Friday, September 12, 2014

ઠોઠ વિદ્યાર્થી પણ વિશ્ર્વવિખ્યાત બની શકે ? -- સુખનો પાસવર્ડ - આશુ પટેલ

પરીક્ષાઓથી ડરનારા વિદ્યાર્થીએ જ્યારે જગમશહૂર બનવાની જાહેરખબર આપી!





ઓગણીસમી સદીના અંતના વર્ષોની વાત છે. જર્મનીમાં ભણતા એક વિદ્યાર્થીને પરીક્ષાઓથી બહુ ડર લાગતો હતો. એ વિદ્યાર્થીને તેના પિતા ઈલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવવા માગતા હતા, પણ એ ટીનેજ વિદ્યાર્થી પરીક્ષાઓમાં કશું ઉકાળી શકતો નહોતો. એ પ્રાથમિક શાળામાં હતો ત્યારે એક વાર એની માતાને બોલાવીને ટીચરે કહ્યું હતું કે તમારો દીકરો કોઈ કાળે ભણી શકશે નહીં. એનો બુદ્ધિઆંક બહુ ઓછો છે. તમે એને સ્કૂલમાંથી ઉઠાડી લેશો તો અમારા પર ઉપકાર થશે!

એ વિદ્યાર્થી પંદર વર્ષનો થયો ત્યારે તેણે જર્મનીના મ્યુનિકમાં પોલિટેક્નિકમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપી પણ એને પ્રવેશપરીક્ષામાં નિષ્ફળતા મળી.

એ દરમિયાન તેને અને તેના પિતાને કોઈએ સલાહ આપી કે અરાઉની પોલિટેક્નિકની પ્રવેશ પરીક્ષા સરળ હોય છે. ત્યાં પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવામાં કદાચ વાંધો નહીં આવે.

એ વિદ્યાર્થીએ ૧૬ વર્ષની ઉંમરે અરાઉ પોલિટેકનિકમાં પ્રવેશ મેળવી લીધો. જોકે 

પ્રવેશ મળી ગયા પછી અરાઉ પોલિટેક્નિકમાં પહેલી પરીક્ષામાં જ તેણે ધબડકો 

વાળી દીધો. અરાઉમાં એ જે કુટુંબની સાથે રહેતો હતો એ કુટુંબની હમઉમ્ર છોકરી 

સાથે તેને પ્રેમ થઈ ગયો. એટલે તે ભણવા કરતાં વધુ સમય એ છોકરી પાછળ વિતાવવા માંડ્યો. 

અરાઉ પોલિટેક્નિકમાં પહેલી પરીક્ષાનું પરિણામ આવ્યું એમાં તમામ વિષયના શિક્ષકોએ તેની શાબ્દિક ધુલાઈ કરી હતી. ભૌતિકશાસ્ત્રના શિક્ષકે લખ્યું હતું કે આ વિષયમાં મહેનત કરવાની જરૂર છે. તો રસાયણશાસ્ત્રના શિક્ષકે એ વિષયમાં તે વિદ્યાર્થીનો દેખાવ ખરાબ ગણાવ્યો હતો. ઈટાલિયન ભાષાના શિક્ષકે પણ તે વિદ્યાર્થીની ઝાટકણી કાઢી હતી. ફ્રેન્ચ ભાષાના શિક્ષકે તેની ફ્રેન્ચ ભાષાને બીભત્સ ગણાવી હતી. સંગીતના શિક્ષકે નોંેધ કરી હતી કે આ વિદ્યાર્થીના દેખાવ વિશે કોઈ કંઈ ન પૂછો એ જ સારું છે તો વળી બીજા શિક્ષકોએ તેને સૌથી વધુ ના-લાયક વિદ્યાર્થી ગણાવ્યો હતો. 

૧૬ વર્ષ સુધી પરીક્ષાઓનાં આવાં જ પરિણામો મેળવનારા એ વિદ્યાર્થીને દુનિયામાં સૌથી વધુ ડર પરીક્ષાથી લાગતો હતો. શિક્ષકો ક્લાસમાં શું ભણાવતા હતા એ તેની સમજમાં નહોતું આવતું. તેને જોકે ભૌતિકશાસ્ત્રમાં બહુ રસ હતો. પણ શિક્ષકો તેને જે રીતે ભણાવતા હતા એ તેના દિમાગમાં ઊતરતું નહોતું. પરીક્ષાઓમાં તેને નિષ્ફળતા મળતી હતી કે જેમ તેમ કરીને તે પાસ થતો હતો પણ તેને જ્યારે સમય મળે ત્યારે તે ભૌતિકશાસ્ત્રનાં પુસ્તકો વાંચતો રહેતો હતો. તેને વિખ્યાત વૈજ્ઞાનિક જેમ્સ ક્લર્ક મૅક્સવેલ માટે બહુ માન હતું.

એ વિદ્યાર્થીએ એક વાર ડરતા ડરતા ભૌતિકશાસ્ત્રના શિક્ષકને કહ્યું કે, મને ભૌતિકશાસ્ત્રમાં બહુ રસ છે, પણ મને તમે જે રીતે આ વિષય શીખવો છો એ નથી ફાવતું. તેના શિક્ષક હસી પડ્યા. તેમણે કહ્યું કે, ભલા માણસ, ભૌતિકશાસ્ત્રને અને તારે શું લેવાદેવા? તારી ભૌતિકશાસ્ત્ર જેવા વિષયમાં આગળ વધવાની ક્ષમતા નથી. એક કામ કર, તું કાનૂનનો વિષય લઈ લે. તારી તર્કશક્તિને કારણે એમાં તારું ડીંડક ચાલી જશે અને ભૌતિકશાસ્ત્ર વિષય પર તેં ઉપકાર કર્યો ગણાશે!

