Friday, August 29, 2014

ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવ.. --- કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

  નામ: રમાબાઈ રાનડે

સ્થળ: પૂના

ઉંમર: ૫૬

સમય: ૧૯૧૮



આ લખું છું ત્યારે સૌથી પહેલો વિચાર એ આવે છે કે આ લખી-વાંચી શકું છું એને માટે મારે ‘એમનો’ આભાર માનવો જોઈએ. ‘એમણે’ આટલો આગ્રહ ન રાખ્યો હોત તો હું આજે જે લખું છું એ લખવાને કાબેલ ન હોત... અગિયાર વર્ષની હતી જ્યારે પરણીને આવી, ‘એમની’ ઉંમર બત્રીસની... બહુ વિરોધ કરેલો ‘એમણે’, ‘એ’ તો જજ હતા અને જાણીતા સમાજ સુધારક. સ્ત્રીઓનાં શિક્ષણ, વિધવાનાં પુનર્લગ્ન અને સામાજિક બૂરાઈઓ સામે અવાર-નવાર લેખો લખતા, ભાષણો કરતા. એમના જ ઘરમાં આવી બાલિકાવધૂ પરણીને આવે એ એમને માટે શરમજનક બાબત હતી. એમણે ઘણો પ્રયત્ન કરેલો આ પરિસ્થિતિમાંથી બચવાનો, પણ મારા તાઈ સાસુબાઈ - એટલે કે મારા વડસાસુની સામે કોઈનું કશુંયે ચાલતું નહીં. એમનો હુકમ અમારા ઘરમાં છેલ્લો શબ્દ ગણાતો. મારા પતિ મહાદેવ ગોવિંદ રાનડે જેઓ જસ્ટિસ રાનડેના નામે ઓળખાતા. એ બહાર એકદમ કડક સ્વભાવના, ગુસ્સાવાળા અને પ્રમાણિક વ્યક્તિ તરીકે સન્માન પામતા. તેમ છતાં મારા તાઈ સાસુબાઈ એક વાર કશું કહી દે પછી કોઈની તાકાત નહોતી કે એની સામે દલીલ થઈ શકે. મારી ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી... જિંદગી વિશે કોઈ સમજ નહોતી. પરણીને આવી ત્યારે મારી નણંદ દુર્ગા બાળવિધવા હતી, પરંતુ એના પુર્નલગ્નનો કોઈએ વિચાર પણ કરેલો નહીં. મારા તાઈ સાસુબાઈ અને વડીલ સ્ત્રીઓએ મારા નણંદ દુર્ગાબાઈના લગ્નનો જોર-શોરથી વિરોધ કરેલો. અમારા સમયમાં એક એવી માન્યતા પ્રવર્તતી કે છોકરીઓને લખતા-વાંચતા શીખવવામાં આવે તો એ વિધવા થઈ જાય એટલે દીકરીને ભણાવવાનો તો સવાલ જ નહોતો આવતો! એની સામે મારા સાસરાના કુટુંબના પુરુષો સમાજસુધારણામાં માનતા અને ઈચ્છતા કે સ્ત્રીઓ ભણે. મારા મામાજીએ મારા સાસુબાઈને (પોતાની બહેનને) લખતાં-વાંચતાં અને હિસાબ રાખતાં શીખવેલું, પણ અમારા કુટુંબની સ્ત્રીઓ લખવાં-વાંચવાંનાં પ્રયાસમાં રસ લેતી નહીં. ઊલટાનું, બીજી સ્ત્રીઓ ભણે કે આગળ વધે એની સામે એ લોકો દ્વેષ અને ઈર્ષાથી વર્તતી.

૧૮૭૩માં હું પરણીને આવી ત્યારે મારા પતિએ પહેલી રાત્રે મને પૂછેલું, ‘તેં હવે મારી સાથે લગ્ન કર્યાં છે. તું જાણે છે કે હું કોણ છું? મારું નામ શું છે?’

નવવારી સાડીમાં ઢીંગલી જેવી લપેટાયેલી અને નથણી પહેરેલી હું કેવી લાગતી હોઈશ એની મને કલ્પના નથી, પણ મને હવે લાગે છે કે ‘એમને’ ત્યારે મને જોઈને હસવું આવતું હશે. ‘એમની’ સાથે ઊઠતી-બેસતી સ્ત્રીઓ અંગ્રેજીમાં બોલતી... વાંચતી-લખતી અને સમાજસુધારણાનાં કામો કરતી. મને જોઈને એમને મારા પર કેવી ચીડ ચડી હશે અથવા હું કેટલી હાસ્યાસ્પદ લાગી હોઈશ એવું મને ઘણું મોડું સમજાયું... ‘એમણે’ મને એમનું નામ પૂછ્યું, પણ પતિનું નામ લેવાથી એનું આયુષ્ય ઘટે એવું માનનારી હું અડધી રાત સુધી ફોસલાવવા અને પટાવવા છતાં ‘એમનું’ નામ બોલી શકી નહીં. પછી એમણે મને પૂછ્યું, ‘તને લખતાં-વાંચતાં આવડે છે?’ હું છળી મરેલી... લખતાં-વાંચતાં? એ કેમ બને? જો લખું-વાંચું તો પતિનું મૃત્યુ થઈ જશે...

