Saturday, September 13, 2014

હું ‘એમને’ મુક્ત કરું છું... --- અતિલક્ષ્મી કનૈયાલાલ મુનશી -- કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=100097

નામ: અતિલક્ષ્મી કનૈયાલાલ મુનશી

સ્થળ: મુંબઈ

ઉંમર: ૩૩ વર્ષ

સમય: ૧૯૨૩


હું બાર વર્ષની થઈ ત્યારે પહેલી વાર મારા ઘરમાં મેં મારા બાપાજી ને બાને ચિંતાથી વાતો કરતાં સાંભળ્યાં... ત્યાં સુધી હું પાંચીકા રમતી અને દોરડા કૂદતી. મને તો ખબર જ નહોતી કે ‘વર’ એટલે શું ? એમનું ઘર સામા ફળિયામાં જ હતું. મને વાર-તહેવારે જમવા બોલાવતા, હું સાડી પહેરીને, સજી-ધજીને ‘સાસરે’ જતી. મારાં સાસુ ‘તાપીબા’ મને રસોડામાં બોલાવીને જમાડતાં. બે-ચાર શિખામણના બોલ કહેતાં, મારા માથે હાથ ફેરવતાં, નિસાસો નાખતાં... પણ મને કંઈ બહુ ફેર પડતો નહીં. હું ચાર વર્ષની થઈ ત્યારે અમારાં લગ્ન થયેલાં. ઢીંગલી જેવડી હતી ને બે-ચાર દિવસ સાસરે રહેવા લઈ ગયેલા ત્યારે મોટા અવાજે ભેંકડો તાણેલો! 

મારાં સાસુ ‘એમને’ ભાઈ કહીને બોલાવતાં... ‘એમના’ પિતાજી નાની ઉંમરે ગુજરી ગયેલા એટલે તાપીબા માટે ‘ભાઈ’ જ બધું હતો. તાપીબાને દિલ પર પથ્થર મૂકીને હજામ પાસે માથુ મુંડાવવું પડતું. એમને ગમતું નહીં, પરંતુ લોકાચાર માનવો પડતો. તાપીબા ખૂબ વાંચતાં, બુદ્ધિ પણ ઘણી. એ સમયમાં ‘યોગવસિષ્ઠ’ અને બીજાં પુસ્તકો વાંચીને એમણે ઘણું જ્ઞાન મેળવેલું. મારાં મા-બાપ પાસે બેસવા આવે ત્યારે સારી-સારી સલાહો આપતાં. એ પોતે મા વગર મોટાં થયેલાં ને એમના વર, માણેકલાલ મુનશી ગુજરી ગયેલા, છ દીકરીઓ એમાંની બે વિધવા એટલે જીવનમાં અભાવ ઘણા! છ છોકરી પર એક છોકરો... એટલે લાડકો પણ ખરો જ ! તાપીબા ‘ચીમન મુનશી’ની છોકરીના નામે ઓળખાતાં... ને અમારાં રૂખીબાની છટકે એટલે ગમે તેમ બોલતાં. રૂખીબા એટલે મારાં ફોઈસાસુ. બોલવાનું શરૂ કરે પછી હદ વટાવી જતાં, ‘હું મરવાની નથી, હું તો કાળનો કાગડો ખાઈને આવી છું. બંગલાની અગાશી પર ઊભી રહીશ ને જોઈશ કે કિશનદાસ મુનશીના વંશમાં કોઈ જીવતું નથી પછી જ મરીશ...’ આખુંય ફળિયું રૂખીબાને બોલતાં સાંભળવા ભેગું થતું ને એમનેય ભેગા થયેલા લોકોને જોઈને મજા પડતી. મુનશીઓની જીભ ભયાનક હતી, પણ એમાં અમારાં એક જ તાપીબા ડાહ્યાં અને ઠરેલ હતાં..