એ સમય દરમિયાન પરીક્ષા આવે એટલે તે વિદ્યાર્થી નર્વસ થઈ જતો. તે પોતાના એક મિત્ર માર્સેલ ગ્રોસમેન સાથે પોતાના ટેન્શન વિશે વાત કરતો અને ગણિત વિષયની પરીક્ષા વખતે તે માર્સેલની મદદ લેતો હતો. માર્સેલ બહુ હોશિયાર વિદ્યાર્થી હતો અને ગણિત પર તેનું અદ્ભુત પ્રભુત્વ હતું. શિક્ષકો પણ તેના વખાણ કરતા હતા. આ દરમિયાન તેની પ્રેમિકા મેરી તેને છોડી ગઈ હતી. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ ઠોઠ વિદ્યાર્થીની 

ટીખળ કરતા હતા અને આવા ઠોઠ વિદ્યાર્થી સાથે મેરીનો પ્રેમ સંબંધ પણ લાંબો 

ચાલ્યો નહીં. 

અરાઉ પોલિટેક્નિકમાં પહેલી જ પરીક્ષામાં નિષ્ફળતા મળ્યા પછી અને પહેલી પ્રેમિકા મેરી સાથે પ્રેમસંબંધ તૂટી ગયા પછી એ વિદ્યાર્થીએ સ્વિસ પોલિટેક્નિકમાં પ્રવેશ મેળવ્યો. સ્વિસ પોલિટેક્નિકમાં ભણતા ભણતા એ ઠોઠ વિદ્યાર્થીની દોસ્તી મિલેવા મેરિક નામની એક યુવતી સાથે થઈ ગઈ. મિલેવા મેરિકને આ ઠોઠ વિદ્યાર્થીમાં રસ પડ્યો. એ બંને ગાઢ પ્રેમમાં પડી ગયા. ઠોઠ વિદ્યાર્થીના માતાપિતાને ખબર પડી કે દીકરો ફરી વાર પ્રેમમાં પડ્યો છે ત્યારે તેમણે તેને ખખડાવી નાખ્યો કે પ્રેમ-બ્રેમને બદલે ભણવામાં ધ્યાન આપ તો તારી જિંદગીમાં કંઈક શક્કરવાર વળશે.

જોકે માતાપિતાની પરવા કર્યા વિના એ વિદ્યાર્થી મિલેવા મેરિક સાથે આગળ વધી ગયો. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાઈ ગયો. ઠોઠ વિદ્યાર્થીએ પ્રેમિકા મિલેવાને કહ્યું કે એક વાર મને ડિગ્રી મળી જાય એટલે તરત નોકરી શોધી લઈશ અને પછી આપણે પરણી જઈશું. જેમ તેમ કરીને ૧૯૦૦ના વર્ષમાં એ વિદ્યાર્થીએ સ્વિસ પોલિટેક્નિકમાં અભ્યાસ પૂર્ણ કર્યો. એ વિદ્યાર્થી ફાઈનલ પરીક્ષામાં પાસ થશે એવી કોઈને કલ્પના નહોતી, પણ બધાના આશ્ર્ચર્ય વચ્ચે એ વિદ્યાર્થીએ પરીક્ષામાં સફળતા મેળવી લીધી. જોકે એ વિદ્યાર્થી સાથે રખડવામાં મોટા ભાગનો સમય ગાળતી તેની પ્રેમિકા મિલેવાને પરીક્ષામાં નિષ્ફળતા મળી. 

સ્વિસ પોલિટેક્નિકમાંથી ડિગ્રી મેળવ્યા પછી એ યુવાને નોકરી મેળવવાની કોશિશ શરૂ કરી. નોકરી મળે એટલે તરત જ પરણી જવાનું તેણે પ્રેમિકા સાથે નક્કી કર્યું હતું. નોકરી નહોતી મળતી એટલે તેણે માતાપિતાને સમજાવવાની કોશિશ કરી કે મને આ છોકરી ગમે છે એટલે તેની સાથે પરણી જવા દો. તેના માતાપિતાએ કહ્યું કે અમે કોઈ કાળે આ છોકરીને પુત્રવધૂ તરીકે નહીં સ્વીકારીએ. જોકે એ યુવાને તો પ્રેમિકા મિલેવાને લગ્ન વિના જ મનોમન પત્નીનો દરજ્જો આપી જ દીધો હતો અને ૧૯૦૨માં પ્રેમિકાને પોતાના બાળકની માતાનો દરજ્જો પણ આપી દીધો. એ બંનેના સંબંધથી મિલેવા ગર્ભવતી બની ગઈ. મિલેવાના માતાપિતા હંગેરી રહેતા હતા અને યુવાનના માતાપિતા તો મિલેવાને ઘરમાં આવવા દેવા પણ તૈયાર નહોતા એટલે ગર્ભવતી મિલેવાએ પોતાના માતાપિતા પાસે હંગેરી જતા રહેવું પડ્યું. ૧૯૦૨માં મિલેવાએ પોતાના બેકાર પ્રેમી સાથેના પ્રેમસંબંધના ફળરૂપે પુત્રીને જન્મ આપ્યો. એ પુત્રીનું નામ તેણે લિસરલ પાડ્યું. એ સમયમાં લગ્ન વિના બાળકને જન્મ આપવો એ બહુ શરમજનક ગણાતું હતું. 

