Friday, January 30, 2015

હું સમય છું --- લાતની લાત ને વાતની વાત - અધીર અમદાવાદી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147846


હું સમય છું. યાદ આવ્યું? કાંડા ઘડિયાળમાંથી નીકળી હવે હું મોબાઈલના સ્ક્રીન લોકમાં જઈ વસ્યો છું. સદીઓથી દિવસના ચોવીસ કલાક લેખે હું સૌને સરખો જ મળું છું. કોક ઊંઘવામાં, કોક ખાવામાં, અને કોક નહાવામાં મને વાપરે છે. અભિનેત્રી રેખાના ડ્રેસિંગરૂમમાં હું ફુરસદપૂર્વક વપરાઉં છું. તો વર્તમાન પ્રધાનમંત્રી દ્વારા મારો સાવ કસ કાઢી નાખવામાં આવે છે! 

તત્ત્વચિંતકો મને અવધિ (વધી ન શકે તેવો - સીમિત) કહે છે, આશાવાદીઓ મને તાકડો (જોગ, લાગ, તક) કહે છે તો નિરાશાવાદીઓ મને સંકટો સાથે જોડી ભૂત, ભવિષ્ય કે વર્તમાન ’કાળ’ કહે છે. ફેશનફોફ્લાંઓ મને ટાઈમ કહે છે અને પોતાના મૂડ અનુસાર મને વાપરે, ખર્ચે, કાઢે કે "કિલ" કરે છે. અભિસારિકા માટે હું યુગ કરતાય મોટો અને પંચાતપિપાસુઓ માટે હું પળ કરતાંય પાતળો છું. મારા નામમાં "મય" જેવું મદ્ય હોવાં છતાં કેટલાક હતાશ ખચ્ચરો મને કે વખ જેવો કડવો/તપસ- વખત કહીને મોં બગાડે છે!

ક્યાંક હું ટૂંકો પડું છું અને ક્યાંક હું લાંબો. પરીક્ષામાં હોંશિયાર વિદ્યાર્થીને હું ઓછો પડું છું તો ડોબાને એક્ઝામ હોલમાં મને પાસ કરવો પડે છે, આમ છતાં એ પોતે પાસ નથી થતો. મરવાને વાંકે જીવતાં લોકોને હું દીર્ધ તો ખુશમિજાજ લોકોને હું અલ્પ લાગુ છું. જે લોકો મને પોતાની મરજી મુજબ વાપરી નથી શકતાં એમને કંટાળો આવે છે. જેને કોઈ ટેવ કે કુટેવ નથી, એ મને પસાર કરવામાં થાકે છે. કંટાળેલા લોકો પોતાનો કંટાળો બીજાને અર્પણ કરે છે. આવા લોકો પોતે બોરિંગ હોય છે. 

હું ફેસબુક, વોટ્સેપ અને ચેટિંગમાં વપરાઉં છું. પોસ્ટ પર કોની કોની લાઈક આવી અને કોની ન આવી એ હિસાબોમાં હું ખર્ચાઉં છું. વોટ્સેપમાં હું મેસેજ ફોરવર્ડ કરવામાં વ્યય થાઉં છું. ટ્વિટર પર એકસો ચાલીસ અક્ષરના ટૂંકા બકવાસ વાંચવામાં પણ હું વ્યતિત થાઉં છું. મોબાઈલ પર ગેમ્સનાં લેવલ પાર કરવામાં સડસડાટ વીતી જાઉં છું. ક્યાંક લખવામાં તો ક્યાંક ભૂસવામાં, ક્યાંક નવી ભૂલો કરવામાં તો ક્યાંક જૂની ભૂલો સુધારવામાં મારો ઉપયોગ થાય છે. બેંક કે મોબાઈલનાં બેલેન્સની જેમ મારું બેલેન્સ ચેક નથી થઈ શકતું એટલે કેટલો વપરાયો અને કેટલો બચ્યો છે એ મોટાભાગનાંને ખબર જ નથી પડતી. 

હું ક્યાંક વેડફાઈ છું તો ક્યાંક ખર્ચાઈ જાઉં છું. ઓફિસમાં ધીમીધારે અને પાર્ટીઓમાં નેવાધારે વહી જાઉં છું. ગરીબો મને લાઈનમાં ઊભા રહેવામાં વાપરે છે. દારૂડિયા ઘેનમાં મને ખર્ચે છે. વિદ્યાર્થીઓ કાપલીઓ બનાવવામાં અને કરોડો ગૃહિણીઓનાં કરોડો વર્ષો ઘરકામમાં ખર્ચાય છે. જેની પાસે કોઈ કામ નથી તે માખીઓ મારીને મને પસાર કરે છે. જોકે દેશમાં લાખો બેકાર ને નવરાં હોવાં છતાં માખીની સમસ્યા હલ નથી થતી. 

