Friday, August 29, 2014

ભગવાન ભુલાઈ રહ્યો છે? - સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=92896
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=93012
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=93129


ભગવાન ભુલાઈ રહ્યો છે?   -  સૌરભ શાહ                             28-05-2013


એક નવો સર્વે કહે છે કે ભારતમાં ભગવાનને માનવાવાળા લોકો ઘટતા જાય છે, પાકિસ્તાનમાં વધતા જાય છે અને ચીનમાં અડધો અડધ પ્રજા નાસ્તિક છે. આ સર્વે કરાવવાવાળા લોકો પોતે ભગવાનમાં માનતા હશે? આ જ સર્વે સિદ્ધિવિનાયક કે તિરુપતિના મંદિરના કર્તાહર્તાઓએ કરાવ્યો હોત તો પરિણામ જુદું આવ્યું હોત?

એક આડ વાત. ઘણા વખતથી મનમાં ખૂંચ્યા કરતી હતી. છાપાઓમાં છાશવારે તિરુપતિના મંદિરે આ વરસે કેટલી આવક કરી એના સમાચાર છપાય છે, સિદ્ધિવિનાયક અને શિરડીના મંદિરની આવકોના આંકડા છપાય છે. પણ કોઈ દિવસ ભારતના એકેય ચર્ચની આવકોના આંકડા નથી છપાતા. અજમેર શરીફ, હાજી અલી કે બીજાં અનેક મુસ્લિમ ધર્મસ્થાનકોનાં ટ્રસ્ટોની આવકના આંકડા નથી છપાતા. આવું કેમ હશે? આડ વાત પૂરી થઈ.

ભારતમાં ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારાઓની સંખ્યા ઓછી થઈ અને પાકિસ્તાનમાં વધી એવું તારણ વાંચીને પહેલો વિચાર એ આવે કે ભારતમાં જો શ્રદ્ધાળુઓ વધ્યા હોત તો ભારત પણ પાકિસ્તાન જેવું ફંડામેન્ટલિસ્ટ રાષ્ટ્ર ગણાતું થઈ જાય. સર્વે કરાવવાવાળાઓનો કદાચ એ જ ઈરાદો હશે: તમે શ્રદ્ધાળુમાં ગણાશો તો ધર્માંધ કહેવાશો.

ઍનિ વે. મંદિરોમાં અને અન્ય ધર્મસ્થળોમાં ગિરદી વધી છે, ઘટી નથી. ભગવાનમાં માનવાવાળાઓ કે ભગવાનમાં માનું છું એવું કહેવાવાળાઓ પણ વધ્યા જ છે. પણ યુવાનો માટે જાહેરમાં કે મિત્રવર્તુળમાં પોતે નાસ્તિક છે એવું કહેવું આધુનિકપણાની નિશાની ગણાય છે. અનેક બુદ્ધિજીવીઓ ભગવાનમાં માનનારાઓને સહેજ નીચી નજરથી જોતા આવ્યા છે. જાણે ભગવાનમાં શ્રદ્ધા રાખવી નબળા મનની નિશાની હોય.

રોજ ધર્મસ્થાને જનારી વ્યક્તિ બહુ મોટી ધાર્મિક હોય એવું જરૂરી નથી. ક્યારેય મંદિરનું પગથિયું ન ચડનારી વ્યક્તિ નાસ્તિક હોય એ પણ જરૂરી નથી. ધર્મધ્યાન કે ક્રિયાકાંડમાં જેને શ્રદ્ધા નથી એને ભગવાનમાં આસ્થા નથી એવું ન કહી શકો. વાત વાતમાં ભગવાનનું નામ લઈને સોગંદ ખાનારાઓ ભગવાનનું માણસ હોય છે એવું પણ નથી. બુદ્ધિજીવીઓ, ખાસ કરીને સામ્યવાદમાં માનનારા કમ્યુનિસ્ટો શ્રદ્ધાળુઓની સામે દલીલબાજીની જાળ પાથરીને પોતે કેટલા સ્માર્ટ છે એવું પુરવાર કરવાની કોશિશ કરતા હોય છે. આ કમ્યુનિસ્ટોનું ભારતમાં જે પિયર છે ત્યાં, પશ્ર્ચિમ બંગાળમાં, જ્યાં દાયકાઓ સુધી એમની સરકાર રહી ત્યાં, નવરાત્રિ દરમ્યાન સૌ કોઈ માતાજીની પૂજા કરવા જતા, મુખ્યમંત્રી સહિત.

