Saturday, June 28, 2014

દસકો ફેરવી નાખતા દસ શબ્દો -- સેલિબ્રિટીના આયનામાં સેલિબ્રિટી - ડો. જે. જે. રાવલ

હળવગદના મહાદેવના મંદિરના પૂજારીથી નેહરુ પ્લેનેટેરિયમના ડિરેકટર સુધીની મજલ કાપનાર ખગોળવિદ ડૉ. જે. જે. રાવલે સૂર્યમંડળનો તલસ્પર્શી અભ્યાસ કરી નવી નવી જાણકારી આપી જગતને દંગ કરી દીધું છે....

‘રાવલ મુંબઈ આવે છે, તું એને રિસર્ચની ગોઠવણ કરી આપજે’

કોઈની ભલામણ કરતું આ દસ શબ્દનું વાકય. પણ આ દસ શબ્દોએ એવી કમાલ કરી કે એ વ્યક્તિના જીવનનો દસકો ફરી ગયો. ત્યારથી પ્રગતિના પગથિયા ચડવાનું જે શરૂ કર્યું તે આજ દિન સુધી પાછું વાળીને નથી જોયું. શિફારસ કરનાર અને જેને શિફારસ થઇ હતી એ બન્ને વ્યક્તિ નામવંત હતી અને જેની શિફારસ થઇ હતી એ એ સમયની નામ વિનાની વ્યક્તિ સખત મહેનત અને આવડતથી પોતાની જાતને આ બન્ને વ્યક્તિની હરોળમાં ગોઠવાઈ જઈ નામવંત બની ગઈ.

શિફારસ કરનારી વ્યક્તિ હતી પ્રોફેસર મહાદેવ દત્તા. મહાન વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ ઇન્સ્ટિટયુટ ઓફ ફિઝિકલ સાયન્સીસ, કલકત્તાના ડિરેક્ટર. જેમને શિફારસ થઇ હતી એ વ્યક્તિનું નામ છે ડૉ. જયંત વિષ્ણુ નારળીકર, ભારતના વિશ્ર્વવિખ્યાત એસ્ટ્રોફિઝિસીસ્ટ અને જેમની શિફારસ થઇ હતી એમનું નામ છે જિતેન્દ્રકુમાર જટાશંકર રાવલ.

નામ વાંચીને તો લાગે કે હશે કોઈ ક્રિયાકાંડી બ્રાહ્મણ અથવા હશે કોઈ ધર્મસ્થાન-મંદિરના પૂજારી. પણ આ વ્યક્તિ નથી વ્યવસાયે બ્રાહ્મણભાઈ કે નથી કોઈ ધર્મસ્થાન-મંદિરના પૂજારી. એ તો છે સરસ્વતીદેવીના ઉપાસક અને વિદ્યાના મંદિરના પૂજારી ખગોળ વિજ્ઞાની ડૉ. જે જે રાવલ. તેઓ જે જે રાવલ તરીકે એટલી હદે જાણીતા છે કે એમનું આખું નામ જિતેન્દ્રકુમાર જટાશંકર રાવલ છે એ એમની સાથે નિયમિત કામ કરનારાઓમાંથી ૮૦ ટકા લોકોને કદાચ ખબર નહિ હોય.

પોતાની કારકિર્દીમાં ધરખમ પરિવર્તન લાવનારા આ બે મહાનુભાવોની સ્મૃતિઓ તાજી કરતી વખતે ડૉ. રાવલના ચહેરા પર અનોખી ચમક આવી જાય છે. અસ્સલના જમાનાનો ગુરુકુળનો કોઈ વિદ્યાર્થી પોતાના ગુરુના સ્મરણમાત્રથી કેવો ભાવવિભોર થઇ જાય કંઇક એવા જ ભાવ રાવલ સાહેબના ચહેરા પર દેખાઈ રહ્યા હતા.

પોતાની કારકિર્દીમાં બે મહત્ત્વના તબક્કે નિર્ણાયક વળાંક લાવનારી આ બે વ્યક્તિ વિશે ડૉ. જે જે રાવલ કહે છે, ‘આ લોકોએ જો મારો હાથ ના ઝાલ્યો હોત તો આજે હું કદાચ કોઈ સ્કૂલ-કોલેજમાં શિક્ષક હોત અથવા કોઈ કંપનીમાં કોને ખબર શું કામ કરતો હોત.’

