Friday, September 12, 2014

રાવણની મમ્મી અને કૃષ્ણનો બીજો મામો --- ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=139938

ભારતીય સંસ્કૃતિની વાતો કરતાં અને આપણા એ અમર વારસા વિશે બોલતાં ગળું સુકાતું નથી, પણ એના વિશે પુનરાવર્તન કર્યા વિના માત્ર સો શબ્દથી વધુ બોલી શકે કે લખી શકે એવા ભારતીયો કેટલા? આમાં વાંક આપણો નથી, કારણ કે ભારતીય સંસ્કૃતિ વિશેની ચાર સ્ટાન્ડર્ડ વાતો સિવાય પાંચમી કોઈ વાત આપણને કહેવામાં આવી નથી.

ભારતીય પુરાણો વિશે કે એ પુરાણોની કથાઓ, એમાંના પાત્રો વિશે, આપણને કેટલો ખ્યાલ છે? આજની નવ્વાણું ટકા ટીવી સિરિયલોમાંના તદ્દન સિન્થેટિક, સપાટ અને બનાવટી પાત્રો કરતાં ભારતની પૌરાણિક વાર્તાઓમાંના પાત્રોનું પાત્રાલેખન અનેક ડાયમેન્શસવાળું હતું.

કુરુક્ષેત્ર વિશે ખબર છે. મહાભારતનું યુદ્ધ અહીં લડાયું. કૌરવો-પાંડવો આ સ્થળે સામસામે આવીને લડ્યા. આ કુરુક્ષેત્રને રાજા કુરુ સાથે કોઈ સંબંધ ખરો? ના. અને હા. ના એટલા માટે કે મહાભારતના યુદ્ધવાળા કુરુક્ષેત્રનો સમાવેશ રાજા કુરુના રાજ્યમાં થતો નહોતો. હા એટલા માટે કે આ એ જગ્યા હતી જ્યાં રાજા કુરુએ તપ કર્યું હતું અને ઈન્દ્રના આશીર્વાદથી એ સ્થળ પવિત્ર થયું. કુરુ એટલે પ્રિયવ્રત રાજાના પુત્ર આગ્નિધ્રાને પૂર્વચિત્તિ નામની અપ્સરાથી થયેલા નવ પુત્રોમાંનો સાતમો પુત્ર.

આ પ્રિયવ્રત રાજા વિશેની એક ઈન્ટરેસ્ટિંગ કથા છે. એ બહુ પરાક્રમી છે. પોતે સ્વયંભૂ મનુના બે પુત્રોમાંનો મોટો પુત્ર હતો. એક વખત એને થયું કે

આ સૂર્યકિરણોથી એક સાથે માત્ર અડધી જ પૃથ્વી પર અજવાળું ફેલાય તે ઠીક નહીં. માટે એ પોતાના એકચક્રી રથમાં બેસી, સૂર્ય સામી બાજુએ રહે એ રીતે, મેરુ પર્વતની ફરતે સાત દિવસ સુધી સૂર્યના જેટલા જ વેગે પ્રદક્ષિણા કરી અને સૂર્યના જેવો જ પ્રકાશ કર્યો અને ત્યાં રાત પડે ત્યારે અંધારુ થવા દીધું નહીં. આમ સાત દિવસ સુધી પૃથ્વી પર રાત પડી નહીં. એટલું જ નહીં પહેલા દિવસે મેરુથી જેટલા અંતરે એ પોતે રહ્યો હતો તેનાથી બમણા દૂરના વિસ્તારમાં બીજા દિવસે મેરુની આજુબાજુ એના રથનું પૈડું ફર્યું. ત્રીજા દિવસે ત્રણગણા દૂરના અને એ રીતે સાતમા દિવસે સાતગણા દૂરના વિસ્તારમાં મેરુની આજુબાજુ એના રથનું પૈડું ફર્યું. આને લીધે મેરુની આજુબાજુ એક મધ્યબિંદુવાળા સાત ઊંડા વર્તુળો ચીલારૂપે પડ્યાં જે સપ્તસમુદ્ર બન્યા. તેમની વચ્ચે જે જે જમીનો રહી તે દ્વીપ થઈ. પ્રિયવ્રતે દસ કરોડ વર્ષનો એક અર્બુદ એવા અગિયાર અર્બુદ સુધી રાજ્ય કર્યું. પછી એ ભગવદ્ સ્વરૂપમાં ચિત્ત સ્થિર કરીને મોક્ષ પામ્યો. પુરાણોમાં એકસો દસ કરોડ વર્ષ સુધી એક જ રાજાએ રાજ્ય કર્યું એવી કલ્પનાઓ જે દેશમાં થતી એ દેશમાં એકસો દસ કરોડ વર્ષ તો શું માત્ર દસ વર્ષ સુધી પણ એક રાજા સરખી રીતે રાજ ચલાવી શકતો નહોતો. હવે પરિસ્થિતિ બદલાશે. પુરાણકથાઓમાંનો અર્બુદ (અબજ?) શબ્દ આજના રાજકારણીઓનાં કૌભાંડોની રકમ ગણવામાં કામ લાગે છે.

