંથી મળી જશે! તારા ધ્યાનમાં કંદોઈ પર કોઈ વાર્તા હોય તો બોલ, ટાઈટલ ફિટ કરી નાખશું. વાર્તાનો હીરો, ચાંદની રાતે મીઠાઈવાળાને ત્યાં મીઠાઈ ન ખાઈ શકે? એવો કોઈ કાનૂન છે?

ફિલ્મોમાં ટાઈટલો હંમેશાં વિવાદ, વિષાદ અને વ્યાપારનો વિષય રહ્યા છે... ’y’ પર ફિલ્મો નથી ચાલતી એવું મનાય છે. ’Yes Boss’ ફિલ્મનું ટાઈટલ અમે આપેલું જેને આખી ટીમ પાસે પાસ કરાવતાં કરાવતાં અમારે સંતોષી માતાના વ્રત કરવા પડે એવી હાલત થયેલી. ફિલ્મ ચાલી એટલે નાક રહી ગયું. હિંદી ફિલ્મોમાં અંગ્રેજી ટાઈટલો નથી ચાલતાં એવી એક ચિંતા ડિસ્ટ્રિબ્યુટરોને સતાવતી હોય છે. પણ ‘જ્વેલથીફ’, ‘ગાઈડ’ ચાલેલી અને સાવ ગ્રામીણ વિષય પરની ફિલ્મ ‘મધર ઇંડિયા’નું નામ અંગ્રેજીમાં હતું અને ધૂમ ચાલેલી પણ! ફિલ્મલાઈનમાં બીજી એક મિથ છે કે જે ફિલ્મમાં નાગ-નાગીનની વાત હોય કે ટાઈટલમાં ‘નાગ’ હોય એ ચાલે જ ચાલે. ‘નગીના’, ‘નાગીન’, ‘નાગ પંચમી’, ‘નાગ દેવતા’ કે ‘શેષનાગ’ ઘણી ખરી હિટ રહી છે. એક વાર રિશી કપૂર - રણધીર કપૂર - રાજીવ કપૂર એમ ત્રણેય બંધુઓ પાર્ટીમાં એકબીજાને ચીઢવી રહ્યા હતા. ત્યારે રિશી કપૂરે, નાના ભાઈ ચિમ્પુ ઉર્ફ રાજીવને કહ્યું, "સાલે, તેરી કોઈ ફિલ્મ નહીં ચલતી. નોર્મલી, અગર ટાઈટલ મેં ‘નાગ’ હો તો બૂરી સે બૂરી ફિલ્મ ભી હિટ જાતી હૈ પર તેરી તો ‘નાગ-નાગીન’ ફિર ભી ફ્લોપ હુઈ. તુને તો ‘નાગ’ કા ટ્રેક રેકોર્ડ બિગાડ દિયા. નાગ કો ભી ફ્લોપ કર દિયા... અબ ‘નાગ’ તુઝે છોડેગા નહીં!’

આજકાલ ફિલ્મોના મલ્ટિપ્લેક્સના શહેરી યંગ ઓડિયંસને આકર્ષવા શીર્ષકમાં અંગ્રેજી શબ્દ કમ્પલ્સરી હોય એવું થઈ ગયું છે. અમે એક ટાઈટલ આપેલું ‘કિસ્મત કનેક્શન’. એ નામે હવે સેંકડો મેરેજ-બ્યુરો, જ્યોતિષ-સલાહ કેંદ્રો ખૂલ્યાં છે! આ ટાઈટલને જો ‘પેટંટ’ કે ‘ટ્રેડમાર્ક’ કરાવ્યું હોત તો અમને ખૂબ કમાણી થાત. (અને ગુજરાતી છાપામાં કોલમ લખવાના દિવસો ન આવત:)

