Friday, August 22, 2014

માણસની દુનિયા, જાનવરની દુનિયા, ઈશ્ર્વરની દુનિયા --- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

પ્રકૃતિમાં વિસ્મયનો અંત નથી. વિજ્ઞાનના આકર્ષણે આપણામાં પ્રકૃતિ માટે એક વિકર્ષણ લાવી દીધું છે. એટલે આપણી આસપાસની જીવજંતુ, પશુપક્ષીની દુનિયા છે એ પણ આપણે માટે અજનબી બની ગઈ છે

  જગતમાં સૌથી શક્તિશાળી જીવોમાં એક છે: કીડી! પોતાના વજન કરતાં પ૦ ગણું લઈને દોડી શકે છે. કીડી એટલો પ્રવૃત્ત અને શ્રમિક જીવ છે કે બાઈબલમાં આળસુને સલાહ આપવામાં આવી છે કે કીડી પાસેથી શીખ! આપણે આંખોથી કીડીનો એક જ પ્રકારે જોઈ રહ્યા છીએ. શ્રમિક કીડી ઘણીખરી કીડીઓ જોઈ શકે છે. સૂંઘી શકે છે. ચાખી શકે છે. કીડીને બે આંખો હોય છે, જેને લીધે એ આંદોલન તરત અનુભવી શકે છે. કીડીને કાન હોતા નથી પણ ધ્વનિને એ સમજી શકે છે. કીડીના મોઢા આગળ એક એન્ટેના હોય છે, જેનાથી સૂંઘી શકે છે. કીડીને પાંચ જુદાં જુદાં નાકો હોય છે, જે જુદાં જુદાં કામો માટે પ્રોગ્રામ કરેલા હોય છે. વૈજ્ઞાનિકો માને છે કે ૧૦ કરોડ વર્ષો પહેલાં ભમરામાંથી કીડી જન્મી. આજે પણ કીડીનો દૈહિક આકાર ભમરા જેવો છે. પ્રકૃતિમાં વિસ્મયનો અંત નથી. વિજ્ઞાનના આકર્ષણે આપણામાં પ્રકૃતિ માટે એક વિકર્ષણ લાવી દીધું છે. એટલે આપણી આસપાસની જીવજંતુ, પશુપક્ષીની દુનિયા છે એ પણ આપણે માટે અજનબી બની ગઈ છે. 

પ્રકૃતિએ જે ગજબનાક સંતુલન રાખ્યું છે એ મનુષ્યના દિમાગને હવે ધીરે ધીરે સમજાય છે. સમુદ્રની સપાટીથી ૪૪૦ મીટર ઊંડાઈ સુધી માણસ ઊતરી શકે છે. સબમરીન ૧૦૦૦ મીટર સુધી ઊંડી જઈ શકે છે, વ્હેલ માછલી રપ૦૦ મીટરની ઊંડાઈ સુધી મળે છે. ૬૦૦૦ મીટર ઊંડાઈ પર સમુદ્રતલ ફાડીને ધુમાડા અને વરાળ નીકળતાં રહે છે. સમુદ્રની સૌથી ઊંડી જમીન૧૦,૦૦૦થી ૧૧,૦૦૦ મીટર નીચે છે. (૩૦,૦૦૦થી ૩૩,૦૦૦ ફીટ, એટલે કે માઉન્ટ એવરેસ્ટને પેસિફિક મહાસાગરનાં ઊંડામાં ઊંડા સ્થળે મૂક્યો હોય તો પણ લગભગ ૧ માઈલ જેટલું ઊભું અંતર પાણી રહે!) આ લીલાકાળા અંધકારમાં પણ સમુદ્રજીવો વિહરે છે જેને આંખો નથી કારણ કે સૂર્યપ્રકાશ અહીં પહોંચતો નથી, કેટલાક જીવોનાં શરીરો પર ચમકતી સપાટીઓ છે અને એમની શક્તિ સૂર્ય પાસેથી નહીં પણ પાણીમાં રહેલાં રસાયણોમાંથી આવતી રહે છે. આ સમુદ્રતલ પર જીવતા અંધ જીવો આંખો વિના બધો જ વ્યવહાર કરી શકે છે અને અહીં ‘જીવો જીવસ્ય જીવનમ્’ અર્થાત્ એક જીવ બીજા જીવનો આહાર (જીવન) છે એ સૂત્ર સાબિત થાય છે. 

