Friday, September 5, 2014

શારીરિક રીતે પતિનું દીર્ઘાયુષ્ય માગવું એ સ્ત્રીનો ધર્મ નથી --- કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=139189

કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય


નામ : સાવિત્રી

સ્થળ : મદ્ર દેશ

સમય : સતયુગ

આજે લોકો મારા નામે વ્રત રાખે છે, વડની પૂજા કરે છે અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. મારું નામ પ્રાત: સ્મરણીય સતીમાં લેવાય છે... યમ સાથે લડીને હું મારા પતિનું આયુષ્ય પાછું લઈ આવી એવી કથાઓ પુરાણોમાં કહેવાય છે. પાંડવો જ્યારે વનમાં હતા ત્યારે માર્કંડેય ૠષિ એક વાર એમને મળવા આવ્યા. યુધિષ્ઠિર અત્યંત શોક અને વિષાદગ્રસ્ત હતા. એમણે માર્કંડેયને પ્રશ્ર્ન કર્યો, "હે ભગવન્ ! દેવર્ષિઓમાં તમે ભૂત અને ભવિષ્યના વેત્તા તરીકે પ્રસિદ્ધ છો. તેથી હું તમને મારા હૃદયમાં રહેલા એક સંશય વિશે પૂછું છું. તો તમે તેનું નિરાકરણ કરો. અમે વનમાં આ દુ:ખદ વાસ કરીએ છીએ અને મૃગયાથી આજીવિકા ચલાવીએ છીએ. સંબંધીજનોએ અમને આમ દેશપાર કર્યા છે, એટલે અમે તપસ્વીઓનો મિથ્યા વેશ રાખીને વનનિવાસ કરીએ છીએ. તો હું પૂછું છું, કે મારા કરતાં વિશેષ મંદભાગી કોઈ મનુષ્ય તમે સાચે જ પૂર્વે જોયો છે કે સાંભળ્યો છે ખરો ?

માર્કંડેય ૠષિએ ત્યારે યુધિષ્ઠિરને આશ્ર્વાસન આપતાં મારા જીવનની કથા કહી. રામને પડેલાં તમામ દુ:ખોનું વર્ણન કર્યા પછી એમણે અમારા જીવનની કથા કહી. કુળવાની કઈ રીતે પોતાના જીવનમાં સ્વયંસિધા બનીને પોતાના ભાવિનું સ્વયં નિર્માણ કરી શકે છે એ કથા માર્કંડેય ૠષિએ યુધિષ્ઠિરને કહી, પરંતુ હું જ્યારે આંખ મીંચું ત્યારે મને વીતેલો સમય જાણે તાદૃશ્ય થઈને દેખાય છે. ક્યારેક એ દિવસોમાં વિતાવેલી ક્ષણોનો વિચાર કરું ત્યારે મને સમજાય છે કે આપણે બધા જ ભીતરથી ભીરુ અને ભય સામે હારી જનાર મનુષ્યો છીએ. આપણને બધાને લાગે છે કે મૃત્યુ એ જીવનની સૌથી મોટી અને અઘરી પરીક્ષા છે. પોતાનું મૃત્યુ આપણને એટલું દુષ્કર નથી લાગતું, જેટલું આપણા પ્રિયજનનું કે સ્વજનનું મૃત્યુ લાગે છે. આપણા અસ્તિત્વના આધાર સમી વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણને સ્વયંના જીવન પરથી જ શ્રદ્ધા ડગમગતી જણાય છે. સત્યવાન મારા જીવનનું એકમાત્ર સત્ય બનીને આવ્યા હતા...

