Friday, August 29, 2014

ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવ.. --- કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

  નામ: રમાબાઈ રાનડે

સ્થળ: પૂના

ઉંમર: ૫૬

સમય: ૧૯૧૮



આ લખું છું ત્યારે સૌથી પહેલો વિચાર એ આવે છે કે આ લખી-વાંચી શકું છું એને માટે મારે ‘એમનો’ આભાર માનવો જોઈએ. ‘એમણે’ આટલો આગ્રહ ન રાખ્યો હોત તો હું આજે જે લખું છું એ લખવાને કાબેલ ન હોત... અગિયાર વર્ષની હતી જ્યારે પરણીને આવી, ‘એમની’ ઉંમર બત્રીસની... બહુ વિરોધ કરેલો ‘એમણે’, ‘એ’ તો જજ હતા અને જાણીતા સમાજ સુધારક. સ્ત્રીઓનાં શિક્ષણ, વિધવાનાં પુનર્લગ્ન અને સામાજિક બૂરાઈઓ સામે અવાર-નવાર લેખો લખતા, ભાષણો કરતા. એમના જ ઘરમાં આવી બાલિકાવધૂ પરણીને આવે એ એમને માટે શરમજનક બાબત હતી. એમણે ઘણો પ્રયત્ન કરેલો આ પરિસ્થિતિમાંથી બચવાનો, પણ મારા તાઈ સાસુબાઈ - એટલે કે મારા વડસાસુની સામે કોઈનું કશુંયે ચાલતું નહીં. એમનો હુકમ અમારા ઘરમાં છેલ્લો શબ્દ ગણાતો. મારા પતિ મહાદેવ ગોવિંદ રાનડે જેઓ જસ્ટિસ રાનડેના નામે ઓળખાતા. એ બહાર એકદમ કડક સ્વભાવના, ગુસ્સાવાળા અને પ્રમાણિક વ્યક્તિ તરીકે સન્માન પામતા. તેમ છતાં મારા તાઈ સાસુબાઈ એક વાર કશું કહી દે પછી કોઈની તાકાત નહોતી કે એની સામે દલીલ થઈ શકે. મારી ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી... જિંદગી વિશે કોઈ સમજ નહોતી. પરણીને આવી ત્યારે મારી નણંદ દુર્ગા બાળવિધવા હતી, પરંતુ એના પુર્નલગ્નનો કોઈએ વિચાર પણ કરેલો નહીં. મારા તાઈ સાસુબાઈ અને વડીલ સ્ત્રીઓએ મારા નણંદ દુર્ગાબાઈના લગ્નનો જોર-શોરથી વિરોધ કરેલો. અમારા સમયમાં એક એવી માન્યતા પ્રવર્તતી કે છોકરીઓને લખતા-વાંચતા શીખવવામાં આવે તો એ વિધવા થઈ જાય એટલે દીકરીને ભણાવવાનો તો સવાલ જ નહોતો આવતો! એની સામે મારા સાસરાના કુટુંબના પુરુષો સમાજસુધારણામાં માનતા અને ઈચ્છતા કે સ્ત્રીઓ ભણે. મારા મામાજીએ મારા સાસુબાઈને (પોતાની બહેનને) લખતાં-વાંચતાં અને હિસાબ રાખતાં શીખવેલું, પણ અમારા કુટુંબની સ્ત્રીઓ લખવાં-વાંચવાંનાં પ્રયાસમાં રસ લેતી નહીં. ઊલટાનું, બીજી સ્ત્રીઓ ભણે કે આગળ વધે એની સામે એ લોકો દ્વેષ અને ઈર્ષાથી વર્તતી.

૧૮૭૩માં હું પરણીને આવી ત્યારે મારા પતિએ પહેલી રાત્રે મને પૂછેલું, ‘તેં હવે મારી સાથે લગ્ન કર્યાં છે. તું જાણે છે કે હું કોણ છું? મારું નામ શું છે?’

નવવારી સાડીમાં ઢીંગલી જેવી લપેટાયેલી અને નથણી પહેરેલી હું કેવી લાગતી હોઈશ એની મને કલ્પના નથી, પણ મને હવે લાગે છે કે ‘એમને’ ત્યારે મને જોઈને હસવું આવતું હશે. ‘એમની’ સાથે ઊઠતી-બેસતી સ્ત્રીઓ અંગ્રેજીમાં બોલતી... વાંચતી-લખતી અને સમાજસુધારણાનાં કામો કરતી. મને જોઈને એમને મારા પર કેવી ચીડ ચડી હશે અથવા હું કેટલી હાસ્યાસ્પદ લાગી હોઈશ એવું મને ઘણું મોડું સમજાયું... ‘એમણે’ મને એમનું નામ પૂછ્યું, પણ પતિનું નામ લેવાથી એનું આયુષ્ય ઘટે એવું માનનારી હું અડધી રાત સુધી ફોસલાવવા અને પટાવવા છતાં ‘એમનું’ નામ બોલી શકી નહીં. પછી એમણે મને પૂછ્યું, ‘તને લખતાં-વાંચતાં આવડે છે?’ હું છળી મરેલી... લખતાં-વાંચતાં? એ કેમ બને? જો લખું-વાંચું તો પતિનું મૃત્યુ થઈ જશે...

‘એમણે’ એ જ રાત્રે સ્લેટ અને પેન્સિલ કાઢી. મારી સુહાગ રાતે બે કલાક સુધી મારો પહેલો પાઠ ચાલ્યો! ત્યારે મને કલ્પના પણ નહોતી કે આવનારાં થોડાં વર્ષોમાં હું ‘એમની’ જેમ જ સમાજસુધારણાના ભાષણો કરીશ અને લેખો લખીશ! આર્ય મહિલા સમાજમાં જોડાઈને હું સ્ત્રી મુક્તિ અને સ્ત્રી સુધારણા માટે કામ કરીશ આવી કલ્પના એ અગિયાર વર્ષની છોકરીને, ધ્રૂજતા હાથે એકડો ઘૂંટતી વખતે નહોતી જ આવી!

મારા પતિ જીદ્દી હતા. એમના કેટલાક હઠાગ્રહો અને જીદ સામે હું ઝૂકી જતી, પરંતુ મારી અંદર રહેલા મારા ઊંડા સંસ્કારો મને ડરાવતા... હું જ્યારે પરણીને આવી ત્યારે મારા પિતાએ મને કહેલું, ‘સાંભળ, બેટા, તું તારા સાસરે જઈ રહી છે. તે ઘણાં બધાં સંબંધીઓ ધરાવતો પરિવાર છે. ત્યાં સાવકા સંબંધીઓ અને ઘણા આશ્રિતો પણ છે. તું મારી દીકરી છે. તારો વ્યવહાર આપણા કુટુંબને શોભે તેવો હોવો જોઈએ. દરેક વસ્તુ ધીરજથી સહન કરજે, ભલે તે અસહ્ય કેમ ના હોય; પણ ક્યારેય સામો જવાબ ના આપીશ, નોકરચાકરને પણ નહીં. આ એક વાત થઈ. બીજી બાબત એ કે પરિસ્થિતિઓ ગમે તેટલી અસહ્ય હોય તોય તારા પતિ આગળ કોઈની ચાડીચુગલી કરતી નહીં. ચાડીચુગલીથી માત્ર પરિવારો જ નહીં, સામ્રાજ્યો પણ બરબાદ થઈ જાય છે. આ બે નિયમો યાદ રાખીશ તો તું જે ઈચ્છીશ એ તને મળશે. તું ભાગ્યશાળી છે. જો તું ધીરજ ધરવાનું શીખી લઈશ તો તું તારી ખરી ઊંચાઈ સુધી પહોંચીશ અને તું જે પરિવારમાં જન્મી છે તેને લાયક સાબિત થઈશ. મારા શબ્દો યાદ રાખજે. જો મને ક્યારેય પણ જાણ થશે કે તું આનાથી વિપરીત રીતે વર્તી છે તો હું તને ફરી ક્યારેય તારી માના ઘેર પગ નહીં મૂકવા દઉં.’

હું ‘પતિ પરમેશ્ર્વર’ માનીને એ જે કહેતા તે કરતી રહી, પણ એમના શિક્ષણના આગ્રહને લીધે મારે ઘણું સહન કરવું પડ્યું. ‘એમણે’ મારે માટે એક અંગ્રેજી મિસ હરફોર્ડને રાખ્યાં. ‘એમની’ આસિસ્ટન્ટ સ્પેશિયલ જજ તરીકે નિમણૂક થઈ હતી. હું મરાઠી લખી-વાંચી શકતી, પણ ‘એ’ ઈચ્છતા હતા કે હું અંગ્રેજી લખતી-વાંચતી થઈ જાઉં... મિસ હરફોર્ડ પાસે ભણતી તો ખરી, પણ અંગ્રેજીનો પાઠ પતી ગયા પછી ઘરમાં પ્રવેશતાં પહેલાં મારે વાડાના અનેક વર્ષોથી નહીં વપરાતા કૂવામાંથી પાણી ખેંચી ઠંડા પાણીએ સ્નાન કરવું પડતું. શિયાળાની કાતિલ ઠંડીમાં ફકત ‘ભણવાના’ મારા ગુના હેઠળ મને આ સજા ફરમાવવામાં આવી હતી! રાવસાહેબે અચાનક પાછા ફરીને ઘરની સ્ત્રીઓને ચોંકાવી દીધી. મારા તાઈ સાસુબાઈની હાજરીમાં ‘એમણે’ મારી સુશ્રુષા કરી અને જતી વખતે કહ્યું, "તું હવે ઠંડા પાણીથી સ્નાન નહીં કરે. આ સ્ત્રીઓ તને લડે કે પજવે એનાથી ખીજાઈને પણ એવું કંઈ નહીં કરતી, જેનાથી તારું સ્વાસ્થ્ય બગડે... એમની આ વાત સાંભળીને મને પગથી માથા સુધી એક લખલખું પસાર થઈ ગયું. શું એ મને આટલું ચાહતા હશે!

‘એમને’ બપોરના ભોજન પછી તો ક્યારેક સાંજે તાજાં ફળો અને સૂકો મેવો ખાવો બનતો. ‘એમને’ એવું ગમતું કે આ બધું લઈને હું એમની પાસે ઉપર જાઉં. ‘એ’ મને મિટિંગોમાં જવાની, જાહેર સમારંભોમાં જવાની સૂચના આપીને નીકળી જતા, પરંતુ એ પછીનો સમય મારે માટે ખૂબ જ અઘરો હતો. હું પાછી ફરું ત્યારે મને તાઈ સાસુબાઈ કહી દેતાં, "હવે તારે રસોડામાં નથી આવવાનું. તું હવે મોટા માણસોની સાથે ઊઠતી-બેસતી થઈ ગઈ છે. ઘરની ક્ષુલ્લક બાબતોમાં તારે રસ લેવાની જરૂર નથી. મારી સાથે ઘરની સ્ત્રીઓ વાત ન કરતી... એમાંયે એક દિવસ તો તાઈ સાસુબાઈએ હદ વટાવી દીધી. અંગ્રેજીમાં એક લેખ વાંચીને હું સભામાંથી પાછી ફરી ત્યારથી શરૂ કરીને ‘એ’ ઘરે આવ્યા ત્યાં સુધી તાઈ સાસુબાઈ, વંશા અને બીજી સ્ત્રીઓ સળંગ ગમે તેમ બોલતાં રહ્યાં. સામાન્ય રીતે ‘એ’ ઘરે આવે પછી તાઈ સાસુબાઈ કશું જ ન બોલતાં, પણ એ દિવસે તો એમણે ‘એમને’ સંભળાવવાનું પણ બાકી ના રાખ્યું. ‘એ’ શાંતિથી જમ્યા અને ઉપર ચાલી ગયા. હું ઉપર ગઈ ત્યારે ‘એમણે’ મને કહ્યું, "આજની વાત સાંભળીને હિંમત હારી નહીં જતી. એ પોતાના જમાનાના હિસાબે જીવે છે અને બોલે છે. તારી વાત સાચી છે છતાં બચાવ કર્યા વગર આ બધું સહન કરવાનું તારે માટે અઘરું છે એ મને સમજાય છે... હું તારા પક્ષે છું ને રહેવાનો છું, બીજું તને શું જોઈએ? એ દિવસે મને ‘એમની’ સમજ અને ધીરજ માટે ખૂબ જ માન થઈ ગયું.

