http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=140061
સ્ત્રી જમાનાને અને જમાનો સ્ત્રીને બદલે છે -- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
સ્ત્રી જમાનાને અને જમાનો સ્ત્રીને બદલે છે -- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
પહેલાંના જમાનામાં પણ કહેતા હતા કે જમાનો બદલાઈ ગયો છે અને પછીના જમાનામાં પણ કહેતા રહેશે કે જમાનો બદલાઈ ગયો છે. જમાનો સતત બદલાતો રહે એ જ જમાનાની સ્થિરતાનું એક લક્ષણ છે. સન ૧૮૭૧માં નૃવંશાસ્ત્રી ચાર્લ્સ ડાર્વિને ઘણી બધી વાતો કરી હતી. મનુષ્ય વાંદરામાંથી આવ્યો છે. પૃથ્વી પર જે વંશજાતિ (સ્પીસીઝ) સૌથી સુયોગ્ય (ફિટ) હોય છે એ જ જીવતી રહે છે. પણ ચાર્લ્સ ડાર્વિને લખેલી એક મહત્ત્વની વાત પર ધ્યાન અપાયું નહીં. એ વાત ૧૮૭૧માં ચાર્લ્સ ડાર્વિને લખી હતી: એ વિશે કોઈ જ મતાંતર નથી કે બળદનો સ્વભાવ ગાયથી ભિન્ન છે, નર સૂવરનો સ્વભાવ માદા સૂવરથી ભિન્ન છે, ઘોડાનો સ્વભાવ ઘોડીથી ભિન્ન છે... માનસિકતાની દૃષ્ટિએ, સ્ત્રી પુરુષ કરતાં ભિન્ન છે...
સ્ત્રીની મન:સ્થિતિ પ્રમાણે એની સમાજસ્થિતિ બદલાતી નથી, પણ જમાનાના બદલાવની પાછળ ઘણી વાર સ્ત્રીનો બદલાતો દરજ્જો બહું મોટો ભાગ ભજવે છે. હિન્દુસ્તાની સમાજો અગતિશીલ કે સ્ટેટિક સમાજો ગણાય છે, એમાં તલસ્પર્શી ફેરફારો બહું ઓછા થાય છે. કાયર સરકારો અને જડ સમાજો હોય ત્યાં શાહબાનુ અને અમીના જેવી બે ઘટનાઓ સંભવી શકે છે. અમીના નામની ૧૧ વર્ષની બેબીને એનો બાપ ૧૮ વર્ષની છે એમ ખોટું વિધાન કરીને ૬૦ વર્ષીય સાઉદી આરબ નાગરિક સાથે પરણાવી દે છે અને હિન્દુસ્તાનભરના સંનિષ્ઠ મુસ્લિમ ધર્મશાસ્ત્રીઓમાંથી એકપણ આગળ આવીને કેમ કહેતો નથી કે આ વર્જ્ય છે, ખોટું છે, અધાર્મિક છે, મહિલાવિરોધી છે, ગેરકાનૂની છે? શાહબાનુ લગભગ ૭૦ વર્ષે પહોંચી હતી, એક આખી જિંદગી વિવાહિતા રહી હતી અને એને મિનિટોમાં તલાક તલાક તલાક અપાઈ ગયા અને એને માસિક નિર્વાહખર્ચ કેટલો આપવાનું નક્કી થયું હતું? શાહબાનુએ કહ્યું કે ૧૫૦ રૂપિયા અને ઉમેર્યું કે મિયાંસાબનો માસિક પાનનો ખર્ચ એનાથી વધારે છે! જમાનો સમયના એક જ ફલક પર જુદી જુદી જાતિઓ અને જુદી જુદી વ્યક્તિઓ માટે એક જ ગતિથી બદલાતો હોય એ જરૂરી નથી. કેટલાકને માટે થીજી ગયો છે, કેટલાકને માટે એ સુપરસોનિક ગતિએ ઊડી રહ્યો છે. સન ૧૭૩૬માં એટલે કે આજથી રપપ વર્ષો પહેલાં ઇંગ્લેન્ડમાં ચીફ જસ્ટિસ હેલે ચુકાદો બહાર પાડ્યો હતો કે લગ્ન એટલે એ સ્થિતિ જેમાં પત્નીને એની સાથે સેક્સસંબંધ કરી શકવાની, પાછી ન ખેંચી શકાય એવી અનુમતિ આપી દે છે ( ઈર્રિવોકેબલ ક્ધસેન્ટ ટુ સેક્સ). હમણાં ઓક્ટોબર ૧૯૯૧માં ઇંગ્લેન્ડના હાઉસ ઓફ લોર્ડ્ઝે, જે અપીલ માટેની અંતિમ કોર્ટ છે, એક નવો ચુકાદો બહાર પાડ્યો. પાંચ જજોએ નિર્ણય આપ્યો. એ એક અપીલ હતી. એક અંગ્રેજને એની જુદી રહેતી પત્નીને ‘રેપ’ કરવાનો પ્રયત્ન કરવા માટે ૩ વર્ષની જેલની સજા થઈ હતી. આ અંગ્રેજે હાઉસ ઓફ લૉર્ડ્ઝને અપીલ કરી. પાંચ લૉ લૉર્ડ્ઝ અથવા કાનૂનના લૉર્ડ્ઝે કહ્યું કે પત્નીને પતિને સેક્સની ના પાડવાનો અધિકાર છે! જજોએ એમના નિવેદનમાં બદલાતા જમાનાની સ્થિતિ સ્પષ્ટ કરતાં લખ્યું: આજના આધુનિક જમાનામાં લગ્ન એ બે સમાન વ્યક્તિઓની ભાગીદારી છે અને પત્ની એ જૂના જમાનાની જેમ પતિની આજ્ઞાંકિત ઘરવખરીની વસ્તુ (સબ્ઝર્વીઅન્ટ શેટલ) નથી. ૧૯૭૦ અને ૧૯૮૦ના દશકોમાં અમેરિકાનાં દરેક બે લગ્નોમાંથી એક લગ્નનો અંત તલાક કે વિવાહવિચ્છેદમાં આવ્યો હતો. આજે હિંદુસ્તાનમાં વિવાહવિચ્છેદ કે ડિવોર્સ માટેની વધારે અરજીઓ સ્ત્રીઓ તરફથી થતી હોય છે. અને મુંબઈની ડિવોર્સ કોર્ટોમાં હવે ગુજરાતીઓના કેસો બહુમતીમાં છે એવું ડિવોર્સ કોર્ટનો એક વકીલ, જે કોલેજમાં મારો વિદ્યાર્થી હતો, કહી રહ્યો હતો. મધ્ય અને ઉચ્ચ મધ્ય વર્ગમાં ડિવોર્સ કે તલાક શબ્દો હવે ઓછા બદનામ છે અને ઘણી વાર સ્ત્રી સમાનતા કે સ્ત્રીસ્વાતંત્ર્યના પર્યાયવાચી બની રહ્યા છે. સ્ત્રીનો પોતાના શરીર પરનો હક, રાઈટ ટુ બોડી, એ બદલાયેલા જમાનાની તાસીર છે. જમાનો રશિયામાં પણ બદલાઈ ગયો છે. ‘પેરેસ્ત્રોઈકા’ નામના રશિયન પત્રમાં રશિયન સમાજશાસ્ત્રી ઈગોર કોને રશિયામાં વેશ્યાવૃત્તિ વિશે લખ્યું છે. સમાજવાદી સોવિયેટ દેશમાં ગઈ કાલ સુધી દાવો કરવામાં આવતો હતો કે અહીં સ્ત્રીનું શોષણ નથી, વેશ્યાવૃત્તિ નથી, વેશ્યા શબ્દ પશ્ર્ચિમી સંસ્કૃતિનો છે. હવે રશિયામાં પણ જમાનો બદલાઈ ગયો છે, રશિયામાં કોલગર્લ કે વેશ્યા માટે શબ્દ છે: રાતનું પતંગિયું! એકેડેમિશિયન ઈગોર કોને રશિયાની વેશ્યાઓનો અભ્યાસ કર્યો છે. એક રશિયન વેશ્યાએ સ્પષ્ટ કહી દીધું: એક ફેક્ટરીમાં કામ કરીને તમે કેટલું કમાઈ શકો છો? મહિને ૧૫૦ રૂબલ? એટલું અમે એક દિવસમાં કમાઈ લઈએ છીએ. અને જો બરાબર કામ મળી જાય તો મહિને ૧૦,૦૦૦ રૂબલ પણ કમાઈ શકાય છે! રશિયામાં કલ્પના ન હતી કે સ્ત્રી, દેહ વેચીને વ્યાવસાયિક બને. આજે રશિયા એ સ્વીકારવા જેટલું યથાર્થદર્શી થઈ ચૂક્યું છે. આ અભ્યાસથી બદલાયેલા જમાનાની એક નવી વાત બહાર આવી છે. રશિયામાં બે પ્રકારની કોલગર્લ્સ છે: એક ઉચ્ચ વર્ગની, શિક્ષિત, આધુનિક ‘ઈન્ટરગર્લ્સ’ કહેવાતી હોશિયાર છોકરીઓ, જે એમના ગ્રાહકો પસંદ કરવામાં સ્તરની ખાસ આગ્રહી છે. એ મોંઘી હોટેલમાં ગ્રાહકો સ્વીકારે છે અને સૌથી મહત્ત્વની વાત: એ છોકરીઓ માત્ર હાર્ડ કરન્સી (ડોલરો, ડૉઈશમાર્ક, યેન, પાઉન્ડ વગેરે)માં જ એમનું પેમેન્ટ સ્વીકારે છે! બીજી સામાન્ય મધ્યમવર્ગીય વેશ્યાઓ છે. લોકોની