http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=93752
નાકલીટી તાણવી પડે તો ભલે, પણ મનનું ધાર્યું કરવું -- ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
નાતબહાર કાઢવાનો રિવાજ આજે પણ ચાલુ છે. કારણો જુદાં છે પણ રિવાજ ચાલુ છે. અને તે પણ અભણ કે ગમાર લોકોમાં આ રિવાજ નથી. બુદ્ધિશાળી ગણાતા વર્ગમાં આ રિવાજ છે. વાત કરીએ એની.
મહીપતરામ નીલકંઠને ઇંગ્લૅન્ડની મુસાફરી કરવા બદલ નાતબહાર મૂકવામાં આવ્યા હતા તે તમે જાણ્યું. ૧૮૬૧માં તેઓ વિલાયતનો પ્રવાસ કરીને પોતાને વતન સુરત આવ્યા ત્યારે જ્ઞાતિજનોની દહેશતથી પોતાના ઘરે પાછા ફરવાને બદલે પડોશના એક ખાલી ઘરમાં ઊતર્યા. મહીપતરામ ઘરની બહાર નીકળતા ત્યારે ‘વિલાયતી વાંદરું’ જેવી ટીખળો એમના માટે થતી. મહીપતરામ દુભાતા પણ આવાં અપમાનોને તેઓ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં દબાવી દેતા.
જ્ઞાતિજનો મહીપતરામ પાસે પશ્ર્ચાતાપ કરાવવા માગતા હતા પણ મહીપતરામ ઝૂકતા નહોતા. આ ગાળામાં પિતા રૂપરામનું અવસાન થયું. નાગર બ્રાહ્મણોએ ઠરાવ કર્યો કે રૂપરામની ઉત્તર ક્રિયામાં મહીપતરામની ઉપસ્થિતિ હોય તો વિધિનો બહિષ્કાર કરવો. છેવટે મહીપતરામે ઉત્તરક્રિયા કરવાનું કામ પોતે ન કરતાં પોતાના કાકાને સોંપ્યું.
લગભગ છ-સાત વર્ષ સુધી આ વિવાદ ચાલ્યો. છેવટે મહીપતરામે ઝૂકી જવું પડ્યું અને જ્ઞાતિને આ મુજબનો વિનંતીપત્ર લખી આપવો પડ્યો:
‘સુરતના નાગર બ્રહ્મણ વડનગરા સુરતી કુંકણા સમસ્તને વિનંતી કે હું કેટલાંક વર્ષ પર ઇંગ્લાંડ જઈ આવ્યો છું, તે બાબતે મારે કુટુંબ સાથે સુરતમાં સ્વજ્ઞાતિ બ્રાહ્મણોની પાસે પ્રાયશ્ર્ચિત કરી શુદ્ધ થવું એવો કેટલાક નાગરોનો આગ્રહ છે અને તે મુજબ કરવું હું ખુશીથી કબુલ કરું છું. માટે કૃપા કરીને મને કુટુંબ સાથે પ્રાયશ્ર્ચિત કરાવશો તો ઉપકાર થશે, ને તેનો ખર્ચ હું ખુશીથી કરવા તૈયાર છું. સંવત ૧૯૨૩ના ભાદરવા સુદી ૧૦, વાર રવેઉ તા. ૮ સપ્ટેમ્બર ૧૮૬૭.’
મહીપતરામે ગોદાનરૂપે બ્રાહ્મણોને રૂ. ૧૫૦૦ આપી પ્રાયશ્ર્ચિત લીધું. આ વાત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની. હવે વીસમી સદીના પૂર્વાધની એક વાત. સબુરદાસ છગનલાલ શાહ અમારા પરદાદા. પંચમહાલ જિલ્લાના દેવગઢ બારિયામાં વેપાર કરે. એમની ભણેલીગણેલી દીકરી માટે જ્ઞાતિમાં કોઈ યોગ્ય મૂરતિયો ન મળે. પરનાતના યુવક સાથે વિવાહ કર્યા જે ડૉકટર બન્યા. સબુરદાસને નાત બહાર મૂકવામાં આવ્યા. જ્ઞાતિના પંચનો ઠરાવ. પ્રાયશ્ર્ચિતરૂપે રોકડ દંડ તો ભરવાનો જ ઉપરાંત સમસ્ત જ્ઞાતિજન ભેગું થયું હોય ત્યારે પંચની માફી માગવાની. કેવી રીતે માગવાની. ઘૂંટણભેર નમીને નાક જમીન પર અડાડીને રેતીમાં લીટી તાણવાની. સબુરદાદાએ નાકલીટી તાણી અને એમને નાતમાં પાછા લેવામાં આવ્યા એમના જમાનાના લોકો કહેતા કે સબુરશેઠને ખબર હતી કે દીકરીના વિવાહ પરનાતમાં થશે એટલે આવી નોબત આવવાની છે. પણ ગ્રેજ્યુએટ દીકરીને ઓછું ભણેલા સાથે પરણાવીને દુખી કરવાને બદલે ભણેલાગણેલા યુવક સાથે પરણાવવાની એમની જીદ હતી. એમણે પોતાનું ધાર્યું કર્યું. દીકરીના સુખની સામે નાતની અવગણના કરી. નાકલીટી તાણવી પડે તો તાણી લેવાની. પણ અંતે તો પોતાનું ધાર્યું કર્યું જ ને. સબુરદાદાના આ કિસ્સા પરથી મને વિચાર આવ્યો કે વાણિયાઓ મૂછ શું કામ રાખતા. જરૂર પડે ત્યારે પ્રેકટિકલ બનીને મૂછ નીચી કરી લેવાની પણ ધાર્યું તો પોતાનું જ કરવાનું. વાણિયા તારી મૂછ નીચી તો નીચી એ કહેવત કંઈ અમસ્તી પડી હશે.