૧૮૮૬માં અમે સિમલા ગયાં. અહીં મેં પહેલી વાર સાચા અર્થમાં સ્વતંત્રતા અનુભવી. ‘એમની’ સાથે ખુલ્લા દિલે વાતો કરતી, સમારંભોમાં જતી અને હંમેશાં મારા મનની વાત ‘એમને’ ખૂબ જ આનંદથી કહેતી. ‘એ’ પણ મારી વાત સાંભળતા. મને સાચી અને સારી દિશા બતાવતા.

૧૯૦૧માં ‘એ’ ગયા, ત્યાં સુધી મેં મારી બધી જ ફરજો પૂરી કરી. એમના પગે કાંસાની વાડકીથી ઘી ઘસવું, એમના ભોજનના સમયનું ધ્યાન રાખવું, એમને ગમતી બધી જ બાબતો સાચવી લેવા જેવું ઘણું મેં કર્યું... મારું શિક્ષણ પણ ખરેખર તો ‘એમને’ માટે જ હતું! આજે ‘એ’ નથી, પણ આ લખી રહી છું ત્યારે મને એટલું ચોક્કસ સમજાય છે કે આવનારી સદીઓમાં મારા પછીની સ્ત્રીઓ માટે મારું જીવન એક મશાલ જેવું બની રહેશે. મેં મરાઠીમાં આત્મકથા લખી છે, ‘આમચ્યા આયુષાતિ કહી આઠવણી’ (મારી જિંદગીમાંથી યાદ રહ્યું તે) મેં લખ્યું... આ લખી શકી, કારણ કે મહાદેવ ગોવિંદ રાનડે મારા ગુરુ હતા. આ દુનિયામાં એવી બહુ ઓછી સ્ત્રીઓ છે, જેમને એમના પતિમાં જ એક સારો મિત્ર, ગુરુ અને થોડા ઘણા અંશે પિતા પણ પ્રાપ્ત થાય... હું એવી નસીબદાર સ્ત્રી બની શકી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=93023

Friday, August 22, 2014

ભગવદ્ ગીતા હિન્દુઓનો નહીં, સમસ્ત માનવજાતનો ગ્રંથ છે --- યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

કોઈ પણ દર્દી ડોક્ટર પાસે જાય અને જો તે કાબેલ ડોક્ટર દવા આપે તો શું એ દવા હિન્દુને વધુ કે મુસલમાનને વધુ અસર કરે એવું બને ખરું? ભગવદ્ ગીતા જીવન માટે દવા જેવું જ કામ કરી શકે છે, જો એને સમજીને જીવનમાં ઉતારવામાં આવે. હવે એને જુદા-જુદા ધર્મ કે સંપ્રદાય સાથે શી લેવાદેવા?

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.આર. દવેને આજકાલ મીડિયા અને કહેવાતા સેક્યુલરવાદીઓએ અપરાધીના કઠેડામાં ઊભા રાખીને ઝીંકાઝીંક કરવા માંડી છે. આ લોકોના હિસાબે જસ્ટિસ દવેએ ‘અક્ષમ્ય’ અપરાધ કર્યો છે. શું? તો કહે છે કે જસ્ટિસ દવેએ કહ્યું કે બાળકોને નાનપણથી જ ભગવદ્ ગીતા અને મહાભારત ભણાવો.

સેક્યુલરિસ્ટો તૂટી પડ્યા. ‘હાય, હાય ભદવદ્ ગીતા જેવો હિન્દુ ગ્રંથ કંઈ બાળકોને નાનપણથી ભણાવાતો હશે.’ સૌથી પહેલાં તો આવું કહેનારાઓને પૂછવું જોઈએ કે ભાઈઓ કે બહેનો, તમે ક્યારેય ભગવદ્ ગીતા વાંચી છે ખરી? જો એકવાર ભૂલેચૂકે પણ ભગવદ્ ગીતાનો એકાદ શ્ર્લોક પણ વાંચીને સમજવાની દરકાર કરી હોત તો ભગવદ્ ગીતાને ‘હિન્દુ’ ગ્રંથ કહેવાની મૂર્ખામી કોઈ વ્યક્તિ કરી જ ન શકે! યોગને હિન્દુઓ સાથે જોડી શકાય ખરો? યોગના કોઈ પણ આસન પછી તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી કે જગતની કોઈ પણ વ્યક્તિ કરે અને એના જે શારીરિક (માનસિક અને આધ્યાત્મિકની વાત અત્યારે બાજુએ મૂકીએ તો પણ) લાભ મળે એ શું હિન્દુને વધુ અને મુસ્લિમ કે ક્રિશ્ર્ચયનને ઓછા મળે?

કોઈ પણ દર્દી ડોક્ટર પાસે જાય અને જો તે કાબેલ ડોક્ટર દવા આપે તો શું એ દવા હિન્દુને વધુ કે મુસલમાનને વધુ અસર કરે એવું બને ખરું? ભગવદ્ ગીતા જીવન માટે દવા જેવું જ કામ કરી શકે છે જો એને સમજીને જીવનમાં ઉતારવામાં આવે. હવે એને જુદા-જુદા ધર્મ કે સંપ્રદાય સાથે શું લેવાદેવા?

અર્જુનને જે વિષાદ થયો હતો એટલે કે આજની ભાષામાં કહીએ તો અર્જુન ડિપ્રેસ્ડ થઈ ગયો હતો. શું ડિપ્રેશન કોઈ એક ધર્મ કે કોમ પૂરતું મર્યાદિત છે? શ્રીકૃષ્ણને દેવ તરીકે ન જોઈને એક સાયકિયાટ્રીસ્ટ કે માર્ગદર્શક મિત્ર તરીકે તેમના ઉપદેશ સાંભળીએ તો? શ્રીકૃષ્ણે આખી ગીતામાં ક્યાંય પોતાને હિન્દુ કીધા હોવાનું આ લખનારના ધ્યાનમાં તો નથી.

ક્ષત્રિય તરીકે અર્જુન કેટલાય યુદ્ધ લડ્યો હતો અને કેટલાયને મારી નાખ્યા હતા પણ જ્યારે પોતાના સ્વજનોને સામે ઊભેલા જોયા ત્યારે તેના ગાત્રો શિથિલ થવા માંડ્યા હતા અને તે સંન્યાસની ભાષા બોલવા માંડ્યો હતો. આ સમજાવવા ગીતા પ્રવચનોમાં વિનોબા ભાવેએ એક દૃષ્ટાંત આપ્યું છે- એક ન્યાયાધીશ હતો. સેંકડોં ગુનેગારને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મૂકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશને માથે આવ્યું પણ તેમ કરતાં ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી ફાંસીની સજા અમાનવીય છે; એવી સજા કરવાનું માણસને શોભતું નથી; માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી; ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેની આંખ પરનાં લોહીનાં પડળ ઊતરી ગયા પછી પણ ગંભીરતાથી તે માણસને ઊંચકીને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારું તેમ જ ડાઘ લગાડનારું છે. આ અને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. આ છોકરો સામો આવ્યો ન હોત તો મરતાં સુધી ન્યાયાધીશ સાહેબ ખાસા ફાંસીની સજાઓ ટીપતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યા હતા. તેમનું આ બોલવું અંતરનું નહોતું. તે આસક્તિજન્ય હતું. ‘:આ મારો દીકરો છે’ એવા મમત્વમાંથી જન્મેલું કથન હતું. 

આવું મમત્વ શું માત્ર હિન્દુઓને જ થાય છે? માતા-પિતા, ભાઈ-બહેન, સંતાન કે સગાંવહાલાઓ અને મિત્રો માટેની આસક્તિ પર શું કોઈ એક ધર્મના કે સંપ્રદાયના લોકોને જ હોય છે? આવી પરિસ્થિતિમાં શું માત્ર હિન્દુઓના જ ગાત્રો શિથિલ થાય છે? શ્રીકૃષ્ણ અહીં કોઈ ધર્મની વાત નથી કરતા પણ તેમનો પ્રયાસ માનવમાત્રની આસક્તિ જે તેમને અર્જુનમાં પણ દેખાઈ રહી છે એને દૂર કરવાની વાત કરે છે.

ભગવદ્ ગીતાના કોઈ પણ શ્ર્લોકને આ જ એરણ પર ચડાવીએ તો તે નખશીખ માનવજાત માટેનો ગ્રંથ સાબિત થશે એ અંગે કોઈ શંકાને સ્થાન નથી.

ઉદાહરણ તરીકે બીજા અધ્યાયનો ૨૮મો શ્ર્લોક લઈએ તો એ કહે છે- 

અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્ત્તમધ્યાનિ ભારત

અવ્યક્ત્તાનિધનાન્યેવ તત્ર કા પરિદેવનામમ

શ્રી અરબિંદોએ આને આ રીતે સમજાવ્યો કે હે ભારત, ભૂતમાત્ર( અહીં ભૂતમાત્ર એટલે કે પંચભૂતોમાંથી પેદા થયેલો દરેક જીવ એમ કહ્યું છે. કોઈ ચોક્કસ ધર્મની વ્યક્તિ એવું નથી કહ્યું) અવ્યક્ત એવી અવસ્થામાંથી જન્મમાં આવે છે. વચ્ચે વ્યક્ત અવસ્થામાં હોય છે અને તેમનું અવ્યક્ત અવસ્થામાં પાછું જવું એનું નામ મરણ છે. આમ જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ અવ્યક્ત એટલે કે જોઈ શકાતી ન હોય એવી હોય છે. માત્ર વચ્ચેની સ્થિતિ જ પ્રગટ થાય છે. તો આ બાબતમાં શોક શો કરવો?

આ વાત શું ફક્ત હિન્દુ ધર્મના લોકોને જ લાગુ પડે છે? એક જાણીતા સંતે આને સાદી સરળ ભાષામાં સમજાવતા કહ્યું હતું કે આપણું શરીર પંચમહાભૂતમાંથી એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશમાંથી બને છે. ગર્ભાધાન થાય એ પહેલાં શરીરનું અસ્તિત્ત્વ હોતું નથી. આ પાંચેય મહાભૂતો અમુક એક ચોક્કસ નિયમ અને પ્રક્રિયા અનુસાર ભેગાં થાય અને બાળકનું સર્જન થાય. જેટલા વર્ષનું વ્યક્તિનું આયુષ્ય હોય ત્યાં સુધી તેનું શરીર જીવે છે એટલે કે વ્યક્ત અવસ્થામાં હોય છે. તે વખતે આપણે તે વ્યક્તિનું શરીર જોઈ શકીએ છીએ. મૃત્યુ બાદ આ તમામ તત્ત્વો જેનાથી આ શરીર બન્યું હતું એમાં ચાલ્યા જાય છે- પૃથ્વીનો અંશ પૃથ્વીમાં, જળનો જળમાં, વાયુનો વાયુમાં, આકાશ આકાશમાં, અગ્નિ અગ્નિમાં અને ફરી જે અવ્યક્ત વ્યક્ત થયું હતું તે અવ્યક્ત થઈ જાય છે.

હવે આ વાત શું જગતના દરેક માનવ કે પછી સજીવ માટે સાચી નથી? કે પછી ફક્ત હિન્દુ શરીરનું જ આવું થાય છે? અન્ય બધા શરીરો મૃત્યુ બાદ પણ વ્યક્ત અવસ્થામાં જ રહે છે?

આ બધું લખવા પાછળ ભગવદ્ ગીતા પર ભાષ્ય કરવાનો કોઈ જ ઈરાદો નથી પણ આપણે ત્યાં કોઈ પણ બાબતને સમજ્યા વિના તેને સંપ્રદાય, કોમ કે ધર્મ સાથે જોડી દઈ હોબાળો મચાવવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. 

કેટલાક લોકોએ જસ્ટિસ દવેનો એમ કહીને વિરોધ કર્યો કે નાના-નાના બાળકો ભગવદ્ ગીતામાં શું સમજશે? હકીકત તો એ છે કે ભગવદ્ ગીતા કે પછી કોઈ પણ સત્ત્વશીલ ધર્મગ્રંથો નાનપણથી જ શીખવા અને સમજવાનો મતલબ છે, કારણ કે ભગવદ્ ગીતા હોય કે અન્ય કોઈ આવા ગ્રંથો આપણને જીવન જીવવાની કળા શીખવવા માટે હોય છે વૃદ્ધાવસ્થામાં ટાઈમપાસ કરવા માટે નહીં. મુસ્લિમ બિરાદરો નાનપણથી જ મદરેસામાં અને મસ્જિદોમાં બાળકોને ધર્મનું શિક્ષણ નથી આપતા? ચર્ચમાં અને મિશનરી સ્કૂલોમાં બાઈબલ નથી વાંચવામાં આવતું? 

