Thursday, April 3, 2014

આપણા પર આધારિત જીવોને તિરસ્કારીને કશું પામી શકાતું નથી - કાજલ ઓઝા વૈદ્ય - કથા કોલાજ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=121234

આપણા પર આધારિત જીવોને તિરસ્કારીને કશું પામી શકાતું નથી

નામ: યશોધરા સિદ્ધાર્થ સ્થળ: કપિલવસ્તુ સમય: ઈ.સ. પૂર્વેની પાંચમી સદી ઉંમર: ૨૫ વર્ષ 

આજે કપિલવસ્તુમાં ઉત્સવ છે. આખું નગર શણગારવામાં આવ્યું છે. નગરજનો ઘેલા થઈને પોતાના પ્રાસાદને શણગારી રહ્યા છે. શ્રેષ્ઠીઓ, અમાત્યો અને નગરજનો ચારે તરફ ફૂલોનાં તોરણ બાંધે છે, દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. વર્ષાૠતુ સમાપ્ત થઈ છે. આખાય નગરમાં તમામ વૃક્ષો સુંદર અને હરિયાળાં દેખાઈ રહ્યાં છે. ઈશ્ર્વરે ધીમે ધીમે હેમંતનાં પગલાં માંડવાની તૈયારી કરવા માંડી છે ત્યારે ભગવાન તથાગત બુદ્ધ કપિલવસ્તુમાં પધારશે એવા સમાચાર આવ્યા છે.

આજથી આઠ વર્ષ પહેલાં રાજકુમાર સિદ્ધાર્થ મને અને મારા પુત્રને ઊંઘતા મૂકીને કોઈ ચોરની જેમ નાસી ગયેલા... પ્રબુદ્ધ શાક્યની પુત્રી હું, યશોધરા નામ મારું. અત્યંત સુંદર અને નાજુક હતી હું. અનેક શાક્યો મારો હાથ પકડવા ઉત્સુક હતા. નગર ઉત્સવના સમયે કેટલીયે વાર અનેક શાક્યપુત્રોએ મને જીતવાના પ્રયાસ પણ કરેલા, પરંતુ કોણ જાણે કેમ, મારા મનમાં કદીયે કોઈ વસ્યું જ નહીં. ગૌરીવ્રત કરતી હતી ત્યારે મારા પિતા મને વારંવાર કહેતા, "કોણ જાણે તારું આ સૌંદર્ય, આ બુદ્ધિ અને તેજ કોના નસીબમાં લખ્યું હશે ! એક પિતા તરીકે એમની ચિંતા સ્વાભાવિક હતી, કારણ કે મારા મનમાં કોઈ વસતું જ નહીં ! એવામાં એક વાર મેં રાજકુમાર સિદ્ધાર્થને જોયા. એમના સારથિ ચન્ના સાથે એ પહેલી વાર નગરવિહારે નીકળ્યા હતા. રાજકુમાર સિદ્ધાર્થને આજ પહેલાં કોઈ નગરજનોએ જોયા નહોતા. સૌએ સાંભળ્યું હતું કે એ અત્યંત મનમોહક અને બુદ્ધિશાળી છે. એમના ભ્રાતા દેવદત્ત સાથે બનેલા હંસના પ્રસંગથી સહુ એમના પરત્વે અત્યંત પ્રેમ અને સન્માનની લાગણી ધરાવતા થયા હતા... કપિલવસ્તુના નગરજનો રાજકુમાર સિદ્ધાર્થને જોવા ટોળે વળ્યા હતા. હુંય એમાંની એક હતી. ઘેલી અને ઉત્સુક...

રાજકુમાર સિદ્ધાર્થ રથમાં બેસીને અમારા સહુની સામેથી પસાર થયા. અમે સહુ એમને જોઈ રહ્યા. કાચ જેવી પાણીદાર આંખો, મુખ ઉપર નમણાશ અને કોઈ અલૌકિક તેજ... એમણે રથમાંથી પસાર થતાં અચાનક જ મારી તરફ જોયું. અમારી દૃષ્ટિ ક્ષણાર્ધ માટે મળી, કોણ જાણે મને શું થઈ ગયું, પણ લાગ્યું કે મારાં તમામ અંગોમાંથી જાણે મારા પ્રાણ હરાઈ ગયા. મારી નજર સમક્ષથી પસાર થતો રથ ને એમાં બેઠેલો રાજકુમાર જાણે પોતાની સાથે મારો પ્રાણ લઈને ચાલ્યા ગયા.