પ્રિયવ્રત રાજાએ સાત મહાદ્વીપમાંથી એક એક દ્વીપ પોતાના પુત્રોમાં વહેંચી દીધો. સગાંવાદ. આમાંથી આગ્નિધ્રાને જંબુદ્વીપ મળ્યો. આગ્નિધ્રાને નવ પુત્રો હતા એટલે એણે જંબુદ્વીપના નવ ભાગ કરીને દરેકને વર્ષ (દેશ) એવી સંજ્ઞા આપી. પુત્ર કુરુને કુરુવર્ષની પ્રાપ્તિ થઈ. શૃંગવાન પર્વત અને ક્ષાર સમુદ્ર એ બેની વચ્ચેનો, ભારત વર્ષના જેવો જ, ધનુષ્યાકાર દેશ કે કુરુુવર્ષ. કૌરવો જેના વંશજ હતા તે કુરુરાજા પાછો જુદો. અહીં થોડુંક ક્ધફયુઝન થાય એ સ્વાભાવિક છે. એમ તો આજની અટકો પણ ક્યાં ઓછી ગૂંચવાડાભરી છે. અમરીશ પુરી હવે તો ભગવાનને પ્યારા થઈ ગયા પણ વર્ષો પહેલાં અમારા એક મિત્રે એમને પૂછયું કે ઓમ પુરી તમારા શું સગાં થાય ત્યારે એમણે જવાબ આપ્યો હતો: શું બધા જ શાહ કે બધા જ મહેતા કે બધા જ પટેલ એક બીજાનાં સગાં હોય છે?

રાવણની મમ્મીનું નામ શું હતું? વિશ્રવા ઋષિને એક સ્ત્રી હતી જેનું નામ કૈકસી. એ રાવણ, કુંભકર્ણ અને શૂર્પણખા તથા વિભીષણની માતા હતી. વિશ્રવા ઋષિની પ્રથમ પત્ની ભરદ્વાજ ઋષિની દીકરી દેવવર્ણિની જેનાથી થયેલા પુત્રનું નામ વૈશ્રવણ. આ વૈશ્રવણને રુદ્રના પ્રતાપે લંકા નગરી રહેવા માટે મળી હતી અને સાથે પરક્વિઝિટરૂપે સ્વેચ્છાગામી વિમાન નામે પુષ્પક મળ્યું. (રાવણ વિજય પછી રામે આ પુષ્પકનો ઉપયોગ અયોધ્યા પાછા આવવા માટે કર્યો. મસ્ત ને.) રાવણ, વિભીષણ અને કુંભકર્ણનો આ વૈશ્રવણ ઓરમાન ભાઈ થાય, સ્ટેપ બ્રધર. વખત જતાં રાવણે બળવાન બની લંકા અને પુષ્પક એની પાસેથી આંચકી લીધાં હતાં અને વૈશ્રવણ બિચારો (વાર્તામાં એનો રોલ પૂરો થઈ જવાથી) હિમાલયના કૈલાસ શિખર પર અલકા નામની નગરી વસાવીને રહેવા લાગ્યો હતો. આજની ટીવી સિરિયલો કરતાં વધુ જટિલ પ્લૉટબાજી અને સંબંધોનાં વધુ સંકુલ તાણાવાણા આપણી પુરાણકથાઓમાં ગૂંથાયેલાં છે અને પૌરાણિક વાર્તાઓમાં આજની સિરિયલો જેટલાં જ ગૂંથાયેલા પાત્રો તમને મળી આવશે. યુયુત્સુ વિશે એક કથા એવી છે કે એ ધૃતરાષ્ટ્રનો વેશ્યાપુત્ર હતો. શૂરો અને મહારથી હતો પણ યુદ્ધ પ્રસંગે પાંડવોના પક્ષમાં જતો રહ્યો હતો.