કેટલાંક ચર્ચા કરી મને વ્યતિત કરે છે. ફેસબુક પર ગ્રુપમાં નાણામંત્રીએ શું કરવું અને શું ન કરવું એ સલાહ આપવામાં મારો ઉપયોગ થાય છે. ધોની અને કોહલીએ શું કરવું જોઈએ એની ચર્ચાઓમાં હું કીટલી પર ખર્ચાઉં છું. પતિએ શું કરવું અને શું નહીં તે અંગે પત્ની દ્વારા અપાતી સલાહો અને પછી બે વચ્ચે થતી નિરંતર ને અનંત દલીલોમાં હું ઠેરઠેર ખર્ચાઉં છું. પપ્પા દ્વારા પુત્રને અને મમ્મી દ્વારા બેટીને અપાતી એકની એક શિખામણ, જેને લેક્ચર તરીકે ઓળખવામાં આવે છે એમાં હું ટૂંકો થાઉં છું. હું સમય છું, મારી કિંમત છે અને નથી. 

ક્યાંક નેતાઓની સભા અને અભિનેતાના કાર્યક્રમમાં રાહ જોતાં દર્શકો દ્વારા પસીનો લુછવામાં હું વપરાઉં છું તો ક્યાંક ઉચ્ચ અધિકારીના આવવાની રાહ જોતાં અન્ય અધિકારીઓ દ્વારા મીટિંગ રૂમમાં હું ખાલી થાઉં છું. ડોક્ટરોના વેઇટિંગ રૂમમાં આશાપૂર્વક ને મંદિરોની લાઈનમાં હું આસ્થાપૂર્વક ખર્ચાઉં છું. જોકે જેમને પોતાને રાહ જોવી ગમતી નથી એ બીજાને રાહ જોવડાવવામાં જરા પણ નાનમ નથી અનુભવતાં. 

લેટ પડેલી ટ્રેઈનનાં કારણે આવનાર સ્ટેશનોનાં હજારો પેસેન્જરોના કરોડો કલાક રૂપે હું વારંવાર ઘડિયાળ જોવામાં અને કંટાળેલા છોકરાઓને સમજાવવામાં વપરાઉં છું. વરસમાં પુરો કરવાના વાયદે શરુ થયેલા ફ્લાયઓવરનાં અણઘડ આયોજનોને કારણે થતાં ટ્રાફિકજામમાં હું ધીમી ગતિએ જતાં વાહનચાલકોનાં આયુષ્યમાં ખર્ચાઉં છું. સિગ્નલ પર મારી કિંમત વધી જાય છે. કલાકો ઈટિંગ, મીટિંગ અને ચેટિંગમાં ખર્ચનાર જયારે સિગ્નલ પર પહોંચે છે ત્યારે એને મારાં એક મિનિટ જેટલાં માપની રાહ જોવી પણ આકરી લાગે છે. 

ઘડિયાળની ટકટકમાં મને જતો કોઈ સાંભળતું નથી પણ રાત્રે સુઈ જાવ અને સવારે ઉઠો એ વચ્ચે પણ હું રોજ ખર્ચાઉં છું. સવારે એલાર્મને સ્નુઝ કરીને લાખો લોકો કરોડો વધુ કલાક સુવામાં મને વિતાવે છે. જોકે જે વહેલા ઉઠે છે એ ધાડ મારે છે એવું પણ નથી. 

મારો સદુપયોગ થાય છે કે દુરુપયોગ થાય છે એનું કોઈ ચોક્કસ માપ નથી. દારૂ પીને પડ્યો રહું એનાં કરતાં તો આ સારું છે ને?’ જેવી દલીલો વડે મારા ઉપયોગને ઘણાં સદઉપયોગમાં ખપાવે છે. તો સેવા કાર્યમાં મને આપનાર ગામની ચિંતા છોડો’ એવું સાંભળવા પામે છે. અમુક કાર્યો અને ક્રિયાઓ જે કરનારને મારો સદઉપયોગ લાગે છે તે અન્યને દુરૂપયોગ લાગે છે. મારા ઉપયોગની દરેકની વ્યાખ્યા જુદી જુદી છે. 

લોકો મને સારા અને ખરાબ સમય તરીકે ઓળખે છે. પણ હું એક જ છું. કોઈ લખપતિમાંથી કરોડપતિ બને એટલે એનો સારો સમય કહેવાય છે. કોઈને સરકારી નોકરી મળે એમાં સારો સમય આવ્યો હોય એવું લાગે છે. આ જ સરકારી નોકરી છૂટી જાય કે છોડવી પડે તે ખરાબ સમય કહેવાય છે. જોકે સરકારી નોકરી છોડી ધંધો કરી કે પછી નેતા બની ઘણાના સારા સમય આવ્યા હોવાનું પણ કહેવાય છે. કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય તો એનાં સારા દિવસો આવ્યા ગણાય છે, પણ પ્રેગ્નન્ટ થતી બધી મહિલાઓ પ્રેગ્નન્સીનાં સમાચારથી પુલકિત નથી થતી. 

એટલું સારું છે મને ખરીદી શકાતો નથી નહીંતર કીડની અને કૂખની જેમ ગરીબ માણસો એમની જિંદગીના વર્ષો આજે અમીરોને વેચતાં હોત!

No comments:

Post a Comment