Showing posts with label કાજલ ઓઝા વૈદ્ય. Show all posts
Showing posts with label કાજલ ઓઝા વૈદ્ય. Show all posts

Friday, March 6, 2015

કેમ? ડોસા થયા એટલે વહાલ ન થાય? --- બ્લુ બુક - કાજલ ઓઝા - વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=156052


‘હવે આ ઉંમરે તો જરા તમારી જાતને સંયમમાં રાખતા શીખો.’ લલિતાબહેને નજીક આવેલા મોહનભાઈને ધક્કો માર્યો, "છોકરાને ઘેર છોકરાં આવી ગયાં, તોય તમારી ભૂખ ઓછી નથી થતી.’ કહીને લલિતાબહેન પડખું ફરી ગયાં. પત્નીની નજીક સરકેલા મોહનભાઈને જાણે કોઈએ તમાચો માર્યો હોય એવી લાગણી થઈ.

"હું તને વહાલ કરું એમાં વળી ખોટું શું છે ? મોહનભાઈએ લલિતાબહેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

"ખોટું ? તમારી ઉંમર શું થઈ એનું ભાન છે તમને ? લલિતાબહેને છણકો કર્યો, "પચાસ વર્ષે લોકો વનમાં પ્રવેશી જાય. ભગવાનનું નામ લેવાનો સમય છે આ, પણ તમને તો... લલિતાબહેનના અવાજમાં વિચિત્ર પ્રકારનો તિરસ્કાર હતો.

"તે ? મોહનભાઈ છંછેડાયા, "મારી બૈરીને વહાલ કરું છું. ગુનો નથી કરતો... ને ભગવાનનું નામ રોજ લઉં છું. પ્રામાણિક્તાથી મહેનત કરું છું. આ બધા તામજામ એમ ને એમ ઊભા નથી થયા. મોહનભાઈ પલંગમાં બેઠા થઈ ગયા, "મને તો એ નથી સમજાતું કે મારા સાદા-સીધા વહાલને દરેક વખતે તું આવી ગંદી રીતે કેમ જુએ છે ?

"મને ખબર છે તમારા મનમાં શું છે તે. કહીને લલિતાબહેન ઊભાં થઈ ગયાં. ઓશીકું અને રજાઈ લઈને બહાર જવા લાગ્યાં.

"ક્યાં જાય છે ?

"બહાર. મારે નથી સૂવું તમારી બાજુમાં. કાલથી હવે હું કોકીના રૂમમાં જ સૂઈશ. કહીને એ બહાર જતાં રહ્યાં. 

પાછળ બંધ થતા દરવાજાને જોઈને મોહનભાઈએ જોરથી બૂમ પાડી, "બહુ સારું. આજ પછી કોઈ દિવસ મારી પાસે નહીં આવતી. લલિતાબહેન બહાર નીકળી ગયાં... એ પછીના ઘણા દિવસો સુધી બંનેની વચ્ચે મન ઊંચાં રહ્યાં. સમય વીતતો ગયો. કેટલીક વાર છોકરાઓની હાજરીમાં ઝઘડો કે આર્ગ્યુમેન્ટ થઈ જાય ત્યારે બંને જણાં આ બાબતે એકબીજાને મહેણાં મારતાં. દીકરો અને વહુ સાવ અજાણ નહોતાં જ, એ લોકો બધું સમજતાં પણ સંકોચને કારણે કશું બોલી શક્તાં નહીં.

આટલું ઓછું હોય એમ જે મોહનભાઈ ભાગ્યે જ ગુસ્સે થતા એમનું મગજ હવે વારંવાર ‘જવા’ લાગ્યું, એકાદ વાર એમણે લલિતાબહેન પર હાથ ઉગામ્યો, એમના સંસ્કારે એમને મારતા રોકી લીધા, પરંતુ એ ક્ષણ ઘરના સહુ માટે આંચકો આપનારી અને સંકોચ થાય એવી ક્ષણ હતી. પોતાના ગુસ્સા માટે મોહનભાઈ જ્યારે ડૉક્ટર પાસે ગયા ત્યારે એમને સમજાવતા ડૉક્ટરે કહ્યું, "સેક્સ્યુઅલી ડિપ્રાઇવ્ડ માણસોને ગુસ્સો બહુ આવે છે. ઊર્જાનો સાચો ઉપયોગ ન થાય ત્યારે એ ઊર્જા ઇરિટેશન અને ગુસ્સો જન્માવે છે. આ કિસ્સો કદાચ મોહનભાઈનો હોય, પરંતુ આ સમસ્યા ઘણા બધા પરિવારોની સમસ્યા છે. બાવન વર્ષની ઉંમર શરીરથી નિવૃત્તિ લેવાની ઉંમર નથી જ. કેટલીક સ્ત્રીઓને બાળપણથી જ શરીર વિશેની સમજ આપવામાં આવી હોતી નથી. એક પુરુષ સાથેના સંબંધમાં, ખાસ કરીને પતિ સાથેના સંબંધમાં શરીરનું મહત્ત્વ ઓછું આંકવાથી એ સંબંધને સીધો ઉઝરડો પડવાની સંભાવના રહે છે. 

શરીરને કોઈ વાનગીની જેમ ધરી દેવું ને પતિ અકરાંતિયાની જેમ ખાઈ લે એને સુખી કે સ્વસ્થ લગ્નજીવન ન જ કહેવાય. સામાન્ય રીતે પુરુષ માટે લગ્નજીવનની સાચી શરૂઆત એની ચાળીસી શરૂ થયા પછી જ થાય છે. પહેલાં ભણતર અને કારકિર્દી, પછી સંતાનોનું ભણતર અને પછી જિંદગીની બીજી વિટંબણાઓમાં અટવાયેલો માણસ પોતાના લગ્નજીવનની મજા સાચી રીતે અને સાચા અર્થમાં લગભગ ચાળીસ વર્ષ પૂરાં થયા પછી જ મેળવે છે. લગ્નજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં ઘરની જવાબદારી અને નાના - ઊછરતાં સંતાનોને કારણે પ્રાઇવસીનો પ્રશ્ર્ન પણ ઘણા બધા પરિવારોને નડતો હોય છે. થોડું-ઘણું કમાયા પછી જુદા બેડરૂમ્સની વ્યવસ્થા થાય અને જીવન પ્રમાણમાં થોડું સ્થિર અને થોડું સલામત થાય ત્યારે જ કદાચ માણસ પોતાની જરૂરિયાતો પ્રત્યે સભાન થાય છે. ખરેખર તો એ પુરુષોને અભિનંદન આપવા જોઈએ, જે ચાળીસીમાં આવેલી પોતાની થોડી સ્થૂળ અને થોડીક પ્રૌઢ દેખાતી પત્ની પરત્વે પણ એટલું જ આકર્ષણ અનુભવીને એની જ સાથે પોતાની શારીરિક જરૂરિયાતોને સીમિત રાખી શકે. પ્રમાણમાં સફળ અને ચાળીસીમાં વધુ સારા - મૅચ્યૉર અને હેન્ડસમ દેખાતા પુરુષ માટે ઘરની બહાર ઘણાં પ્રલોભનો હોય છે. એમાંથી બચીને જ્યારે એ પોતાની જ પત્ની સાથે પોતાની વફાદારી ટકાવી રાખવાના પ્રયાસમાં હોય એ સમયે જ્યારે એની પત્ની એને શરીરથી દૂર રાખે ત્યારે પુરુષ માટે એ અનુભવ તિરસ્કાર અને પીડાનો અનુભવ હોય છે. આમ પણ એક પુરુષ માટે શારીરિક અનુભૂતિ લાંબો સમય ચાલતી હોય છે એમ મોટા ભાગના સેક્સોલોજિસ્ટ માને છે. લગ્નજીવનની શરૂઆતનાં વર્ષોમાં કદાચ પત્ની કશું ન કહે એટલે એ સંબંધનું મહત્ત્વ ફક્ત શારીરિક સંતોષ પૂરતું હોય છે. વધતા અને વીતેલાં વર્ષો સાથે જ્યારે બંને જણાં એકબીજાને સમજવા લાગે ત્યારે બંનેને એકબીજાના ગમા-અણગમા સમજાવા લાગે છે... જરૂરિયાતોની જાણ થાય છે, એવા સમયે જો બે લોકો - જીવનસાથી એકબીજાને અનુકૂળ થવાનો કે એકબીજાની જરૂરિયાત સંતોષવાનો પ્રયાસ ન કરે તો સમસ્યાની શરૂઆત થાય છે.

બાળકો મોટાં થાય એનો અર્થ એવો નથી કે માતાપિતાએ શારીરિક સંબંધમાં નિવૃત્તિ લઈ લેવી. ‘દરવાજો બંધ કરીને સૂઈએ તો બાળકો શું વિચારે ?’ એવા સંકોચ સાથે પણ ઘણાં માતાપિતા બેડરૂમનો દરવાજો બંધ કરતાં નથી. સ્ત્રીઓની સેક્સ ડ્રાઇવ મેનોપોઝના સમયમાં ક્યારેક ઓછી થઈ જાય છે, વળી ઇન્ટરનલ ડ્રાયનેસને કારણે પણ આવા શારીરિક સંબંધ પરત્વે સ્ત્રીઓને થોડીક અરુચિ થાય એવું બને, પરંતુ આ બધા જ પ્રશ્ર્નોનો ઉકેલ ગાયનેકોલોજિસ્ટ પાસે હોય જ છે. સેક્સ એ સહેજ પણ જુગુપ્સાપ્રેરક કે ગંદો શબ્દ નથી. સાવ નાનપણમાં કેટલીક છોકરીઓને એમનાં અણઘડ માતાપિતા આવી અર્થહીન વાતો શિખવાડી દે છે. આ છોકરીઓ મોટી થઈને પોતાના પતિને શારીરિક સંતોષ આપવામાં નિષ્ફળ નીવડે છે. પતિને જ શું કામ, આવી સ્ત્રીઓને પોતાના શરીર વિશે પણ ઝાઝી ભાન હોતી નથી. એમને શું ગમે છે કે શું નથી ગમતું એ વિશેની પણ એમને પૂરી માહિતી હોતી નથી. આવા સંબંધોમાં પણ જો પતિ થોડોક મોડર્ન હોય, બહાર ફરતો હોય, વાંચતો કે વિચારતો હોય તો વધુ ને વધુ સમસ્યાઓ ઊભી થતી રહે છે. આવી સમસ્યાનું નિરાકરણ અસંભવ તો નથી જ, પરંતુ અઘરું છે. સાવ બાળપણમાં મગજમાં ઘૂસી ગયેલી બાબતોને ભૂંસીને ત્યાં નવેસરથી નવી સમજ ઉમેરવાનું કામ સમય અને ધીરજ માગે છે. સામાન્ય રીતે પોતાની કારકિર્દીમાં વ્યસ્ત પુરુષ પતિ તરીકે આટલી ધીરજ કેળવી શક્તો નથી. જે પત્ની માટે પોતે રાત-દિવસ ઘસાય છે અથવા જે પરિવાર માટે પોતે આટલી મહેનત કરે છે એ પત્ની જ્યારે એની ઇચ્છાઓ કે લાગણીઓને અનુકૂળ નથી થતી ત્યારે આવા પુરુષો લગ્નેત્તર સંબંધો તરફ ઘસડાય છે.

આપણે બધા જ જાણીએ છીએ કે એક પુરુષની શારીરિક જરૂરિયાત એની લાગણીઓની સીધી અભિવ્યક્તિ છે. આમાં કશું સારું છે કે ખોટું છે એવું નક્કી કરવાને બદલે પ્રકૃતિએ તદ્દન ભિન્ન એવી વ્યક્તિઓ પ્રત્યે સમજ કેળવવાની જરૂર છે.

જો સેક્સ એ ખરાબ બાબત હોત તો પ્રકૃતિએ એની સાથે સર્જન જેવી અદ્ભુત બાબતને જોડી ના હોત ! જે સ્ત્રીઓ એમ માને છે કે અમુક ઉંમરે સેક્સથી નિવૃત્તિ લેવી જોઈએ એ સ્ત્રીઓ ખરેખર પોતાના જીવનસાથી સાથે અન્યાય કરે છે. ઇચ્છા ન હોય કે શારીરિક તકલીફ હોય તો એ વિશે ખુલ્લીને વાત થઈ શકે છે. દરેક વખતે નજીક આવતો પતિ શારીરિક સંતોષ માટે જ આવે છે એમ માનવું પણ થોડુંક વધારે પડતું નથી ? ક્યારેક થોડુંક વહાલ, થોડોક સ્પર્શ, થોડોક સ્નેહ, વાળમાં હાથ ફેરવવા, ચુંબન કરવું કે એકબીજાને ભેટીને સૂઈ જવું વગેરે અભિવ્યક્તિ પણ જીવનસાથીની નિકટતા માટે મદદરૂપ પુરવાર

થાય છે...

સુરેશ દલાલની એક પંક્તિ, એવા લોકો માટે જે ઉંમર અને વહાલને એકબીજાના વિરુદ્ધ પરિબળો માને છે, "કમાલ કરે છે, કમાલ કરે છે... એક ડોસી ડોસાને હજુ વહાલ કરે છે... 

Saturday, September 13, 2014

હું ‘એમને’ મુક્ત કરું છું... --- અતિલક્ષ્મી કનૈયાલાલ મુનશી -- કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=100097

નામ: અતિલક્ષ્મી કનૈયાલાલ મુનશી

સ્થળ: મુંબઈ

ઉંમર: ૩૩ વર્ષ

સમય: ૧૯૨૩


હું બાર વર્ષની થઈ ત્યારે પહેલી વાર મારા ઘરમાં મેં મારા બાપાજી ને બાને ચિંતાથી વાતો કરતાં સાંભળ્યાં... ત્યાં સુધી હું પાંચીકા રમતી અને દોરડા કૂદતી. મને તો ખબર જ નહોતી કે ‘વર’ એટલે શું ? એમનું ઘર સામા ફળિયામાં જ હતું. મને વાર-તહેવારે જમવા બોલાવતા, હું સાડી પહેરીને, સજી-ધજીને ‘સાસરે’ જતી. મારાં સાસુ ‘તાપીબા’ મને રસોડામાં બોલાવીને જમાડતાં. બે-ચાર શિખામણના બોલ કહેતાં, મારા માથે હાથ ફેરવતાં, નિસાસો નાખતાં... પણ મને કંઈ બહુ ફેર પડતો નહીં. હું ચાર વર્ષની થઈ ત્યારે અમારાં લગ્ન થયેલાં. ઢીંગલી જેવડી હતી ને બે-ચાર દિવસ સાસરે રહેવા લઈ ગયેલા ત્યારે મોટા અવાજે ભેંકડો તાણેલો! 