અન્ય ધર્મોના આવા ગ્રંથો વિશેની ઊંડી જાણકારી નથી પણ ભગવદ્ ગીતાના શ્ર્લોક (અર્થ જાણતા હો કે ન જાણતા હો) એટલે કે સંસ્કૃત ભાષાના આ કાવ્યના શબ્દતરંગો માણસના મન પર પોઝિટિવ અસર કરે છે એ અભ્યાસ પછી સિદ્ધ થયું છે. આ શ્ર્લોકના બીજ બાળ માનસમાં વાવવામાં આવે અને એમાંથી સમજણના સુંદર વૃક્ષો ઉગે તો એમાં ખોટું શું છે? ન્યુટન અને આઇન્સ્ટાઈનની થિયરીઓ આપણે સાદી ભાષામાં પણ બાળકોને નાનપણથી શીખવીએ જ છીએને?

મહાભારતની આ વાતો કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના બાળકને શીખવવાથી કંઈ તેનો ધર્મ વટલાઈ નથી જતો. જ્યારે આપણે બાળકોને પંચતંત્રની નીતિકથાઓ ભણાવીએ છીએ તો એનો અર્થ આપણે તેમને પશુ જગતનું શિક્ષણ આપીએ છીએ એવો તો ન જ કરી શકાયને! પશુના પ્રતીકો દ્વારા આપણે તેને જીવન જીવવાના પાઠ ભણાવીએ છીએ. જો કે એની સામે કોઈને વાંધો નથી હોતો કારણ કે પશુઓમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન કે યહૂદી નથી હોતા!

જસ્ટિસ દવે જેવી વ્યક્તિઓ ક્યારેય સરમુખત્યાર થશે નહીં અને મોદી સરકારના રાજમાં પણ ન તો બાળપણથી જ ભગવદ્ ગીતા કે મહાભારત-રામાયણ શીખવવાના કોઈ ફતવાઓ આવશે પણ કમ સે કમ સંસ્કૃત ભાષા બાળકોને ફરજિયાત નહીં તો ય શીખવા મળે એ માટેની વ્યવસ્થા પણ જો આપણી સ્કૂલોમાં થાય તો ય ઘણું છે. 

બાય ધ વે, ભગવદ્ ગીતા વાંચીને, એને માથે મૂકીને નાચનારો જર્મન કવિ ક્યાં હિન્દુ હતો!

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=137131

માણસની દુનિયા, જાનવરની દુનિયા, ઈશ્ર્વરની દુનિયા --- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

પ્રકૃતિમાં વિસ્મયનો અંત નથી. વિજ્ઞાનના આકર્ષણે આપણામાં પ્રકૃતિ માટે એક વિકર્ષણ લાવી દીધું છે. એટલે આપણી આસપાસની જીવજંતુ, પશુપક્ષીની દુનિયા છે એ પણ આપણે માટે અજનબી બની ગઈ છે

  જગતમાં સૌથી શક્તિશાળી જીવોમાં એક છે: કીડી! પોતાના વજન કરતાં પ૦ ગણું લઈને દોડી શકે છે. કીડી એટલો પ્રવૃત્ત અને શ્રમિક જીવ છે કે બાઈબલમાં આળસુને સલાહ આપવામાં આવી છે કે કીડી પાસેથી શીખ! આપણે આંખોથી કીડીનો એક જ પ્રકારે જોઈ રહ્યા છીએ. શ્રમિક કીડી ઘણીખરી કીડીઓ જોઈ શકે છે. સૂંઘી શકે છે. ચાખી શકે છે. કીડીને બે આંખો હોય છે, જેને લીધે એ આંદોલન તરત અનુભવી શકે છે. કીડીને કાન હોતા નથી પણ ધ્વનિને એ સમજી શકે છે. કીડીના મોઢા આગળ એક એન્ટેના હોય છે, જેનાથી સૂંઘી શકે છે. કીડીને પાંચ જુદાં જુદાં નાકો હોય છે, જે જુદાં જુદાં કામો માટે પ્રોગ્રામ કરેલા હોય છે. વૈજ્ઞાનિકો માને છે કે ૧૦ કરોડ વર્ષો પહેલાં ભમરામાંથી કીડી જન્મી. આજે પણ કીડીનો દૈહિક આકાર ભમરા જેવો છે. પ્રકૃતિમાં વિસ્મયનો અંત નથી. વિજ્ઞાનના આકર્ષણે આપણામાં પ્રકૃતિ માટે એક વિકર્ષણ લાવી દીધું છે. એટલે આપણી આસપાસની જીવજંતુ, પશુપક્ષીની દુનિયા છે એ પણ આપણે માટે અજનબી બની ગઈ છે. 

પ્રકૃતિએ જે ગજબનાક સંતુલન રાખ્યું છે એ મનુષ્યના દિમાગને હવે ધીરે ધીરે સમજાય છે. સમુદ્રની સપાટીથી ૪૪૦ મીટર ઊંડાઈ સુધી માણસ ઊતરી શકે છે. સબમરીન ૧૦૦૦ મીટર સુધી ઊંડી જઈ શકે છે, વ્હેલ માછલી રપ૦૦ મીટરની ઊંડાઈ સુધી મળે છે. ૬૦૦૦ મીટર ઊંડાઈ પર સમુદ્રતલ ફાડીને ધુમાડા અને વરાળ નીકળતાં રહે છે. સમુદ્રની સૌથી ઊંડી જમીન૧૦,૦૦૦થી ૧૧,૦૦૦ મીટર નીચે છે. (૩૦,૦૦૦થી ૩૩,૦૦૦ ફીટ, એટલે કે માઉન્ટ એવરેસ્ટને પેસિફિક મહાસાગરનાં ઊંડામાં ઊંડા સ્થળે મૂક્યો હોય તો પણ લગભગ ૧ માઈલ જેટલું ઊભું અંતર પાણી રહે!) આ લીલાકાળા અંધકારમાં પણ સમુદ્રજીવો વિહરે છે જેને આંખો નથી કારણ કે સૂર્યપ્રકાશ અહીં પહોંચતો નથી, કેટલાક જીવોનાં શરીરો પર ચમકતી સપાટીઓ છે અને એમની શક્તિ સૂર્ય પાસેથી નહીં પણ પાણીમાં રહેલાં રસાયણોમાંથી આવતી રહે છે. આ સમુદ્રતલ પર જીવતા અંધ જીવો આંખો વિના બધો જ વ્યવહાર કરી શકે છે અને અહીં ‘જીવો જીવસ્ય જીવનમ્’ અર્થાત્ એક જીવ બીજા જીવનો આહાર (જીવન) છે એ સૂત્ર સાબિત થાય છે. 

દુનિયાભરમાં વિષુવવૃત્તની ઉપર અને નીચે ગ્રાસલેન્ડ અથવા ઘાસનાં મેદાનો છે અને એ એક જ વૃત્ત પર ફેલાયેલાં છે. કર્કવૃત્ત અથવા ટ્રોપિક ઑફ કૅન્સર પર અમેરિકામાં ‘પ્રેરીઝ’ કહેવાય છે અને રશિયામાં ‘સ્ટેપ્સ’ છે. દક્ષિણમાં મકરવૃત્ત અથવા ટ્રૉપીક ઓફ કૅપ્રિકૉર્ન પર દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિનામાં એને ‘પામ્પાસ’ કહે છે અને ઑસ્ટ્રેલિયામાં એને ‘આઉટ બેક’ કહે છે. આ ગ્રાસલૅન્ડ અથવા ઘાસભૂમિઓમાં પ્રકાર પ્રકારનાં ઊંચાં ઘાસ ઊગતાં રહે છે અને એના પર જ અવલંબિત જીવસૃષ્ટિ જન્મી છે અને વિકસી છે. મધ્યમાંથી પસાર થતા વિષુવવૃત્ત પર આફ્રિકામાં જે ઘાસભૂમિઓ છે એ ‘સાવાના’ કહેવાય છે. (મને કાઠિયાવાડની ભૂમિ આ મધ્ય આફ્રિકન સાવાનાનો જ એક ભાગ લાગે છે અને કેટલીક લાક્ષણિકતાઓ આપણા કાઠિયાવાડ અને એ મધ્ય આફ્રિકામાં સમાન લાગે છે: સિંહ, લાલઘૂમ થઈને ડૂબતી સાંજો, દબાયેલાં પેટવાળી અને સીધાં શરીરવાળી ચાલી જતી સ્ત્રીઓ, ઊંચું ઘાસ, નેસડા, રક્તચાપ જેવા ગરબાનો નૃત્યતાલ, પથ્થરિયા ધરતી, આરોહ-અવરોહ સાથેના લહેકાથી બોલાતી ભાષા...) આ આફ્રિકન સાવાના પ્રદેશમાં પ્રકૃતિએ જે અદ્ભુત સંતુલન રાખ્યું છે એનો પ્રદૂષણ અને પર્યાવરણના તજ્જ્ઞો ગંભીરતાથી અભ્યાસ કરતા રહે છે. 

આફ્રિકન સાવાના ઘાસભૂમિમાં ઊંચાં વૃક્ષો ઊગતાં નથી, ઊંચું ઘાસ છે, જેનાં મૂળિયાંથી જમીન ગંઠાઈ જાય છે. દરેક પશુવર્ગ માટે પ્રકૃતિએ અલગ ખોરાકની વ્યવસ્થા કરી છે. ઝિબ્રા આ ઊંચા ઘાસની સૌથી સખત ઊંચી ટોચનો આહાર કરે છે, ઢોર વચ્ચેનો ભાગ ખાય છે. હરણ વગેરે માટે કુમળી કૂંપળો છે. જે ઘાસ ખાય છે એ જાનવરોને સિંહ, ચિત્તા અને જંગલી કૂતરાઓ ખાય છે. જરખ, શિયાળ, વરૂવર્ગનાં જાનવરો સફાઈ કામ કરે છે અને શિકારી પશુઓએ છોડી દીધેલું ખાઈ જાય છે. નાના ઘાસમાંથી સાપથી ગરોળી સુધી રેપ્ટાઈલ્સ અથવા સરિસૃપ (પેટથી સરતાં) જાનવરો રહે છે. ખડકાળ ધરતી છે એટલે છુપાવાની સુવિધા રહે છે. બબુન બંદરો, હાથી, જિરાફ, ઝિબ્રા, હરણો, શાહમૃગ, જંગલી ભેંસો, સિંહો બધા જ પોતપોતાના કબીલાઓમાં રહે છે. સલામતી માટે અને સમુચિત આહાર થઈ શકે એ માટે. પ્રકૃતિએ સાવાના ઘાસભૂમિમાં એટલાં બધાં પ્રકારના ઘાસ મૂક્યાં છે કે દરેક જીવવર્ગને આહાર મળી રહે છે. પ્રકૃત્તિનું આ જીવવિભાજન અને આહાર સંતુલન આજે જીવશાસ્ત્રના વૈજ્ઞાનિકો માટે સૃષ્ટિનું નિયમન સમજવા માટે ઉપયોગી થાય છે. 