‘એમણે’ એ જ રાત્રે સ્લેટ અને પેન્સિલ કાઢી. મારી સુહાગ રાતે બે કલાક સુધી મારો પહેલો પાઠ ચાલ્યો! ત્યારે મને કલ્પના પણ નહોતી કે આવનારાં થોડાં વર્ષોમાં હું ‘એમની’ જેમ જ સમાજસુધારણાના ભાષણો કરીશ અને લેખો લખીશ! આર્ય મહિલા સમાજમાં જોડાઈને હું સ્ત્રી મુક્તિ અને સ્ત્રી સુધારણા માટે કામ કરીશ આવી કલ્પના એ અગિયાર વર્ષની છોકરીને, ધ્રૂજતા હાથે એકડો ઘૂંટતી વખતે નહોતી જ આવી!

મારા પતિ જીદ્દી હતા. એમના કેટલાક હઠાગ્રહો અને જીદ સામે હું ઝૂકી જતી, પરંતુ મારી અંદર રહેલા મારા ઊંડા સંસ્કારો મને ડરાવતા... હું જ્યારે પરણીને આવી ત્યારે મારા પિતાએ મને કહેલું, ‘સાંભળ, બેટા, તું તારા સાસરે જઈ રહી છે. તે ઘણાં બધાં સંબંધીઓ ધરાવતો પરિવાર છે. ત્યાં સાવકા સંબંધીઓ અને ઘણા આશ્રિતો પણ છે. તું મારી દીકરી છે. તારો વ્યવહાર આપણા કુટુંબને શોભે તેવો હોવો જોઈએ. દરેક વસ્તુ ધીરજથી સહન કરજે, ભલે તે અસહ્ય કેમ ના હોય; પણ ક્યારેય સામો જવાબ ના આપીશ, નોકરચાકરને પણ નહીં. આ એક વાત થઈ. બીજી બાબત એ કે પરિસ્થિતિઓ ગમે તેટલી અસહ્ય હોય તોય તારા પતિ આગળ કોઈની ચાડીચુગલી કરતી નહીં. ચાડીચુગલીથી માત્ર પરિવારો જ નહીં, સામ્રાજ્યો પણ બરબાદ થઈ જાય છે. આ બે નિયમો યાદ રાખીશ તો તું જે ઈચ્છીશ એ તને મળશે. તું ભાગ્યશાળી છે. જો તું ધીરજ ધરવાનું શીખી લઈશ તો તું તારી ખરી ઊંચાઈ સુધી પહોંચીશ અને તું જે પરિવારમાં જન્મી છે તેને લાયક સાબિત થઈશ. મારા શબ્દો યાદ રાખજે. જો મને ક્યારેય પણ જાણ થશે કે તું આનાથી વિપરીત રીતે વર્તી છે તો હું તને ફરી ક્યારેય તારી માના ઘેર પગ નહીં મૂકવા દઉં.’

હું ‘પતિ પરમેશ્ર્વર’ માનીને એ જે કહેતા તે કરતી રહી, પણ એમના શિક્ષણના આગ્રહને લીધે મારે ઘણું સહન કરવું પડ્યું. ‘એમણે’ મારે માટે એક અંગ્રેજી મિસ હરફોર્ડને રાખ્યાં. ‘એમની’ આસિસ્ટન્ટ સ્પેશિયલ જજ તરીકે નિમણૂક થઈ હતી. હું મરાઠી લખી-વાંચી શકતી, પણ ‘એ’ ઈચ્છતા હતા કે હું અંગ્રેજી લખતી-વાંચતી થઈ જાઉં... મિસ હરફોર્ડ પાસે ભણતી તો ખરી, પણ અંગ્રેજીનો પાઠ પતી ગયા પછી ઘરમાં પ્રવેશતાં પહેલાં મારે વાડાના અનેક વર્ષોથી નહીં વપરાતા કૂવામાંથી પાણી ખેંચી ઠંડા પાણીએ સ્નાન કરવું પડતું. શિયાળાની કાતિલ ઠંડીમાં ફકત ‘ભણવાના’ મારા ગુના હેઠળ મને આ સજા ફરમાવવામાં આવી હતી! રાવસાહેબે અચાનક પાછા ફરીને ઘરની સ્ત્રીઓને ચોંકાવી દીધી. મારા તાઈ સાસુબાઈની હાજરીમાં ‘એમણે’ મારી સુશ્રુષા કરી અને જતી વખતે કહ્યું, "તું હવે ઠંડા પાણીથી સ્નાન નહીં કરે. આ સ્ત્રીઓ તને લડે કે પજવે એનાથી ખીજાઈને પણ એવું કંઈ નહીં કરતી, જેનાથી તારું સ્વાસ્થ્ય બગડે... એમની આ વાત સાંભળીને મને પગથી માથા સુધી એક લખલખું પસાર થઈ ગયું. શું એ મને આટલું ચાહતા હશે!