મારાં સાસુ ‘એમને’ ભાઈ કહીને બોલાવતાં... ‘એમના’ પિતાજી નાની ઉંમરે ગુજરી ગયેલા એટલે તાપીબા માટે ‘ભાઈ’ જ બધું હતો. તાપીબાને દિલ પર પથ્થર મૂકીને હજામ પાસે માથુ મુંડાવવું પડતું. એમને ગમતું નહીં, પરંતુ લોકાચાર માનવો પડતો. તાપીબા ખૂબ વાંચતાં, બુદ્ધિ પણ ઘણી. એ સમયમાં ‘યોગવસિષ્ઠ’ અને બીજાં પુસ્તકો વાંચીને એમણે ઘણું જ્ઞાન મેળવેલું. મારાં મા-બાપ પાસે બેસવા આવે ત્યારે સારી-સારી સલાહો આપતાં. એ પોતે મા વગર મોટાં થયેલાં ને એમના વર, માણેકલાલ મુનશી ગુજરી ગયેલા, છ દીકરીઓ એમાંની બે વિધવા એટલે જીવનમાં અભાવ ઘણા! છ છોકરી પર એક છોકરો... એટલે લાડકો પણ ખરો જ ! તાપીબા ‘ચીમન મુનશી’ની છોકરીના નામે ઓળખાતાં... ને અમારાં રૂખીબાની છટકે એટલે ગમે તેમ બોલતાં. રૂખીબા એટલે મારાં ફોઈસાસુ. બોલવાનું શરૂ કરે પછી હદ વટાવી જતાં, ‘હું મરવાની નથી, હું તો કાળનો કાગડો ખાઈને આવી છું. બંગલાની અગાશી પર ઊભી રહીશ ને જોઈશ કે કિશનદાસ મુનશીના વંશમાં કોઈ જીવતું નથી પછી જ મરીશ...’ આખુંય ફળિયું રૂખીબાને બોલતાં સાંભળવા ભેગું થતું ને એમનેય ભેગા થયેલા લોકોને જોઈને મજા પડતી. મુનશીઓની જીભ ભયાનક હતી, પણ એમાં અમારાં એક જ તાપીબા ડાહ્યાં અને ઠરેલ હતાં..

એ વખતે છપ્પનિયા દુકાળનો કાળ આવ્યો હતો. મારા સસરા ડેપ્યુટી કલેક્ટર થઈને ઘરઆંગણે આવ્યા હતા. મારા સસરા ખૂબ દોડાદોડી કરતા, પણ એક દિવસ મારા ઘરના લોકો ચિંતા કરવા લાગ્યા. માણકા મુનશી મરવા પડ્યા હતા. અંગ્રેજ અને દેશી અમલદાર, ગામના ને ન્યાતના ઓળખીતા આવતા ને જતા. એમનો કાન ચીરીને પરુના રેલા કાઢ્યા હતા. લોકો કહેતા હતા એમને રતવા થયો હતો. એક દિવસ ભયાનક આક્રંદ સંભળાયું. આખું ફળિયું રડારોળ કરતું હતું, પણ એ સારા થયા ! ૧૯૦૩ના મે માસની આઠમી તારીખે મારા સસરાએ આરામખુરશી પર માથું ઢાળી દીધું અને ખબર પડી કે એમણે દેહ છોડી દીધો છે... મને મારે સાસરે બોલાવવામાં આવી, લોકાચાર, ન્યાતો, હિસાબો એ બધા દરમિયાન હું ત્યાં હતી, પણ ‘એમણે’ એકેય વાર મારી સામે જોયું નહીં.

હવે હું નાની નહોેતી. મારા ઘરમાં બધા ચિંતા કરવા લાગ્યા હતા. મને કોઈ કહેતું નહીં, પણ સૌને સમજાતું હતું કે હું ફૂટડી હતી તેમ છતાં મને મારા સાસરે બોલાવતા નહોતા. મારાં મા-બાપે મને ભણાવી નહીં એ વાતે ‘એમને’ ઘણો વાંધો હતો. સંસ્કારી સાસરિયામાં જે પ્રકારની રીત-ભાત હોય એ મને કોઈએ શીખવી નહીં. લોકો વાતો કરતા, ‘ભાઈ તો મોટી-મોટી વિદ્વાન સ્ત્રીઓની વાતો કરે છે ને એનો વહુ તરફ અણગમો વધતો જાય છે. શું થશે? આ વહુ ઘર માંડશે? ભાઈનું શું થશે?’

બાએ મને પોતાને ઘેર રાખી ભણાવવાનું નક્કી કર્યું, પણ મારા પિયરિયા તો મને મોકલવા જ તૈયાર નહોતા. એ ઇચ્છતા કે હું સાસરે વર સાથે રહું, સાસુની ગુલામગીરી વેઠવા શું કામ જાઉં? ‘એ’ આવવાના છે એની ખબર પડે કે મારી મા મને સજાવી-ધજાવીને સાસરે લઈ જતી, ‘એ’ ત્રીજે માળ ચઢી જતા... લોકો તરફથી જાણવા મળતું કે ‘એમને’ તો સાથે ગાય, વગાડે, અંગ્રેજીમાં વાતો કરે એવી વહુ જોઈએ છે. વહુ અભણ છે, મૂર્ખ છે, એની માએ એના દાંત રંગ્યા છે માટે હું એને બોલાવવાનો જ નથી એવું ‘એ’ બધાને કહેતા, પરંતુ અંતે ૧૯મી એપ્રિલ, ૧૯૦૪ના દિવસે મને ઘેર લઈ ગયા.

એ દિવસથી તાપીબાએ મને ઘડવા માંડી. હું તેર વર્ષની હતી, પણ આઠ વર્ષની લાગતી, શરીરે પાતળી ને નાની. હું મારી સહિયરોમાં ઇર્ષાનું કારણ હતી. કારણ કે મારો વર ન્યાતમાં ‘બહુ સારો’ કહેવાતો. જો કે મને બહુ કંટાળો આવતો... ‘એ’ તો વડોદરે રહેતા, મારાં સાસુ ન્હાતીવેળા સાબુ ચોળાવતાં. તેલ, મરચું કે સ્વાદિષ્ટ વસ્તુ ખાવા ન દેતાં. ચોટલો ઓળાવતાં, ચાંદલો કરાવતાં, સાડી પહેરતાં શીખવતાં. ઊંચા સ્વરે બોલવાનું નહીં, વાંચતા-લખતાં શીખવું પડશે વગેરે-વગેરે મારે કરવું પડતું ને એમાંય ‘એમણે’ કહ્યું હતું કે દાંત નહીં રંગાવતી. ત્યાં વળી મારી બાએ ‘એમ તે કંઈ ચાલે’ કહીને રંગ મૂકી દીધો... મારાથી તો બાને ન કહેવાય ને તાપીબાનેય ન કહેવાય. હું જ્યારે સાસરે ગઈ ત્યારે એમણે જોરથી કહ્યું, ‘આ ઘરમાં રહેવું હશે તો મારું કહ્યું માનવું પડશે. હવે તારા પિયર જવાનું નથી. રૂખીબા જોડે વાત કરવાની નથી...’

મારું નામ અતિલક્ષ્મી, પણ એ મને લક્ષ્મી કહેતા ! ૨૧મી એપ્રિલની રાત્રે હું એમને પહેલી વાર મળી. ધીમે-ધીમે ત્રીજે માળે ગઈ, હીંચકા પર ‘એ’ બેઠા હતા.

‘આવ બેસ’ એમણે કહ્યું. હું ગભરાતી-ગભરાતી ‘એમની’ પાસે જઈને બેઠી, ‘તને ભણતાં આવડે છે ?’

‘હા. બીજી ચોપડી વાંચું છું.’

‘એ’ મારી સામે જોઈ રહ્યા, એમના હોઠ કંપી રહ્યા હતા ‘એ’ રડી પડ્યા, ‘ગભરાતી નહીં, હું સ્વભાવે સારો નથી.’ એમણે રડતાં-રડતાં કહ્યું ને મારા જ ખભા પર માથું મૂક્યું... 

એ દિવસથી અત્યાર સુધીની બધી જ પળો મેં ‘એમની’ આંખનાં આંસુ લૂછવાનું નક્કી કરીને વિતાવી દીધી. મેં આર્યનારીની જેમ મારા પતિના પગલામાં પગલું મૂક્યું. ‘એમના’ સુખમાં સુખ જોયું. ‘એમને’ જે જોઈતું હોય એ ઈશ્ર્વર ‘એમને’ આપે એવી કાયમ પ્રાર્થના કરી. ‘એમને’ પહેલી વાર મળી ત્યારથી જ મને ખબર હતી કે હું ‘એમને’ લાયક નથી. ‘એમને’ જેવી સ્ત્રી મળવી જોઈતી હતી એવી સ્ત્રી હું નથી એની મને ખબર હતી... 

એ જ વખતે અમને ‘લીલા’ની ઓળખાણ થઈ. ૧૯૨૨ના મે માસમાં એમની ઓળખાણ થઈ હશે... એ આકર્ષાયા હતા એટલું નક્કી. એ દિવસોમાં હું અને ‘એ’ થોડો વખત અગાશીમાં બેસતાં ત્યારે લીલાવતી ઉપર આવેલાં. અમે જે મકાનમાં રહેતા હતા તે જ મકાનમાં લીલાવતીનું કુટુંબ બ્લોક ભાડે 

રાખીને રહેવા આવ્યું. ૨૨ વર્ષની એ છોકરીએ ‘એમની’ ત્રીસ વર્ષની ઉંમરે પણ એમને વિહ્વળ કરી નાખ્યા હતા એ મને દેખાતું હતું. લીલાવતી શેઠ નામની એ સ્ત્રી ધીમે-ધીમે અમારા જીવનમાં, અમારા કુટુંબમાં અને અમારા સંબંધોમાં પ્રવેશી રહી હતી. એ પણ પરણેલાં હતાં! ૨૯ ડિસેમ્બરે હું વડોદરાથી છોકરાઓ સાથે ડબામાં ચડી. એ અમદાવાદથી ભરૂચ જતા હતા. 

લીલાબહેન સાથે અમદાવાદમાં રહ્યા પછી એમનામાં ખાસ્સો ફેરફાર આવેલો. કોણ જાણે કેમ, એમણે ટ્રેનમાં મને બધું જ કહ્યું. બાળપણમાં કરેલી ‘દેવી’ની કલ્પના, માથેરાનમાં કરેલો સંકલ્પ, ભાવનગરથી લખેલા પત્રો... બધું જ ! પછી મને લીલાબહેનના પત્રો આપ્યા. એમની આંખોમાંથી આંસુ નીતરતાં હતાં. એમણે મારી ક્ષમા માગી અને કહ્યું, ‘મેં જે કર્યું છે તે અક્ષમ્ય છે, એક દૃષ્ટિએ મને આમાં અધોગતિ લાગે છે અને બીજી દૃષ્ટિએ મોક્ષ. તું મારી તરફ નહીં જોતી. મારા સુખનોય વિચાર નહીં કરતી. તું જ નિર્ણય કર. તું ના પાડીશ તો દુ:ખ થશે, હા પાડીશ તોય દુ:ખ તો થશે જ. પ્રણય મારો ભોગ લેવા આવ્યો છે - એ તો લેવાનો જ છે. આ કાગળો વાંચ, બે દહાડા વિચાર કર અને તારો નિર્ણય મને કહે! ’

ત્રીજે દિવસે રાત્રે હું એમની પાસે ગઈ. મેં એમને કહ્યું, ‘મેં તો મારું સર્વસ્વ તમને આપ્યું છે. તમે બને તેટલું મને આપ્યું છે. તમે વધારે ન આપી શક્યા, કારણ કે મારામાં તે ઝીલવાની શક્તિ નથી. લીલાબહેન તમને જે પ્રેરણા આપે છે તે હું આપી શકતી નથી. તમે ભલે મિત્ર રહો. આપણે ત્રણેય વિલાયત જઈશું. મને તમારામાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે.’

એમની આંખોમાંથી આંસુ ઝરતાં હતાં. એ રાત્રે મેં એમને જે રીતે જોયા એવા ક્યારેય જોયા નથી. એ ઊભા થયા અને એમણે મારા ચરણસ્પર્શ કર્યા. હું સંકોચાઈ ગઈ. એમણે કહ્યું, ‘હું તારા જેવી અદ્ભુત સ્ત્રી આગળ ક્ષુદ્ર છું. તારા જેવી નાનકડી સતીનું અગાધ સમર્પણ જોઈને પૂજ્યભાવ સિવાય બીજું શું ઉદ્ભવી શકે?’

એ પછીનાં વર્ષો સારાં-ખરાબ, ઊંચા-નીચા અને એકબીજાનાં દુ:ખોને જાણતાં, ઓળખતાં, સમજતાં વીતી ગયાં. હું જાણતી હતી કે ‘એ’ લીલા વિશે ઘેલા થઈ ગયા હતા! અમે પરદેશ જવાના 

હતા... હું ને લીલાબહેન બજારમાં જઈએ, કપડાં લઈ આવીએ, ‘એ’ પાસપોર્ટની ધમાલ કરે... ‘એમને’ ને લીલાબહેનને ઘણાં ઝઘડા થાય, લીલાબહેન પાછા લખે, ‘હું આવવાનું માંડી વાળું છું.’ ‘એ’ મનાવે, વળી, બે જણા આગળ વધે... એમ ચાલ્યા કરતું. આખરે અમે યુરોપ ગયા. આમ તો હું કોઈની ડાયરી વાંચું નહીં, પરંતુ વિલાયતની સફરમાં મેં લીલાબહેનની ડાયરી વાંચી. એમાં લખ્યું હતું, ‘થોડા મહિના માટે સંવાદી આત્મા સાથે સહજીવન, આવા વિરલ અનુભવ માટે હરેક પ્રકારનો ત્યાગ કરવા જેવો નથી શું ? આવું સુખ થોડા દિવસ મળે તોય બધું હોમી દીધેલું સાર્થક. જીવન જીવ્યું ને ખોયું બંને સાર્થક.’

