Friday, August 22, 2014

વગડાની વાતો --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

અન્યની સમસ્યા એ જ ઈન્સાન હલ કરી શકે, જે એમાંથી કાંઈ પણ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર પોતાનું ઉમેરે

પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર સોળે કળાએ પ્રકાશી રહ્યો હતો. ગંગાનાં જળમાં પડતાં ચાંદનીનાં કિરણો ગંગાના તરંગોને રંગે રંગી રહ્યાં હતા. કિનારાનાં વૃક્ષોનાં પાણીમાં પડતાં પ્રતિબિંબો અનેરાં દૃશ્યો સર્જતાં હતા. નજીક જણાતા કિનારા દૂર ક્ષિતિજમાં દેખાતા પહાડોમાં મળી જતા હતા. 

ગંગાના પ્રવાહમાંયે એક હોડી તરી રહી હતી. એ હોડીમાં વળી પર્ણકુટિ હતી. એ પર્ણકુટિમાં એક જાજરમાન વ્યક્તિ કોઈ અણમોલ ગં્રથનાં પાનાં ફેરવવામાં મશગૂલ હતી. સામે ટેબલ પર મીણબત્તીનો પ્રકાશ ગં્રથનાં પૃષ્ઠોને અજવાળતો હતો. વાંચનમાં મગ્ન બની ગયેલ વ્યક્તિની લાંબી દાઢી, વાંકા વાળ, અણીદાર નાક, વિશાળ ભાલ અને કાંઈક શોધવા મથતા કરુણાપૂર્વ-નેત્રો - વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ હોઈ રાજર્ષિ જેવું હતું. એ હતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર. સૌંદર્ય એટલે શું? આ પ્રશ્ર્નનો ઉત્તર મેળવવા એ મીણબત્તીના પ્રકાશમાં કોઈ ગં્રથના પૃષ્ઠો ફેરવી રહ્યા હતા. ચહેરા પરની મૂંઝવણના ભાવો એમ ને એમ હતા. એ દર્શાવતા હતા કે સમસ્યાનો ઉકેલ પુસ્તકમાંથી મળતો નહોતો. અચાનક ગુરુદેવનું ધ્યાન પર્ણકુટિમાં પ્રવેશેલા ચંદ્રના પ્રકાશ તરફ ગયું. એમણે મીણબત્તી બુઝાવી નાખી અને બહાર નીકળ્યા. બહાર આવીને એમણે ચંદ્ર જોયો. પરમાત્માની વરસી રહેલી કરુણા જેવી ચાંદની જોઈ. સ્વપ્નલોક જેવા દૂર દેખાતા પહાડો જોયા અને સદાનાં સંગાથી વૃક્ષો જોયા. ગંગાના તરંગોમાં વેરાયેલો ચાંદનીનો અણમોલ ખજાનો જોઈ ગુરુદેવનું હૃદય આનંદમાં ઝૂમી ઊઠ્યું. તેમને થયું આ જ સૌંદર્ય! આ જ સર્જનહારનું સર્જન! એમણે વિચાર્યું અત્યાર સુધી અહમ્ની મીણબત્તીનો પ્રકાશ જ સૌંદર્યના દર્શનમાં અવરોધરૂપ હતો. માનવી અને પ્રભુ વચ્ચે અહમ્નો પરદો ન હોય તો કિરતારની કરુણા, સર્જનહારનું સૌંદર્ય અને પ્રભુની પ્રભુતા તેની સામે જ છે. 

એક સૂફી સંતને અવસ્થા આંબી ગઈ. દેહ ક્ષીણ થવા માંડ્યો, દરદથી ઘેરાઈ ગયો. અંતકાળ ધીરે ધીરે પાસે આવવા લાગ્યો. શિષ્યોના હૈયાં ભરાઈ આવ્યાં. ચાહકોની આંખમાં આંસુ આવ્યાં. સંતને જાણનારા સૌનાં મન વિષાદથી ભરાઈ ગયાં, પરંતુ સંતનું મન સ્વસ્થ હતું. જીવનની સાર્થકતાનો સંતોષ તેમના ચહેરા પર હતો. એમની આંખો જાણે કહી રહી હતી, ‘વર્તમાનમાં ભૂતકાળના કોઈ કર્મથી દુ:ખી હો તો કમસે કમ અત્યારે વર્તમાનમાં તો એ રીતે વર્તો જેથી ભવિષ્યમાં કોઈ દુ:ખ ન આવે.’

