Friday, September 12, 2014

દિવાળી એટલે માત્ર દીપનું જ નહીં, પૈસાનું પણ પર્વ... -- ન્યૂઝ ન્યૂઝ અને રિવ્યૂઝ - ક્ધિનર આચાર્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=108216

દિવાળી એટલે માત્ર દીપનું જ નહીં, પૈસાનું પણ પર્વ...
ધર્મસ્થાનો દિનપ્રતિદિન સમૃદ્ધ બનતાં જાય છે અને માનવ હજુ ઠેરનો ઠેર છે. આ સત્ય અકળાવનારું છે

                         

તમાં જે મહાપુરુષો થઈ ગયા, એમાંના મોટા ભાગના તો રાજા હતા. બુદ્ધ, કૃષ્ણ, મહાવીર જેવાં અનેક ઉદાહરણો છે. ગાંધીજીએ કહ્યું હતું કે કબીરનું ભજન ગાય તેઓ ભૂખથી પીડાતા લોકોને શાંતિ નથી આપી શકતાં. આર્થિક ચિંતાઓ ન હોય ત્યારે અન્ય સાંસારિક સમસ્યાઓ નાની લાગે છે. આર્થિક સમસ્યા માણસની કેડ તોડી નાખે છે અને એ ચૂરચૂર થઈ જાય છે. માનવીને આવતાં પાંચ-પચ્ચીસ વર્ષની ચિંતા ન હોય અને એ આર્થિક દૃષ્ટિએ સદ્ધર હોય એ એક સ્વપ્નિલ સ્થિતિ છે. આવી પરિસ્થિતિ કેટલી સુખદ હોય છે એની કલ્પના ત્યાં પહોંચ્યા વગર થઈ શકે નહીં. જે વેદ-પુરાણોના નામે આપણને આત્મસંતોષ રાખવાનું કહેવાય છે એ શાસ્ત્રો પણ ધનના તથા ઐશ્ર્વર્યના મહિમાથી છલોછલ છે. અથર્વેદના સુક્ત-૧પનો પ્રથમ મંત્ર છે: ‘મનુષ્યોએ નૌકા વગેરેથી સમુદ્રયાત્રાને, વિમાન વગેરેથી વાયુમંડળમાં જવા-આવવાના માર્ગોને અનુકૂળ રાખવા જોઈએ. વિજ્ઞાનથી બધા પદાર્થોનો લાભ મેળવવો જોઈએ. વિદ્વાનો પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખવો જોઈએ જેથી તે લોકો પણ ઉત્સાહથી પોતાના કામ કરે.’

‘આઉટલૂક’ સાપ્તાહિકનાં વિશેષાંકમાં જાણીતા લેખક મનોહર જોશીએ લેખ લખ્યો: ‘મહાલક્ષ્મીના પૂજકો મહાદરિદ્ર શા માટે?’ વિચારવા જેવું છે. એક દેવી તરીકે આપણે લક્ષ્મીની પૂજા તો કરીએ છીએ પણ એને પામવાના જેટલા પ્રયત્નો થવા જોઈએ એટલા થતાં નથી. ધર્મ કહે છે કે લક્ષ્મીની પૂજા કરો અને એ જ ધર્મ તમને સમજાવે છે કે અભાવમાં આનંદ પામો. કથાકારો રોકડા ગણ્યા વગર વ્યાસપીઠ પર આસન ગ્રહણ કરતા નથી અને કિરીટભાઈજી વ્યાસપીઠ પરથી જાહેરમાં કહે છે કે, ‘પરમાત્મા જે મનુષ્યને બહુ પ્રેમ કરે છે તેને નિર્ધન રાખે છે.’ યોગી મહારાજ કહે છે: ‘જ્યાં-ત્યાં, જે-તે મળે તે ચલાવી લેવું. કોઈ વસ્તુનો તંત નહીં કરવો.’ આવી વાતો માત્ર બોલવામાં કે વિચારવામાં આવતી હોય તો પણ આપણને વાંધો નથી, પરંતુ એ સાંભળવામાં પણ આવે છે. સમાજના એક મોટા સમૂહ પર આવી વાતોની અસર થતી હોય છે, તેઓ પછી ગરીબીમાંથી મુક્ત થવા મથતા નથી. માનવી નિયતિ સામે લડવાનું મૂકી દે ત્યારથી એ મૃત ગણાય. આપણે ત્યાં હરતા-ફરતા-ચરતા મૃતદેહોની સંખ્યા કરોડોની છે. મુફલીસી પર ફિટકાર વરસાવવાના બદલે આપણે ત્યાં તેનો મહિમા ગવાય છે. 