બીજી માર્ચ, ૧૯૨૯ની સાંજે અમે ‘પિલ્સ્ના’ સ્ટીમરમાં નીકળ્યા ત્યારે મારા મનમાં ભય હતો કે યુરોપથી પાછા આવીશું ત્યાં સુધીમાં હું ‘એમને’ પૂરેપૂરા ખોઈ બેસીશ ! હું માનસિક રીતે તૈયાર થઈ ગઈ હતી, પરંતુ એમના વિના કેવી રીતે જીવીશ એની મને ખબર નહોતી પડતી. 

* * *

મને ક્સુવાવડ થઈ ગઈ અને બે-ત્રણ દહાડામાં સૂવા રોગ આવ્યો. પછી તો તાવ... બેભાન જ રહેવા લાગી, પણ જેટલી વાર ‘એ’ આવીને બેસતા એટલી વાર હું એમના સ્પર્શને ઓળખી શક્તી. ‘એ’ અડે ત્યારે મારાથી અસ્ફુટ સ્વરે બોલાઈ જતું, ‘નાથ!’ 

એમનું નામ રટતાં મારો શ્ર્વાસ છૂટી જશે એની મને ખબર છે, પણ અત્યારે આ ક્ષણે મને સંતોષ છે કે હું એમને માટે એમને જેવું જીવવું છે એવા જીવનની વ્યવસ્થા કરીને આ જગતમાંથી વિદાય થઈ રહી છું. 

Friday, September 12, 2014

સંપૂર્ણ સંતોષ અને સ્નેહથી નીતરતા આ જીવનમાં હવે કશીય અપેક્ષા પણ નથી રહી... --- સૂચિત્રા સેન - કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=139826



નામ : સૂચિત્રા સેન

સ્થળ : ૫૨/૪/૧, બાલીગંજ

સરકયુલર રોડ, કોલકાતા

સમય : ૨૦૦૫

ઉંમર : ૭૪ વર્ષ

આજે એક પત્ર આવ્યો છે. દાદાસાહેબ ફાળકે એવૉર્ડ માટે મારી પસંદગી કરાઈ છે. મારી દીકરી ખુશીથી ઊછળતી મારી પાસે આવી. એ ઉપર જ રહે છે. મેં ૧૯૬૦માં બંધાવેલા આ મકાનમાં પહેલેથી જ આવી વ્યવસ્થા વિચારી નહોતી, પરંતુ ૧૯૭૮ પછી મને લાગ્યું કે મુનમુન મારી સાથે રહે તો વધુ સારું. મેં મારા મકાનમાં ઉપર જ એક બીજા રહેઠાણની વ્યવસ્થા કરી હતી, કારણ કે મારા પતિ દીબોનાથ સેન મારા જ મકાનમાં ઉપર, અલગથી રહેતા હતા. હવે મુનમુન અને એની બંને દીકરીઓ રીમા અને રાઈમા, મારી સાથે જ રહે છે.

મારું જૂનું મકાન તોડીને ત્યાં ફ્લેટ બાંધ્યા. એ ફ્લેટ્સમાં મુનમુન અને રાઇમાનાં અલગ અલગ ઘરો છે. એક લિફ્ટ સીધી મારા ઘરમાં ખૂલે છે. કોઈ ઇચ્છે તો પણ કૉમન લિફ્ટ મારા ફ્લૉર પર ઊભી નથી રહેતી. એ મકાનમાં રહેનારા લોકોને અમે શર્ત સાથે મકાન વેચ્યું છે કે એમણે મારા અંગત જીવન વિશે ક્યાંય કોઈ વાત નહીં કરવાની. હજી મારી દોહિત્રીઓએ લગ્ન નથી કર્યાં, મુનમુનના લગ્ન એની બંને દીકરીઓ ખૂબ નાની હતી ત્યારે જ તૂટી ગયાં... મારા લગ્ન તૂટ્યાં ત્યારે મુનમુન પણ નાની જ હતી. મેં મુનમુનને ક્યારેય પિતાની ગેરહાજરીનો અહેસાસ નથી થવા દીધો. મારા લગ્ન કાયદેસર અકબંધ રહ્યા. અમે કાગળ પર છૂટાછેડા લીધા, પરંતુ મુનમુન માટે માતા-પિતા બંનેનું ઘર એક જ હતું. દીબોનાથ સેન માટે બંધાવેલું એ ઘર હવે મારી દીકરીઓ વાપરે છે... બાલીગંજ સરક્યુલર રોડ પર ભયંકર કોલાહલની વચ્ચે મુખ્ય રસ્તા ઉપર લોખંડના કાળા ગેટની પાછળ એક શાંતિની, સુખની અને આનંદની દુનિયા વસે છે. એ મારી દુનિયા છે. મારી દીકરી અને મારી દોહિત્રીઓની દુનિયા. મારું અસ્તિત્વ આટલી દુનિયામાં જ પૂરું થઈ જાય છે. ૧૯૭૮ પછી હું ભાગ્યે જ બહાર નીકળી છું. મારી ફિલ્મ ‘પ્રોણોય પાશા’ ફ્લોપ થઈ. સુચિત્રા સેનની આ પહેલી ફ્લોપ ફિલ્મ હતી. હું પચાસ વરસની થવા આવી હતી. મા અને ભાભીના કિરદાર કરવાની મારી માનસિક તૈયારી નહોતી, કદાચ.

કહેવાય છે કે જે લોકો એક વાર તાળીઓના ગડગડાટ અને પ્રેક્ષકોની આંખોમાં અહોભાવ જોઈને સ્વયં વિશે અહંકાર સેવતા શીખી જાય છે. હું પણ શીખી હોઈશ. સુચિત્રા સેનને જોઈને જો પ્રેક્ષકની આંખમાં અહોભાવ ન આવે તો મારું અસ્તિત્વ મને નકામું લાગશે એવો અહેવાસ મને ઘેરી વળતો હતો. સ્વયંને રૂપેરી પડદે જોઈને પોતાની જ પ્રશંસામાં નખશિખ ડૂબેલી રહેતી અભિનેત્રીઓ વધતી ઉંમરને જીરવી શક્તી નથી... મારી સાથે પણ એવું થયું હોય એમ બને. ૧૯૭૮માં મેં ક્ષેત્ર સંન્યાસની જાહેરાત કરી. હવે ફિલ્મોમાં કામ નહીં કરું એવું નક્કી કરીને સિનેમાની દુનિયાને તિલાંજલિ આપી. મારી જાતને બાલીગંજના એ ઘરમાં શાંતિથી જીવવા માટે ગોઠવવા માંડી. સાચું પૂછો તો મને બહુ સારું લાગતું હતું. લાઇટ્સ, કેમેરા, એક્શનની એ ધમાલભરી જિંદગીમાંથી નીકળીને મેં સુચિત્રા સેનમાંથી ફરી એક વાર રોમા દાસગુપ્તાની શોધ કરવા માંડી.

પાબના જિલ્લાનું એ ઘર, જ્યાં હું જન્મી - છઠ્ઠી એપ્રિલ, ૧૯૩૧. એ હવે બાંગલાદેશનો ભાગ હતું. મારી દીકરીને લઈને હું ત્યાં ગઈ. મારા પિતા કરુણામોય દાસગુપ્તા અને મા ઇન્દિરા દેવીની યાદો એ ઘરમાં સચવાયેલી હતી. મારી મા ગૃહિણી હતી અને પિતા લોકલ સ્કૂલમાં હેડમાસ્તર. હું પાંચમું સંતાન અને ત્રીજી દીકરી હતી એ ઘરની... મારા નાના શ્રી રજનીકાન્ત સેન જાણીતા કવિ હતા. એમને મળવા અનેક લોકો આવતા. મારા શિક્ષણ માટે મને થોડો સમય એમની પાસે રાખવામાં આવી. દેશના ભાગલા પડ્યા ત્યારે અમે પાબના છોડીને કોલકાતા આવવાનું નક્કી કર્યું. મારા પિતાએ મારા માટે યોગ્ય પાત્રની શોધ ચલાવી... મારા સૌંદર્ય અને બુદ્ધિથી આકર્ષાઈને સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ આદિનાથ સેનના દીકરા દીબોનાથ સેન તરફથી માગું આવ્યું. મારા માતા-પિતાએ બીજો વિચાર કર્યા વિના સોળ વરસની ઉંમરે મારા લગ્ન દીબોનાથ સેન સાથે કરાવ્યાં. ૧૯૪૭માં હજી તો અમે કોલકાતા આવ્યા જ હતા, ત્યાં મારા લગ્ન થઈ ગયા.

મુનમુનનો જન્મ થયો... ૧૯૪૮. હું સત્તર વરસની હતી. મને લાગ્યું કે હવે બાળક ઉછેરવામાં મારી જિંદગી પૂરી થઈ જશે. મારા પતિ બીજા સંતાનનો વિચાર કરતા હતા ત્યાં જ એમને મળવા આવતા અનેક લોકોમાંથી એક જણે મને ફિલ્મમાં અભિનય કરાવવો જોઇએ એવું કહ્યું. ૧૯પરમાં ‘શેષ કોથાય’ (શેષકથા) ફિલ્મનું મુહૂર્ત થયું. મારા પતિએ એમાં પૈસા રોક્યા, પરંતુ એ ફિલ્મ ક્યારેય રિલીઝ ના થઈ. એ ફિલ્મના રશીશ જોઈને નિર્મલ ડે પ્રભાવિત થયા. એમણે ઉત્તમ કુમારને એ રશીશ બતાવ્યાં અને ૧૯પરમાં જ મારી પહેલી ફિલ્મ રિલીઝ થઈ ‘સાડે ચુયાત્તર’. એ પછી મેં પાછા વળીને જોયું નથી. અગ્નિપરીક્ષા, સપ્તપદી, પાથે હોલોડેરી, કમલલત્તા, ઇન્દ્રાણી, સૂર્યા તોરણ, સાદાનદેર મેલા, નબોરાગ, ગ્રીહપ્રબેશ... જેવી અનેક ફિલ્મો મેં કરી. ’૭૦ના દાયકા સુધી મારી ફિલ્મો ધૂમ મચાવતી રહી. ઉત્તમ કુમારની સાથે મારી રોમેન્ટિક પેર લગભગ સાઇઠ ફિલ્મો સુધી પ્રેક્ષકોએ નવાજી. એ દરમિયાન બિમલ રોયે મને હિંદી ‘દેવદાસ’ માટે આમંત્રિત કરી. ૧૯પપમાં મને બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો. આ પ્રવાસ દરમિયાન મારા પતિ દીબોનાથ મારાથી દૂર થતા ગયા. આમ જોવા જાવ તો મારો ક્યાંય દોષ નથી ને એમનો પણ કોઈ દોષ નથી જ. એમણે સ્વયં મને જે રસ્તે ચાલવાનું કહ્યું એ રસ્તે ચાલવાથી આવનારાં પરિણામોથી અમે બંને જણા અજાણ હતા... હું ચાલતી ગઈ ને પરિણામો અમારા બંનેના સંબંધથી મોટા થઈને એના પડછાયામાં અમને ઘેરતા રહ્યા. હું મારા સમયની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસ હતી. પાર્ટીઝ અને મિત્રોમાંથી અમને ફુરસદ નહોતી મળતી. મારા પતિ દીબોનાથને આ ગ્લેમર ગમતું, પરંતુ એની સાથે સાથે એમની અપેક્ષા મને એક પારંપારિક બંગાળી ગૃહિણી તરીકે જોવાની પણ રહેતી... દરેક વખતે એવું શક્ય ન પણ બને એ વાત ‘એમને’ સમજાવવાનો મેં બહુ પ્રયાસ કર્યો. મુનમુન ત્યારે લોરેટો સ્કૂલમાં ભણતી હતી. દીબોનાથે મારી સાથે એક જ ઘરમાં જુદા રહેવાનો નિર્ણય કર્યો. એ જ સમયે મને મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો. એમણે મારી સાથે આવવાની ના પાડી દીધી...

હું મારી જિંદગી જીવતી રહી. ૧૯૭૦માં દીબોનાથ બાલ્ટીમોર ગયા હતા. યુએસએમાં મેરિલેન્ડ સ્ટેટમાં એમના પોતાના ઘરમાં એમનું હાર્ટએટેકથી અવસાન થયું, ત્યારે હું ભારતમાં ડૉ. નિર્માલ્યા રોયની બંગાળી ફિલ્મ ‘મેઘ કાલો’ શૂટ કરી રહી હતી. એમના મૃત્યુ પછી તરત જ મને પદ્મશ્રી એવૉર્ડથી નવાજવામાં આવી. એ જ અરસામાં ગુલઝારે મને ‘આંધી’ની સ્ક્રીપ્ટ સંભળાવી. શ્રીમતી ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત આ કથા મારા જીવનની પણ ખૂબ નજીક હતી. ઘરની બહાર ન નીકળવા માગતી કોઈ સ્ત્રીને કારકિર્દી વિશે સજાગ કરી દેવામાં આવે અને પછી એણે નહીં માગેલી સફળતા વિશે એને જવાબદાર ઠેરવવામાં આવે ત્યારે એ સ્ત્રીને કેવું લાગે એ હું બરાબર સમજી શક્તી હતી. મને ફિલ્મોમાં કામ કરવાના કોઈ અભરખાં નહોતા. હું તો મુનમુનની મા બનીને દીબોનાથની પત્ની બનીને સુખી જ હતી. ફિલ્મી દુનિયામાં પ્રવેશવાના અને ગ્લેમર સાથે જોડાવાના મારા પતિની ઝંખનાનું હું મ્હોરું બની. એ સફળ ન થઈ શક્યા

ને હું આગળ વધતી ગઈ. ફિલ્મી દુનિયા, રાજકારણ કે અંડરવર્લ્ડ લગભગ એક જેવાં છે, એમાં ફક્ત આગળ જવાનો રસ્તો છે... પાછા ફરવાની દિશા બહુ ઝડપથી સૂઝતી નથી.