મેં ઘેર જઈને મારા પિતાને કહ્યું, "મેં મારા જીવનસાથીનું ચયન કરી લીધું છે. મારા પિતાએ હર્ષોલ્લાસ સાથે પૂછ્યું, "અરે વાહ ! કોણ છે એ સદ્ભાગી યુવાન ? મેં દૃષ્ટિને ભૂમિ સાથે ખોડીને કહ્યું, "રાજકુમાર સિદ્ધાર્થ. મારા પિતા હસવા લાગ્યા. એમણે મારા માથે હાથ મૂકીને કહ્યું, "તું તો તદ્દન મતિભ્રષ્ટ થઈ ગઈ છે. આ નગરની તમામ ક્ધયાઓ એને પામવાનાં સ્વપ્ન જુએ છે, પરંતુ રાજકુમાર તો... કોણ જાણે હૃદયના કયા ખૂણામાંથી અવાજ આવતો હોય એમ મેં દૃષ્ટિ ઉઠાવીને પિતાની આંખમાં જોયું. પછી આંખ મીંચીને કહ્યું, "રાજકુમાર સિદ્ધાર્થનાં લગ્ન મારી સાથે જ થશે... એ દિવસથી મેં કઠોર તપશ્ર્ચર્યા કરવા માંડી. ભગવાન શિવનાં વ્રત કર્યાં, પૂજા-અર્ચના, ઉપવાસ, ગૌરી વ્રતમાં નિર્જળા આરાધના કરી... મારી તપશ્ર્ચર્યાને સ્વીકારી હોય તેમ રાજમહેલનું આમંત્રણ આવી પહોંચ્યું !

ગૌરીવ્રતની સમાપ્તિના દિવસે મહારાજ શુદ્ધોદને નગરની તમામ ક્ધયાઓને આમંત્રિત કરી હતી. ‘અશોકભાંડ’ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. શાક્યોના આ પર્વમાં માતા-પિતા પોતાની પુત્રીને અલંકૃત કરતાં. રાજમહાલયમાંથી આવેલા આમંત્રણમાં ક્ધયાઓને અલંકારો આપવાના હતાં, પરંતુ એની પાછળનો ઉદ્દેશ એ હતો કે કુમાર પોતાની પત્નીનું ચયન કરી શકે. એક પછી એક ક્ધયાઓ આવતી રહી, કુમાર એમને અલંકૃત કરતા રહ્યા... અંતે હું ત્યાં પહોંચી.

થોડું મોડું થઈ ગયું હતું. બાકીની ક્ધયાઓને અલંકાર અપાઈ ચૂક્યાં હતાં. રાજકુમારે પોતાનો સુવર્ણ હાર મને આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં સ્વીકાર્યો નહીં. મેં કહ્યું, "હું આપને અલંકૃત કરવા આવી છું, અલંકારવિહીન કરવા નહીં... રાજકુમાર અને મારા વચ્ચે ફરી એક વારા તારામૈત્રક રચાયું. આ વખતે હું જોઈ શકી કે રાજકુમાર સિદ્ધાર્થની આંખોમાં પણ એ જ ભાવ હતા, જે આજ સુધી મેં દર્પણમાં મારી આંખોમાં જોયા હતા...

ત્રીજા જ દિવસે રાજમહેલથી આમંત્રણ આવ્યું. અમને સહકુટુંબ ભોજન માટે નિમંત્ર્યા હતા. મહારાજ શુદ્ધોદને રાજકુમાર સિદ્ધાર્થ સાથે મારા વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. મારા પિતા આ માની શક્યા નહીં. હું એમની આંખોમાં આશ્ર્ચર્યની સાથે આનંદ જોઈ શક્તી હતી...

