Showing posts with label અધીર અમદાવાદી. Show all posts
Showing posts with label અધીર અમદાવાદી. Show all posts

Tuesday, March 3, 2015

દારૂબંધી ઉઠાવી લેવી જ જોઈએ --- લાતની લાત ને વાતની વાત - અધીર અમદાવાદી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=89517

ગુજરાતના ડેવલપમેન્ટ મોડલમાં દારૂબંધી ફિટ નથી થતી અને સરકારે કરોડો રૂપિયાની એક્સાઈઝની આવક ગુમાવવી પડે છે.

ચેતન ભગત નામ ઘણું પ્રચલિત છે. એ અમદાવાદની પ્રસિદ્ધ આઇઆઇએમ સંસ્થામાં ભણ્યા છે એટલે એ ઇન્ટેલિજન્ટ હશે એવી ધારણા લોકો કરે છે. આ ચેતન ભગત લેક્ચર્સ, ઉદ્ઘાટનો અને ટ્વિટરના માધ્યમથી પોતાના વિચારો છૂટથી રજૂ કરતા ફરે છે. આપણા દેશમાં વાણીસ્વતંત્રતા છે એ વાતનો લાભ લઈ નેતાઓ, અભિનેતાઓ અને દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે છે. એમ પણ.

આ ચેતન ભગતે હમણાં ગુજરાતમાં આવી એવું કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ. ભગતસાહેબે દલીલ એવી કરી કે આમેય દારૂબંધી હોવા છતાં દારૂ છૂટથી મળે છે. કદાચ ભણતી વખતે એમણે એનો લાભ પણ લીધો હશે. આમ દારૂ છૂટથી મળતો જ હોય અને લોકો પીતા જ હોય તો પછી દારૂબંધી હટાવી જ લેવી જોઈએ. ચેતનભાઈએ એવું પણ કહ્યું કે દારૂબંધીને કારણે ગુજરાતને હજારો કરોડો રૂપિયાની એક્સાઈઝની આવક ગુમાવવી પડે છે. 

ગુજરાતના ડેવલપમેન્ટ મોડલમાં દારૂબંધી ફિટ નથી થતી એવું એમનું માનવું છે. એ કહે છે કે આખા દેશમાં, અને આખી દુનિયામાં દારૂની છૂટ છે અને ત્યાં બધું બરોબર ચાલે છે. આ ભગત એવું પણ કહે છે કે દારૂબંધી ન હોય તો યુવાનોને એમ્પ્લોયમેન્ટ પણ મળી રહે. 

પણ ભગતના આ સ્ટેટમેન્ટથી તાનમાં આવી ગયેલા બૂટલેગરોએ દેશી દારૂની પ્રીમિયમ પોટલીઓ ‘ભગત પાઉચ’ના નામ હેઠળ પાનની દુકાનોમાં ઠાલવવાનું ચાલુ કર્યું છે એવું સાંભળવા મળે છે. અમુક તો આ ધંધામાં હાલ કેટલી નોકરીઓ છે અને વધુ કેટલા માણસને રોજીરોટી મળી શકે એમ છે એનાં સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં પડ્યા છે. આ સક્સેસ સ્ટોરીઝમાં સ્કૂટરની ટ્યુબમાં દારૂ ભરીને ફેરી કરતાં કરતાં હપ્તાબળે આગળ વધીને હોન્ડા સિટીમાં ફરતી થઈ ગયેલી ‘સફળ’ વ્યક્તિઓના મેનેજમેન્ટ કેસ સ્ટડીઝ પણ છે. સર ચેતન કહે છે કે એ પોતે ‘ખાસ’ દારૂ નથી પીતા, ન એ પીવાની હિમાયત કરે છે. પણ કદાચ ગુજરાતના વિકાસ માટે એમના દિલમાં ઊંડી લાગણી છે એટલે જ એ વગર માગ્યે દારૂબંધી ઉઠાવવાની હિમાયત કરે છે. ભગતજી તો બસ ફ્રીડમ (રસ્તા ઉપર ટુન્ન થઈને પડવાની!), ચેન્જ (પોલીસના ડર વગર પીવાનો!) અને મોડર્નિટી (મા-દીકરો સાથે બેસીને દારૂ પીએ)માં માને છે. 