મને હજી યાદ છે એ દિવસ જ્યારે સૌમિત્ર ચેટરજી સાથે એક પાર્ટીમાં મેં ફિલ્મનો સીન ફરીથી ભજવી બતાવ્યો. ફિલ્મના સીનમાં હું સૌમિત્રની વેસ્ટ (જેકેટ) ફાડી નાખું છું... પાર્ટીમાં એ સીન ફરીથી ભજવતી વખતે મેં સૌમિત્રનું જેકેટ ફાડ્યું ત્યારે સૌ અભિભૂત થઈ ગયા હતા. સત્યજીત રૉયની ફિલ્મ કરવાની મેં ના પાડી, ત્યારે બંગાળી પત્રકારો આઘાતથી પાગલ થઈ ગયેલા. સત્યજીત રૉયે મને નવલકથા દેવી ચૌધરાની પર આધારિત ફિલ્મ ઓફર કરેલી, પણ એમની સાથે કામ કરતી હોઉં ત્યારે બીજે ક્યાંય કામ નહીં કરવાની એવી શરત મૂકી. સુચિત્રા સેન ફક્ત પોતાની શરતે કામ કરે એવું નક્કી હતું. મેં મારા શેડ્યુલિંગ પ્રોબ્લેમને લીધે એમની ફિલ્મ કરવાની ના પાડી, પરિણામે સત્યજીત રૉયે કદી એ ફિલ્મ બનાવી જ નહીં. રાજ કપૂરે મને આર. કે. બેનરમાંથી પણ ફિલ્મ ઓફર કરેલી. મેં એમને ડીનર માટે આમંત્રિત કર્યા હતા. હૉટેલના રૂમમાં વાર્તા સાંભળ્યા પછી જ્યારે મેં એમને ના પાડી ત્યારે હાથમાં ફૂલોનો બુકે લઈને શૂટબૂટ પહેરેલા રાજ કપૂર મારા પગમાં આળોટેલા... મને એક વિચિત્ર પ્રકારની નકારાત્મક લાગણી થઈ હતી ત્યારે! આટલો સફળ, આટલો વિદ્વાન અને આટલો પ્રસિદ્ધ પુરુષ આવી રીતે કોઈ સ્ત્રીના પગમાં આળોટે એ વાતે મેં એમની પ્રપોઝલ પર ફરી વિચારવાનો પણ ઈનકાર કર્યો... આ બધા પ્રસંગોએ મને સતત હેડલાઇન્સમાં રાખી. પ્રેક્ષકોની નજરમાં હું એક સફળ - ગ્લેમરસ, મારી શરતોએ કામ કરતી રોમેન્ટિક અભિનેત્રી બની રહી. ‘સૂચિત્રા સેન’ અને ‘ફ્લોપ ફિલ્મ’ આ બે શબ્દો કદી ભેગા ન થઈ શક્યા.

પ્રોણોય પાશા ફ્લોપ થઈ ત્યારે ૧૯૭૮માં મેં ક્ષેત્ર સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો... પ્રેક્ષકોએ મારા આ નિર્ણયને સન્માનપૂર્વક સ્વીકાર્યો. એ પછી મેં ક્યારેય જાહેર સમારંભમાં દેખા નથી દીધી. મજાની વાત એ છે કે બંગાળની મારી પ્રિય ભૂમિના પ્રેક્ષકોએ ક્યારેય મને જાહેરમાં આમંત્રણ આપવાની ચેષ્ટા કે ધૃષ્ટતા પણ નથી કરી. મેં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, "મારા પ્રેક્ષકની નજરમાં જે ઇમેજ સાથે ‘સૂચિત્રા સેન’ નામ જોડાયું છે. હું એ ઇમેજ સાથે જ વિદાય લેવા માગું છું... તમારી નજરમાં એ યુવાન, રોમેન્ટિક, ખુબસૂરત અભિનેત્રી ત્યાં જ ફ્રીઝ થઈ જાય એવું હું ઇચ્છું છું...

આજે દાદાસાહેબ ફાળકે એવૉર્ડ સ્વીકારવાના મારા નમ્ર પત્ર સાથે મેં લખ્યું છે કે, "મારા પ્રેક્ષકને વચન આપ્યા મુજબ હું જાહેર સમારંભમાં નહીં આવું. આપ આ એવૉર્ડ મને ઘેર મોકલી આપો તો હું આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક એનો સ્વીકાર કરીશ, પરંતુ મેં કહેલા શબ્દોમાંથી હવે હું ચલિત નહીં થાઉં. મારો પ્રેક્ષક મને સિત્તેર વરસની ઘરડી, ધોળા વાળવાળી સૂચિત્રા તરીકે જુએ એને બદલે હું રોમા દાસગુપ્તા બની રહેવાનું વધુ પસંદ કરીશ.

દાદાસાહેબ ફાળકે એવૉર્ડ "નકાર્યો નથી... મેં એ સ્વીકારવા માટે મારી મર્યાદા જાહેર કરી હતી, પરંતુ એ પ્રસંગે મને ફરી એકવાર હેડલાઇન્સમાં મૂકી દીધી. દેવ આનંદે કોલકાતા આવીને મને મળવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ મેં ટેલિફોન પર વાત કરીને એમને નમ્રતાપૂર્વક ના પાડી...

હું હવે એવૉર્ડ કે બીજી કોઈ બાબતોથી અભિભૂત નથી થતી... આશ્ર્ચર્ય કે આઘાત, ઇચ્છાઓ કે મહત્ત્વાકાંક્ષાઓ નથી રહી હવે. આ શાંતિભર્યા ઘરમાં હું સુંદર રીતે જીવું છું. સંપૂર્ણ સંતોષ અને સ્નેહથી નીતરતા આ જીવનમાં હવે કશીયે અપેક્ષાઓ પણ નથી રહી... એક અભિનેત્રી તરીકે હું ટોચ પરથી વિદાય થઈ છું.

વિદાયની સાથે જોડાયેલા મારા અસ્તિત્વના રહસ્યને હું અકબંધ રાખીને જીવી શકી છું એ માટે મારે ભારતીય મીડિયા અને મારા પ્રેક્ષકોનો આભાર માનવો જોઇએ. કોઈએ મારા અંગત જીવનમાં ભાગ્યે જ દખલ કરવાનો પ્રયાસ કર્યો છે. મને ગર્વ છે કે ભારતીય સિનેમાએ મારા જેવી લોકચાહના મેળવ્યા પછી આવી રીતે ગુમનામીના અંધારામાં સ્વેચ્છાએ ખોવાઈ જનારી બીજી અભિનેત્રી હજી શોધવાની બાકી છે.

Friday, September 5, 2014

શારીરિક રીતે પતિનું દીર્ઘાયુષ્ય માગવું એ સ્ત્રીનો ધર્મ નથી --- કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=139189

કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય


નામ : સાવિત્રી

સ્થળ : મદ્ર દેશ

સમય : સતયુગ

આજે લોકો મારા નામે વ્રત રાખે છે, વડની પૂજા કરે છે અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. મારું નામ પ્રાત: સ્મરણીય સતીમાં લેવાય છે... યમ સાથે લડીને હું મારા પતિનું આયુષ્ય પાછું લઈ આવી એવી કથાઓ પુરાણોમાં કહેવાય છે. પાંડવો જ્યારે વનમાં હતા ત્યારે માર્કંડેય ૠષિ એક વાર એમને મળવા આવ્યા. યુધિષ્ઠિર અત્યંત શોક અને વિષાદગ્રસ્ત હતા. એમણે માર્કંડેયને પ્રશ્ર્ન કર્યો, "હે ભગવન્ ! દેવર્ષિઓમાં તમે ભૂત અને ભવિષ્યના વેત્તા તરીકે પ્રસિદ્ધ છો. તેથી હું તમને મારા હૃદયમાં રહેલા એક સંશય વિશે પૂછું છું. તો તમે તેનું નિરાકરણ કરો. અમે વનમાં આ દુ:ખદ વાસ કરીએ છીએ અને મૃગયાથી આજીવિકા ચલાવીએ છીએ. સંબંધીજનોએ અમને આમ દેશપાર કર્યા છે, એટલે અમે તપસ્વીઓનો મિથ્યા વેશ રાખીને વનનિવાસ કરીએ છીએ. તો હું પૂછું છું, કે મારા કરતાં વિશેષ મંદભાગી કોઈ મનુષ્ય તમે સાચે જ પૂર્વે જોયો છે કે સાંભળ્યો છે ખરો ?

માર્કંડેય ૠષિએ ત્યારે યુધિષ્ઠિરને આશ્ર્વાસન આપતાં મારા જીવનની કથા કહી. રામને પડેલાં તમામ દુ:ખોનું વર્ણન કર્યા પછી એમણે અમારા જીવનની કથા કહી. કુળવાની કઈ રીતે પોતાના જીવનમાં સ્વયંસિધા બનીને પોતાના ભાવિનું સ્વયં નિર્માણ કરી શકે છે એ કથા માર્કંડેય ૠષિએ યુધિષ્ઠિરને કહી, પરંતુ હું જ્યારે આંખ મીંચું ત્યારે મને વીતેલો સમય જાણે તાદૃશ્ય થઈને દેખાય છે. ક્યારેક એ દિવસોમાં વિતાવેલી ક્ષણોનો વિચાર કરું ત્યારે મને સમજાય છે કે આપણે બધા જ ભીતરથી ભીરુ અને ભય સામે હારી જનાર મનુષ્યો છીએ. આપણને બધાને લાગે છે કે મૃત્યુ એ જીવનની સૌથી મોટી અને અઘરી પરીક્ષા છે. પોતાનું મૃત્યુ આપણને એટલું દુષ્કર નથી લાગતું, જેટલું આપણા પ્રિયજનનું કે સ્વજનનું મૃત્યુ લાગે છે. આપણા અસ્તિત્વના આધાર સમી વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણને સ્વયંના જીવન પરથી જ શ્રદ્ધા ડગમગતી જણાય છે. સત્યવાન મારા જીવનનું એકમાત્ર સત્ય બનીને આવ્યા હતા...

મેં જ્યારે મારા પિતા મહારાજ અશ્ર્વપતિને સત્યવાન વિશે જણાવ્યું ત્યારે એમનું હૃદય અત્યંત વ્યથિત થયું હતું. હું એમનું એકમાત્ર સંતાન હતી. અનેક રાણીઓ હોવા છતાં મારા પિતા અશ્ર્વપતિને જ્યારે સંતાન ન થયું ત્યારે એમણે ભગવાન સાવિત્રી દેવીની પ્રાર્થના કરી. સાવિત્રી દેવીની કૃપાથી એમને ત્યાં સંતાનનો જન્મ થશે એવું વરદાન મળ્યું. મારી માતા માલવી અત્યંત સ્વરૂપવાન અને ધર્મપ્રિય હતી. મારા પિતાને અનેક રાણીઓ હતી, પરંતુ મારા પિતાએ પોતાની પ્રિય પત્ની માલવીની કૂખેથી પોતાના સંતાનનો જન્મ થાય એવી ઇચ્છા વ્યક્ત કરી. મારા પિતા તો પુત્ર ઇચ્છતા હતા, પરંતુ સાવિત્રીમંત્રથી એક લાખ હવન કર્યા પછી આઠ ભાગવાળા દિવસના છઠ્ઠે ભાગે એકમાત્ર સમયે ભોજન લઈને એમણે અઢાર વર્ષ સુધી યજ્ઞ કર્યો. સાવિત્રી દેવી એ સમયે એમના પર પ્રસન્ન થયાં અને અગ્નિહોત્રમાંથી દર્શન આપ્યાં., વરદાન માગવાનું કહ્યું. મારા પિતાએ હાથ જોડીને વિનંતી કરી, "મને અનેક કુલતારક પુત્રો થાઓ. સાવિત્રી બોલ્યાં, "તારો આ વિચાર જાણીને મેં ભગવાન પિતામહને તને પુત્રપ્રાપ્તિ થાય તે અંગે કહ્યું હતું, પરંતુ તારા ભાગ્યમાં પુત્ર નથી તેથી એક તેજસ્વિની પુત્રી હું મારા સ્વયંના તપોબળથી તને અર્પણ કરું છું.

એ પછી મારો જન્મ થયો. મારું નામ સાવિત્રી પાડવામાં આવ્યું... સમય સાથે હું મોટી થઈ, પરંતુ મને જોઈને લોકો માનતા કે હું દેવક્ધયા છું. કમળપત્રના જેવા નેત્ર, સુંદર કેડ, વિશાળ નિતમ્બ અને સુવર્ણ પ્રતિમા જેવું મારું શરીર જોઈને એ સમયના રાજવીઓમાંથી કોઈએ મારું માગુ કર્યું નહીં. મારા પિતા મહારાજ અશ્ર્વપતિ અત્યંત ચિંતિત રહેવા લાગ્યા. એક વાર નારદજી અમારે ત્યાં પધાર્યા. એમણે મારા પિતાને ઉપાય સૂઝાડ્યો, "આટલી તેજસ્વી ક્ધયાના પતિનું ચયન કરવું સરળ નથી. તમે તમારી ક્ધયાને જ પરિભ્રમણ માટે મોકલો. એના નસીબમાં જે લખ્યું હશે એ પતિ એને આપોઆપ ઉપલબ્ધ થશે. સ્વયં દેવીના આશીર્વાદથી જન્મેલી ક્ધયા પોતાના ભાગ્યને પોતાની સાથે લાવી જ હશે. મારા પિતાએ મને પરિભ્રમણ અર્થે મોકલી. અનેક રાજ્યોમાં પ્રવાસ કરવા છતાં મને કોઈ યોગ્ય વર મળ્યો નહીં. એ દરમિયાનમાં મને જંગલમાં એક યુવાન સાધુનો ભેટો થયો. મને તરસ લાગવાથી મેં એની પાસે પાણી માગ્યું. એણે એના કમંડળમાંથી પાણી આપ્યું. અમારા નેત્રો મળ્યા ને મને એમ લાગ્યું કે એ જ મારા જીવનનું સત્ય છે! મારી સખીઓએ પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે એ દ્યુમત્સેન નામના રાજાનો પુત્ર હતો. દ્યુમત્સેને પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું, પોતાની દૃષ્ટિ પણ ગુમાવ્યા પછી દ્યુમત્સેન પોતાના બાળપુત્ર અને પત્નીને લઈને વનમાં દિવસો વિતાવી રહ્યા હતા. હવે એ બાળપુત્ર યુવાન બન્યો હતો, એનું નામ સત્યવાન હતું. મારા પિતાએ નારદજીને તેડાવ્યા. નારદજીએ સત્યવાન વિશે જાણ્યું. એમણે મારા પિતાને કહ્યું કે, "સત્યવાન સાથે કદાપિ મારા લગ્ન ન થઈ શકે, કારણકે સત્યવાન પાસે ફક્ત એક વર્ષનું આયુષ્ય છે...