‘એમને’ બપોરના ભોજન પછી તો ક્યારેક સાંજે તાજાં ફળો અને સૂકો મેવો ખાવો બનતો. ‘એમને’ એવું ગમતું કે આ બધું લઈને હું એમની પાસે ઉપર જાઉં. ‘એ’ મને મિટિંગોમાં જવાની, જાહેર સમારંભોમાં જવાની સૂચના આપીને નીકળી જતા, પરંતુ એ પછીનો સમય મારે માટે ખૂબ જ અઘરો હતો. હું પાછી ફરું ત્યારે મને તાઈ સાસુબાઈ કહી દેતાં, "હવે તારે રસોડામાં નથી આવવાનું. તું હવે મોટા માણસોની સાથે ઊઠતી-બેસતી થઈ ગઈ છે. ઘરની ક્ષુલ્લક બાબતોમાં તારે રસ લેવાની જરૂર નથી. મારી સાથે ઘરની સ્ત્રીઓ વાત ન કરતી... એમાંયે એક દિવસ તો તાઈ સાસુબાઈએ હદ વટાવી દીધી. અંગ્રેજીમાં એક લેખ વાંચીને હું સભામાંથી પાછી ફરી ત્યારથી શરૂ કરીને ‘એ’ ઘરે આવ્યા ત્યાં સુધી તાઈ સાસુબાઈ, વંશા અને બીજી સ્ત્રીઓ સળંગ ગમે તેમ બોલતાં રહ્યાં. સામાન્ય રીતે ‘એ’ ઘરે આવે પછી તાઈ સાસુબાઈ કશું જ ન બોલતાં, પણ એ દિવસે તો એમણે ‘એમને’ સંભળાવવાનું પણ બાકી ના રાખ્યું. ‘એ’ શાંતિથી જમ્યા અને ઉપર ચાલી ગયા. હું ઉપર ગઈ ત્યારે ‘એમણે’ મને કહ્યું, "આજની વાત સાંભળીને હિંમત હારી નહીં જતી. એ પોતાના જમાનાના હિસાબે જીવે છે અને બોલે છે. તારી વાત સાચી છે છતાં બચાવ કર્યા વગર આ બધું સહન કરવાનું તારે માટે અઘરું છે એ મને સમજાય છે... હું તારા પક્ષે છું ને રહેવાનો છું, બીજું તને શું જોઈએ? એ દિવસે મને ‘એમની’ સમજ અને ધીરજ માટે ખૂબ જ માન થઈ ગયું.

૧૮૮૬માં અમે સિમલા ગયાં. અહીં મેં પહેલી વાર સાચા અર્થમાં સ્વતંત્રતા અનુભવી. ‘એમની’ સાથે ખુલ્લા દિલે વાતો કરતી, સમારંભોમાં જતી અને હંમેશાં મારા મનની વાત ‘એમને’ ખૂબ જ આનંદથી કહેતી. ‘એ’ પણ મારી વાત સાંભળતા. મને સાચી અને સારી દિશા બતાવતા.

૧૯૦૧માં ‘એ’ ગયા, ત્યાં સુધી મેં મારી બધી જ ફરજો પૂરી કરી. એમના પગે કાંસાની વાડકીથી ઘી ઘસવું, એમના ભોજનના સમયનું ધ્યાન રાખવું, એમને ગમતી બધી જ બાબતો સાચવી લેવા જેવું ઘણું મેં કર્યું... મારું શિક્ષણ પણ ખરેખર તો ‘એમને’ માટે જ હતું! આજે ‘એ’ નથી, પણ આ લખી રહી છું ત્યારે મને એટલું ચોક્કસ સમજાય છે કે આવનારી સદીઓમાં મારા પછીની સ્ત્રીઓ માટે મારું જીવન એક મશાલ જેવું બની રહેશે. મેં મરાઠીમાં આત્મકથા લખી છે, ‘આમચ્યા આયુષાતિ કહી આઠવણી’ (મારી જિંદગીમાંથી યાદ રહ્યું તે) મેં લખ્યું... આ લખી શકી, કારણ કે મહાદેવ ગોવિંદ રાનડે મારા ગુરુ હતા. આ દુનિયામાં એવી બહુ ઓછી સ્ત્રીઓ છે, જેમને એમના પતિમાં જ એક સારો મિત્ર, ગુરુ અને થોડા ઘણા અંશે પિતા પણ પ્રાપ્ત થાય... હું એવી નસીબદાર સ્ત્રી બની શકી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=93023

No comments:

Post a Comment