ઉંદર પ્રકૃતિનું એક વિચિત્ર આશ્ર્ચર્ય છે જે મનુષ્યના પૃથ્વી પરના જન્મ પહેલાંય હતો. અમેરિકનોએ પેસિફિક મહાસાગરના એક નિર્જન દ્વીપ પર અણુબોમ્બ ફોડ્યો અને વર્ષો પછી સંશોધન કર્યુ. વનસ્પતિ, માછલી, જીવજંતુ, ધરતી... બધામાં રેડિએશનની અસર આવી ગઈ હતી, બધાના આકાર અને સ્વભાવ બદલાઈ ગયા હતા, પણ ઉંદર સ્વસ્થ મસ્તીથી દોડતા હતા! એનો સંપૂર્ણ નાશ કરવાના લગભગ બધા જ મનુષ્ય પ્રયત્નો નિષ્ફળ ગયા છે. બિલાડી અને લાકડીથી માંડીને ઝીંક ફૉસ્ફાઈડ અને સ્ટ્રિકનાઈન સુધીના! વિશ્ર્વમાં ફક્ત ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ઉંદર નથી, કારણ કે ત્યાં માણસોની વસાહતો નથી. એ જમીનની અંદર, ખૂણામાં, મકાનોની દીવાલોમાં, ગમે ત્યાં રહી શકે છે. અને મનુષ્ય વસાહતોમાં સુરક્ષિત રહે છે કે જેથી લૉંકડી, ઘુવડ, સમડી જેવા એના જન્મજાત શત્રુઓ એને પકડી શકે નહીં. એ લગભગ બધું જ કરડીને ખાઈ શકે છે અને ખાવા કરતાં દસગણું બગાડી શકે છે. એ દુનિયાભરના રોગોને લાવીને પૂરી આબાદીઓનું નિકંદન કાઢી શકે છે. પણ ઘણા રોગ એમને થતા નથી. એક ઉંદર દંપતી, નર અને માદાથી એક વર્ષમાં ૧૫૦૦૦ નવા ઉંદર પેદા થઈ શકે છે. ઉંદર ઊલટી કરી શકતા નથી, પણ બગાડતા રહેવાની એમની વિનાશક શક્તિ રાક્ષસી છે. 

પ્રકૃતિનું આવું જ એક આશ્ર્ચર્ય છે વંદો અથવા તેલચટ્ટો. છેલ્લાં ૩૨ કરોડ વર્ષોથી વંદો આ પૃથ્વી પર છે, જ્યારે ડીનેસોર પણ હતા. માણસ જેટલું રેડિએશન સહન કરી શકે છે એનાથી ૧૦૦ ગણું રેડિએશન એ સહન કરી શકે એટલો નક્કર છે. એને ખતમ કરવા માટે માણસના વિજ્ઞાને કોઈ પ્રયત્ન બાકી રાખ્યો નથી અને એની વૃદ્ધિ થતી રહી છે. 

વંદામાં નર અને માદા એક વર્ષમાં ૪ લાખ બીજા વંદા ઉત્પન્ન કરી શકે છે. તમે અંધારામાં જઈને બત્તીની સ્વીચ દબાવો એ પહેલાં તમારા આવવાથી હવામાં થયેલાં સ્પંદનથી એને ખબર પડી જાય છે કે તમે આવ્યા છો અને એ સડસડાટ ભાગી જઈ શકે છે અને એવા ખૂણામાં, એટલી નાની જગ્યામાં ઘૂસી જઈ શકે છે કે તમારે માટે એને પકડવો અસંભવ થઈ જાય છે. એના જેટલું અનુકૂલન બહુ જ ઓછા જીવોમાં હોય છે. કાતિલમાં કાતિલ વિષ એની પ્રજોત્પત્તિને રોકી શક્યું નથી. વિજ્ઞાન એની બે મૂંછોના એન્ટેના (બહુવચન: એન્ટેની)ને સમજવા પ્રયત્ન કરી રહ્યું છે. વંદાના એન્ટેનાથી વંદો પલકારામાં એ સમજી શકે છે જે મનુષ્યની પાંચ ઈન્દ્રિયોથી પણ મનુષ્ય એટલી ત્વરાથી સમજતો નથી. 

આ પૃથ્વી પર મચ્છર ર કરોડ ૬૦ લાખ વર્ષોથી છે અને એની ૩૦૦૦ જાતો છે. માદા દર ત્રીજા દિવસે ૮૦ ઇંડાં મૂકે છે: મચ્છર ૩૬૦ ડિગ્રી જોઈ શકે છે. નર વેજીટેરિયન છે, જે છોડ પરથી રસ ચૂસીને જીવે છે પણ માદા નૉન-વેજ છે, એના લાંબા સિરીંજ જેવા મોઢાથી માદા મચ્છર લોહી ચૂસે છે, ઇંડાં મૂકે છે, ફરીથી લોહી ચૂસવા આવે છે. પગ અને આંગળીઓ અને કાનની પાસેનો ભાગ લોહી ચૂસવા માટે માદા મચ્છર પ્રિય વિસ્તારો છે. નર મચ્છરનું પ્રજોત્પત્તિ સિવાય બીજું કંઈ કામ નથી અને પોતાનું કામ સમાપ્ત કરીને ૬ દિવસની અંદર એ મરી જાય છે. નવ દસ ફીટ દૂરથી મચ્છરને પોતાના બલિ રક્તની વાસ કે રક્તનો અહસાસ આવી જાય છે. 

માણસ સિંહને મારી શકે છે, મચ્છરને ખતમ કરી શકતો નથી. માણસ વાઘને નિર્મૂળ કરી શકે છે, વંદાને નિર્વંશ કરી શકતો નથી. માણસ ચિત્તાને નામ:શેષ કરી શકે છે, ઉંદરનું નિકંદન કાઢી શકતો નથી. પ્રકૃતિની રમૂજ અત્યંત ક્રૂર છે... 

----------------

ક્લોઝ અપ

દુનિયા શબ્દ અરબી ‘દુનુ’ (સમીપમાં રહેનાર) ઉપરથી બન્યો. 

પરલોક (જન્નત) કરતાં ન નજદીક છે તે; જગત. ઈશ્ર્વરની દુનિયા વિશે મિર્ઝા અસદુલ્લાખાં અઢીસો વર્ષ અગાઉ શૅર કહી ગયા છે. 

‘હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન;

દિલ કો બહલાને કો ‘ગાલિબ’ યહ ખયાલ અચ્છા હૈ.’

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=137125

અમારો વિમાન પ્રવાસ ---- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

તા ૪ નવેમ્બર, ૧૯૮૮ના રોજ ડૉ. સી. ટી. ચુડગરસાહેબના નિવાસથાન ‘સોરાબ હાઉસ’માંથી મેં ડૉક્ટરસાહેબની ભાવભીની વિદાય લીધી. આંખમાં હર્ષનાં આંસુ સાથે મને ભેટીને લોકસાહિત્યના એ ચાહક સ્વજને પ્રવાસની શુભેચ્છા પાઠવી. હું સહાર એરપોર્ટ પહોંચ્યો. એરપોર્ટ પરની જરૂરી વિધિ પૂરી કરી, વિમાનમાં ગોઠવાયો. ચારસોની કેપેસિટીનું, જમ્બોેજેટ વિમાન ‘હિમાલય’માં અમે માત્ર પંચોતેર જ પેસેન્જર હતા. મુંબઈ-લંડનની શરૂ થયેલી ફ્લાઈટની આ પ્રથમ ફ્લાઈટ હતી, જ્યાં જુઓ ત્યાં જગ્યા હતી. ઘરધણીએ વધુ રાંધ્યું હોય અને મહેમાન જાનમાં ઓછા આવે ત્યારે વેવાઈ જેમ આગ્રહ કરી કરીને ખવરાવે તેમ એરહોસ્ટેસો આગ્રહ કરતી હતી.

મારા મિત્ર મથુરના મોટા ભાઈ ચતુરનાં લગ્નમાં પણ આમ જ થયેલું. જાનમાં માત્ર દસ જણ જ ગયેલા. મથુરના પિતા પીતામ્બર બાપા અતિ લોભી પ્રકૃતિના. કોઈને કીધું જ નહીં. માત્ર ઘરના જ માણસો ગયેલા. વેવાઈ વ્રજલાલનું ખોરડું ગામમાં ખાનદાન ગણાતું. તેમને થયું બીજા કદાચ સ્પેશ્યલ બસમાં આવવાના હશે. વ્રજલાલે પીતામ્બર બાપાને પૂછ્યું, ‘બીજા જાનૈયાઓ ક્યાં છે?’ પીતામ્બર બાપા કહે, ‘જે ગણો ઈ આ દસ છે. ગામમાં રોગચાળાની જેમ લગનગાળો ફાટી નીકળ્યો છે. તે આટલા તો માંડ જડ્યા. આ વરરાજાને પરાણે સમજાવીને લાવ્યા છીએ. નહીંતર એ પણ એના ભાઈબંધનાં લગ્નમાં જાવાનો હતો.’

વેવાઈ ડાહ્યા માણસ.ખાનગીમાં સૌને જણાવ્યું કે, ‘વાત બહાર જાય નહીં. પણ ત્યાં અમંગળ પ્રસંગ બની ગયો છે. એટલે બાકીના જાનૈયા નથી આવ્યા. લગ્નનું મૂરત સાચવી લેવા આટલા જ આવ્યા છે.’ તે દિવસે અમને રાતે વેવાઈએ પરાણે જમાડ્યા હતા. એ જ રીતે આજે એરહોસ્ટેસ બહેન આગ્રહ કરી રહી હતી. 

કરસનકાકા મારા હમસફર હતા. અસલ ચરોતરના ખેડૂત. સાવ દેશી માણસ માત્ર ધોતિયું અને ઝભ્ભો પહેરેલાં. સામાનમાં માત્ર બગલથેલો, મને ઊંડેઊંડે થોડો અહં ખરો કે હું એકલો લંડન જઈ રહ્યો છું. એમાં કરસનકાકાએ મને પૂછ્યું, ‘તમે ભણેલા છો?’ તેમના પ્રશ્ર્નથી મારી અહંની પ્રતિમા માથે એક આઘાત થયો. મેં કહ્યું ‘હા, ગ્રેજ્યુએટ છું.’ કરસનકાકા કહે, ‘લ્યો વાંચો ટિકિટ’.

મેં વાંચ્યું અને ઠરી ગયો. કરસનકાકા લોસ એન્જલસ જઈ રહ્યા હતા. જમવાની ડિશો આવી. અમે સારી રીતે જમ્યા. જમીને નિરાંતે વાર્તાએ વળગ્યા. કરસનકાકાને વાતો કરવાનો ભારે શોખ, પરંતુ વચ્ચેવચ્ચે બંને બાજુની બારીઓમાં જઈને બહાર જોવા પ્રયત્ન કરતા. મેં આનું કારણ પૂછ્યુું ત્યારે ફ્લાઈટ શરૂ થયા બાદ એક કલાક પછી તેમણે પૂછ્યું, ‘આ હેંડે છે કે ઊભું છે?’ ખરેખર વિમાન એવું સ્થિર અને એકધારી ગતિએ ઊડતું હતું કે બેસનારને ખબર જ ન પડે. કરસનકાકાને મેં જણાવ્યું કે ‘આ વિમાન એક કલાકથી ઊડે છે. અને એ પણ કલાકના એક હજાર કિલોમીટરની ઝડપે ઊડે છે.’ કરસનકાકા મૂંઝાઈ ગયા. તેમને ગતિ વધુ લાગી. તેમણે કહ્યું, ‘તે જરા કો’ને ધીમું હલાવે. આપણે ક્યાં ઉતાવળ છે.’ હજી એમને શંકા હતી કે વિમાન ઊભું છે. એટલે તેમણે પૂછ્યું. ‘તમે કહો છો તેમ હેંડ્યું હોય તો આમ ઊંચુંનીચું કેમ નથી થાતું?’ મે ંકહ્યું, ‘ઊંચુનીચું કરીને શું કરવું છે? એમ થાય તો નહીં સારું. આ હંડે છે એ જ બરાબર છે.’