મારા પિતા અત્યંત વ્યથિત થયા, પરંતુ મેં તેઓને કહ્યું કે, "ક્ધયાનું દાન એક જ વખત અપાય અને મેં તમારા વચન મુજબ સ્વયંને સત્યવાનને સમર્પિત કરી દીધી છે. એક ગુણવાન હો કે ગુણહીન, અલ્પાયુ હો યા દીર્ઘાયુ... એક વાર મેં એમને મારા સ્વામી માન્યા છે. નારદે મારી વાતની પુષ્ટિ કરીને પિતાને નિશ્ર્ચિંત થઈ મારા લગ્ન કરવાનું કહ્યું. સંપૂર્ણ સન્માન સાથે મારા માતા-પિતા સત્યવાનને ત્યાં માગુ લઈને ગયા અને મારા લગ્ન થયા. ધમેવેત્તા દ્યુમત્સેન રાજાએ મારા પિતાને અર્ધ્ય આસન અને જલ-પાન આપ્યાં. એમને એમના પુત્રના ભાગ્ય વિશે જાણ નહોતી એટલે એમણે આનંદપૂર્વક વિવાહના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. લગ્ન શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ થયા અને હું મારા સ્વામી સાથે આનંદથી જીવવા લાગી. મેં ઘણું વિચાર્યું અને મનોમન નિશ્ર્ચય કર્યો કે, જ્યાં સુધી મારા સ્વામીનું આયુષ્ય હશે ત્યાં સુધી એમને જીવનના તમામ સુખો આપીશ. સેવા અને સંવનનના મારા તમામ ધર્મોને આનંદપૂર્વક પૂર્ણ કરવામાં મારો સમય વ્યતિત થવા લાગ્યો.

એમ કરતાં નારદે ભાખેલી મારા સ્વામીની મૃત્યુતિથિ આવી લાગી. મેં ત્રણ દિવસના નિર્જળા ઉપવાસ આદર્યા. મારા સાસુ અને શ્ર્વસુર બંને જણાએ મને આવા આકરા ઉપવાસ ન કરવા માટે ઘણી સલાહો આપી, પરંતુ એમને ભાવિની જાણ નહોતી. મેં સાસુ-સસરાને અભિવચન કરીને એ દિવસે સત્યવાન સાથે વનમાં જવાની માગણી કરી. સત્યવાને મને સ્પષ્ટ ના પાડી, તેમ છતાં હું એમની સાથે ગઈ. મેં પ્રથમવાર મારા સ્વામીના વચનને ઉપરવટ જઈને ધારેલું કરવાનું સાહસ કર્યું. સંયાકાળ થતાં સત્યવાનનું શરીર અચાનક જ ખેંચાવા લાગ્યું. એમને પરસેવો થયો, શિરશૂળ ઉપડ્યું. એ મારી પાસે આવીને કહેવા લાગ્યા, "મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. એમનું માથું મારા ખોળામાં મૂક્યું. નારદે ભાખેલા ઘડી અને મુહૂર્ત પ્રમાણે બરાબર એ જ સમયે એક દિવ્ય પુરુષ અમારી સમક્ષ પ્રગટ થયો. એણે રાતા વસ્ત્ર પહેર્યા હતા, મુગટ પહેર્યો હતો, એની કાંતિ સૂર્ય જેવી તેજસ્વી હતી, પરંતુ વર્ણ તેનો તદ્દન કાળો હતો. આંખો લાલ હતી, તે ભયંકર જણાતો હતો.

"સાવિત્રી, હું યમ છું. તારા પતિને લેવા આવ્યો છું. મેં એમને ખૂબ જ વિનંતી કરી, પરંતુ એમણે મારું કંઈ સાંભળ્યું નહીં. સત્યવાનના શરીરમાંથી અંગૂઠા જેવડો પુરુષ એમણે બળપૂર્વક ખેંચી કાઢ્યો. સત્યવાનનું શરીર પ્રભાવહિન, ચેષ્ટા શૂન્ય, શ્ર્વાસોચ્છ્વાસ રહિત થઈ ગયું. અંગૂઠા જેવડા પુરુષને પાશમાં બાંધીને યમ

દક્ષિણમાં ચાલવા લાગ્યા. હું પાછળ પાછળ ગઈ... યમે કહ્યું, "હે સાવિત્રી, તું પાછી વળ. તારા પતિના પાર્થિવ શરીરની ઉત્તરક્રિયા કર. તું સ્વામી પ્રત્યેના ૠણમાંથી મુક્ત છે.

"મેં મારા પતિને જતા જોયા છે એથી હવે હું એમનું અનુસરણ કર્યા વિના રહી શકીશ નહીં. યમની પાછળ ચાલતા ચાલતા મેં એમને કહેવા માંડ્યું, "તત્ત્વદર્શી પંડિતો કહે છે કે સાત ડગલા ચાલવાથી મૈત્રી થાય છે, હું આપણી મૈત્રીને આગળ ધરીને હું મારા સ્વામીના પ્રાણ માગું છું...

મને પાછી ફરવા માટે સમજાવતા યમે મને અનેક વરદાન આપ્યા, જેમાં મારા શ્ર્વસુરની દૃષ્ટિ, એમનું રાજ્ય અને મારા પિતાને ત્યાં પુત્રનું પણ વરદાન મળ્યું. અંતે મેં મારા સસરાના વંશ માટે વિનંતી કરી. યમે "તથાસ્તુ કહી દીધું. એમણે સો પુત્રોનું વરદાન આપ્યું, ત્યાર બાદ મેં એમને કહ્યું કે, "પુરુષ વિના સ્ત્રીને પુત્ર કઈ રીતે થાય...હું મારા પતિ વિના મૃત્યુ પામેલી જ છું. સ્વામી વિનાના સ્વર્ગની કે સ્વામી વિનાના સુખની કલ્પના મને ધ્રુજાવી મૂકે છે. યમ હસી પડ્યા. એમણે કહ્યું, "એ કુલનંદિની તું ખૂબ જ ચતુર છે. બુદ્ધિશાળી અને પતિવ્રતા છે. તેં મને હરાવ્યો છે. મેં તારા ભર્તાને મુક્ત કર્યો છે. એ તારી સાથે ચારસો વર્ષનું આયુષ્ય ભોગવશે. એમણે સત્યવાનના શરીરમાંથી ખેંચી કાઢેલા પુરુષને તત્કાલ મુક્ત કર્યો...

હું વનમાં પાછી ફરી. મેં મારા પતિને સૂતેલા જોયા. હું ફરી એ જ સ્થિતિમાં એમનું માથું ખોળામાં લઈને બેઠા. એમણે આંખો ઉઘાડી...

પતિનું આયુષ્ય માગવાના મારા પ્રયાસમાં મને સફળતા મળી, પરંતુ સાચા અર્થમાં મને સત્યવાનના શરીરની કે દીર્ઘાયુષ્યની ખેવના જ નહોતી. હું તો મારા પતિ સાથે જીવન જીવવા ઇચ્છતી હતી. શારીરિક રીતે પતિનું દીર્ઘાયુષ્ય માગવું એ સ્ત્રીનો ધર્મ નથી.

લાંબા જીવન સાથે સ્વસ્થ અને સુખી જીવન પ્રદાન કરવું એ સ્ત્રીનું ધ્યેય હોવું જોઇએ. મેં કદાચ પહેલા જ વરદાનમાં જો સત્યવાનનું આયુષ્ય માગી લીધું હોત તો યમે નકારી દીધું હોત! પરંતુ શ્ર્વસુરની દૃષ્ટિ અને રાજ્ય, માતાને પુત્રો અને સર્વેનું સુખ માગ્યા પછી મેં જ્યારે મારા સંતતિની માગણી કરી ત્યારે યમ એને નકારી શક્યા નહીં...

સતી હોવું એટલે યમને હરાવવા એવું નહીં, સતી હોવું એટલે સ્ત્રીત્વનો વિજય થવો. સ્વયં પર નિયંત્રણ રાખીને, સ્વાર્થની બહાર જઈને બેઉ પરિવારના સુખની પ્રાર્થના કરવી... પહેલાં અન્યોના સુખનો પ્રયાસ કરવો અને ત્યાર બાદ પોતાના સુખનો વિચાર કરવો...

પતિનું આયુષ્ય સ્વયંના સુખ માટે માગનારી સ્ત્રીઓ કદાચ એ આશીર્વચન પામી શક્તી નથી, પરંતુ સર્વેના સુખનો વિચાર કર્યા પછી જ્યારે સ્વયંનું સુખ માગવામાં આવે છે ત્યારે સ્વયં ઈશ્ર્વર પણ એને નકારી શક્તો નથી...

Friday, August 29, 2014

ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવ.. --- કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

  નામ: રમાબાઈ રાનડે

સ્થળ: પૂના

ઉંમર: ૫૬

સમય: ૧૯૧૮



આ લખું છું ત્યારે સૌથી પહેલો વિચાર એ આવે છે કે આ લખી-વાંચી શકું છું એને માટે મારે ‘એમનો’ આભાર માનવો જોઈએ. ‘એમણે’ આટલો આગ્રહ ન રાખ્યો હોત તો હું આજે જે લખું છું એ લખવાને કાબેલ ન હોત... અગિયાર વર્ષની હતી જ્યારે પરણીને આવી, ‘એમની’ ઉંમર બત્રીસની... બહુ વિરોધ કરેલો ‘એમણે’, ‘એ’ તો જજ હતા અને જાણીતા સમાજ સુધારક. સ્ત્રીઓનાં શિક્ષણ, વિધવાનાં પુનર્લગ્ન અને સામાજિક બૂરાઈઓ સામે અવાર-નવાર લેખો લખતા, ભાષણો કરતા. એમના જ ઘરમાં આવી બાલિકાવધૂ પરણીને આવે એ એમને માટે શરમજનક બાબત હતી. એમણે ઘણો પ્રયત્ન કરેલો આ પરિસ્થિતિમાંથી બચવાનો, પણ મારા તાઈ સાસુબાઈ - એટલે કે મારા વડસાસુની સામે કોઈનું કશુંયે ચાલતું નહીં. એમનો હુકમ અમારા ઘરમાં છેલ્લો શબ્દ ગણાતો. મારા પતિ મહાદેવ ગોવિંદ રાનડે જેઓ જસ્ટિસ રાનડેના નામે ઓળખાતા. એ બહાર એકદમ કડક સ્વભાવના, ગુસ્સાવાળા અને પ્રમાણિક વ્યક્તિ તરીકે સન્માન પામતા. તેમ છતાં મારા તાઈ સાસુબાઈ એક વાર કશું કહી દે પછી કોઈની તાકાત નહોતી કે એની સામે દલીલ થઈ શકે. મારી ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી... જિંદગી વિશે કોઈ સમજ નહોતી. પરણીને આવી ત્યારે મારી નણંદ દુર્ગા બાળવિધવા હતી, પરંતુ એના પુર્નલગ્નનો કોઈએ વિચાર પણ કરેલો નહીં. મારા તાઈ સાસુબાઈ અને વડીલ સ્ત્રીઓએ મારા નણંદ દુર્ગાબાઈના લગ્નનો જોર-શોરથી વિરોધ કરેલો. અમારા સમયમાં એક એવી માન્યતા પ્રવર્તતી કે છોકરીઓને લખતા-વાંચતા શીખવવામાં આવે તો એ વિધવા થઈ જાય એટલે દીકરીને ભણાવવાનો તો સવાલ જ નહોતો આવતો! એની સામે મારા સાસરાના કુટુંબના પુરુષો સમાજસુધારણામાં માનતા અને ઈચ્છતા કે સ્ત્રીઓ ભણે. મારા મામાજીએ મારા સાસુબાઈને (પોતાની બહેનને) લખતાં-વાંચતાં અને હિસાબ રાખતાં શીખવેલું, પણ અમારા કુટુંબની સ્ત્રીઓ લખવાં-વાંચવાંનાં પ્રયાસમાં રસ લેતી નહીં. ઊલટાનું, બીજી સ્ત્રીઓ ભણે કે આગળ વધે એની સામે એ લોકો દ્વેષ અને ઈર્ષાથી વર્તતી.

૧૮૭૩માં હું પરણીને આવી ત્યારે મારા પતિએ પહેલી રાત્રે મને પૂછેલું, ‘તેં હવે મારી સાથે લગ્ન કર્યાં છે. તું જાણે છે કે હું કોણ છું? મારું નામ શું છે?’

નવવારી સાડીમાં ઢીંગલી જેવી લપેટાયેલી અને નથણી પહેરેલી હું કેવી લાગતી હોઈશ એની મને કલ્પના નથી, પણ મને હવે લાગે છે કે ‘એમને’ ત્યારે મને જોઈને હસવું આવતું હશે. ‘એમની’ સાથે ઊઠતી-બેસતી સ્ત્રીઓ અંગ્રેજીમાં બોલતી... વાંચતી-લખતી અને સમાજસુધારણાનાં કામો કરતી. મને જોઈને એમને મારા પર કેવી ચીડ ચડી હશે અથવા હું કેટલી હાસ્યાસ્પદ લાગી હોઈશ એવું મને ઘણું મોડું સમજાયું... ‘એમણે’ મને એમનું નામ પૂછ્યું, પણ પતિનું નામ લેવાથી એનું આયુષ્ય ઘટે એવું માનનારી હું અડધી રાત સુધી ફોસલાવવા અને પટાવવા છતાં ‘એમનું’ નામ બોલી શકી નહીં. પછી એમણે મને પૂછ્યું, ‘તને લખતાં-વાંચતાં આવડે છે?’ હું છળી મરેલી... લખતાં-વાંચતાં? એ કેમ બને? જો લખું-વાંચું તો પતિનું મૃત્યુ થઈ જશે...

‘એમણે’ એ જ રાત્રે સ્લેટ અને પેન્સિલ કાઢી. મારી સુહાગ રાતે બે કલાક સુધી મારો પહેલો પાઠ ચાલ્યો! ત્યારે મને કલ્પના પણ નહોતી કે આવનારાં થોડાં વર્ષોમાં હું ‘એમની’ જેમ જ સમાજસુધારણાના ભાષણો કરીશ અને લેખો લખીશ! આર્ય મહિલા સમાજમાં જોડાઈને હું સ્ત્રી મુક્તિ અને સ્ત્રી સુધારણા માટે કામ કરીશ આવી કલ્પના એ અગિયાર વર્ષની છોકરીને, ધ્રૂજતા હાથે એકડો ઘૂંટતી વખતે નહોતી જ આવી!