દુનિયાભરમાં વિષુવવૃત્તની ઉપર અને નીચે ગ્રાસલેન્ડ અથવા ઘાસનાં મેદાનો છે અને એ એક જ વૃત્ત પર ફેલાયેલાં છે. કર્કવૃત્ત અથવા ટ્રોપિક ઑફ કૅન્સર પર અમેરિકામાં ‘પ્રેરીઝ’ કહેવાય છે અને રશિયામાં ‘સ્ટેપ્સ’ છે. દક્ષિણમાં મકરવૃત્ત અથવા ટ્રૉપીક ઓફ કૅપ્રિકૉર્ન પર દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિનામાં એને ‘પામ્પાસ’ કહે છે અને ઑસ્ટ્રેલિયામાં એને ‘આઉટ બેક’ કહે છે. આ ગ્રાસલૅન્ડ અથવા ઘાસભૂમિઓમાં પ્રકાર પ્રકારનાં ઊંચાં ઘાસ ઊગતાં રહે છે અને એના પર જ અવલંબિત જીવસૃષ્ટિ જન્મી છે અને વિકસી છે. મધ્યમાંથી પસાર થતા વિષુવવૃત્ત પર આફ્રિકામાં જે ઘાસભૂમિઓ છે એ ‘સાવાના’ કહેવાય છે. (મને કાઠિયાવાડની ભૂમિ આ મધ્ય આફ્રિકન સાવાનાનો જ એક ભાગ લાગે છે અને કેટલીક લાક્ષણિકતાઓ આપણા કાઠિયાવાડ અને એ મધ્ય આફ્રિકામાં સમાન લાગે છે: સિંહ, લાલઘૂમ થઈને ડૂબતી સાંજો, દબાયેલાં પેટવાળી અને સીધાં શરીરવાળી ચાલી જતી સ્ત્રીઓ, ઊંચું ઘાસ, નેસડા, રક્તચાપ જેવા ગરબાનો નૃત્યતાલ, પથ્થરિયા ધરતી, આરોહ-અવરોહ સાથેના લહેકાથી બોલાતી ભાષા...) આ આફ્રિકન સાવાના પ્રદેશમાં પ્રકૃતિએ જે અદ્ભુત સંતુલન રાખ્યું છે એનો પ્રદૂષણ અને પર્યાવરણના તજ્જ્ઞો ગંભીરતાથી અભ્યાસ કરતા રહે છે. 