જીવનના સૌથી કટોકટીના ગાળામાં કાં તો ભગવાન માટેની શ્રદ્ધા વધી જાય છે, કાં સાવ તૂટી જાય છે. આ બેમાંના એક અંતિમે પહોંચી જતા અનેક લોકો તમે જોયા હશે.

કેટલાકને નાનપણથી જ પોતાને નાસ્તિક કહેવડાવવાનો શોખ હોય છે. તેઓ ક્યારેય મંદિરે નથી જતા, ઘરમાં પણ ભગવાનની છબિ કે મૂર્તિ નથી રાખતા. આ દુનિયામાં ભગવાન જેવું કંઈ છે જ નહીં એવું તેઓ બોલતા રહે છે.

ભગવાન વિશે વાત કરવામાં દલીલોને કોઈ સ્થાન નથી. કોઈ કહે કે ‘હું ભગવાનમાં નથી માનતો’ ત્યારે એની સાથે ચર્ચામાં ઊતરવું મને નથી ગમતું. કોઈ કહે કે ‘હું રોજ દેવદર્શને જાઉં છું, આટલાં વ્રત કરું છું’ તો એની સાથે પણ ચર્ચામાં ઊતરવું મને નથી ગમતું.

ભગવાને માણસ બનાવ્યો કે માણસે ભગવાનને બનાવ્યો એવી ચતુરાઈભરી દલીલો સાંભળીને કોઈ સી ગ્રેડની હિન્દી ફિલ્મ જોતી વખતે જેટલો કંટાળો અનુભવતો હોઉં એટલો જ કંટાળો અનુભવું છું અને એવી ચર્ચામાંથી બને એટલો દૂર ખસી જાઉં છું.

મારા માટે આ વિષય વ્યક્તિની બિલકુલ અંગત બાબત છે. આ બાબતમાં કોઈ પણ વ્યક્તિની માન્યતાને પડકારવાની ન હોય. એની ટીકા પણ ન કરવાની હોય, એને અહોભાવથી જોવાની પણ ન હોય. કોઈને ચાર કલાક લાઈનમાં ઊભા રહીને દર્શન કરવા જવું હોય તો ભલે. કોઈને ઘરમાં ક્યાંય નાનકડી સરખી છબિ પણ ન રાખવી હોય તો ભલે. કોઈને પોતે કેટલા ધાર્મિક અને શ્રદ્ધાળુ છે એવું કહીને બીજા પર પોતાની સારી છાપ ઊભી કરવી હોય તો ભલે. અને કોઈને બીજા પર પોતે કેટલા મૉડર્ન વિચારોવાળા છે એવું જતાવવા ‘ભગવાન જેવું કંઈ છે જ નહીં’ એવું કહેવું હોય તોય ભલે.

ધાર્મિકતાને અધ્યાત્મ સાથે સંબંધ હોય એવું જરૂરી નથી. ધર્મમાં શ્રદ્ધા હોવાને કારણે વ્યક્તિ પોતે ખરાબ કામ કરતો બંધ થઈ જશે એવું હું માનતો નથી. ધર્મની નવી નવી દુકાનો ખુલ્યા કરવાની, બેઉ પાર્ટીઓને એમાં ફાયદો છે. માલ વેચનારને અને માલ ખરીદનારને પણ. તમે એની સામે ગમે એટલો ઊહાપોહ કરશો તો પણ એ ધરમધંધો બંધ થવાનો નથી. ક્યાંક એક બ્રાન્ચ બંધ થશે તો બીજે બીજી ત્રણ બ્રાન્ચ ખૂલી જશે.

ધર્મની બાબતમાં મેં મારા માટે જે કંઈ નિયમો સ્વીકાર્યા છે તે ઉપર જણાવ્યા છે અને અગાઉ પણ લખ્યા છે. એક તો, કોઈ પણ ધર્મની બાબતમાં સો ટકા પારદર્શકતા હોવી જોઈએ. ધર્મમાં માનનારાઓ માટે કે ધર્મમાં ન માનનારાઓ માટે આ પારદર્શકતા જરૂરી છે. બીજું, ધર્મના મૂળ સિદ્ધાંતોને ગૂંચવી ન નાખવા જોઈએ. ત્રીજું, ભૂતકાળમાં ધર્મના નામે ધતિંગો ચાલ્યાં હોય તેને કારણે મૂળ ધર્મની વગોવણી ન કરવી જોઈએ. ચોથું, ધર્મમાં ન માનનારી વ્યક્તિ પણ શ્રદ્ધાળુઓ જેટલી જ આદરણીય હોઈ શકે છે, એમને કોઈ રીતે ઉતારી પાડવા ન જોઈએ.

ભગવાન, આત્મા, મોક્ષ, કર્મબંધન, પુનર્જન્મ આ બધી જ સુંદર કલ્પનાઓ છે. એને વાસ્તવિકતાની ભૂમિ પર ચકાસવાની કોશિશ કરવાની ન હોય. સાથોસાથ આ બધી ક્ધસેપ્ટ્સને હકીકત ગણીને એને મારીમચડીને સમજાવવાની પણ ન હોય. વિમાન તો શું સાદીસીધી રિક્શા પણ કેવી રીતે ચાલે છે એની રજેરજની સમજ આપણી પાસે નથી હોતી. તો પછી આ દુનિયા કેવી રીતે ચાલે છે એની પૂરેપૂરી જાણકારી આપણને કેવી રીતે હોવાની?

રિક્શામાં કે પ્લેનમાં બેસીને આપણું કામ આગળ ચાલે છે, એના સંચાલનની ભાંજગડમાં પડ્યા વિના આગળ ચાલે છે, એમ દુનિયાના સંચાલનની લાંબી પહોળી સમજ ન હોય તો પણ કામ તો આગળ ચાલવાનું જ છે. ધર્મગુરુઓ સમજાવે છે એટલો કૉમ્પ્લિકેટેડ આપણો ભગવાન નથી. આપણે જો સાદાસીધા સરળ હોઈએ તો ભગવાન પણ એવો જ છે. આપણે જો ક્ધફયુઝ્ડ, જટિલ અને કુટિલ હોઈએ તો આપણો ભગવાન પણ એવો જ હશે. આપણને પોતાને આપણામાં શ્રદ્ધા હશે તો, ભગવાનને પણ આપણામાં શ્રદ્ધા હશે. આપણે ભગવાનમાં માનીએ કે ન માનીએ ભગવાન તો આપણામાં માનતો જ હોય છે.

જેને કારણે જીવન ટકે છે, નષ્ટ પામે છે તે ભગવાન છે                  29-05-2013

ભગવાનની બાબતમાં થોડાક ઊંડા ઊતરીએ. ભગવાન વિશે મારે જે કંઈ કહેવાનું હતું તે ટૂંકાવીને ગઈકાલે કહી દીધું. આજે કેટલાક વિદ્વાનો આ વિશે શું કહે છે તે જાણવું છે. મારી પાસે ભગવાન વિશે ચાર પુસ્તકો છે. એક રફીક ઝકરિયાએ લખ્યું છે: ‘ડિસ્કવરી ઑફ ગૉડ.’ બે પુસ્તકો કરેન આર્મસ્ટ્રૉગનાં છે: ‘અ હિસ્ટરી ઑફ ગૉડ’ અને ‘ધ બૅટલ ફૉર ગૉડ.’ ચોથું પુસ્તક રામ સ્વરૂપનું છે: ‘ધ વર્ડ એઝ રીવિલેશન: નેમ્સ ઑફ ગૉડ.’

આ ચારેય પુસ્તકમાં ભગવાનની ક્ધસેપ્ટને લેખકોએ પોતપોતાની રીતે સમજવાની કોશિશ કરી છે. ત્રણેય લેખકો ખૂબ મોટા વિદ્વાનો છે, જાગૃત વિચારકો છે. એમની કોઈ કે બધી વાત સાથે સંમત થઈએ કે ન થઈએ તે આપણી મરજી છે. પણ મન ખુલ્લું રાખીને તેઓ ભગવાન વિશે શું કહેવા માગે છે તે જાણવું જોઈએ. આસ્થા ટાઈપની ચૅનલો પર બાબાગુરુઓ ભગવાનના એજન્ટ બનીને જે કંઈ કહે છે તે બહુ સાંભળ્યું. હવે જરા સિરિયસલી આ વિષયમાં ઊંડા ઊતરીએ.