મેં જ્યારે મારા પિતા મહારાજ અશ્ર્વપતિને સત્યવાન વિશે જણાવ્યું ત્યારે એમનું હૃદય અત્યંત વ્યથિત થયું હતું. હું એમનું એકમાત્ર સંતાન હતી. અનેક રાણીઓ હોવા છતાં મારા પિતા અશ્ર્વપતિને જ્યારે સંતાન ન થયું ત્યારે એમણે ભગવાન સાવિત્રી દેવીની પ્રાર્થના કરી. સાવિત્રી દેવીની કૃપાથી એમને ત્યાં સંતાનનો જન્મ થશે એવું વરદાન મળ્યું. મારી માતા માલવી અત્યંત સ્વરૂપવાન અને ધર્મપ્રિય હતી. મારા પિતાને અનેક રાણીઓ હતી, પરંતુ મારા પિતાએ પોતાની પ્રિય પત્ની માલવીની કૂખેથી પોતાના સંતાનનો જન્મ થાય એવી ઇચ્છા વ્યક્ત કરી. મારા પિતા તો પુત્ર ઇચ્છતા હતા, પરંતુ સાવિત્રીમંત્રથી એક લાખ હવન કર્યા પછી આઠ ભાગવાળા દિવસના છઠ્ઠે ભાગે એકમાત્ર સમયે ભોજન લઈને એમણે અઢાર વર્ષ સુધી યજ્ઞ કર્યો. સાવિત્રી દેવી એ સમયે એમના પર પ્રસન્ન થયાં અને અગ્નિહોત્રમાંથી દર્શન આપ્યાં., વરદાન માગવાનું કહ્યું. મારા પિતાએ હાથ જોડીને વિનંતી કરી, "મને અનેક કુલતારક પુત્રો થાઓ. સાવિત્રી બોલ્યાં, "તારો આ વિચાર જાણીને મેં ભગવાન પિતામહને તને પુત્રપ્રાપ્તિ થાય તે અંગે કહ્યું હતું, પરંતુ તારા ભાગ્યમાં પુત્ર નથી તેથી એક તેજસ્વિની પુત્રી હું મારા સ્વયંના તપોબળથી તને અર્પણ કરું છું.

એ પછી મારો જન્મ થયો. મારું નામ સાવિત્રી પાડવામાં આવ્યું... સમય સાથે હું મોટી થઈ, પરંતુ મને જોઈને લોકો માનતા કે હું દેવક્ધયા છું. કમળપત્રના જેવા નેત્ર, સુંદર કેડ, વિશાળ નિતમ્બ અને સુવર્ણ પ્રતિમા જેવું મારું શરીર જોઈને એ સમયના રાજવીઓમાંથી કોઈએ મારું માગુ કર્યું નહીં. મારા પિતા મહારાજ અશ્ર્વપતિ અત્યંત ચિંતિત રહેવા લાગ્યા. એક વાર નારદજી અમારે ત્યાં પધાર્યા. એમણે મારા પિતાને ઉપાય સૂઝાડ્યો, "આટલી તેજસ્વી ક્ધયાના પતિનું ચયન કરવું સરળ નથી. તમે તમારી ક્ધયાને જ પરિભ્રમણ માટે મોકલો. એના નસીબમાં જે લખ્યું હશે એ પતિ એને આપોઆપ ઉપલબ્ધ થશે. સ્વયં દેવીના આશીર્વાદથી જન્મેલી ક્ધયા પોતાના ભાગ્યને પોતાની સાથે લાવી જ હશે. મારા પિતાએ મને પરિભ્રમણ અર્થે મોકલી. અનેક રાજ્યોમાં પ્રવાસ કરવા છતાં મને કોઈ યોગ્ય વર મળ્યો નહીં. એ દરમિયાનમાં મને જંગલમાં એક યુવાન સાધુનો ભેટો થયો. મને તરસ લાગવાથી મેં એની પાસે પાણી માગ્યું. એણે એના કમંડળમાંથી પાણી આપ્યું. અમારા નેત્રો મળ્યા ને મને એમ લાગ્યું કે એ જ મારા જીવનનું સત્ય છે! મારી સખીઓએ પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે એ દ્યુમત્સેન નામના રાજાનો પુત્ર હતો. દ્યુમત્સેને પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું, પોતાની દૃષ્ટિ પણ ગુમાવ્યા પછી દ્યુમત્સેન પોતાના બાળપુત્ર અને પત્નીને લઈને વનમાં દિવસો વિતાવી રહ્યા હતા. હવે એ બાળપુત્ર યુવાન બન્યો હતો, એનું નામ સત્યવાન હતું. મારા પિતાએ નારદજીને તેડાવ્યા. નારદજીએ સત્યવાન વિશે જાણ્યું. એમણે મારા પિતાને કહ્યું કે, "સત્યવાન સાથે કદાપિ મારા લગ્ન ન થઈ શકે, કારણકે સત્યવાન પાસે ફક્ત એક વર્ષનું આયુષ્ય છે...

