Friday, September 5, 2014

નોબેલ વિજેતા પીટર હિગ્ઝ લાપતા! --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=106342

ભારતના ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્ર બોઝ ત્રણ વખત નોબેલથી વંચિત રહી ગયા

૨૦૧૩નું ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પ્રાઈઝ બ્રિટિશ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્ઝ અને બેલ્જિયમના સૈૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી ફ્રાન્કૉઈ ઇંગ્લર્ટને અપાશે એવી રૉયલ સ્વિડિશ ઍકેડેમી ઑફ સાયન્સીસે જાહેરાત કરી છે. હિગ્ઝ ૮૪ વર્ષના છે અને ઇંગ્લર્ટ ૮૨ વર્ષના છે. આ ક્ષેત્રે વધુ એક જણે પાયાનું પ્રદાન કર્યું હતું તેવા ઇંગ્લર્ટના સહકાર્યકર રોબર્ટ બ્રાઉટ ર૦૧૧માં મૃત્યુ પામ્યા, તેથી તેમનો આ પુરસ્કારમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે નોબેલ પુરસ્કાર મરણોત્તર અપાતું નથી. હિગ્ઝ પાર્ટિકલને હિગ્ઝ-બોઝોન કહે છે કારણ કે તે બૉઝ-સ્ટેટીસ્ટિક્સને અનુસરે છે ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝ જો જીવતા હોત તો તેમના નામનો પણ આ નોબેલ પુરસ્કારમાં સમાવેશ કરવામાં આવત. એમ તો સત્યેન બોઝને જ્યારે બોઝ-આઈન્સ્ટાઈન ક્ધડેન્સેશનની શોધ થઈ ત્યારે પણ નોબેલ પ્રાઈઝ મળ્યું હોત. એટલું જ નહીં તેમને ૧૯૨૦ના દાયકામાં જ્યારે તેમણે બોઝ-સ્ટેટીસ્ટિક્સની શોધ કરી ત્યારે પણ મળ્યું હોત. આમ બોઝ ત્રણવાર નોબેલ પ્રાઈઝ મેળવતા રહી ગયા છે. જગદીશચંદ્ર બોઝ અને મેઘનાદ શાહના સંશોધનો પણ નોબેલ ઈનામ મેળવવા લાયક હતાં, પણ આ તો નોબેલ પ્રાઈઝની કમિટી પર આધાર છે. 

પદાર્થ તત્ત્વનો બનેલો છે. તત્ત્વો અણુઓનાં બનેલાં છે. અણુઓ ઈલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સના બનેલાં છે. ન્યુટ્રોન્સ વળી પાછા ઈલેક્ટ્રોન અને પ્રોટોનના બનેલાં છે માટે મૂળભૂત પદાર્થકણો ઈલેક્ટ્રોન અને પ્રોટોન ગણાય. પછી વિજ્ઞાનીઓએ પ્રોટોન્સને તોડ્યો તેમાંથી ક્વાર્કસ નીકળ્યાં. આ બધા પદાર્થકણો હિગ્ઝ ફિલ્ડ, ફોટોન જેવા હિગ્ઝ-પાર્ટિકલથી બંધાયેલાં છે હિગ્ઝ-ફિલ્ડમાં ગતિ કરે છે અને તેથી તેમાં પદાર્થ જન્મે છે. તે ભારે થતાં જાય છે. જેમ રણમાં ચાલીએ તો આપણે ભારે થઈ ગયાં હોઈએ તેમ લાગે કે પાણીમાં ચાલીએ તો આપણે ભારે થઈ ગયાં હોઈએ તેમ લાગે. એમ હિગ્ઝ ફિલ્ડ બધા જ પદાર્થકણોને પદાર્થ (ળફતત) અર્પે છે. માટે તે મધર પાર્ટિકલ પણ કહેવાય છે અથવા તો ગોડ પાર્ટિકલ કહેવાય છે. આ હિગ્ઝ પાર્ટિકલ એક ચેતના છે. પૂરાં બ્રહ્માંડમાં તે પથરાયેલ છે. આપણે તેને પરબ્રહ્મ કહી શકીએ જે બધાનું જન્મદાતા છે. અને બ્રહ્માંડનું તે જ માધ્યમ છે. હિગ્ઝ ફિલ્ડ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતી ડાર્ક એનર્જી અને ડાર્ક મેટરના અસ્તિત્વને પણ કદાચ સમજાવી શકે જે બ્રહ્માંડને પ્રવેગી બનાવે છે. 

આ બંને ભૌતિકશાસ્ત્રીઓએ તેમની હિગ્ઝ-બોઝોનની થિયરી સ્વતંત્ર રીતે ૧૯૬૪માં આપી હતી. જિનીવામાં રૂ. ૪૦૦ અબજના ચાલતા લાર્જ હેડ્રોન કોલાઈડરના પ્રયોગે તેમની થિયરીને પુષ્ટિ આપી છે કે હકીકતમાં હિગ્ઝ ફિલ્ડ અસ્તિત્વ ધરાવે છે. યુરોપિયન સેન્ટર ઑફ ન્યુક્લિયર રિસર્ચ (સર્ન, ઈઊછગ)ના પ્રયોગે ૧૯૧૨માં જ અંતિમ રીતે સાબિત કર્યું કે હિગ્ઝ પાર્ટિકલ છે. બે જાતના કે વધારે હિગ્ઝ પાર્ટીકલ અસ્તિત્વ ધરાવે છે. હલકા અને ભારે હિગ્ઝ-પાર્ટિકલ છે. ગયા વર્ષે જ આ બંને વિજ્ઞાનીઓને નોબેલ પ્રાઈઝ મળી જવું જોઈતું હતું પણ ધી રૉયલ સ્વિડિશ ઍકેડેમી ઑફ સાયન્સિસ તે નક્કી કરી શકી નહોતી કે આવડા મોટા પ્રયોગમાં કોનું યોગદાન કેટલું?

આ પૂરું બ્રહ્માંડ કાં તો ઈન્ડિયન છે, નહીં તો ઈટાલિયન છે, કારણ કે બ્રહ્માંડ જેનું બનેલું છે તે પદાર્થકણો કાં તો ઈન્ડિયન બોઝ સ્ટેટીસ્ટિક્સ અનુસરે છે. નહીં તો ઈટાલિયન ફર્મી સ્ટેટીસ્ટીક્સ અનુસરે છે. ઈન્ડિયા અને ઈટલીનું બ્રહ્માંડમાં આ મહત્ત્વ છે.

હિગ્ઝ ફિલ્ડ સ્ટાન્ડર્ડ મૉડેલ ઑફ ફિઝિક્સને પૂર્ણ કરે છે. હિગ્ઝ-બોઝોનની શોધ સ્ટાન્ડર્ડ મૉડેલ ઓફ ફિઝિક્સને સન્માનનીય બનાવે છે. આ મૉડેલના રચયિતા એવા ઘણા ભૌતિકશાસ્ત્રીઓને નોબેલ પ્રાઈઝ મળ્યાં છે. તેમાં પ્રોફેસર અબ્દુલ સલામ, સ્ટીવન વાઈનબર્ગ અને ગ્લેસો.

ભારતીયોએ પ્રાચીન સમયમાં અણું-પરમાણું અને બ્રહ્માંડ વિશે ગહન અધ્યયન કર્યું છે. કણાદ ઋષિનું કાર્ય અને નામ તેમાં મોખરે છે. કણાદ ઋષિનું નામ તો કશ્યપ હતું, પણ તેમણે કણો વિશે અણુ-પરમાણું વિશે ઊંડું સંશોધન કરેલું તેથી તેમનું નામ કણાદ પડ્યું. કણાદ એટલે કણો-અણુ-પરમાણુનો જાણકાર. સહેજાનંદ સ્વામીએ તેમના વચનામૃતમાં લખ્યું છે કે કણના કોટી ને કોટી કટકા કરો તો પણ તેમાં અંતરીક્ષ છે. કણાદ ઋષિએ પણ કણની અંદર, અણુ-પરમાણુની અંદર ડોકિયું કરી શકાય છે, તેમ સ્પષ્ટ કર્યું હતું.

આ વિશાળ વિશ્ર્વ હકીકતમાં આ નાનાં નાનાં સૂક્ષ્મકણો પર ઊભું છે. માટે નાનાને નાનું નહીં ગણવું. આ હિગ્ઝ-બોઝોન ઘણા સૂક્ષ્મકણો છે, પણ તે મોટા વિશાળ બ્રહ્માંડની રચનાના પાયારૂપ છે. આપણું મોટું શરીર હકીકતમાં સૂક્ષ્મ પેશીઓની તંદુરસ્તી પર નિર્ભર છે. વિજ્ઞાનીઓ ક્વોન્ટમ ફિઝિક્સ દ્વારા સૂક્ષ્મ દુનિયા અને વિશાળ દુનિયાને જોડવા મથે છે. જો સૂક્ષ્મ દુનિયાનું વિશાળ દુનિયામાં રૂપાંતર કેવી રીતે થાય છે તે સમજાય તો જ બ્રહ્માંડને આપણે સાચા રૂપમાં સમજી શકીએ. માટે જ વિજ્ઞાનીઓ સૂક્ષ્મ દુનિયાને સમજવા પ્રયત્નો કરે છે. હિગ્ઝ-પાર્ટિકલ આ પ્રક્રિયાનો અંતરગ ભાગ છે હિગ્ઝ-બોઝોન દેખાય નહીં, કારણ કે તે ચેતના છે, પણ આડકતરી રીતે તેના અસ્તિત્વને જાણી શકાય એ માટે વિજ્ઞાનીઓએ જિનીવામાં લાર્જ હેડ્રોન કોલાઈડર નામે મશીન, પાર્ટિકલ એક્સલરેટર, પાર્ટિકલ સ્પેશરની સ્થાપના કરી છે. આ જમીનમાં ર૭ કિલોમીટરનું વર્તુળાકાર બોગદું છે. તેમાં પ્રોટોનનામના ધનવિદ્યુતભારવાહી પદાર્થકણોને પ્રકાશની ગતિથી દોડાવી ભટકાડવામાં આવે છે અને તેને તોડવામાં આવે છે જેથી ખબર પડે કે તેમાં શું છે. આ બોગદામાં પૂર્ણ રીતે શૂન્યવકાશ કરવામાં આવે છે. ૭૦૦૦ ટન સુપરમેગ્નેટની મદદથી પ્રોટોનના વાદળોેને એક સેક્ધડમાં દશ લાખવાર ગુમાવામાં આવેે છે. સ્ટેપવાઈઝ પ્રોટોનની ગતિ વધારવામાં આવે છે. આખું નિયંત્રણ લાખો કમ્પ્યુટરના નેટવર્કથી કરવામાં આવે છે. અને દુનિયાભરના વિજ્ઞાનીઓ આ પ્રયોગ સાથે જોડાયેલાં છે. આ બધું સ્ટેટ ઑફ આર્ટ ઈન્જિનિયરીંગથી કાર્ય થાય છે. હિગ્ઝ-બોઝોનના અસ્તિત્વને ત્રણ વાર ચકાસવામાં આવ્યું છે. આ પ્રયોગ હકીકતમાં બહુ જટિલ છે. દુનિયાના બેસ્ટ માઈન્ડ તેની પાછળ કાર્યરત છે. ભવિષ્યમાં આનાથી પણ જટિલ અને વિશાળ મશીનથી અણુ-પરમાણુનું ભેદન થવાનું છે. અહીં એન્ટિ-એટમ પણ બનાવવામાં આવે છે. ભવિષ્યમાં કદાચ એન્ટિ-તત્ત્વો પણ બનાવવામાં આવશે અને ખરેખર એન્ટિ-પદાર્થ, એન્ટિમેટર ઉત્પન્ન કરવામાં આવશે. 

વિજ્ઞાનીઓ માને છે કે હિગ્ઝ-બોઝોન બ્રહ્માંડના ગૂઢ રહસ્યોને છતા કરશે. રસપ્રદ વાત એ છે કે આ થિયરીના પ્રણેતા પીટર હિગ્ઝ અને ફ્રાન્કોઈ ઇંગ્લર્ટ ૮૪ અને ૮૨ વર્ષે જીવતા છે. તેમની હયાતીમાં જ તેમની થીઅરી સાચી પડી છે. વિજ્ઞાની માટે આ મહાભાગ્ય ગણાય. આ પ્રયોગ ૩ વર્ષથી ચાલે છે. તે ખડો કરવામાં ૧૦ વર્ષ લાગ્યાં હતાં. વિજ્ઞાનીઓને માલૂમ પડ્યું કે બ્રહ્માંડનું ૯૭ ટકા દ્રવ્ય (પદાર્થ) આપણે જોઈ શકતા નથી. એ પદાર્થ પૂરા બ્રહ્માંડમાં પથરાયેલ છે જે બ્રહ્માંડને પ્રવેગી બનાવે છે. આ પદાર્થ કદાચ હિગ્ઝ-બોઝોન હોય જે પૂરા બ્રહ્માંડના પદાર્થકણોને દળ આપે છે. 