એ વખતે છપ્પનિયા દુકાળનો કાળ આવ્યો હતો. મારા સસરા ડેપ્યુટી કલેક્ટર થઈને ઘરઆંગણે આવ્યા હતા. મારા સસરા ખૂબ દોડાદોડી કરતા, પણ એક દિવસ મારા ઘરના લોકો ચિંતા કરવા લાગ્યા. માણકા મુનશી મરવા પડ્યા હતા. અંગ્રેજ અને દેશી અમલદાર, ગામના ને ન્યાતના ઓળખીતા આવતા ને જતા. એમનો કાન ચીરીને પરુના રેલા કાઢ્યા હતા. લોકો કહેતા હતા એમને રતવા થયો હતો. એક દિવસ ભયાનક આક્રંદ સંભળાયું. આખું ફળિયું રડારોળ કરતું હતું, પણ એ સારા થયા ! ૧૯૦૩ના મે માસની આઠમી તારીખે મારા સસરાએ આરામખુરશી પર માથું ઢાળી દીધું અને ખબર પડી કે એમણે દેહ છોડી દીધો છે... મને મારે સાસરે બોલાવવામાં આવી, લોકાચાર, ન્યાતો, હિસાબો એ બધા દરમિયાન હું ત્યાં હતી, પણ ‘એમણે’ એકેય વાર મારી સામે જોયું નહીં.

હવે હું નાની નહોેતી. મારા ઘરમાં બધા ચિંતા કરવા લાગ્યા હતા. મને કોઈ કહેતું નહીં, પણ સૌને સમજાતું હતું કે હું ફૂટડી હતી તેમ છતાં મને મારા સાસરે બોલાવતા નહોતા. મારાં મા-બાપે મને ભણાવી નહીં એ વાતે ‘એમને’ ઘણો વાંધો હતો. સંસ્કારી સાસરિયામાં જે પ્રકારની રીત-ભાત હોય એ મને કોઈએ શીખવી નહીં. લોકો વાતો કરતા, ‘ભાઈ તો મોટી-મોટી વિદ્વાન સ્ત્રીઓની વાતો કરે છે ને એનો વહુ તરફ અણગમો વધતો જાય છે. શું થશે? આ વહુ ઘર માંડશે? ભાઈનું શું થશે?’

બાએ મને પોતાને ઘેર રાખી ભણાવવાનું નક્કી કર્યું, પણ મારા પિયરિયા તો મને મોકલવા જ તૈયાર નહોતા. એ ઇચ્છતા કે હું સાસરે વર સાથે રહું, સાસુની ગુલામગીરી વેઠવા શું કામ જાઉં? ‘એ’ આવવાના છે એની ખબર પડે કે મારી મા મને સજાવી-ધજાવીને સાસરે લઈ જતી, ‘એ’ ત્રીજે માળ ચઢી જતા... લોકો તરફથી જાણવા મળતું કે ‘એમને’ તો સાથે ગાય, વગાડે, અંગ્રેજીમાં વાતો કરે એવી વહુ જોઈએ છે. વહુ અભણ છે, મૂર્ખ છે, એની માએ એના દાંત રંગ્યા છે માટે હું એને બોલાવવાનો જ નથી એવું ‘એ’ બધાને કહેતા, પરંતુ અંતે ૧૯મી એપ્રિલ, ૧૯૦૪ના દિવસે મને ઘેર લઈ ગયા.

એ દિવસથી તાપીબાએ મને ઘડવા માંડી. હું તેર વર્ષની હતી, પણ આઠ વર્ષની લાગતી, શરીરે પાતળી ને નાની. હું મારી સહિયરોમાં ઇર્ષાનું કારણ હતી. કારણ કે મારો વર ન્યાતમાં ‘બહુ સારો’ કહેવાતો. જો કે મને બહુ કંટાળો આવતો... ‘એ’ તો વડોદરે રહેતા, મારાં સાસુ ન્હાતીવેળા સાબુ ચોળાવતાં. તેલ, મરચું કે સ્વાદિષ્ટ વસ્તુ ખાવા ન દેતાં. ચોટલો ઓળાવતાં, ચાંદલો કરાવતાં, સાડી પહેરતાં શીખવતાં. ઊંચા સ્વરે બોલવાનું નહીં, વાંચતા-લખતાં શીખવું પડશે વગેરે-વગેરે મારે કરવું પડતું ને એમાંય ‘એમણે’ કહ્યું હતું કે દાંત નહીં રંગાવતી. ત્યાં વળી મારી બાએ ‘એમ તે કંઈ ચાલે’ કહીને રંગ મૂકી દીધો... મારાથી તો બાને ન કહેવાય ને તાપીબાનેય ન કહેવાય. હું જ્યારે સાસરે ગઈ ત્યારે એમણે જોરથી કહ્યું, ‘આ ઘરમાં રહેવું હશે તો મારું કહ્યું માનવું પડશે. હવે તારા પિયર જવાનું નથી. રૂખીબા જોડે વાત કરવાની નથી...’

