Friday, September 12, 2014

કાશ્મીર: દૈવી કૃત્ય સામે જવાનોનું માનવતાવાદી કાર્ય --- તંત્રીલેખ 12-09-2014

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=140001

જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફતના સમયે ભારતીય લશ્કરના જવાનો અને અધિકારીઓ દ્વારા જે માનવતાભર્યાં રાહતના કાર્ય કરવામાં આવ્યાં છે તે અવર્ણનીય છે, અને પ્રશંસાને પાત્ર છે. આટલાંં વિપરીત વાતાવરણમાં - પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટાંચાં સાધનો છતાં હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તે કોઈ નાની બાબત નથી.

ભારતીય લશ્કરની ત્રણેય પાંખ દ્વારા ખૂબ જ સુંદર રીતે સંકલિત રાહતકાર્ય કરવામાં આવી રહ્યું છે. દોઢ લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા સાથે છ લાખ લોકોને વિવિધ મદદ આપવામાં આવી છે. સેંકડોની સંખ્યામાં બોટ કામે લાગી છે. મધ્યપ્રદેશ-ગુજરાત-રાજસ્થાન અને મહારાષ્ટ્ર દ્વારા જમ્મુ-કાશ્મીરની પ્રજાને મદદની જાહેરાત કરવામાં આવી છે.

કુદરતી આપત્તિમાં કોઈની ટીકાટિપ્પણ યોગ્ય નથી છતાં એમ કહી શકાય કે હજુ ૨૦ દિવસ અગાઉ કાશ્મીરના જે અલગતાવાદી તત્ત્વો પાકિસ્તાનના હાઈ કમિશ્નરને મળવા ગયા હતા તેમાંના કોઈ પ્રજાની મદદ માટે બહાર આવ્યા નથી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર સરકારના ૯૦ ટકા પ્રધાનો અને સેંકડોની સંખ્યાના અધિકારીઓ ક્યાં છે તેની કોઈ માહિતી મળતી નથી.

કાશ્મીરની પ્રજાને બહેકાવવામાં કોઈ બાકી રાખી નથી તેવા કહેવાતા બૌદ્ધિકો જેમાં દિલીપ પડગાંવકર અને કુલદીપ નાયર જેવી વ્યક્તિનો સમાવેશ થાય છે તેઓ તો દિલ્હીમાં પણ શોધ્યા ય જડતા નથી!! કાશ્મીરની પ્રજાને આ બધી બાબતના રહસ્ય અને ભેદ સમજાવવા પડે તેમ નથી - તેઓ સઘળું જાણે છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા તદ્દન પ્રભાવહીન પુરવાર થયા છે. તેમણે પોતાની સરકારની કોઈ નિષ્ફળતાનો સ્વીકાર કર્યો નથી. આખો દિવસ તેઓ શું કરે છે તે સમજવું અતિ મુશ્કેલ છે. બાકી જો દિલ્હીનો દોષ શોધવો હોય તો તેઓ હંમેશાં અગ્રેસર હોય છે. કામ કર્યું છે તે ભારતીય લશ્કરના જવાનોએ કર્યું છે. જમ્મુ-કાશ્મીરની પોલીસ તો ક્યાંય દેખાતી જ નથી. જમ્મુ-કાશ્મીરમાં પૂરથી નુકસાન વ્યાપક માત્રામાં થયું છે, પરંતુ પૂરના માત્ર કુદરતી કારણ નથી. દૈવી કારણ પણ છે. જે બહુ ઓછા લોકો સ્વીકાર કરે તેવું છે ખાવું એકનું અને વફાદારી બીજા સાથે રાખવી, બોલીને ફરી જવું અને કાશ્મીરી પંડિતોને હાંકી કાઢવા અને તેમની મિલકતો પડાવી લેવી - અલગતાવાદી તત્ત્વો સાથે સાંઠગાંઠ રાખવી, આ તમામ બાબતનો સંયુક્ત પ્રત્યાઘાત આ પૂરમાં હોય તેમ લાગે છે.

અબ્દુલ્લા કુટુંબ તો દિલ્હીમાં સત્તામાં જે હોય તેમની સાથે નાતરું કરે છે. કૉંગ્રેસ હતી તોે કૉંગે્રસની સાથે અને હવે ભાજપ છે તો ભાજપની સાથે રહેવું તે તેમનો ક્રમ છે. તેઓએ તો સ્પષ્ટ કહ્યું કે પ્રજાનો રોષ સમજી શકાય તેવો છે, પરંતુ તેમની નિષ્ફળતા છે તે વાત કેમ સ્વીકારતા નથી? જોકે હવે કાશ્મીરી પ્રજા ઘણું સમજી રહી છે.