વિઝા માટે આખો દિવસ રઝળપાટમાં રોકાયો હોવાથી, લાંબા પ્રવાસની છેલ્લી તૈયારીઓમાં આખો દિવસ અને રાત્રિના પણ કામ કરીકરીને હું થાકી ગયો હતો. વિમાનમાં જગ્યા તો પુષ્કળ હતી. ફળિયામાં ખાટલો ઢાળીને મે’માન સૂઈ જાય એમ અમે ચાર સીટના વચલા હાથા ઊંચા કરી એક સીટ બનાવી. હું અને કરસનકાકા અમારી જગ્યાએ સૂઈ ગયા. ઠંડી લાગતી હતી. અમારી મુશ્કેલી સમજીને ભલી એરહોસ્ટેસ બહેન મને અને કરસનકાકાને એક એક બ્લેન્કેટ ઓઢાડી ગઈ. કરસનકાકા મને કહે, ‘સવારના આ પાછું તો નહીં લઈ લેને?’ મેં કહ્યું, ‘સવારની વાત સવારે અત્યારે સૂઈ જાવ.’ આખા દિવસના થાકને લીધે મને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવારે મારો પગ કોઈ પકડીને હલાવતું હોય તેમ લાગ્યું એટલે હું ઊઠી ગયો. જોયું તો એક બાળક મારો પગ પકડીને હલાવતું હતું. ઘણું તંદુરસ્ત અને નટખટ હતું. હું તેની સામું જોઈ હસ્યો. તરત જ એક સરદારજીએ આવી મને કહ્યું, ‘માફ, કરના, મુન્ના બડા શરારતી હૈ.’ મેં કહ્યું, ‘કોઈ બાત નહીં. બડા પ્યારા બચ્ચા હૈ.’ સરદારજી તેમના બાળકને લઈ ગયા પછી મેં કરસનકાકાનું બ્લેન્કેટ ખેંચ્યું. એ તરત ઊઠી ગયા. અને આંખો ચોળી ચારે તરફ જોવા લાગ્યા. મેં માન્યું કે હજી સપનું જોતા હોય એમ લાગે છે. મેં પૂછ્યું, ‘સપનું જોતા હતા?’ કરસનકાકા કહે, ‘હા, સપનું આવ્યું, તું?’ મને રસ પડ્યો. મેં પૂછ્યું, ‘શું જોયું સપનામાં?’ કરસનકાકા કહે, ‘ખીલેથી ભૂરી ભેંસ છૂટી ગઈ અને મારું ઓઢવાનું ગોદડું મંડી ચાવવા, એવું સપનું આવ્યું’તું. ચાદર ખેંચાણી ત્યાં આંખ ઊઘડી ગઈ.’ ત્યાં તો ‘આપણે લંડન આવી પહોંચ્યા છીએ. થોડી જ વારમાં આપણું વિમાન હિથરો એરપોર્ટ પર ઊતરશે, પટ્ટા બાંધી લેશો, જગ્યા પરથી ઊઠશો નહીં. બહારનું તાપમાન...’ વગેરે સૂચનાઓ જાહેર થવા લાગી. 

હું અને કરસનકાકા પણ તૈયાર થઈ ગયા. કરસનકાકાએ વસવસો રજૂ કર્યો, ‘ગુલાબ ચકરી ના આલી.’ એરહોસ્ટેસે એ સાંભળી લીધું અને જઈને પિપરમીન્ટ લઈ આવી. નાનાં બાળકો પાચીકાનું ગજવું ભરે તેમ કરસનકાકાએ ઝભ્ભાનું ખિસ્સું ભરી લીધું. એરહોસ્ટેસને આ જોઈ હસવું આવ્યું.

મેં અંગ્રેજીમાં એરહોસ્ટેસને પૂછ્યું, ‘તમને કેમ ખબર પડી કે કાકાને પિપરમીન્ટ જોઈએ છે?’ એ બહેને કહ્યું, ‘હું ગુજરાતી જાણું છું.’

હું, હાસ્યકાર કિરીટ વ્યાસ અને તબલા આર્ટિસ્ટ ડાહ્યાભાઈ વાગડિયા વિમાનમાં દુબઈ જઈ રહ્યા હતા. અમે અમારી સીટ પર ગોઠવાયા. પટ્ટા બાંધવાની સૂચના મળી. મેં ડાહ્યાભાઈને સૂચના સમજાવી. ડાહ્યાભાઈએ ગંભીર થઈને કહ્યું, ‘પણ મેં તો લેંઘો પહેર્યો છે.’ મેં કહ્યું, ‘પાટલૂનનો પટ્ટો નહીં, આ સીટના પટ્ટા બાંધવાનું કહે છે.’

મારે પણ પહેલી વાર ગોટાળો થયો હતો. પટ્ટા બાંધવાની સૂચના મળતાં મેં પટ્ટા ગોતવા પ્રયાસ કર્યો તો એક છેડો મારા ડાબા હાથ તરફનો હાથમાં આવ્યો. અને બીજો છેડો મારી પાસેની સીટ પર બેેઠેલા વૃદ્ધનો જમણી બાજુનો છેડો હાથમાં આવ્યો. મેં પટ્ટો બાંધવા આંચકો માર્યો એટલે એ મારા ઉપર પડ્યા. એ મારા પર ગુસ્સે થયા. મેં સોરી સોરી કહી એમને શાંત પાડ્યા. મને મારી મૂર્ખાઈ જોઈ દુ:ખ થયું. ત્યા એક મેડમ ઉપરનું ખાનું ખોલવા મથતાં હતાં, પણ તેમનાથી એ ખૂલ્યું નહીં. તેમણે મારા તરફ જોયું. મેં એમની આંખોમાં અસહાયતાના ભાવો વાંચ્યા. સ્ત્રી-સન્માનની મારી ઉમદા ભાવના જાગી ઊઠી. મને થયું હમસફર હમદર્દ હોવા જોઈએ. હું ઝડપથી ઊભો થયો. પણ ઉત્સાહના અતિરેકમાં એ ભૂલી ગયો કે પટ્ટો બાંધ્યો છે. જેવો ઊભો થયો તેવો જ પાછો પડ્યો. જેણે જોયું એ હસ્યા. એ મેડમ પણ હસ્યાં. અને મેં કોઈને પણ કાંઈ સહાય ન કરવાનું નક્કી કર્યું. ૮૦૦૦ કિ.મી.નું અંતર ૯ કલાક ૧૨ મિનિટમાં પૂરું થયું, અમે લંડન આવી પહોંચ્યા. જરૂરી સૂચનાઓનું પ્રસારણ થવા માંડ્યું. એરક્રૂઝની ચહલ-પહલ વધી ગઈ.

વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવતું જતું હતું. હવે લંડન શહેર પણ જોઈ શકાતું હતું. અમારું વિમાન હિથરો એરપોર્ટ પર ઊતર્યું. હું અને કરસનકાકા જુદા પડ્યા. મેેં એરપોર્ટ પરથી ડૉ દિલીપભાઈ ગઢવીને ફોન કર્યો. તેમણે કહ્યું, ‘વેઈટિંગ પોઈન્ટ પર રાહ જુઓ. જબ્બરભાઈ તમને તેડવા રવાના થાય છે.’ જબ્બરભાઈ આવ્યા અને મળ્યા. 

અને અમે હિથરોથી ઈલફર્ડ જવા રવાના થયા. હું ૧૯૮૦માં લંડન આવેલો. આજે ૧૯૮૮માં ફરી આઠ વર્ષે અહીં આવવાની તક મળી. પરિચિત સ્થાનો પાસેથી પસાર થતાં અમે ઈલફર્ડ આવ્યા. ડોક્ટરસાહેબના બંગલે પહોંચ્યા. ગેસ્ટરૂમમાં સામાન મૂક્યો. ઘેર કોઈ નહોતું. મને મૂકી જબ્બરભાઈ રવાના થયા. મેં પથારીમાં લંબાવ્યું અને પડ્યા પડ્યા પ્રવાસની નોંેધ પૂરી કરી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=114932

વગડાની વાતો --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

અન્યની સમસ્યા એ જ ઈન્સાન હલ કરી શકે, જે એમાંથી કાંઈ પણ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર પોતાનું ઉમેરે

પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર સોળે કળાએ પ્રકાશી રહ્યો હતો. ગંગાનાં જળમાં પડતાં ચાંદનીનાં કિરણો ગંગાના તરંગોને રંગે રંગી રહ્યાં હતા. કિનારાનાં વૃક્ષોનાં પાણીમાં પડતાં પ્રતિબિંબો અનેરાં દૃશ્યો સર્જતાં હતા. નજીક જણાતા કિનારા દૂર ક્ષિતિજમાં દેખાતા પહાડોમાં મળી જતા હતા. 

ગંગાના પ્રવાહમાંયે એક હોડી તરી રહી હતી. એ હોડીમાં વળી પર્ણકુટિ હતી. એ પર્ણકુટિમાં એક જાજરમાન વ્યક્તિ કોઈ અણમોલ ગં્રથનાં પાનાં ફેરવવામાં મશગૂલ હતી. સામે ટેબલ પર મીણબત્તીનો પ્રકાશ ગં્રથનાં પૃષ્ઠોને અજવાળતો હતો. વાંચનમાં મગ્ન બની ગયેલ વ્યક્તિની લાંબી દાઢી, વાંકા વાળ, અણીદાર નાક, વિશાળ ભાલ અને કાંઈક શોધવા મથતા કરુણાપૂર્વ-નેત્રો - વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ હોઈ રાજર્ષિ જેવું હતું. એ હતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર. સૌંદર્ય એટલે શું? આ પ્રશ્ર્નનો ઉત્તર મેળવવા એ મીણબત્તીના પ્રકાશમાં કોઈ ગં્રથના પૃષ્ઠો ફેરવી રહ્યા હતા. ચહેરા પરની મૂંઝવણના ભાવો એમ ને એમ હતા. એ દર્શાવતા હતા કે સમસ્યાનો ઉકેલ પુસ્તકમાંથી મળતો નહોતો. અચાનક ગુરુદેવનું ધ્યાન પર્ણકુટિમાં પ્રવેશેલા ચંદ્રના પ્રકાશ તરફ ગયું. એમણે મીણબત્તી બુઝાવી નાખી અને બહાર નીકળ્યા. બહાર આવીને એમણે ચંદ્ર જોયો. પરમાત્માની વરસી રહેલી કરુણા જેવી ચાંદની જોઈ. સ્વપ્નલોક જેવા દૂર દેખાતા પહાડો જોયા અને સદાનાં સંગાથી વૃક્ષો જોયા. ગંગાના તરંગોમાં વેરાયેલો ચાંદનીનો અણમોલ ખજાનો જોઈ ગુરુદેવનું હૃદય આનંદમાં ઝૂમી ઊઠ્યું. તેમને થયું આ જ સૌંદર્ય! આ જ સર્જનહારનું સર્જન! એમણે વિચાર્યું અત્યાર સુધી અહમ્ની મીણબત્તીનો પ્રકાશ જ સૌંદર્યના દર્શનમાં અવરોધરૂપ હતો. માનવી અને પ્રભુ વચ્ચે અહમ્નો પરદો ન હોય તો કિરતારની કરુણા, સર્જનહારનું સૌંદર્ય અને પ્રભુની પ્રભુતા તેની સામે જ છે. 

એક સૂફી સંતને અવસ્થા આંબી ગઈ. દેહ ક્ષીણ થવા માંડ્યો, દરદથી ઘેરાઈ ગયો. અંતકાળ ધીરે ધીરે પાસે આવવા લાગ્યો. શિષ્યોના હૈયાં ભરાઈ આવ્યાં. ચાહકોની આંખમાં આંસુ આવ્યાં. સંતને જાણનારા સૌનાં મન વિષાદથી ભરાઈ ગયાં, પરંતુ સંતનું મન સ્વસ્થ હતું. જીવનની સાર્થકતાનો સંતોષ તેમના ચહેરા પર હતો. એમની આંખો જાણે કહી રહી હતી, ‘વર્તમાનમાં ભૂતકાળના કોઈ કર્મથી દુ:ખી હો તો કમસે કમ અત્યારે વર્તમાનમાં તો એ રીતે વર્તો જેથી ભવિષ્યમાં કોઈ દુ:ખ ન આવે.’

શિષ્યો પ્રસંગોપાત સંત સાથે થયેલી ચર્ચા યાદ કરતા સંત કહેતા કે ‘જિંદગીમાં તમે અનેક શાસ્ત્રો જાણી શકશો, અનેક ક્ષેત્રોની માહિતી મેળવી શકશો, પણ એ શાસ્ત્રોના જાણનારને જો જાણવો હશે તો જીવનની કિતાબ વાંચવી પડશે, અનુભવનાં પાનાં ફેરવવાં પડશે. સત્યની કેડી તમારે પોતે કંડારવી પડશે. શ્રદ્ધાના નાનકડા દીવાના અજવાળે આત્મવિશ્ર્વાસથી આગળ વધવું પડશે. આ પંથકનો કોઈ નકશો નથી. ખોટા પંથથી પાછા ફરીને તમારે સાચો પંથ શોધવો પડશે.’