મારું નામ અતિલક્ષ્મી, પણ એ મને લક્ષ્મી કહેતા ! ૨૧મી એપ્રિલની રાત્રે હું એમને પહેલી વાર મળી. ધીમે-ધીમે ત્રીજે માળે ગઈ, હીંચકા પર ‘એ’ બેઠા હતા.

‘આવ બેસ’ એમણે કહ્યું. હું ગભરાતી-ગભરાતી ‘એમની’ પાસે જઈને બેઠી, ‘તને ભણતાં આવડે છે ?’

‘હા. બીજી ચોપડી વાંચું છું.’

‘એ’ મારી સામે જોઈ રહ્યા, એમના હોઠ કંપી રહ્યા હતા ‘એ’ રડી પડ્યા, ‘ગભરાતી નહીં, હું સ્વભાવે સારો નથી.’ એમણે રડતાં-રડતાં કહ્યું ને મારા જ ખભા પર માથું મૂક્યું... 

એ દિવસથી અત્યાર સુધીની બધી જ પળો મેં ‘એમની’ આંખનાં આંસુ લૂછવાનું નક્કી કરીને વિતાવી દીધી. મેં આર્યનારીની જેમ મારા પતિના પગલામાં પગલું મૂક્યું. ‘એમના’ સુખમાં સુખ જોયું. ‘એમને’ જે જોઈતું હોય એ ઈશ્ર્વર ‘એમને’ આપે એવી કાયમ પ્રાર્થના કરી. ‘એમને’ પહેલી વાર મળી ત્યારથી જ મને ખબર હતી કે હું ‘એમને’ લાયક નથી. ‘એમને’ જેવી સ્ત્રી મળવી જોઈતી હતી એવી સ્ત્રી હું નથી એની મને ખબર હતી... 

એ જ વખતે અમને ‘લીલા’ની ઓળખાણ થઈ. ૧૯૨૨ના મે માસમાં એમની ઓળખાણ થઈ હશે... એ આકર્ષાયા હતા એટલું નક્કી. એ દિવસોમાં હું અને ‘એ’ થોડો વખત અગાશીમાં બેસતાં ત્યારે લીલાવતી ઉપર આવેલાં. અમે જે મકાનમાં રહેતા હતા તે જ મકાનમાં લીલાવતીનું કુટુંબ બ્લોક ભાડે 

રાખીને રહેવા આવ્યું. ૨૨ વર્ષની એ છોકરીએ ‘એમની’ ત્રીસ વર્ષની ઉંમરે પણ એમને વિહ્વળ કરી નાખ્યા હતા એ મને દેખાતું હતું. લીલાવતી શેઠ નામની એ સ્ત્રી ધીમે-ધીમે અમારા જીવનમાં, અમારા કુટુંબમાં અને અમારા સંબંધોમાં પ્રવેશી રહી હતી. એ પણ પરણેલાં હતાં! ૨૯ ડિસેમ્બરે હું વડોદરાથી છોકરાઓ સાથે ડબામાં ચડી. એ અમદાવાદથી ભરૂચ જતા હતા. 

લીલાબહેન સાથે અમદાવાદમાં રહ્યા પછી એમનામાં ખાસ્સો ફેરફાર આવેલો. કોણ જાણે કેમ, એમણે ટ્રેનમાં મને બધું જ કહ્યું. બાળપણમાં કરેલી ‘દેવી’ની કલ્પના, માથેરાનમાં કરેલો સંકલ્પ, ભાવનગરથી લખેલા પત્રો... બધું જ ! પછી મને લીલાબહેનના પત્રો આપ્યા. એમની આંખોમાંથી આંસુ નીતરતાં હતાં. એમણે મારી ક્ષમા માગી અને કહ્યું, ‘મેં જે કર્યું છે તે અક્ષમ્ય છે, એક દૃષ્ટિએ મને આમાં અધોગતિ લાગે છે અને બીજી દૃષ્ટિએ મોક્ષ. તું મારી તરફ નહીં જોતી. મારા સુખનોય વિચાર નહીં કરતી. તું જ નિર્ણય કર. તું ના પાડીશ તો દુ:ખ થશે, હા પાડીશ તોય દુ:ખ તો થશે જ. પ્રણય મારો ભોગ લેવા આવ્યો છે - એ તો લેવાનો જ છે. આ કાગળો વાંચ, બે દહાડા વિચાર કર અને તારો નિર્ણય મને કહે! ’

