http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=139826

નામ : સૂચિત્રા સેન
સ્થળ : ૫૨/૪/૧, બાલીગંજ
સરકયુલર રોડ, કોલકાતા
સમય : ૨૦૦૫
ઉંમર : ૭૪ વર્ષ
નામ : સૂચિત્રા સેન
સ્થળ : ૫૨/૪/૧, બાલીગંજ
સરકયુલર રોડ, કોલકાતા
સમય : ૨૦૦૫
ઉંમર : ૭૪ વર્ષ
આજે એક પત્ર આવ્યો છે. દાદાસાહેબ ફાળકે એવૉર્ડ માટે મારી પસંદગી કરાઈ છે. મારી દીકરી ખુશીથી ઊછળતી મારી પાસે આવી. એ ઉપર જ રહે છે. મેં ૧૯૬૦માં બંધાવેલા આ મકાનમાં પહેલેથી જ આવી વ્યવસ્થા વિચારી નહોતી, પરંતુ ૧૯૭૮ પછી મને લાગ્યું કે મુનમુન મારી સાથે રહે તો વધુ સારું. મેં મારા મકાનમાં ઉપર જ એક બીજા રહેઠાણની વ્યવસ્થા કરી હતી, કારણ કે મારા પતિ દીબોનાથ સેન મારા જ મકાનમાં ઉપર, અલગથી રહેતા હતા. હવે મુનમુન અને એની બંને દીકરીઓ રીમા અને રાઈમા, મારી સાથે જ રહે છે.
મારું જૂનું મકાન તોડીને ત્યાં ફ્લેટ બાંધ્યા. એ ફ્લેટ્સમાં મુનમુન અને રાઇમાનાં અલગ અલગ ઘરો છે. એક લિફ્ટ સીધી મારા ઘરમાં ખૂલે છે. કોઈ ઇચ્છે તો પણ કૉમન લિફ્ટ મારા ફ્લૉર પર ઊભી નથી રહેતી. એ મકાનમાં રહેનારા લોકોને અમે શર્ત સાથે મકાન વેચ્યું છે કે એમણે મારા અંગત જીવન વિશે ક્યાંય કોઈ વાત નહીં કરવાની. હજી મારી દોહિત્રીઓએ લગ્ન નથી કર્યાં, મુનમુનના લગ્ન એની બંને દીકરીઓ ખૂબ નાની હતી ત્યારે જ તૂટી ગયાં... મારા લગ્ન તૂટ્યાં ત્યારે મુનમુન પણ નાની જ હતી. મેં મુનમુનને ક્યારેય પિતાની ગેરહાજરીનો અહેસાસ નથી થવા દીધો. મારા લગ્ન કાયદેસર અકબંધ રહ્યા. અમે કાગળ પર છૂટાછેડા લીધા, પરંતુ મુનમુન માટે માતા-પિતા બંનેનું ઘર એક જ હતું. દીબોનાથ સેન માટે બંધાવેલું એ ઘર હવે મારી દીકરીઓ વાપરે છે... બાલીગંજ સરક્યુલર રોડ પર ભયંકર કોલાહલની વચ્ચે મુખ્ય રસ્તા ઉપર લોખંડના કાળા ગેટની પાછળ એક શાંતિની, સુખની અને આનંદની દુનિયા વસે છે. એ મારી દુનિયા છે. મારી દીકરી અને મારી દોહિત્રીઓની દુનિયા. મારું અસ્તિત્વ આટલી દુનિયામાં જ પૂરું થઈ જાય છે. ૧૯૭૮ પછી હું ભાગ્યે જ બહાર નીકળી છું. મારી ફિલ્મ ‘પ્રોણોય પાશા’ ફ્લોપ થઈ. સુચિત્રા સેનની આ પહેલી ફ્લોપ ફિલ્મ હતી. હું પચાસ વરસની થવા આવી હતી. મા અને ભાભીના કિરદાર કરવાની મારી માનસિક તૈયારી નહોતી, કદાચ. કહેવાય છે કે જે લોકો એક વાર તાળીઓના ગડગડાટ અને પ્રેક્ષકોની