Friday, September 5, 2014

સપનાએ સાકાર કર્યું સંશોધન --- વિજ્ઞાન - નરેન્દ્ર પટેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=63591

અનેક વૈજ્ઞાનિક શોધમાં નિદ્રાવસ્થા કે અર્ધજાગ્રત અવસ્થામાં આવેલા શમણાનો પરોક્ષ ફાળો છે

શમણાને વૈજ્ઞાનિક શોધ સાથે શો સંબંધ છે? કેટલીક એવી શોધ છે કે જેની રચના, વિચાર અને કાર્યની વિગત સ્વપ્નમાં આવી હોય અને તેને આધારે શોધખોળ શક્ય બની હોય. કેટલીક વખત એવું પણ બન્યું છે કે રાસાયણિક પ્રક્રિયા કરીને જે મેળવવા ધાર્યું હોય તે ન બને અને કંઇક બીજું જ બને.

પરમાણુની રચનાની શોધ કરનાર નીલ્સ બોહરે લખ્યું છે કે પરમાણુના અસ્તિત્વની જાણ તો વૈજ્ઞાનિકોને હતી, પરંતુ તેની રચના વિશે કોઇને જાણ નહોતી. નીલ્સ બોહરે પરમાણુની રચના જાણવા માટે અનેક પ્રયોગો કર્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. નીલ્સ બોહર કહે છે કે એક દિવસ મેં સ્વપ્નમાં જોયું કે હું સૂરજની વચ્ચોવચ ઊકળતા વાયુઓની મધ્યમાં ઊભો છું. સૂર્યની ચારે બાજુ અનેક ગ્રહો ફરી રહ્યા છે. આ ગ્રહો એક પાતળા તંતુથી સૂર્ય સાથે જોડાયેલા છે. હવે અચાનક વાયુઓનું જ્વલન બંધ પડે છે, અને વાયુઓ સખત બને છે. ત્યાર બાદ સૂર્ય અને બીજા ગ્રહો છિન્નભિન્ન થઇ ગયા, વિખંડિત થઇ ગયા. તે સમયે જ મારી આંખ ખૂલી ગઇ.

સપનાની આ બાબત અંગે સતત વિચારતો રહ્યો. તેથી એવું લાગતું હતું કે આ સપનાની કોઇક સાર્થકતા જરૂર છે. એવો અણસાર પણ આવ્યો કે આ સપનાનો સંકેત પરમાણુ રચના સાથે તો નથીને! પછી હું એક નિર્ણય પર આવ્યો કે, પરમાણુ ખુદ એક કેન્દ્ર (નાભિ) છે અને તેની ચારે દિશામાં ઇલેક્ટ્રોન ઘૂમતા રહે છે. આ રીતે એક શમણાથી આજનો પરમાણુ યુગ શરૂ થયો.

સર ફ્રાન્સીસ બેકન ઇંગ્લેન્ડના સંશોધક હતા. તેમને ખાંખાંખોળા કરવાની આદત હતી. તેઓ માનતા કે, ‘સાંભળેલું ભૂલી જવાય છે, જોયેલું યાદ રહે છે અને જાતે કરેલું સમજાય છે.’ તેથી તેમણે પ્રયોગો કરો અને જ્ઞાન ચકાસો એવો સિદ્ધાંત અપનાવ્યો હતો. એક વખત એલેકઝાંડર ફ્લેમિંગ તેમની પ્રયોગશાળાની સફાઇ કરતા હતા, પ્રયોગો માટે અનેક રકાબીઓ ગોઠવેલી હતી. એક રકાબીમાં બેક્ટેરિયા ઉછેરવામાં આવ્યા હતા. તેમાં એક જગ્યાએ બેક્ટેરિયા નહોતા, પરંતુ ફુગ હતી. આ ફુગ એટલે બીજું કંઇ નહીં, પરંતુ પેનિસિલિન. ફ્લેમિંગ એવું વિચારતાં હતા કે આ ફુગ તો નકામી છે. અને અડચણરૂપ છે પાછળથી આ ફુગ બેક્ટેરિયાનાશક પુરવાર થઇ. તેને આધારે પેનિસિલિનની શોધ થઇ.

ફેડરિક કે. ક્યૂસનનું નામ બેન્ઝિનની રાસાયણિક રચના સાથે સંકળાયેલું છે. તેણે સપનામાં જોયું કે, એક સાપ તેની પૂંછડી મોંમાં દબાવી રાખે છે. બસ, આને આધારે તેમણે બેન્ઝિનની પરમાણુ રચનાનો રિંગ સિદ્ધાંત એટલે કે બંધ શૃંખલાની શોધ કરી.