શિષ્યો પ્રસંગોપાત સંત સાથે થયેલી ચર્ચા યાદ કરતા સંત કહેતા કે ‘જિંદગીમાં તમે અનેક શાસ્ત્રો જાણી શકશો, અનેક ક્ષેત્રોની માહિતી મેળવી શકશો, પણ એ શાસ્ત્રોના જાણનારને જો જાણવો હશે તો જીવનની કિતાબ વાંચવી પડશે, અનુભવનાં પાનાં ફેરવવાં પડશે. સત્યની કેડી તમારે પોતે કંડારવી પડશે. શ્રદ્ધાના નાનકડા દીવાના અજવાળે આત્મવિશ્ર્વાસથી આગળ વધવું પડશે. આ પંથકનો કોઈ નકશો નથી. ખોટા પંથથી પાછા ફરીને તમારે સાચો પંથ શોધવો પડશે.’

સંતની વિદાયની ઘડી આવી પહોંચી. શિષ્યો ભેગા થઈ ગયા તેમણે પૂછ્યું ‘ગુરુદેવ! આપના પછી અમને જીવનમાં વિકટ સમસ્યાઓનો સામનો કરવાનો આવે તો કોની પાસે માર્ગદર્શન માગીએ?’ સંતે જણાવ્યું. ‘હું તમને આ સત્તર ઊંટ સુપરત કરું છું એના બે ભાગ પાડજો અને સૌથી વૃદ્ધ જે શિષ્યો છે તેમને અર્ધા ઊંટ આપી દેજો. ત્યાર પછી ત્રણ ભાગ પાડજો અને જે પ્રૌઢ શિષ્યો છે તેને ત્રીજો ભાગ આપજો. છેલ્લે તમામ ઊંટના નવ ભાગ કરજો અને સૌથી જુવાન શિષ્યોને આપી દેજો.’ સંત આવી વધુ વિગત આપે તે પહેલાં તેમણે આંખ મીંચી દીધી. શિષ્યો ચોધાર આંસુએ રડ્યાં. 

થોડા દિવસ તો એમ ને એમ શોકમાં પસાર થયા, પણ પછી સંતે જણાવેલ વાત પર સૌ વિચાર કરવા લાગ્યા. સત્તર ઊંટના ન અર્ધા થાય. ન ત્રીજો ભાગ, ન નવમો ભાગ થાય. તેમનાથી તો સમસ્યા હલ ન થઈ. બધા શિષ્યો જુદા જુદા લોકોને મળ્યા. પણ કોઈ ઉકેલ લાવી શક્યું નહીં. આખરે સૌ એક સજ્જન પાસે આવ્યા જે દયાળુ હતા, અલ્લાહની ઈબાદતમાં જિંદગી ગુજારતા હતા. તેમનું જીવન સાદું અને સરળ હતું. તેઓ ન્યાયી હતા. આ સજ્જન પાસે શિષ્યો આવ્યા. સાથે સત્તર ઊંટ પણ લાવ્યા. તમામ વિગત જણાવી તેમની સમસ્યા હલ કરવા વિનંતી કરી. 