અને રાવલસાહેબ ભૂતકાળમાં સરી પડે છે. ‘૧૯૬૮માં મેં અપ્લાઇડ મેથ્સ સાથે એમ.એસસી. કર્યું અને એ જ વર્ષે મારા લગ્ન પણ થયા’, તેઓ જણાવે છે, ‘મારે તો રિસર્ચ કરવું હતું, ખગોળ વિજ્ઞાનની દુનિયામાં સિક્કો જમાવવો હતો, પણ લગ્ન થઇ ગયા એટલે નોકરી તો કરવી જ પડે. એટલે થાણાની એક ફેકટરીમાં મહિને દાડે ૩૦૦ રૂપિયાની નોકરી સ્વીકારી લીધી. કામ સ્ટોર મેનેજરનું કરું પણ મનમાં તો રિસર્ચનો જ કીડો સળવળ્યા કરે.લોકો રિસર્ચ કઈ રીતે કરતા હશે?નવું નવું કઈ રીતે શોધી કાઢતા હશે? એવા વિચારો જ મનમાં ઘૂમરાયા કરે. આઠ મહિના પછી શેઠે ૧૦૦ રૂપિયા વધારી પર્મેનન્ટ કરવાની વાત કરી. મેં તો કહ્યું મને ૫૦૦ આપો. શેઠે માગણી ના સ્વીકારતા ન્યુ એરા સ્કૂલમાં ટીચરની ૫૦૦ની નોકરી સ્વીકારી લીધી. થોડા સમય પછી નોકરી કરતા કરતા રિસર્ચ માટે સમય માગ્યો ત્યારે મને ચોખી ના પાડવામાં આવી અને એટલે મેં એ નોકરીને પણ ગુડબાય કરી દીધું અને ઘર ચલાવવા ટ્યુશન્સ શરૂ કર્યા. વળી પાછી એક કંપનીમાં નોકરીએ બેઠો.આર્થિક જવાબદારીઓ પૂરી કરવા આ બધું કરતો હતો પણ મારું ચિત્ત એમાં નહોતું.’

અહીં આવે છે જીવનનો પ્રથમ વળાંક.૧૯૭૪માં અખબારમાં એક જાહેરખબર આવી કે કલકત્તાની સત્યેન્દ્રનાથ બોઝ ઇન્સ્ટિટયુટ ઓફ ફિઝિકલ સાયન્સીસમાં એમ.એસસી. પછી એમ.ફિલ.ના રિસર્ચની એમાં વાત હતી. આપણા રાવલસાહેબ તો હરખાઈ ગયા. તાબડતોબ અરજી કરી, ઈન્ટરવયૂ માટે કૉલ આવ્યો અને એડમીશન પણ મળી ગયું.

‘બોગદામાંથી પસાર થતી વ્યક્તિને એક મીણબત્તીના પ્રકાશમાત્રથી જેવી લાગણી થાય એવો જ હરખ મને થયો.’ જે જે રાવલ કહે છે, દર મહિને ૨૦૦ રૂપિયાની સ્કોલરશિપ સાથે ભણવાનું શરૂ કરી દીધું. જોકે એમાંથી ૧૫૦ રૂપિયા ઘરે મોકલતો-મોકલવા પડતા કારણ કે ઘરે પત્ની હતી અને પુત્રીનો જન્મ થઇ ગયો હતો.એક ટાઇમ સાંજે જમીને જેમતેમ ૫૦ રૂપિયામાં મહિનો પૂરો કરતો.’

