Tuesday, March 3, 2015

‘ટાઈટલ’ વહી જો પબ્લિક કો લુભાએ! --- મિજાજ મસ્તી - સંજય છેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=86152


સારું શીર્ષક બિકિની જેવું હોવું જોઈએ - જે છુપાવે ઓછું અને દેખાડે ઘણું બધું અથવા તો ઊલટું

સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી પાસે એક નિર્માતા આવ્યા અને કહ્યું કે ફિલ્મ માટે કોઈ સારું ટાઈટલ આપો. કલ્યાણજીભાઈએ તરત જ પૂછ્યું,

‘તુમ્હારી ફિલ્મ મેં ઢોલ હૈ?’

‘નહીં!’ નિર્માતા બોલ્યા.

‘નગાડા હૈ?’

‘નહીં! તો!’ નિર્માતા અકળાયા.

‘બસ તો ટાઈટલ મિલ ગયા, ‘ના ઢોલ, ના નગાડા!’ કલ્યાણજીભાઈએ તો મજાકમાં પેલાનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો પણ શીર્ષક કે ટાઈટલ શોધવાનું કામ એટલું સહેલું નથી. નોર્મલ માણસને ત્યાં બાળક જન્મે ત્યારે એક સાદું નામ શોધવા આખું ઘર ભેગું થઈને વિચારવામાં બિઝી થઈ જાય છે. તો નાટક-સિનેમા-સિરિયલોવાળા, નવલકથા-વાર્તાવાળા અને બિચારા કવિઓ, રોજેરોજ સારાં શીર્ષક ક્યાંથી કાઢે? પાછું એક સારું શીર્ષક પણ બિકિની જેવું હોવું જોઈએ- ‘જે છુપાવે ઓછું અને દેખાડે ઘણું બધું’ અથવા તો ઊલટું. એક જમાનામાં ગુજરાતી નોવેલનાં ટાઈટલો મજેદાર આવતાં. ‘આભ રૂએ એની નવલખ ધારે’, ‘મારે પણ એક ઘર હોય..’, ‘પીળા રૂમાલની ગાંઠ’, ‘હથેળી પર બાદબાકી...’ પછી ધીમે ધીમે જોડકાં ટાઈટલ શરૂ થયાં: ‘જડ-ચેતન’ ‘શેષ-વિશેષ’ વગેરે અને પછી તો ‘બ્રા-કોબ્રા’, ‘ફેણ-તરફેણ’ સુધી જવાનું જ બાકી રહ્યું. ગંભીર નવલકથાનાં શીર્ષકો તો અજીબ હોય છે જેમ કે ‘મને અડધો ચાંદો આપો!’ કે ‘સૂરજ કા સાતવાં ઘોડા!’ વગેરે. આવી કલાત્મક નવલકથાઓ સમજાવી તો બાજુએ રહી પણ એનું ટાઈટલ વાંચીને જ આપણે ક્લીન બોલ્ડ થઈ જઈએ!