મારા પિતા અત્યંત વ્યથિત થયા, પરંતુ મેં તેઓને કહ્યું કે, "ક્ધયાનું દાન એક જ વખત અપાય અને મેં તમારા વચન મુજબ સ્વયંને સત્યવાનને સમર્પિત કરી દીધી છે. એક ગુણવાન હો કે ગુણહીન, અલ્પાયુ હો યા દીર્ઘાયુ... એક વાર મેં એમને મારા સ્વામી માન્યા છે. નારદે મારી વાતની પુષ્ટિ કરીને પિતાને નિશ્ર્ચિંત થઈ મારા લગ્ન કરવાનું કહ્યું. સંપૂર્ણ સન્માન સાથે મારા માતા-પિતા સત્યવાનને ત્યાં માગુ લઈને ગયા અને મારા લગ્ન થયા. ધમેવેત્તા દ્યુમત્સેન રાજાએ મારા પિતાને અર્ધ્ય આસન અને જલ-પાન આપ્યાં. એમને એમના પુત્રના ભાગ્ય વિશે જાણ નહોતી એટલે એમણે આનંદપૂર્વક વિવાહના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. લગ્ન શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ થયા અને હું મારા સ્વામી સાથે આનંદથી જીવવા લાગી. મેં ઘણું વિચાર્યું અને મનોમન નિશ્ર્ચય કર્યો કે, જ્યાં સુધી મારા સ્વામીનું આયુષ્ય હશે ત્યાં સુધી એમને જીવનના તમામ સુખો આપીશ. સેવા અને સંવનનના મારા તમામ ધર્મોને આનંદપૂર્વક પૂર્ણ કરવામાં મારો સમય વ્યતિત થવા લાગ્યો.

એમ કરતાં નારદે ભાખેલી મારા સ્વામીની મૃત્યુતિથિ આવી લાગી. મેં ત્રણ દિવસના નિર્જળા ઉપવાસ આદર્યા. મારા સાસુ અને શ્ર્વસુર બંને જણાએ મને આવા આકરા ઉપવાસ ન કરવા માટે ઘણી સલાહો આપી, પરંતુ એમને ભાવિની જાણ નહોતી. મેં સાસુ-સસરાને અભિવચન કરીને એ દિવસે સત્યવાન સાથે વનમાં જવાની માગણી કરી. સત્યવાને મને સ્પષ્ટ ના પાડી, તેમ છતાં હું એમની સાથે ગઈ. મેં પ્રથમવાર મારા સ્વામીના વચનને ઉપરવટ જઈને ધારેલું કરવાનું સાહસ કર્યું. સંયાકાળ થતાં સત્યવાનનું શરીર અચાનક જ ખેંચાવા લાગ્યું. એમને પરસેવો થયો, શિરશૂળ ઉપડ્યું. એ મારી પાસે આવીને કહેવા લાગ્યા, "મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. એમનું માથું મારા ખોળામાં મૂક્યું. નારદે ભાખેલા ઘડી અને મુહૂર્ત પ્રમાણે બરાબર એ જ સમયે એક દિવ્ય પુરુષ અમારી સમક્ષ પ્રગટ થયો. એણે રાતા વસ્ત્ર પહેર્યા હતા, મુગટ પહેર્યો હતો, એની કાંતિ સૂર્ય જેવી તેજસ્વી હતી, પરંતુ વર્ણ તેનો તદ્દન કાળો હતો. આંખો લાલ હતી, તે ભયંકર જણાતો હતો.

"સાવિત્રી, હું યમ છું. તારા પતિને લેવા આવ્યો છું. મેં એમને ખૂબ જ વિનંતી કરી, પરંતુ એમણે મારું કંઈ સાંભળ્યું નહીં. સત્યવાનના શરીરમાંથી અંગૂઠા જેવડો પુરુષ એમણે બળપૂર્વક ખેંચી કાઢ્યો. સત્યવાનનું શરીર પ્રભાવહિન, ચેષ્ટા શૂન્ય, શ્ર્વાસોચ્છ્વાસ રહિત થઈ ગયું. અંગૂઠા જેવડા પુરુષને પાશમાં બાંધીને યમ

દક્ષિણમાં ચાલવા લાગ્યા. હું પાછળ પાછળ ગઈ... યમે કહ્યું, "હે સાવિત્રી, તું પાછી વળ. તારા પતિના પાર્થિવ શરીરની ઉત્તરક્રિયા કર. તું સ્વામી પ્રત્યેના ૠણમાંથી મુક્ત છે.

