માનસિક શાંતિની ખોજ કરનારાને ખબર નથી કે એ મળી ગયા પછી એનું કરવું શું
‘નીડ ફૉર અ ન્યૂ રીલિજયન ઈન ઈન્ડિયા ઍન્ડ અધર એસેઝ’ નામના પોતાના પુસ્તકમાં ખુશવંત સિંહે પ્રથમ બે લેખ ધર્મ વગેરે વિશે લખ્યા છે. પહેલો લેખ તે પુસ્તકના શીર્ષકમાં જેનો ઉલ્લેખ છે તે અને બીજો ‘કુર્રાન ફૉર ધ નૉન-મુસ્લિમ્સ.’ ખુશવંત સિંહના ધર્મ બાબતના કેટલાક વિચારો અત્યંત રૅડિકલ છે. ક્યારેક તમને લાગે કે લોકોને શૉક આપવા માટે જ ખુશવંત સિંહ આવું વિચારે/લખે છે કે શું. ક્યારેક તેઓ જમાના કરતાં ઘણા આગળ પણ લાગે. અને ક્યારેક અત્યંત રૂઢિચુસ્ત, અલમોસ્ટ કટ્ટરવાદી લાગે. હિંદુના મૃત્યુ પછી એની અંતિમ ક્રિયા માટે ખુશવંત સિંહે એક રિડિક્યુલસ સજેશન કરેલું કે લાકડાં બચાવવા માટે હિંદુઓને બાળવાને બદલે દફનાવવા જોઈએ. મુસ્લિમ-ખ્રિસ્તીઓ માટે પણ એમણે એક અળવીતરું સૂચન કર્યું હતું કે કબ્રસ્તાનમાં જગ્યા બચાવવા મડદાંને આડા ચુવડાવીને દાટવાને બદલે ઊભાં દાટવાં જોઈએ! ખુશવંત સિંહના આ બંને સૂચનોથી બધી જ કમ્યુનિટીઝના લોકો ભયંકર નારાજ થયા હતા. ધર્મસ્થાનકો વિશેના ખુશવંત સિંહના વિચારો સાથે તમે સહમત થઈ શકો છો. એ માનતા કે પૂજા માટે એક જ ઉચિત સ્થાન છે અને તે જ વ્યક્તિનું પોતાનું ઘર. ધર્મસ્થાનકો પંડા-પૂજારીઓ, પાદરીઓ, ગ્રંથિઓ અને ઈમામોના અડ્ડા બનતા જઈ રહ્યા છે, એમના માટે પૈસા કમાવાનાં સાધન બની ગયાં છે અને એ ટ્રેન્ડ હવે રોકવો જોઈએ એવું તેઓ માનતા. પોતાના આ વિચારના સમર્થનમાં પંજાબના એક સૂફી સંતના આ શબ્દો તેઓ ટાંકતા: મસ્જિદ ઢા દે, મંદિર ઢા દે, ઢા દે જો કુછ ઢૈંદા, ઈક કિસી દા દિલ ના ઢાવીં, રબ્બ દિલાં બિચ રૈહંદા ધર્મ બાબતની રૂઢિઓ અને પરંપરાઓને માન આપતાં તેઓ કહેતા કે દરેક ઈન્સાનને હક્ક છે કે એ પોતાનો સમય કેવી રીતે વ્યતીત કરે. જો કોઈને પ્રાર્થના કરવાથી શાંતિ મળતી હોય અથવા ધાર્મિક અનુષ્ઠાનો કરવાથી શાતા મળતી હોય તો એવું કરવાનો એમને પૂરેપૂરો હક્ક છે. એમને અગરબત્તીઓ પ્રગટાવવી હોય, પૂજા કરવી હોય, ઘંટડી વગાડવી હોય, તો એમને કોઈ રોકી ન શકે. પણ પોતાની ધાર્મિકતાને બીજાઓ પર થોપવાનો કોઈને કશો હક્ક નથી. મેડિટેશન માટે ખુશવંત સિંહ માનતા કે લોકોને પૂછીએ કે શું કામ તમે ધ્યાનમાં બેસો છો તો તેઓ કહેશે: માનસિક શાંતિ મેળવવા. એ માનસિક શાંતિનું તમે શું કરવા માગો છો એવું પૂછશો તો કોઈનીય પાસે એનો જવાબ હોતો નથી. હકીકત એ છે કે કળા, સાહિત્ય, વિજ્ઞાન, સંગીત વગેરે ક્ષેત્રોમાં થયેલી તમામ મહાન ઉપલબ્ધિઓ ઉદ્વીગ મનની જ નિપજ હોય, માનસિક અશાંતિનું જ પરિણામ હોય છે, સ્ટ્રેસ-ટેન્શનમાંથી જ એ બધું આવતું હોય છે, ફાટફાટ થતા મગજનું એ પરિણામ હોય છે. અલ્લામાં ઈકબાલના એક શેરને ટાંકીને સમજાવે છે કે: ભગવાન કરે તારા જીવનમાં કોઈ તોફાન ઊઠે, તારા જીવનના સમુદ્રમાં તો કોઈ લહેર જ નથી. પૂજાપાઠ વિશે ખુશવંત સિંહ પોતાનું ચિંતન એક વાક્યમાં પ્રગટ કરે છે: ‘કામ જ પૂજા છે, પૂજા કામ નથી.’ ખુશવંત સિંહ માનતા કે ‘સંન્યાસ’ અથવા ‘વાનપ્રસ્થ’ની સંકલ્પનાનોે ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી દરેક વ્યક્તિએ કામ કરતાં રહેવું જોઈએ. ભીખ માગીને જીવન જીવવું જેટલી ખરાબ વાત છે એટલું જ ખરાબ છે વારસામાં મેળવેલી સંપત્તિમાંથી જીવ્યા કરવું અને કોઈ કામ ન કરવું. જેમ ભીખ માગવા પર કાનૂની પ્રતિબંધ હોવો જોઈએ તેમ પોતાના વારસદારો માટે વ્યક્તિ કોઈ સંપત્તિ છોડી ન જઈ શકે એવો કાયદો પણ આવવો જોઈએ. માણસના ધાર્મિકતા વિશેના ખ્યાલો કેવી રીતે બદલાતા હશે અને કયા સંજોગોમાં એ દૃઢ થતા હશે? ખુશવંત સિંહના શું કામ બદલાયા? એ પછી જોઈએ. પણ પહેલાં થોડુંક જનરલાઈઝેશન. પર્સનલી હું માનું છું કે નાનપણમાં મેળવેલા ધાર્મિકતા વિશેના સંસ્કારો માણસના જીવનમાં કોઈ જબરજસ્ત ભૂકંપ જેવી ઘટના બને છે ત્યારે આઈધર એ વિચારો પણ કડડડભૂસ થઈને તૂટી પડતા હોય છે અથવા અગાઉ કરતાં અનેકગણા દૃઢ બની જતા હોય છે. તૂટે ત્યારે જ્યારે કે માણસ વ્યર્થ સહારાઓથી, બનાવતી ટેકણલાકડીઓથી મુક્ત થઈ જવા માગતો હોય, જીવનમાં કોઈ ભૂકંપ સર્જાય ત્યારે. અને દૃઢ ત્યારે થાય જ્યારે માણસના ધર્મ વિશેના વિચારોનો પાયો ડર હોય, ભય હોય. ભયભીત માણસના જીવનમાં ભૂકંપ સર્જાય ત્યારે એ વધારે ભયભીત બનીને ધર્મને વધુ મજબૂતીથી પકડતો થઈ જાય. પણ જેનામાં આત્મશ્રદ્ધાનું તત્ત્વ કૂટીકૂટીને ભર્યું હોય તે વ્યક્તિ જીવનમાં ભૂકંપ સર્જાયા પછી ધર્મ તથા તેને લગતી નીતિરીતિ/ક્રિયાકાંડ વગેરેમાંથી મુક્ત થઈ જતી હોય છે. આ મારું પર્સનલ ઑબ્ઝર્વેશન છે. દરેકનો અનુભવ જુદો જુદો હોઈ શકે છે. ખુશવંત સિંહ સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ભણતા ભણતા બાઈબલના વર્ગોમાં જવા લાગ્યા. ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ જૈન, બુદ્ધ અને હિન્દુ ધર્મમાં ઊંડા ઊતર્યા. ઈસ્લામનો ઊંડો અભ્યાસ કર્યો. આ બધા પછી બે વાત બની. પરંપરાગત સિક્ખ ધર્મની પ્રાર્થનાઓનું ગાન એમના હૃદયને ઝંકૃત કરતું થઈ ગયું અને બીજી બાજુ તેઓ ટિપિકલ સેક્યુલર ઈન્ટલેક્ચ્યુઅલ બનતા ગયા. શક્ય છે કે બધા ધર્મોનો અભ્યાસ કર્યા પછી કાં તો માણસ પોતાના ધર્મ વિશે ગૂંચવાડામાં પડી જતો હશે અથવા તો પછી પોતાના ધર્મ માટેના દેખાડામાં. માણસ પોતાના હૃદયની અને દિમાગની વિશાળતાનો દેખાડો કરવા માટે બધા ધર્મોની વાહ-વાહ કરતો રહે એના કરતાં બહેતર છે કે એને જે એક ધર્મ પોતાના જીવન માટે સૌથી યોગ્ય જણાય એમાં ઊંડા ઊતરીને પોતાનું જીવન છે એના કરતાં બહેતર બનાવે. અને જો ધર્મમાં આસ્થા ન હોય તો પોતાને નાસ્તિક જાહેર કરે. પણ એમાંય પ્રોબ્લેમ છે. લોકો પૂછશે કે તમે નાસ્તિક તો ખરા, પણ હિંદુ નાસ્તિક કે મુસલમાન નાસ્તિક? ખુશવંત સિક્ખ નાસ્તિક હતા! આજનો વિચાર સફર મેં ધૂપ તો હોગી જો ચલ સકો તો ચલો, સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો કિસી કે વાસ્તે રાહેં કહાં બદલતી હૈ, તુમ અપને આપ કો બદલ સકો તો ચલો. યહી હૈ ઝિંદગી-કુછ ખ્વાબ, ચંદ ઉમ્મીદેં, ઈન્હીં ખિલોંનોં સે તુમ બહલ સકો તો ચલો. - નિદા ફાઝલી એક મિનિટ! યે જો આગ મેરે ઈસ દિલ મેં હૈ ઉસે ઝમાને કો લગા દૂંગા... અગર તૂ કિસી ઔર કી હૂઈ તો તો તો તો ક્યા, હૅન્ડસમ હૂં, દૂસરી પટા લૂંગા! |
No comments:
Post a Comment