આંખોમાં અહોભાવ જોઈને સ્વયં વિશે અહંકાર સેવતા શીખી જાય છે. હું પણ શીખી હોઈશ. સુચિત્રા સેનને જોઈને જો પ્રેક્ષકની આંખમાં અહોભાવ ન આવે તો મારું અસ્તિત્વ મને નકામું લાગશે એવો અહેવાસ મને ઘેરી વળતો હતો. સ્વયંને રૂપેરી પડદે જોઈને પોતાની જ પ્રશંસામાં નખશિખ ડૂબેલી રહેતી અભિનેત્રીઓ વધતી ઉંમરને જીરવી શક્તી નથી... મારી સાથે પણ એવું થયું હોય એમ બને. ૧૯૭૮માં મેં ક્ષેત્ર સંન્યાસની જાહેરાત કરી. હવે ફિલ્મોમાં કામ નહીં કરું એવું નક્કી કરીને સિનેમાની દુનિયાને તિલાંજલિ આપી. મારી જાતને બાલીગંજના એ ઘરમાં શાંતિથી જીવવા માટે ગોઠવવા માંડી. સાચું પૂછો તો મને બહુ સારું લાગતું હતું. લાઇટ્સ, કેમેરા, એક્શનની એ ધમાલભરી જિંદગીમાંથી નીકળીને મેં સુચિત્રા સેનમાંથી ફરી એક વાર રોમા દાસગુપ્તાની શોધ કરવા માંડી. પાબના જિલ્લાનું એ ઘર, જ્યાં હું જન્મી - છઠ્ઠી એપ્રિલ, ૧૯૩૧. એ હવે બાંગલાદેશનો ભાગ હતું. મારી દીકરીને લઈને હું ત્યાં ગઈ. મારા પિતા કરુણામોય દાસગુપ્તા અને મા ઇન્દિરા દેવીની યાદો એ ઘરમાં સચવાયેલી હતી. મારી મા ગૃહિણી હતી અને પિતા લોકલ સ્કૂલમાં હેડમાસ્તર. હું પાંચમું સંતાન અને ત્રીજી દીકરી હતી એ ઘરની... મારા નાના શ્રી રજનીકાન્ત સેન જાણીતા કવિ હતા. એમને મળવા અનેક લોકો આવતા. મારા શિક્ષણ માટે મને થોડો સમય એમની પાસે રાખવામાં આવી. દેશના ભાગલા પડ્યા ત્યારે અમે પાબના છોડીને કોલકાતા આવવાનું નક્કી કર્યું. મારા પિતાએ મારા માટે યોગ્ય પાત્રની શોધ ચલાવી... મારા સૌંદર્ય અને બુદ્ધિથી આકર્ષાઈને સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ આદિનાથ સેનના દીકરા દીબોનાથ સેન તરફથી માગું આવ્યું. મારા માતા-પિતાએ બીજો વિચાર કર્યા વિના સોળ વરસની ઉંમરે મારા લગ્ન દીબોનાથ સેન સાથે કરાવ્યાં. ૧૯૪૭માં હજી તો અમે કોલકાતા આવ્યા જ હતા, ત્યાં મારા લગ્ન થઈ ગયા. મુનમુનનો જન્મ થયો... ૧૯૪૮. હું સત્તર વરસની હતી. મને લાગ્યું કે હવે બાળક ઉછેરવામાં મારી જિંદગી પૂરી થઈ જશે. મારા પતિ બીજા સંતાનનો વિચાર કરતા હતા ત્યાં જ એમને મળવા આવતા અનેક લોકોમાંથી એક જણે મને ફિલ્મમાં અભિનય કરાવવો જોઇએ એવું કહ્યું. ૧૯પરમાં ‘શેષ કોથાય’ (શેષકથા) ફિલ્મનું મુહૂર્ત થયું. મારા પતિએ એમાં પૈસા રોક્યા, પરંતુ એ ફિલ્મ ક્યારેય