"મેં મારા પતિને જતા જોયા છે એથી હવે હું એમનું અનુસરણ કર્યા વિના રહી શકીશ નહીં. યમની પાછળ ચાલતા ચાલતા મેં એમને કહેવા માંડ્યું, "તત્ત્વદર્શી પંડિતો કહે છે કે સાત ડગલા ચાલવાથી મૈત્રી થાય છે, હું આપણી મૈત્રીને આગળ ધરીને હું મારા સ્વામીના પ્રાણ માગું છું...

મને પાછી ફરવા માટે સમજાવતા યમે મને અનેક વરદાન આપ્યા, જેમાં મારા શ્ર્વસુરની દૃષ્ટિ, એમનું રાજ્ય અને મારા પિતાને ત્યાં પુત્રનું પણ વરદાન મળ્યું. અંતે મેં મારા સસરાના વંશ માટે વિનંતી કરી. યમે "તથાસ્તુ કહી દીધું. એમણે સો પુત્રોનું વરદાન આપ્યું, ત્યાર બાદ મેં એમને કહ્યું કે, "પુરુષ વિના સ્ત્રીને પુત્ર કઈ રીતે થાય...હું મારા પતિ વિના મૃત્યુ પામેલી જ છું. સ્વામી વિનાના સ્વર્ગની કે સ્વામી વિનાના સુખની કલ્પના મને ધ્રુજાવી મૂકે છે. યમ હસી પડ્યા. એમણે કહ્યું, "એ કુલનંદિની તું ખૂબ જ ચતુર છે. બુદ્ધિશાળી અને પતિવ્રતા છે. તેં મને હરાવ્યો છે. મેં તારા ભર્તાને મુક્ત કર્યો છે. એ તારી સાથે ચારસો વર્ષનું આયુષ્ય ભોગવશે. એમણે સત્યવાનના શરીરમાંથી ખેંચી કાઢેલા પુરુષને તત્કાલ મુક્ત કર્યો...

હું વનમાં પાછી ફરી. મેં મારા પતિને સૂતેલા જોયા. હું ફરી એ જ સ્થિતિમાં એમનું માથું ખોળામાં લઈને બેઠા. એમણે આંખો ઉઘાડી...

પતિનું આયુષ્ય માગવાના મારા પ્રયાસમાં મને સફળતા મળી, પરંતુ સાચા અર્થમાં મને સત્યવાનના શરીરની કે દીર્ઘાયુષ્યની ખેવના જ નહોતી. હું તો મારા પતિ સાથે જીવન જીવવા ઇચ્છતી હતી. શારીરિક રીતે પતિનું દીર્ઘાયુષ્ય માગવું એ સ્ત્રીનો ધર્મ નથી.

લાંબા જીવન સાથે સ્વસ્થ અને સુખી જીવન પ્રદાન કરવું એ સ્ત્રીનું ધ્યેય હોવું જોઇએ. મેં કદાચ પહેલા જ વરદાનમાં જો સત્યવાનનું આયુષ્ય માગી લીધું હોત તો યમે નકારી દીધું હોત! પરંતુ શ્ર્વસુરની દૃષ્ટિ અને રાજ્ય, માતાને પુત્રો અને સર્વેનું સુખ માગ્યા પછી મેં જ્યારે મારા સંતતિની માગણી કરી ત્યારે યમ એને નકારી શક્યા નહીં...

સતી હોવું એટલે યમને હરાવવા એવું નહીં, સતી હોવું એટલે સ્ત્રીત્વનો વિજય થવો. સ્વયં પર નિયંત્રણ રાખીને, સ્વાર્થની બહાર જઈને બેઉ પરિવારના સુખની પ્રાર્થના કરવી... પહેલાં અન્યોના સુખનો પ્રયાસ કરવો અને ત્યાર બાદ પોતાના સુખનો વિચાર કરવો...

પતિનું આયુષ્ય સ્વયંના સુખ માટે માગનારી સ્ત્રીઓ કદાચ એ આશીર્વચન પામી શક્તી નથી, પરંતુ સર્વેના સુખનો વિચાર કર્યા પછી જ્યારે સ્વયંનું સુખ માગવામાં આવે છે ત્યારે સ્વયં ઈશ્ર્વર પણ એને નકારી શક્તો નથી...

No comments:

Post a Comment