Friday, September 5, 2014

ખગોળશાસ્ત્રીઓ માટે રસપ્રદ કોયડો --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=110602

ઈસુના જન્મ વખતે દેખાયેલો બેથ્લેહામનો તારો ખરેખર તારો હતો કે બીજી કોઈ અવકાશીય ઘટના?

જ્યારે નાતાલ આવે છે ત્યારે ઉત્તરગોળાર્ધના રાત્રિઆકાશમાં સુંદર મૃગનક્ષત્રના પ્રકાશિત તારા દેખાય છે. મૃગનક્ષત્રને અનુુસરતો ખૂબ જ પ્રકાશિત વ્યાધનો તારો હોય છે. પૂર્વ તરફ વૃષભ રાશિમાં લાલ પ્રકાશિત રોહિણીનો તારો હોય છે, તો મિથુન રાશિના પ્રકાશિત તારા હોય છે. કૃત્તિકા નક્ષત્રમાં સાત તારાનું ઝૂમખું દેખાય છે, અને વૃષભનાં શિંગડાં નજીક પ્રકાશિત બ્રહ્મહૃદય તારો હોય છે. આમ નાતાલના દિવસોમાં આકાશની ભવ્યતા અનેરી હોય છે. તેમાં વળી જો ગુરુ, શનિ આકાશમાં હોય તો તે તેની છટા દેખાડતા નજરે ચઢે છે.

ર૦૦૦ વર્ષ પહેલાં રાત્રિઆકાશમાં થોડા દિવસો માટે એક વધારે તારો ઉમેરાયો હતો. તે ‘બેથ્લેહામ’નો તારો કહેવાય છે. બેથ્લેહામના તારાને ઈસુના જન્મ સાથે સાંકળવામાં આવે છે. તો પ્રશ્ર્ન એ છે કે બેથ્લેહામનો તારો શું હતો? શું બેથ્લેહેમનો તારો ભગવાન ઈસુના જન્મને સૂચવતો હતો? ઈસુના જન્મના દિવસોમાં રાત્રિઆકાશમાં એકાએક દેખાયેલ બેથ્લેહામનો તારો હકીકતમાં શું હતો? આ પ્રશ્ર્નના જવાબમાં ખગોળવિદોને ભારે રસ છે, કારણ કે લોકો તેમને પૂછે છે કે ર૦૦૦ વર્ષ પહેલાં દેખાયેલા બેથ્લેહામનો તારો શું હતો? શું તેઓ એ તારા પર કાંઈ પ્રકાશ પાડી શકે? શું ભૂતકાળની તે અલૌકિક ઘટનાને ખગોળશાસ્ત્રીય રીતે સમજાવી શકાય ખરી? જ્યોતિષીઓ આ પ્રશ્ર્નનો જવાબ આપવા ઘણા ઉત્સુક હોય છે, પણ તેઓ આ પ્રશ્ર્ને જવાબ આપવાને બદલે તેમના ખગોળીય જ્ઞાનના અજ્ઞાનને લીધે પ્રશ્ર્નને વધારે ગૂંચવે છે.

પ્રશ્ર્ન એ છે કે ઈસુના જન્મ વખતે જેરુસલેમના રાત્રિ આકાશમાં દેખાયેલો બેથ્લેહામનો તારો ખરેખર તારો હતો કે બીજી કોઈ આકાશી ઘટના હતી?

બાઈબલમાં મેથ્યુનું ગોસ્પેલ કહે છે કે તારાને શોધવા નીકળેલા અને તેને અનુસરનારા ત્રણ ડાહ્યા માણસો હતા જે મેગી કહેવાતા હતા. તેઓ ખગોળ અને જ્યોતિષના વિદ્વાનો હતા અને પાદરીઓ હતા. જોકે તે એક સામાન્ય તારો હતો પણ વર્ષો જતાં તેને ખૂબ જ પ્રકાશિત કહેવામાં આવતો ગયો. પછીથી તો તેને પૂંછડીવાળો પણ ચીતરવામાં આવ્યો હતો. ઈસુ જેરુસલેમની પૂર્વમાં ૯ કિલોમીટર દૂર બેથ્લેહામ નામના નાના ગામમાં જન્મ્યા હતા. તે જ્યારે જન્મ્યા ત્યારે આકાશમાં અતિપ્રકાશિત તારાનો ઉદય થયો હતો. ગોસ્પેલ લખનાર મેથ્યુએ ઈસુના જન્મ વખતે ઉદય પામેલા પ્રકાશિત તારાનું વર્ણન કર્યું છે. ચીની લોકોની નોંધમાં ઈસવી સન પૂર્વે પાંચ વર્ષ પહેલાં આકાશમાં એક ધૂમકેતુ દેખાયો હતો તેમ લખાયું છે, અને તેનું વર્ણન પણ તેઓએ કર્યું છે. મેથ્યુના અને ચીની લોકોનાં તે તારાનાં વર્ણનો ઘણાં મળતાં આવે છે. તેથી ખગોળવિદો માને છે કે ઈસુના જન્મ વખતે બેથ્લેહામના રાત્રિઆકાશમાં દેખાયેલો પ્રકાશિત તારો હકીકતમાં ધૂમકેતુ હતો. માટે ઈસુ તે વખતે જન્મ્યા હોવા જોઈએ.