સંતની વિદાયની ઘડી આવી પહોંચી. શિષ્યો ભેગા થઈ ગયા તેમણે પૂછ્યું ‘ગુરુદેવ! આપના પછી અમને જીવનમાં વિકટ સમસ્યાઓનો સામનો કરવાનો આવે તો કોની પાસે માર્ગદર્શન માગીએ?’ સંતે જણાવ્યું. ‘હું તમને આ સત્તર ઊંટ સુપરત કરું છું એના બે ભાગ પાડજો અને સૌથી વૃદ્ધ જે શિષ્યો છે તેમને અર્ધા ઊંટ આપી દેજો. ત્યાર પછી ત્રણ ભાગ પાડજો અને જે પ્રૌઢ શિષ્યો છે તેને ત્રીજો ભાગ આપજો. છેલ્લે તમામ ઊંટના નવ ભાગ કરજો અને સૌથી જુવાન શિષ્યોને આપી દેજો.’ સંત આવી વધુ વિગત આપે તે પહેલાં તેમણે આંખ મીંચી દીધી. શિષ્યો ચોધાર આંસુએ રડ્યાં. 

થોડા દિવસ તો એમ ને એમ શોકમાં પસાર થયા, પણ પછી સંતે જણાવેલ વાત પર સૌ વિચાર કરવા લાગ્યા. સત્તર ઊંટના ન અર્ધા થાય. ન ત્રીજો ભાગ, ન નવમો ભાગ થાય. તેમનાથી તો સમસ્યા હલ ન થઈ. બધા શિષ્યો જુદા જુદા લોકોને મળ્યા. પણ કોઈ ઉકેલ લાવી શક્યું નહીં. આખરે સૌ એક સજ્જન પાસે આવ્યા જે દયાળુ હતા, અલ્લાહની ઈબાદતમાં જિંદગી ગુજારતા હતા. તેમનું જીવન સાદું અને સરળ હતું. તેઓ ન્યાયી હતા. આ સજ્જન પાસે શિષ્યો આવ્યા. સાથે સત્તર ઊંટ પણ લાવ્યા. તમામ વિગત જણાવી તેમની સમસ્યા હલ કરવા વિનંતી કરી. 

સજ્જને હસીને સૌને આવકાર આપ્યો. આગતાસ્વાગતા કરી. પછી સમસ્યા જાણી અને કહ્યું. ‘ઘણી સરળ વાત છે. આમાં મૂંઝવતો સવાલ નથી.’ સૌપ્રથમ તો સજ્જને એક નોકરને એક ઊંટ લઈ આવવા હુકમ કર્યો. નોકર ઊંટ લઈ આવ્યો એટલે તેમણે જણાવ્યું. આ સત્તર ઊંટ સાથે તેને પણ સામે ઊભો રાખી દે. ‘પછી તેમણે શિષ્યોને પૂછ્યું, હવે કેટલા ઊંટ થયા?’ શિષ્યો કહે, ‘અઢાર’ ‘તો પછી પાડો અઢારના બે ભાગ.’ બે ભાગ પાડ્યા, નવ અને નવ. ઊંટ સૌથી વૃદ્ધ શિષ્યોને આપો. સજ્જને સૂચનાઓ આપવા માંડી. શિષ્યોએ એ પ્રમાણે કાર્ય કરવા માંડ્યું. ‘હવે અઢારના ત્રણ ભાગ પાડો. છ ઊંટ પ્રૌઢાને આપો. હવે અઢારના નવ ભાગ ભાગ પાડો. બે ઊંટ જુવાનોને આપો. કુલ કેટલા ઊંટ આપ્યા?’ શિષ્યો કહે, ‘પ્રથમ નવ, પછી છ અને છેલ્લે બે. નવ ને છ પંદર અને બે સત્તર.’ તરત તે સજ્જને જણાવ્યું, ‘હવે જે ઊંટ વધ્યો તે મને પાછો આપી દ્યો.’ શિષ્યોએ તેમ કર્યું. સમસ્યા હલ થઈ ગઈ. 

સમસ્યા હલ કરનાર સજ્જન હતા હજરત અલીસાહેબ. તમારા શિષ્યો તે દિવસથી તેમના અનુયાયી બની ગયા. 

અન્યની સમસ્યા એ જ ઈન્સાન હલ કરી શકી જે એમાંથી કાંઈ પણ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર પોતાનું ઉમેરે. 

શાસ્ત્રો વિષે જાણવું હોય, વિવિધ ક્ષેત્રની માહિતી મેળવવી હોય, જુદા જુદા વિષયોનો તલસ્પર્શી અભ્યાસ કરવો હોય તો અનેક પુસ્તકોનું વાંચન આવશ્યક છે. ઊંડા અનુભવો જરૂરી છે, પરંતુ પોતાના વિષે જાણવું હોય તો? જિવાતા જતા પોતાના જીવનનું તટસ્થ ભાવે નિરીક્ષણ કરવું જરૂરી છે. વાણી ભાવોને વ્યક્ત કરવાનું એકમાત્ર માધ્યમ નથી. ચિત્ર દ્વારા, શિલ્પ દ્વારા, નૃત્ય દ્વારા, અરે રાગના બંધનમાં બંધાય નહીં કે ભાષાની મર્યાદામાં સમાવી ન શકાય એવા સંગીત દ્વારા ભાવોની અભિવ્યક્તિ થાય છે. 

એક મહાત્મા ધર્મ, કરુણા અને પ્રેમ ઉપર પ્રવચન કરવાના હતા. સામે સમજદાર પ્રેક્ષકોનો વર્ગ વ્યવસ્થિતપણે ગોઠવાઈ ગયો હતો. મહાત્માએ પોતાનું સ્થાન સંભાળ્યું. પ્રવચનની શરૂઆત કરવાની તૈયારી કરી ત્યાં ગમે ત્યાંથી એક રંગબેરંગી સુંદર પંખી આવી ચડ્યું. એ પોતાની મસ્તીમાં ઝૂમી ઊઠ્યું. આમથી તેમ ઉડ્યું. એક સ્થળે બેઠું અને એવી અદ્ભુત સુરાવલી છેડી એ પંખીએ અનોખું ગાન કર્યું કે મહાત્મા અહોભાવથી જોઈ જ રહ્યા. એકચિત્તે પંખીનું ગાન સાંભળી રહ્યાં. પ્રેક્ષકો પણ ગીત સાંભળવામાં તલ્લીન થઈ ગયા. પંખીએ મોજ હતી ત્યાં સુધી ગાન કર્યું અને જેવું આવ્યું તેવું ઊડી ગયું. મહાત્મા અને પ્રેક્ષકો ઘણીવાર સુધી આ ભાવસમાધિમાં રહ્યા. છેલ્લે મહાત્માના ધીરગંભીર શબ્દો સૌને કાને પડ્યા, ‘આજનું પ્રવચન અહીં પૂરું થાય છે.’

શિયાળાની કડકડતી ઠંડી હતી. અમે વગડામાં તાપણું કરીને તાપતા હતા. ખોટવાયેલી અમારી મોટર બાજુમાં પડી હતી. નવુભા સરા કાંઈક સરસામાન કે કોઈ જાણકારને તેડવા ગયા હતા. હું, ડૉ. ઘનશ્યામ રાણા, દલપતરામ જોષી અને દાજીબાપુ ચારે જણા તાપતા તાપતા વાતો કરતા હતા. અમારે સમય પસાર કરવાનો હતો અને એ પણ સારી રીતે પસાર થાય એટલા માટે સૌએ એક એક વાત કહેવાનું નક્કી કર્યું હતું. સૌપ્રથમ ધનુકાકાએ રવીન્દ્રનાથ ટાગોરનો પ્રસંગ કહ્યો. પછી હજરત અલી સાહેબની વાત દલપતરામ જોષીએ કરી. દાજીબાપુ બહુ ઓછું બોલતા છતાં અમારા આગ્રહને વશ થઈ તેમણે પંખીના ગીતની વાત કરી. નાની વાતમાં ઘણું સમજાવી દીધું. હવે મારે કાંઈક કહેવાનું હતું. જ્ઞાન કે વિદ્વત્તાની વાત કહેવાની મારી હેસિયત નહોતી એટલે મેં સાદી વાત રજૂ કરી. 

‘વકીલ સાહેબ કોર્ટમાં દલીલ કરવા ઊભા થયા. તેમણે જણાવ્યું, ‘માય લૉર્ડ! મારો અસીલ બેગુનાહ છે. જે બંગલામાં ચોરી કરવાનો આક્ષેપ તેના પર મૂકવામાં આવ્યો છે તેમાં ચોરી કરવાનો તેનો મુદ્દલ ઈરાદો નહોતો. ત્યાંથી પસાર થતાં કુતૂહલવશ તેણે બારીમાંથી જોયું. અંદર થોડી આકર્ષક વસ્તુઓ તેણે જોઈ એટલે પોતાના જમણા હાથે તેણે તે વસ્તુઓ આમથી તેમ ફેરવીને જોઈ. ત્યાં ફરજ પરના ચોકીદારે તેને પકડ્યો. ‘ચોર ચોર’ એવી બૂમો પાડી મારા સજ્જન અસીલને માનસિક ત્રાસ પહોંચાડ્યો. કોઈ વસ્તુ તેણે ચોરી નથી, ચોરી કરીને તે બહાર પણ નથી ગયો. જે કાંઈ ગુનો કર્યો હોય તો તેના જમણા હાથે એ વસ્તુઓને અડક્યો તેણે કર્યો છે. માત્ર જમણા હાથે ગુનો કર્યો છે એટલે સજા થાય તો પણ માત્ર જમણા હાથને થવી જોઈએ. આખા શરીરને નહીં.’ જજ સાહેબે વકીલની દલીલ સાંભળી કહ્યું, ‘વિદ્વાન મિત્રે પોતાના અસીલ બચાવમાં સુંદર રજૂઆત કરી છે. એ રજૂઆતને માન્ય રાખી હું આરોપીના માત્ર જમણા હાથને બે વર્ષ સુધી કેદની સજા ફરમાવું છું. હાથની સાથે શરીરના અન્ય ભાગને રાખવો કે ન રાખવો તેની પસંદગી હું આરોપી પર છોડી દઉં છું.’

જજ સાહેબના જજમેન્ટ પર કોર્ટમાં બેઠેલો માનવસમુદાય ખુશ થઈ ઊઠ્યો. જજ સાહેબના ચહેરા પર સ્મિત ફરક્યું, પરંતુ ત્યાં એક અજબ ઘટના બની. આરોપીએ ડાબા હાથે સ્ક્રૂ ખોલી જમણો હાથ અળગો કર્યો. કોર્ટને એ સુપરત કરી આરોપીએ કહ્યું, ‘આપ નામદારના ચુકાદા અનુસાર હું જમણો હાથ સજા માટે મૂકીને જાઉં છું.’ આરોપીનો જમણા હાથ નકલી હતો એ સૌને ત્યારે ખબર પડી. સૌ હસી પડ્યા ત્યાં નવુભા સરસામાન સાથે આવી પહોંચ્યા. મોટર ચાલુ થઈ અમે થાન આવવા રવાના થયા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=108749

શત્રુ વિષે ભીષ્મ: હિંસા પરમો ધર્મ:? -- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

મહાભારતના શાંતિપર્વમાં યુધિષ્ઠિરને રાજધર્મ વિષે, વેર લેવા વિષે, હનન અને ધ્વંસ કરવા વિષે ભીષ્મપિતામહ દેશના આપે છે અને વિચિત્રતા એ છે કે આ અધ્યાયનુું શીર્ષક ‘શાંતિપર્વ’ છે અને એમાં વાતો વિશેષત: યુદ્ધવિષયક અને વિગ્રહવિષયક છે! શત્રુ પર પ્રહાર કરતાં પહેલાં પણ મીઠું બોલવું અને પ્રહાર કરી લીધા પછી પણ મીઠું જ બોલવું, તલવારથી શત્રુનું મસ્તક કાપીને પછી એ માટે શોક વ્યક્ત કરવો અને રડવું

પોતાનો પ્યારો પુત્ર પણ જો પતિત થઈ જાય તો માતા-પિતા એનો ત્યાગ કરી નાખે છે અને બધા જ માણસો હંમેશાં પોતાની જ રક્ષા કરવા ઈચ્છે છે, એટલે જોઈ લો, આ જગતમાં સ્વાર્થ એ જ સાર છે! આ ઉપદેશ આપનાર ભીષ્મપિતામહ છે અને આ ઉપદેશ સાંભળનાર ધર્મરાજા યુધિષ્ઠિર છે અને આ સંવાદ મહાભારતના શાંતિપર્વમાં આપદ્ધર્મપર્વમાં છે. પૂરું શાંતિપર્વ ભીષ્મની સલાહો છે, જે બાણશય્યા પર મૃત્યુની ઈચ્છા રાખતાં રાખતાં ભીષ્મે આપી છે. ભીષ્મ કહે છે: કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી, સંજોગો મિત્રો અને શત્રુઓ બનાવે છે. (ન કશ્ર્ચિત કશ્યચિત મિત્રમ્/ન કશ્ર્ચિત કિશ્યચિત રિપુ:/ વ્યવહારેણ જયન્તે મિત્રાણામ્ રિપવશ્ર્ચ). આ જ વાતનો ધ્વનિ ૧૯મી સદીના અંગ્રેજ પ્રાઈમ મિનિસ્ટર લૉર્ડ પામર્સ્ટનના વિધાનમાં પડઘાય છે. કોઈ સનાતન મિત્રો હોતા નથી, કોઈ સનાતન શત્રુઓ હોતા નથી, પણ ફક્ત સનાતન સ્વાર્થ હોય છે, પામર્સ્ટને જે શબ્દ વાપર્યો છે, એ છે ‘ઈન્ટરેસ્ટ્રસ.’