આ દરમિયાન બેકાર યુવાન નોકરી શોધવા માટે મથામણ કરી રહ્યો હતો. એ વખતે તેના ખાસ મિત્ર માર્સેલ ગ્રોસમેનને સ્વિસ પેટન્ટ ઑફિસમાં નોકરી મળી ગઈ હતી અને તેણે પોતાના બેકાર મિત્રને કહ્યું કે સ્વિસ પેટન્ટ ઓફિસમાં એક જગ્યા ખાલી પડવાની છે અને એ જગ્યા માટે અખબારોમાં જાહેરખબર આવવાની છે. બેકાર યુવાન એ નોકરી માટે ટાંપીને બેઠો હતો. એ દિવસોમાં એ બેકાર યુવાનને એક વિદ્યાર્થીને ટ્યુશન આપવાનું કામ મળ્યું હતું. એ બેકાર યુવાને આંખ મીંચીને એ કામ સ્વીકારી લીધું હતું, કારણ કે સ્વિસ પોલિટેક્નિકમાંથી ડિગ્રી મેળવ્યા પછી એણે ડઝનબંધ જગ્યાએ નોકરી મેળવવા માટે ફાંફાં માર્યા હતા પણ એક પણ જગ્યાએ તેને સફળતા મળી નહોતી. એ બેકાર યુવાને જ્યાં જ્યાં નોકરી મેળવવાની કોશિશ કરી એ તમામ જગ્યાએ તેને નોકરી માટે ના-લાયક ઠેરવવામાં આવ્યો હતો. 

આવી સ્થિતિમાં એક વિદ્યાર્થીને ટ્યુશન આપવા માટે તેને ખાનગી નોકરી મળી એમાં વિદ્યાર્થીના પિતાએ એક શરત મૂકી હતી કે હું તને અમુક રકમ પગાર તરીકે આપીશ અને બદલામાં તારે મારા ઘરમાં જ રહીને મારા દીકરાને ભણાવવાનો છે. આર્થિક મુશ્કેલી ટાળવા માટે બેકાર યુવાને એ ઑફર સ્વીકારી લીધી પણ થોડા દિવસમાં તેને નોકરીદાતા સાથે ઝઘડો થઈ ગયો. તેણે વિદ્યાર્થીના પિતાને ફરિયાદ કરી કે મને તમારા ઘરમાં રહેવાનું ફાવતું નથી અને તમારા ઘરમાં જે ખોરાક બને છે એ તો મને બિલકુલ પસંદ નથી! થોડા દિવસોની રકઝક પછી વિદ્યાર્થીના પિતાએ બેકાર યુવાનને એક હોટેલમાં રહેવાની અને એની નજીક એક રેસ્ટોરાંમાં ખાવાની વ્યવસ્થા કરી આપી.

જોકે એ ગોઠવણ લાંબી ટકી નહીં એટલે એ યુવાને સ્વિસ પેટન્ટ ઑફિસની જગ્યા ખાલી પડે એની રાહ જોવાનું નક્કી કર્યું. પણ એ નોકરી મળે નહીં ત્યાં સુધી ખર્ચ કાઢવા માટે તેણે કંઈક તો કરવું જ પડે એમ હતું. એ યુવાને ક્યાંકથી થોડી રકમની વ્યવસ્થા કરીને એક અખબારમાં જાહેરાત આપી. એ જાહેરાતનું શીર્ષક તેણે આવું આપ્યું: એક માણસ બહુ ટૂંકા સમયમાં વિશ્ર્વવિખ્યાત બનવાનો છે અને બહુ ટૂંક સમય માટે તે ટ્યુશન આપવા માગે છે. જેને પણ આ માણસની પાસે ટ્યુશન લેવાની ઈચ્છા હોય એના માટે આ પ્રમાણે શરતો છે:

* ગણિત અથવા ભૌતિકશાસ્ત્ર પર પહેલો કલાસ મફત હશે. સૌ પછીના ક્લાસીસ પર નજીવી ફી આપવી પડશે.

* જો ટ્યુશન લેનારાને સંતોષ નહીં થાય તો ફીની રકમ પાછી આપી દેવાશે.

* સૌથી પહેલી અરજી આપનારાને ખાસ ભેટ અપાશે.

* ક્લાસમાં અનેક રહસ્યોનો ઉકેલ અપાશે અને કાલ્પનિક મોડેલ પણ પ્રસ્તુત કરાશે.

અરજી સાથે નીચેના સરનામા પર સંપર્ક કરો: આલબર્ટ આઈન્સ્ટાઈન, ૩૨, જસ્ટિસ લેન, બર્ન, સ્વિટ્ઝરલૅન્ડ.

યસ, જગવિખ્યાત બનેલા અને હવે અમર બની ગયેલા વૈજ્ઞાનિક આલબર્ટ આઈન્સ્ટાઈનના જીવનની આ વાત છે. અત્યંત જિનિયસ દિમાગના માણસ તરીકે કલ્પનાતીત નામના મેળવનારા આલબર્ટ આઈન્સ્ટાઈનના જીવનની વધુ વાત આવતા રવિવારે કરશું.

જિનિયસ વિજ્ઞાનીએ સામાન્ય નોકરી માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો

આઈન્સ્ટાઈને શિક્ષક કે પ્રોફેસર તરીકે નોકરી મેળવવા માટે હવાતિયાં મારવા પડ્યા હતા!