મારા પતિ જીદ્દી હતા. એમના કેટલાક હઠાગ્રહો અને જીદ સામે હું ઝૂકી જતી, પરંતુ મારી અંદર રહેલા મારા ઊંડા સંસ્કારો મને ડરાવતા... હું જ્યારે પરણીને આવી ત્યારે મારા પિતાએ મને કહેલું, ‘સાંભળ, બેટા, તું તારા સાસરે જઈ રહી છે. તે ઘણાં બધાં સંબંધીઓ ધરાવતો પરિવાર છે. ત્યાં સાવકા સંબંધીઓ અને ઘણા આશ્રિતો પણ છે. તું મારી દીકરી છે. તારો વ્યવહાર આપણા કુટુંબને શોભે તેવો હોવો જોઈએ. દરેક વસ્તુ ધીરજથી સહન કરજે, ભલે તે અસહ્ય કેમ ના હોય; પણ ક્યારેય સામો જવાબ ના આપીશ, નોકરચાકરને પણ નહીં. આ એક વાત થઈ. બીજી બાબત એ કે પરિસ્થિતિઓ ગમે તેટલી અસહ્ય હોય તોય તારા પતિ આગળ કોઈની ચાડીચુગલી કરતી નહીં. ચાડીચુગલીથી માત્ર પરિવારો જ નહીં, સામ્રાજ્યો પણ બરબાદ થઈ જાય છે. આ બે નિયમો યાદ રાખીશ તો તું જે ઈચ્છીશ એ તને મળશે. તું ભાગ્યશાળી છે. જો તું ધીરજ ધરવાનું શીખી લઈશ તો તું તારી ખરી ઊંચાઈ સુધી પહોંચીશ અને તું જે પરિવારમાં જન્મી છે તેને લાયક સાબિત થઈશ. મારા શબ્દો યાદ રાખજે. જો મને ક્યારેય પણ જાણ થશે કે તું આનાથી વિપરીત રીતે વર્તી છે તો હું તને ફરી ક્યારેય તારી માના ઘેર પગ નહીં મૂકવા દઉં.’

હું ‘પતિ પરમેશ્ર્વર’ માનીને એ જે કહેતા તે કરતી રહી, પણ એમના શિક્ષણના આગ્રહને લીધે મારે ઘણું સહન કરવું પડ્યું. ‘એમણે’ મારે માટે એક અંગ્રેજી મિસ હરફોર્ડને રાખ્યાં. ‘એમની’ આસિસ્ટન્ટ સ્પેશિયલ જજ તરીકે નિમણૂક થઈ હતી. હું મરાઠી લખી-વાંચી શકતી, પણ ‘એ’ ઈચ્છતા હતા કે હું અંગ્રેજી લખતી-વાંચતી થઈ જાઉં... મિસ હરફોર્ડ પાસે ભણતી તો ખરી, પણ અંગ્રેજીનો પાઠ પતી ગયા પછી ઘરમાં પ્રવેશતાં પહેલાં મારે વાડાના અનેક વર્ષોથી નહીં વપરાતા કૂવામાંથી પાણી ખેંચી ઠંડા પાણીએ સ્નાન કરવું પડતું. શિયાળાની કાતિલ ઠંડીમાં ફકત ‘ભણવાના’ મારા ગુના હેઠળ મને આ સજા ફરમાવવામાં આવી હતી! રાવસાહેબે અચાનક પાછા ફરીને ઘરની સ્ત્રીઓને ચોંકાવી દીધી. મારા તાઈ સાસુબાઈની હાજરીમાં ‘એમણે’ મારી સુશ્રુષા કરી અને જતી વખતે કહ્યું, "તું હવે ઠંડા પાણીથી સ્નાન નહીં કરે. આ સ્ત્રીઓ તને લડે કે પજવે એનાથી ખીજાઈને પણ એવું કંઈ નહીં કરતી, જેનાથી તારું સ્વાસ્થ્ય બગડે... એમની આ વાત સાંભળીને મને પગથી માથા સુધી એક લખલખું પસાર થઈ ગયું. શું એ મને આટલું ચાહતા હશે!

‘એમને’ બપોરના ભોજન પછી તો ક્યારેક સાંજે તાજાં ફળો અને સૂકો મેવો ખાવો બનતો. ‘એમને’ એવું ગમતું કે આ બધું લઈને હું એમની પાસે ઉપર જાઉં. ‘એ’ મને મિટિંગોમાં જવાની, જાહેર સમારંભોમાં જવાની સૂચના આપીને નીકળી જતા, પરંતુ એ પછીનો સમય મારે માટે ખૂબ જ અઘરો હતો. હું પાછી ફરું ત્યારે મને તાઈ સાસુબાઈ કહી દેતાં, "હવે તારે રસોડામાં નથી આવવાનું. તું હવે મોટા માણસોની સાથે ઊઠતી-બેસતી થઈ ગઈ છે. ઘરની ક્ષુલ્લક બાબતોમાં તારે રસ લેવાની જરૂર નથી. મારી સાથે ઘરની સ્ત્રીઓ વાત ન કરતી... એમાંયે એક દિવસ તો તાઈ સાસુબાઈએ હદ વટાવી દીધી. અંગ્રેજીમાં એક લેખ વાંચીને હું સભામાંથી પાછી ફરી ત્યારથી શરૂ કરીને ‘એ’ ઘરે આવ્યા ત્યાં સુધી તાઈ સાસુબાઈ, વંશા અને બીજી સ્ત્રીઓ સળંગ ગમે તેમ બોલતાં રહ્યાં. સામાન્ય રીતે ‘એ’ ઘરે આવે પછી તાઈ સાસુબાઈ કશું જ ન બોલતાં, પણ એ દિવસે તો એમણે ‘એમને’ સંભળાવવાનું પણ બાકી ના રાખ્યું. ‘એ’ શાંતિથી જમ્યા અને ઉપર ચાલી ગયા. હું ઉપર ગઈ ત્યારે ‘એમણે’ મને કહ્યું, "આજની વાત સાંભળીને હિંમત હારી નહીં જતી. એ પોતાના જમાનાના હિસાબે જીવે છે અને બોલે છે. તારી વાત સાચી છે છતાં બચાવ કર્યા વગર આ બધું સહન કરવાનું તારે માટે અઘરું છે એ મને સમજાય છે... હું તારા પક્ષે છું ને રહેવાનો છું, બીજું તને શું જોઈએ? એ દિવસે મને ‘એમની’ સમજ અને ધીરજ માટે ખૂબ જ માન થઈ ગયું.

૧૮૮૬માં અમે સિમલા ગયાં. અહીં મેં પહેલી વાર સાચા અર્થમાં સ્વતંત્રતા અનુભવી. ‘એમની’ સાથે ખુલ્લા દિલે વાતો કરતી, સમારંભોમાં જતી અને હંમેશાં મારા મનની વાત ‘એમને’ ખૂબ જ આનંદથી કહેતી. ‘એ’ પણ મારી વાત સાંભળતા. મને સાચી અને સારી દિશા બતાવતા.

૧૯૦૧માં ‘એ’ ગયા, ત્યાં સુધી મેં મારી બધી જ ફરજો પૂરી કરી. એમના પગે કાંસાની વાડકીથી ઘી ઘસવું, એમના ભોજનના સમયનું ધ્યાન રાખવું, એમને ગમતી બધી જ બાબતો સાચવી લેવા જેવું ઘણું મેં કર્યું... મારું શિક્ષણ પણ ખરેખર તો ‘એમને’ માટે જ હતું! આજે ‘એ’ નથી, પણ આ લખી રહી છું ત્યારે મને એટલું ચોક્કસ સમજાય છે કે આવનારી સદીઓમાં મારા પછીની સ્ત્રીઓ માટે મારું જીવન એક મશાલ જેવું બની રહેશે. મેં મરાઠીમાં આત્મકથા લખી છે, ‘આમચ્યા આયુષાતિ કહી આઠવણી’ (મારી જિંદગીમાંથી યાદ રહ્યું તે) મેં લખ્યું... આ લખી શકી, કારણ કે મહાદેવ ગોવિંદ રાનડે મારા ગુરુ હતા. આ દુનિયામાં એવી બહુ ઓછી સ્ત્રીઓ છે, જેમને એમના પતિમાં જ એક સારો મિત્ર, ગુરુ અને થોડા ઘણા અંશે પિતા પણ પ્રાપ્ત થાય... હું એવી નસીબદાર સ્ત્રી બની શકી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=93023

Thursday, May 1, 2014

હું પૃથ્વીરાજની પત્ની બનવાના મનસૂબા ઘડતી હતી - કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

હું પૃથ્વીરાજની પત્ની બનવાના મનસૂબા ઘડતી હતી 

કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

નામ: સંયોગિતા / સંયુક્તા / સંજુક્તા સ્થળ: દિલ્હી સમય: ૧૧૯૨

આ લખી રહી છું ત્યારે પૃથ્વીરાજ પકડાઈ ગયા છે... શાહબુદ્દીન ઘોરી એમને પોતાની સાથે ગઝની લઈ ગયો છે. છેલ્લા કેટલાય સમયથી પૃથ્વીરાજ જાણતા હતા કે આવું કશું થશે. મુઘલો ક્યારેય પોતાની દોસ્તી નિભાવતા નથી... દુશ્મનીમાં પણ રાજપૂતોની જેમ દિલદાર નથી આ મુઘલો, પીઠ પાછળ વાર કરે છે! નવાઈની વાત એ છે કે રાજપૂત રાજાઓ પણ નાની નાની લાલચોમાં આવીને મુઘલોનો સાથ આપતા થઈ ગયા છે. આ દેશ ધીમે ધીમે ટુકડા ટુકડામાં વહેંચાઈ રહ્યો છે. એનું કારણ મુઘલોનું બળ નથી... રાજપૂતોની નબળાઈઓ છે!

અંદર અંદરનો અહંકાર, ઝઘડા અને એકબીજાને નીચા દેખાડવાની વૃત્તિ આ વીર અને બળવાન રાજપૂતોને લઈ ડૂબી. કોણ જાણે કેમ, પણ રાજપૂતોની નબળાઈ મુઘલોની નજરમાં બહુ ઝડપથી આવી ગઈ. આ દેશની જાહોજલાલી જોઈને હિન્દુસ્તાન તરફ આકર્ષાયેલા મુઘલો અહીં રાજ કરવા નથી આવ્યા, લૂંટ ચલાવવા આવ્યા છે. રાજપૂત સ્ત્રીઓ, રાજનો ખજાનો, કલા-કારીગરી, જર-ઝવેરાત જે હાથ લાગ્યું તે લૂંટીને એમને પાછા પોતાને દેશ ભાગી જવું હોય છે. શાહબુદ્દીન ઘોરી પણ એમાંનો જ એક છે. દુ:ખની વાત તો એ છે કે એ જીત્યો, કારણકે એની મદદ કરનાર બીજું કોઈ નહીં, પણ મારા પિતા હતા.

જયચંદ રાઠોડ કનોજના રાજવી. એ સમયે કનોજ બહુ બળવાન રાજ્ય ગણાતું. મારા પિતા લોભી અને મહત્ત્વાકાંક્ષી હતા. એમના સમયમાં ઉત્તર ભારતમાં જયચંદ રાઠોડની સામે માથું ઊંચકવાની કોઈની તાકાત નહોતી. એમના દરબારના લોકોએ એમને ચડાવ્યા અને મારા પિતાએ રાજસૂય યજ્ઞ કરવાનું નક્કી કર્યું. મોટા ભાગના રાજાઓએ એમની સર્વોપરિતા સ્વીકારી લીધી, પરંતુ અજમેર અને દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણે આ સર્વોપરિતા સ્વીકારવાની ના પાડી. પૃથ્વીરાજ મારા પિતાના દૂરના પિતરાઈ થતા હતા. મારા પિતાની માતા અને પૃથ્વીરાજ ચૌહાણની માતા તોમર વંશમાં જન્મેલી બહેનો હતી. પૃથ્વી વિશે અનેક લોકવાયકાઓ કહેવાતી. ઉત્તર ભારતમાં ફરતા ભાટચારણો મારા પિતાના દરબારમાં આવીને ક્યારેક પૃથ્વીરાજની વીરગાથાઓ ગાતા.

પૃથ્વીરાજ ચૌહાણના દરબારમાંથી પાછા ફરેલા દૂતે સંદેશો કહ્યો, "દિલ્હીનો એક જ રાજા છે, એનું નામ પૃથ્વીરાજ ચૌહાણ છે. આટલું સાંભળતા જ મારા પિતાનું મગજ ફાટીને ધુમાડે ગયું. એટલું ઓછું હોય એમ એમના દરબારના માણસોએ એમના અહંકારને વધુ છંછેડ્યો... મારા પિતા જયચંદ રાઠોડે નિર્ણય કર્યો કે એ યજ્ઞ કરશે અને યજ્ઞના મંડપમાં જ મારો સ્વયંવર યોજાશે.

મારા પિતાને કલ્પના સુધાં નહોતી કે હું મનોમન પૃથ્વીરાજ ચૌહાણને ચાહતી હતી. મને પોતાનેય ખબર ન પડી એવી રીતે હું પૃથ્વીરાજની પત્ની બનવાના મનસૂબા ઘડતી હતી. ઉત્તર ભારતમાં પૃથ્વીરાજ વિષે જે અનેક લોકવાયકાઓ ચાલતી એમાંની એક કથા એવી હતી કે પૃથ્વીરાજ સ્ત્રીઓની બાબતમાં થોડા રસિક હતા. એમના અંત:પુરમાં ચાળીસ રાણીઓ હતી એમ કહેવાતું. એમાંની આઠ રાણી તો જાણીતાં રાજવી કુટુંબોમાંથી હતી. ઇચ્છિનીકુમારી, ઇન્દ્રાવતી, શશિવ્રતા, પદ્માવતી, કમલાવતી, તિલોતમા, ચિત્રરેખા અને સુજ્ઞા વિશે જાતજાતની વાતો થતી. પૃથ્વીરાજનો પ્રેમ પામવા માટે આ સ્ત્રીઓ ષડ્યંત્રો કરતી એમ પણ કહેવાતું. પૃથ્વીરાજના અત્યંત પ્રિય મિત્ર અને એમના દરબારના રત્ન એવા ચંદ બારોટ પૃથ્વીરાજ વિશે અનેક કવિતાઓ લખતા. ભારતભરમાં ફરતા ચારણો આ પ્રશસ્તિ કવિતાઓને ફેલાવતા... પૃથ્વીરાજની કીર્તિ કદાચ દેશ-વિદેશમાં ફેલાઈ એનું કારણ એની વીરતા તો હતી જ, પણ સાથોસાથ ચંદ બારોટની કવિતાઓ પણ કામ કરી ગઈ હતી!

