Tuesday, March 3, 2015

બ્રહ્માંડમાં ચાલે છે ફેમિલી પ્લાનિંગ --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=86160


નવા તારા જન્મવાનો દર ઘટી જતાં મંદાકિનીમાં બધા લાલ, વૃદ્ધ તારા દેખાશે, બ્રહ્માંડ વૃદ્ધ બની જશે




તાજેતરમાં સમાચાર આવ્યા હતાં કે બ્રહ્માંડમાં તારા બનવાનું ઘટી ગયુ ંછે. એટલે કે મંદાકિનીમાં (galaxy)માં નવા તારા જન્મવાનો દર અતિશય ઘટી ગયો છે. એટલે કે મંદાકિનીમાં એવો પદાર્થ ઘણો ઓછો થઈ ગયો છે, તારા જન્માવતા વાયુના વાદળોની સંખ્યા ઘણી ઘટતી ગઈ છે, જે તારાને જન્માવી શકે. આ વાત પૃથ્વી પરની ફેમિલી પ્લાનિંગ જેવી નથી. પૃથ્વી પરની ફેમિલી પ્લાનિંગની પ્રક્રિયા ઉલટાવી શકાય પણ આ તારાના જન્મની પ્રક્રિયા ઉલટાવી શકાય તેમ નથી. કારણ કે મંદાકિનીઓમાં તારા જન્માવાના પદાર્થની જ ઊણપ છે. બ્રહ્માંડ માટે આ મોટી કટોકટી (ક્રાઈસીસ)ની શોધ ગણાય. વિજ્ઞાનીઓ પૃથ્વીની ચિંતા કરે છે, સાથે સાથે બ્રહ્માંડની પણ ચિંતા કરે છે. આવી ચિંતા કરવાનું તેમને કોણે કહ્યું? ‘કાજી દૂબલે કયૂં’ તો કહે સારે ગાંવ કી ફિકર.
પૃથ્વી પર વસ્તી વધારો થઈ રહ્યો છે અને પૃથ્વી બધાને રોટી, કપડા અને મકાન આપી શકે તેમ નથી. માટે ફેમિલી પ્લાનિંગને કાર્યરત કરવામાં આવ્યું છે. મંદાકિનીનો પ્રોબ્લેમ અલગ છે. કૂવામાં હોય તો હવાડામાં આવે ને? બ્રહ્માંડમાં પદાર્થ હોય તો જ તારા બનેને? બ્રહ્માંડમાં પદાર્થ ઘટતો જાય છે, કહો કે ઘટી ગયો છે. માટે નવા તારા બનવાની પ્રક્રિયા ઘટતી જાય છે. બ્રહ્માંડમાં નવો પદાર્થ ઉત્પન્ન કરી શકાય નહીં. જે છે તેમાં ચલાવી લેવું પડે.

પૃથ્વીની વસ્તી સાત અબજ થઈ ગઈ છે. તેમાં મોટો ગોકીરો થઈ ગયો છે. જેમ પારસી કોમ્યુનિટીમાં વસ્તી વધારો થતો નથી અને ક્રાઈસીસ આવી ગઈ છે. તેવું બ્રહ્માંડમાં થયું છે. પારસીઓ બીજી જાતિમાં લગ્ન કરવા મંડે તો પારસીઓની ક્રાઈસીસ હળવી થાય, પણ તેમની જાતમાં ફેરફાર થઈ જાય. બ્રહ્માંડમાં આમ પણ થઈ શકે તેમ નથી.

પૃથ્વી પર ફેમિલી પ્લાનિંગ ચાલતું રહ્યું તો દરેક દેશ માટે વહીવટ ચલાવવા માનવીઓની અછત સર્જાશે. બધા વય શ્રેષ્ઠીઓની સંખ્યા વધી જશે. પછી cocession યુવાનોને આપવું પડશે. પૃથ્વી પર બધા વયોવૃદ્ધ માણસો વધારે દેખાશે. પૃથ્વી પર વસ્તી વધારાના અને ઘટાડાના પ્રશ્ર્નો છે તો બ્રહ્માંડમાં તારાની વસ્તી ઘટાડાનો બહુ જ એક્યુટ પ્રોબ્લેમ છે.