સાપેક્ષવાદની શોધ દ્વારા અમર બની ગયેલા અતિ વિચક્ષણ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૯૦૦ના વર્ષમાં સ્વિસ પોલિટેક્નિકમાંથી ડિગ્રી મેળવી એ પછી તેમની સાથે પાસ થયેલા બીજા વિદ્યાર્થીઓને તો નોકરી મળી ગઈ અને એમાંથી ઘણાને પ્રખ્યાત સંશોધકો સાથે સંશોધન માટે પણ તક મળી. પરંતુ, આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો હાથ પકડવા કોઈ તૈયાર નહોતું. આલ્બર્ટ આઈન્સ્ટાઈન ભણતા હતા એ દરમિયાન તેમને તેમના નાના (માતાના પિતા) તરફથી આર્થિક સહાય મળતી હતી. પણ સ્વિસ પોલિટેક્નિકમાંથી ડિગ્રી મેળવ્યા પછી ઘણા મહિનાઓ સુધી નોકરીનો મેળ ના પડ્યો એટલે નાનાએ આર્થિક સહાય આપવાની બંધ કરી દીધી. 

સ્વિસ પોલિટેક્નિકમાં છેલ્લાં વર્ષમાં ભણતી વખતે આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને તેમની પ્રેમિકા મિલેવા મેરિકે એવું વિચાર્યું હતું કે ફાઈનલ એક્ઝામ પછી બંને નોકરીએ વળગી જશે અને નિયમિત આવક શરૂ થાય એટલે પરણીને ઘર માંડી દેશે. ફાઈનલ એક્ઝામમાં કદાચ આલ્બર્ટ સફળ નહીં થાય તો મિલેવાને તો નોકરી મળી જ રહેશે એવું પણ એ બંનેએ વિચાર્યું હતું. પણ આલ્બર્ટ અને મિલેવાના અને તેમના સહાધ્યાયીઓ તથા પ્રોફેસર્સના આશ્ર્ચર્ય વચ્ચે આલ્બર્ટ પરીક્ષામાં પાસ થઈ ગયા અને મિલેવાને નિષ્ફળતા મળી. અને પરીક્ષામાં પાસ થવા છતાં આલ્બર્ટને નોકરી ના મળી એટલે તેમની લગ્નની યોજના પર પાણી ફરી વળ્યું. અધૂરામાં પૂરું, આલ્બર્ટ આઈન્સ્ટાઈનના નાનાએ આર્થિક સહાય આપવાનું બંધ કરી દીધું એટલે ના છૂટકે આઈન્સ્ટાઈને પોતાના માતાપિતા પાસે જતા રહેવું પડ્યું. તેમના માતાપિતા એ વખતે મિલાન શહેરમાં રહેતા હતા. 

આઈન્સ્ટાઈન પોતાની સાથે પોતાની પ્રેમિકાને તો માતાપિતાના ઘરે લઈ જઈ શકે એમ નહોતા કારણ કે તેમના પિતા હરમન અને માતા પોલીનને મિલેવા દીઠ્ઠેય ગમતી નહોતી અને તેમણે દીકરા સામે તેના મિલેવા સાથેના પ્રેમસંબંધને મુદ્દે તીવ્ર વિરોધ પણ દર્શાવ્યો હતો. માતાપિતા પાસે મિલાન જાતા અગાઉ આઈન્સ્ટાઈને પ્રેમિકા મિલેવાને ખાતરી આપી હતી કે હું બહુ ઝડપથી કમાણીનો રસ્તો શોધી લઈશ અને જેવી કમાણી શરૂ થશે એ સાથે આપણે લગ્ન કરી લઈશું.

જો કે ક્યાંય નોકરી ન મળી એટલે આઈન્સ્ટાઈને ખગોળશાસ્ત્રી આલ્ફ્રેડ વોલ્ફર સહિત અનેક પ્રોફેસર્સને પત્ર લખીને અને રૂબરૂ મળીને વિનંતી કરી કે મને તમારા સહાયક તરીકે કામ આપો. પણ આલ્બર્ટ આઈન્સ્ટાઈનની ઠોઠ વિદ્યાર્થી તરીકે એવી ‘ખ્યાતિ’ ફેલાયેલી હતી કે કોઈ તેમને પોતાના સહાયક તરીકે રાખવા તૈયાર ના થયું. એ દરમિયાન આઈન્સ્ટાઈનના પિતાએ વિખ્યાત જર્મન રસાયણશાસ્ત્રી વિલ્હેમ ઓસ્ટવાઈલ્ડને પણ પત્ર લખ્યો હતો કે મારા દીકરાને તમારા સહાયક તરીકે નોકરીએ રાખી લો. જોકે વિલ્હેમ ઓસ્ટવાઈલ્ડે આઈન્સ્ટાઈનના પિતાના પત્રનો જવાબ આપવાની પણ તકલીફ ના લીધી.

આઈન્સ્ટાઈને બહુ કોશિશ કર્યા પછી વિન્ટેર્થર ટેકનિકલ સ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે નોકરી મળી. એ જગ્યા એટલે ખાલી પડી હતી કે એ ટેક્નિકલ સ્કૂલના ગણિતના શિક્ષકે સરકારી નિયમ પ્રમાણે ફરજિયાત લશ્કરમાં ફરજ બજાવવા જવું પડ્યું હતું. આઈન્સ્ટાઈને બે મહિના માટે સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી પણ ત્રીજા જ મહિને પેલા શિક્ષક પાછા આવી ગયા એટલે આઈન્સ્ટાઈન ફરી વાર બેકાર બની ગયા.