અમને તો ભગત ચેતનની વાત ખૂબ ગમી ગઈ છે. એટલે જ આ ‘ભચે’ વતી અમે બીજાં ક્ષેત્રોમાં પણ સરકારને લિબરલ બનવા અપીલ કરીએ છીએ. બીજાં ઘણાં એવાં ક્ષેત્રો છે જ્યાં થોડા પ્રક્ટિકલ થઈએ તો આપણે વેસ્ટર્ન ક્ધટ્રીઝની હરીફાઈમાં ઊભા રહી શકીએ એમ છીએ.

અમારા અમદાવાદમાં ટ્રાફિકની ઘણી સમસ્યા છે. લોકો રોંગ સાઇડમાં પણ વાહન ચલાવે છે. પોલીસદાદાનું ધ્યાન હપ્તો આપ્યા વગર જતા ટેમ્પો તરફ હોય તેવામાં સિગ્નલ રેડ હોય તો પણ લોકો ઘૂસી જાય છે. નો પાર્કિંગમાં લોકો વાહનો પાર્ક કરે છે. સિગ્નલ બતાવ્યા વગર ડાબી-જમણી બાજુ કટ મારવી રસ્તા પર પાનની પિચકારી મારવા જેવું સહજ છે. એકાએક વળવાનું અથવા તો કામ યાદ આવે તો રસ્તા વચ્ચે ઊભી રહી જવામાં કોઈને કાયદાનો ભંગ થતો હોય એવું લાગતું નથી. હેલ્મેટ તો ખુદ પોલીસદાદાઓ જ નથી પહેરતા! તો ગુજરાત સરકારને સર ચેતન ભગત તરફથી અમારી વિનંતી કે અમદાવાદને ફ્રી-ટ્રાફિક ઝોન ડિક્લેર કરવામાં આવે. આ ફ્રી-ટ્રાફિક ઝોનમાં રસ્તાની બંને બાજુ વાહનો ચલાવી શકાય. મન ફાવે ત્યાં પાર્ક કરી શકાય. બદલામાં બસ ઈમ્પેક્ટ ફીની રાહે વન ટાઈમ પોલીસ ટેક્સ ભરી દેવાનો. સરકારને આવક જ આવક.

અને હમણાં પોર્ન ફિલ્મો વિષે ચર્ચા ચાલુ થઈ છે. ઈન્ટરનેટના માધ્યમથી આવી ફિલ્મો આખા દેશમાં જોવાય જ છે. તો પછી ‘ભચે’ થિયરી અનુસાર આ પોર્ન ફિલ્મ પર પ્રતિબંધ લાવવાને બદલે સરકારે એના પર હેવી ટેક્સ નાખી કાયદેસર કરી નાખવી જોઈએ. સરકારમાન્ય વેબસાઈટ પર ક્રેડિટ કાર્ડ ઘસી લોકો ફિલ્મોનો આનંદ મેળવી શકશે અને સરકાર આ સેવા ઉપર સર્વિસ ટેક્સ નાખી કરોડો કમાઇ શકશે. મોબાઈલ કંપનીઓ પણ ચાર્જ વસૂલી કાયદેસર રીતે એમએમએસ જે તે જગ્યાએ પહોંચાડી આપશે. આવી કંપનીઓને મંજૂરી આપવામાં સરકાર અને નેતાઓને વ્હાઈટ અને બ્લેક બે પ્રકારની કમાણી થાય એ નફામાં. હવે કોઈ ચોખલિયો એમ પૂછે કે ‘પછી આપણા સંસ્કારોનું શું?’, ‘આપણી સંસ્કૃતિનું શું?’, તો એને ભગતના ભાષણ સાંભળવા મોકલી દેવાનો!

