હું પૃથ્વીરાજની પત્ની બનવાના મનસૂબા ઘડતી હતી
કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય
કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય
નામ: સંયોગિતા / સંયુક્તા / સંજુક્તા સ્થળ: દિલ્હી સમય: ૧૧૯૨
આ લખી રહી છું ત્યારે પૃથ્વીરાજ પકડાઈ ગયા છે... શાહબુદ્દીન ઘોરી એમને પોતાની સાથે ગઝની લઈ ગયો છે. છેલ્લા કેટલાય સમયથી પૃથ્વીરાજ જાણતા હતા કે આવું કશું થશે. મુઘલો ક્યારેય પોતાની દોસ્તી નિભાવતા નથી... દુશ્મનીમાં પણ રાજપૂતોની જેમ દિલદાર નથી આ મુઘલો, પીઠ પાછળ વાર કરે છે! નવાઈની વાત એ છે કે રાજપૂત રાજાઓ પણ નાની નાની લાલચોમાં આવીને મુઘલોનો સાથ આપતા થઈ ગયા છે. આ દેશ ધીમે ધીમે ટુકડા ટુકડામાં વહેંચાઈ રહ્યો છે. એનું કારણ મુઘલોનું બળ નથી... રાજપૂતોની નબળાઈઓ છે!
અંદર અંદરનો અહંકાર, ઝઘડા અને એકબીજાને નીચા દેખાડવાની વૃત્તિ આ વીર અને બળવાન રાજપૂતોને લઈ ડૂબી. કોણ જાણે કેમ, પણ રાજપૂતોની નબળાઈ મુઘલોની નજરમાં બહુ ઝડપથી આવી ગઈ. આ દેશની જાહોજલાલી જોઈને હિન્દુસ્તાન તરફ આકર્ષાયેલા મુઘલો અહીં રાજ કરવા નથી આવ્યા, લૂંટ ચલાવવા આવ્યા છે. રાજપૂત સ્ત્રીઓ, રાજનો ખજાનો, કલા-કારીગરી, જર-ઝવેરાત જે હાથ લાગ્યું તે લૂંટીને એમને પાછા પોતાને દેશ ભાગી જવું હોય છે. શાહબુદ્દીન ઘોરી પણ એમાંનો જ એક છે. દુ:ખની વાત તો એ છે કે એ જીત્યો, કારણકે એની મદદ કરનાર બીજું કોઈ નહીં, પણ મારા પિતા હતા. જયચંદ રાઠોડ કનોજના રાજવી. એ સમયે કનોજ બહુ બળવાન રાજ્ય ગણાતું. મારા પિતા લોભી અને મહત્ત્વાકાંક્ષી હતા. એમના સમયમાં ઉત્તર ભારતમાં જયચંદ રાઠોડની સામે માથું ઊંચકવાની કોઈની તાકાત નહોતી. એમના દરબારના લોકોએ એમને ચડાવ્યા અને મારા પિતાએ રાજસૂય યજ્ઞ કરવાનું નક્કી કર્યું. મોટા ભાગના રાજાઓએ એમની સર્વોપરિતા સ્વીકારી લીધી, પરંતુ અજમેર અને દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણે આ સર્વોપરિતા સ્વીકારવાની ના પાડી. પૃથ્વીરાજ મારા પિતાના દૂરના પિતરાઈ થતા હતા. મારા પિતાની માતા અને પૃથ્વીરાજ ચૌહાણની માતા તોમર વંશમાં જન્મેલી બહેનો હતી. પૃથ્વી વિશે અનેક લોકવાયકાઓ કહેવાતી. ઉત્તર ભારતમાં ફરતા ભાટચારણો મારા પિતાના દરબારમાં આવીને ક્યારેક પૃથ્વીરાજની વીરગાથાઓ ગાતા. પૃથ્વીરાજ ચૌહાણના દરબારમાંથી પાછા ફરેલા દૂતે સંદેશો કહ્યો, "દિલ્હીનો એક જ રાજા છે, એનું નામ પૃથ્વીરાજ ચૌહાણ છે. આટલું સાંભળતા જ મારા પિતાનું મગજ ફાટીને ધુમાડે ગયું. એટલું ઓછું હોય એમ એમના દરબારના માણસોએ એમના અહંકારને વધુ છંછેડ્યો... મારા પિતા જયચંદ રાઠોડે નિર્ણય કર્યો કે એ યજ્ઞ કરશે અને યજ્ઞના મંડપમાં જ મારો સ્વયંવર યોજાશે. મારા પિતાને કલ્પના સુધાં નહોતી કે હું મનોમન પૃથ્વીરાજ ચૌહાણને ચાહતી હતી. મને પોતાનેય ખબર ન પડી એવી રીતે હું પૃથ્વીરાજની પત્ની બનવાના મનસૂબા ઘડતી હતી. ઉત્તર ભારતમાં પૃથ્વીરાજ વિષે જે