આફ્રિકન સાવાના ઘાસભૂમિમાં ઊંચાં વૃક્ષો ઊગતાં નથી, ઊંચું ઘાસ છે, જેનાં મૂળિયાંથી જમીન ગંઠાઈ જાય છે. દરેક પશુવર્ગ માટે પ્રકૃતિએ અલગ ખોરાકની વ્યવસ્થા કરી છે. ઝિબ્રા આ ઊંચા ઘાસની સૌથી સખત ઊંચી ટોચનો આહાર કરે છે, ઢોર વચ્ચેનો ભાગ ખાય છે. હરણ વગેરે માટે કુમળી કૂંપળો છે. જે ઘાસ ખાય છે એ જાનવરોને સિંહ, ચિત્તા અને જંગલી કૂતરાઓ ખાય છે. જરખ, શિયાળ, વરૂવર્ગનાં જાનવરો સફાઈ કામ કરે છે અને શિકારી પશુઓએ છોડી દીધેલું ખાઈ જાય છે. નાના ઘાસમાંથી સાપથી ગરોળી સુધી રેપ્ટાઈલ્સ અથવા સરિસૃપ (પેટથી સરતાં) જાનવરો રહે છે. ખડકાળ ધરતી છે એટલે છુપાવાની સુવિધા રહે છે. બબુન બંદરો, હાથી, જિરાફ, ઝિબ્રા, હરણો, શાહમૃગ, જંગલી ભેંસો, સિંહો બધા જ પોતપોતાના કબીલાઓમાં રહે છે. સલામતી માટે અને સમુચિત આહાર થઈ શકે એ માટે. પ્રકૃતિએ સાવાના ઘાસભૂમિમાં એટલાં બધાં પ્રકારના ઘાસ મૂક્યાં છે કે દરેક જીવવર્ગને આહાર મળી રહે છે. પ્રકૃત્તિનું આ જીવવિભાજન અને આહાર સંતુલન આજે જીવશાસ્ત્રના વૈજ્ઞાનિકો માટે સૃષ્ટિનું નિયમન સમજવા માટે ઉપયોગી થાય છે. 

ઉંદર પ્રકૃતિનું એક વિચિત્ર આશ્ર્ચર્ય છે જે મનુષ્યના પૃથ્વી પરના જન્મ પહેલાંય હતો. અમેરિકનોએ પેસિફિક મહાસાગરના એક નિર્જન દ્વીપ પર અણુબોમ્બ ફોડ્યો અને વર્ષો પછી સંશોધન કર્યુ. વનસ્પતિ, માછલી, જીવજંતુ, ધરતી... બધામાં રેડિએશનની અસર આવી ગઈ હતી, બધાના આકાર અને સ્વભાવ બદલાઈ ગયા હતા, પણ ઉંદર સ્વસ્થ મસ્તીથી દોડતા હતા! એનો સંપૂર્ણ નાશ કરવાના લગભગ બધા જ મનુષ્ય પ્રયત્નો નિષ્ફળ ગયા છે. બિલાડી અને લાકડીથી માંડીને ઝીંક ફૉસ્ફાઈડ અને સ્ટ્રિકનાઈન સુધીના! વિશ્ર્વમાં ફક્ત ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ઉંદર નથી, કારણ કે ત્યાં માણસોની વસાહતો નથી. એ જમીનની અંદર, ખૂણામાં, મકાનોની દીવાલોમાં, ગમે ત્યાં રહી શકે છે. અને મનુષ્ય વસાહતોમાં સુરક્ષિત રહે છે કે જેથી લૉંકડી, ઘુવડ, સમડી જેવા એના જન્મજાત શત્રુઓ એને પકડી શકે નહીં. એ લગભગ બધું જ કરડીને ખાઈ શકે છે અને ખાવા કરતાં દસગણું બગાડી શકે છે. એ દુનિયાભરના રોગોને લાવીને પૂરી આબાદીઓનું નિકંદન કાઢી શકે છે. પણ ઘણા રોગ એમને થતા નથી. એક ઉંદર દંપતી, નર અને માદાથી એક વર્ષમાં ૧૫૦૦૦ નવા ઉંદર પેદા થઈ શકે છે. ઉંદર ઊલટી કરી શકતા નથી, પણ બગાડતા રહેવાની એમની વિનાશક શક્તિ રાક્ષસી છે. 

પ્રકૃતિનું આવું જ એક આશ્ર્ચર્ય છે વંદો અથવા તેલચટ્ટો. છેલ્લાં ૩૨ કરોડ વર્ષોથી વંદો આ પૃથ્વી પર છે, જ્યારે ડીનેસોર પણ હતા. માણસ જેટલું રેડિએશન સહન કરી શકે છે એનાથી ૧૦૦ ગણું રેડિએશન એ સહન કરી શકે એટલો નક્કર છે. એને ખતમ કરવા માટે માણસના વિજ્ઞાને કોઈ પ્રયત્ન બાકી રાખ્યો નથી અને એની વૃદ્ધિ થતી રહી છે. 