એ પછી વળી થોડા મહિનાઓના સંઘર્ષ બાદ તેમને એક ખાનગી બોર્ડિંગ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મળી ગઈ. પણ એ બોર્ડિંગ સ્કૂલમાં તેમણે નિશ્ર્ચિત સમય પર સવારે ઊઠી જવું પડતું હતું, નિશ્ર્ચિત સમય પર ખાઈ લેવું પડતું હતું અને બીજા પણ આકરા નિયમોનું પાલન કરવું પડતું હતું. એ બોર્ડિંગ સ્કૂલની આકરી દિનચર્યા તેમને ફાવી નહીં એટલે તેમણે થોડા મહિનાઓમાં એ નોકરી સામે ચાલીને છોડી દીધી. 

આ દરમિયાન સ્વિસ પેટન્ટ કાર્યાલયમાં નોકરી મેળવવાની આશા ફળીભૂત થતી નહોતી. તેમના કોલેજ સમયના મિત્ર માર્સેલ ગ્રોસમેન સ્વિસ પેટન્ટ ઓફિસમાં નોકરી કરતા હતા અને આઈન્સ્ટાઈનને પોતાની સ્વિસ પેટન્ટ ઓફિસમાં નોકરી મળે એ માટે તેઓ કોશિશ કરી રહ્યા હતા. ઘણા લાંબા સમય સુધી રાહ જોયા પછી આઈન્સ્ટાઈનને સ્વિસ પેટન્ટ ઓફિસમાં નોકરીની ઓફર થઈ. પણ એ જગ્યા પટાવાળાથી સહેજ ઉપરની કક્ષાની કહેવાય એવી હતી. આઈન્સ્ટાઈનને આશા હતી કે તેમને કલાસ ટુ ઓફિસર તરીકે નોકરી મળી જશે, પણ તેમને જુનિયર સહાયક તરીકે નોકરીની ઓફર થઈ. ક્યાંય નિયમિત આવકની શક્યતા દેખાતી નહોતી એટલે આઈન્સ્ટાઈને એ નોકરી સ્વીકારી લેવી પડી.

સ્વિસ પેટન્ટ ઓફિસમાં નોકરી મળી એટલે આઈન્સ્ટાઈને પ્રેમિકાને આપેલું વચન પાળીને તેની સાથે લગ્ન કરી લીધા. માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ પ્રેમિકા મિલેવા મેરિક સાથે લગ્ન કરવાને કારણે તેમના માતાપિતાએ તેમની સાથે બોલવાનું બંધ કરી દીધું. આઈન્સ્ટાઈનને એમ હતું કે મિલેવા સાથે લગ્ન કરી લીધા પછી બધી સમસ્યાઓનો અંત આવી જશે અને એ બંને સાથે મળીને સુખમય જીવન વિતાવવા માંડશે. પણ લગ્નના થોડા મહિનાઓમાં જ મિલેવા ફરી વાર ગર્ભવતી બની ગઈ. મિલેવાએ લગ્ન અગાઉ એક દીકરીને જન્મ આપ્યો હતો એ દીકરીને તેણે પોતાના માતાપિતા પાસે મૂકી દીધી હતી અને મિલેવા બીજી વાર ગર્ભવતી બની ગઈ ત્યારે મિલેવા અને આઈન્સ્ટાઈન એ બાળક માટે માનસિક રીતે તૈયાર નહોતા.

સ્વિસ પેટન્ટ ઓફિસમાં ટૂંકા પગારની નોકરી કરતા આઈન્સ્ટાઈનના ઘરમાં બાળકનું આગમન થયું એટલે તેમનો ખર્ચ વધી ગયો. બાળકના જન્મ પછી આઈન્સ્ટાઈન અને તેમની પ્રેમિકા મિલેવા વચ્ચે નાના નાના મુદ્દે ઝઘડા થવા લાગ્યા. લગ્ન અગાઉ આઈન્સ્ટાઈન અને મિલેવાને એકબીજા વિના જીવી શકાય એવું નહોતું લાગતું, પણ લગ્ન પછી અને ખાસ તો બાળકના જન્મ પછી એ બંનેને એવું લાગવા માંડ્યું કે એકબીજાની સાથે નહીં જીવી શકાય! જોકે એ બાળક એટલે કે આઈન્સ્ટાઈનના પુત્ર હેન્સને તો આઈન્સ્ટાઈનની સાથે રહીને ઉછરવાની તક મળી હતી. આઈન્સ્ટાઈન અને મિલેવાના લગ્ન અગાઉ તેમને થયેલી દીકરી લિઝરલ તો તેના નાના નાની સાથે જ મોટી થઈ હતી. આઈન્સ્ટાઈન તેને ક્યારેય મળ્યા જ નહોતા! (આઈન્સ્ટાઈન સફળ નહોતા થયા ત્યાં સુધી બૌદ્ધિક સ્ત્રીઓ તેમનાથી દૂર ભાગતી હતી. આઈન્સ્ટાઈન વાયોલિન બહુ સારું વગાડતા હતા એના કારણે સંગીતની શોખીન એવી ઘણી યુવતીઓ સાથે તેમની મિત્રતા બંધાઈ હતી. પણ તેમના બૌદ્ધિક સ્તરની વાત આવે ત્યારે બુદ્ધિશાળી ગણાતી યુવતીઓ નાકનું ટીચકું ચડાવી દેતી હતી. પણ આઈન્સ્ટાઈનને સફળતા મળી એ પછી સંખ્યાબંધ રૂપાળી સ્ત્રીઓ (જે પોતાને બૌદ્ધિક ગણાવતી હતી) આઈન્સ્ટાઈનની સાથે દોસ્તી રાખવામાં ગૌરવ અનુભવતી થઈ ગઈ હતી અને બે ઈન્ટેલેકચ્યુઅલ મહિલાઓએ તો દાવો પણ કર્યો હતો કે આઈન્સ્ટાઈન અમારા બાળકોનો બાપ છે!)