તેમ છતાં બીજા ખગોળવિદો માને છે કે ઈસુના જન્મ વખતે રાત્રિઆકાશમાં દેખાયેલો પ્રકાશિત તારો ધૂમકેતુ ન હતો, પણ મીન રાશિમાં થયેલી ગુરુ અને શનિની યુતિ હતી. આ ગ્રહોની યુતિ ઈસવી સન પૂર્વે ૭ વર્ષે થઈ હતી. કેલિફોર્નિયાના બિબ્લિક રિસર્ચ ફાઉન્ડેશનના સંશોધકોએ કમ્પ્યુટર વડે ર૦૦૦ વર્ષ પહેલાં સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની આકાશમાં સ્થિતિ ઉત્પન્ન કરી તો તેમને માલૂમ પડ્યું કે બેથ્લેહામનો તારો ગુરુ ગ્રહ હતો. ત્યારના જ્યોતિષીઓએ તે વખતે રાત્રિઆકાશમાં દૃશ્યમાન થયેલા આકાશીપિંડનું અર્થઘટન ઈસુના જન્મના સંકેત તરીકે કર્યું હતું.

ઈસવી સન પૂર્વે એે વર્ષે જૂન મહિનાની ૧૭ તારીખે ગુરુ અને શુક્રની યુતિ થઈ હતી, અને તે નોંધનીય આકાશીઘટના હતી. તે જ વર્ષે ર૭ ઓગસ્ટે ગુરુ, મંગળ, શુક્ર અને બુધની સિંહ રાશિમાં યુતિ થઈ હતી. તે વખતે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતો અને સૂર્ય ક્ધયા રાશિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતો. એટલે કે ઉપરોક્ત મહાયુતિ ઉષા સમયે સૂર્યોદય થાય તે પહેલાં દૃશ્યમાન થતી હતી. એ વખતે બેથ્લેહામ પર પૂર્વ ક્ષિતિજ પર સિંહ રાશિમાં આ યુતિ દૃશ્યમાન થતી હતી. શું તે સમયના જ્યોતિષીઓએ આ ઘટનાને ઈસુના જન્મના સંકેત તરીકે ગણી હશે? સિંહ રાશિમાં રહેલો મઘા તારો અને ગુરુ ગ્રહ રાજા ગણાય છે, તેથી યહૂદી લોકો માનતા કે યહૂદીઓમાં એક મહાન પુરુષનો જન્મ થયો હોવો જોઈએ. એ મહાન પુરુષ ઈસુ હતા. ઈસવી સન પૂર્વે બીજા વર્ષે રપ ડિસેમ્બરે ગુરુ ગ્રહ ક્ધયા રાશિમાં હતો. શું તે જ બેથ્લેહામનો તારો હતો? કદાચ તે જ બેથ્લેહામનો તારો હતો. જેને તે વખતના લોકોએ ઈસુના જન્મ સંકેત તરીકે લીધો હતો. તે વખતના જ્યોતિષીઓ ઈસુના જન્મની કુંડળી બનાવવા ઈચ્છતા હતા પણ તે પાપ ગણાતું. માટે તેઓેએ તે માંડી વાળ્યું. કાશ, તેઓેએ એવી અંધશ્રદ્ધા રાખી ન હોત તો આપણને અત્યારે ખબર હોત કે ઈસુના જન્મ વખતે આકાશ કેવું હતું, અને ખરેખર ઈસુનો જન્મ ક્યારે થયો હતો. અંધશ્રદ્ધામાં લોકો ખગ્રાસ સૂર્યગ્રહણ જોતા નથી, ધૂમકેતુ પણ જોતા નથી.