મકરંદ દવે કહે છે: ‘નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ, ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલામાલ.’

મકરંદ દવેની વાત જેણે માની એ મર્યો જ સમજો, ઉપરવાળી બૅન્કના લોકરની ચાવી પુરુષાર્થ વગર મળતી નથી તથા નોટ ને સિક્કાનું સ્થાન નદીમાં નહીં, પણ ગજવામાં હોવું જોઈએ. અભાવમાં રહેવાનું આપણને હંમેશાં શીખવવામાં આવ્યું છે. સાથે શરત પણ હોય છે: ‘ઓછપમાં પણ તમે ખુશ રહેવાનું શીખો’ દરિદ્રતામાં કદી ખુશ રહી શકાતું નથી. 

નવા યુગની આ નવી ફિલસૂફી છે. સત્ય એ અગાઉ આપણને જે લોકો દરિદ્રતાનો મહિમા સમજાવતાં એ પણ ચાલતા હતા, ઐશ્ર્વર્યના માર્ગે. એમનું આચરણ અને કથન અલગ અલગ હતાં. ધન એ જગતનું પરમ સત્ય છે. એનામાં પ્રચંડ તાકાત છે. પૈસો બોલે છે ત્યારે સત્યને ચૂપ થઈ જવું પડે છે. ધન પરમ શક્તિમાન છે. આપણે ત્યાં એક ધનવિરોધી કે સમૃદ્ધિવિરોધી વિચારધારા વહેતી રહી છે અને એ ગટરથી પણ વધુ ગંદી છે. ગાંધીજીએ ગરીબો માટે દરિદ્રનારાયણ શબ્દ પ્રયોજ્યો એના જવાબમાં ઓશોએ કહ્યું હતું કે જો દરિદ્રનારાયણ જેવો શબ્દ હોય તો પછી મલેરિયાનારાયણ કે ટાઈફોઈડનારાયણ જેવો શબ્દ પણ હોવો જોઈએ. ઈન શોર્ટ: ગરીબી એક મહામારી, એક રોગ ગણાય. એનું નિદાન જ અહીં થતું નથી તો સારવારની વાત તો ક્યાંથી આવે? દિવાળી એટલે પ્રકાશનું પર્વ એટલે લક્ષ્મીનો તહેવાર. જ્યાં લક્ષ્મી છે ત્યાં પ્રકાશ છે, જ્યાં ધન છે ત્યાં ખુશાલી છે. 

તહેવારો તન, મનમાં ઇંધણ પૂરવાનું કામ કરે છે એવું આપણે ત્યાં કહેવાય, પરંતુ વાહન ચલાવવા જેમ ઇંધણ અને ઓઈલ બેઉની જરૂર પડે તેવી જ રીતે અહીં પણ ધન નામના ઓઈલની જરૂર પડે છે. દીપોત્સવીના આ પર્વમાં લોકો પરિવાર, સ્નેહીઓ, મિત્રો, સંપ, ધર્મ, પૂજાપાઠ વગેરેનો મહિમા ગાતા હોય છે પણ સત્ય એ છે કે આમાંની મોટા ભાગની વસ્તુઓ ધન વગર પામી શકાતી નથી. ત્યાગ અને તેના જેવા શબ્દો બહુ ભ્રામક હોય છે. એના કેન્દ્રમાં આવી ગયેલી વ્યક્તિ નિરાશાવાદી જ ગણાય. ત્યાગ અથવા તો આત્મિક આનંદ જેવા શબ્દોની સમાનાર્થી શબ્દો આ રહ્યાં: નિરાશાવાદ અને ભાગેડુવૃત્તિ. 

કવિ અશરફ ડબ્બાવાલા કહે છે:

‘શું મહાભિનિષ્ક્રમણ?’ને શું વળી બુદ્ધયતા,

સઘળું છોડી ઘર તરફ પાછા વળો તો બહું થયું.