આઈન્સ્ટાઈને ૧૯૦૫ના માર્ચ મહિનામાં પોતાનું સૌ પ્રથમ રિસર્ચ પેપર તૈયાર કર્યું પણ બોદ્ધિકોની જમાત તેમને ગંભીરતાથી લેવા તૈયાર નહોતી. આઈન્સ્ટાઈનને પોતાનું પ્રથમ રિસર્ચ પેપર તૈયાર કર્યા પછી આશા હતી કે હવે તો મને કોઈ સારી કોલેજમાં સારી નોકરી મળી જ રહેશે. પણ કોઈ ખરાબ કોલેજ પણ તેમને નોકરી આપવા તૈયાર ના થઈ અને તેમણે મજબૂરીથી સ્વિસ પેટન્ટ ઓફિસમાં નોકરી ચાલુ રાખવી પડી. આ જિનિયસ વૈજ્ઞાનિકની વાત આવતા રવિવારે પૂરી કરીશું.

ઠોઠ વિદ્યાર્થીને વીસમી સદીની સૌથી મહાન વ્યક્તિનું બિરુદ મળ્યું!

૧૯૦૫માં આઈન્સ્ટાઈને પ્રથમ રિસર્ચ પેપર તૈયાર કર્યું અને એ રિસર્ચ પેપર એક સાયન્સ જર્નલના તંત્રી વિલ્હેમ વિટે પ્રકાશિત કર્યું ત્યારે વિજ્ઞાન જગતના મહારથીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે આઈન્સ્ટાઈનના રિસર્ચ પેપરને ગંભીરતાથી કઈ રીતે લઈ શકાય? એણે જર્મનીમાં પ્રસિદ્ધ થતાં કેટલાક સામયિક સિવાય વિજ્ઞાનનો કશો અભ્યાસ કર્યો નથી અને એ જ્યાં નોકરી કરે છે એ સ્વિસ પેટન્ટ ઑફિસની લાઈબ્રેરીમાં ભૌતિકશાસ્ત્રના પુસ્તકો છે જ નહીં. એ સિવાય પણ વિજ્ઞાન સાથે તેમને કંઈ લેવાદેવા નથી. જે પ્રોફેસર્સે આઈન્સ્ટાઈનને ભૌતિકશાસ્ત્ર વિષય છોડીને કાનૂનનો અભ્યાસ કરવાની સલાહ આપી હતી તેઓ પણ આઈન્સ્ટાઈનના રિસર્ચ પેપર સામે સવાલ ઉઠાવતાં હતાં. આઈન્સ્ટાઈન ભૌતિકશાસ્ત્ર જેવા જટિલ વિષય પર રિસર્ચ પેપર તૈયાર કરે એ વાત જ એ બધાને હાસ્યાસ્પદ લાગતી હતી.

જોકે કેટલાક અપવાદરૂપ વૈજ્ઞાનિકોએ આઈન્સ્ટાઈનના રિસર્ચ પેપરને ગંભીરતાથી લઈને આઈન્સ્ટાઈનની પીઠ થાબડી, પણ એમ છતાં ૧૯૦૦ના વર્ષની નોકરી મેળવવા માટે મથામણ કરતા રહેલા આઈન્સ્ટાઈનને ૧૯૦૫માં રિસર્ચ પેપર પ્રકાશિત થયા પછી પણ વધુ ચાર વર્ષ નોકરી માટે સંઘર્ષ કરવો પડ્યો. તેઓ સ્વિસ પેટન્ટ ઑફિસમાં તો આર્થિક મજબૂરીથી નોકરી કરતા હતા. તેમની તીવ્ર ઈચ્છા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર બનવાની હતી પણ તેમને કોઈ કૉલેજે પ્રોફેસર બનાવવાને લાયક સમજ્યા નહીં અને એ પણ લગભગ એક દાયકા સુધી! છેક ૧૯૦૯માં તેમને જીનિવા યુનિવર્સિટીએ સ્પીચ આપવાની ઑફર કરી હતી.

જીનિવા યુનિવર્સિટી તરફથી સ્પીચ આપવાની ઑફર મળી ત્યારે આઈન્સ્ટાઈનને પહેલા તો વિશ્ર્વાસ જ નહોતો બેઠો. તેમને એકાદ દાયકા સુધી એટલી વાર રિજેક્ટ કરવામાં આવ્યા હતા કે જ્યારે તેમને જીનિવા યુનિવર્સિટીનો પત્ર મળ્યો ત્યારે તેમણે એ પત્ર કોઈની મજાક ગણીને કચરાપેટીમાં નાખી દીધો હતો. વાસ્તવમાં ૧૯૦૯માં જીનિવા યુનિવર્સિટીની સ્થાપનાને ૩૫૦ વર્ષ પૂરાં થતાં હતાં એટલે એની ઉજવણી માટે યોજાયેલા કાર્યક્રમમાં સ્પીચ આપવા માટે અનેક વિદ્વાનોને આમંત્રણ અપાયું હતું. આઈન્સ્ટાઈન તરફથી આમંત્રણના સ્વીકારનો પત્ર ના મળ્યો એટલે જીનિવા યુનિવર્સિટીના હોદ્દેદારોએ આઈન્સ્ટાઈનને પુછાવ્યું કે તમે અમારા આમંત્રણનો સ્વીકાર કરીને આવશો કે નહીં? એ વખતે આઈન્સ્ટાઈનને ભરોસો બેઠો કે પેલો પત્ર વાસ્તવમાં તેમને જીનિવા યુનિવર્સિટી દ્વારા જ મોકલાયો હતો.