મંદાકિની અને બ્રહ્માંડમાં નવા તારા જન્મવાનો દર ભયંકર રીતે ઘટી ગયો છે તો શું થશે? મંદાકિનીમાં બધા લાલ વૃદ્ધ તારા દેખાશે. આકાશમાં પીળા, સફેદ અને નીલા રંગના તારા લગભગ અદૃશ્ય થશે. બ્રહ્માંડ વૃદ્ધ બની જશે. આ વખતે તારાના વિસ્ફોટોનું જ સામ્રાજ્ય થશે. આવા વિસ્ફોટો કદાચ નાના નાના તારા કે ગ્રહોને જન્મ આપે, પણ ધગધગતા યુવાન તારા બનતા અટકી જશે. જાપાનમાં જઈએ તો કેટલાય વૃદ્ધ જાપાની દેખાય. તેવું પૂરી દુનિયામાં અને મંદાકિનીમાં અને બ્રહ્માંડમાં દેખાશે.

કહેવાય છે કે ભૂતકાળમાં પૃથ્વી પર માણસો ખૂબ જ કદાવર અને ઊંચા હતા. ધીરે ધીરે તે નાના બનતા ગયા. કારણ કે માણસોને જે ઉત્તમ ખોરાક જોઈએ તે મળતો બંધ થઈ ગયો, તેવું જ બ્રહ્માંડનું ચિત્ર આપણી પાસે રજુ થાય છે. બ્રહ્માંડ જન્મ્યું ત્યારે મોટા મોટા તારા જન્મ્યા હતાં, તેથી તે પોતાનો પદાર્થ ઝડપથી વાપરી વિસ્ફોટ કરી તેમના ભારથી નાશ પામતા ગયાં અને તે પદાર્થમાંથી નાના અને નાના તારા બનતા ગયા. આવી રીતે બ્રહ્માંડમાં તારાની સાઈઝ અને પૃથ્વી પરના જીવનની સાઈઝ નાની બનતી ગઈ. ડાયનોસોર કેવા કદાવર હતાં?

પૃથ્વી પરના માનવીઓ તો પૃથ્વી કે દેશની શક્તિ છે પણ લોકોને આપણે રોટી, કપડાં, મકાન નથી દઈ શકતા માટે ફેમિલી પ્લાનિંગનો જમાનો આવ્યો છે. પૃથ્વી પર મહાવિનાશ થાય અને માનવોની સંખ્યા ઘણી ઘટી જાય તો ફેમિલી પ્લાનિંગને ઉલંઘવાનો વારો આવશે. બ્રહ્માંડમાં આ શક્ય નથી. માટે ખગોળવિદો ચિંતામાં પડી ગયાં છે અને ભવિષ્યમાં બે ચાર દશકા પછી નહીં પણ બે ત્રણ અબજ વર્ષ પછી તેની ખરાબ અસર બ્રહ્માંડમાં વર્તાશે. ત્યારે પૃથ્વી પર જે લોકો જીવતા હશે તે જોશે.

ભવિષ્યમાં બ્રહ્માંડ કાળું ધબ્બ બનતું જશે. મંદાકિનીઓ દૂર દૂર જાશે અને આપણી આંખથી ઓઝલ થતી જશે. બ્રહ્માંડ ખાલીખમ બનતું જશે. વિજ્ઞાનીઓ બ્રહ્માંડના ભવિષ્યનું ચિત્ર બહુ કાળું દોરે છે. આમ તો છેવટે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુના ભવિષ્યનું ચિત્ર કાળું જ હોય છે.



No comments:

Post a Comment