અને અમે તો વર્ષોથી લાંચને કાયદેસર કરવાની હિમાયત કરીએ છીએ. આમેય સરકાર ગમે તેટલા કાયદા કરે પચીસ રૂપિયાથી લઈને અમુક લાખ કરોડ સુધીની લાંચ લેવાય છે એ દેશમાં લાંચ કાયદેસર કરી નાખીએ તો કોઈએ પછી ‘અન્ડર ધ ટેબલ’ વ્યવહાર કરવા ન પડે, કોઈનું સમાજમાં ખરાબ ન દેખાય. દરેક પ્રકારની લાંચના બાંધ્યા ભાવ કરી નાખવાના. સરકારી કર્મચારીઓને પછી પગાર નહીં આપવાનો. આવા કર્મચારીઓના સિલેક્શનમાં પણ જે વ્યક્તિ પોસ્ટની હરાજીમાં સૌથી વધારે બોલી બોલે તેને આ પોસ્ટનો ઠેકો આપવાની રીત અપનાવી શકાય. 

ભગતસાહેબ મેનેજમેન્ટ ભણ્યા છે એટલે ઇકોનોમીની વાત કરે છે. એમનું કહેવું છે કે દારૂબંધી ઉઠાવી લેવાય તો વધુ નોકરીઓની તક ઊભી થશે. વાત તો ૧૦૦ ટકા સાચી છે. બાર ટેન્ડર, કેશિયર, બાઉન્સર, સ્ટોર્સ અને લોજિસ્ટિક્સ બધામાં નોકરી જ નોકરી. હા એ અલગ વાત છે કે અત્યારે પણ કોઈ આ કામ જીવના જોખમે કરે જ છે. 

પછી તો દારૂ કાયદેસર થતાં ગુજરાતની વેપારી પ્રજા પછી દારૂના ધંધામાં ઝંપલાવશે. પછી વિજયભાઈ માલિયાને ચોક્કસ ટફ કોમ્પિટિશન મળે અથવા તો એવું પણ બને કે વિજયભાઈ ગુજરાતમાં ઇન્વેસ્ટર બનીને આવે. એનાથી બીજું કશું થાય કે ન થાય, ગુજરાતની છોકરીઓ કિંગફિશરના કેલેન્ડર પર ચમકતી જરૂર થઈ જશે! ચેતનભાઈનો ગુજરાત પ્રેમ કહેવું પડે!

Friday, January 30, 2015

હું સમય છું --- લાતની લાત ને વાતની વાત - અધીર અમદાવાદી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147846


હું સમય છું. યાદ આવ્યું? કાંડા ઘડિયાળમાંથી નીકળી હવે હું મોબાઈલના સ્ક્રીન લોકમાં જઈ વસ્યો છું. સદીઓથી દિવસના ચોવીસ કલાક લેખે હું સૌને સરખો જ મળું છું. કોક ઊંઘવામાં, કોક ખાવામાં, અને કોક નહાવામાં મને વાપરે છે. અભિનેત્રી રેખાના ડ્રેસિંગરૂમમાં હું ફુરસદપૂર્વક વપરાઉં છું. તો વર્તમાન પ્રધાનમંત્રી દ્વારા મારો સાવ કસ કાઢી નાખવામાં આવે છે! 

તત્ત્વચિંતકો મને અવધિ (વધી ન શકે તેવો - સીમિત) કહે છે, આશાવાદીઓ મને તાકડો (જોગ, લાગ, તક) કહે છે તો નિરાશાવાદીઓ મને સંકટો સાથે જોડી ભૂત, ભવિષ્ય કે વર્તમાન ’કાળ’ કહે છે. ફેશનફોફ્લાંઓ મને ટાઈમ કહે છે અને પોતાના મૂડ અનુસાર મને વાપરે, ખર્ચે, કાઢે કે "કિલ" કરે છે. અભિસારિકા માટે હું યુગ કરતાય મોટો અને પંચાતપિપાસુઓ માટે હું પળ કરતાંય પાતળો છું. મારા નામમાં "મય" જેવું મદ્ય હોવાં છતાં કેટલાક હતાશ ખચ્ચરો મને કે વખ જેવો કડવો/તપસ- વખત કહીને મોં બગાડે છે!