વિવાહ થઈ ગયા. એક શાક્યપુત્રીને સ્વપ્ને પણ નહોય એવાં સુખનાં સાધનો અહીં ઉપલબ્ધ હતાં. સંગીત, નૃત્ય, સૂરા અને સતત આનંદ-પ્રમોદના વાતાવરણ વચ્ચે અમારો સમય પસાર થવા લાગ્યો, પરંતુ હું જોઈ શક્તી હતી કે મારા પતિ - મારા પ્રિયતમ, મારા હૃદયના રાજવી આ આનંદ-પ્રમોદની વચ્ચે પણ ઉદાસીન હતા. મેં એમને સુખ આપવાના તમામ પ્રયાસો કર્યા. સ્નેહથી, શરીરથી, શબ્દથી, પરંતુ એમની ગડમથલ દિવસે દિવસે વધ્યે જતી હતી. એવામાં મારા પુત્રનો જન્મ થયો... મને થયું કે પુત્રનું મુખ જોઈને કદાચ એમનામાં કંઈક બદલાશે, પરંતુ એમણે મારા નવજાત શિશુને હાથમાં લઈને કહ્યું, "મારા મુક્તિમાર્ગનો રાહુ છે આ... મારા હૃદયમાં શૂળ ભોંકાયું. કોઈ પોતાના જ સંતાન માટે આવું કહી શકે ? પરંતુ મેં એ વાતને ગંભીરતાથી લેવાને બદલે હસી નાખી. મેં કહ્યું, "હું એનું નામ રાહુલ પાડીશ... રાહુનો જેણે લય કર્યો તેવા વિષ્ણુનું નામ છે આ. 

"આપ જે યોગ્ય સમજો તે, મને સ્વીકાર્ય છે. રાજકુમાર સિદ્ધાર્થે એવી રીતે કહ્યું, જાણે કોઈ અન્યના નામકરણ પ્રસંગે પોતાનો અભિપ્રાય આપતા હોય.

...એક રાત્રે એ અમને બંનેને છોડીને ચાલી ગયા. મુક્તિની શોધમાં, સુખની શોધમાં, નિર્વાણની શોધમાં !

મારા શ્ર્વસુર મહારાજ શુદ્ધોદન અને મારી સાસુ માયાદેવી તો જાણે પોતાનું જીવન જ ખોઈ બેઠાં. અંતે ભવિષ્યવાણી સાચી ઠરી હતી... જો એ આ ભવિષ્યવાણી જાણતાં હતાં તો એમણે પુત્રનાં લગ્નનો આગ્રહ શા માટે કર્યો ? શા માટે એમણે એક કોડભરી ક્ધયાના જીવન સાથે રમત કરી - એવો પ્રશ્ર્ન હું એમને પૂછી ન શકી. હું રાહુલને ઉછેરતી રહી. એને ઉત્તમ સંસ્કારો આપતી રહી. રાજા બનવા માટેની તમામ લાયકાત રાહુલમાં ઊભી કરવાનું કાર્ય મને મારા શ્ર્વસુર મહારાજશ્રી શુદ્ધોદને સોંપ્યું હતું. હું પૂરા હૃદયથી એ ઉત્તરદાયિત્વને નિભાવી રહી હતી...

આઠ વર્ષ ! આઠ વર્ષ દરમિયાન હું સાદું ભોજન લેતી, જમીન પર સૂતી, વાંસનાં કંકણ પહેરતી અને ફક્ત શ્ર્વેત વસ્ત્રો જ ધારણ કરતી. રાહુલને મોટો થતો જોઈને મને મારા જીવનનું સાર્થક્ય મળી રહેતું. મહારાજ શુદ્ધોદન અને મહારાણી માયાદેવી મારા આ જીવનથી અત્યંત પીડા અનુભવતાં, પરંતુ મને કંઈ કહી શકે એમ નહોતાં એટલે આ સહ્યા કરતાં... ને સાચું કહું તો એમને આ પીડા આપીને શરૂઆતમાં મને ક્યાંક સુખની અનુભૂતિ થતી હોય એવુંયે લાગતું, પરંતુ ધીરે ધીરે જાણે મારામાં કોઈ અજબ પરિવર્તન થવા માંડ્યું. સાદું ભોજન, નિયમિત યાન અને ભોંયપથારીએ સૂવાથી જાણે મારી ભીતર કોઈ શાંતિ વ્યાપી રહી હતી. મેં સહુને ક્ષમા કરી દીધા હતા, તથાગત બની ગયેલા મારા રાજકુમાર સિદ્ધાર્થને પણ!