ઈસુના જન્મ વખતે દૃશ્યમાન થયેલો તારો જે બેથ્લેહામના તારા તરીકે જાણીતો થયો છે. તે હકીકતમાં કયો આકાશીપિંડ હતો. શું તે ગુરુ ગ્રહ હતો કે પછી ધૂમકેતુ હતો કે પછી એક અભિનવ તારો (જીાયક્ષિજ્ઞદફ જ્ઞિ ગજ્ઞદફ યડ્ઢાહજ્ઞતશજ્ઞક્ષ વિસ્ફોટ અથવા મહાવિસ્ફોટના રૂપમાં મૃત્યુ પામતો તારો) હતો. વિજ્ઞાન ચમત્કારમાં માનતું નથી. આમ બેથ્લેહામના તારાની વાર્તા એક રસપ્રદ બિના છે અને તે વિશ્ર્વમાં બનેલી ઈસુના જન્મ વિષેની મહાન ઘટના સાથે સંકડાયેલી છે. તેનો તાગ કાઢવો જ રહ્યો. તેમ છતાં આપણને હકીકતમાં ખબર નથી કે બેથ્લેહામનો તારો ખરેખર શું હતો. ઘણા બધા આકાશીપિંડો તેના ઉમેદવાર તરીકે ઊભરી આવ્યા છે. ૧૬૦૪માં જર્મન ખગોળવિજ્ઞાની જોહાનીસ કેપ્લરે તારાનો મહાવિસ્ફોટ જોયો હતો. તેથી તે માનતો કે બેથ્લેહામનો તારો સુપરનોવા હોવો જોઈએ. બેથ્લેહામનો તારો ખરેખર શું હતો તે કહી શકાય તેમ નથી. બેથ્લેહામના તારાની કથા બહુ બઢાવી-ચડાવીને કહેવામાં આવી છે. કથાને ર૦૦૦ વર્ષમાં તો ખૂબ જ ચગાવી દેવામાં આવી છે. મેથ્યુએ તેના ગોસ્પેલમાં તેને માત્ર તારો જ કહ્યો હતો, પણ વખત જતાં તે ખૂબ જ પ્રકાશિત તારો હતો એમ કહેવાનું શરૂ થયું. ત્રણ મેગીઓએ પહેલા પરોઢિયે તે તારાને જોયો હતો. થોડા દિવસ તે અદૃશ્ય થઈ ગયો હતો અને પછી પશ્ર્ચિમમાં દેખાયો હતો. એ દર્શાવે છે કે તે ધૂમકેતુ હતો. પ્રાચીન સમયમાં બધા જ રાત્રિ આકાશના પિંડોને તારા જ કહેવામાં આવતા. જેમ જેમ ખગોળવિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ આપણને ખબર પડી કે આકાશમાં તારા છે, ધૂમકેતુ છે, ગ્રહો છે, ઉપગ્રહો અને લઘુગ્રહો પણ છે અને સુપરનોવા થતી આકાશમાં દેખાય છે. મેથ્યુએ તેના ગોસ્પેલમાં તારીખનો ઉલ્લેખ નથી કર્યો. સેન્ટ લ્યુડે જિસસના જન્મની વાત કરી છે. તેના બચપણની વાત કરી છે પણ તારાની વાત કરી નથી એ સ્પષ્ટ છે કે ઈસુનો જન્મ રાજા હેરોડનાં છેલ્લાં વર્ષોમાં થયો હતો. એ પણ સ્પષ્ટ નથી કે બેથ્લેહામનો તારો ઈસુના જન્મ પહેલાં કઈ સાલમાં દેખાયો હતો. આવો પ્રકાશિત આકાશીપિંડ ઈસુના કહેવાતા જન્મ પહેલાંનાં ૧૦ વર્ષમાં ત્રણ વખત દેખાયો હતો. એમ પણ મનાય છે કે આવો કોઈ તારો દેખાયો જ ન હતો. મેથ્યુએ માત્ર ઈસુના જન્મની કથાને મહાન બનાવવા જ આવું લખ્યું હતું. નાતાલમાં ઈસુ જન્મ્યા હોય કે નહીં, પણ ૧૬૪૨ની નાતાલમાં ન્યુટન જન્મ્યો હતો. ૧૬૫૮ની નાતાલમાં હેલીનો ધૂમકેતુ દેખાયો હતો.

No comments:

Post a Comment