શાર્દુલ રાવણના એક ગુપ્ત દૂતનું નામ હતું. લંકાનગરીનો એ સીબીઆઈ ઑફિસર હતો. પુરાણકથા મુજબ શાંતિ એ દક્ષ પ્રજાપતિને ધર્મઋષિએ આપેલી તેરમાંની એક ક્ધયા હતી જેના પુત્રનું નામ હતું સુખ. પુરાણોમાં શાંતિ નામનાં અન્ય સ્ત્રીપાત્રો અને શાંતિ નામનાં પુરુષપાત્રોનો પણ ઉલ્લેખ છે.

વિજય માત્ર સલીમ-જાવેદની સ્ક્રિપ્ટ ભજવતા બચ્ચનજીનું જ નામ નથી. દશરથ રાજાના અષ્ટપ્રધાનોમાંનો એક હતો વિજય. વિષ્ણુના બે દ્વારપાલોમાંના એકનું નામ પણ વિજય હતું. યાજ્ઞવલ્કય ઋષિના જે ત્રણ પુત્રો રાક્ષસ બની ગયા એમાંના એક પુત્રનું નામ પણ વિજય હતું. રાક્ષસ બની ગયેલા બીજા બે પુત્રો ચંદ્રકાંત અને મહામેઘ. આ ત્રણેય ભાઈઓને અને એમના ૧૪ હજાર શિષ્યોને મહાદેવના શાપથી રાક્ષસયોનિ પ્રાપ્ત થઈ હતી. રાક્ષસયોનિ પ્રાપ્ત થયા પછી વિજય ત્રિશિરા રાક્ષસ બન્યો, મહામેઘ દૂષણા રાક્ષસ બન્યો અને ચંદ્રકાંત બન્યો ખર રાક્ષસ. ખર, દૂષણ અને ત્રિશિરા વાલ્મીકિ રામાયણમાંના વિખ્યાત રાક્ષસો છે.

દમયંતીના ભાઈના એક મિત્રનું નામ સુદેવ હતું. કંસના એક ભાઈનું નામ સુનામા હતું. એને બલરામે માર્યો હતો. કૃષ્ણ- બલરામનો એ બીજો મામો થતો. સુયોધન કોણ હતો? સુયોધન દુર્યોધનનું જ બીજું નામ થઈ ગયું હતું, કારણ કે યુધિષ્ઠિર દુર્યોધનને સુયોધનના નામે બોલાવતા. સ્વ. કવિ સુરેશ દલાલે એક વખત કહ્યું હતું કે હરીન્દ્ર દવેને દરેક વ્યક્તિ અને દરેક ચીજમાં માત્ર સારું જ જોવાની ટેવ, એ તો બૅડ્મિન્ટનને પણ ગુડમિન્ટન કહીને બોલાવે!

યુધિષ્ઠિરનું પણ સ્વ. હરીન્દ્ર દવે જેવું જ હતું.

આજનો વિચાર

કુછ ઈસ તરહ મૈંને ઝિંદગી કો આસાન કર લિયા

કિસી સે માફી માગલી, કિસી કો માફ કર દિયા

એક મિનિટ!

શાકવાળો ક્યારનો સબ્જી પર પાણી છાંટી રહ્યો હતો. બહુ વાર સુધી પાણી છાંટતો રહ્યો. છેવટે ઘરાકે થાકીને એને કહ્યું,

‘ભાઈસા’બ, ભીંડાને હોશ આવી ગયા હોય તો એક કિલો જોખી આપો.’

No comments:

Post a Comment