આજે એ આવવાના છે એ જાણીને સહુ ઉત્સાહિત હતા. નગર આખું જાણે ઉન્માદના હિલોળે ચડ્યું હતું. મારાં સાસુ મને મારા આવાસમાં બોલાવવા આવ્યાં, "ચાલ, તારે નથી આવવું?

"ક્યાં ? મેં પૂછ્યું.

"સિદ્ધાર્થનો સત્કાર કરવા. નગરના વનમાં... માયાદેવીના અવાજમાં મુખ પર હર્ષ છલકાતો હતો, "આઠ વર્ષે આવે છે મારો પુત્ર... એમણે સહેજ અચકાઈને ઉમેર્યું, "તારો પતિ.

"મારા પતિ તો હવે ક્યાંય નથી. જે પધારી રહ્યા છે એ તો સંન્યાસી છે. પ્રખર જ્ઞાતા, ઉત્તમ વક્તા, અનેકનાં જીવન જેમણે પલટ્યાં છે એવા સ્વયં ભગવાન તથાગત... એ મારા પતિ કેવી રીતે હોઈ શકે ? મેં કહ્યું. મારાં સાસુ આશ્ર્ચર્યથી જોઈ રહ્યાં. કશું જ કહ્યા વિના એ ધીરે ધીરે ત્યાંથી ચાલી ગયાં. હું ન ગઈ. એ પછી મારી દાસીઓ જાતજાતના સમાચારો લાવતી રહી, પરંતુ દરેક વખતે મને એમ લાગતું રહ્યું કે જાણે હું કોઈ અજાણી વ્યક્તિ વિશે સાંભળી રહી છું.

એ રાત્રે તથાગત મારા આવાસે પધાર્યા. એમના બે શિષ્યો સારિપુત્ર અને મોદ્ગલ્યાયનને સાથે લઈને તેઓ જ્યારે આવ્યા ત્યારે હું મારી સંયાપૂજા કરી રહી હતી. મેં એમને થોભવાનું કહ્યું. તેઓ શાંત ચિત્તે મારી પ્રતીક્ષા કરતા રહ્યા. મારું કાર્ય પૂર્ણ કરીને હું આવી, એમના ચરણસ્પર્શ કર્યા. એ થોડીક ક્ષણો મારી સામે જોઈ રહ્યા. એમની દૃષ્ટિમાં અપાર પવિત્રતા અને તેજ હતું, "હું તમારી માફી માગવા આવ્યો છું, યશોધરા.

"શા માટે ? મારાથી પુછાઈ ગયું.

"મેં આપનો પરિત્યાગ કર્યો હતો. એમણે કહ્યું.

"આપે આપના નિર્વાણનો રસ્તો શોધતા શોધતા મને પણ મારા નિર્વાણનો રસ્તો બતાવી દીધો. પત્નીને અમસ્તી અર્ધાંગિની નથી કહેતા. આપ જે દિશામાં નીકળ્યા એ દિશામાં હું આપનું અર્ધું અંગ બનીને આપની સાથે જ રહી. સહધર્મચારિણી બનીને એ બધું જ મેળવતી રહી, જે આપને મળતું રહ્યું. હું કહેતી રહી, એ સ્વસ્થ ચિત્તે, પરંતુ સહઆશ્ર્ચર્ય મને સાંભળતા રહ્યા, "અહીં આ રાજમહેલમાં રહીને મને એ જ બધું પ્રાપ્ત થયું છે, જે શોધવા માટે આપે ગૃહત્યાગ કર્યો. મારું ઉત્તરદાયિત્વ પૂરું કરતાં કરતાં મને એક જ્ઞાન લાદયું છે. અવિનય ન લાગે તો કહું ? મેં પૂછ્યું. કોણ જાણે કેટલી સદીઓ સુધી મેં આ સંવાદની પ્રતીક્ષા કરી હતી. મનોમન કેટલીયે વાર થયો હતો આ સંવાદ. સેંકડો વાર આ જ શબ્દો મેં બંધ આંખે, દર્પણ સામે અને સ્વયં સાથે ઉચ્ચાર્યા હતા. જેને કહેવા માટે હું તત્પર હતી એને આજે કહી રહી હતી... આ નિર્વાણ નથી તો બીજું શું છે !