રિલીઝ ના થઈ. એ ફિલ્મના રશીશ જોઈને નિર્મલ ડે પ્રભાવિત થયા. એમણે ઉત્તમ કુમારને એ રશીશ બતાવ્યાં અને ૧૯પરમાં જ મારી પહેલી ફિલ્મ રિલીઝ થઈ ‘સાડે ચુયાત્તર’. એ પછી મેં પાછા વળીને જોયું નથી. અગ્નિપરીક્ષા, સપ્તપદી, પાથે હોલોડેરી, કમલલત્તા, ઇન્દ્રાણી, સૂર્યા તોરણ, સાદાનદેર મેલા, નબોરાગ, ગ્રીહપ્રબેશ... જેવી અનેક ફિલ્મો મેં કરી. ’૭૦ના દાયકા સુધી મારી ફિલ્મો ધૂમ મચાવતી રહી. ઉત્તમ કુમારની સાથે મારી રોમેન્ટિક પેર લગભગ સાઇઠ ફિલ્મો સુધી પ્રેક્ષકોએ નવાજી. એ દરમિયાન બિમલ રોયે મને હિંદી ‘દેવદાસ’ માટે આમંત્રિત કરી. ૧૯પપમાં મને બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો. આ પ્રવાસ દરમિયાન મારા પતિ દીબોનાથ મારાથી દૂર થતા ગયા. આમ જોવા જાવ તો મારો ક્યાંય દોષ નથી ને એમનો પણ કોઈ દોષ નથી જ. એમણે સ્વયં મને જે રસ્તે ચાલવાનું કહ્યું એ રસ્તે ચાલવાથી આવનારાં પરિણામોથી અમે બંને જણા અજાણ હતા... હું ચાલતી ગઈ ને પરિણામો અમારા બંનેના સંબંધથી મોટા થઈને એના પડછાયામાં અમને ઘેરતા રહ્યા. હું મારા સમયની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસ હતી. પાર્ટીઝ અને મિત્રોમાંથી અમને ફુરસદ નહોતી મળતી. મારા પતિ દીબોનાથને આ ગ્લેમર ગમતું, પરંતુ એની સાથે સાથે એમની અપેક્ષા મને એક પારંપારિક બંગાળી ગૃહિણી તરીકે જોવાની પણ રહેતી... દરેક વખતે એવું શક્ય ન પણ બને એ વાત ‘એમને’ સમજાવવાનો મેં બહુ પ્રયાસ કર્યો. મુનમુન ત્યારે લોરેટો સ્કૂલમાં ભણતી હતી. દીબોનાથે મારી સાથે એક જ ઘરમાં જુદા રહેવાનો નિર્ણય કર્યો. એ જ સમયે મને મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો. એમણે મારી સાથે આવવાની ના પાડી દીધી... હું મારી જિંદગી જીવતી રહી. ૧૯૭૦માં દીબોનાથ બાલ્ટીમોર ગયા હતા. યુએસએમાં મેરિલેન્ડ સ્ટેટમાં એમના પોતાના ઘરમાં એમનું હાર્ટએટેકથી અવસાન થયું, ત્યારે હું ભારતમાં ડૉ. નિર્માલ્યા રોયની બંગાળી ફિલ્મ ‘મેઘ કાલો’ શૂટ કરી રહી હતી. એમના મૃત્યુ પછી તરત જ મને પદ્મશ્રી એવૉર્ડથી નવાજવામાં આવી. એ જ અરસામાં ગુલઝારે મને ‘આંધી’ની સ્ક્રીપ્ટ સંભળાવી. શ્રીમતી ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત આ કથા મારા જીવનની પણ ખૂબ નજીક હતી. ઘરની બહાર ન નીકળવા માગતી કોઈ સ્ત્રીને