આ ત્રણેય લેખકોનો પહેલાં અછડતો પરિચય મેળવી લઈએ. કરેન આર્મસ્ટ્રૉંગ સાત વર્ષ સુધી રોમન કેથલિક ચર્ચમાં નન રહી ચૂકયાં છે. રફીક ઝકરિયા મુસ્લિમવાદી સેક્યુલર તરીકે ખૂબ લોકપ્રિય છે, વકીલ છે. મહારાષ્ટ્ર સરકારમાં પંદર વર્ષ કેબિનેટ મિનિસ્ટર રહી ચૂકયા છે અને ૧૯૭૮માં સંસદમાં કૉન્ગ્રેસના ડેપ્યુટી લીડર હતા. રામ સ્વરૂપ ‘વોઈસ ઑફ ઈન્ડિયા’ નામની સીતારામ ગોયેલે સ્થાપેલી દિલ્હીની પ્રકાશન સંસ્થાના ઘડતરમાં પાયાના પથ્થરનું પ્રદાન કર્યું છે. આ પ્રકાશન સંસ્થાએ હિંદુત્વની ક્ધસેપ્ટને કેન્દ્રમાં રાખીને સોનાની લગડી જેવાં ડઝનબંધ પુસ્તકો પ્રગટ કર્યાં છે. કરેન આર્મસ્ટ્રોંગ અત્યારે ૬૮ વર્ષનાં છે, લેખિકા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત છે. રફીક ઝકરિયાએ ૨૦૦૫માં ૮૫ વર્ષનું આયુષ્ય પૂરું કર્યું. રામ સ્વરૂપ ૧૯૯૮માં ગુજરી ગયા.

ત્રણેય વિદ્વાનો પોતપોતાના ધર્મમાં આસ્થા રાખવાવાળા છે. ત્રણેયનાં એક જ વિષય પરનાં પુસ્તકો કોઈ હેતુથી નથી ખરીદ્યાં. ઓવર અ પીરિયડ ઑફ ટાઈમ યોગાનુયોગ આ પુસ્તકો મારી લાઈબ્રેરીમાં ઉમેરાયાં. પણ કેવો અદ્ભુત યોગાનુયોગ.

ભગવાનમાં ન માનવાવાળાને મોટેભાગે ઓર્ગેનાઈઝ્ડ રિલિજયન પ્રત્યે અણગમો હોવાનો. ધર્મસ્થળના સંચાલન માટે અને ભક્ત સમુદાયની વૃદ્ધિ માટે દરેક ધર્મે ઑર્ગેનાઈઝ્ડ થવું પડે, એક તંત્ર ઊભું કરવું પડે. તંત્ર ઊભું થાય એટલે એના નિભાવ ખર્ચની વ્યવસ્થા કરવી પડે. ખર્ચની વાત આવે એટલે પૈસા આવે અને પૈસા પ્રવેશે ત્યાં પ્રપંચનું આગમન થાય. ધર્મનો જેટલો બહોળો પ્રચાર કરવો હોય એટલું મોટું એનું વ્યવસ્થા તંત્ર જોઈએ. અને વ્યવસ્થા તંત્ર જેટલું મોટું એટલો ખર્ચ મોટો, પૈસાની અવરજવર મોટી, કરપ્શન મોટું. દુનિયાનો કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ધાર્મિક ફાંટો કે ધાર્મિક જૂથ આનાથી બાકાત નથી. રજનીશ જેવા રજનીશના અનુયાયીઓએ જે તંત્ર ઊભું કર્યું તે પણ જો એમાંથી બાકાત ન રહી શકે તો લેસર મોર્ટલ્સની તો વાત જ ક્યાં. ભગવાનને ન માનનારાઓને ધર્મ સામેનો મોટો વાંધો આ હોય છે. ભગવાનને માનનારામાંના મોટા ભાગનાઓને પણ ધર્મના તંત્રમાં પ્રવેશી ગયેલા આ અનિવાર્ય અનિષ્ટ સામે વાંધો હોય છે. વાંધો લેનારાઓમાંના કેટલાક ખુલ્લેઆમ આવા પ્રપંચને પડકારે છે. કેટલાક બધું જ પોતાની આંખ સામે થતું હોવા છતાં લાચારીથી સમસમીને બેસી રહે છે તો કેટલાક વહેતી ગંગામાં હાથ ધોઈને આ કરપ્ટ સિસ્ટમનો એક ભાગ બનીને પોતાને ઉઠાવવો હોય એટલો ફાયદો ઉઠાવીને ખુશ રહે છે.