આ પ્રયોગમાં બે સૂક્ષ્મ પ્રોટોન એક મીટરના અબજ અબજ અબજ અબજ અબજમાં ભાગમાં અથડાય છે જે બ્લેક હોલ જેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે. આ કારણે જ્યારે આ પ્રયોગ શરૂ થવાનો હતો ત્યારે લોકોએ વાંધો ઉઠાવ્યો હતો કે જો એ બ્લેક હોલ નિયંત્રણની બહાર જાય તો પૂરી પૃથ્વીને ગળી જાય. ત્યારે એ પ્રયોગ કરતાં વિજ્ઞાનીઓએ લોકોને હૈયાધારણા આપી હતી કે એવું કાંઈ જ નહીં થાય. બધું જ નિયંત્રણમાં છે. જ્યારે બે પ્રોટોન ટકરાશે ત્યારે તે ડિસઈન્ટિગ્રેટ થઈને કેટલાય સૂક્ષ્મકણો પેદા થશે અને તેમાં હિગ્ઝ-બોઝોન હશે. 

હાલમાં સમાચાર આવ્યા છે કે જેમને નોબેલ પુરસ્કાર મળ્યું છે તે પીટર હિગ્ઝનો પત્તો નથી. તે ક્યાં છે તેની ભાળ મળતી નથી. હિગ્ઝ નથી રાખતા મોબાઈલ કે નથી રાખતા ઈન્ટરનેટ. આ એક રસપ્રદ બાબત ગણાય. મહાન ગણિતશાસ્ત્રી રોજર પેનરોઝ પણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કે સ્લાઈડ પ્રોજેક્ટરથી તેમનું વ્યાખ્યાન આપવામાં માનતા નથી. તે તો ઓવર હેડ પ્રોજેક્ટરની મદદથી તાત્કાલિક વિચાર કરીને વ્યાખ્યાન આપવામાં માને છે. અમુક વિજ્ઞાનીઓ તો બ્લેક બોર્ડ પર જ ચોકની મદદથી બધું સમજાવે છે.

ગરીબી ક્યાંય નથી બ્રહ્માંડમાં! --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=104385

બ્રહ્માંડના કણેકણમાં લક્ષ્મીનો વાસ છે, જેને ક્યાંય ગોતવા જવું પડે એમ નથી

તાજેતરમાં અમેરિકા અને ભારતના મૂળના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગરીબી મગજશક્તિને ઓછી કરે છે, કારણ કે માનવી ગરીબીમાં હોવાથી તે બીજું કાંઇ વિચારી શકતો નથી અને તેની ૯૭ ટકા ઊર્જા બ્રેડ-બટરને મેળવવામાં જ વપરાય છે. તેનો આખો દિવસ આ કાર્યમાં જાય છે અને તે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કે વિચાર કરી શકતો નથી. થોડે ઘણે અંશે આ વાત સાચી પણ છે, પરંતુ જ્યારે માનવી ગરીબીમાં હોય અને તેને મુશ્કેલીઓ હોય તો તેમાંથી માર્ગ કાઢવા તે કાર્ય કરે છે, મહેનત કરે છે અને સાથે સાથે ખૂબ જ વિચાર કરે છે, તેનું મગજ ખૂબ જ ચાલે છે. થોડા સમયમાં તે વધારે વિચાર કરે છે. બધાને કહેવતની ખબર છે કે નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. અર્થાત્ જરૂરિયાત જ નવી શોધને જન્મ આપે છે. સાથે સાથે એ ખરું કે તંગીમાં તેનો વધારે સમય ત્રણ સાંધે ત્યાં તેર તૂટે તેને જોડવામાં જ જાય છે. તેમ છતાં અમુક સ્તરના માનવીઓ માટે આ સાચું નથી. રામાનુજન, આઇન્સ્ટાઇન, ફેરાંડે, એડિસન જેવા ઘણા માનવીઓ અને વિજ્ઞાનીઓ થઈ ગયા જે ઉપરોક્ત કથનમાં અપવાદ છે. તેમને ગરીબી આગળ ધપવામાં રોકી શકતી નથી. તેની પાછળ ગંભીર રીતે વિચાર કરીએ તો લાગે કે તે તેમની કેળવણી છે, તેમનું માઇન્ડસેટ છે. કોઈ પણ વસ્તુની તંગી મહેસૂસ ન થવી તે તેમની લાઇફસ્ટાઇલ છે. માનવીને ખૂબ જ આરામદાયક જીવન જોઈએ છે. તે તેની ઇચ્છા છે, પણ આરામદાયક જીવન તે તેની દવા નથી. આરામદાયક જીવન એ સાપેક્ષ બાબત ગણાય. આરામદાયક જીવન એટલે ગરીબી નહીં? આરામદાયક એટલે કેટલું આરામદાયક તે પણ જાણવું જરૂરી છે. શું ધનવાન હોવું તે ગરીબી નથી? ધનવાનો જ મહાન બની શકે છે? જો એમ જ હોત તો બધા ધનવાનો મહાન હોત. એવા ઘણા દાખલા છે જેમાં ધનવાનો સુખી નથી, સર્જક નથી. એવા પણ ઘણા દાખલા છે જેમાં ગરીબ માણસો ઘણા સુખી છે અને સર્જક પણ છે. તે થોડામાં વધારે આનંદ માણે છે. આનંદ માત્ર ધન-સંપત્તિ કે સગવડમાં જ નથી. આનંદ જીવનમાં ઘણી રીતે મળે છે. આનંદ આપણા મનમાં છે, હૃદયમાં છે અને મસ્તિષ્કમાં પણ છે.

ગરીબીની વ્યાખ્યા કરવી ઘણી વિસ્તૃત છે, કારણ કે ગરીબી અનંત પ્રકારની છે. જેમ વિકલાંગતા ઘણી પ્રકારની છે. દરેકેદરેક માનવી ગરીબ પણ છે અને તવંગર પણ છે, જેમ દરેકેદરેક માનવી વિકલાંગ પણ છે. વૈચારિકતામાં પણ એક ગરીબી છે, સુવ્યવહારમાં પણ એક ગરીબી છે. હૃદયની ઉદારતામાં પણ ગરીબી હોય છે. માટે ગરીબી મગજશક્તિને મંદ બનાવે છે તે પૂર્ણત: સાચું નથી. જ્યાં સુધી તમે ગરીબીની પ્રોપર વ્યાખ્યા ન કરો ત્યાં સુધી ગરીબી મગજશક્તિને હરે છે તે કહેવું યથાયોગ્ય નથી. સાચી ગરીબી વૈચારિકતા ન હોવી તેમાં છે. ગરીબી લોલુપતામાં છે, હરીફાઈમાં છે. ગરીબીનું રૂપ હકીકતમાં દરેકે ક્ષણે બદલાય છે.

એક વાત રસપ્રદ છે કે આપણે લક્ષ્મીનો અર્થ શું કરીએ છીએ. લક્ષ્મી એટલે શું માત્ર કરન્સી નોટો? સોનું-ચાંદી અને ઝવેરાત-હીરા-મોતી-ડાયમંડ? આ બ્રહ્માંડમાં લક્ષ્મી એટલે દરેકેદરેક વસ્તુ. આપણી વૃદ્ધિ જે આપણું યોગ-ક્ષેમ ચલાવી શકે છે. લક્ષ્મી એટલે આપણું ઘર, ફ્લેટ, બંગલો, કાર. લક્ષ્મી એટલે આપણી જમીન-ખેતી. આપણા ઘરમાં જેટલી વસ્તુ છે તે બધી લક્ષ્મી સ્વરૂપ જ છે. લક્ષ્મી એટલે આપણા ઢોર-ઢાંખરા. લક્ષ્મી એટલે દરેકેદરેક પદાર્થ અને ઊર્જા. લક્ષ્મી એટલે સૂર્ય અને ચંદ્ર. લક્ષ્મી એટલે આપણાં બાળકો. લક્ષ્મી એટલે આપણે પોતે. આમ બ્રહ્માંડ પૂરું લક્ષ્મીથી ભરેલું છે. જે ફોટોમાં લક્ષ્મીજીનું ચિત્ર છે તે તો સિમ્બોલિક છે. તે હકીકતમાં લક્ષ્મી નથી. હું જે આ પેનથી લખું છું તે પણ લક્ષ્મી જ છે. આમ લક્ષ્મીનાં ઘણાં રૂપો છે. તે વિશ્ર્વવ્યાપી છે. પૂરા બ્રહ્માંડમાં રહેલી છે. તેને ગોતવા જવું પડે તેમ નથી. બ્રહ્માંડમાં લક્ષ્મી ક્યાં નથી? બ્રહ્માંડમાં વિષ્ણુને ગોતવા પડે પણ લક્ષ્મીને નહીં.

આપણું ફરી ગયું છે કે આપણે વિષ્ણુને લઈ આવ્યા. વિષ્ણુને કોણ લઈ આવ્યું તે ખબર નથી. બાવા-સાધુઓ પણ વિષ્ણુને ભજતાં નથી. તે પણ લક્ષ્મીને જ ભજે છે. બાવા-સાધુઓ વિષ્ણુને લઈ આવ્યા. વિષ્ણુને આપણને આપી દીધા, કારણ કે તે કોઈ કામના નથી, કામમાં આવતા નથી. લક્ષ્મીને તેઓએ રાખી લીધી. બાવા-સાધુઓ આપણી પાસેથી લક્ષ્મી લઈ લે છે અને વિષ્ણુનું ભજન કરવાનું કહે છે, જેનું ભજન કરવાથી ગરીબી સિવાય બીજું કાંઈ જ આવે નહીં. બધા વિષ્ણુના ખરા ભક્તો કે વિજ્ઞાનીઓ માટે જ ગરીબીમાં મરી ગયા. તેઓએ લક્ષ્મીને બદલે વિષ્ણુ, જ્ઞાન-વિજ્ઞાનમય વિષ્ણુને ભજયા. તિરુપતિ, પદ્મનાભન વગેરેનાં મંદિરો તો છે. તે તો ભગવાનને વેચવા માટે છે. લક્ષ્મીને લેવા માટે છે. શંકર ભગવાનને ભજવાથી કાંઇ જ મળે નહીં, કારણ કે તેમની પોતાની પાસે જ કાંઇ નથી. બ્રહ્માજીનો બ્રહ્માંડમાં પત્તો નથી.

બ્રહ્માંડમાં ગરીબી છે જ નહીં, કારણ કે બ્રહ્માંડની એકેએક વસ્તુ લક્ષ્મી છે. બ્રહ્માંડમાં પદાર્થ-ઊર્જા સિવાય બીજું કાંઇ જ નથી. તે એકમાંથી બીજામાં રૂપાંતર થયા કરે છે.

બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ પદાર્થ સિવાય બીજું કાંઇ જ નથી. સોનું-રૂપું બધું પદાર્થ જ છે. લોખંડમાંથી પણ લક્ષ્મી મળે. માટે લોખંડ પણ લક્ષ્મી જ છે. ગાયનું ગોબર પણ લક્ષ્મી જ છે. છેવટે લક્ષ્મીમાંથી શું મળે છે? પદાર્થ જ ને? રોટી, કપડા, મકાન. કૃષ્ણ ભગવાને લક્ષ્મીજીની જગ્યા પડાવી લીધી છે. જ્યારે તે કહે છે કે હું સર્વવ્યાપી છું. અરે ભાઇ, દેવાધિ દેવ વિષ્ણુને પણ લક્ષ્મીની જરૂર પડે છે. કોઈ કામ જ્ઞાન કે વિજ્ઞાન લક્ષ્મી વગર થાય છે? બ્રહ્માંડમાં મારે જો કોઈ સર્વવ્યાપી હોય તો તે લક્ષ્મી છે. લક્ષ્મીને મહાલક્ષ્મી કેવી રીતે બનાવવી તે આપણા હાથમાં છે. આપણે લક્ષ્મીને કુરૂપ બનાવીએ છીએ જેને બ્લેક મની (કાળાં નાણાં) કહે છે. કોઈ નાણાં કાળાં હોતાં નથી. કાળાં નાણાંમાંથી પણ બધું જ મળે છે. જે ધોળાં નાણાંથી નથી મળતું તે કાળાં નાણાંથી મળે છે. બધા જ લક્ષ્મીની પાછળ દોડે છે. સુન્દરીઓ પણ લક્ષ્મીની પાછળ દોડે છે. લક્ષ્મીથી શું નથી મળતું? લક્ષ્મી અને વિષ્ણુ બેમાંથી કોણ પાવરફુલ? લક્ષ્મી કે વિષ્ણુ? પંડિતો શાળા-મહાશાળામાં કે કથામાં તદ્દન વિપરીત શીખવે છે. પોતે લક્ષ્મીને ભજે અને આપણને વિષ્ણુને ભજવાનું કહે જેથી તેમને જ લક્ષ્મી મળે. શાળા-મહાશાળામાં નીતિમત્તા, પ્રામાણિકતા, સત્ય આચરણ અને સત્ય બોલવાની બાળકોને વાત કરે અને શીખવે. પણ પોતે બધા જ ઊલટું આચરણ કરે. તો થાય કે એ સાચા કે તેમણે શીખવાડ્યું તે સાચું? સજ્જનો બિચારા પાયમાલ થઈ ફરતાં રહે છે. હજુ મને ગરીબીનો અર્થ સમજાયો નથી. જ્યારથી માનવી કરન્સી નોટને ભાળી ગયો છે ત્યારથી ભાન ભૂલી ગયો છે, કેમ કે તે હલકી છે માટે રાખી શકાય છે. જેમ નોટ મોટી તેમ સારી રીતે રાખી શકાય. આપણા રાજકારણીઓ બુદ્ધિશાળી છે. તેઓ વિષ્ણુને (એટલે કે પ્રજાને) ભજતા નથી, પણ સાક્ષાત્ લક્ષ્મીને જ ભજે છે. તેઓ પદાર્થ પામી ગયા છે અને બાકીના રઝેળી રહ્યા છે. ગાંધીજી પોતે વિષ્ણુને, કૃષ્ણને, રામને ભજતા હતા, પણ તેમના રાજકીય વારસદારો લક્ષ્મીને ભજતા થઈ ગયા છે. બિચારા લાલબહાદુર શાસ્ત્રી વિષ્ણુને ભજતા હતા તે ગુજરી ગયા પછી ૭૦૦ રૂપિયાનું દેવું મૂકી ગયા.

લક્ષ્મીજીએ કહેવું જોઇએ કે અહં નિર્વિકલ્પો, નિરાકારરૂપો, વિભૂર્વ્યાપ્ય સર્વત્ર, સર્વેન્દ્રિયાણા સદામે સમત્વં, ન મુક્તિર્નબન્ધ: ચિન્દાનંદરૂ શિવોહમ્ શિવોહમ્ ॥

એર રસપ્રદ કથા છે. એકવાર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી ગરુડ પર બેસી દુનિયાની ચર્યા જોવા નીકળ્યાં. વિષ્ણુ ભગવાને આંગળી ચીંધી ને લક્ષ્મીજીને કહ્યું જો મારો ખાસ ભગત ત્યાં છે. લક્ષ્મીજીએ કહ્યું ભગવાન એ તમારો ભગત-બગત નથી. એ તો મારો ભગત છે. વિષ્ણુ ભગવાન કહે હોય નહીં? લક્ષ્મીજીએ કહ્યું જોવું છે, પરીક્ષા કરવી છે? વિષ્ણુ ભગવાન કહે પરીક્ષા કરીએ. વિષ્ણુ ભગવાન પછી દંડી સાધુના વેષે તે ભગતના ઘરે ગયા અને ભિક્ષાન્ન દેહિ કહ્યું. તે ભગત તો ગાંડો-ઘેલો થઈ ગયો પછી બોલ્યો અરે સાધુ મહારાજ મારે ઘરે પધાર્યા છે. ભગત કહે, મહારાજ હમણાં હું તમને ભિક્ષા આપું છું. સાધુ મહારાજના રૂપમાં વિષ્ણુ કહે એમ નહીં. તું મને સીધુ આપ. લાડુ, દાળ, ભાત, શાક. હું જાતે બનાવીશ અને પછી આપણે સાથે જમીશું. ભગત કહે સારું. ભગતે પછી સાધુના વેષમાં રહેલ ભગવાનને બધું સીધુ આપ્યું. સાધુ મહારાજે તો લાડુ, દાળ, ભાત, શાક બનાવ્યાં અને ભગતને જમવા બોલાવ્યા. થાળી પીરસી. ભગવાન અને ભગત જમવાની તૈયારી કરે છે ત્યાં એક ખૂબ જ મેલી-ઘેલી વાઘરણ આવી. તેણે ભગતને કહ્યું પાણી પીવું છે. ભગત તો લોટો લઈને પેલી બાઈને પાણી પાવા ગયાં. ભગતે તે બાઈને કહ્યું બે હાથનો ખોબો ધર, પાણી આપું. ત્યાં તે બાઈએ ઝોળીમાંથી અડધા ફૂટનો રત્નજડિત સોનાનો પ્યાલો કાઢયો અને ભગતને કહ્યું આમાં પાણી દે. ભગતે તેને પ્યાલામાં પાણી આપ્યું. વાઘરણે પાણી પીને પ્યાલો ત્યાં ફેંકી દીધો. ભગત પાછો જવા જાય છે ત્યારે પેલી વાઘરણે ભગતને કહ્યું, હજુ મારી તરસ છિપાઈ નથી. મને પાણી આપ. વાઘરણે બીજો રત્નજડિત સોનાનો પ્યાલો કાઢ્યો અને તેમાં ભગતને પાણી રેડવાનું કહ્યું. ભગતે તેમાં પાણી આપ્યું. વાઘરણે તે પીધું અને બીજો સોનાનો પ્યાલો પણ ત્યાં ફેંકી દીધો અને વધારે પાણી આપવા કહ્યું અને ત્રીજો સોનાનો પ્યાલો કાઢ્યો. ભગતના મગજમાં બત્તી થઈ. તેણે કહ્યું, આ વાઘરણે તો ત્રીજો સોનાનો પ્યાલો કાઢ્યો છે. બે સોનાનાં પ્યાલાં તો તેના આંગણામાં પડ્યાં છે, તે લઈ લેવાશે. આ ત્રીજો સોનાનો પ્યાલો તે ફેંકી દેશે તો મને ત્રીજો પ્યાલો મળશે. તે રાજી રાજી થઈ ગયો. તે વાઘરણે પછી તેને નજીક બોલાવ્યો અને છ સોનાના પ્યાલા દેખાડી કહ્યું, આ બધાં જ પ્યાલાં તારા, એ સાધુને ધોકે મારી કાઢ અને મને જમાડ. ભગત તો ધોકો લઈને સાધુને કહે ભાગ અહીંથી. શું હાલી આવ્યો છે. થાળી છોડી દે. તે સાધુરૂપે આવેલા વિષ્ણુ ભગવાનને તેણે કાઢ્યા. જેવા તેણે વિષ્ણુ ભગવાનને કાઢ્યાં કે જમીન પર પડેલાં ત્રણ સોનાનાં પ્યાલાં અને વાઘરણ અદૃશ્ય થઈ ગયાં. લક્ષ્મીજીએ પછી ભગવાન વિષ્ણુને કહ્યું, જોયુંને, તમારા કોઈ ભક્તો નથી. બધા જ મારા ભક્તો છે, માટે યા દેવી સર્વભૂતેષ, લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:॥

ખગોળશાસ્ત્રીઓ માટે રસપ્રદ કોયડો --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=110602

ઈસુના જન્મ વખતે દેખાયેલો બેથ્લેહામનો તારો ખરેખર તારો હતો કે બીજી કોઈ અવકાશીય ઘટના?

જ્યારે નાતાલ આવે છે ત્યારે ઉત્તરગોળાર્ધના રાત્રિઆકાશમાં સુંદર મૃગનક્ષત્રના પ્રકાશિત તારા દેખાય છે. મૃગનક્ષત્રને અનુુસરતો ખૂબ જ પ્રકાશિત વ્યાધનો તારો હોય છે. પૂર્વ તરફ વૃષભ રાશિમાં લાલ પ્રકાશિત રોહિણીનો તારો હોય છે, તો મિથુન રાશિના પ્રકાશિત તારા હોય છે. કૃત્તિકા નક્ષત્રમાં સાત તારાનું ઝૂમખું દેખાય છે, અને વૃષભનાં શિંગડાં નજીક પ્રકાશિત બ્રહ્મહૃદય તારો હોય છે. આમ નાતાલના દિવસોમાં આકાશની ભવ્યતા અનેરી હોય છે. તેમાં વળી જો ગુરુ, શનિ આકાશમાં હોય તો તે તેની છટા દેખાડતા નજરે ચઢે છે.

ર૦૦૦ વર્ષ પહેલાં રાત્રિઆકાશમાં થોડા દિવસો માટે એક વધારે તારો ઉમેરાયો હતો. તે ‘બેથ્લેહામ’નો તારો કહેવાય છે. બેથ્લેહામના તારાને ઈસુના જન્મ સાથે સાંકળવામાં આવે છે. તો પ્રશ્ર્ન એ છે કે બેથ્લેહામનો તારો શું હતો? શું બેથ્લેહેમનો તારો ભગવાન ઈસુના જન્મને સૂચવતો હતો? ઈસુના જન્મના દિવસોમાં રાત્રિઆકાશમાં એકાએક દેખાયેલ બેથ્લેહામનો તારો હકીકતમાં શું હતો? આ પ્રશ્ર્નના જવાબમાં ખગોળવિદોને ભારે રસ છે, કારણ કે લોકો તેમને પૂછે છે કે ર૦૦૦ વર્ષ પહેલાં દેખાયેલા બેથ્લેહામનો તારો શું હતો? શું તેઓ એ તારા પર કાંઈ પ્રકાશ પાડી શકે? શું ભૂતકાળની તે અલૌકિક ઘટનાને ખગોળશાસ્ત્રીય રીતે સમજાવી શકાય ખરી? જ્યોતિષીઓ આ પ્રશ્ર્નનો જવાબ આપવા ઘણા ઉત્સુક હોય છે, પણ તેઓ આ પ્રશ્ર્ને જવાબ આપવાને બદલે તેમના ખગોળીય જ્ઞાનના અજ્ઞાનને લીધે પ્રશ્ર્નને વધારે ગૂંચવે છે.

પ્રશ્ર્ન એ છે કે ઈસુના જન્મ વખતે જેરુસલેમના રાત્રિ આકાશમાં દેખાયેલો બેથ્લેહામનો તારો ખરેખર તારો હતો કે બીજી કોઈ આકાશી ઘટના હતી?

બાઈબલમાં મેથ્યુનું ગોસ્પેલ કહે છે કે તારાને શોધવા નીકળેલા અને તેને અનુસરનારા ત્રણ ડાહ્યા માણસો હતા જે મેગી કહેવાતા હતા. તેઓ ખગોળ અને જ્યોતિષના વિદ્વાનો હતા અને પાદરીઓ હતા. જોકે તે એક સામાન્ય તારો હતો પણ વર્ષો જતાં તેને ખૂબ જ પ્રકાશિત કહેવામાં આવતો ગયો. પછીથી તો તેને પૂંછડીવાળો પણ ચીતરવામાં આવ્યો હતો. ઈસુ જેરુસલેમની પૂર્વમાં ૯ કિલોમીટર દૂર બેથ્લેહામ નામના નાના ગામમાં જન્મ્યા હતા. તે જ્યારે જન્મ્યા ત્યારે આકાશમાં અતિપ્રકાશિત તારાનો ઉદય થયો હતો. ગોસ્પેલ લખનાર મેથ્યુએ ઈસુના જન્મ વખતે ઉદય પામેલા પ્રકાશિત તારાનું વર્ણન કર્યું છે. ચીની લોકોની નોંધમાં ઈસવી સન પૂર્વે પાંચ વર્ષ પહેલાં આકાશમાં એક ધૂમકેતુ દેખાયો હતો તેમ લખાયું છે, અને તેનું વર્ણન પણ તેઓએ કર્યું છે. મેથ્યુના અને ચીની લોકોનાં તે તારાનાં વર્ણનો ઘણાં મળતાં આવે છે. તેથી ખગોળવિદો માને છે કે ઈસુના જન્મ વખતે બેથ્લેહામના રાત્રિઆકાશમાં દેખાયેલો પ્રકાશિત તારો હકીકતમાં ધૂમકેતુ હતો. માટે ઈસુ તે વખતે જન્મ્યા હોવા જોઈએ.