જુલાઈ, ૧૯૦૯માં ૩૦ વર્ષની ઉંમરે આઈન્સ્ટાઈનને વિદ્વાન ગણીને જીનિવા યુનિવર્સિટી તરફથી પહેલી વાર સન્માન મળ્યું. એ વખતે તેમની મુલાકાત મેડમ ક્યુરી અને વિલ્હેમ ઓસ્ટવાઈલ્ડ જેવા મોટા ગજાના વૈજ્ઞાનિકો સાથે થઈ. જે વિલ્હેમ ઓસ્ટવાઈલ્ડે આઈન્સ્ટાઈનને તેમના સહાયક બનાવવા માટે લખાયેલા પત્રનો જવાબ લખવાની તકલીફ પણ નહોતી ઉઠાવી તેમની સાથે સ્ટેજ પર બેસવાની અને એમની સમકક્ષ જીનિવા યુનિવર્સિટીના ખાસ મહેમાન તરીકે સ્પીચ આપવાની તક આઈન્સ્ટાઈનને એ વખતે મળી હતી.

૧૯૦૯માં જ એમને ભૌતિક વિજ્ઞાનના મહારથી રુડોલ્ફ લેડનબર્ગની મદદથી સાલ્જબર્ગમાં આયોજિત સાયન્સ સેમિનારમાં સ્પીચ આપવાની તક પણ મળી હતી. ૧૯૦૯માં તેમને વૈજ્ઞાનિક તરીકે સ્પીચ આપવવા માટે આમંત્રણ મળવાની શરૂઆત થઈ એ વખતે પણ આઈન્સ્ટાઈન ખાનગી ટ્યુશન્સ દ્વારા અને સ્વિસ પેટન્ટ ઑફિસમાં નોકરી કરીને મહામહેનતે પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ સમય દરમિયાન પણ તેઓ પ્રોફેસર તરીકે નોકરી મેળવવા માટે અરજીઓ કરતા રહેતા હતા અને ઈન્ટરવ્યૂ આપતા રહેતા હતા. ૧૯૦૯માં જ્યુરિક યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસરની જગ્યા ખાલી પડી ત્યારે એ પદ માટે જેની પસંદગી થઈ એ ફ્રેડરિક એડલરને જ્યારે ખબર પડી કે આઈન્સ્ટાઈને પણ આ પદ માટે અરજી કરી છે એ વખતે તેમણે પોતાની અરજી પાછી ખેંચી લીધી અને જ્યુરિક યુનિવર્સિટીના હોદ્દેદારોને કહ્યું કે મારા કરતાં આઈન્સ્ટાઈન આ જગ્યા માટે વધુ યોગ્ય છે અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેમનાથી વધુ યોગ્ય વ્યક્તિ મળવી અશક્ય છે. ફ્રેડરિક એડલર આઈન્સ્ટાઈનના સહાધ્યાયી રહી ચૂક્યા હતા અને તેમને આઈન્સ્ટાઈન પ્રત્યે બહુ માન હતું.

ફ્રેડરિક એડલરની ભલામણથી જ્યુરિક યુનિવર્સિટી દ્વારા ૧૫ ફેબ્રુઆરી, ૧૯૦૯ના દિવસે આઈન્સ્ટાઈનને ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા. એ વખતે તેમને કહેવાયું કે તમને આ નોકરી મળી જશે, પણ તમારે થોડો સમય રાહ જોવી પડશે. છેવટે જુલાઈ, ૧૯૦૯માં તેમને જ્યુરિક યુનિવર્સિટી દ્વારા એસોસિયેટ પ્રોફેસર તરીકે નિયુક્ત કરાયા અને તેમણે સ્વિસ પેટન્ટ ઑફિસમાંથી રાજીનામું આપી દીધું. એ વખતે પણ તેમને ઘર ચલાવવા જેટલો પગાર ઑફર થયો નહોતો એટલે ઘર ચલાવવા માટે તેમને ઘરમાં એક વિદ્યાર્થીને પેઈંગ ગેસ્ટ તરીકે રાખવાનો નિર્ણય તેમની પત્ની મિલેવાએ લીધો હતો.