કારકિર્દી વિશે સજાગ કરી દેવામાં આવે અને પછી એણે નહીં માગેલી સફળતા વિશે એને જવાબદાર ઠેરવવામાં આવે ત્યારે એ સ્ત્રીને કેવું લાગે એ હું બરાબર સમજી શક્તી હતી. મને ફિલ્મોમાં કામ કરવાના કોઈ અભરખાં નહોતા. હું તો મુનમુનની મા બનીને દીબોનાથની પત્ની બનીને સુખી જ હતી. ફિલ્મી દુનિયામાં પ્રવેશવાના અને ગ્લેમર સાથે જોડાવાના મારા પતિની ઝંખનાનું હું મ્હોરું બની. એ સફળ ન થઈ શક્યા ને હું આગળ વધતી ગઈ. ફિલ્મી દુનિયા, રાજકારણ કે અંડરવર્લ્ડ લગભગ એક જેવાં છે, એમાં ફક્ત આગળ જવાનો રસ્તો છે... પાછા ફરવાની દિશા બહુ ઝડપથી સૂઝતી નથી. મને હજી યાદ છે એ દિવસ જ્યારે સૌમિત્ર ચેટરજી સાથે એક પાર્ટીમાં મેં ફિલ્મનો સીન ફરીથી ભજવી બતાવ્યો. ફિલ્મના સીનમાં હું સૌમિત્રની વેસ્ટ (જેકેટ) ફાડી નાખું છું... પાર્ટીમાં એ સીન ફરીથી ભજવતી વખતે મેં સૌમિત્રનું જેકેટ ફાડ્યું ત્યારે સૌ અભિભૂત થઈ ગયા હતા. સત્યજીત રૉયની ફિલ્મ કરવાની મેં ના પાડી, ત્યારે બંગાળી પત્રકારો આઘાતથી પાગલ થઈ ગયેલા. સત્યજીત રૉયે મને નવલકથા દેવી ચૌધરાની પર આધારિત ફિલ્મ ઓફર કરેલી, પણ એમની સાથે કામ કરતી હોઉં ત્યારે બીજે ક્યાંય કામ નહીં કરવાની એવી શરત મૂકી. સુચિત્રા સેન ફક્ત પોતાની શરતે કામ કરે એવું નક્કી હતું. મેં મારા શેડ્યુલિંગ પ્રોબ્લેમને લીધે એમની ફિલ્મ કરવાની ના પાડી, પરિણામે સત્યજીત રૉયે કદી એ ફિલ્મ બનાવી જ નહીં. રાજ કપૂરે મને આર. કે. બેનરમાંથી પણ ફિલ્મ ઓફર કરેલી. મેં એમને ડીનર માટે આમંત્રિત કર્યા હતા. હૉટેલના રૂમમાં વાર્તા સાંભળ્યા પછી જ્યારે મેં એમને ના પાડી ત્યારે હાથમાં ફૂલોનો બુકે લઈને શૂટબૂટ પહેરેલા રાજ કપૂર મારા પગમાં આળોટેલા... મને એક વિચિત્ર પ્રકારની નકારાત્મક લાગણી થઈ હતી ત્યારે! આટલો સફળ, આટલો વિદ્વાન અને આટલો પ્રસિદ્ધ પુરુષ આવી રીતે કોઈ સ્ત્રીના પગમાં આળોટે એ વાતે મેં એમની પ્રપોઝલ પર ફરી વિચારવાનો પણ ઈનકાર કર્યો... આ બધા પ્રસંગોએ મને સતત હેડલાઇન્સમાં રાખી. પ્રેક્ષકોની નજરમાં હું એક સફળ - ગ્લેમરસ, મારી શરતોએ કામ કરતી રોમેન્ટિક અભિનેત્રી બની રહી. ‘સૂચિત્રા સેન’ અને ‘ફ્લોપ ફિલ્મ’ આ બે શબ્દો કદી ભેગા ન થઈ શક્યા. પ્રોણોય પાશા ફ્લોપ થઈ ત્યારે ૧૯૭૮માં મેં ક્ષેત્ર સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો... પ્રેક્ષકોએ મારા આ નિર્ણયને સન્માનપૂર્વક સ્વીકાર્યો. એ પછી મેં ક્યારેય જાહેર સમારંભમાં દેખા નથી દીધી. મજાની વાત એ છે કે બંગાળની મારી પ્રિય ભૂમિના પ્રેક્ષકોએ ક્યારેય મને જાહેરમાં આમંત્રણ આપવાની ચેષ્ટા કે ધૃષ્ટતા પણ નથી કરી. મેં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, "મારા પ્રેક્ષકની નજરમાં જે ઇમેજ સાથે ‘સૂચિત્રા સેન’ નામ જોડાયું છે. હું એ ઇમેજ સાથે જ વિદાય લેવા માગું છું... તમારી નજરમાં એ યુવાન, રોમેન્ટિક, ખુબસૂરત અભિનેત્રી ત્યાં જ ફ્રીઝ થઈ જાય એવું હું ઇચ્છું છું... આજે દાદાસાહેબ ફાળકે એવૉર્ડ સ્વીકારવાના મારા નમ્ર પત્ર સાથે મેં લખ્યું છે કે, "મારા પ્રેક્ષકને વચન આપ્યા મુજબ હું જાહેર સમારંભમાં નહીં આવું. આપ આ એવૉર્ડ મને ઘેર મોકલી આપો તો હું આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક એનો સ્વીકાર કરીશ, પરંતુ મેં કહેલા શબ્દોમાંથી હવે હું ચલિત નહીં થાઉં. મારો પ્રેક્ષક મને સિત્તેર વરસની ઘરડી, ધોળા વાળવાળી સૂચિત્રા તરીકે જુએ એને બદલે હું રોમા દાસગુપ્તા બની રહેવાનું વધુ પસંદ કરીશ. દાદાસાહેબ ફાળકે એવૉર્ડ "નકાર્યો નથી... મેં એ સ્વીકારવા માટે મારી મર્યાદા જાહેર કરી હતી, પરંતુ એ પ્રસંગે મને ફરી એકવાર હેડલાઇન્સમાં મૂકી દીધી. દેવ આનંદે કોલકાતા આવીને મને મળવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ મેં ટેલિફોન પર વાત કરીને એમને નમ્રતાપૂર્વક ના પાડી... હું હવે એવૉર્ડ કે બીજી કોઈ બાબતોથી અભિભૂત નથી થતી... આશ્ર્ચર્ય કે આઘાત, ઇચ્છાઓ કે મહત્ત્વાકાંક્ષાઓ નથી રહી હવે. આ શાંતિભર્યા ઘરમાં હું સુંદર રીતે જીવું છું. સંપૂર્ણ સંતોષ અને સ્નેહથી નીતરતા આ જીવનમાં હવે કશીયે અપેક્ષાઓ પણ નથી રહી... એક અભિનેત્રી તરીકે હું ટોચ પરથી વિદાય થઈ છું. વિદાયની સાથે જોડાયેલા મારા અસ્તિત્વના રહસ્યને હું અકબંધ રાખીને જીવી શકી છું એ માટે મારે ભારતીય મીડિયા અને મારા પ્રેક્ષકોનો આભાર માનવો જોઇએ. કોઈએ મારા અંગત જીવનમાં ભાગ્યે જ દખલ કરવાનો પ્રયાસ કર્યો છે. મને ગર્વ છે કે ભારતીય સિનેમાએ મારા જેવી લોકચાહના મેળવ્યા પછી આવી રીતે ગુમનામીના અંધારામાં સ્વેચ્છાએ ખોવાઈ જનારી બીજી અભિનેત્રી હજી શોધવાની બાકી છે. |
No comments:
Post a Comment