કરેન આર્મસ્ટ્રોન્ગ કહે છે: ‘હું નાની હતી ત્યારે મારામાં ઘણી બધી ધાર્મિક માન્યતાઓ હતી પણ મને ભગવાનમાં શ્રદ્ધા નહોતી.’ કરેન નાનપણમાં પાદરીઓના ધર્મોપદેશ સાંભળતી. એમાં નર્કનાં વર્ણનો આવતાં. નાનકડી કરેન નર્કમાં માનવા લાગી પણ ભગવાન શું છે એની ખાસ કંઈ ગતાગમ પડતી નહીં. આઠ વર્ષની ઉમરે એણે ‘ભગવાન એટલે શું?’ ના જવાબમાં જે વ્યાખ્યા લખવાની હતી તે સમજયા વિના રટ્ટો મારી લીધી: ‘ભગવાન એટલે પરમાત્મા જેનું અસ્તિત્વ સ્વતંત્ર, અનંત અને અક્ષુણ્ણ છે.’ આનો અર્થ શું થાય તેની એને તે ઉંમરે ખબર નહોતી. ભગવાન વિશેની આ વ્યાખ્યા હવે તો એને ખોટી છે એવું લાગે છે.

મોટા થતાં થતાં કરેન સમજતી થઈ કે ધર્મ એટલે માત્ર (ભગવાનનો) ડર નહીં. ભગવાન ગમે એટલો દૂર હોય પણ તેના સુધી પહોંચવાનો પ્રયાસ સુંદર છે એવું એને લાગવા માંડ્યું.

ભગવાનની ક્ધસેપ્ટ ક્યાંથી આવી, ધર્મ કેવી રીતે સર્જાતો ગયો, એ વિશેનું સંશોધન કરતાં કરતાં કરેન આર્મસ્ટ્રોન્ગ એક તારણ પર આવે છે કે માણસજાત પોતે એક અધ્યાત્મિક જીવ છે.

કરેન આર્મસ્ટ્રોન્ગની આ વાતમાં સહેજ ઉમેરો કરીને કહીએ કે પ્રાણીમાત્ર વિચારવંત છે અને માણસ સૌ જીવો કરતાં વધારે વિચારવંત છે એટલે એનામાં સ્પિરિચ્યુઆલિટિ ઉમેરાય છે. આ સ્પિરિચ્યુઆલિટિ એટલે શું? પોતાનું અસ્તિત્વ કોને આભારી છે એની શોધ. આ મારી વ્યાખ્યા છે. દરેકની આ વિશેની સમજ જુદી જુદી હોઈ શકે. ગુફામાનવથી ટ્રિપ્લેક્સ સુધીના માનવે અનુભવ્યું છે કે આ જગતમાં મારા કરતાં કોઈક વિશેષ શક્તિ એવી છે જેની આગળ મારું કંઈ નથી ચાલતું. આજે ગુફામાં બેઠાં બેઠાં શિકાર મળી ગયો. કાલે દસ ગાઉ દોડયા પછી પણ નહીં મળે. પવનનું વાવાઝોડું આવ્યું બધું નષ્ટ થઈ ગયું, આગમાં બળી ગયું. જે માટીમાંથી વૃક્ષ ઊગે છે. તેનાં ફળ-મૂળથી ભરણપોષણ થાય છે. છોડમાંથી વૃક્ષ બનાવવા આકાશમાંથી વરસાદ પડે છે. વાયુથી વાદળાં બંધાય છે ત્યારે વરસાદ પડે છે. આમ સદીઓ સુધી માનવજાતને બોધ થતો ગયો કે અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી વગેરેથી અસ્તિત્વ ટકી રહે છે અથવા નષ્ટ થાય છે. માનવ આ તત્ત્વોને પૂજવા લાગ્યો, એને દેવ માનવા માંડ્યો. જેને કારણે જિંદગી ટકે, નષ્ટ થાય અથવા સમૃદ્ધ બને તે તમારાથી શક્તિશાળી છે, એને નમન કરીને એનો આદર કરવાનો હોય, એનું પૂજન કરવાનું હોય. ભગવાનની ક્ધસેપ્ટનો ઉદય કદાચ અહીંથી થયો. પંચ તત્ત્વોનું સ્થાન ધીમે ધીમે અન્ય બાબતોએ લેવા માંડ્યું. દિવાળીએ ચોપડાઓ પુજાવા લાગ્યા, દશેરાએ શસ્ત્રો પૂજાવાં લાગ્યાં. આજે પણ દિવાળીએ ચોપડાને બદલે કૉમ્પ્યુટર પુજાય છે, દશેરાએ નવું વાહન પુજાય છે. આપણા કરતાં જે વધારે શક્તિશાળી હોય એનો આદર કરવો, એનું પૂજન કરવું એવો ભાવ માનવ સંસ્કૃતિમાં જન્મજાત છે.