તેમ છતાં બીજા ખગોળવિદો માને છે કે ઈસુના જન્મ વખતે રાત્રિઆકાશમાં દેખાયેલો પ્રકાશિત તારો ધૂમકેતુ ન હતો, પણ મીન રાશિમાં થયેલી ગુરુ અને શનિની યુતિ હતી. આ ગ્રહોની યુતિ ઈસવી સન પૂર્વે ૭ વર્ષે થઈ હતી. કેલિફોર્નિયાના બિબ્લિક રિસર્ચ ફાઉન્ડેશનના સંશોધકોએ કમ્પ્યુટર વડે ર૦૦૦ વર્ષ પહેલાં સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની આકાશમાં સ્થિતિ ઉત્પન્ન કરી તો તેમને માલૂમ પડ્યું કે બેથ્લેહામનો તારો ગુરુ ગ્રહ હતો. ત્યારના જ્યોતિષીઓએ તે વખતે રાત્રિઆકાશમાં દૃશ્યમાન થયેલા આકાશીપિંડનું અર્થઘટન ઈસુના જન્મના સંકેત તરીકે કર્યું હતું.

ઈસવી સન પૂર્વે એે વર્ષે જૂન મહિનાની ૧૭ તારીખે ગુરુ અને શુક્રની યુતિ થઈ હતી, અને તે નોંધનીય આકાશીઘટના હતી. તે જ વર્ષે ર૭ ઓગસ્ટે ગુરુ, મંગળ, શુક્ર અને બુધની સિંહ રાશિમાં યુતિ થઈ હતી. તે વખતે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતો અને સૂર્ય ક્ધયા રાશિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતો. એટલે કે ઉપરોક્ત મહાયુતિ ઉષા સમયે સૂર્યોદય થાય તે પહેલાં દૃશ્યમાન થતી હતી. એ વખતે બેથ્લેહામ પર પૂર્વ ક્ષિતિજ પર સિંહ રાશિમાં આ યુતિ દૃશ્યમાન થતી હતી. શું તે સમયના જ્યોતિષીઓએ આ ઘટનાને ઈસુના જન્મના સંકેત તરીકે ગણી હશે? સિંહ રાશિમાં રહેલો મઘા તારો અને ગુરુ ગ્રહ રાજા ગણાય છે, તેથી યહૂદી લોકો માનતા કે યહૂદીઓમાં એક મહાન પુરુષનો જન્મ થયો હોવો જોઈએ. એ મહાન પુરુષ ઈસુ હતા. ઈસવી સન પૂર્વે બીજા વર્ષે રપ ડિસેમ્બરે ગુરુ ગ્રહ ક્ધયા રાશિમાં હતો. શું તે જ બેથ્લેહામનો તારો હતો? કદાચ તે જ બેથ્લેહામનો તારો હતો. જેને તે વખતના લોકોએ ઈસુના જન્મ સંકેત તરીકે લીધો હતો. તે વખતના જ્યોતિષીઓ ઈસુના જન્મની કુંડળી બનાવવા ઈચ્છતા હતા પણ તે પાપ ગણાતું. માટે તેઓેએ તે માંડી વાળ્યું. કાશ, તેઓેએ એવી અંધશ્રદ્ધા રાખી ન હોત તો આપણને અત્યારે ખબર હોત કે ઈસુના જન્મ વખતે આકાશ કેવું હતું, અને ખરેખર ઈસુનો જન્મ ક્યારે થયો હતો. અંધશ્રદ્ધામાં લોકો ખગ્રાસ સૂર્યગ્રહણ જોતા નથી, ધૂમકેતુ પણ જોતા નથી.

ઈસુના જન્મ વખતે દૃશ્યમાન થયેલો તારો જે બેથ્લેહામના તારા તરીકે જાણીતો થયો છે. તે હકીકતમાં કયો આકાશીપિંડ હતો. શું તે ગુરુ ગ્રહ હતો કે પછી ધૂમકેતુ હતો કે પછી એક અભિનવ તારો (જીાયક્ષિજ્ઞદફ જ્ઞિ ગજ્ઞદફ યડ્ઢાહજ્ઞતશજ્ઞક્ષ વિસ્ફોટ અથવા મહાવિસ્ફોટના રૂપમાં મૃત્યુ પામતો તારો) હતો. વિજ્ઞાન ચમત્કારમાં માનતું નથી. આમ બેથ્લેહામના તારાની વાર્તા એક રસપ્રદ બિના છે અને તે વિશ્ર્વમાં બનેલી ઈસુના જન્મ વિષેની મહાન ઘટના સાથે સંકડાયેલી છે. તેનો તાગ કાઢવો જ રહ્યો. તેમ છતાં આપણને હકીકતમાં ખબર નથી કે બેથ્લેહામનો તારો ખરેખર શું હતો. ઘણા બધા આકાશીપિંડો તેના ઉમેદવાર તરીકે ઊભરી આવ્યા છે. ૧૬૦૪માં જર્મન ખગોળવિજ્ઞાની જોહાનીસ કેપ્લરે તારાનો મહાવિસ્ફોટ જોયો હતો. તેથી તે માનતો કે બેથ્લેહામનો તારો સુપરનોવા હોવો જોઈએ. બેથ્લેહામનો તારો ખરેખર શું હતો તે કહી શકાય તેમ નથી. બેથ્લેહામના તારાની કથા બહુ બઢાવી-ચડાવીને કહેવામાં આવી છે. કથાને ર૦૦૦ વર્ષમાં તો ખૂબ જ ચગાવી દેવામાં આવી છે. મેથ્યુએ તેના ગોસ્પેલમાં તેને માત્ર તારો જ કહ્યો હતો, પણ વખત જતાં તે ખૂબ જ પ્રકાશિત તારો હતો એમ કહેવાનું શરૂ થયું. ત્રણ મેગીઓએ પહેલા પરોઢિયે તે તારાને જોયો હતો. થોડા દિવસ તે અદૃશ્ય થઈ ગયો હતો અને પછી પશ્ર્ચિમમાં દેખાયો હતો. એ દર્શાવે છે કે તે ધૂમકેતુ હતો. પ્રાચીન સમયમાં બધા જ રાત્રિ આકાશના પિંડોને તારા જ કહેવામાં આવતા. જેમ જેમ ખગોળવિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ આપણને ખબર પડી કે આકાશમાં તારા છે, ધૂમકેતુ છે, ગ્રહો છે, ઉપગ્રહો અને લઘુગ્રહો પણ છે અને સુપરનોવા થતી આકાશમાં દેખાય છે. મેથ્યુએ તેના ગોસ્પેલમાં તારીખનો ઉલ્લેખ નથી કર્યો. સેન્ટ લ્યુડે જિસસના જન્મની વાત કરી છે. તેના બચપણની વાત કરી છે પણ તારાની વાત કરી નથી એ સ્પષ્ટ છે કે ઈસુનો જન્મ રાજા હેરોડનાં છેલ્લાં વર્ષોમાં થયો હતો. એ પણ સ્પષ્ટ નથી કે બેથ્લેહામનો તારો ઈસુના જન્મ પહેલાં કઈ સાલમાં દેખાયો હતો. આવો પ્રકાશિત આકાશીપિંડ ઈસુના કહેવાતા જન્મ પહેલાંનાં ૧૦ વર્ષમાં ત્રણ વખત દેખાયો હતો. એમ પણ મનાય છે કે આવો કોઈ તારો દેખાયો જ ન હતો. મેથ્યુએ માત્ર ઈસુના જન્મની કથાને મહાન બનાવવા જ આવું લખ્યું હતું. નાતાલમાં ઈસુ જન્મ્યા હોય કે નહીં, પણ ૧૬૪૨ની નાતાલમાં ન્યુટન જન્મ્યો હતો. ૧૬૫૮ની નાતાલમાં હેલીનો ધૂમકેતુ દેખાયો હતો.

શારીરિક રીતે પતિનું દીર્ઘાયુષ્ય માગવું એ સ્ત્રીનો ધર્મ નથી --- કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=139189

કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય


નામ : સાવિત્રી

સ્થળ : મદ્ર દેશ

સમય : સતયુગ

આજે લોકો મારા નામે વ્રત રાખે છે, વડની પૂજા કરે છે અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. મારું નામ પ્રાત: સ્મરણીય સતીમાં લેવાય છે... યમ સાથે લડીને હું મારા પતિનું આયુષ્ય પાછું લઈ આવી એવી કથાઓ પુરાણોમાં કહેવાય છે. પાંડવો જ્યારે વનમાં હતા ત્યારે માર્કંડેય ૠષિ એક વાર એમને મળવા આવ્યા. યુધિષ્ઠિર અત્યંત શોક અને વિષાદગ્રસ્ત હતા. એમણે માર્કંડેયને પ્રશ્ર્ન કર્યો, "હે ભગવન્ ! દેવર્ષિઓમાં તમે ભૂત અને ભવિષ્યના વેત્તા તરીકે પ્રસિદ્ધ છો. તેથી હું તમને મારા હૃદયમાં રહેલા એક સંશય વિશે પૂછું છું. તો તમે તેનું નિરાકરણ કરો. અમે વનમાં આ દુ:ખદ વાસ કરીએ છીએ અને મૃગયાથી આજીવિકા ચલાવીએ છીએ. સંબંધીજનોએ અમને આમ દેશપાર કર્યા છે, એટલે અમે તપસ્વીઓનો મિથ્યા વેશ રાખીને વનનિવાસ કરીએ છીએ. તો હું પૂછું છું, કે મારા કરતાં વિશેષ મંદભાગી કોઈ મનુષ્ય તમે સાચે જ પૂર્વે જોયો છે કે સાંભળ્યો છે ખરો ?

માર્કંડેય ૠષિએ ત્યારે યુધિષ્ઠિરને આશ્ર્વાસન આપતાં મારા જીવનની કથા કહી. રામને પડેલાં તમામ દુ:ખોનું વર્ણન કર્યા પછી એમણે અમારા જીવનની કથા કહી. કુળવાની કઈ રીતે પોતાના જીવનમાં સ્વયંસિધા બનીને પોતાના ભાવિનું સ્વયં નિર્માણ કરી શકે છે એ કથા માર્કંડેય ૠષિએ યુધિષ્ઠિરને કહી, પરંતુ હું જ્યારે આંખ મીંચું ત્યારે મને વીતેલો સમય જાણે તાદૃશ્ય થઈને દેખાય છે. ક્યારેક એ દિવસોમાં વિતાવેલી ક્ષણોનો વિચાર કરું ત્યારે મને સમજાય છે કે આપણે બધા જ ભીતરથી ભીરુ અને ભય સામે હારી જનાર મનુષ્યો છીએ. આપણને બધાને લાગે છે કે મૃત્યુ એ જીવનની સૌથી મોટી અને અઘરી પરીક્ષા છે. પોતાનું મૃત્યુ આપણને એટલું દુષ્કર નથી લાગતું, જેટલું આપણા પ્રિયજનનું કે સ્વજનનું મૃત્યુ લાગે છે. આપણા અસ્તિત્વના આધાર સમી વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણને સ્વયંના જીવન પરથી જ શ્રદ્ધા ડગમગતી જણાય છે. સત્યવાન મારા જીવનનું એકમાત્ર સત્ય બનીને આવ્યા હતા...