અનેક લોકવાયકાઓ ચાલતી એમાંની એક કથા એવી હતી કે પૃથ્વીરાજ સ્ત્રીઓની બાબતમાં થોડા રસિક હતા. એમના અંત:પુરમાં ચાળીસ રાણીઓ હતી એમ કહેવાતું. એમાંની આઠ રાણી તો જાણીતાં રાજવી કુટુંબોમાંથી હતી. ઇચ્છિનીકુમારી, ઇન્દ્રાવતી, શશિવ્રતા, પદ્માવતી, કમલાવતી, તિલોતમા, ચિત્રરેખા અને સુજ્ઞા વિશે જાતજાતની વાતો થતી. પૃથ્વીરાજનો પ્રેમ પામવા માટે આ સ્ત્રીઓ ષડ્યંત્રો કરતી એમ પણ કહેવાતું. પૃથ્વીરાજના અત્યંત પ્રિય મિત્ર અને એમના દરબારના રત્ન એવા ચંદ બારોટ પૃથ્વીરાજ વિશે અનેક કવિતાઓ લખતા. ભારતભરમાં ફરતા ચારણો આ પ્રશસ્તિ કવિતાઓને ફેલાવતા... પૃથ્વીરાજની કીર્તિ કદાચ દેશ-વિદેશમાં ફેલાઈ એનું કારણ એની વીરતા તો હતી જ, પણ સાથોસાથ ચંદ બારોટની કવિતાઓ પણ કામ કરી ગઈ હતી! હું પણ સંતાઈને આ કવિતાઓ સાંભળતી... જેમ જેમ પૃથ્વીરાજ વિશે સાંભળતી ગઈ તેમ તેમ એમને પામવાની મનોકામના વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. મેં મારી માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, મને થયું કે જો આ સ્વયંવર અટકી શકે ને મારા પિતા આનંદથી મને પૃથ્વીરાજ સાથે પરણાવે તો દિલ્હી અને અજમેર મિત્રરાજ્યો બને. મારા પિતાનું રાજસૂય સફળ થાય અને સહુ સુખથી એકબીજાની સાથે જીવી શકે, પરંતુ મારી મા! મારી વાત સાંભળતાં જ ભડકી ગઈ... રાજપૂતોમાં મામા અને ભાણેજનાં લગ્ન થાય, ફોઈને ઘેર ભત્રીજી જાય, પણ કાકા-ભત્રીજીનાં લગ્ન ન થઈ શકે. પૃથ્વીરાજ મારા દૂરના કાકા થાય, મારા પિતાના પિતરાઈ... એટલે એમની સાથેનાં લગ્નનો વિચાર પણ ન થઈ શકે એવું મારી માએ મને સ્પષ્ટ કહી દીધું. બીજી તરફ મેં પૃથ્વીરાજને પત્ર લખ્યો. અમારા અત્યંત વિશ્ર્વાસુ એવા બ્રાહ્મણને એ પત્ર આપીને દિલ્હી મોકલ્યો. મેં પત્રમાં લખ્યું હતું કે, "મારા પિતાએ મારો સ્વયંવર યોજ્યો છે, સ્વયં-વરનો અર્થ થાય છે ક્ધયાએ સ્વયં પસંદ કરેલો વર... ને મેં તમને પસંદ કર્યા છે. તમે નહીં આવો તો હું અન્ય કોઈ સાથે લગ્ન કરવાને બદલે આત્મહત્યા કરીશ. આ પત્ર એમને મળ્યો કે નહીં, એ આવશે કે નહીં આવા અનેક પ્રશ્ર્નોની વચ્ચે મારા સ્વયંવરનો દિવસ આવી પહોંચ્યો. મારા પિતાએ પૃથ્વીરાજનું અપમાન કરવા માટે મંડપના દરવાજા પર ગોઠવેલા પૂતળામાં દ્વારપાળની જેમ પૃથ્વીરાજનું પૂતળું ગોઠવ્યું. એક રાજા બીજા રાજાનું આનાથી વધુ અપમાન શું કરી શકે? મને લાગ્યું કે હવે પૃથ્વીરાજ નહીં આવે, પરંતુ સ્વયંવરની આગલી સાંજે હું મંદિર જવા નીકળી ત્યારે એક સ્ત્રી મારા હાથમાં એક પત્ર આપી ગઈ. જેમાં લખ્યું હતું, "હું આવી પહોંચ્યો છું, તમને નિરાશ નહીં કરું. મને અત્યંત આશ્ર્ચર્યની સાથે આનંદ થયો. પૃથ્વીરાજ આવ્યા છે એ વિચારે હું નિશ્ર્ચિંત થઈ ગઈ. સ્વયંવરની સવારે હું શણગાર સજીને મંડપમાં પહોંચી. મેં ચારે તરફ નજર દોડાવી, મંડપમાં બેઠેલા અનેક રાજાઓમાં પૃથ્વીરાજ નહોતા... મારું હૃદય બેસી ગયું. વીંટીમાં જડેલો