ભાષામાં કહેવાય છે એમ... જમાનો જમાનાનું કામ કરે છે. --------------- ક્લોઝ અપ કરાચીના પ્રતિષ્ઠિત પત્ર ‘નવા-એ-વક્ત’માં ખ્વાજા સાકિબ ગફૂરે પાકિસ્તાનમાં લોહીના વેપાર વિશે એક લેખ લખ્યો હતો. આ લેખનો ગુજરાતી અનુવાદ મેમણ ન્યૂસના ઓગસ્ટ ૧૬, ૧૯૯૧ના અંકમાં પ્રગટ થયો હતો. એ લેખમાંથી કેટલાક અંશ: ‘અહીં (પાકિસ્તાન) પહોંચ્યા બાદ યુવતીઓની રીતસરની બોલી લગાવવામાં આવે છે. એમને જુદી જુદી રીતે પોઝમાં ઊભી રાખીને ખરીદદારોને બતાવવામાં આવે છે. આ વેપાર દિવસના પ્રકાશમાં અને રાતના અંધકારમાં અવિતરપણે ચાલુ છે. આ યુવતીઓમાં ૧૨ વરસની બાળાઓથી માંડીને ૪૦ વરસની યુવતીઓ સામેલ હોય છે... કરાચી જેવા શહેરમાં આવેલા કેટલાય આવા અડ્ડાઓમાં જઈને પોતાની પસંદની છોકરી ખરીદવાનું લગીરે મુશ્કેલ નથી. લોકો આવા માનવવેપાર માટેના ‘મથક’ પર જઈને મનપસંદ યુવતી ખરીદી લે છે, બલકે પોતાની ઈચ્છા મુજબની યુવતી મેળવવા માટે વિધિસર ઓર્ડર બુક કરાવી શકે છે. એ માટે ગ્રાહકે પોતાની માગણીની સ્પષ્ટતા કરવી પડે છે કે કેવી યુવતીની જરૂર છે-મેટ્રિક પાસ કે ઉચ્ચ અભ્યાસ ધરાવતી, કુંવારી, ઉર્દૂ જાણનારી, અંગ્રેજી જાણનારી અથવા બંગાળી જાણનારી... રકમ હોવી જોઈએ, બસ... પણ ભોગજોગ ખરીદનારા ઝડપાઈ પણ જાય તો દસ-વીસ હજારમાં મામલો રફેદફે થઈ જાય છે. સોદો પતી ગયા પછી ગ્રાહક માલનો હાથ પકડીને લઈ જતો નથી (આમ કરતાં શરીઅતના હદીસના કાનૂનમાં ફસાઈ જઈ વધુ ખાડામાં ઊતરવું પડે); બલકે રજિસ્ટર્ડ થયેલા સરકારમાન્ય કાઝીથી બનાવટી નિકાહનામું લાંચ આપીને મેળવી લે છે. આમ વ્યભિચારના જોખમથી ઊગરી જાય છે અને છોકરી કાયદેસરની ગુલામ બની જાય છે. પાકિસ્તાનમાં પ્રવેશ્યા બાદ એમના નવા દલાલ એમનાં બનાવટી ઓળખપત્રો બનાવી લે છે. આ વાત સામાન્ય છે કે પાકિસ્તાનની અંદર બનાવટી ઓળખપત્ર બસ્સો-પાંચસોમાં બની જાય છે. પાકિસ્તાનમાં અસંખ્ય લોકોની પાસે બનાવટી ઓળખકાર્ડ રહેલાં છે. એના થકી એમનાં કેટલાંય બનાવટી પાસપોર્ટ બની જાય છે. (આ છોકરીઓએ બતાવ્યું કે) એમને લાતો અને ઠૂંસાઓથી બેફામ મારવામાં આવતી, એમને બેદરકારી તરફ વાળવામાં આવતી અને એ માટે ઈનકાર કરતાં બેફામ જુલમ કરવામાં આવતો. એમની સાથે આવેલા એમના પતિઓને મારી મારીને ભગાડી દેવામાં આવ્યા, તેમની સાથે તેમનાં નાનાં નાનાં બાળકોને પણ વેચી નાખવામાં આવતાં હતાં. અગર પોલીસ એ બદનસીબ યુવતીઓને મુક્તિ અપાવી દેતી તો એ બદમાશો તેમનો જેલમાં પીછો કરતા. જ્યારે અદાલતે યુવતીઓને છોડી મૂકી તો એ દલાલો જેલમાં દરવાજા બહાર તેમની રાહ જોતા ઊભા હતા. કેટલીક વાર તો સ્થાનિક પોલીસથી સોદો થઈ જાય છે... એ પછી એ યુવતીઓને ઘેટાંબકરાંની જેમ લિલામ દ્વારા બોલી લગાવીને વેચી નાખવામાં આવે છે.’ |
No comments:
Post a Comment