મેં જ્યારે મારા પિતા મહારાજ અશ્ર્વપતિને સત્યવાન વિશે જણાવ્યું ત્યારે એમનું હૃદય અત્યંત વ્યથિત થયું હતું. હું એમનું એકમાત્ર સંતાન હતી. અનેક રાણીઓ હોવા છતાં મારા પિતા અશ્ર્વપતિને જ્યારે સંતાન ન થયું ત્યારે એમણે ભગવાન સાવિત્રી દેવીની પ્રાર્થના કરી. સાવિત્રી દેવીની કૃપાથી એમને ત્યાં સંતાનનો જન્મ થશે એવું વરદાન મળ્યું. મારી માતા માલવી અત્યંત સ્વરૂપવાન અને ધર્મપ્રિય હતી. મારા પિતાને અનેક રાણીઓ હતી, પરંતુ મારા પિતાએ પોતાની પ્રિય પત્ની માલવીની કૂખેથી પોતાના સંતાનનો જન્મ થાય એવી ઇચ્છા વ્યક્ત કરી. મારા પિતા તો પુત્ર ઇચ્છતા હતા, પરંતુ સાવિત્રીમંત્રથી એક લાખ હવન કર્યા પછી આઠ ભાગવાળા દિવસના છઠ્ઠે ભાગે એકમાત્ર સમયે ભોજન લઈને એમણે અઢાર વર્ષ સુધી યજ્ઞ કર્યો. સાવિત્રી દેવી એ સમયે એમના પર પ્રસન્ન થયાં અને અગ્નિહોત્રમાંથી દર્શન આપ્યાં., વરદાન માગવાનું કહ્યું. મારા પિતાએ હાથ જોડીને વિનંતી કરી, "મને અનેક કુલતારક પુત્રો થાઓ. સાવિત્રી બોલ્યાં, "તારો આ વિચાર જાણીને મેં ભગવાન પિતામહને તને પુત્રપ્રાપ્તિ થાય તે અંગે કહ્યું હતું, પરંતુ તારા ભાગ્યમાં પુત્ર નથી તેથી એક તેજસ્વિની પુત્રી હું મારા સ્વયંના તપોબળથી તને અર્પણ કરું છું.

એ પછી મારો જન્મ થયો. મારું નામ સાવિત્રી પાડવામાં આવ્યું... સમય સાથે હું મોટી થઈ, પરંતુ મને જોઈને લોકો માનતા કે હું દેવક્ધયા છું. કમળપત્રના જેવા નેત્ર, સુંદર કેડ, વિશાળ નિતમ્બ અને સુવર્ણ પ્રતિમા જેવું મારું શરીર જોઈને એ સમયના રાજવીઓમાંથી કોઈએ મારું માગુ કર્યું નહીં. મારા પિતા મહારાજ અશ્ર્વપતિ અત્યંત ચિંતિત રહેવા લાગ્યા. એક વાર નારદજી અમારે ત્યાં પધાર્યા. એમણે મારા પિતાને ઉપાય સૂઝાડ્યો, "આટલી તેજસ્વી ક્ધયાના પતિનું ચયન કરવું સરળ નથી. તમે તમારી ક્ધયાને જ પરિભ્રમણ માટે મોકલો. એના નસીબમાં જે લખ્યું હશે એ પતિ એને આપોઆપ ઉપલબ્ધ થશે. સ્વયં દેવીના આશીર્વાદથી જન્મેલી ક્ધયા પોતાના ભાગ્યને પોતાની સાથે લાવી જ હશે. મારા પિતાએ મને પરિભ્રમણ અર્થે મોકલી. અનેક રાજ્યોમાં પ્રવાસ કરવા છતાં મને કોઈ યોગ્ય વર મળ્યો નહીં. એ દરમિયાનમાં મને જંગલમાં એક યુવાન સાધુનો ભેટો થયો. મને તરસ લાગવાથી મેં એની પાસે પાણી માગ્યું. એણે એના કમંડળમાંથી પાણી આપ્યું. અમારા નેત્રો મળ્યા ને મને એમ લાગ્યું કે એ જ મારા જીવનનું સત્ય છે! મારી સખીઓએ પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું કે એ દ્યુમત્સેન નામના રાજાનો પુત્ર હતો. દ્યુમત્સેને પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું, પોતાની દૃષ્ટિ પણ ગુમાવ્યા પછી દ્યુમત્સેન પોતાના બાળપુત્ર અને પત્નીને લઈને વનમાં દિવસો વિતાવી રહ્યા હતા. હવે એ બાળપુત્ર યુવાન બન્યો હતો, એનું નામ સત્યવાન હતું. મારા પિતાએ નારદજીને તેડાવ્યા. નારદજીએ સત્યવાન વિશે જાણ્યું. એમણે મારા પિતાને કહ્યું કે, "સત્યવાન સાથે કદાપિ મારા લગ્ન ન થઈ શકે, કારણકે સત્યવાન પાસે ફક્ત એક વર્ષનું આયુષ્ય છે...

મારા પિતા અત્યંત વ્યથિત થયા, પરંતુ મેં તેઓને કહ્યું કે, "ક્ધયાનું દાન એક જ વખત અપાય અને મેં તમારા વચન મુજબ સ્વયંને સત્યવાનને સમર્પિત કરી દીધી છે. એક ગુણવાન હો કે ગુણહીન, અલ્પાયુ હો યા દીર્ઘાયુ... એક વાર મેં એમને મારા સ્વામી માન્યા છે. નારદે મારી વાતની પુષ્ટિ કરીને પિતાને નિશ્ર્ચિંત થઈ મારા લગ્ન કરવાનું કહ્યું. સંપૂર્ણ સન્માન સાથે મારા માતા-પિતા સત્યવાનને ત્યાં માગુ લઈને ગયા અને મારા લગ્ન થયા. ધમેવેત્તા દ્યુમત્સેન રાજાએ મારા પિતાને અર્ધ્ય આસન અને જલ-પાન આપ્યાં. એમને એમના પુત્રના ભાગ્ય વિશે જાણ નહોતી એટલે એમણે આનંદપૂર્વક વિવાહના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. લગ્ન શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ થયા અને હું મારા સ્વામી સાથે આનંદથી જીવવા લાગી. મેં ઘણું વિચાર્યું અને મનોમન નિશ્ર્ચય કર્યો કે, જ્યાં સુધી મારા સ્વામીનું આયુષ્ય હશે ત્યાં સુધી એમને જીવનના તમામ સુખો આપીશ. સેવા અને સંવનનના મારા તમામ ધર્મોને આનંદપૂર્વક પૂર્ણ કરવામાં મારો સમય વ્યતિત થવા લાગ્યો.

એમ કરતાં નારદે ભાખેલી મારા સ્વામીની મૃત્યુતિથિ આવી લાગી. મેં ત્રણ દિવસના નિર્જળા ઉપવાસ આદર્યા. મારા સાસુ અને શ્ર્વસુર બંને જણાએ મને આવા આકરા ઉપવાસ ન કરવા માટે ઘણી સલાહો આપી, પરંતુ એમને ભાવિની જાણ નહોતી. મેં સાસુ-સસરાને અભિવચન કરીને એ દિવસે સત્યવાન સાથે વનમાં જવાની માગણી કરી. સત્યવાને મને સ્પષ્ટ ના પાડી, તેમ છતાં હું એમની સાથે ગઈ. મેં પ્રથમવાર મારા સ્વામીના વચનને ઉપરવટ જઈને ધારેલું કરવાનું સાહસ કર્યું. સંયાકાળ થતાં સત્યવાનનું શરીર અચાનક જ ખેંચાવા લાગ્યું. એમને પરસેવો થયો, શિરશૂળ ઉપડ્યું. એ મારી પાસે આવીને કહેવા લાગ્યા, "મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. એમનું માથું મારા ખોળામાં મૂક્યું. નારદે ભાખેલા ઘડી અને મુહૂર્ત પ્રમાણે બરાબર એ જ સમયે એક દિવ્ય પુરુષ અમારી સમક્ષ પ્રગટ થયો. એણે રાતા વસ્ત્ર પહેર્યા હતા, મુગટ પહેર્યો હતો, એની કાંતિ સૂર્ય જેવી તેજસ્વી હતી, પરંતુ વર્ણ તેનો તદ્દન કાળો હતો. આંખો લાલ હતી, તે ભયંકર જણાતો હતો.

"સાવિત્રી, હું યમ છું. તારા પતિને લેવા આવ્યો છું. મેં એમને ખૂબ જ વિનંતી કરી, પરંતુ એમણે મારું કંઈ સાંભળ્યું નહીં. સત્યવાનના શરીરમાંથી અંગૂઠા જેવડો પુરુષ એમણે બળપૂર્વક ખેંચી કાઢ્યો. સત્યવાનનું શરીર પ્રભાવહિન, ચેષ્ટા શૂન્ય, શ્ર્વાસોચ્છ્વાસ રહિત થઈ ગયું. અંગૂઠા જેવડા પુરુષને પાશમાં બાંધીને યમ

દક્ષિણમાં ચાલવા લાગ્યા. હું પાછળ પાછળ ગઈ... યમે કહ્યું, "હે સાવિત્રી, તું પાછી વળ. તારા પતિના પાર્થિવ શરીરની ઉત્તરક્રિયા કર. તું સ્વામી પ્રત્યેના ૠણમાંથી મુક્ત છે.

"મેં મારા પતિને જતા જોયા છે એથી હવે હું એમનું અનુસરણ કર્યા વિના રહી શકીશ નહીં. યમની પાછળ ચાલતા ચાલતા મેં એમને કહેવા માંડ્યું, "તત્ત્વદર્શી પંડિતો કહે છે કે સાત ડગલા ચાલવાથી મૈત્રી થાય છે, હું આપણી મૈત્રીને આગળ ધરીને હું મારા સ્વામીના પ્રાણ માગું છું...

મને પાછી ફરવા માટે સમજાવતા યમે મને અનેક વરદાન આપ્યા, જેમાં મારા શ્ર્વસુરની દૃષ્ટિ, એમનું રાજ્ય અને મારા પિતાને ત્યાં પુત્રનું પણ વરદાન મળ્યું. અંતે મેં મારા સસરાના વંશ માટે વિનંતી કરી. યમે "તથાસ્તુ કહી દીધું. એમણે સો પુત્રોનું વરદાન આપ્યું, ત્યાર બાદ મેં એમને કહ્યું કે, "પુરુષ વિના સ્ત્રીને પુત્ર કઈ રીતે થાય...હું મારા પતિ વિના મૃત્યુ પામેલી જ છું. સ્વામી વિનાના સ્વર્ગની કે સ્વામી વિનાના સુખની કલ્પના મને ધ્રુજાવી મૂકે છે. યમ હસી પડ્યા. એમણે કહ્યું, "એ કુલનંદિની તું ખૂબ જ ચતુર છે. બુદ્ધિશાળી અને પતિવ્રતા છે. તેં મને હરાવ્યો છે. મેં તારા ભર્તાને મુક્ત કર્યો છે. એ તારી સાથે ચારસો વર્ષનું આયુષ્ય ભોગવશે. એમણે સત્યવાનના શરીરમાંથી ખેંચી કાઢેલા પુરુષને તત્કાલ મુક્ત કર્યો...

હું વનમાં પાછી ફરી. મેં મારા પતિને સૂતેલા જોયા. હું ફરી એ જ સ્થિતિમાં એમનું માથું ખોળામાં લઈને બેઠા. એમણે આંખો ઉઘાડી...

પતિનું આયુષ્ય માગવાના મારા પ્રયાસમાં મને સફળતા મળી, પરંતુ સાચા અર્થમાં મને સત્યવાનના શરીરની કે દીર્ઘાયુષ્યની ખેવના જ નહોતી. હું તો મારા પતિ સાથે જીવન જીવવા ઇચ્છતી હતી. શારીરિક રીતે પતિનું દીર્ઘાયુષ્ય માગવું એ સ્ત્રીનો ધર્મ નથી.

લાંબા જીવન સાથે સ્વસ્થ અને સુખી જીવન પ્રદાન કરવું એ સ્ત્રીનું ધ્યેય હોવું જોઇએ. મેં કદાચ પહેલા જ વરદાનમાં જો સત્યવાનનું આયુષ્ય માગી લીધું હોત તો યમે નકારી દીધું હોત! પરંતુ શ્ર્વસુરની દૃષ્ટિ અને રાજ્ય, માતાને પુત્રો અને સર્વેનું સુખ માગ્યા પછી મેં જ્યારે મારા સંતતિની માગણી કરી ત્યારે યમ એને નકારી શક્યા નહીં...

સતી હોવું એટલે યમને હરાવવા એવું નહીં, સતી હોવું એટલે સ્ત્રીત્વનો વિજય થવો. સ્વયં પર નિયંત્રણ રાખીને, સ્વાર્થની બહાર જઈને બેઉ પરિવારના સુખની પ્રાર્થના કરવી... પહેલાં અન્યોના સુખનો પ્રયાસ કરવો અને ત્યાર બાદ પોતાના સુખનો વિચાર કરવો...