ત્રીજે દિવસે રાત્રે હું એમની પાસે ગઈ. મેં એમને કહ્યું, ‘મેં તો મારું સર્વસ્વ તમને આપ્યું છે. તમે બને તેટલું મને આપ્યું છે. તમે વધારે ન આપી શક્યા, કારણ કે મારામાં તે ઝીલવાની શક્તિ નથી. લીલાબહેન તમને જે પ્રેરણા આપે છે તે હું આપી શકતી નથી. તમે ભલે મિત્ર રહો. આપણે ત્રણેય વિલાયત જઈશું. મને તમારામાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે.’

એમની આંખોમાંથી આંસુ ઝરતાં હતાં. એ રાત્રે મેં એમને જે રીતે જોયા એવા ક્યારેય જોયા નથી. એ ઊભા થયા અને એમણે મારા ચરણસ્પર્શ કર્યા. હું સંકોચાઈ ગઈ. એમણે કહ્યું, ‘હું તારા જેવી અદ્ભુત સ્ત્રી આગળ ક્ષુદ્ર છું. તારા જેવી નાનકડી સતીનું અગાધ સમર્પણ જોઈને પૂજ્યભાવ સિવાય બીજું શું ઉદ્ભવી શકે?’

એ પછીનાં વર્ષો સારાં-ખરાબ, ઊંચા-નીચા અને એકબીજાનાં દુ:ખોને જાણતાં, ઓળખતાં, સમજતાં વીતી ગયાં. હું જાણતી હતી કે ‘એ’ લીલા વિશે ઘેલા થઈ ગયા હતા! અમે પરદેશ જવાના 

હતા... હું ને લીલાબહેન બજારમાં જઈએ, કપડાં લઈ આવીએ, ‘એ’ પાસપોર્ટની ધમાલ કરે... ‘એમને’ ને લીલાબહેનને ઘણાં ઝઘડા થાય, લીલાબહેન પાછા લખે, ‘હું આવવાનું માંડી વાળું છું.’ ‘એ’ મનાવે, વળી, બે જણા આગળ વધે... એમ ચાલ્યા કરતું. આખરે અમે યુરોપ ગયા. આમ તો હું કોઈની ડાયરી વાંચું નહીં, પરંતુ વિલાયતની સફરમાં મેં લીલાબહેનની ડાયરી વાંચી. એમાં લખ્યું હતું, ‘થોડા મહિના માટે સંવાદી આત્મા સાથે સહજીવન, આવા વિરલ અનુભવ માટે હરેક પ્રકારનો ત્યાગ કરવા જેવો નથી શું ? આવું સુખ થોડા દિવસ મળે તોય બધું હોમી દીધેલું સાર્થક. જીવન જીવ્યું ને ખોયું બંને સાર્થક.’

બીજી માર્ચ, ૧૯૨૯ની સાંજે અમે ‘પિલ્સ્ના’ સ્ટીમરમાં નીકળ્યા ત્યારે મારા મનમાં ભય હતો કે યુરોપથી પાછા આવીશું ત્યાં સુધીમાં હું ‘એમને’ પૂરેપૂરા ખોઈ બેસીશ ! હું માનસિક રીતે તૈયાર થઈ ગઈ હતી, પરંતુ એમના વિના કેવી રીતે જીવીશ એની મને ખબર નહોતી પડતી. 

* * *

મને ક્સુવાવડ થઈ ગઈ અને બે-ત્રણ દહાડામાં સૂવા રોગ આવ્યો. પછી તો તાવ... બેભાન જ રહેવા લાગી, પણ જેટલી વાર ‘એ’ આવીને બેસતા એટલી વાર હું એમના સ્પર્શને ઓળખી શક્તી. ‘એ’ અડે ત્યારે મારાથી અસ્ફુટ સ્વરે બોલાઈ જતું, ‘નાથ!’ 

એમનું નામ રટતાં મારો શ્ર્વાસ છૂટી જશે એની મને ખબર છે, પણ અત્યારે આ ક્ષણે મને સંતોષ છે કે હું એમને માટે એમને જેવું જીવવું છે એવા જીવનની વ્યવસ્થા કરીને આ જગતમાંથી વિદાય થઈ રહી છું. 

No comments:

Post a Comment