આ બધી વાતની જાણ થઇ ઇન્સ્ટિટયુટના ડિરેક્ટર મહાદેવ દત્તાને. અભ્યાસમાં કડક હાથે કામ લેતા દત્તા સાહેબ ખૂબ જ લાગણીવાળા હતા.પિતા જેમ સંતાનોનું ધ્યાન રાખે એમ બધાનું ધ્યાન રાખવા લાગ્યા. ‘રહેવાની જગ્યા ફ્રી, કોઈ ભાડું નહિ.ફીમાં પણ માફી,’ જે જે રાવલ કહે છે,આર્થિક બોજો હળવો થતા અમે બધા જોશમાં આવી ગયા.બે વર્ષમાં ડિસ્ટિંન્ક્શન સાથે એમ.ફિલ.કર્યું અને દત્તાસાહેબ દ્વારા આયોજિત એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજૂ કરવાની તક મળી અને એ પછી મહાદેવ દત્તાએ કલકત્તામાં પીએચ.ડી. કરવા કહ્યું.’

બસ, આજ તો ખેવના હતી રાવલસાહેબની. પણ કાળને જાણે આ મંજૂર ન હોય એમ સ્કોલરશિપની સમસ્યા અને પત્નીની બીમારીને કારણે તેઓ બિસ્તરા-પોટલા બાંધી મુંબઈ પાછા ફર્યા. મુંબઈ પાછા તો ફર્યા પણ કરવું શું એની કોઈ દિશા નહોતી. અહીં આવે છે જીવનનો બીજો અને મહત્ત્વપૂર્ણ વળાંક.પ્રોફેસર મહાદેવ દત્તા જે જે રાવલની લગન જાણતા હતા એટલે એમણે મુંબઈમાં જગવિખ્યાત વિજ્ઞાની પ્રોફેસર જયંત નારળીકરને ફોન કરી કહ્યું, ‘રાવલ મુંબઈ આવે છે,તું એને રિસર્ચની ગોઠવણ કરી આપજે.’ આટલી વાત કરીને એક વિગતવાર કાગળ પણ લખ્યો.

‘મહાદેવ દત્તાની ભલામણ જ એટલી જોરદાર હતી કે નારળીકરે પત્ર લખી મને મળવા બોલાવ્યો,’ ડૉ. જે જે રાવલ કહે છે, હું તો પહોંચી ગયો ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર)ના કેન્દ્ર પર. નારળીકર ત્યારે ટીઆઈએફઆર સાથે સંકળાયેલા હતા. પહેલા તો તેમણે મારી રજૂઆત વિગતે જાણી. પછી મારી સાથે ચર્ચા કરી પણ પોતે ટેક્નિકલ કારણોસર મને ટીઆઈએફઆરમાં લઇ નહિ શકે એમ અફસોસપૂર્વક જણાવ્યું. આ વાત સાંભળી હું થોડો નિરાશ થઇ ગયો. જોકે પછી એમણે જે વાત કરી એમાં મને આશાનો દીવડો ટમટમતો દેખાયો. એમણે કહ્યું કે વરલીમાં નેહરુ પ્લેનેટેરિયમ શરૂ થયું છે.એમને ખગોળ વિજ્ઞાનીની જરૂર છે. તું એમાં જોડાઈ જા.નોકરી કરતા કરતા તું રિસર્ચ પણ કરી શકીશ.’ પ્રોફેસર જયંત નારળીકર 

વિષે એમણે એક મજેદાર કિસ્સો પણ કહ્યો. તેમણે જણાવ્યું, ‘નારળીકર અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતા.૧૯ વર્ષની ઉંમરે બનારસ યુનિવર્સિટીમાં બી.એસસી. કરીને આગળ ભણવા કેમ્બ્રિજ ગયા હતા. તેમણે બારમા ધોરણની પરીક્ષા આપી ત્યારે ગણિતનું છ સવાલનું ત્રણ કલાકનું પેપર એમણે એક કલાકમાં લખી નાખ્યું. એ સમયે પેપરનો સમય પૂરો ન થાય ત્યાં સુધી નીકળાતું નહિ.એટલે તેઓ ચુપચાપ બેઠા રહ્યા. એટલામાં રાઉન્ડ પર નીકળેલા કોઈ અધિકારીનું ધ્યાન એમના પર પડ્યું અને એની પાસે આવીને કહેવા લાગ્યા કે થોડો વિચાર કરીશ તો આગળ પેપર લખી શકીશ.જોકે પેપર લખાઈ ગયું છે એવો જવાબ સાંભળીને પેલા ભાઈ તો ભોંઠા પડી ગયા. અન્ય એક પરીક્ષાના પેપરનો કિસ્સો પણ મજેદાર છે. પેપરમાં લખ્યું હતું કે કોઈ પણ છ સવાલના જવાબ લખો. દરેકના માર્ક સરખા છે. નારળીકરે છથી વધારે પ્રશ્ર્નોના ઉત્તર આપ્યા અને છેવટે લખ્યું કે કોઈ પણ છ ઉત્તર તપાસો, દરેકના સરખા જ માર્ક છે.’