પતિનું આયુષ્ય સ્વયંના સુખ માટે માગનારી સ્ત્રીઓ કદાચ એ આશીર્વચન પામી શક્તી નથી, પરંતુ સર્વેના સુખનો વિચાર કર્યા પછી જ્યારે સ્વયંનું સુખ માગવામાં આવે છે ત્યારે સ્વયં ઈશ્ર્વર પણ એને નકારી શક્તો નથી...

સપનાએ સાકાર કર્યું સંશોધન --- વિજ્ઞાન - નરેન્દ્ર પટેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=63591

અનેક વૈજ્ઞાનિક શોધમાં નિદ્રાવસ્થા કે અર્ધજાગ્રત અવસ્થામાં આવેલા શમણાનો પરોક્ષ ફાળો છે

શમણાને વૈજ્ઞાનિક શોધ સાથે શો સંબંધ છે? કેટલીક એવી શોધ છે કે જેની રચના, વિચાર અને કાર્યની વિગત સ્વપ્નમાં આવી હોય અને તેને આધારે શોધખોળ શક્ય બની હોય. કેટલીક વખત એવું પણ બન્યું છે કે રાસાયણિક પ્રક્રિયા કરીને જે મેળવવા ધાર્યું હોય તે ન બને અને કંઇક બીજું જ બને.

પરમાણુની રચનાની શોધ કરનાર નીલ્સ બોહરે લખ્યું છે કે પરમાણુના અસ્તિત્વની જાણ તો વૈજ્ઞાનિકોને હતી, પરંતુ તેની રચના વિશે કોઇને જાણ નહોતી. નીલ્સ બોહરે પરમાણુની રચના જાણવા માટે અનેક પ્રયોગો કર્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. નીલ્સ બોહર કહે છે કે એક દિવસ મેં સ્વપ્નમાં જોયું કે હું સૂરજની વચ્ચોવચ ઊકળતા વાયુઓની મધ્યમાં ઊભો છું. સૂર્યની ચારે બાજુ અનેક ગ્રહો ફરી રહ્યા છે. આ ગ્રહો એક પાતળા તંતુથી સૂર્ય સાથે જોડાયેલા છે. હવે અચાનક વાયુઓનું જ્વલન બંધ પડે છે, અને વાયુઓ સખત બને છે. ત્યાર બાદ સૂર્ય અને બીજા ગ્રહો છિન્નભિન્ન થઇ ગયા, વિખંડિત થઇ ગયા. તે સમયે જ મારી આંખ ખૂલી ગઇ.

સપનાની આ બાબત અંગે સતત વિચારતો રહ્યો. તેથી એવું લાગતું હતું કે આ સપનાની કોઇક સાર્થકતા જરૂર છે. એવો અણસાર પણ આવ્યો કે આ સપનાનો સંકેત પરમાણુ રચના સાથે તો નથીને! પછી હું એક નિર્ણય પર આવ્યો કે, પરમાણુ ખુદ એક કેન્દ્ર (નાભિ) છે અને તેની ચારે દિશામાં ઇલેક્ટ્રોન ઘૂમતા રહે છે. આ રીતે એક શમણાથી આજનો પરમાણુ યુગ શરૂ થયો.

સર ફ્રાન્સીસ બેકન ઇંગ્લેન્ડના સંશોધક હતા. તેમને ખાંખાંખોળા કરવાની આદત હતી. તેઓ માનતા કે, ‘સાંભળેલું ભૂલી જવાય છે, જોયેલું યાદ રહે છે અને જાતે કરેલું સમજાય છે.’ તેથી તેમણે પ્રયોગો કરો અને જ્ઞાન ચકાસો એવો સિદ્ધાંત અપનાવ્યો હતો. એક વખત એલેકઝાંડર ફ્લેમિંગ તેમની પ્રયોગશાળાની સફાઇ કરતા હતા, પ્રયોગો માટે અનેક રકાબીઓ ગોઠવેલી હતી. એક રકાબીમાં બેક્ટેરિયા ઉછેરવામાં આવ્યા હતા. તેમાં એક જગ્યાએ બેક્ટેરિયા નહોતા, પરંતુ ફુગ હતી. આ ફુગ એટલે બીજું કંઇ નહીં, પરંતુ પેનિસિલિન. ફ્લેમિંગ એવું વિચારતાં હતા કે આ ફુગ તો નકામી છે. અને અડચણરૂપ છે પાછળથી આ ફુગ બેક્ટેરિયાનાશક પુરવાર થઇ. તેને આધારે પેનિસિલિનની શોધ થઇ.

ફેડરિક કે. ક્યૂસનનું નામ બેન્ઝિનની રાસાયણિક રચના સાથે સંકળાયેલું છે. તેણે સપનામાં જોયું કે, એક સાપ તેની પૂંછડી મોંમાં દબાવી રાખે છે. બસ, આને આધારે તેમણે બેન્ઝિનની પરમાણુ રચનાનો રિંગ સિદ્ધાંત એટલે કે બંધ શૃંખલાની શોધ કરી.

ચાર્લ્સ ટાઉને લેસરની શોધ કરી હતી. તેના સાથીદારો કહેતા કે, આ કેવી ફાલતું શોધ કરી છે જેનો કશો ઉપયોગ નથી. તેણે તો ફક્ત પ્રકાશના બીમની શોધ કરી હતી, ત્યારે તેને તો લેસરના વિવિધ ઉપયોગો વિશે પણ જાણ નહોતી. શરૂઆતમાં લેસરની શોધને જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહોતો. આંખનો પડદો-સરકી ગયો હોય તેને સરખો કરવા માટે પણ લેસર વપરાય છે. સંગીતમાં પ્રકાશનો જલસો કરવામાં તથા અનેક ક્ષેત્રોમાં લેસર વપરાય છે. તેની શોધ પણ આકસ્મિક રીતે થઇ હતી.

હેન્રી ફેહર નામના પ્રખ્યાત ગણિતશાસ્ત્રીએ ૭૦ જેટલા વિદ્વાનો અને ચિંતકોના અભિપ્રાય મેળવીને જણાવ્યું હતું કે, ૫૧ જેટલા વિદ્વાનોએ ગણિતના અઘરા કોયડા સપનામાં જ ઉકેલ્યા હતા. પરોક્ષ રીતે શમણાં જ મદદે આવ્યાં હતાં. એલિયમ નામના માણસે ઘણાં વર્ષોની જહેમત પછી સિલાઇ મશીનની શોધ કરી હતી, પરંતુ કપડા પર સિલાઇ થતી હતી તે કાચી અને કમજોર થતી હતી. તેની ઇચ્છા હતી કે હજુ બે ગણી મજબૂત થવી જોઇએ. તે માટે તેણે સોય પર ઠેકઠેકાણે છિદ્રો પાડીને પ્રયત્ન કરી જોયા, પરંતુ સફળતા મળી નહીં. આ અંગે તે સતત ચિંતન કરતો રહ્યો. એક દિવસ તે સૂતો હતો ત્યારે સપનું જોયું. સપનામાં જંગલી જાતિના લોકો જેઓ સૈનિક જેવા દેખાતા હતા, તેઓ તેને પકડીને લઇ ગયા. જંગલના રાજાની સામે હાજર કર્યો. રાજાએ તેને હુકમ કર્યો કે ચોવીસ કલાકમાં અમારે માટે સિલાઇ મશીન તૈયાર કર, જો તેમ ન થાય તો તને મોતને ઘાટ ઉતારવામાં આવશે. એલિયમે ચારે તરફ નજર કરી તો બધે સૈનિકો જ જોવા મળ્યા. હાથમાં ભાલા લઇને ઊભેલા સૈનિકોથી તે ઘેરાયેલો હતો, અને વચમાં તાપણું સળગતું હતું. તાપણાના પ્રકાશમાં તેણે જોયું કે ભાલાની ટોચમાં આંખ જેવું છિદ્ર છે. એલિયમે સપનું જોયું. સપનામાં તેણે જોયું કે જો ચોવીસ કલાકમાં સિલાઇ મશીન ન બનાવ્યું તો સૈનિકો ભાલા વડે તેના માથામાં કાણું પાડશે, સપનું તો તૂટી ગયું તે તંદ્રાવસ્થામાંથી સફાળો જાગ્યો. આ સપનામાંથી જ તેને ઉકેલ મળી ગયો. તેણે છેડે છિદ્ર હોય તેવી સોય બનાવી અને મશીનમાં લગાડી દીધી. આ રીતે કપડાં સીવવાના મશીનની શોધ થઇ. અહીં પણ સપનું એલિયમની મદદે આવ્યું.

ફ્લેમિંગના સપનાના ફળ સ્વરૂપે પેનિસિલિનની શોધ થઇ. તેમાંથી ઓરીઓ માઇસિન સ્ટ્રેપ્ટો માઇસિન વગેરે દવાઓ બનાવવામાં આવી. ન્યુમોનિયા, ક્ષય, મેનિન્જાઇટિસ, વિષમજ્વર જેવા જટિલ રોગોમાંથી માનવજાતને મુક્તિ મળી. નિદ્રાવસ્થા કે અર્ધજાગૃત અવસ્થામાં આવેલા શમણાંનો આપણા પર પરોક્ષ રીતે ઘણો ઉપકાર છે.

Wednesday, September 3, 2014

આ ઉપયોગી સાઈટની મુલાકાત અવશ્ય લેજો --- નિજ-નગરિયા - તરુ કજારિયા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=75386


ભારતીય દવા ઉદ્યોગમાં હજારો ઉત્પાદકો દ્વારા અત્યંત તેજ ગતિથી નવી નવી દવાઓ બજારમાં મુકાઈ રહી છે. એ બધી દવાઓની જાણકારી એકઠી કરી તેને ખૂબ જ મહેનતથી વિભાગવાર ગોઠવી આ સાઈટ ઉપર રજૂ કરવામાં આવી છે.

૨૦૧૨નું વર્ષ પૂરું થવા આડે માંડ બે દિવસ રહ્યા છીએ અને આપણે મળી રહ્યા છીએ ત્યારે વીતી ગયેલા વર્ષની કોઈક પોઝિટિવ ઘટના વિશે વિચાર કરવાનો પ્રયત્ન કરું છું તો શોધી ના જડે તેવો ઘાટ લાગે છે. બેશુમાર અપ્રિય અને અરુચિકર ઘટનાઓ-અકસ્માતોના ગંજ વચ્ચેથી કેટલીક દુ:ખદ ઘટનાઓ પણ ડોક ઊંચી કરી રહી છે. સંગીત, સાહિત્ય ઈત્યાદિ કલા-સાંસ્કૃતિક જગતના દિગ્ગજોની વિદાયથી એક મોટું વેક્યુમ રચાયું છે. ખેર, એમની કલા કે એમનું સર્જન દુનિયામાં સતત તેમની યાદને ઝળહળતી રાખી શકશે. પણ આપણે વાત કરતા હતા એવી એક ઘટના આખરે યાદ આવી ગઈ: સત્યમેવ જયતે! આપણા સામાજિક જીવન ઉપર આમિરખાનનો એ રિયાલિટી શૉ કળાના માધ્યમથી જબરદસ્ત પ્રભાવ પાથરી શક્યો. તેના થકી અનેક પોલ ખૂલ્લી પડે અને કેટલાય ઢોલની ખોલ તૂટી.

સત્યમેવ જયતેના મેડિકલ ટ્રીટમેન્ટ સંબંધી એપિસોડમાં દવા ઉત્પાદકો અને ડૉકટરોની સાંઠ-ગાંઠ તથા મોંઘીદાટ મેડિકલ ટ્રીટમેન્ટ વિશે ઘણા રહસ્યો ખુલ્લાં પડાયેલાં. મોંઘી દવાઓના વિકલ્પ તરીકે અને ‘જેનરિક ડ્રગ્સ’ના ઉપયોગનું સૂચન કરાયું હતું. એ એપિસોડના પરિણામરૂપ જ સામાન્ય માણસની જીભે ‘જેનરિક ડ્રગ્સ’ જેવો શબ્દ રમતો થઈ ગયો. આ જેનરિક દવાઓ આપણને ડૉક્ટરોએ લખી આપેલી અમુક બ્રાન્ડની દવાઓની સરખામણીએ ઘણી ઓછી કિંમતની હોય છે અને તેના ક્ધટેન્ટ્સ પેલી દવાઓ જેવા જ હોય છે, પરંતુ આપણા જેવા સામાન્ય લોકો તો એટલી અવેરનેસ ધરાવતા નથી હોતા. વળી કદાચને માની લો કે કોઈક પાસે આવી જાણકારી હોય તો પણ એ દવાઓ બધા કેમિસ્ટ્સ પાસે મળતી નથી એટલે એની માથાકૂટમાં પડતા નથી હોતા. વળી બીમારી એક એવી સ્થિતિ છે જ્યારે માણસ પાસે એવી બધી રિસર્ચ કરવાની ગુંજાઈશ નથી હોતી.