પણ લેખકો-કવિઓ માટે ટાઈટલ શોધવું મગજમારીનું કામ છે. અમારો એક કવિમિત્ર છે (તમે એમ નહીં માનતા કે હું સાવ નવરો છું કે કવિઓ સાથે ફરું છું, આ તો જૂનો કોલેજકાળનો મિત્ર છે એટલે:) એ મિત્ર કવિતા લખવા કરતાં ‘શીર્ષક’ શોધવામાં વધારે મહેનત કરે છે, કારણ કે કવિતા તો ઝાકળ-સાંકળ-વાદળ-આગળ-પાછળ વગેરે તુકબંધીથી લખાઈ શકે પણ ધમાકેદાર શીર્ષક ક્યાંથી લાવવું? એટલે એ પહેલાં શીર્ષક લોક કરે. જેમ કે ‘દરિયાથી ભાગેલી માછલીની વેદના!’... વચ્ચે એણે ‘ચકલી’ પર એક કવિતા લખી. ભૂલથી એ કવિતા વખણાઈ એટલે એણે ચકલી-૧, ચકલી-૨, ચકલી-૩, એમ ચકલી સિરીઝ શરૂ કરી. છેક ચકલી-૯૬ સુધી સ્કોર ચલાવ્યો! જ્યાં મળે ત્યાં ચકલીઓ પકડીને કવિતાના પાંજરામાં પૂરવા માંડી. (વચમાં આપણા સાહિત્યમાં પંખીઓની સીઝન ચાલતી હતી. ત્યારે જટાયુ, કબૂતર, કાગડા, પારેવાં, ટિટોડી, ઘુવડ... ગુજરાતી કાવ્યના આકાશમાં ખૂબ ઊડાઊડ કરતાં:) પછી અમારા પેલા કવિમિત્રને થયું કે ચકલીઓ બહુ પકડી એટલે ચકલીને ઉડાડી મૂકી અને કવિ, ઝાડ પર ચઢી ગયો. ઝાડ પર કવિતા લખવા માંડી. વૃક્ષ-૧, વૃક્ષ-૨, વૃક્ષ-૩.. જેલમાં કેદી-નંબર હોય એમ દરેક કવિતામાં વૃક્ષને નંબર આપવા માંડ્યો. જોતજોતામાં વૃક્ષ-કાવ્યોનું જંગલ ઊભું કરી નાખ્યું. પણ બર્દાશ્તની પણ હદ હોય છે એટલે મેં એને સમજાવ્યું, ‘ભાઈ... તું આ ઝાડ, પંખી, નદીને છોડ. તું વૃક્ષ પર આટલું બધું લખીશ તો લોકો તને ફોરેસ્ટ ઓફિસર માની બેસશે!’ આપણા જેવા નોર્મલ લોકોને આખી લાઈફમાં એકાદ-બે વાર મેઘધનુષ જોવા મળે છે. ત્યારે કવિ-લેખકોને વાતવાતમાં મેઘધનુષ ક્યાંથી દેખાતાં હશે?

પણ સારા ક્લિયર ટાઈટલવાળા ફ્લેટની જેમ સારાં ટાઈટલો પણ માર્કેટમાં ઝટ મળતાં નથી! પછી એ કવિમિત્ર, નવલિકાઓ-ટૂંકી વાર્તાઓ લખવા માંડ્યો. એને થયું કે વાર્તા ભલે ટૂંકી હોય, ટાઈટલો તો લાંબાં જ રાખવાં! જેમ કે ‘ગુલમહોર મ્હોરી ઊઠેલાં પણ ત્યારે નળ આવ્યા નહીં!’ શીર્ષક વાંચીને મને એમ થયું કે નવલિકા, પાણીની સમસ્યા પર કે ઉનાળા વિશે હશે. પણ વાર્તામાં ના તો ગુલમોહર કે ના તો નળની વાત! એનું એમ કહેવું હતું ગુલમોહર એવી વનસ્પતિ છે કે જે ક્યાંક ને ક્યાંક તો ઊગી જ હશે અને ક્યાંક તો નળ નહીં જ આવ્યા હોય! એટલે આ વાર્તા જ્યાં ચાલી રહી હશે એની આસપાસ ક્યાંક તો આવું થયું જ હશેને? બોલો!! પણ નસીબ જુઓ, આવાં વિચિત્ર ટાઈટલોને લીધે વિવેચકો એને માન આપવા માંડ્યા. આર્ટ ફિલ્મોમાં પણ આવાં લાંબાં શીર્ષકો હોય તો ગંભીર દાઢીધારી લોકો બહુ જ ઈમ્પ્રેસ થતા હોય છે. જેમ કે, ‘આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યૂં આતા હૈ?’, ‘સલીમ લંગડે પે મત રો..’ એટલે પછી તો મારો એ વાર્તાકાર મિત્ર, ખિસ્સામાં એક ડાયરી રાખે. જ્યાં, જ્યારે સૂઝે એ ટાઈટલ ટપકાવી દે!! એવાં અટપટાં શીર્ષકો શોધે કે વાંચવાવાળો છક્ક થઈ જાય. શીર્ષકો પાછાં એટલાં લાંબા કે ઘણી વાર મૂળ વાર્તા એની સામે ટૂંકી લાગે! જેમ કે ‘૧૬ વર્ષની છોકરી ૧૬ વર્ષથી પ્રતીક્ષામાં ઊભી છે અને પતંગિયાએ પરેલમાં આત્મહત્યા કરી’, ‘ચંપલ પગમાં ડખ્યા કરે અને દિલમાં છાલાં પડ્યા કરે’, ‘ઈતિહાસ ગવાહ છે, કારણ કે કોર્ટમાં ગવાહ મળતા નથી!’ એક વાર તો હદ કરી. એણે મને પૂછ્યું કે ‘ચાંદનીનો રસ ધીમે ધીમે ટપકે અને કંદોઈ તીખું તીખું મલકે’ કેવું રહેશે? મારાથી રહેવાયું નહીં. મેં એનો કોલર પકડીને પૂછ્યું કે યાર, આ શું ચલાવ્યું છે? આવા ઉલઝુલૂલ ટાઈટલ પર તું શું વાર્તા લખવાનો? તો મને કહે, વાર્તા તો ગમે ત્યાંથી મળી જશે! તારા ધ્યાનમાં કંદોઈ પર કોઈ વાર્તા હોય તો બોલ, ટાઈટલ ફિટ કરી નાખશું. વાર્તાનો હીરો, ચાંદની રાતે મીઠાઈવાળાને ત્યાં મીઠાઈ ન ખાઈ શકે? એવો કોઈ કાનૂન છે?