હું પણ સંતાઈને આ કવિતાઓ સાંભળતી... જેમ જેમ પૃથ્વીરાજ વિશે સાંભળતી ગઈ તેમ તેમ એમને પામવાની મનોકામના વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. મેં મારી માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, મને થયું કે જો આ સ્વયંવર અટકી શકે ને મારા પિતા આનંદથી મને પૃથ્વીરાજ સાથે પરણાવે તો દિલ્હી અને અજમેર મિત્રરાજ્યો બને. મારા પિતાનું રાજસૂય સફળ થાય અને સહુ સુખથી એકબીજાની સાથે જીવી શકે, પરંતુ મારી મા! મારી વાત સાંભળતાં જ ભડકી ગઈ... રાજપૂતોમાં મામા અને ભાણેજનાં લગ્ન થાય, ફોઈને ઘેર ભત્રીજી જાય, પણ કાકા-ભત્રીજીનાં લગ્ન ન થઈ શકે. પૃથ્વીરાજ મારા દૂરના કાકા થાય, મારા પિતાના પિતરાઈ... એટલે એમની સાથેનાં લગ્નનો વિચાર પણ ન થઈ શકે એવું મારી માએ મને સ્પષ્ટ કહી દીધું. બીજી તરફ મેં પૃથ્વીરાજને પત્ર લખ્યો. અમારા અત્યંત વિશ્ર્વાસુ એવા બ્રાહ્મણને એ પત્ર આપીને દિલ્હી મોકલ્યો. મેં પત્રમાં લખ્યું હતું કે, "મારા પિતાએ મારો સ્વયંવર યોજ્યો છે, સ્વયં-વરનો અર્થ થાય છે ક્ધયાએ સ્વયં પસંદ કરેલો વર... ને મેં તમને પસંદ કર્યા છે. તમે નહીં આવો તો હું અન્ય કોઈ સાથે લગ્ન કરવાને બદલે આત્મહત્યા કરીશ. આ પત્ર એમને મળ્યો કે નહીં, એ આવશે કે નહીં આવા અનેક પ્રશ્ર્નોની વચ્ચે મારા સ્વયંવરનો દિવસ આવી પહોંચ્યો. મારા પિતાએ પૃથ્વીરાજનું અપમાન કરવા માટે મંડપના દરવાજા પર ગોઠવેલા પૂતળામાં દ્વારપાળની જેમ પૃથ્વીરાજનું પૂતળું ગોઠવ્યું. એક રાજા બીજા રાજાનું આનાથી વધુ અપમાન શું કરી શકે? મને લાગ્યું કે હવે પૃથ્વીરાજ નહીં આવે, પરંતુ સ્વયંવરની આગલી સાંજે હું મંદિર જવા નીકળી ત્યારે એક સ્ત્રી મારા હાથમાં એક પત્ર આપી ગઈ. જેમાં લખ્યું હતું, "હું આવી પહોંચ્યો છું, તમને નિરાશ નહીં કરું. મને અત્યંત આશ્ર્ચર્યની સાથે આનંદ થયો. પૃથ્વીરાજ આવ્યા છે એ વિચારે હું નિશ્ર્ચિંત થઈ ગઈ.

સ્વયંવરની સવારે હું શણગાર સજીને મંડપમાં પહોંચી. મેં ચારે તરફ નજર દોડાવી, મંડપમાં બેઠેલા અનેક રાજાઓમાં પૃથ્વીરાજ નહોતા... મારું હૃદય બેસી ગયું. વીંટીમાં જડેલો હીરો મેં પહેલેથી જ એના નખ ખોલીને ઢીલો કરી રાખ્યો હતો. પાણી ભરવાની સુરાહીમાં અફીણ ઘોળીને તૈયાર હતું.

હું એક પછી એક રાજાઓ પાસેથી પસાર થતી ગઈ, એમની સાથે આવેલા ભાટચારણો એમનાં પ્રશસ્તિ ગીતો ગાતાં રહ્યા ને હું એમને પસાર કરીને આગળ વધતી રહી.

મારા પિતાએ પૃથ્વીરાજનું પૂતળું દરવાજે ઊભું રાખ્યું હતું ત્યાં સુધી હું પહોંચી. એક ક્ષણ મેં એ પૂતળા સામે જોયું ને પછી પૂતળાના ગળામાં હાર પહેરાવી દીધો. ત્યાં બેઠેલા તમામ રાજાઓ અવાચક થઈ ગયા. કોઈએ આવી કલ્પના નહોતી કરી. મારા પિતાને પણ આવો વિચાર તો નહીં જ આવ્યો હોય. મેં જેવો પૂતળાના ગળામાં હાર પહેરાવ્યો કે દૂરથી આવતા પૃથ્વીરાજ મને દેખાયા. એમણે અત્યંત ૠજુતાથી છતાંય એમના દૃઢ બાહુઓની અપૂર્વ તાકાતથી મને ઉપાડી લીધી. ઘોડા પર આગળ બેસાડી દીધી. કોઈ કશું સમજે એ પહેલાં ઘોડો ત્યાંથી અલોપ થઈ ગયો. મારા પિતાનું જંગી લશ્કર અને એમના ઇરાની અફસર મીર બાંદાની સરદારી હેઠળ સહુએ અમને આંતર્યા. જોકે, પૃથ્વીરાજના અપૂર્વ બાહુબળ અને કુનેહની સામે મીર બાંદા અને એનું લશ્કર ટક્યા નહીં. વિજયનો ઉત્સાહ પૂરો મનાવી શકીએ એ પહેલાં મને સમજાયું કે મારા પિતાએ લુચ્ચાઈ કરીને થોડે જ દૂર બીજા સૈનિકો ગોઠવ્યા હતા. પૃથ્વીરાજના સૈનિકો થાકેલા હતા, પ્રમાણમાં ઓછા હતા. પૃથ્વીરાજ ઘાયલ થયા. એમણે એમના સરદાર બાઘરાયની સરદારી હેઠળ પૂરો સામનો કર્યો, પણ બાઘરાયે સલાહ આપી કે પૃથ્વીરાજે ત્યાંથી ભાગી છૂટવું જોઈએ. સવાલ મારી સલામતીનો પણ હતો અને દિલ્હીના સ્વમાનનો પણ. પૃથ્વીરાજ મને લઈ કિલ્લામાં દાખલ થઈ ગયા. મારા પિતાથી કશું થઈ શક્યું નહીં. બાઘરાય શહીદ થયા... એ પછીના સમયમાં કદાચ હું જિંદગીનો શ્રેષ્ઠ સમય જીવી ગઈ. પૃથ્વીરાજના આશ્ર્લેષમાં મને દુનિયાનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થયું. એક વીર, બહાદુર, રસિક પતિને પામીને હું ધન્ય થઈ... પણ આ ધન્યતા બહુ લાંબો સમય ટકી નહીં. શાહબુદ્દીન ઘોરીએ ચડાઈ કરી, જેમાં મારા પિતાએ એની મદદ કરી. પૃથ્વીરાજના સૈનિકો પૂરી હિંમતથી લડ્યા, પણ શહીદ થયા. પૃથ્વીરાજ જીવતા પકડાયા... હવે ઘોરી એમને ગઝની લઈ ગયો છે. પૃથ્વીરાજના મિત્ર ચંદ બારોટ એમની સાથે છે.

આજે જ પત્ર આવ્યો છે કે, પૃથ્વીરાજની આંખો ફોડી નાખી છે, પરંતુ પૃથ્વીરાજ અને ચંદ બારોટ એકબીજાને મારી નાખશે એવું આ પત્રમાં લખ્યું છે. પૃથ્વીરાજે લખાવ્યું છે કે પોતે મૃત્યુ પામતા પહેલાં ઘોરી આ દુનિયા છોડી દેશે. કેમ થશે, શું થશે, થશે કે નહીં - હું કંઈ જાણતી નથી. મને એટલી ચોક્કસ ખબર છે કે જો પૃથ્વીરાજ આ દુનિયામાં નહીં હોય તો હું પણ નહીં જ હોઉં...



ફૂટ નોટ

પૃથ્વીરાજે શબ્દવેધી બાણ મારીને શાહબુદ્દીન ઘોરીને ખતમ કર્યો. સાથે જ ચંદ બારોટ અને પૃથ્વીરાજે એકબીજાની છાતીમાં કટાર ખોસી દીધી... સંયુક્તાએ પૃથ્વીરાજની આઠ રાણીઓ સાથે જૌહર કર્યું - એમ કહેવાય છે...

Thursday, April 3, 2014

આપણા પર આધારિત જીવોને તિરસ્કારીને કશું પામી શકાતું નથી - કાજલ ઓઝા વૈદ્ય - કથા કોલાજ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=121234

આપણા પર આધારિત જીવોને તિરસ્કારીને કશું પામી શકાતું નથી

નામ: યશોધરા સિદ્ધાર્થ સ્થળ: કપિલવસ્તુ સમય: ઈ.સ. પૂર્વેની પાંચમી સદી ઉંમર: ૨૫ વર્ષ 

આજે કપિલવસ્તુમાં ઉત્સવ છે. આખું નગર શણગારવામાં આવ્યું છે. નગરજનો ઘેલા થઈને પોતાના પ્રાસાદને શણગારી રહ્યા છે. શ્રેષ્ઠીઓ, અમાત્યો અને નગરજનો ચારે તરફ ફૂલોનાં તોરણ બાંધે છે, દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. વર્ષાૠતુ સમાપ્ત થઈ છે. આખાય નગરમાં તમામ વૃક્ષો સુંદર અને હરિયાળાં દેખાઈ રહ્યાં છે. ઈશ્ર્વરે ધીમે ધીમે હેમંતનાં પગલાં માંડવાની તૈયારી કરવા માંડી છે ત્યારે ભગવાન તથાગત બુદ્ધ કપિલવસ્તુમાં પધારશે એવા સમાચાર આવ્યા છે.

આજથી આઠ વર્ષ પહેલાં રાજકુમાર સિદ્ધાર્થ મને અને મારા પુત્રને ઊંઘતા મૂકીને કોઈ ચોરની જેમ નાસી ગયેલા... પ્રબુદ્ધ શાક્યની પુત્રી હું, યશોધરા નામ મારું. અત્યંત સુંદર અને નાજુક હતી હું. અનેક શાક્યો મારો હાથ પકડવા ઉત્સુક હતા. નગર ઉત્સવના સમયે કેટલીયે વાર અનેક શાક્યપુત્રોએ મને જીતવાના પ્રયાસ પણ કરેલા, પરંતુ કોણ જાણે કેમ, મારા મનમાં કદીયે કોઈ વસ્યું જ નહીં. ગૌરીવ્રત કરતી હતી ત્યારે મારા પિતા મને વારંવાર કહેતા, "કોણ જાણે તારું આ સૌંદર્ય, આ બુદ્ધિ અને તેજ કોના નસીબમાં લખ્યું હશે ! એક પિતા તરીકે એમની ચિંતા સ્વાભાવિક હતી, કારણ કે મારા મનમાં કોઈ વસતું જ નહીં ! એવામાં એક વાર મેં રાજકુમાર સિદ્ધાર્થને જોયા. એમના સારથિ ચન્ના સાથે એ પહેલી વાર નગરવિહારે નીકળ્યા હતા. રાજકુમાર સિદ્ધાર્થને આજ પહેલાં કોઈ નગરજનોએ જોયા નહોતા. સૌએ સાંભળ્યું હતું કે એ અત્યંત મનમોહક અને બુદ્ધિશાળી છે. એમના ભ્રાતા દેવદત્ત સાથે બનેલા હંસના પ્રસંગથી સહુ એમના પરત્વે અત્યંત પ્રેમ અને સન્માનની લાગણી ધરાવતા થયા હતા... કપિલવસ્તુના નગરજનો રાજકુમાર સિદ્ધાર્થને જોવા ટોળે વળ્યા હતા. હુંય એમાંની એક હતી. ઘેલી અને ઉત્સુક...

રાજકુમાર સિદ્ધાર્થ રથમાં બેસીને અમારા સહુની સામેથી પસાર થયા. અમે સહુ એમને જોઈ રહ્યા. કાચ જેવી પાણીદાર આંખો, મુખ ઉપર નમણાશ અને કોઈ અલૌકિક તેજ... એમણે રથમાંથી પસાર થતાં અચાનક જ મારી તરફ જોયું. અમારી દૃષ્ટિ ક્ષણાર્ધ માટે મળી, કોણ જાણે મને શું થઈ ગયું, પણ લાગ્યું કે મારાં તમામ અંગોમાંથી જાણે મારા પ્રાણ હરાઈ ગયા. મારી નજર સમક્ષથી પસાર થતો રથ ને એમાં બેઠેલો રાજકુમાર જાણે પોતાની સાથે મારો પ્રાણ લઈને ચાલ્યા ગયા.

મેં ઘેર જઈને મારા પિતાને કહ્યું, "મેં મારા જીવનસાથીનું ચયન કરી લીધું છે. મારા પિતાએ હર્ષોલ્લાસ સાથે પૂછ્યું, "અરે વાહ ! કોણ છે એ સદ્ભાગી યુવાન ? મેં દૃષ્ટિને ભૂમિ સાથે ખોડીને કહ્યું, "રાજકુમાર સિદ્ધાર્થ. મારા પિતા હસવા લાગ્યા. એમણે મારા માથે હાથ મૂકીને કહ્યું, "તું તો તદ્દન મતિભ્રષ્ટ થઈ ગઈ છે. આ નગરની તમામ ક્ધયાઓ એને પામવાનાં સ્વપ્ન જુએ છે, પરંતુ રાજકુમાર તો... કોણ જાણે હૃદયના કયા ખૂણામાંથી અવાજ આવતો હોય એમ મેં દૃષ્ટિ ઉઠાવીને પિતાની આંખમાં જોયું. પછી આંખ મીંચીને કહ્યું, "રાજકુમાર સિદ્ધાર્થનાં લગ્ન મારી સાથે જ થશે... એ દિવસથી મેં કઠોર તપશ્ર્ચર્યા કરવા માંડી. ભગવાન શિવનાં વ્રત કર્યાં, પૂજા-અર્ચના, ઉપવાસ, ગૌરી વ્રતમાં નિર્જળા આરાધના કરી... મારી તપશ્ર્ચર્યાને સ્વીકારી હોય તેમ રાજમહેલનું આમંત્રણ આવી પહોંચ્યું !