આ સંદર્ભે એક શુભ સમાચાર આવ્યા છે કે ભારત સરકાર હવે દવા કંપનીઓ અને ડૉક્ટરોની મિલીભગત તોડવા મક્કમ થઈ છે અને એવો કાનૂન લાવવાની તૈયારી કરી રહી છે કે દવાઓ એના જેનરિક નામોથી વેચવામાં આવે. એક અન્ય મહત્ત્વની બાબત અંગે પણ સરકારે કડક પગલાં લેવાનું કહ્યું છે. દવા કંપનીઓએ પોતાની દવા બજારમાં વેચાણ માટે મૂકતા પહેલાં ‘ડ્રગ ક્ધટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા’ની મંજૂરી મેળવવાની હોય છે. એ માટે કંપની જ્યારે ‘ડ્રગ ક્ધટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા’ને દવા મોકલે ત્યારે તેની સાથે મેડિકલ ફિલ્ડના નિષ્ણાતોના સાયન્ટિફિક રેકમેન્ડેશન્સ પણ મોકલવાના હોય છે. એ રેકમન્ડેશન્સને આધારે દવાને વેચાણ માટેનું અપ્રુવલ અપાતું હોય છે. આ પ્રોસેસમાં દવા કંપનીઓ કેવી રમત રમે છે તે તાજેતરમાં બહાર આવ્યું છે. કંપનીઓ પોતાની દવાઓ અંગેના સાયન્ટિફિક રેકમન્ડેશન્સ પોતે જ તૈયાર કરીને નિષ્ણાતોના સિગ્નેચર્સ લઈ લે છે. આ હકીકત પ્રકાશમાં આવ્યા બાદ ભારત સરકાર આ દિશામાં કડક નિયમો બનાવવા કટિબદ્ધ થઈ છે. ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસીસ માટે સરકાર એક યુનિફોર્મ કોડ લાવશે. તેની સીધી અસર એ થશે કે કોઈ પણ દવાને સલામત જાહેર કરતાં પહેલાં એ ખરેખર સંપૂર્ણપણે સલામત છે તે પુરવાર કરવું પડશે. એ દવાની કોઈ સાઈડ ઈફેક્ટ છે કે નહીં. તેની કોઈ ઝેરી અસર છે કે નહીં અને તેનું બંધાણ થઈ જવાની શક્યતા છે કે નહીં એની સ્પષ્ટતા પણ ઉત્પાદકે કરવી પડશે. આ વાંચીને થયું કે વિદાય થતા વર્ષમાં મળેલા આ સમાચારને ચોક્કસ એક સારા સમાચાર ગણી શકાય.

અલબત્ત જનતાના કલ્યાણ અર્થે કેટલીક સેવાભાવી સંસ્થાઓ જે કામ કરી રહી છે તેમાંની કેટલીક આ દિશામાં પણ સક્રિય છે. હમણાં એક મિત્રે એક સાઈટ મોકલાવી છે જે આપણા જેવા સામાન્ય માણસોને માટે મોંઘી દવાઓના સસ્તા ઓલ્ટર્નેટિવ્સ શોધવાનું સરળ બનાવી દે છે. આ સાઈટ ઉપર ભારતમાં ઉત્પાદન થાય છે તે અને ભારતમાં વેચાણ થાય છે તેવી બધી દવાઓનાં બ્રાન્ડનેમ સાથે કિંમત પણ આપેલી છે. અને સાથે જ તેના જેનરિક ડ્રગનું નામ, તેની કિંમત, તેના મેન્યુફેક્ચરરનું નામ અને તેની સાઈડ ઈફેક્ટસ વિશેની માહિતી પણ આપેલી છે. આપણે જે દવાની જેનરિક દવાની જાણકારી મેળવવી હોય તે દવાનું નામ એન્ટર કરીએ એટલે તેના વિશેની માહિતી મળે. દવાનું નામ બરાબર ખબર ન હોય તો તેના ઉત્પાદક અથવા તેના બ્રાન્ડ નેમથી પણ સર્ચ કરી શકાય. એ માહિતીમાં દવાના ક્ધટેન્ટ્સની યાદી પણ હોય છે. પછી આપણે એ દવાની મેચિંગ જેનરિક મેડિસિન શોધવાની. એટલે એની યાદી આવી જાય. તેમાં પણ દવાના ક્ધટેન્ટ્સ, તેની કિંમત તથા તેના ઉત્પાદકના નામ લખેલા હોય છે. અમે ડૉક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રાઈબ કરાયેલી કેટલીક દવાઓની જેનરિક મેડિસિન શોધવા સર્ચ કરી તો ઘણા વિકલ્પો મળી આવ્યા. અને આ જેનરિક મેડિસિનની કીમત પેલી બ્રાન્ડ નેમ સાથે આપણે ખરીદીએ છીએ તે દવા કરતાં ઘણી ઓછી હતી! જો કે આસપાસના દસેક મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરી તો પેલી જેનરિક મેડિસિન ક્યાંય પણ ઉપલબ્ધ નહોતી! જેનરિક મેડિસિન ઉપલબ્ધ હોય તેવા મેડિકલ સ્ટોર્સની યાદી તૈયાર કરવાનું કામ સરકારે કે મેડિકલ કાઉન્સિલ જેવી સંસ્થાઓએ હાથ ધરવા જેવું છે. આ સાઈટ વિનોદકુમાર મિત્તલ ચેરિટેબલ ટ્રસ્ટનો એક લોકોપયોગી પ્રોજેક્ટ છે. ભારતીય દવા ઉદ્યોગમાં હજારો ઉત્પાદકો દ્વારા અત્યંત તેજ ગતિથી નવી નવી દવાઓ બજારમાં આવી રહી છે. એ બધી દવાઓની જાણકારી એકઠી કરી તેને વિભાગવાર ગોઠવી આ સાઈટ ઉપર અને ખૂબ જ મહેનત કરીને રજૂ કરવામાં આવી છે. વળી જનતાને તે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સિવાય વેક્સિનેશન્સ વિશે પણ ઉપયોગી જાણકારી અહીં મળે છે.

આ સાઈટનું નામ છે : www.medguideindia.com

આ સાઈટની મુલાકાત લેવા જેવી છે. પોતાના નાણાંનો જનતાના કલ્યાણ માટે ઉપયોગ કરવાનો એક સુંદર વિકલ્પ ફિલેન્થ્રોપિસ્ટ્સને સૂચવે છે આવા પ્રોજેક્ટ્સ. સામાન્યજન માટે તો આ મોંઘવારીના સમયમાં બીમારી એક અત્યંત મૂંઝવતી સ્થિતિ છે. કેટલાય ગરીબ દરદીઓ દવાના અભાવે જિંદગી ગુમાવે છે ત્યારે આવી સેવા એક આશીર્વાદ બની શકે, પરંતુ સવાલ આ જેનરિક દવા સહેલાઈથી ઉપલબ્ધ કરાવવાનો છે. એ દિશામાં પણ સરકાર સક્રિય દખલ કરે તેવી માગ જનતાએ ઉઠાવવી જોઈએ.

અજાયબીથી ભરપૂર માયાજાળ મંદાકિનીની --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=114340

દક્ષિણ ગોળાર્ધનું રાત્રિ આકાશ તારા અને નિહારિકાઓથી ખદબદે છે. કુદરતે દક્ષિણ ગોળાર્ધના આકાશ કરતાં પચીસ ગણા વધારે તારા ઢોળ્યા છે

પ્રાચીન સમયમાં આપણને ખબર ન હતી કે તારા શું છે? અગ્નિની શોધ થયા પછી લોકો માનતા કે તારા આકાશસ્થિત અગ્નિના કણો છે. ઉલ્કાવર્ષા થતી ત્યારે લોકો માનતા કે આકાશમાંથી અગ્નિકણોની વર્ષા થઈ રહી છે. બધા બહુ ડરતા. લોકો પછી એમ માનતા કે ભગવાન મહાન આત્માઓને આકાશમાં તારાના રૂપમાં સ્થાન આપે છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો દેવતા ગણાતા. ગ્રીક વિદ્વાનો માનતા કે ધરતી અને આકાશના નિયમો જુદા છે. આકાશ દૈવી છે. 

આકાશમાં દેખાતો દૈવી શુભ પટ્ટો આકાશગંગા મનાતી. ગેલિલિયોએ જ્યારે આકાશગંગા પર તેનું દૂરબીન માંડ્યું તો ખબર પડી કે આકાશગંગા તો હજારો-લાખો તારાની બનેલી છે. આકાશમાં જેટલા તારા આપણે જોઈએ છીએ તે બધા જ આપણી આકાશગંગાના સભ્યો છે. લોકો માનતા કે આકાશમાં અગણિત તારા છે અને કહેતા કે ‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તોય મારી છાબડીમાં માયે.’ હવે આપણને ખબર પડી છે કે આપણી આકાશગંગામાં પ૦૦ અબજ તારા છે. અને આપણી આકાશગંગા જેવી ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. 

પહેલાં લોકો માનતા કે પૃથ્વી વિશ્ર્વના કેન્દ્રમાં છે. પછી તેઓ માનવા લાગ્યા કે સૂર્ય વિશ્ર્વના કેન્દ્રમાં છે. પછી માનવા લાગ્યા કે સૂર્ય આકાશગંગાના કેન્દ્રમાં છે. આકાશગંગા એટલે પૂરું બ્રહ્માંડ, પૂરું આકાશ. બ્રિટિશ ખગોળનિરીક્ષક સર વિલિયમ હર્ષલે આકાશગંગાના તારાનો અભ્યાસ કરીને તેનાં સ્થાનો નોંધવાની શરૂઆત કરી અને તેનું કેટલોગ બનાવ્યું. તેના પછી ગ્રાફ દોરી પૂરી આકાશગંગાનું ચિત્ર ખડું કર્યું. જ્યારે આઈન્સ્ટાઈને E=mc2 નું સમીકરણ રજૂ કર્યું પછી ખબર પડી કે તારા શા માટે પ્રકાશે છે. તેની સપાટીના ઉષ્ણતામાન આધારિત તેના લાલ, પીળા, સફેદ, બ્લુ (વાદળી) રંગો છે.

આકાશગંગામાં સ્થિત તારાના ગુચ્છાનો અભ્યાસ કરીને હર્લો શેટલેએ દર્શાવ્યું કે આપણો સૂર્ય આકાશગંગાના કેન્દ્રમાં નથી પણ તેનાથી ૩૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે. એટલે કે જેમ પૃથ્વીને વિશિષ્ટ સ્થાન નથી તેમ સૂર્યને પણ વિશિષ્ટ સ્થાન નથી. તે સર્વસામાન્ય તારો છે. જો સૂર્યને ગ્રહમાળા છે તો બીજા તારાને પણ ગ્રહમાળા હોવી જોઈએ અને તે ગ્રહમાળામાં પૃથ્વી જેવો ગ્રહ હોવો જોઈએ અને તેના પર પણ આપણા જેવા માણસો વસતા હોવા જોઈએ, જીવન હોવું જોઈએ. ૧૯૪૦ના દાયકામાં ડચ ખગોળવિદ જાન કેન્ડ્રિક ઉર્ટે દર્શાવ્યું કે આપણી મંદાકિની જાયન્ટ વ્હીલ (જાયન્ટ ચકડોળ) જાયન્ટ મેરી-ગો-રાઉન્ડની જેમ ધીરે ધીરે ધરીભ્રમણ પણ કરે છે. 

આપણી આકાશગંગાનો વ્યાસ ૩ લાખ પ્રકાશ વર્ષ છે. એટલે કે આપણી આકાશગંગાના એક છેડેથી બીજા છેડે જતાં પ્રકાશને ૩ લાખ વર્ષ લાગે છે. પ્રકાશની ગતિ સેક્ધડના ૩ લાખ કિલોમીટરની છે. વર્ષની કેટલી સેક્ધડ, તેને ગુણ્યા ૩ લાખ, તેને ગુણ્યા ૩ લાખ એટલા કિલોમીટરનો આપણી આકાશગંગાનો વ્યાસ છે. 