ફિલ્મોમાં ટાઈટલો હંમેશાં વિવાદ, વિષાદ અને વ્યાપારનો વિષય રહ્યા છે... ’y’ પર ફિલ્મો નથી ચાલતી એવું મનાય છે. ’Yes Boss’ ફિલ્મનું ટાઈટલ અમે આપેલું જેને આખી ટીમ પાસે પાસ કરાવતાં કરાવતાં અમારે સંતોષી માતાના વ્રત કરવા પડે એવી હાલત થયેલી. ફિલ્મ ચાલી એટલે નાક રહી ગયું. હિંદી ફિલ્મોમાં અંગ્રેજી ટાઈટલો નથી ચાલતાં એવી એક ચિંતા ડિસ્ટ્રિબ્યુટરોને સતાવતી હોય છે. પણ ‘જ્વેલથીફ’, ‘ગાઈડ’ ચાલેલી અને સાવ ગ્રામીણ વિષય પરની ફિલ્મ ‘મધર ઇંડિયા’નું નામ અંગ્રેજીમાં હતું અને ધૂમ ચાલેલી પણ! ફિલ્મલાઈનમાં બીજી એક મિથ છે કે જે ફિલ્મમાં નાગ-નાગીનની વાત હોય કે ટાઈટલમાં ‘નાગ’ હોય એ ચાલે જ ચાલે. ‘નગીના’, ‘નાગીન’, ‘નાગ પંચમી’, ‘નાગ દેવતા’ કે ‘શેષનાગ’ ઘણી ખરી હિટ રહી છે. એક વાર રિશી કપૂર - રણધીર કપૂર - રાજીવ કપૂર એમ ત્રણેય બંધુઓ પાર્ટીમાં એકબીજાને ચીઢવી રહ્યા હતા. ત્યારે રિશી કપૂરે, નાના ભાઈ ચિમ્પુ ઉર્ફ રાજીવને કહ્યું, "સાલે, તેરી કોઈ ફિલ્મ નહીં ચલતી. નોર્મલી, અગર ટાઈટલ મેં ‘નાગ’ હો તો બૂરી સે બૂરી ફિલ્મ ભી હિટ જાતી હૈ પર તેરી તો ‘નાગ-નાગીન’ ફિર ભી ફ્લોપ હુઈ. તુને તો ‘નાગ’ કા ટ્રેક રેકોર્ડ બિગાડ દિયા. નાગ કો ભી ફ્લોપ કર દિયા... અબ ‘નાગ’ તુઝે છોડેગા નહીં!’

આજકાલ ફિલ્મોના મલ્ટિપ્લેક્સના શહેરી યંગ ઓડિયંસને આકર્ષવા શીર્ષકમાં અંગ્રેજી શબ્દ કમ્પલ્સરી હોય એવું થઈ ગયું છે. અમે એક ટાઈટલ આપેલું ‘કિસ્મત કનેક્શન’. એ નામે હવે સેંકડો મેરેજ-બ્યુરો, જ્યોતિષ-સલાહ કેંદ્રો ખૂલ્યાં છે! આ ટાઈટલને જો ‘પેટંટ’ કે ‘ટ્રેડમાર્ક’ કરાવ્યું હોત તો અમને ખૂબ કમાણી થાત. (અને ગુજરાતી છાપામાં કોલમ લખવાના દિવસો ન આવત:)