બસ, નારળીકરના કહેવાથી રાવલસાહેબ નેહરુ પ્લેનેટેરિયમમાં જોડાઈ ગયા અને બની ગયા પ્લેનેટેરિયમના જોઈન્ટ ડિરેકટર. નોકરીની સાથે રિસર્ચ પણ શરૂ કરી દીધું. અંતે ડૉ. જે જે રાવલની ગાડી તેઓ ઈચ્છતા હતા એ પાટા પર અને એ દિશામાં દોડવા લાગી. એ દિવસથી પોતે ઝંખતા હતા એ દિશામાં જ પ્રયાણ જારી રહ્યું છે.ખગોળશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી, ઊંડું સંશોધન કરી સિદ્ધિના એક પછી એક શિખરો સર કરતા ગયા છે આપણા ડૉ. જે જે રાવલ.સૂર્યમંડળ વિષે અનેક સંશોધનો કરી દુનિયાના નકશા પર ભારતનું નામ રોશન કર્યું છે. વિશાળ સંશોધન ઉપરાંત વિજ્ઞાન પર ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પારાવાર લેખો લખ્યા છે. સ્કૂલ-કોલેજો-સંસ્થા-મંડળોમાં વ્યાખ્યાનો આપ્યાં છે. રેડિયો-ટીવી પર વાર્તાલાપ રજૂ કર્યા છે. પુસ્તકો પણ લખ્યાં છે. કોઈ પણ ગુજરાતીની છાતી ફાટફાટ થાય એવું એમનું યોગદાન છે. પણ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓએ હાથ ઝાલી લીધો એ તેઓ કદી વીસર્યા નથી અને હવે જ્યાં જરૂર લાગે ત્યાં પોતે હાથ ઝાલવાનું કામ કરી ઋણ અદા કરે છે.

Friday, June 27, 2014

તમારા પતિને વિધુર બનતાં શીખવાડો --- યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

ગુજરાતી કોલમિસ્ટ જગતના રાજા કહી શકાય એવા કોલમિસ્ટ અને લેખક તેમ જ અમારા વડીલ ચંદ્રકાંત બક્ષીએ વર્ષો પહેલાં તમારી પત્નીને વિધવા બનતાં શીખવાડો એવો એક લેખ લખ્યો હતો. હજુ પણ અનેક કુટુંબોમાં સ્ત્રીઓને એ જાણ નથી હોતી કે પતિ કે પરિવાર પાસે કેટલી મિલકત છે, કઈ બેન્કમાં કેટલા રૂપિયા છે, ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલા શેર્સ છે કે કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે કે આપવાના છે એવી કોઈ માહિતી હોતી નથી. મોટા ભાગે પુરુષો પત્નીઓને કહી દેતા હોય છે કે ‘હું બેઠો છુંને પછી તારે શું ચિંતા’ પણ અચાનક આ બેઠેલો પુરુષ ચત્તોપાટ થઈ જાય છે. અકસ્માત કે હાર્ટ-એટેક કે એવી કોઈ બીમારી પર સવાર થઈને મોત ત્રાટકે છે ત્યારે આ બધા હિસાબો આપવા-લેવાનો સમય રહેતો નથી. અબજોપતિઓની પત્નીઓ પોતાના પતિની કે પોતાની માલિકીની સંપત્તિ હોવા છતાં આ બધા અંગે અજાણ હોવાને કારણે ઓશિયાળું અને બિચારું જીવન જીવતી હોય છે. તમારી પત્નીને તમારું એક નંબરનું અને બે નંબરનું ખાતું શું છે એની જાણકારી હોવી જોઈએ એવી શીખ ગુજરાતી વાચકોને આપવામાં આવી હતી.