"કહો. તથાગતે કહ્યું.

"પોતાનું ઉત્તરદાયિત્વ છોડીને કશુંયે પણ શોધવા નીકળનારાઓ કદાચ ઘણુંયે પામતા હશે, પરંતુ એ જે ગુમાવે છે તે વિશ્ર્વાસ છે. મારી આંખ અચાનક જ વહી નીકળી, "આપે વિશ્ર્વભરને મુક્તિનો સંદેશ આપ્યો હશે કદાચ, પરંતુ એ મુક્તિના પાયામાં મારું બંધન છે. આપનાં માતાપિતા અને રાહુલને મેં સાચવ્યાં છે... ફક્ત મારું ઉત્તરદાયિત્વ માનીને. આપણે જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય એનું પરિણામ પણ આપણે જ ભોગવવું જોઈએ. સાચું નિર્વાણ એ જ છે. સ્વયંને છળવા માટે ઘણા ઉપાયો છે, પરંતુ સ્વયંને જો સત્ય સાથે સીધો સંવાદ કરાવવો હોય તો જે જીવો આપણા પર આધારિત હોય એને હડસેલીને કે તિરસ્કારીને કશુંયે પામી શકાતું નથી એ સત્યને સ્વીકારવું પડે છે. મેં ઊંડો શ્ર્વાસ લઈને કહ્યું, "આપને સહુ ભગવાન કહે છે. આપને સત્ય મળ્યું છે, તથ્ય મળ્યું છે... તથ્ય આગત ઇતિ તથાગત... પરંતુ આપે જે સત્યથી આંખ મીંચી છે એની સામે ઊભા રહીને આંખ મેળવવાની ક્ષમતા છે આપનામાં ? હું એમની સામે જોઈ રહી. આંસુને કારણે મને સામેનું દૃશ્ય ધૂંધળું દેખાતું હતું.

ભગવાન તથાગત થોડીક ક્ષણો ત્યાં જ ઊભા રહ્યા. પછી એમણે હાથ ઊંચો કરીને કહ્યું, "તું હજીયે મુક્ત નથી.

"એ માટે મારે આપનો આભાર માનવો રહ્યો. મેં કહ્યું. એમની પાસે એનો ઉત્તર નહોતો એવું મને લાગ્યું. એમના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની અકળામણ જોઈને એના બંને શિષ્યો આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા એવું પણ મેં જોયું. થોડીક ક્ષણો અમે એક પણ અક્ષર બોલ્યા વિના એકબીજાની સામે જોતાં રહ્યાં, "આપ જઈ શકો છો. મુક્ત છો. મેં કહ્યું, "હું આપને મારી સાથે વિશ્ર્વાસઘાત કરવા બદલ ક્ષમા કરું છું.

તથાગત ધીમા ડગલે મારા કક્ષની બહાર નીકળ્યા. તેની પાછળ સારિપુત્ર અને મોદ્ગલ્યાયન પણ નીકળ્યા. એ કક્ષનો ઊંબરો ઓળંગે એ પહેલાં મેં કહ્યું, "આપને જ્ઞાન જરૂર લાદયું હશે, પરંતુ સમાધાન નહીં મળે એવું મારું વચન છે. જીવનની અંતિમ ક્ષણે જો એક ક્ષણ માટે પણ મારો ચહેરો યાદ આવે તો માનજો કે તમે સંપૂર્ણ તથાગત નથી બની શક્યા... એમણે માથું ધુણાવ્યું, જમણો પગ ઉપાડીને ઉંબરાને પેલે પાર મૂક્યો, હું જોઈ શકી કે એમને એટલું કરતાં ઘણું કષ્ટ થયું.

એ પછીનાં વર્ષો મેં સંપૂર્ણ શાંતિમાં વ્યતિત કર્યાં. રાહુલને એ લઈ ગયા તેમ છતાં એ વિશે મારા મનમાં સહેજેય ઉચાટ ન થયો. એ પછી મને ક્યારેય સ્વપ્નમાં પણ તથાગતનો ચહેરો દેખાયો નથી...

No comments:

Post a Comment