મકરંદ દવે અને અશરફ ડબ્બાવાલામાંથી કોની વાત માનવાની છે એ આપણે નક્કી કરવાનું છે. એક તરફ ધૂળ અને ઢેફાં તો બીજી પા મબલક મસ્તી છે. એરકન્ડિશન ઓફિસ કોને નથી ગમતી? ફર્નિશ્ડ મકાન, લેટેસ્ટ મોબાઈલ, લક્ઝુરિયસ કાર, ફોરેન ટૂર, સ્વાદિષ્ટ ભોજન, તગડું બૅન્ક બેલેન્સ અને અઢળક ઐશ્ર્વર્યની ખેવના રાખનાર પાપી ગણાતો હોય તો અમે તો મહાપાપી છીએ. ગરીબી એક અભિશાપ છે અને ધન એક આશીર્વાદ. પણ આપણને ઊલટું કહેવામાં આવ્યું છે ભૌતિકસુખ પામવા માટે માનવીએ દોડવું પડે છે. જગત એક વિઘ્નદોડ છે અને અહીં વિજેતાઓને બહું મોટું ઈનામ મળી શકે છે. તકલીફ એ છે કે આપણા દેશમાં આ અદ્ભુત દોડમાં જેટલાં લોકો ભાગ લે છે તેનાં કરતાં વધારે સંખ્યામાં પ્રેક્ષકો છે. એમાંના મોટા ભાગના લોકો નોસ્ટેલ્જિયામાં જીવે છે. ‘ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી’ એ તેમની ફેવરીટ વનલાઈનર, કબૂલ. વહેતી હશે કદાચ. પણ હવે? હવે પશ્ર્ચિમમાં ક્ષીરસાગર હિલોળા લે છે. ત્યાં ચીઝના પહાડો છે અને સૂકામેવાનાં ગોદામો છે. આપણે ત્યાં પાકતી ઉત્તમ ચીજવસ્તુઓ પણ આરોગે છે તો પશ્ર્ચિમના લોકો અને આરબો જ. કારણ? તેમની પાસે ધન છે, લક્ષ્મીજીએ પરદેશગમન કર્યું છે? જ્યાં ઉદ્યમ છે, ખંત છે ત્યાં જ લક્ષ્મીનો નિવાસ છે. 

પશ્ર્ચિમમાં કોઈ વૈભવલક્ષ્મી વ્રત કરતું નથી અને હોમહવનાદિ પણ ત્યાં થતાં નથી. ત્યાં પારાવાર સુખ છે અને આપણે ત્યાં અગણિત આધિ, વ્યાધિ અને ઉપાધિઓ. વસતિગણતરીના આંકડા હમણાં જાહેર થયાં ત્યારે હિન્દુ-મુસ્લિમના જન્મદર અંગે ચર્ચા થઈ પરંતુ મુદ્દાની વાત વિસરાઈ ગઈ. એ જ અહેવાલમાં બીજા કેટલાક આંકડા પણ છે એ મુજબ દેશમાં કુલ રર લાખ નાનીમોટી ફેક્ટરી છે,૧૫ લાખ શાળા, પાંચ લાખ હોસ્પિટલ છે અને તેની સામે ર૪ લાખ ધર્મસ્થાન છે. યુરોપ-અમેરિકાનાં ધર્મસ્થાનોનો સરવાળો કરો તો પણ ર૪ લાખ થતો નથી. બીજી તરફ આટલા બધાં ધર્મસ્થાનોના નિર્માણ પછી ભારતનો સરેરાશ માનવી સુખી નથી, સ્વસ્થ નથી, ધનવાન નથી. ધર્મસ્થાનો દિનપ્રતિદિન વધુ ને વધુ સમૃદ્ધ 

બનતાં જાય છે અને માનવ હજુ ઠેરનો ઠેર છે. આ સત્ય અકળાવનારું છે. 