ગુજરાતી નાટકોનાં ટાઈટલો મસ્ત હોય છે. પણ પૂજા કરતી વખતે ‘સ્વાહા’ બોલવું જ પડે એમ આજકાલ અંગ્રેજી શબ્દો એમાં એવા કમ્પલ્સરી થઈ ગયા છે: વેલકમ, થેંક્યુ, હેલો, સોરી, કમ ઓન... વગેરે ન હોય તો વાત નથી બનતી! એક જમાનામાં કાંતિ મડિયાનાં નાટકોનાં શીર્ષકો કમાલનાં આવતાં.. જેમ કે ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘કોઈ ભીંતેથી આઈના ઉતારો’ કે પ્રવીણ જોષીનાં ‘સળગ્યાં સૂરજમુખી’, ‘સપનાંનાં વાવેતર’ વગેરે. લેખક પ્રવીણ સોલંકીનાં ટાઈટલો હંમેશાં રમતિયાળ રહેતાં. ‘સંબંધો સૂર્યાસ્ત પછીનાં’, ‘કોઈની આંખમાં સાપ રમે!’... થોડાં નટખટ નાટકોનાં નામ ગુદીગુદી કરી જતાં. જેમ કે ‘નાગાલેંડની નારી’, ‘છાનામાના બિછાનામાં’, ‘જલ્દી કર કોઈ જોઈ જશે’, ‘મારો લાઈન તો તબિયત ફાઈન’ વગેરે...

છતાંયે નાટક-સિનેમા-વાર્તા-કવિતાઓમાં શીર્ષક વિચારવા માટે પૂરતો સમય મળે પણ છાપાવાળાઓ તો બિચારા રોજેરોજ ન્યુઝને શું હેડિંગ આપે? એનાં એ કૌભાંડો, એના એ બળાત્કારો- અકસ્માતો, ભાવવધારાઓ. નવાં હેડિંગ્ઝ કે ટાઈટલો છેલ્લી ઘડીએ ક્યાંથી પેદા કરે? એ લોકો તો બિચારા ‘સત્તા કી સુરજ કે સાતવે ઘોડે કા રથ પંક્ચર હો ગયા’ એવું કલાત્મક મથાળું પણ ના આપી શકે નહીં તો વાચકો પાનું ઊથલાવી નાખે! છાપાવાળાઓ ઘણી વાર કરુણ અને હાસ્યરસને મિક્સ કરી દેતા હોય છે. ‘ભાયંદરમાં એક સ્ત્રીની બેરહેમીથી હત્યા’.. હવે ‘હત્યા’ તો બેરહેમીથી જ થાયને? કોઈ વહાલથી હત્યા કરે? ખેર, હમણાં એક નાનકડા શહેરના નાનકડા છાપામાં કમાલનાં હેડિંગ વાંચવા મળ્યાં: ‘યે કૌન મર ગયા?’, ‘એક ઔર કટ ગયા!’, ‘યે લાશ કિસ કી?’, ‘પુલિસ કા નંગા નાચ ઔર એસ. પી. ઘૂંઘટ મેં છુપા!’, ‘ઉસ કા રેટ ૩૦૦૦ સે કમ નહીં?’, ‘ઉન કો પડે જૂતે, જનતા મારે તાલી!’, ‘રંગે હાથોં બિસ્તર મેં બિજલી!’... સમાચારો ભલે રૂટિન હત્યા, આડા-સંબંધો, રુશવતખોરી કે ભ્રષ્ટ નેતા વિષે હતા પણ શીર્ષક એકદમ દબંગ! માણસ હેડિંગ વાંચે તો સમાચાર વાંચવા જ પડે!

સારાં ટાઈટલની રેસિપી શું? મસ્તીખોર પણ સંસ્કારી, લાંબું પણ આકર્ષક, ટિપિકલ પણ સારગર્ભિત, નાનકડું પણ વેધક ઊંચું પણ ચાલુ... આવા કોમ્બિનેશનવાળા ટાઈટલની બધા ક્રિયેટિવ લોકોને શોધ હોય છે. જેથી વાચક કે ગ્રાહક કે પ્રેક્ષક શબ્દજાળમાં ફસાય. પોતાનો માલ વેચવા માણસ લાખ તાતાથૈયા કરે જ. એમાં કશું ખોટું નથી. અને આમ જોવા જઈએ તો આપણી એકધારી-બોરિંગ-રૂટિન લાઈફને મજેદાર બનાવવા આપણે સૌ પણ એક સોલિડ ‘ટાઈટલ’ની તલાશમાં સતત હોઈએ જ છીએને?

સુખનું ટાઈટલ, સંતોષનું ટાઈટલ, સિદ્ધિનું ટાઈટલ, મોક્ષનું ટાઈટલ.