ગુજરાતી નાટકોનાં ટાઈટલો મસ્ત હોય છે. પણ પૂજા કરતી વખતે ‘સ્વાહા’ બોલવું જ પડે એમ આજકાલ અંગ્રેજી શબ્દો એમાં એવા કમ્પલ્સરી થઈ ગયા છે: વેલકમ, થેંક્યુ, હેલો, સોરી, કમ ઓન... વગેરે ન હોય તો વાત નથી બનતી! એક જમાનામાં કાંતિ મડિયાનાં નાટકોનાં શીર્ષકો કમાલનાં આવતાં.. જેમ કે ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘કોઈ ભીંતેથી આઈના ઉતારો’ કે પ્રવીણ જોષીનાં ‘સળગ્યાં સૂરજમુખી’, ‘સપનાંનાં વાવેતર’ વગેરે. લેખક પ્રવીણ સોલંકીનાં ટાઈટલો હંમેશાં રમતિયાળ રહેતાં. ‘સંબંધો સૂર્યાસ્ત પછીનાં’, ‘કોઈની આંખમાં સાપ રમે!’... થોડાં નટખટ નાટકોનાં નામ ગુદીગુદી કરી જતાં. જેમ કે ‘નાગાલેંડની નારી’, ‘છાનામાના બિછાનામાં’, ‘જલ્દી કર કોઈ જોઈ જશે’, ‘મારો લાઈન તો તબિયત ફાઈન’ વગેરે...

છતાંયે નાટક-સિનેમા-વાર્તા-કવિતાઓમાં શીર્ષક વિચારવા માટે પૂરતો સમય મળે પણ છાપાવાળાઓ તો બિચારા રોજેરોજ ન્યુઝને શું હેડિંગ આપે? એનાં એ કૌભાંડો, એના એ બળાત્કારો- અકસ્માતો, ભાવવધારાઓ. નવાં હેડિંગ્ઝ કે ટાઈટલો છેલ્લી ઘડીએ ક્યાંથી પેદા કરે? એ લોકો તો બિચારા ‘સત્તા કી સુરજ કે સાતવે ઘોડે કા રથ પંક્ચર હો ગયા’ એવું કલાત્મક મથાળું પણ ના આપી શકે નહીં તો વાચકો પાનું ઊથલાવી નાખે! છાપાવાળાઓ ઘણી વાર કરુણ અને હાસ્યરસને મિક્સ કરી દેતા હોય છે. ‘ભાયંદરમાં એક સ્ત્રીની બેરહેમીથી હત્યા’.. હવે ‘હત્યા’ તો બેરહેમીથી જ થાયને? કોઈ વહાલથી હત્યા કરે? ખેર, હમણાં એક નાનકડા શહેરના નાનકડા છાપામાં કમાલનાં હેડિંગ વાંચવા મળ્યાં: ‘યે કૌન મર ગયા?’, ‘એક ઔર કટ ગયા!’, ‘યે લાશ કિસ કી?’, ‘પુલિસ કા નંગા નાચ ઔર એસ. પી. ઘૂંઘટ મેં છુપા!’, ‘ઉસ કા રેટ ૩૦૦૦ સે કમ નહીં?’, ‘ઉન કો પડે જૂતે, જનતા મારે તાલી!’, ‘રંગે હાથોં બિસ્તર મેં બિજલી!’... સમાચારો ભલે રૂટિન હત્યા, આડા-સંબંધો, રુશવતખોરી કે ભ્રષ્ટ નેતા વિષે હતા પણ શીર્ષક એકદમ દબંગ! માણસ હેડિંગ વાંચે તો સમાચાર વાંચવા જ પડે!

સારાં ટાઈટલની રેસિપી શું? મસ્તીખોર પણ સંસ્કારી, લાંબું પણ આકર્ષક, ટિપિકલ પણ સારગર્ભિત, નાનકડું પણ વેધક ઊંચું પણ ચાલુ... આવા કોમ્બિનેશનવાળા ટાઈટલની બધા ક્રિયેટિવ લોકોને શોધ હોય છે. જેથી વાચક કે ગ્રાહક કે પ્રેક્ષક શબ્દજાળમાં ફસાય. પોતાનો માલ વેચવા માણસ લાખ તાતાથૈયા કરે જ. એમાં કશું ખોટું નથી. અને આમ જોવા જઈએ તો આપણી એકધારી-બોરિંગ-રૂટિન લાઈફને મજેદાર બનાવવા આપણે સૌ પણ એક સોલિડ ‘ટાઈટલ’ની તલાશમાં સતત હોઈએ જ છીએને?

સુખનું ટાઈટલ, સંતોષનું ટાઈટલ, સિદ્ધિનું ટાઈટલ, મોક્ષનું ટાઈટલ.

No comments:

Post a Comment