વાક્બારસે સરસ્વતીપૂજન કરતી વખતે આ લેખ જે કલમથી લખાય છે તે પુજાય છે, કારણ કે અમારા માટે એ છે તો અમે છીએ એવી સમજ છે. વિશેષ કાલે.

નિરાકારને આકાર મળ્યા પછી મંદિરો આવ્યાં, પૂજારીઓ આવ્યા         30-05-2013


કરેન આર્મસ્ટ્રોન્ગના મતે માણસે જ્યારે ભગવાનની કલ્પના કરી ત્યારે એ કલ્પનાને મૂર્ત સ્વરૂપ નહોતું અપાયું. મૂર્ત સ્વરૂપ નહોતું એટલે એ ભગવાનનાં કોઈ મંદિરો નહોતાં અને મંદિરો નહોતાં એટલે પૂજારીઓ નહોતા.

પણ વખત જતાં લોકો ભગવાનને ભૂલી જવા લાગ્યા. જેનું કોઈ સ્વરૂપ નથી એની કલ્પના તમે કેવી રીતે કરી શકો? જે નિરાકાર છે તેને કોઈક આકાર મળે તો એને યાદ કરવામાં આસાની રહે અને આમ મૂર્તિઓ ઘડાઈ જેને સાચવવા મંદિરો બન્યા અને એને સાચવવા પૂજારીઓની જરૂર ઊભી થઈ.

કરેન આર્મસ્ટ્રોન્ગની આ વાત જોતાં લાગે કે આપણે ફરી પાછા એવા યુગમાં જવું જોઈએ જ્યાં ભગવાનને કોઈ આકાર નહોતો, જેથી ધર્મસ્થળ કે ધર્મગુરુઓની આપોઆપ બાદબાકી થઈ જાય.

‘ડિસ્કવરી ઓફ ગૉડ’માં રફિક ઝકરિયા આરંભમાં જ કહી દે છે કે ભગવાન ક્યાં, ક્યારે, કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એ કોઈ નથી જાણતું. એ કેવો દેખાય છે, એ ક્યાં રહે છે અને કેવી રીતે કામ કરે છે એની પણ કોઈનેય ખબર નથી. માનવદિમાગે આ બધા પ્રશ્ર્નોનો તાગ મેળવવા ખૂબ કોશિશ કરી પણ એવું કરવામાં ઊલટાનું એ વધુ ગૂંચવાયો. ઍન્થ્રોપોલૉજિ, માયથોલૉજિ, ફિલોસોફી, સોશ્યોલૉજિ અને મેટાફિઝિક્સ જેવા ક્ષેત્રોના નિષ્ણાતોએ આ વિશે ખૂબ માથાફોડી કરી પણ હજુ સુધી એમના હાથમાં કોઈ નક્કર પુરાવો આવ્યો નથી. એમનાં તમામ સંશોધનનું તારણ ગૂંચવાડાનો એક ખૂબ મોટો પહાડ છે. ભગવાન વિશે જેટલું જાણવાની કોશિશ થાય છે એટલો ગૂંચવાડો વધતો જાય છે. માણસે ચંદ્ર પર પગ મૂક્યો છતાં ભગવાન વિશેની એની સમજણ અગાઉ હતી એટલી જ છે. છેવટે અચ્છા અચ્છા બુદ્ધિશાળીઓએ અને ભલભલા વૈજ્ઞાનિકોએ ભગવાન છે એવું ચૂપચાપ માની લીધું છે. એમણે સ્વીકાર્યું છે કે ક્યાંક કોઈક કે કશુંક એવું છે જે આ વિશ્ર્વનું સંચાલન કરે છે. ભગવાનના અસ્તિત્વને નકારતા બહુ બોલકા પણ મુઠ્ઠીભર એવા લોકોને બાદ કરો તો હજારો વર્ષથી લોકોએ ભગવાનમાં શ્રદ્ધા રાખીને એની એક યા બીજા સ્વરૂપે પૂજા કરી છે.