ચાર્લ્સ ટાઉને લેસરની શોધ કરી હતી. તેના સાથીદારો કહેતા કે, આ કેવી ફાલતું શોધ કરી છે જેનો કશો ઉપયોગ નથી. તેણે તો ફક્ત પ્રકાશના બીમની શોધ કરી હતી, ત્યારે તેને તો લેસરના વિવિધ ઉપયોગો વિશે પણ જાણ નહોતી. શરૂઆતમાં લેસરની શોધને જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહોતો. આંખનો પડદો-સરકી ગયો હોય તેને સરખો કરવા માટે પણ લેસર વપરાય છે. સંગીતમાં પ્રકાશનો જલસો કરવામાં તથા અનેક ક્ષેત્રોમાં લેસર વપરાય છે. તેની શોધ પણ આકસ્મિક રીતે થઇ હતી.

હેન્રી ફેહર નામના પ્રખ્યાત ગણિતશાસ્ત્રીએ ૭૦ જેટલા વિદ્વાનો અને ચિંતકોના અભિપ્રાય મેળવીને જણાવ્યું હતું કે, ૫૧ જેટલા વિદ્વાનોએ ગણિતના અઘરા કોયડા સપનામાં જ ઉકેલ્યા હતા. પરોક્ષ રીતે શમણાં જ મદદે આવ્યાં હતાં. એલિયમ નામના માણસે ઘણાં વર્ષોની જહેમત પછી સિલાઇ મશીનની શોધ કરી હતી, પરંતુ કપડા પર સિલાઇ થતી હતી તે કાચી અને કમજોર થતી હતી. તેની ઇચ્છા હતી કે હજુ બે ગણી મજબૂત થવી જોઇએ. તે માટે તેણે સોય પર ઠેકઠેકાણે છિદ્રો પાડીને પ્રયત્ન કરી જોયા, પરંતુ સફળતા મળી નહીં. આ અંગે તે સતત ચિંતન કરતો રહ્યો. એક દિવસ તે સૂતો હતો ત્યારે સપનું જોયું. સપનામાં જંગલી જાતિના લોકો જેઓ સૈનિક જેવા દેખાતા હતા, તેઓ તેને પકડીને લઇ ગયા. જંગલના રાજાની સામે હાજર કર્યો. રાજાએ તેને હુકમ કર્યો કે ચોવીસ કલાકમાં અમારે માટે સિલાઇ મશીન તૈયાર કર, જો તેમ ન થાય તો તને મોતને ઘાટ ઉતારવામાં આવશે. એલિયમે ચારે તરફ નજર કરી તો બધે સૈનિકો જ જોવા મળ્યા. હાથમાં ભાલા લઇને ઊભેલા સૈનિકોથી તે ઘેરાયેલો હતો, અને વચમાં તાપણું સળગતું હતું. તાપણાના પ્રકાશમાં તેણે જોયું કે ભાલાની ટોચમાં આંખ જેવું છિદ્ર છે. એલિયમે સપનું જોયું. સપનામાં તેણે જોયું કે જો ચોવીસ કલાકમાં સિલાઇ મશીન ન બનાવ્યું તો સૈનિકો ભાલા વડે તેના માથામાં કાણું પાડશે, સપનું તો તૂટી ગયું તે તંદ્રાવસ્થામાંથી સફાળો જાગ્યો. આ સપનામાંથી જ તેને ઉકેલ મળી ગયો. તેણે છેડે છિદ્ર હોય તેવી સોય બનાવી અને મશીનમાં લગાડી દીધી. આ રીતે કપડાં સીવવાના મશીનની શોધ થઇ. અહીં પણ સપનું એલિયમની મદદે આવ્યું.

ફ્લેમિંગના સપનાના ફળ સ્વરૂપે પેનિસિલિનની શોધ થઇ. તેમાંથી ઓરીઓ માઇસિન સ્ટ્રેપ્ટો માઇસિન વગેરે દવાઓ બનાવવામાં આવી. ન્યુમોનિયા, ક્ષય, મેનિન્જાઇટિસ, વિષમજ્વર જેવા જટિલ રોગોમાંથી માનવજાતને મુક્તિ મળી. નિદ્રાવસ્થા કે અર્ધજાગૃત અવસ્થામાં આવેલા શમણાંનો આપણા પર પરોક્ષ રીતે ઘણો ઉપકાર છે.

No comments:

Post a Comment