ક્યાંક હું ટૂંકો પડું છું અને ક્યાંક હું લાંબો. પરીક્ષામાં હોંશિયાર વિદ્યાર્થીને હું ઓછો પડું છું તો ડોબાને એક્ઝામ હોલમાં મને પાસ કરવો પડે છે, આમ છતાં એ પોતે પાસ નથી થતો. મરવાને વાંકે જીવતાં લોકોને હું દીર્ધ તો ખુશમિજાજ લોકોને હું અલ્પ લાગુ છું. જે લોકો મને પોતાની મરજી મુજબ વાપરી નથી શકતાં એમને કંટાળો આવે છે. જેને કોઈ ટેવ કે કુટેવ નથી, એ મને પસાર કરવામાં થાકે છે. કંટાળેલા લોકો પોતાનો કંટાળો બીજાને અર્પણ કરે છે. આવા લોકો પોતે બોરિંગ હોય છે. 

હું ફેસબુક, વોટ્સેપ અને ચેટિંગમાં વપરાઉં છું. પોસ્ટ પર કોની કોની લાઈક આવી અને કોની ન આવી એ હિસાબોમાં હું ખર્ચાઉં છું. વોટ્સેપમાં હું મેસેજ ફોરવર્ડ કરવામાં વ્યય થાઉં છું. ટ્વિટર પર એકસો ચાલીસ અક્ષરના ટૂંકા બકવાસ વાંચવામાં પણ હું વ્યતિત થાઉં છું. મોબાઈલ પર ગેમ્સનાં લેવલ પાર કરવામાં સડસડાટ વીતી જાઉં છું. ક્યાંક લખવામાં તો ક્યાંક ભૂસવામાં, ક્યાંક નવી ભૂલો કરવામાં તો ક્યાંક જૂની ભૂલો સુધારવામાં મારો ઉપયોગ થાય છે. બેંક કે મોબાઈલનાં બેલેન્સની જેમ મારું બેલેન્સ ચેક નથી થઈ શકતું એટલે કેટલો વપરાયો અને કેટલો બચ્યો છે એ મોટાભાગનાંને ખબર જ નથી પડતી. 

હું ક્યાંક વેડફાઈ છું તો ક્યાંક ખર્ચાઈ જાઉં છું. ઓફિસમાં ધીમીધારે અને પાર્ટીઓમાં નેવાધારે વહી જાઉં છું. ગરીબો મને લાઈનમાં ઊભા રહેવામાં વાપરે છે. દારૂડિયા ઘેનમાં મને ખર્ચે છે. વિદ્યાર્થીઓ કાપલીઓ બનાવવામાં અને કરોડો ગૃહિણીઓનાં કરોડો વર્ષો ઘરકામમાં ખર્ચાય છે. જેની પાસે કોઈ કામ નથી તે માખીઓ મારીને મને પસાર કરે છે. જોકે દેશમાં લાખો બેકાર ને નવરાં હોવાં છતાં માખીની સમસ્યા હલ નથી થતી. 

કેટલાંક ચર્ચા કરી મને વ્યતિત કરે છે. ફેસબુક પર ગ્રુપમાં નાણામંત્રીએ શું કરવું અને શું ન કરવું એ સલાહ આપવામાં મારો ઉપયોગ થાય છે. ધોની અને કોહલીએ શું કરવું જોઈએ એની ચર્ચાઓમાં હું કીટલી પર ખર્ચાઉં છું. પતિએ શું કરવું અને શું નહીં તે અંગે પત્ની દ્વારા અપાતી સલાહો અને પછી બે વચ્ચે થતી નિરંતર ને અનંત દલીલોમાં હું ઠેરઠેર ખર્ચાઉં છું. પપ્પા દ્વારા પુત્રને અને મમ્મી દ્વારા બેટીને અપાતી એકની એક શિખામણ, જેને લેક્ચર તરીકે ઓળખવામાં આવે છે એમાં હું ટૂંકો થાઉં છું. હું સમય છું, મારી કિંમત છે અને નથી. 