ભગવાનમાં માનવજાતને અતૂટ શ્રદ્ધા હોવાનું કારણ શું? રફિક ઝકરિયા આ સવાલનો કોઈ એક જ જવાબ શોધી શક્યા નથી. જોવા જઈએ તો આ સવાલના હજારો જવાબ મળી આવે અને એ દરેક ઉત્તરની સામે દલીલો થઈ શકે અને એટલે જ ભગવાનના અસ્તિત્વને માણસ આંખ મીંચીને સ્વીકારી શકતો નથી કે ભગવાનના અસ્તિત્વને સમગ્રપણે નકારી શકતો પણ નથી.

મારે હિસાબે રફિક ઝકરિયાના ભગવાન વિશેના ચિંતનનો આ અર્ક દરેક ધર્મને લાગુ પડે છે. ઝકરિયાએ એમના વિશાળ અને વિદ્વતાપૂર્ણ ગ્રંથમાં કરેન આર્મસ્ટ્રોન્ગના ‘અ હિસ્ટરી ઓફ ગૉડ’ની જેમ જ વિવિધ ધર્મોના ઈતિહાસમાં ઊંડા ઊતરીને દરેક ધર્મના ઉદયની, એની માન્યતાઓની તથા અનુયાયીઓની શ્રદ્ધાની વાત કરે છે. જોકે, એ આપણો વિષય નથી. આપણે અહીં વિવિધ ધર્મોની નહીં માત્ર ભગવાનની વાત કરવા માગીએ છીએ.

કરેન આર્મસ્ટ્રોન્ગે બીજું પુસ્તક ‘ધ બેટલ ઓફ ગૉડ’ નામનું લખ્યું. આ પુસ્તકમાં લેખિકાએ અમેરિકામાં પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓની ધર્માંધતા વિશે અભ્યાસ કરીને એનો ઈતિહાસ આપ્યો છે, ઈઝરાયલના યહૂદીઓની અને ઈજિપ્ત - ઈરાનના ઈસ્લામીઓની ધર્માંધતા વિશે પણ લખ્યું છે. ધર્મ માટેની શ્રદ્ધા, ધર્મ માટેની જડતામાં ફેરવાઈ ગયા પછી ધર્માંધતાનો જન્મ થાય છે. ધર્માંધ બન્યા પછી પ્રજાનો એક શક્તિશાળી વર્ગ બીજા ઓછા શક્તિશાળી સમૂહ પર ધર્મના નામે જોરજુલમ કરવા માંડે છે.

મારે હિસાબે આ પ્રકારની લડાઈને ભગવાન સાથે કોઈ લેવાદેવા હોતી નથી, માત્ર ભગવાનનું એમાં નામ જ વપરાય છે. ધર્મ અને વિજ્ઞાનને બાપે માર્યાં વેર છે એવું માનનારા અજ્ઞાની લોકો વિજ્ઞાનની સામે પડીને પ્રજાને પ્રગતિ કરતાં અટકાવતા હોય છે. ધર્માંધ લોકોએ ઈતિહાસમાં કેટલી મોટી શોધખોળો કરનારા વૈજ્ઞાનિકોને કેવી રીતે પજવ્યા છે તેના અનેક દાખલા તમારી સામે છે.

ધર્માંધતાનો ઈતિહાસ જાણીને એક વાતની ખાતરી થાય છે કે સમજુ માણસોએ ભગવાનને અને ધર્મને નોખા પાડીને સમજવા જોઈએ. ભગવાનમાં શ્રદ્ધા હોવી એનો મતલબ ધર્મમાં પણ શ્રદ્ધા હોવી એવો નથી થતો. ધર્મમાં શ્રદ્ધા ન હોય છતાં તમે આસ્તિક હોઈ શકો છો.