સજ્જને હસીને સૌને આવકાર આપ્યો. આગતાસ્વાગતા કરી. પછી સમસ્યા જાણી અને કહ્યું. ‘ઘણી સરળ વાત છે. આમાં મૂંઝવતો સવાલ નથી.’ સૌપ્રથમ તો સજ્જને એક નોકરને એક ઊંટ લઈ આવવા હુકમ કર્યો. નોકર ઊંટ લઈ આવ્યો એટલે તેમણે જણાવ્યું. આ સત્તર ઊંટ સાથે તેને પણ સામે ઊભો રાખી દે. ‘પછી તેમણે શિષ્યોને પૂછ્યું, હવે કેટલા ઊંટ થયા?’ શિષ્યો કહે, ‘અઢાર’ ‘તો પછી પાડો અઢારના બે ભાગ.’ બે ભાગ પાડ્યા, નવ અને નવ. ઊંટ સૌથી વૃદ્ધ શિષ્યોને આપો. સજ્જને સૂચનાઓ આપવા માંડી. શિષ્યોએ એ પ્રમાણે કાર્ય કરવા માંડ્યું. ‘હવે અઢારના ત્રણ ભાગ પાડો. છ ઊંટ પ્રૌઢાને આપો. હવે અઢારના નવ ભાગ ભાગ પાડો. બે ઊંટ જુવાનોને આપો. કુલ કેટલા ઊંટ આપ્યા?’ શિષ્યો કહે, ‘પ્રથમ નવ, પછી છ અને છેલ્લે બે. નવ ને છ પંદર અને બે સત્તર.’ તરત તે સજ્જને જણાવ્યું, ‘હવે જે ઊંટ વધ્યો તે મને પાછો આપી દ્યો.’ શિષ્યોએ તેમ કર્યું. સમસ્યા હલ થઈ ગઈ. 

સમસ્યા હલ કરનાર સજ્જન હતા હજરત અલીસાહેબ. તમારા શિષ્યો તે દિવસથી તેમના અનુયાયી બની ગયા. 

અન્યની સમસ્યા એ જ ઈન્સાન હલ કરી શકી જે એમાંથી કાંઈ પણ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર પોતાનું ઉમેરે. 

શાસ્ત્રો વિષે જાણવું હોય, વિવિધ ક્ષેત્રની માહિતી મેળવવી હોય, જુદા જુદા વિષયોનો તલસ્પર્શી અભ્યાસ કરવો હોય તો અનેક પુસ્તકોનું વાંચન આવશ્યક છે. ઊંડા અનુભવો જરૂરી છે, પરંતુ પોતાના વિષે જાણવું હોય તો? જિવાતા જતા પોતાના જીવનનું તટસ્થ ભાવે નિરીક્ષણ કરવું જરૂરી છે. વાણી ભાવોને વ્યક્ત કરવાનું એકમાત્ર માધ્યમ નથી. ચિત્ર દ્વારા, શિલ્પ દ્વારા, નૃત્ય દ્વારા, અરે રાગના બંધનમાં બંધાય નહીં કે ભાષાની મર્યાદામાં સમાવી ન શકાય એવા સંગીત દ્વારા ભાવોની અભિવ્યક્તિ થાય છે. 

એક મહાત્મા ધર્મ, કરુણા અને પ્રેમ ઉપર પ્રવચન કરવાના હતા. સામે સમજદાર પ્રેક્ષકોનો વર્ગ વ્યવસ્થિતપણે ગોઠવાઈ ગયો હતો. મહાત્માએ પોતાનું સ્થાન સંભાળ્યું. પ્રવચનની શરૂઆત કરવાની તૈયારી કરી ત્યાં ગમે ત્યાંથી એક રંગબેરંગી સુંદર પંખી આવી ચડ્યું. એ પોતાની મસ્તીમાં ઝૂમી ઊઠ્યું. આમથી તેમ ઉડ્યું. એક સ્થળે બેઠું અને એવી અદ્ભુત સુરાવલી છેડી એ પંખીએ અનોખું ગાન કર્યું કે મહાત્મા અહોભાવથી જોઈ જ રહ્યા. એકચિત્તે પંખીનું ગાન સાંભળી રહ્યાં. પ્રેક્ષકો પણ ગીત સાંભળવામાં તલ્લીન થઈ ગયા. પંખીએ મોજ હતી ત્યાં સુધી ગાન કર્યું અને જેવું આવ્યું તેવું ઊડી ગયું. મહાત્મા અને પ્રેક્ષકો ઘણીવાર સુધી આ ભાવસમાધિમાં રહ્યા. છેલ્લે મહાત્માના ધીરગંભીર શબ્દો સૌને કાને પડ્યા, ‘આજનું પ્રવચન અહીં પૂરું થાય છે.’