આકાશગંગાને સર્પિલ ભુજાઓ છે. તેનો ઓવર ઓલ આકાર પંજાબી છોલે પૂરીની પૂરી જેવો છે. તેમાં વિરાટ, અતિવિરાટ વાયુનાં વાદળો, ધૂલિકણો, બ્લેકહેલ્સ, ન્યુટ્રોન સ્ટાર્સ, વ્હાઈટડવાર્ફસ્ટાર્સ, ક્વેઝાર્સ, તારાગુચ્છો, તારા, ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કા વગેરે બધું જ છે. આકાશગંગાના કેન્દ્રમાં જાયન્ટ બ્લેકહોલ છે જેમાં અબજો સૂર્ય જેટલો પદાર્થ છે. આપણી આકાશગંગાના કેન્દ્રમાં દંડ છે કે નહીં તેની ખગોળવિજ્ઞાનીઓને ખબર નથી, કારણ કે આકાશગંગાના કેન્દ્રથી ૧૦ પ્રકાશવર્ષના અંતર સુધી પ્રકાશ, પ્રકાશ સિવાય કાંઈ દેખાતું નથી. આપણી આકાશગંગાને ચાર સર્પિલ ભુજાઓ છે કે પાંચ તેની પણ આપણને ખબર નથી. આપણો સૂર્ય કોઈ એક ભુજામાં છે કે બે ભુજાઓ વાળો છે, તેની પણ આપણને ખરેખર જાણ નથી. આકાશના તારા વચ્ચે જે નાના નાના ધાબા નજરે ચઢે છે તે આપણી જવી નાનીમોટી મંદાકિનીઓ જ છે. ખગોળવિજ્ઞાનીઓએ બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ શોધી કાઢી છે.

આપણી આકાશગંગા મંદાકિનીની નજીકમાં એની સરખામણીમાં નાની નાની બે અનિયમિત આકારની મંદાકિનીઓ છે. તેનાં નામો લાર્જ મેગલેનિક ક્લાઉડ અને સ્મોલ મેગલેનિક ક્લાઉડ (મેગલેનનું મોટું વાદળ અને મેગલેેનનું નાનું વાદળ) છે. તે અનિયમિત આકારની છે, કારણ કે આપણી મંદાકિની પોતાના ભયંકર ગુરુત્વાકર્ષણને લીધે તેને છિન્ન-વિછિન્ન કરતી જાય છે. આપણી આકાશગંગાની પડોશમાં ૪૦ મંદાકિનીઓ છે. તેને ખગોળવિદો લોકલ ગ્રુપ ઓફ ગેલેક્સી કહે છે. આ એક મંદાકિનીઓનું સંગઠન છે. 

આપણી મંદાકિનીની ઉપમંદાકિની (સેટેલાઈટ ગેલેક્સી) મેગલેનનું મોટું વાદળ અને મેગલેનનું નાનું વાદળનાં નામો આવાં પડ્યાં છે, કારણ કે પંદરમી-સોળમી સદીના વિખ્યાત સાગરખેડું ફર્ડિનાન્ડ મેગલેને તેને સૌપ્રથમ જોઈ હતી અને તેની સાગરપ્રવાસની નોંધપોથીમાં લખી હતી. મેગલેન જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા મહાસાગરોમાં જહાજ ચલાવતો હતો ત્યારે જ્યારે તે દક્ષિણગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયાની નીચેથી પસાર થતો હતો ત્યારે તેણે રાત્રિ આકાશમાં આ બે નાનાં નાનાં વાદળો જોયાં હતાં. અને તેની ડાયરીમાં નોંધ્યાં હતાં. મેગલેને જોયું કે એ વાદળો સામાન્ય વાદળો નથી. તે મહિનાઓ સુધી તેની તે જ જગ્યાએ દેખાતાં હતાં. તેમ છતાં તેના આકાર અને દેખાવને લીધે તેણે તેને વાદળો કહ્યાં હતાં. હવે આપણને ખબર પડી છે કે તે હકીકતમાં આપણી આકાશગંગા મંદાકિનીની ઉપમંદાકિનીઓ છે અને તેમાં કરોડો તારા છે. ૧૯૮૭માં મેગલેનના મોટા વાદળમાં તારાનો જબ્બર મહાવિસ્ફોટ થયો હતો. પૃથ્વી પરના ખગોળવિજ્ઞાનીઓએ તેનો બરાબર અભ્યાસ કર્યો હતો. મેગલેનની મોટા વાદળમાં એક વિશાળ, અતિવિશાળ નિહારિકા (નેબુલા) છે. જેનું નામ તરન્તુલા નેબુુલા છે. 

ઓસ્ટ્રેલિયામાં ઈન્ટરનેશનલ એરટ્રોનોમિકલ યુનિયનની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ હતી. તેમાં ભારતમાંથી ખગોળવિદોના મોટા જૂથને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં પ્રોફેસર જયન્ત નારલીકર, પ્રોફેસર એસ. એન. ચિત્રે, પ્રોફેસર કૃષ્નસ્વામી, પ્રોફેસર રામદરાઈ અને લેખકનો સમાવેશ હતો. કોન્ફરન્સ સિડનીમાં હતી, પણ કોન્ફરન્સ પછી ખગોળવિજ્ઞાનીઓના જૂથને ઓસ્ટ્રેલિયાના છેક દક્ષિણે લઈ જવામાં આવ્યું હતું. ત્યાંથી રાતે અમે બધાએ દક્ષિણગોળાર્ધના રાત્રિઆકાશનું નિરીક્ષણ કર્યું હતું અને એની ભવ્યતાનાં દર્શન કર્યાં હતાં. ત્યારે સુંદર એવા મેગલેનના મોટા વાદળ અને મેગલેનના નાના વાદળને અમે જોયાં હતાં. એટલું જ નહીં, ત્યારે ડઝનબંધ તારકગુચ્છો, ઝગઝગતા શુભ્ર વાયુનાં વાદળો, નિહારિકાઓ જોયાં હતાં. દક્ષિણ ગોળાર્ધનું રાત્રિઆકાશ તારા અને નિહારિકાઓથી ખદબદે છે. કુદરતે દક્ષિણાયન ગોળાર્ધના આકાશમાં ઉત્તર ગોળાર્ધના આકાશ કરતાં પચીસ ગણા વધારે તારા ઢોળ્યા છે. કુદરતે આ પક્ષપાત કર્યો છે. હકીકતમાં આ પક્ષપાત નથી પણ આપણી મંદાકિનીનું કેન્દ્ર દક્ષિણ ગોળાર્ધમાં છે માટે ત્યાં વાયુનાં વાદળો, તારકગુચ્છો, તારા ટોળે વળ્યા હોય તેમ દેખાય છે. ધનુ રાશિ અને વૃશ્ર્ચિક રાશિ દક્ષિણ ગોળાર્ધમાં છે. વૃશ્ર્ચિક રાશિની પૂંછડીને મૂળ નક્ષત્ર કહે છે, કારણ કે તેની દિશામાં આકાશગંગાનું કેન્દ્રમૂળ છે. આકાશગંગા વૃશ્ર્ચિક રાશિની પૂંછડીમાંથી પસાર થાય છે. તે ભવ્ય દૃશ્ય સર્જે છે. આપણે આકાશગંગાને તેની સર્વાંગી ભવ્યતામાં જોવી હોય તો જેઠ મહિનામાં આકાશ સ્વચ્છ હોય તો રાતે નવ-દશ વાગ્યે વૃશ્ર્ચિકની પૂંછડીમાંથી પસાર થતી જોઈ શકાય. એપ્રિલ-મે માસમાં એટલે કે ચૈત્ર-વૈશાખ મહિનામાં રાત્રિના ૧૨ વાગ્યા પછી એ ભવ્ય દૃશ્ય જોઈ શકાય. વૃશ્ર્ચિક કાંઈ મોતનો પયગામ નથી. તે તો અનંતની શોભાની છડી પોકારે છે. વૃશ્ર્ચિકના ત્રણ વિભાગ છે. અનુરાધા, જ્યેષ્ઠા અને મૂળ. જ્યેષ્ઠા, સુંદર લાલ તારો છે. તે આપણાથી ૪૦૦ પ્રકાશવર્ષ દૂર છે. વૃશ્ર્ચિકના બે આંકડા એટલે અનુરાધા નક્ષત્ર. વૃશ્ર્ચિક રવિમાર્ગને લંબ થઈને પડ્યો છે. તે તેના માર્ગમાં આડો પડ્યો નથી. વૃશ્ર્ચિકની પશ્ર્ચિમે તુલા રાશિ છે અને પૂર્વમાં ધનુ રાશિ છે. 

આકાશગંગાની શોભા જ અનેરી છે. તે આપણી મંદાકિની છે. આપણા ઋષિઓ માનતા કે ગંગા આકાશમાંથી ઊતરી આવી છે. આકાશગંગાનો પટ્ટો જ હૃષીકેશ પાસે વહેતી ગંગા જેવો છે. હકીકતમાં ગંગા પણ આકાશમાંથી ઊતરી આવી છે. ગંગા બરફની દેન છે. હિમાલયમાં પડતા બરફની, પણ બરફ તો આકાશમાંથી ધીરે ધીરે આવીને હિમાલયની ઉત્તુંગ ચોટી ગંગોત્રી પર પડે છે. ગંગોત્રીની ગ્લેશિયર બનાવે છે અને તેમાંથી ગંગા ઉત્પન્ન થાય છે. માટે ગંગા આકાશમાંથી જ આવી ગણાયને? પૃથ્વી પર જે વરસાદ થાય છે. તે પણ આકાશમાંથી તો આવે છે. માટે આ બધું ગંગામય જ છે. માટે પાણી ગમે ત્યાં હોય તે આકાશગંગાનું જ પાણી છે.

શાસ્ત્રોમાં આપણી આકાશગંગાને શેષનાગના સ્વરૂપે વર્ણવવામાં આવી છે. આકાશગંગાની પાંચ સર્પિલ ભૂજા શેષનાગની પાંચ ફેણ છે અને આકાશગંગાનો આકાર શેષનાગનો દેહ છે. વાત રસપ્રદ છે. ધ્રુવતારો છે તે કાલેય (શેષનાગ)ની બરાબર ફેણ ઉપર છે જેની ફરતે બ્રહ્માંડનો ગરબો ચકરાવો લઈ રહ્યો છે. માટે આપણી પૃથ્વી શેષનાગની ફણા પર છે. તેવી કલ્પના કરવામાં આવી છે. આમ ચિત્ર રસપ્રદ છે. શાસ્ત્રોમાં આકાશગંગાને વાસુકિનાગ રૂપે પણ કલ્પના કરવામાં આવી છે. સમુદ્રમંથન વખતે તેને નેતરુ બનાવવામાં આવ્યા હતો. મેરુ પર્વતને ઝેરણી કલ્પવામાં આવી હતી અને સમુદ્રનું મંથન કરવામાં આવ્યું હતું. મેરુ પર્વતની ટોચે ધ્રુવતારો સ્થિર છે અને તેની ફરતે બ્રહ્માંડ વલોવાય છે, ગોળ ગોળ ફરે છે. શું કલ્પના છે આપણા પૂર્વજોની! આકાશગંગા મૃગનક્ષત્ર, હંસતારામંડળમાંથી પસાર થાય છે. જાણે કે હંસ નદીમાં તરી રહ્યો હોય. આકાશગંગાને વૈતરણી પણ કલ્પવામાં આવી છે. તેને પાર કરીને જ સ્વર્ગે જઈ શકાય. તેના કાંઠે સ્વર્ગના સિપાઈઓ જેવા બે મહાશ્ર્વાનો છે જે સ્વર્ગના દરવાજે ચોકી કરે છે. જીવાત્મા જો વૈતરણી પાર કરી શકે તો સ્વર્ગના દરવાજે આવી શકે. તેને ત્યાં પ્રવેશ મળે કે નહીં તે તેના કર્મોને આધીન છે. આકાશમાં આકાશગંગા તો છે પણ તેમાં ઘણી કથાઓનો પણ સમાવેશ છે. આકાશમાં વસંતસંપાતબિન્દુની જગ્યા ઐતિહાસિક ઘટનાઓ કયા કયા યુગમાં બની તેનો પણ નિર્દેશ કરે છે. પૂર્વ વેદકાલીનયુગ, વેદકાલીનયુગ, મહાભારત યુગ વગેરે.