આ મુંબઈ શહેરમાં પણ એવી મહિલાઓ છે જેઓ ક્યારેય બેન્કમાં સુધ્ધાં ગઈ નથી. તેમના કિચન, ટેલિવિઝન સિરિયલ અને લગ્ન, મરણ કે સીમંતના પ્રસંગો સિવાયની પણ એક દુનિયા છે એની તેમને ખબર નથી. આ મહિલાઓનો પતિ અચાનક ફટાકડાની જેમ ફૂટી જાય કે પછી કોઈ લલના સાથે લીલા કરવા ચાલ્યો જાય તો તેની સ્થિતિ દયનીય થઈ જાય છે. અલબત્ત, આના માટે ફક્ત પુરુષ નહીં પણ તે મહિલા પોતે પણ જવાબદાર હોય છે એવું અમે પણ ચોક્કસપણે માનીએ છીએ.

ખેર, આ વિષય પર ચંદ્રકાંત બક્ષીથી માંડીને અન્ય લેખકો લખી ચૂક્યા છે પણ જેમ પત્નીને વિધવા બનતાં શીખવવું જરૂરી છે એટલું જ પતિને વિધુર બનતાં શીખવવું જરૂરી નથી?

અમારા પ્રિય કવિ ગુલઝારની એક બહુ જ હૃદયસ્પર્શી કવિતા છે:

બુઢિયા, તેરે સાથ મૈંને, જીને કી હર શૈ બાંટી હૈ!

દાના પાની, કપડા લત્તા, નીંદે ઔર જગરાતે સારે,

ઔલાદોં કે જનને સે બસને તક, ઔર બિછડને તક!

ઉમ્ર કા હર હિસ્સા બાંટા હૈ...

તેરે સાથ જુદાઈ બાંટી, રૂઠ, સુલહ, તન્હાઈ ભી,

સારી કારસ્તાનિયાં બાંટી, ઝૂઠ ભી ઔર સચ્ચાઈ ભી,

મેરે દર્દ સહે હૈ તૂને,

તેરી સારી પીડે મેરે પોરોં સે ગુઝરી હૈ,

સાથ જિયે હૈં...

સાથ મરેં યે કૈસે મુમકિન હો સકતા હૈ?

દોનોં મેં સે એક કો ઇક દિન,

દૂજે કો શમ્શાન પે છોડ કે

તન્હા વાપસ લૌટના હોગા!!

આપણને ગમે કે ન ગમે, આપણે એના માટે તૈયાર હોઈએ કે ન હોઈએ, સંબંધો પ્રેમભર્યા હોય કે કંકાસથી છલોછલ પણ હકીકત તો એ જ છે કે બહુ થોડા અપવાદો બાદ કરતાં પતિ-પત્નીનું એકસાથે મૃત્યુ થયું હોય એવું ભાગ્યે જ બને છે. કવિ ગુલઝારે લખ્યું છે એમ જિંદગીના દરેક તબક્કે સાથ નિભાવ્યો હોય પણ બેમાંથી એક જણે બીજાને સ્મશાનમાં ચિતા પર ચડાવીને ઘરે એકલા પાછા ફરવાનું હોય છે. આ એકલતા ભયાનક હોય છે એ ખરું પણ દરકે પરિણીત વ્યક્તિએ પોતાનો જીવનસાથી ગુમાવવાની એ કારમી પીડાનો ક્યારેક તો સામનો કરવો જ પડતો હોય છે.

સંવેદનાના સ્તર પર બંનેએ, પછી તે પતિ હોય કે પત્ની, જીવનસાથીની ગેરહાજરીમાં જીવવા માટે આગોતરી તૈયારી કરવાની હોય જ છે, પણ બાહ્યજગતમાંય આ તૈયારી કરવી પડતી હોય છે.