ગૌરીવ્રતની સમાપ્તિના દિવસે મહારાજ શુદ્ધોદને નગરની તમામ ક્ધયાઓને આમંત્રિત કરી હતી. ‘અશોકભાંડ’ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. શાક્યોના આ પર્વમાં માતા-પિતા પોતાની પુત્રીને અલંકૃત કરતાં. રાજમહાલયમાંથી આવેલા આમંત્રણમાં ક્ધયાઓને અલંકારો આપવાના હતાં, પરંતુ એની પાછળનો ઉદ્દેશ એ હતો કે કુમાર પોતાની પત્નીનું ચયન કરી શકે. એક પછી એક ક્ધયાઓ આવતી રહી, કુમાર એમને અલંકૃત કરતા રહ્યા... અંતે હું ત્યાં પહોંચી.

થોડું મોડું થઈ ગયું હતું. બાકીની ક્ધયાઓને અલંકાર અપાઈ ચૂક્યાં હતાં. રાજકુમારે પોતાનો સુવર્ણ હાર મને આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં સ્વીકાર્યો નહીં. મેં કહ્યું, "હું આપને અલંકૃત કરવા આવી છું, અલંકારવિહીન કરવા નહીં... રાજકુમાર અને મારા વચ્ચે ફરી એક વારા તારામૈત્રક રચાયું. આ વખતે હું જોઈ શકી કે રાજકુમાર સિદ્ધાર્થની આંખોમાં પણ એ જ ભાવ હતા, જે આજ સુધી મેં દર્પણમાં મારી આંખોમાં જોયા હતા...

ત્રીજા જ દિવસે રાજમહેલથી આમંત્રણ આવ્યું. અમને સહકુટુંબ ભોજન માટે નિમંત્ર્યા હતા. મહારાજ શુદ્ધોદને રાજકુમાર સિદ્ધાર્થ સાથે મારા વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. મારા પિતા આ માની શક્યા નહીં. હું એમની આંખોમાં આશ્ર્ચર્યની સાથે આનંદ જોઈ શક્તી હતી...

વિવાહ થઈ ગયા. એક શાક્યપુત્રીને સ્વપ્ને પણ નહોય એવાં સુખનાં સાધનો અહીં ઉપલબ્ધ હતાં. સંગીત, નૃત્ય, સૂરા અને સતત આનંદ-પ્રમોદના વાતાવરણ વચ્ચે અમારો સમય પસાર થવા લાગ્યો, પરંતુ હું જોઈ શક્તી હતી કે મારા પતિ - મારા પ્રિયતમ, મારા હૃદયના રાજવી આ આનંદ-પ્રમોદની વચ્ચે પણ ઉદાસીન હતા. મેં એમને સુખ આપવાના તમામ પ્રયાસો કર્યા. સ્નેહથી, શરીરથી, શબ્દથી, પરંતુ એમની ગડમથલ દિવસે દિવસે વધ્યે જતી હતી. એવામાં મારા પુત્રનો જન્મ થયો... મને થયું કે પુત્રનું મુખ જોઈને કદાચ એમનામાં કંઈક બદલાશે, પરંતુ એમણે મારા નવજાત શિશુને હાથમાં લઈને કહ્યું, "મારા મુક્તિમાર્ગનો રાહુ છે આ... મારા હૃદયમાં શૂળ ભોંકાયું. કોઈ પોતાના જ સંતાન માટે આવું કહી શકે ? પરંતુ મેં એ વાતને ગંભીરતાથી લેવાને બદલે હસી નાખી. મેં કહ્યું, "હું એનું નામ રાહુલ પાડીશ... રાહુનો જેણે લય કર્યો તેવા વિષ્ણુનું નામ છે આ. 

"આપ જે યોગ્ય સમજો તે, મને સ્વીકાર્ય છે. રાજકુમાર સિદ્ધાર્થે એવી રીતે કહ્યું, જાણે કોઈ અન્યના નામકરણ પ્રસંગે પોતાનો અભિપ્રાય આપતા હોય.

...એક રાત્રે એ અમને બંનેને છોડીને ચાલી ગયા. મુક્તિની શોધમાં, સુખની શોધમાં, નિર્વાણની શોધમાં !

મારા શ્ર્વસુર મહારાજ શુદ્ધોદન અને મારી સાસુ માયાદેવી તો જાણે પોતાનું જીવન જ ખોઈ બેઠાં. અંતે ભવિષ્યવાણી સાચી ઠરી હતી... જો એ આ ભવિષ્યવાણી જાણતાં હતાં તો એમણે પુત્રનાં લગ્નનો આગ્રહ શા માટે કર્યો ? શા માટે એમણે એક કોડભરી ક્ધયાના જીવન સાથે રમત કરી - એવો પ્રશ્ર્ન હું એમને પૂછી ન શકી. હું રાહુલને ઉછેરતી રહી. એને ઉત્તમ સંસ્કારો આપતી રહી. રાજા બનવા માટેની તમામ લાયકાત રાહુલમાં ઊભી કરવાનું કાર્ય મને મારા શ્ર્વસુર મહારાજશ્રી શુદ્ધોદને સોંપ્યું હતું. હું પૂરા હૃદયથી એ ઉત્તરદાયિત્વને નિભાવી રહી હતી...

આઠ વર્ષ ! આઠ વર્ષ દરમિયાન હું સાદું ભોજન લેતી, જમીન પર સૂતી, વાંસનાં કંકણ પહેરતી અને ફક્ત શ્ર્વેત વસ્ત્રો જ ધારણ કરતી. રાહુલને મોટો થતો જોઈને મને મારા જીવનનું સાર્થક્ય મળી રહેતું. મહારાજ શુદ્ધોદન અને મહારાણી માયાદેવી મારા આ જીવનથી અત્યંત પીડા અનુભવતાં, પરંતુ મને કંઈ કહી શકે એમ નહોતાં એટલે આ સહ્યા કરતાં... ને સાચું કહું તો એમને આ પીડા આપીને શરૂઆતમાં મને ક્યાંક સુખની અનુભૂતિ થતી હોય એવુંયે લાગતું, પરંતુ ધીરે ધીરે જાણે મારામાં કોઈ અજબ પરિવર્તન થવા માંડ્યું. સાદું ભોજન, નિયમિત યાન અને ભોંયપથારીએ સૂવાથી જાણે મારી ભીતર કોઈ શાંતિ વ્યાપી રહી હતી. મેં સહુને ક્ષમા કરી દીધા હતા, તથાગત બની ગયેલા મારા રાજકુમાર સિદ્ધાર્થને પણ!

આજે એ આવવાના છે એ જાણીને સહુ ઉત્સાહિત હતા. નગર આખું જાણે ઉન્માદના હિલોળે ચડ્યું હતું. મારાં સાસુ મને મારા આવાસમાં બોલાવવા આવ્યાં, "ચાલ, તારે નથી આવવું?

"ક્યાં ? મેં પૂછ્યું.

"સિદ્ધાર્થનો સત્કાર કરવા. નગરના વનમાં... માયાદેવીના અવાજમાં મુખ પર હર્ષ છલકાતો હતો, "આઠ વર્ષે આવે છે મારો પુત્ર... એમણે સહેજ અચકાઈને ઉમેર્યું, "તારો પતિ.

"મારા પતિ તો હવે ક્યાંય નથી. જે પધારી રહ્યા છે એ તો સંન્યાસી છે. પ્રખર જ્ઞાતા, ઉત્તમ વક્તા, અનેકનાં જીવન જેમણે પલટ્યાં છે એવા સ્વયં ભગવાન તથાગત... એ મારા પતિ કેવી રીતે હોઈ શકે ? મેં કહ્યું. મારાં સાસુ આશ્ર્ચર્યથી જોઈ રહ્યાં. કશું જ કહ્યા વિના એ ધીરે ધીરે ત્યાંથી ચાલી ગયાં. હું ન ગઈ. એ પછી મારી દાસીઓ જાતજાતના સમાચારો લાવતી રહી, પરંતુ દરેક વખતે મને એમ લાગતું રહ્યું કે જાણે હું કોઈ અજાણી વ્યક્તિ વિશે સાંભળી રહી છું.

એ રાત્રે તથાગત મારા આવાસે પધાર્યા. એમના બે શિષ્યો સારિપુત્ર અને મોદ્ગલ્યાયનને સાથે લઈને તેઓ જ્યારે આવ્યા ત્યારે હું મારી સંયાપૂજા કરી રહી હતી. મેં એમને થોભવાનું કહ્યું. તેઓ શાંત ચિત્તે મારી પ્રતીક્ષા કરતા રહ્યા. મારું કાર્ય પૂર્ણ કરીને હું આવી, એમના ચરણસ્પર્શ કર્યા. એ થોડીક ક્ષણો મારી સામે જોઈ રહ્યા. એમની દૃષ્ટિમાં અપાર પવિત્રતા અને તેજ હતું, "હું તમારી માફી માગવા આવ્યો છું, યશોધરા.

"શા માટે ? મારાથી પુછાઈ ગયું.

"મેં આપનો પરિત્યાગ કર્યો હતો. એમણે કહ્યું.

"આપે આપના નિર્વાણનો રસ્તો શોધતા શોધતા મને પણ મારા નિર્વાણનો રસ્તો બતાવી દીધો. પત્નીને અમસ્તી અર્ધાંગિની નથી કહેતા. આપ જે દિશામાં નીકળ્યા એ દિશામાં હું આપનું અર્ધું અંગ બનીને આપની સાથે જ રહી. સહધર્મચારિણી બનીને એ બધું જ મેળવતી રહી, જે આપને મળતું રહ્યું. હું કહેતી રહી, એ સ્વસ્થ ચિત્તે, પરંતુ સહઆશ્ર્ચર્ય મને સાંભળતા રહ્યા, "અહીં આ રાજમહેલમાં રહીને મને એ જ બધું પ્રાપ્ત થયું છે, જે શોધવા માટે આપે ગૃહત્યાગ કર્યો. મારું ઉત્તરદાયિત્વ પૂરું કરતાં કરતાં મને એક જ્ઞાન લાદયું છે. અવિનય ન લાગે તો કહું ? મેં પૂછ્યું. કોણ જાણે કેટલી સદીઓ સુધી મેં આ સંવાદની પ્રતીક્ષા કરી હતી. મનોમન કેટલીયે વાર થયો હતો આ સંવાદ. સેંકડો વાર આ જ શબ્દો મેં બંધ આંખે, દર્પણ સામે અને સ્વયં સાથે ઉચ્ચાર્યા હતા. જેને કહેવા માટે હું તત્પર હતી એને આજે કહી રહી હતી... આ નિર્વાણ નથી તો બીજું શું છે !

"કહો. તથાગતે કહ્યું.

"પોતાનું ઉત્તરદાયિત્વ છોડીને કશુંયે પણ શોધવા નીકળનારાઓ કદાચ ઘણુંયે પામતા હશે, પરંતુ એ જે ગુમાવે છે તે વિશ્ર્વાસ છે. મારી આંખ અચાનક જ વહી નીકળી, "આપે વિશ્ર્વભરને મુક્તિનો સંદેશ આપ્યો હશે કદાચ, પરંતુ એ મુક્તિના પાયામાં મારું બંધન છે. આપનાં માતાપિતા અને રાહુલને મેં સાચવ્યાં છે... ફક્ત મારું ઉત્તરદાયિત્વ માનીને. આપણે જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય એનું પરિણામ પણ આપણે જ ભોગવવું જોઈએ. સાચું નિર્વાણ એ જ છે. સ્વયંને છળવા માટે ઘણા ઉપાયો છે, પરંતુ સ્વયંને જો સત્ય સાથે સીધો સંવાદ કરાવવો હોય તો જે જીવો આપણા પર આધારિત હોય એને હડસેલીને કે તિરસ્કારીને કશુંયે પામી શકાતું નથી એ સત્યને સ્વીકારવું પડે છે. મેં ઊંડો શ્ર્વાસ લઈને કહ્યું, "આપને સહુ ભગવાન કહે છે. આપને સત્ય મળ્યું છે, તથ્ય મળ્યું છે... તથ્ય આગત ઇતિ તથાગત... પરંતુ આપે જે સત્યથી આંખ મીંચી છે એની સામે ઊભા રહીને આંખ મેળવવાની ક્ષમતા છે આપનામાં ? હું એમની સામે જોઈ રહી. આંસુને કારણે મને સામેનું દૃશ્ય ધૂંધળું દેખાતું હતું.

ભગવાન તથાગત થોડીક ક્ષણો ત્યાં જ ઊભા રહ્યા. પછી એમણે હાથ ઊંચો કરીને કહ્યું, "તું હજીયે મુક્ત નથી.

"એ માટે મારે આપનો આભાર માનવો રહ્યો. મેં કહ્યું. એમની પાસે એનો ઉત્તર નહોતો એવું મને લાગ્યું. એમના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની અકળામણ જોઈને એના બંને શિષ્યો આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા એવું પણ મેં જોયું. થોડીક ક્ષણો અમે એક પણ અક્ષર બોલ્યા વિના એકબીજાની સામે જોતાં રહ્યાં, "આપ જઈ શકો છો. મુક્ત છો. મેં કહ્યું, "હું આપને મારી સાથે વિશ્ર્વાસઘાત કરવા બદલ ક્ષમા કરું છું.

તથાગત ધીમા ડગલે મારા કક્ષની બહાર નીકળ્યા. તેની પાછળ સારિપુત્ર અને મોદ્ગલ્યાયન પણ નીકળ્યા. એ કક્ષનો ઊંબરો ઓળંગે એ પહેલાં મેં કહ્યું, "આપને જ્ઞાન જરૂર લાદયું હશે, પરંતુ સમાધાન નહીં મળે એવું મારું વચન છે. જીવનની અંતિમ ક્ષણે જો એક ક્ષણ માટે પણ મારો ચહેરો યાદ આવે તો માનજો કે તમે સંપૂર્ણ તથાગત નથી બની શક્યા... એમણે માથું ધુણાવ્યું, જમણો પગ ઉપાડીને ઉંબરાને પેલે પાર મૂક્યો, હું જોઈ શકી કે એમને એટલું કરતાં ઘણું કષ્ટ થયું.

એ પછીનાં વર્ષો મેં સંપૂર્ણ શાંતિમાં વ્યતિત કર્યાં. રાહુલને એ લઈ ગયા તેમ છતાં એ વિશે મારા મનમાં સહેજેય ઉચાટ ન થયો. એ પછી મને ક્યારેય સ્વપ્નમાં પણ તથાગતનો ચહેરો દેખાયો નથી...