ક્યાંક નેતાઓની સભા અને અભિનેતાના કાર્યક્રમમાં રાહ જોતાં દર્શકો દ્વારા પસીનો લુછવામાં હું વપરાઉં છું તો ક્યાંક ઉચ્ચ અધિકારીના આવવાની રાહ જોતાં અન્ય અધિકારીઓ દ્વારા મીટિંગ રૂમમાં હું ખાલી થાઉં છું. ડોક્ટરોના વેઇટિંગ રૂમમાં આશાપૂર્વક ને મંદિરોની લાઈનમાં હું આસ્થાપૂર્વક ખર્ચાઉં છું. જોકે જેમને પોતાને રાહ જોવી ગમતી નથી એ બીજાને રાહ જોવડાવવામાં જરા પણ નાનમ નથી અનુભવતાં. 

લેટ પડેલી ટ્રેઈનનાં કારણે આવનાર સ્ટેશનોનાં હજારો પેસેન્જરોના કરોડો કલાક રૂપે હું વારંવાર ઘડિયાળ જોવામાં અને કંટાળેલા છોકરાઓને સમજાવવામાં વપરાઉં છું. વરસમાં પુરો કરવાના વાયદે શરુ થયેલા ફ્લાયઓવરનાં અણઘડ આયોજનોને કારણે થતાં ટ્રાફિકજામમાં હું ધીમી ગતિએ જતાં વાહનચાલકોનાં આયુષ્યમાં ખર્ચાઉં છું. સિગ્નલ પર મારી કિંમત વધી જાય છે. કલાકો ઈટિંગ, મીટિંગ અને ચેટિંગમાં ખર્ચનાર જયારે સિગ્નલ પર પહોંચે છે ત્યારે એને મારાં એક મિનિટ જેટલાં માપની રાહ જોવી પણ આકરી લાગે છે. 

ઘડિયાળની ટકટકમાં મને જતો કોઈ સાંભળતું નથી પણ રાત્રે સુઈ જાવ અને સવારે ઉઠો એ વચ્ચે પણ હું રોજ ખર્ચાઉં છું. સવારે એલાર્મને સ્નુઝ કરીને લાખો લોકો કરોડો વધુ કલાક સુવામાં મને વિતાવે છે. જોકે જે વહેલા ઉઠે છે એ ધાડ મારે છે એવું પણ નથી. 

મારો સદુપયોગ થાય છે કે દુરુપયોગ થાય છે એનું કોઈ ચોક્કસ માપ નથી. દારૂ પીને પડ્યો રહું એનાં કરતાં તો આ સારું છે ને?’ જેવી દલીલો વડે મારા ઉપયોગને ઘણાં સદઉપયોગમાં ખપાવે છે. તો સેવા કાર્યમાં મને આપનાર ગામની ચિંતા છોડો’ એવું સાંભળવા પામે છે. અમુક કાર્યો અને ક્રિયાઓ જે કરનારને મારો સદઉપયોગ લાગે છે તે અન્યને દુરૂપયોગ લાગે છે. મારા ઉપયોગની દરેકની વ્યાખ્યા જુદી જુદી છે. 

લોકો મને સારા અને ખરાબ સમય તરીકે ઓળખે છે. પણ હું એક જ છું. કોઈ લખપતિમાંથી કરોડપતિ બને એટલે એનો સારો સમય કહેવાય છે. કોઈને સરકારી નોકરી મળે એમાં સારો સમય આવ્યો હોય એવું લાગે છે. આ જ સરકારી નોકરી છૂટી જાય કે છોડવી પડે તે ખરાબ સમય કહેવાય છે. જોકે સરકારી નોકરી છોડી ધંધો કરી કે પછી નેતા બની ઘણાના સારા સમય આવ્યા હોવાનું પણ કહેવાય છે. કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય તો એનાં સારા દિવસો આવ્યા ગણાય છે, પણ પ્રેગ્નન્ટ થતી બધી મહિલાઓ પ્રેગ્નન્સીનાં સમાચારથી પુલકિત નથી થતી. 

એટલું સારું છે મને ખરીદી શકાતો નથી નહીંતર કીડની અને કૂખની જેમ ગરીબ માણસો એમની જિંદગીના વર્ષો આજે અમીરોને વેચતાં હોત!