પતિનું મૃત્યુ થાય તો પત્નીને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે કે પછી દુનિયાદારીનું વ્યવહારુ જ્ઞાન ન હોવાને કારણે મુશ્કેલી અનુભવવી પડતી હોય એવા અનેક કિસ્સાઓ છે, પરંતુ પત્ની મૃત્યુ ન પામી હોય પણ બે-ચાર દિવસ બહારગામ ગઈ હોય કે બીમારીમાં પટકાઈ હોય તોય રઘવાયા થઈ જતા અને મા વિનાના બાળક જેવા પતિઓને અમે જોયા છે, કારણ કે આ પતિદેવોને પત્નીની ગેરહાજરીમાં એક કપ ચાના કે બે ટાઈમ ભોજનના ય સાંસા પડે છે. એ માટે કાં તો તેમણે હોટેલનો કે પછી કોઈ સગાં-સંબંધીઓનો આશરો લેવો પડે છે. એક યુવાન અને યુવતીનાં લગ્ન થયાં. લગ્નના બીજા દિવસે પતિ પથારીમાંથી ઊઠ્યો અને બાથરૂમમાં ગયો તો બાથરૂમમાં તેના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડીને તૈયાર હતી. તેનો ટુવાલ બાથરૂમમાં ટીંગાડી દેવામાં આવ્યો હતો. કપડાંને ઈસ્ત્રી કરીને મૂકવામાં આવ્યા હતા. રૂમાલ, મોજાં બધું જ તૈયાર કરીને મૂકવામાં આવ્યું હતું. પતિએ તરત જ બૂમ પાડીને પત્નીને બોલાવી. પત્ની દોડીને આવી એવું માનીને કે તેણે જે બધું ગોઠવી રાખ્યુ હતું એ જોઈને પતિ ખુશખુશાલ થઈ ગયો હશે પણ તેને બદલે પતિના ચહેરા પર નારાજગી હતી. પતિએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આજે તો આ બધું કર્યું પણ હવેથી આ બધું કરવાની જરૂર નથી. પત્નીના ચહેરા પરનો રંગ ઊડી ગયેલો જોઈને તેણે તેને બાજુમાં બેસાડીને સમજાવી કે જો, આજે તેં મારા ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડવાથી માંડીને મારી જરૂરતની બધી જ ચીજવસ્તુઓ ગોઠવીને મૂકી છે. આવું તું કાયમ કરી શકીશ નહીં અને કરીશ તોય થોડા વખત પછી આનો તને બોજ લાગવા માંડશે. ત્યાં સુધીમાં મને બધું જ હાથમાં મળે એવી આદત પડી ગઈ હશે. ટૂંકમાં, આવી વ્યવસ્થા લાંબો સમય ચાલશે નહીં અને ચાલશે તોય એમાં કંટાળો પ્રવેશશે. આ સિવાય પણ હું તારા પર એટલા હદે નિર્ભર થવા નથી ઈચ્છતો કે મારું પોતાનું કામ કરવા માટે પણ મને તારી જરૂર પડે. માટે મહેરબાની કરીને મને મારાં કામ જાતે કરી લેવા દે. તું મારા જીવનમાં નહોતી ત્યારે પણ હું બ્રશ કરતો હતો અને નહાઈને જાતે જ તૈયાર થઈ જતો હતો.

કોણ જાણે કેમ પણ આપણે ત્યાં પ્રેમની વ્યાખ્યા એકબીજા પર નિર્ભર હોવું એવી થઈ ગઈ છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય, લાગણી હોય કે ફોર ધેટ મેટર કોઈ પણ સંબંધોમાં પરસ્પર એકબીજા માટે સ્નેહ હોય એ સારી બાબત છે પણ પતિ-પત્નીના સંબંધોમાં એકબીજા માટેનો સ્નેહ કે દોસ્તી કરતાં વધુ એકબીજા પરની નિર્ભરતા પ્રવેશી જાય છે. પતિ-પત્ની પ્રેમી મટીને એકબીજાની જરૂરિયાત પૂરી કરનારા મશીન જેવા થઈ જાય છે. કેટલીય પત્નીઓને એવું કહેતાં સાંભળી છે કે મને તો અમુક જગ્યાએ ફરવા કે કોઈને મળવા જવું છે પણ કેવી રીતે જઈએ, કારણ કે હું જો થોડા દિવસ ન હોઉં તો મારા પતિ કે છોકરાઓ ભૂખ્યા રહે, ઘરનો કારભાર કોણ ચલાવે? મૃત્યુ તો બહુ દૂરની વાત છે પણ પત્ની કે ઘરની મુખ્ય મહિલાની ગેરહાજરીમાં ઘર નામની આ ફેક્ટરી સદંતર ખોટકાઈ જતી હોય છે. દાંપત્યજીવનનાં શરૂઆતનાં વર્ષોને બાદ કરતાં પછી ધીમે-ધીમે પતિ-પત્ની વચ્ચે પ્રણયને બદલે પરસ્પર ગુલામી પ્રવેશ કરી જાય છે. જ્યાં ગુલામી હોય, અસલામતીની ભાવના હોય ત્યાં પ્રેમ ક્યાંથી પાંગરી શકે!