કટ ટુ ૨૦૧૩. સો વર્ષ પછીનો જમાનો. મધુ કિશ્ર્વાર નામનાં એક જમાનામાં પાકા સેક્યુલર રહી ચૂકેલાં નારીવાદી કાર્યકરની વાત આ જ જગ્યાએ થોડા મહિના પહેલાં લખી હતી. ‘માનુષી’ નામના સ્ત્રીવાદી માસિકનાં એ તંત્રી. એમણે નરેન્દ્ર મોદીનાં ભરપૂર વખાણ કરતા લેખો લખ્યા ત્યારે આ કૉલમમાં એની નોંધ લીધી હતી.
આજકાલ એમને સેક્યુલરોની નાતની બહાર મૂકવામાં આવ્યાં છેે. અભિનેત્રી અને સેક્યુલર ન્યૂસન્સ માટે જાણીતાં એવાં શબાના આઝમીએ મધુ કિશ્ર્વાર સામે ટ્વિટર પર ઘણો કલબલાટ કર્યા પછી છેવટે લખ્યું છે: ‘હું કોઈક બીજી મધુ કિશ્ર્વારને ઓળખું છું અને તું કોઈક જુદી જ છે. ગુડબાય.’
વચ્ચે દિલ્હીમાં એક ફંક્શનમાં મધુ કિશ્ર્વાર બોલી રહ્યાં હતાં ત્યારે ચાલુ પ્રવચને ઑડિયન્સમાંથી કેટલાક લોકોએ મધુ કિશ્ર્વારનો હુરિયો બોલાવ્યો હતો. મધુ કિશ્ર્વાર પર સેક્યુલર ગૅન્ગ આક્ષેપો કરતી ફરે છે કે એ ‘વેચાઈ ગઈ છે’, ‘એને રાજ્યસભાની ટિકિટ જોઈએ છે.’
ગઈ કાલ સુધી જે સેક્યુલર પંડિતોનું ગળું મધુ, મધુ કરતાં થાકતું નહોતું તેઓ માટે હવે મધુ કિશ્ર્વાર અસ્પૃશ્યા બની ગયાં છે. મધુ કિશ્ર્વારને બદનામ કરવા ટ્વિટર પર કોઈ બીકણ સેક્યુલરવાદીએ ‘મધુ મૌસી’ના નામે બનાવટી અકાઉન્ટ ખોલ્યું છે. મધુ કિશ્ર્વાર આ બધી ટ્વિટ્સ જલસાથી પોતાની વેબસાઈટ પર ક્વોટ કરે છે.
સેક્યુલરવાદીઓ પોતાને બુદ્ધિવાદી કહેવડાવે છે. બુદ્ધિવાદીઓનું તો પાયાનું લક્ષણ હોય કે સામેવાળાના મત સાથે સંમત ન થાય તોય એમને ને એમના મત કરવાના અધિકારને આદર આપે. પણ ભાગ્યે જ કોઈ સેક્યુલરવાદી સહનશીલ અને ઉદાર તમને જોવા મળે.
મધુ કિશ્ર્વારે મોદીનાં વખાણ કરવાં હોય તો કરે. તમારે એમની (મોદીની એઝ વેલ એઝ મધુની) ટીકા કરવી હોય તો કરો. પણ મધુને ‘ગુડબાય’ શું કામ કહી દેવાનું? મોદી વિશેની મધુ કિશ્ર્વારની લેખમાળા પછી સેક્યુલરવાદીઓએ ચારે તરફથી એમના પર ફિટકાર વરસાવ્યો છે. ગઈ કાલ સુધી જે તમારામાંની એક હતી તે આજે માત્ર એક લેખમાળાને કારણે પરાયી થઈ ગઈ?
નાતબહાર મૂકાવાનું જોખમ જેઓ જમાનાના ગાડરિયા પ્રવાહ સાથે નથી ચાલતા એમના માથે તોળાતું જ હોય છે. એ ઓગણીસમી સદી હોય, વીસમી કે પછી એકવીસમી. જેમની પાસે સ્વતંત્ર વિચારધારા છે, જેઓ ભવિષ્યનો જમાનો જોઈ શકે છે, જેમનામાં સારુંનરસું પારખવા માટેનો નીરક્ષીર વિવેક છે એટલું જ નહીં પણ એ વિવેકને ખોંખારો ખાઈને પ્રગટ કરવાની નૈતિક હિંમત પણ છે, તેઓને નાતબહાર મૂકવામાં આવે તે પહેલાં જ એમણે પોતાનામાંથી પોતાની નાતને બહાર મૂકી દેવી જોઈએ. રવીન્દ્રનાથ ટાગોરે એકલો જાને રે કંઈ અમસ્તું જ નહોતું કહ્યું.

No comments:
Post a Comment