પૃથ્વીનું સંચાલન કરનારો કોઈ ઈશ્ર્વર આકાશમાં બેઠો હોય તો એનો સંકેત સ્પષ્ટ જ છે: પરિશ્રમ વગર ઉદ્ધાર નથી. આઈએમએફ જેવી સંસ્થાઓ કહે છે કે આવતાં વીસ વર્ષમાં ભારત વિશ્ર્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બની જશે. આઈએમએફના નિષ્ણાતોનાં મોંમાં ઘી અને સાકર. પરંતુ સામાન્ય નાગરિકનું જીવનધોરણ સુધરે નહીં ત્યાં સુધી દેશ પણ કેવો અને મહાસત્તા કેવી? આર્થિક સુધારણાનાં દસ વર્ષમાં ચીનમાં જબરદસ્ત ક્રાંતિ સર્જાઈ ગઈ. મુંબઈને તેના જેવું બનાવવાનાં સ્વપ્નો આપણે ત્યાં શાસકો સેવી રહ્યાં છે એ ચીનનું શાંઘાઈ કંઈ પ્રથમથી જ અદ્ભુત નહોતું, પરંતુ ધીમે ધીમે તેની શકલ બદલાઈ ગઈ, નવું એરપોર્ટ બન્યું. અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રેલવે, ચુંબકીય બળથી રેલવે ટ્રેકથી અડધો ફૂટ ઊંચે દોડતી સુપર સ્પીડ ટ્રેન, ફોર્મ્યુલા વન કારનું મેદાન... અને શહેરની નજીક આવેલા એક તળાવમાં માટી પૂરીને બનાવવામાં આવેલું એડિયા શહેર પુડોન્ગ અને આપણે ત્યાં નવાં અન્ડરબ્રિજ નીચેથી પસાર થતી વખતે બાઈકસવાર યુવાનો આનંદની ચિચિયારીઓ કરી મૂકે છે. બે ભૂંગળાં જેવાં ગરનાળાં આપણા માટે સિદ્ધિ ગણાય એને આપણી નિષ્ફળતા જ ગણવી પડે. હમણાં અમેરિકા જઈ આવેલા મિત્ર માહિતી આપે છે કે ત્યાં આખા દેશમાં પીવાનું અને સ્નાનાદિનું પાણી એક જ છે. લોકો બાથરૂમમાં કે વોશબેસિનના નળમાંથી જ ગ્લાસ ભરીને પાણી પી લે છે. ઈમાનદારી એવી છે કે છાપાં-મેગેઝિનનો ઢગલો પડ્યો હોય અને પડખે એક પેટી. તમારે પેટીમાં પૈસા નાંખીને મેગેઝિન કે અખબાર લઈ જવાનું. અમારા મિત્રે એક ધોળિયાને પૂછ્યું કે કોઈ એક સિક્કો નાંખીને ચાર-પાંચ મેગેઝિન સેરવી જાય તો? ધોળિયાએ જવાબ આપ્યો કે, ‘તમે જેવું વિચાર્યું એવો અમને કદી વિચાર જ નથી આવ્યો.’ બીજી તરફ આપણી જનવિશ્ર્વાસ એક્સપ્રેસ નામની બસ સર્વિસ એક વર્ષમાં જ બંધ કરી દેવી પડે છે. ગીતકારો પછી જોરજોરથી ગાયનો ગાતા રહે છે. 

‘હોંઠો પે સચ્ચાઈ રહેતી હૈ, જહાં દિલ મેં સફાઈ રહેતી હૈ...’

સ્વતંત્રતાના છાંસઠ વર્ષ દરમિયાન શાસકોએ સરેરાશ ભારતીયને જે હાડમારી અને તકલીફો આપી છે, એ દેશભક્તને પણ દેશવિરોધી બનાવી દેવા સક્ષમ છે. જીવનધોરણ આપણું સાવ તળિયે છે અને ત્યાં ઊંડાણ અગાધ છે. નીતિમત્તાથી લઈને જીવનધોરણ સુધીના મામલે આપણે પશ્ર્ચિમથી એક લાખ પ્રકાશવર્ષ પાછળ છીએ. આત્મિક સુખ અને સંતોષની વાત કોઈ છેડશો જ નહીં. જે પ્રજા પાસે ઈમાનદારીથી લઈને જીવનધોરણ સુધીનાં તમામ મૂલ્યોનો અભાવ હોય ત્યાં આત્મિક સુખ પણ ન હોય. સરેરાશ ભારતીય ચહેરા પરથી નિસ્તેજ દેખાય છે અને તેજસ્વિતાની તેની લાયકાત નથી. જીવન અહીં સ્ટીલ થઈ ગયું છે. સ્થિર, ગતિવિહીન, આવિષ્કારો સાત મહાસાગર પાર જ થઈ રહ્યાં છે. વીસમી સદીની એક પણ મહત્ત્વપૂર્ણ શોધ ભારતમાં નથી થઈ. તમારી બોલપેનથી લઈને અવકાશયાન સુધીની મહત્ત્વપૂર્ણ શોધ જાપાન, તાઈવાન, કોરિયા અથવા તો યુરોપ કે અમેરિકામાં થઈ છે. સવાસો કરોડની પ્રજા માટે આ સત્ય અકળાવનારું હોવું જોઈએ પણ કોઈ અફસોસ કરતું નથી. આપણે ત્યાં સમસ્યા એ છે કે અપરાધભાવ નથી અને પશ્ર્ચાતાપ નથી એટલે જ પ્રાયશ્ર્ચિત કોઈ કરતું નથી. આપણે આપણામાં ગુલતાન છીએ. લક્ષ્મીજી અમસ્તાં જ કંઈ એનઆરઆઈ નથી બની ગયાં. 

No comments:

Post a Comment