જ્યાં હિંદુસ્તાની પ્રથા અનુસાર પતિ કમાતો હોય અને પત્ની ઘર સાચવતી હોય એ સંજોગોમાં મિલકત, સંપત્તિ અને અન્ય જરૂરી બાબતો અંગે પત્નીને વાકેફ રાખવી અને અચાનક એક્ઝિટ કરવાનો વારો આવે તો પત્ની અને બાળકો દર-દરની ઠોકર ખાતાં ન ફરે એટલી રીતે પત્નીને સજ્જ કરવાની જવાબદારી પતિની ગણી શકાય. એ જ રીતે પત્ની બીમાર થાય કે કોઈ પણ કારણસર ગેરહાજર હોય કે પછી અણધારી વિદાય લઈ લે તો પતિ સવારની એક કપ ચા કે એક સાફ-સ્વચ્છ ટુવાલ માટે પુત્રવધૂ કે દીકરી પાસે આજીજી કરતો થઈ જાય એવી સ્થિતિ ન આવે એ જોવાની જવાબદારી સ્ત્રીની હોવી જોઈએ.

આજુબાજુ નજર કરશો તો ખ્યાલમાં આવશે કે આજની નારી આત્મનિર્ભર બની છે. કાં તો પોતે કમાય છે અથવા જો ન કમાતી હોય તો પણ પતિના કામકાજ કે વ્યવસાય અંગે વાકેફ છે પણ એની સરખામણીમાં મોટા ભાગના પુરુષો હજુ પણ પોતાની રોજબરોજની જરૂરિયાતો માટે પત્ની કે પછી મા અથવા ઘરની જ કોઈ મહિલા સદસ્ય પર નિર્ભર છે. પુરુષોની આ સ્થિતિ માટે જેટલા પુરુષો જવાબદાર છે એટલી જ કદાચ તેમના જીવનમાં રહેલી સ્ત્રીઓ પણ જવાબદાર છે. ઘણા ખરા કિસ્સાઓમાં સ્ત્રીઓ પણ પોતાના પતિઓને કે પુત્રોને પોતાના પર નિર્ભર રાખવા ઇચ્છતી હોય છે. મારા હસબંડને તો મારા વિના ચાલે જ નહીં. તેમને તો પેન્ટ અને શર્ટનું મેચિંગ કરતાં પણ ન આવડે. ઘરમાં ચા-સાકરના ડબ્બા ક્યાં છે એની પણ તેને ખબર ન હોય એવું ઘણી મહિલાઓ પોરસાઈને કહેતી હોય છે. આમાં પ્રેમ કરતાંય વધારે માલિકીપણાનો ભાવ વધુ દેખાય છે.

પરિપક્વ સંબંધોમાં એકબીજા પર નિર્ભર નહીં પણ એકબીજાને આત્મનિર્ભર બનાવવા તરફનો ઝોક વધુ હોય છે. એકબીજાનો સાથ-સંગાથ ગમવો એ જુદી વાત છે અને એકબીજા માટે વ્યસન બની જવું એ જુદી વાત છે. જો સંબંધોમાં પૂરતી મોકળાશ ન હોય તો સંબંધો પણ વ્યસન બની જતા હોય છે. એવા વ્યસન જેને આપણે ધિક્કારીએ છીએ પણ છોડી શકતા નથી. સંબંધોમાં જ્યારે આપણે મુક્તતા નથી અનુભવતા કે એકબીજાના પગમાં બેડી બની જઈએ છીએ ત્યારે એનો ભાર લાગવા માંડે છે. એક સામાજિક વ્યવસ્થા અને સગવડતા માટે બંનેના કાર્યક્ષેત્ર જુદા હોય અને બંને પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવતા હોય એ નિશ્ર્ચિતપણે પ્રશંસનીય બાબત છે પણ એકબીજા વિના લૂલા-લંગડા કે અપંગ થઈ ગયા હોવાનો ભાવ આવતો હોય તો એને પ્રેમ તો ન જ કહી શકાય.