હીરો મેં પહેલેથી જ એના નખ ખોલીને ઢીલો કરી રાખ્યો હતો. પાણી ભરવાની સુરાહીમાં અફીણ ઘોળીને તૈયાર હતું. હું એક પછી એક રાજાઓ પાસેથી પસાર થતી ગઈ, એમની સાથે આવેલા ભાટચારણો એમનાં પ્રશસ્તિ ગીતો ગાતાં રહ્યા ને હું એમને પસાર કરીને આગળ વધતી રહી. મારા પિતાએ પૃથ્વીરાજનું પૂતળું દરવાજે ઊભું રાખ્યું હતું ત્યાં સુધી હું પહોંચી. એક ક્ષણ મેં એ પૂતળા સામે જોયું ને પછી પૂતળાના ગળામાં હાર પહેરાવી દીધો. ત્યાં બેઠેલા તમામ રાજાઓ અવાચક થઈ ગયા. કોઈએ આવી કલ્પના નહોતી કરી. મારા પિતાને પણ આવો વિચાર તો નહીં જ આવ્યો હોય. મેં જેવો પૂતળાના ગળામાં હાર પહેરાવ્યો કે દૂરથી આવતા પૃથ્વીરાજ મને દેખાયા. એમણે અત્યંત ૠજુતાથી છતાંય એમના દૃઢ બાહુઓની અપૂર્વ તાકાતથી મને ઉપાડી લીધી. ઘોડા પર આગળ બેસાડી દીધી. કોઈ કશું સમજે એ પહેલાં ઘોડો ત્યાંથી અલોપ થઈ ગયો. મારા પિતાનું જંગી લશ્કર અને એમના ઇરાની અફસર મીર બાંદાની સરદારી હેઠળ સહુએ અમને આંતર્યા. જોકે, પૃથ્વીરાજના અપૂર્વ બાહુબળ અને કુનેહની સામે મીર બાંદા અને એનું લશ્કર ટક્યા નહીં. વિજયનો ઉત્સાહ પૂરો મનાવી શકીએ એ પહેલાં મને સમજાયું કે મારા પિતાએ લુચ્ચાઈ કરીને થોડે જ દૂર બીજા સૈનિકો ગોઠવ્યા હતા. પૃથ્વીરાજના સૈનિકો થાકેલા હતા, પ્રમાણમાં ઓછા હતા. પૃથ્વીરાજ ઘાયલ થયા. એમણે એમના સરદાર બાઘરાયની સરદારી હેઠળ પૂરો સામનો કર્યો, પણ બાઘરાયે સલાહ આપી કે પૃથ્વીરાજે ત્યાંથી ભાગી છૂટવું જોઈએ. સવાલ મારી સલામતીનો પણ હતો અને દિલ્હીના સ્વમાનનો પણ. પૃથ્વીરાજ મને લઈ કિલ્લામાં દાખલ થઈ ગયા. મારા પિતાથી કશું થઈ શક્યું નહીં. બાઘરાય શહીદ થયા... એ પછીના સમયમાં કદાચ હું જિંદગીનો શ્રેષ્ઠ સમય જીવી ગઈ. પૃથ્વીરાજના આશ્ર્લેષમાં મને દુનિયાનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થયું. એક વીર, બહાદુર, રસિક પતિને પામીને હું ધન્ય થઈ... પણ આ ધન્યતા બહુ લાંબો સમય ટકી નહીં. શાહબુદ્દીન ઘોરીએ ચડાઈ કરી, જેમાં મારા પિતાએ એની મદદ કરી. પૃથ્વીરાજના સૈનિકો પૂરી હિંમતથી લડ્યા, પણ શહીદ થયા. પૃથ્વીરાજ જીવતા પકડાયા... હવે ઘોરી એમને ગઝની લઈ ગયો છે. પૃથ્વીરાજના મિત્ર ચંદ બારોટ એમની સાથે છે. આજે જ પત્ર આવ્યો છે કે, પૃથ્વીરાજની આંખો ફોડી નાખી છે, પરંતુ પૃથ્વીરાજ અને ચંદ બારોટ એકબીજાને મારી નાખશે એવું આ પત્રમાં લખ્યું છે. પૃથ્વીરાજે લખાવ્યું છે કે પોતે મૃત્યુ પામતા પહેલાં ઘોરી આ દુનિયા છોડી દેશે. કેમ થશે, શું થશે, થશે કે નહીં - હું કંઈ જાણતી નથી. મને એટલી ચોક્કસ ખબર છે કે જો પૃથ્વીરાજ આ દુનિયામાં નહીં હોય તો હું પણ નહીં જ હોઉં... ફૂટ નોટ પૃથ્વીરાજે શબ્દવેધી બાણ મારીને શાહબુદ્દીન ઘોરીને ખતમ કર્યો. સાથે જ ચંદ બારોટ અને પૃથ્વીરાજે એકબીજાની છાતીમાં કટાર ખોસી દીધી... સંયુક્તાએ પૃથ્વીરાજની આઠ રાણીઓ સાથે જૌહર કર્યું - એમ કહેવાય છે... |
No comments:
Post a Comment