પૂર માત્ર ભારત હસ્તકના જમ્મુ-કાશ્મીરમાં જ નથી, પરંતુ પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાં પણ તેટલી જ નુકસાની થઈ છે. ત્યાં જે બરબાદી થઈ છે તેનો એક શબ્દ કોઈ બોલતું નથી તેની તુલનામાં ભારતીય લશ્કરના જવાનોએ જે કામગીરી કરી તે અન્યને માટે પ્રેરણારૂપ છે જેમની પર પથ્થર ફેંકવા માટે કાશ્મીરી નેતાઓ પ્રજાને ચડાવતા હતા તેજ ભારતીય લશ્કરના જવાનો આજે બોટ લઈને લોકોને બચાવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરની પ્રજા માટે આ ઘડી એક મનોમંથનની છે કે તેઓએ ક્યાં ભૂલ કરી - કોની ચઢવણીથી ભૂલો કરી અને હવે શું કરવું? ભારતની સાથે જવામાં અને રહેવામાં જ જમ્મુ-કાશ્મીરની પ્રજાનું શ્રેય છે તેટલી વાતનો મૌન રીતે સ્વીકાર થાય તો તેમનો કાયમ ખાતે ઉદ્ધાર થઈ જવાનો છે.

લેફ. જનરલ ડી.એસ.હુડાએ જમ્મુ-કાશ્મીરની પ્રજાને એક જ લીટીનો સંદેશ પાઠવ્યો હતો કે ભારતીય લશ્કરમાં વિશ્ર્વાસ મૂકવા બદલ આભાર - તમારું લશ્કર દરેકને ઉગારી લેશે આ પ્રકારના માનવતાવાદી શબ્દો જ કાશ્મીરની પ્રજા માટે માવજતભર્યા બની ગયા છે. કુદરતે જે ફટકો માર્યો છે તેના સૂચિતાર્થ હવે ખુદ કાશ્મીરની પ્રજા અને તેમની સાથે સંકળાયેલાઓ કરે તે જરૂરી છે. 

હવે જમ્મુ-કાશ્મીરની પ્રજાનો વિશ્ર્વાસ સંપાદન કરવા તેમને ચીજવસ્તુના સ્વરૂપે મદદ મોકલવા સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે તે જરૂરી છે તેમાં વાસણ-પ્લાસ્ટિકની ચીજવસ્તુ - ધાબળા - ખાવાપીવાની ચીજો જેમ કે દાળ-ચોખા-ચા અને અન્ય ખાદ્ય સામગ્રી મોકલવી રહી. વળી તેનું વિતરણ સ્વયં હસ્તક રાખવું કોઈ જ સરકારી વિભાગને તેમાં સામેલ કરવાની જરૂર નથી. હાલની પરિસ્થિતિનો દેશદ્રોહી તત્ત્વો લાભ ન ઉઠાવે તેટલા માટે ચીજવસ્તુના સ્વરૂપે કાશ્મીરી પ્રજાને મદદ મોકલવી રહી. કાશ્મીરમાં વર્ષ ૨૦૦૭માં ધરતીકંપ અને ત્યારબાદ સતત રાજકીય અશાંતિ-અનિશ્ર્ચિતતા અને હવે પૂરપ્રકોપ એકપણ રીતે ગાડી પાટે ચઢતી નથી તેના માટે આંતરિક મનોમંથન પ્રજાએ કરવાની જરૂર છે.

કાશ્મીરી પ્રજા માત્ર ગુસ્સો કે આક્રોશ વ્યક્ત કરે તે યોગ્ય નથી. તેમણે પણ ચિતાં કરવાની જરૂર છે કે કુદરતના કયા સિદ્ધાંત કે નિયમથી વિપરીત તેમના કાર્ય છે, જેથી આવા પરિણામ જોવા મળી રહ્યાં છે. કાશ્મીરી પંડિતોના નિસાસા લાગ્યા છે? દરેક ધર્મ કહે છે કે જેવું કરો તેવું પામો છો. આ વાત સમગ્ર વિશ્ર્વને સમાન રીતે લાગુ પડે છે.

No comments:

Post a Comment