અહીં આપણને આપણી, ભારતીય પરંપરા કામ આવે છે. આપણે ત્યાં ક્યારેય ઓર્ગેનાઈઝ્ડ રિલિજિયન નહોતો. અર્થાત્ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિસમૂહે કેટલાંક ચોક્કસ નીતિનિયમોથી ઘડેલો ધર્મ આપણે ત્યાં નથી. ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મનો ઉદય એ રીતે થયો. ધર્મનું એક ચોક્કસ પુસ્તક હોય, એક વડું મથક હોય, એક સ્થાપક હોય. આ બધું કમ્પેરેટિવલી નવા સર્જાયેલા ધર્મોમાં તમને જોવા મળે જે આપણામાં નથી.

ભગવદ્ ગીતા ઉપરાંત વેદ-ઉપનિષદો કે રામાયણ - મહાભારત આપણા માટે પવિત્ર ગ્રંથો છે. આજકાલ બાઈબલ અને કુર્રાનની જેમ ભગવદ્ ગીતાને પણ એજ પંગતમાં મૂકવામાં આવે છે તે સગવડિયું છે. વેટિકનની જેમ આપણા ધર્મની કોઈ એક ચોક્કસ રાજધાની જેવી ધર્મસત્તા નથી. કાબાની સાથે કવિઓ કાશીનો પ્રાસ મેળવે તે ઠીક છે આપણા ધર્મ માટે એવી અનેક વિશિષ્ટ ધર્મભૂમિઓ છે, માત્ર બનારસ એકલું જ નથી.

આનું કારણ છે. હિંદુ ધર્મ જે સનાતન કહેવાયો છે તે આપણી જીવનશૈલી હતી. હજારો વર્ષથી આપણા રોજેરોજના જીવનમાં જે વણાઈ ગયેલી વાતો હતી તે આપણને ધાર્મિક બનાવતી રહી, નીતિમત્તાવાળા બનાવતી રહી.

રામ સ્વરૂપના પુસ્તક ‘ધ વર્ડ એઝ રીવિવેશન: નેમ્સ ઓફ ગૉડ્સ’માં હિંદુ સંસ્કૃતિમાં ભગવાનનાં વિવિધ નામ વિશે અદ્ભુત ચર્ચા થઈ છે. આપણે ત્યાં ઈશ્ર્વરને એક જ નામે બોલાવવામાં નથી આવતા. ક્રાઈસ્ટ કે પયગંબર અને ગૉડ કે અલ્લાની જેમ આપણા ઈશ્ર્વરની વ્યાખ્યાઓ સીમિત નથી. આપણા દરેક ભગવાન માટે એકાધિક નામ છે. આ દરેક નામનો અર્થ છે જે ભગવાનના એક પાસાને પ્રગટ કરે છે. આ વૈવિધ્યના સૌંદર્યથી ભગવાન વિશેની પૂર્ણ સમજ પ્રગટે છે. જેઓ આ સમજી નથી શકતા તેઓ ટીકા કરે છે કે તમારામાં તો કેટલા બધા ભગવાન છે!

માણસની જીવનશૈલીની પરંપરામાંથી, ઊતરી આવેલો ધર્મ માણસને વિશાળ મનનો બનાવે છે. કોઈક જરૂરિયાતને કારણે કૃત્રિમ રીતે સર્જાયેલો ધર્મ માણસને સંકુચિત બનાવે છે. કદાચ આ જ કારણ છે કે ખ્રિસ્તી અને ઈસ્લામમાં ધર્મના નામે વિવિધ ફિરકાઓ વચ્ચે શા માટે વારંવાર ધર્મયુદ્ધ થતાં રહ્યાં અને શા માટે એકવીસમી સદીમાં પણ હિંદુ-મુસ્લિમ રમખાણોમાં બેઉ પક્ષના લોકો જેટલા મરે છે તેના કરતાં અનેક લોકો શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે થતાં રમખાણોમાં મરે છે.

સ્વામી વિવેકાનંદથી માંડીને સ્વામી સચ્ચિદાનંદ સુધીના અનેક જાગ્રત વિચારકોએ ધર્મમાં પેસી ગયેલી ખરાબીઓને દૂર કરવાની પોતપોતાની રીતે કોશિશો કરી છે. ધર્મ વિશેની અંધશ્રદ્ધા દૂર કરવાનો એક જ ઉપાય છે. ધર્મના મૂળ સુધી જવું, મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો અને પછી એનો આજના જીવન માટે ઉપયોગ કરવો. ભગવાન વિશે બસ આટલું જ.

No comments:

Post a Comment