મહાભારતમાં ભીષ્મ મૈત્રી અને શત્રુતા વિષે યુધિષ્ઠિરને વિસ્તારથી સમજાવે છે, જે આજે પણ આપણા જીવનમાં સંગત છે અને માર્ગદર્શક બની શકે છે. મિત્રતા શું છે અને શત્રુતા શું છે? શત્રુઘ્ન અને મિત્રઘ્નમાં કોણ વધારે ખતરનાક છે? ભીષ્મપિતામહ વારંવાર આ સ્પષ્ટતા શાંતિપર્વમાં કરતા રહે છે. મૈત્રી કોઈ સ્થિર વસ્તુ નથી અને શત્રુતા પણ સ્થિર રહેવાવાળી વસ્તુ નથી. સ્વાર્થના સંબંધથી મિત્ર અને શત્રુ બનતા હોય છે (નાસ્તિ મૈત્રી સ્થિરા નામ ન ચ ધ્રુવમ્ સૌહૃદયમ્/ અર્થયુક્ત્યા નુજાયન્તે મિત્રાણી રિપવસ્તથા): ક્યારેક સમયફેરથી મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર બની જાય છે. કારણ કે સ્વાર્થ બહુ બળવાન હોય છે. ભીષ્મપિતામહ આગળ કહેતા જાય છે: ન કોઈ ક્યારેય શત્રુ હોય છે અને ન કોઈ ક્યારેય મિત્ર હોય છે. આવશ્યક શક્તિના સંબંધથી લોકો એકબીજાના મિત્ર કે શત્રુ બનતા હોય છે. ભીષ્મપિતામહ જીવનની ફિલસૂફી સમજાવે છે: હું તમને ઈચ્છાનુસાર બધું જ આપી શકું છું, પણ મારી જાતને હું ક્યારેય નહીં આપું. પોતાની રક્ષા કરવા માટે તો સંતતિ, રાજ્ય, રત્નો અને ધન, બધાનો ત્યાગ કરી શકાય છે. આપણા સર્વસ્વનો ત્યાગ કરીને પણ સ્વયંની રક્ષા કરવી જોઈએ! (...અપિ સર્વસ્વમુત્સૃજય રક્ષેદાત્મનમાત્મના) ભીષ્મપિતામહ ધર્મરાજા યુધિષ્ઠિરને કુટિલ નીતિનું વાસ્તવ સમજાવે છે: કાલેન રિપુણા: સંધિ: કાલે મિત્રેણ વિગ્રહ: ...સમયાનુસાર શત્રુની સાથે સંધિ અને મિત્ર સાથે વિગ્રહ કરવો પણ ઉચિત છે! ભીષ્મપિતામહ મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી પાંડવોને સુખી જોવા ઈચ્છે છે અને પૂરા શાંતિપર્વમાં અત્યંત વિસ્તારથી મિત્ર-શત્રુનો ભેદ-અભેદ અને સુખ-દુ:ખની લીલા સમજાવે છે. ભીષ્મપિતામહ રાજધર્મ સમજાવતા સમજાવતા કુટનીતિ તરફ આવી જાય છે. યુધિષ્ઠિરને પ્રેમથી કહે છે: જે લોકો શત્રુના શત્રુ છે, એ બધાનું સેવન કરવું જોઈએ...! આજે રાજકારણમાં આ ગૃહીત દરેક દેશ અપનાવી રહ્યો છે, શત્રુનો શત્રુ એ મિત્ર છે અને ભૌગોલિક ઈતિહાસની ભાષામાં પાડાશીનો પાડોશી એ મિત્ર છે, કારણ કે બે પાડોશીઓના સંબંધો મૈત્રીપૂર્ણ હોય એવું સામાન્યત: ભૌગો-રાજનીતિ અથવા જિયો-પોલિટિક્સમાં બનતું નથી. ગુજરાતી-મરાઠી ભાષાઓમાં રાજકારણ શબ્દ છે, હિન્દીવાળા રાજનીતિ શબ્દ વાપરે છે.

યુધિષ્ઠિરને આપદ્ધર્મનો ઉપદેશ આપનાર ભીષ્મપિતામહ એક સ્થાને કહે છે: જે નદી પાર ન કરી શકો એ ઓળંગવાનું સાહસ ન કરો. જે ધનને શત્રુ બળપૂર્વક પાછું લઈ શકે એ ધનનું અપહરણ ન કરો. એવું વૃક્ષ નષ્ટ કરવાની કોશિશ ન કરો જે જડમાંથી ઉખાડીને ફેંકી દેવું સંભવ નથી. એવા શત્રુ પર પ્રહાર ન કરો જેનું માથું કાપીને ધરતી પર ફેંકી ન શકો! શત્રુ પર વેર લેવા વિષે ઘણા શ્ર્લોકો છે. શત્રુ સાથે કઈ રીતે પ્રસ્તુત થવું એ વિષે પ્રકાર પ્રકારનાં સૂચનો છે. યુધિષ્ઠિરે મૂળ જે પ્રશ્ર્ન કર્યો હતો એ આ પ્રમાણે હતો: ભરતનન્દન! પિતામહ!

સત્યપુત્ર, ત્રેતા અને દ્વાપર ત્રણે યુગો પ્રાય: સમાપ્ત થવા આવ્યા છે. જગતમાં ધર્મનો ક્ષય દેખાઈ રહ્યો છે. ડાકુઓ અને લૂંટારાઓ

ધર્મમાં અવરોધો ઊભા કરી રહ્યા છે. આવા સમયમાં કેવી રીતે રહેવું જોઈએ?

શત્રુના નાશની બાબતમાં ભીષ્મપિતામહ બિલકુલ અહિંસક નથી અને એમની દરેક સલાહ કે દેશનાનો ઉદ્દેશ્ય એક જ છે અને તદ્દન સ્પષ્ટ છે, દુશ્મનને ખતમ કરી નાખવાનો, નામશેષ કરી નાખવાનો, સંપૂર્ણ મિટાવી દેવાનો. માત્ર શત્રુ જ નહીં, પણ અર્ધપ્રાપ્તિમાં પણ જે વિઘ્ન નાખવાવાળો હોય એને પણ મારી નાંખવો જોઈએ. ભીષ્મપિતામહની આ સલાહ બહુ સૂચક છે: પુત્ર, ભાઈ, પિતા

અથવા મિત્ર જે પણ અર્થપ્રાપ્તિમાં વિઘ્ન નાખનાર હોય એને

ઐશ્ર્વર્યની ઈચ્છા રાખનારા રાજાએ/જરૂર મારી નાખવા જોઈએ (પુત્રો વાયદિ વા ભ્રાતા પિતા વા યદિ વા સહૃત્ વિઘ્ન કુર્વાણા હન્તવ્યા ભૂતિમિચ્છતા).

શત્રુ કઈ રીતે પેદા થતો હોય છે? કોઈ જન્મથી મિત્ર કે શત્રુ હોતો નથી. સામર્થ્યયોગથી જ મિત્ર અને શત્રુ ઉત્પન્ન થતા રહે છે. ભીષ્મપિતામહે એક મૂલાધાર વાત સમજાવી દીધી છે. શક્તિ

હોવી જોઈએ, મિત્ર બનવા અને બનાવવા માટે અને ઈર્ષ્યા શત્રુ

બનાવે છે.

શત્રુ કરુણાજનક વચનો બોલી રહ્યો હોય તો પણ એને મારી નાખવા સિવાય છોડવો નહીં (અમિત્રં નૈવ મુંચેત વદન્તં કરુણાન્યપિ) જેણે આગળ આપણો અપકાર કર્યા હોય એને અવશ્ય મારી નાખવો અને એનું દુ:ખ ન કરવું, ભીષ્મપિતામહ કહે છે.

આનાથી આગળ કૂટનીતિની બીજી એક વેધક વાત આવે છે. (શત્રુ પર) પ્રહાર કરતાં પહેલાં પણ મીઠું બોલવું અને પ્રહાર કરી લીધા પછી પણ મીઠું જ બોલવું, તલવારથી શત્રુનું મસ્તક કાપીને પછી એ માટે શોક વ્યક્ત કરવો અને રડવું (અસિનાપિ શિરચ્છિત્વા શોચેત ચ રુદેત ચ). દુશ્મન પર દયા નથી. એની કતલ કરીને, એની સડકો તોડીફોડીને, એનાં ઘરોને નષ્ટભ્રષ્ટ કરીને શત્રુના રાષ્ટ્રનો વિધ્વંસ કરવો જોઈએ અને ભીષ્મપિતામહ કહે છે: દેવું, અગ્નિ અને શત્રુમાંથી કોઈ પણ બાકી રહી જાય તો એ વારંવાર વધતું રહે છે, માટે આ ત્રણમાંથી કોઈને પણ જરાય બાકી રખાય નહીં...

ભીષ્મપિતામહની અને ધર્મરાજા યુધિષ્ઠિરની જે મૂર્તિઓ જનમાનસમાં છે એનાથી જરા વિપરીત આ શ્ર્લોકો છે. અહીં અહિંસા નથી, આતતાયીને શેષ કરી નાખનારી હિંસા-પ્રતિહિંસાની સાફ વાતો છે. શત્રુ પર વેર લેવાની વાતો છે. અહીં ક્ષમા વીરસ્ય ભૂષણમ્ નથી, અહીં વીરનું ભૂષણ પ્રતિશોધ છે, વેર છે, ક્ષાત્રધર્મ છે અને ભીષ્મપિતામહ એક વ્યાવહારિક સૂચન પણ આપે છે: સૂકું વેર ન રાખવું અને બંને હાથથી તરીને નદી પાર ન કરવી. આ પ્રવૃત્તિ નિરર્થક છે અને આયુષ્યનો નાશ કરનારી છે. આ કામ કૂતરા દ્વારા ગાયનું શીંગડું ચાવવા જેવું છે, જેનાથી દાંત ઘસાઈ જાય છે અને રસ મળતો નથી!

યુધિષ્ઠિરને રાજધર્મ વિષે, વેર લેવા વિષે, હનન અને ધ્વંસ કરવા વિષે ભીષ્મપિતામહ દેશના આપે છે અને વિચિત્રતા એ છે કે આ અધ્યાયનુું શીર્ષક ‘શાંતિપર્વ’ છે અને એમાં વાતો વિશેષત: યુદ્ધવિષયક અને વિગ્રહવિષયક છે! વેરી સામે શાંતિ અને અહિંસા કામ આવતાં નથી. દુશ્મનનું નામોનિશાન મિટાવી દેવું એ જ ધર્મ છે...



ક્લૉઝ અપ

ન બુદ્ધિ પરિગૃહ્ણીત સ્ત્રીણાં મૂર્ખજનસ્ય ચ

-ભીષ્મ

(અર્થ: રાજા ક્યારેય સ્ત્રીઓ અને મૂર્ખાની સલાહ ન લે.)

(મહાભારત: શાંતિપર્વ: ૬૯:૭૩)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=109209

Friday, August 15, 2014

મારો ગધેડો ક્યાંય દેેખાય છે? --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=119663

મથુર તેની પત્ની સાથે જતો હતો ત્યાં રસ્તામાં ગધેડા સામા મળ્યા. મથુરને મશ્કરીની ફાવટ નહીં છતાં તેણે પ્રયાસ કર્યો. મથુરે પત્નીને કહ્યું, ‘જો સામેથી તારાં સગાં આવે.’ પત્નીએ કહ્યું, ‘સંગા સાચાં પણ આપણાં લગ્ન થયા પછીનાં’ મથુર શું બોલે?


હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ


ઈસપની એક બોધકથા છે.

બાપદીકરો ગધેડું લઈ નીકળે છે. લોકો બંનેને જુએ છે. ગધેડાને નીરખે છે પછી વિચારે છે અને કહે છે. છે ને માળા મૂર્ખ બંને ચાલ્યા જાય છે. બેમાંથી એક ગધેડા પર બેસી જાય તો ન ચાલે? એટલી તો સફરમાં સરળતા રહે. પિતાએ પુત્રને કહ્યું, ‘બેટા તું બેસી જા. હું ચાલ્યો આવું છું.’ પુત્ર પિતાની આજ્ઞા અનુસાર ગર્દભારૂઢ થયો. પ્રવાસ આગળ ચાલ્યો. વળી લોકોના સમૂહની નજર ગઈ. કોઈ બોલ્યું જુવાનજોધ દીકરો ગધેડા માથે બેઠો છે અને વૃદ્ધ બાપ બિચારો ચાલ્યો આવે છે, નવી પેઢીમાં લાજશરમ જેવું કાંઈ રહ્યું જ નથી. દીકરાએ આ સાંભળ્યું અને તરત જ નીચે ઊતરી ગયો. તેણે પિતાને કહ્યું, ‘બાપુ તમે બેસી જાવ.’ બાપ ગધેડો ચડ્યો. પ્રવાસ આગળ ચાલ્યો. ત્યાં પાછું લોકોના સમૂહમાંથી કોઈ બોલ્યું, ‘જુવાન દીકરો બિચારો ચાલ્યો આવે છે અને ઘરડો બાપ ગધેડા માથે લહેરથી બેસી પંથ કાપે છે. ડોસાને લાજશરમ કાંઈ? સાંઈઠે નાઠી ઈ આનું નામ.’ વૃદ્ધ બાપ તરત નીચે ઊતરી ગયો. લોકોની ટીકામાંથી બચવા બંને ગધેડા માથે બેઠા. પ્રવાસ આગળ ચાલ્યો, લોકોએ આ દૃશ્ય જોયું અને કહ્યું, ‘છે બેમાંથી એકેમાં દયાનો છાંટો? મૂર્ખા બેય ગધેડા માથે બેઠા છે. એ અબોલ પશુના નિસાસા લેવા સારા નથી, એ જરાક તો પરભુનો ડર રાખો.’

તરત બાપદીકરો સમજીને નીચે ઊતરી ગયા, સરવાળે ગધેડાને નદીમાં નાખી બેય હાલતા થયા. બંનેએ વિચાર્યું આ ગધેડું છે ત્યાં સુધી લોકો આપણને નિરાંતે જીવવા નહીં દે.

ઈસપનો બોધ એટલો જ કે લોકોની ટીકા પ્રમાણે જીવી ન શકાય, ગમે તેટલું સારું કામ કરો ટીકા કરનારા ટીકા કરશે જ. લાખ રૂપિયા ખર્ચીને લાઈબ્રેરી બનાવો. લોકો તરક કહેશે જરૂર પ્રાથમિક શાળાની હતી અને લાઈબ્રેરીમાં પૈસા વેડફી નાખ્યા. પ્રાથમિક શાળા બનાવો તો કહેશે, ગામને જરૂર છે ટાઉનહૉલની અને નિશાળમાં નાણું નાખ્યું. આવી ટીકાઓથી કંટાળી નિપટ નિરંજન નામના મહાત્માએ વીસ જાજરૂ બનાવ્યા ત્યારે થોડાક એવું કહેનારા નીકળ્યા કે પાયાનું કામ કર્યું. માત્ર ટીકા જ કરનારાએ રાજા રામમોહન રાયની, મહાત્મા ટૉલ્સ્ટૉયની, અબ્રાહમ લિંકનની કે ઘોંડો કેશવ કર્વે જેવા મહાનુભાવોની ટીકા ક્યાં નથી કરી?

પણ મારે તો ગધેડાને કેન્દ્રમાં રાખી તેની આજુબાજુ રચાયેલા પ્રસંગો આલેખવાના છે એટલે હું ફરી ગધેડા તરફ પાછો ફર્યો.

મથુર તેની પત્ની સાથે જતો હતો ત્યાં રસ્તામાં ગધેડા સામા મળ્યા. મથુરને મશ્કરીની ફાવટ નહીં છતાં તેણે પ્રયાસ કર્યો. મથુરે પત્નીને કહ્યું, ‘જો સામેથી તારાં સગાં આવે.’ પત્નીએ કહ્યું, ‘સંગા સાચાં પણ આપણા લગ્ન થયા પછીનાં’ મથુર શું બોલે?

અમારા ગામમાં શામજીનો ગધેડો ખોવાઈ ગયો, વસ્તુ ખોવાઈ જાય ત્યારે તેની કિંમત સમજાય છે. યુવાની વીત્યા પછી, પૈસા વપરાઈ ગયા પછી, સમય વેડફી નાખ્યા પછી આ બધાની કિંમત સમજાય છે.

અમે આઝાદ વૈભવમાં જીવનને વેડફી નાખ્યું. મરણ ટાણે મહામૂલા જીવનની યાદ આવી ગઈ.

શામજીને ગધેડાની કિંમત સમજાણી. એેણે વાડીએ, સીમમાં, વગડામાં ઘણી તપાસ કરી, ગધેડો ન મળવાથી નિરાશ થયેલા શામજીએ અદેપાળની પીપળ પર ચડીને જાડી ડાળ માથે આસન જમાવ્યું જેથી દૂર દૃષ્ટિ થઈ શકે. દૂર સુધી જોવું હોય તો ઊંચે ચડવું પડે, તળેટીમાં આથમી ગયેલો સૂર્ય પહાડ પરથી જોઈ શકાય છે. પિતાના ખભા પર બેઠેલ નાનો પુત્ર પિતાથી દૂર જોઈ શકે છે. માત્ર આંખો ખુલ્લી રાખે તો.

શામજી ગધેડાના વિચારોમાં ખોવાયેલો હતો. મધુકર શ્ર્વેતાના વિચારોમાં. મધુકર અને શ્ર્વેતા યુવાન પ્રેમી યુગલ ફરતું ફરતું અદેપાળની પીપળ નીચે આવી પહોંચ્યું.

મધુકરે શ્ર્વેતાની આંખોથી આંખો મિલાવી કહ્યું, ‘શ્ર્વેતા મોતી જેવી તારી દંતપંક્તિઓ, ગુલાબની પાંદડી જેવા હોઠ, દીપશિખા જેવી નાસિકા, નિર્દોષ હરિણીની આંખો જેવી તારી સુંદર આંખો, કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો, મેઘ જેવો કેશકલાપ અને ચંદ્રમા જેવું મુખારવિંદ. પ્રિયે, તારા પ્રેમાળ હૃદયનો પ્રેમ પામ્યા પછી મારે કાંઈ મેળવવાનું રહેતું નથી. પ્રિયે, તારી આંખોમાં મને આખું જગત દેખાય છે. તરત જ ઉપરથી શામજીએ મોટા અવાજે પૂછ્યું, ‘મારો ગધેડો ક્યાંય દેખાય છે.’

‘અત્યારે તો ઉપર દેખાય છે’ એવું ધીમેથી બોલીને બંને ચાલતાં થયાં. પણ બદલુના પ્રસંગમાં તો બદલુનો ગધેડો માંદો પડી ગયો. બે દિવસ કામ ન કરી શક્યો. છેવટે બદલુ તેને છગનલાલ ઘોડા ડૉક્ટર પાસે લઈ ગયો, મણિરામ મા’રાજની રસોળીનું ઑપરેશન કર્યા બદલ કોર્ટે તેમને દંડ કરી સજા કરેલી એટલે છગનલાલને સરકારે નોકરીમાંથી છૂટા કરેલા, છગનલાલ ઘરબેઠા આવે એ દર્દીઓને સાચવી લેતા.

ઘોડા ડૉક્ટરે બદલુ અને ગધેડાને જોઈ પૂછ્યું, ‘કોને તપાસવાના છે?’ બદલુ કહે ‘ગધેડાને’ ડૉક્ટરે ગધેડું તપાસ્યું. આગળ પાછળની હિસ્ટ્રી જાણી, છગનલાલ હિસ્ટ્રી શબ્દ ખાસ વાપરતા. છગનલાલના દવાખાનામાં મોટો સાણસો પણ દીવાલ પર ટાંગેલો જોવા મળતો. ઘરમાં સર્પ નીકળ્યો હોય અને કોઈ જાણ કરે તો ડૉક્ટર પકડીને સીમમાં નાખી આવતા અને માત્ર પાંચ રૂપિયા ફી વસૂલ કરતા.

છગનલાલે ગધેડું તપાસીને કહ્યું, ‘અત્યારે શરદીના વાયરા છે. આ ગધેડાને પણ શરદી થઈ ગઈ છે.’ ડૉક્ટરે બે ગોળીઓ આપી અને એક કાચની નળી આપી બદલુને કહ્યું જુઓ આ નળીમાં બે ગોળી મુકો પછી નળીનો છેડો ગધેડાના મોઢામાં રાખો અને જોરથી ફૂંક મારો. બદલુએ નળીમાં ગોળી મૂકી છેડો ગધેડાના મોઢામાં રાખ્યો ત્યાં અજબ ઘટના બની... બદલુ પહેલાં ગધેડે ફૂંક મારી દીધી.

ગોળી બદલુ ગળી ગયો. એ મંડ્યો ખોખો કરી ઉધરસ ખાવા. બદલુ કહે, ‘સાહેબ ભારે થઈ. ગધેડે પહેલી ફૂંક મારી એટલે ગોળી તો હું ગળી ગયો. હવે શું થશે? ડૉક્ટર કહે ‘કાંઈ નહીં થાય. હું બીજી બે ગોળી આપું છું.’ ડૉક્ટરે ગોળીઓ આપી અને ફૂંક પણ મારી દીધી, ગધેડો સાજો થયો કે ન થયો પણ બદલુને શરીરે ખંજવાળ શરૂ થઈ.

સર પ્રભાશંકર પટ્ટણી ભાવનગરના દીવાનસાહેબ, કોર્ટની મહત્ત્વની કાર્યવાહી કરવામાં રોકાયેલા હતા. આખો દિવસ ખૂબ જ કામ રહ્યું. સાહેબ થાકી ગયા, એમણે પટાવાળાને કહ્યું, ‘હવે બાકીના અરજદારોને કાલે આવવા જણાવી દે.’ પ્યુને આવીને કહ્યું, ‘હજૂર માત્ર બે જ અરજદાર બાકી છે.’ પટ્ટણી સાહેબે ક્લાર્કને પૂછ્યું, ‘કેસની વિગત શું છે?’ ક્લાર્ક કહે, ‘હજૂર બે ધોબીભાઈઓ વચ્ચે ભાગ પાડવાની બાબતે કાંઈક વાંધો પડ્યો છે.’ પટ્ટણીસાહેબ કહે, ‘આવવા દ્યો’, બંને ધોબીભાઈઓ આવ્યા, સલામ ભરી ઊભા રહ્યા. પટ્ટણીસાહેબે એટલું જ કહ્યું કે, ‘મલક આખાનો મેલ ધોયો અને તમારો પોતાનો જ અકબંધ રાખ્યો.’ બંને ભાઈઓએ કહ્યું, ‘હજૂર સમજી ગયા, હવે આ રીતે કોઈ દિવસ નહીં આવીએ,’ બંનેનું એક જ વાક્યમાં સમાધાન થઈ ગયું.

એક વાર કોર્ટમાં વકીલસાહેબે દલીલો શરૂ કરી એ જ વખતે કોર્ટના પાછળના કમ્પાઉન્ડમાં ચરતા ગધેડામાંથી એક ગધેડું ભૂંકવા મંડ્યું. રમૂજી સ્વભાવના મૅજિસ્ટ્રેટસાહેબે કહ્યું, ‘બંને સાથે બોલો મા’ વકીલસાહેબ બેસી ગયા, પણ સાહેબે જ્યારે જજમેન્ટ વાંચવાનું શરૂ કર્યું ત્યારે પાછું ગઘેડું ભૂક્યું એ જ વખતે વકીલે ઊભા થઈ કહ્યું, ‘સાહેબ આપ બોલો છો તેના પડઘા પડે છે.’