વંદામાં નર અને માદા એક વર્ષમાં ૪ લાખ બીજા વંદા ઉત્પન્ન કરી શકે છે. તમે અંધારામાં જઈને બત્તીની સ્વીચ દબાવો એ પહેલાં તમારા આવવાથી હવામાં થયેલાં સ્પંદનથી એને ખબર પડી જાય છે કે તમે આવ્યા છો અને એ સડસડાટ ભાગી જઈ શકે છે અને એવા ખૂણામાં, એટલી નાની જગ્યામાં ઘૂસી જઈ શકે છે કે તમારે માટે એને પકડવો અસંભવ થઈ જાય છે. એના જેટલું અનુકૂલન બહુ જ ઓછા જીવોમાં હોય છે. કાતિલમાં કાતિલ વિષ એની પ્રજોત્પત્તિને રોકી શક્યું નથી. વિજ્ઞાન એની બે મૂંછોના એન્ટેના (બહુવચન: એન્ટેની)ને સમજવા પ્રયત્ન કરી રહ્યું છે. વંદાના એન્ટેનાથી વંદો પલકારામાં એ સમજી શકે છે જે મનુષ્યની પાંચ ઈન્દ્રિયોથી પણ મનુષ્ય એટલી ત્વરાથી સમજતો નથી. 

આ પૃથ્વી પર મચ્છર ર કરોડ ૬૦ લાખ વર્ષોથી છે અને એની ૩૦૦૦ જાતો છે. માદા દર ત્રીજા દિવસે ૮૦ ઇંડાં મૂકે છે: મચ્છર ૩૬૦ ડિગ્રી જોઈ શકે છે. નર વેજીટેરિયન છે, જે છોડ પરથી રસ ચૂસીને જીવે છે પણ માદા નૉન-વેજ છે, એના લાંબા સિરીંજ જેવા મોઢાથી માદા મચ્છર લોહી ચૂસે છે, ઇંડાં મૂકે છે, ફરીથી લોહી ચૂસવા આવે છે. પગ અને આંગળીઓ અને કાનની પાસેનો ભાગ લોહી ચૂસવા માટે માદા મચ્છર પ્રિય વિસ્તારો છે. નર મચ્છરનું પ્રજોત્પત્તિ સિવાય બીજું કંઈ કામ નથી અને પોતાનું કામ સમાપ્ત કરીને ૬ દિવસની અંદર એ મરી જાય છે. નવ દસ ફીટ દૂરથી મચ્છરને પોતાના બલિ રક્તની વાસ કે રક્તનો અહસાસ આવી જાય છે. 

માણસ સિંહને મારી શકે છે, મચ્છરને ખતમ કરી શકતો નથી. માણસ વાઘને નિર્મૂળ કરી શકે છે, વંદાને નિર્વંશ કરી શકતો નથી. માણસ ચિત્તાને નામ:શેષ કરી શકે છે, ઉંદરનું નિકંદન કાઢી શકતો નથી. પ્રકૃતિની રમૂજ અત્યંત ક્રૂર છે... 

----------------

ક્લોઝ અપ

દુનિયા શબ્દ અરબી ‘દુનુ’ (સમીપમાં રહેનાર) ઉપરથી બન્યો. 

પરલોક (જન્નત) કરતાં ન નજદીક છે તે; જગત. ઈશ્ર્વરની દુનિયા વિશે મિર્ઝા અસદુલ્લાખાં અઢીસો વર્ષ અગાઉ શૅર કહી ગયા છે. 

‘હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન;

દિલ કો બહલાને કો ‘ગાલિબ’ યહ ખયાલ અચ્છા હૈ.’

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=137125

No comments:

Post a Comment