શિયાળાની કડકડતી ઠંડી હતી. અમે વગડામાં તાપણું કરીને તાપતા હતા. ખોટવાયેલી અમારી મોટર બાજુમાં પડી હતી. નવુભા સરા કાંઈક સરસામાન કે કોઈ જાણકારને તેડવા ગયા હતા. હું, ડૉ. ઘનશ્યામ રાણા, દલપતરામ જોષી અને દાજીબાપુ ચારે જણા તાપતા તાપતા વાતો કરતા હતા. અમારે સમય પસાર કરવાનો હતો અને એ પણ સારી રીતે પસાર થાય એટલા માટે સૌએ એક એક વાત કહેવાનું નક્કી કર્યું હતું. સૌપ્રથમ ધનુકાકાએ રવીન્દ્રનાથ ટાગોરનો પ્રસંગ કહ્યો. પછી હજરત અલી સાહેબની વાત દલપતરામ જોષીએ કરી. દાજીબાપુ બહુ ઓછું બોલતા છતાં અમારા આગ્રહને વશ થઈ તેમણે પંખીના ગીતની વાત કરી. નાની વાતમાં ઘણું સમજાવી દીધું. હવે મારે કાંઈક કહેવાનું હતું. જ્ઞાન કે વિદ્વત્તાની વાત કહેવાની મારી હેસિયત નહોતી એટલે મેં સાદી વાત રજૂ કરી. 

‘વકીલ સાહેબ કોર્ટમાં દલીલ કરવા ઊભા થયા. તેમણે જણાવ્યું, ‘માય લૉર્ડ! મારો અસીલ બેગુનાહ છે. જે બંગલામાં ચોરી કરવાનો આક્ષેપ તેના પર મૂકવામાં આવ્યો છે તેમાં ચોરી કરવાનો તેનો મુદ્દલ ઈરાદો નહોતો. ત્યાંથી પસાર થતાં કુતૂહલવશ તેણે બારીમાંથી જોયું. અંદર થોડી આકર્ષક વસ્તુઓ તેણે જોઈ એટલે પોતાના જમણા હાથે તેણે તે વસ્તુઓ આમથી તેમ ફેરવીને જોઈ. ત્યાં ફરજ પરના ચોકીદારે તેને પકડ્યો. ‘ચોર ચોર’ એવી બૂમો પાડી મારા સજ્જન અસીલને માનસિક ત્રાસ પહોંચાડ્યો. કોઈ વસ્તુ તેણે ચોરી નથી, ચોરી કરીને તે બહાર પણ નથી ગયો. જે કાંઈ ગુનો કર્યો હોય તો તેના જમણા હાથે એ વસ્તુઓને અડક્યો તેણે કર્યો છે. માત્ર જમણા હાથે ગુનો કર્યો છે એટલે સજા થાય તો પણ માત્ર જમણા હાથને થવી જોઈએ. આખા શરીરને નહીં.’ જજ સાહેબે વકીલની દલીલ સાંભળી કહ્યું, ‘વિદ્વાન મિત્રે પોતાના અસીલ બચાવમાં સુંદર રજૂઆત કરી છે. એ રજૂઆતને માન્ય રાખી હું આરોપીના માત્ર જમણા હાથને બે વર્ષ સુધી કેદની સજા ફરમાવું છું. હાથની સાથે શરીરના અન્ય ભાગને રાખવો કે ન રાખવો તેની પસંદગી હું આરોપી પર છોડી દઉં છું.’

જજ સાહેબના જજમેન્ટ પર કોર્ટમાં બેઠેલો માનવસમુદાય ખુશ થઈ ઊઠ્યો. જજ સાહેબના ચહેરા પર સ્મિત ફરક્યું, પરંતુ ત્યાં એક અજબ ઘટના બની. આરોપીએ ડાબા હાથે સ્ક્રૂ ખોલી જમણો હાથ અળગો કર્યો. કોર્ટને એ સુપરત કરી આરોપીએ કહ્યું, ‘આપ નામદારના ચુકાદા અનુસાર હું જમણો હાથ સજા માટે મૂકીને જાઉં છું.’ આરોપીનો જમણા હાથ નકલી હતો એ સૌને ત્યારે ખબર પડી. સૌ હસી પડ્યા ત્યાં નવુભા સરસામાન સાથે આવી પહોંચ્યા. મોટર ચાલુ થઈ અમે થાન આવવા રવાના થયા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=108749

No comments:

Post a Comment