આઈન્સ્ટાઈનને પ્રોફેસર તરીકે નોકરી મળી એ પછી થોડા સમયમાં તેમની પત્નીએ તેમના બીજા દીકરા એડવર્ડને જન્મ આપ્યો. એ સમય દરમિયાન આઈન્સ્ટાઈન તેમની કઝિન એલ્સાની સાથે સંપર્કમાં આવ્યા. એલ્સા સાથે તેમની બાળપણની બહુ યાદો હતી, પણ પછી એ બંને જુદા જુદા શહેરોમાં રહેતા હતા. આઈન્સ્ટાઈન ૩૧ વર્ષની ઉંમરે ફરી વાર પોતાની કઝિન એલ્સાના સંપર્કમાં આવ્યા ત્યારે એ બંને વચ્ચે આકર્ષણ જાગ્યું અને બંનેએ એકબીજાને પત્રો લખવા માંડ્યા. આઈન્સ્ટાઈનને કઝિનમાંથી પ્રેમિકા બનેલી એલ્સા યુનિવર્સિટીના એડ્રેસ પર પ્રેમપત્રો મોકલતી હતી અને પત્રના અંતે તે તાકીદ કરતી હતી કે આ પત્ર વાંચીને સળગાવી દેવાનું ભૂલતા નહીં. એ વખતે આઈન્સ્ટાઈનનો તેમની પત્ની મિલેવા સાથેનો સંબંધ દિવસે ન બગડે એટલો રાતે અને રાતે ન બગડે એટલો દિવસે બગડી રહ્યો હતો. છેવટે આઈન્સ્ટાઈન અને મિલેવાનો સંબંધ એટલો બગડી ગયો કે બંને અલગ થઈ ગયા. મિલેવા બંને દીકરાને લઈને જતી રહી. ૧૯૧૬માં આઈન્સ્ટાઈન બર્લિન રહેતા હતા ત્યારે છેલ્લી વાર મિલેવાને મળવા જ્યુરિક ગયા હતા. એ વખતે બંને વચ્ચે એટલો ઝઘડો થયો કે આઈન્સ્ટાઈને સોગંદ ખાઈ લીધા કે હવે જીવનભર હું તારો ચહેરો નહીં જોઉં. ૧૯૧૮માં બંનેના કોમન મિત્રોએ મળીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને બંનેએ છૂટાછેડા લીધા એ વખતે આઈન્સ્ટાઈને છૂટાછેડાની સાથે બીજો એક કરાર કર્યો કે મને નોબેલ પ્રાઈઝ મળશે તો હું મિલેવા અને બંને બાળકોને એની સાથે પુરસ્કારરૂપે મળનારી રકમ આપી દઈશ!

આઈન્સ્ટાઈનના મિલેવા સાથે છૂટાછેડા થયા એ પછી ૧૯૧૯માં તેમણે તેમની કઝિનમાંથી પ્રેમિકા બનેલી એલ્સા સાથે લગ્ન કરી લીધા. આઈન્સ્ટાઈનની માતા પોલીનની બહેનની દીકરી એલ્સા પરિણીત હતી અને તેને બે યુવાન દીકરી હતી પણ એલ્સાનો પતિ મૃત્યુ પામ્યો એ પછી તે આઈન્સ્ટાઈનની નજીક આવી હતી.

૧૯૧૯માં આઈન્સ્ટાઈનની વૈજ્ઞાનિક તરીકે એટલી ખ્યાતિ ફેલાઈ ચૂકી હતી કે ટપાલી દરરોજ મોટી કોથળી ભરીને તેમના પર આવેલા પત્રો પહોંચાડવા તેમના ઘરે જતો હતો. એ પત્રમાં તેમના પ્રશંસકોના પત્રો પણ રહેતા અને તેમને ધિક્કારનારા માણસોના પત્ર પણ મોટી સંખ્યામાં આવતા. આઈન્સ્ટાઈનને જર્મનીના લોકો હૃદયથી ધિક્કારતા હતા અને જર્મની સિવાય દુનિયાભરમાં તેમના પ્રશંસકો હતા. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો હતો. સાપેક્ષતાના સિદ્ધાંતને સમજાવવા માટે તેમણે એક વાર એમ પણ કહી દીધું કે, જર્મનીમાં બધા મને સ્વિસ યહૂદી માને છે અને ઈંગ્લેન્ડમાં બધા મને જર્મન નાગરિક ગણે છે. આ પણ સાપેક્ષતાનું એક ઉદાહરણ જ છે!

એ સમય દરમિયાન આઈન્સ્ટાઈન અત્યંત સફળ વૈજ્ઞાનિક તરીકે નામના મેળવી ચૂક્યા હતા અને ૧૯૧૬માં સાપેક્ષવાદ પર તેમનું પુસ્તક આવ્યું એની માત્ર જર્મનીમાં જ ૬૫ હજાર કોપીઝ વેચાઈ ગઈ અને રોબર્ટ લેપ્સને આઈન્સ્ટાઈનના પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો એ પછી આઈન્સ્ટાઈનનું નામ વિશ્ર્વના લગભગ તમામ દેશોમાં જાણીતું બની ગયું હતું. હવે તેમને દુનિયાભરમાંથી નોકરીની ઑફર આવતી હતી. એક સમય એવો હતો કે જ્યારે આઈન્સ્ટાઈનને નોકરી મેળવવા માટે ભલામણ કરાવવી પડતી હતી, પણ વીસમી સદીના બીજા દાયકામાં તેમને નોકરીએ રાખવા માટે યુનિવર્સિટીઝ મહારથીઓની ભલામણ સાથે આઈન્સ્ટાઈનનો સંપર્ક કરવા માંડી હતી!

આઈન્સ્ટાઈનને વૈજ્ઞાનિક તરીકે જગત આખું ઓળખતું થઈ ગયું એ પછી તો તેમના વિશે દુનિયાભરના અખબારોમાં લખાયું અને ૧૪ એપ્રિલ, ૧૯૫૫ના દિવસે ૭૬ વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા એ અગાઉ તેમણે એટલું અને એવું સંશોધન કર્યું હતું કે તેમને વીસમી સદીના સૌથી મહત્ત્વના માનવીનું બિરુદ મળ્યું.

આઈન્સ્ટાઈનના જીવન પરથી એ પ્રેરણા લેવા જેવી છે કે દુનિયા આખી કોઈને બેવકૂફ ગણતી હોય, એની બુદ્ધિપ્રતિમાને શંકાની નજરે જોતી હોય એ વખતે પણ માણસ પોતાની જાત પર અને પોતાની આવડત પર શ્રદ્ધા રાખે તો સફળતા મેળવી શકે છે.







No comments:

Post a Comment