કેન્સરની કુરૂપતા સામે પ્રેમની પારાવાર તાકાતનો ચહેરો --- તરુ કજારિયા

કેટલીક વાર આપણી નજીકની વ્યક્તિઓને આપણે ગંભીરતાથી લેતા જ નથી હોતા. હકીકતમાં તેમની હાજરીને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરતા હોઇએ છીએ. પરંતુ એ વ્યક્તિ જ્યારે નથી હોતી ત્યારે તેની ગેરહાજરી અત્યંત તીવ્રતાથી અનુભવાય છે. ત્યારે સમજાય છે કે તે આપણી જિંદગી સાથે કેટલી બધી ગૂંથાઇ ગયેલી હતી! આપણા જીવનના પોતમાં તાણાંવાણાંની જેમ વણાઈ ગયેલી હતી!

અચાનક દિવસ દરમિયાન કે અડધી રાતે કે પરોઢિયે આંખો બંધ હોય કે ખુલ્લી આંખો સામે એ જ વ્યક્તિ અને તેની યાદની ચાદર પથરાઈ જાય! થાય કે અરે! આપણે તો તેની વધતી ઉંમર, ડરામણી બીમારી અને જીવન-મૃત્યુની ઘટમાળ વિશે ખાસ્સા વાકેફ હતા, સોર્ટ ઓફ પ્રીપેર્ડ હતા; તોય એની ગેરહાજરી ઝિરવવાનું આટલું મુશ્કેલ? આટલું દુષ્કર? કલ્પના પણ નહોતી કરી કે આટલું મોટું વેક્યુમ સર્જાઈ જશે!

થોડા સમય પહેલાં જ એક આત્મીય સ્વજનને કેન્સરમાં ગુમાવ્યા બાદ આવી લાગણી અનેક્વાર અનુભવાય છે. મેઇલ બોક્સમાં આવતી વૈકલ્પિક ઉપચારો દ્વારા મહિનાઓમાં કે દિવસોમાં કેન્સરને નાથવાના દાવા કરતી સાઇટ ‘કેન્સર ડિફિટેડ’ની ઇમેઇલ્સ ઉપહાસ જેવી લાગે છે. પહેલાં તો આવી સાઇટ પર આવતાં લેખો ખાસ્સી ઉત્સુકતાથી વાંચતી. તેમાં ટાંકવામાં આવતાં કિસ્સાઓ સાચા લાગતા અને થતું કદાચ કામિયાબ ઇલાજ મળી જાય તો જરૂર હોય તેમને જણાવી શકાય! એકાદ વરસ પહેલાં એક સ્વજન અન્નનળીના કેન્સરના શિકાર બન્યા ત્યારે અમેરિકામાં રહેતી તેમની ડોક્ટર્ બહેનને આવી સાઇટસ પર આવતા દાવાઓની જાણ કરી. મનમાં હતું કે કોઇ કુદરતી દ્રવ્યોનું તરણું મળી જાય અને ચમત્કાર થાય! પણ ત્યારે એ ડૉક્ટર બહેનનો જવાબ આવેલો કે આ બધા દાવાઓ હમ્બગ છે! 

ઇન ફેક્ટ, કેન્સર ડિફિટેડ- એ શબ્દો જ માણસની મજાક કરતા હોય તેવા ભાસે છે. આજે કદાચ દુનિયામાં ભાગ્યે જ એવો કોઇ પરિવાર કે વ્યક્તિ હશે જેમણે પોતાનું કોઇ સ્વજન કે સ્નેહી કેન્સરમાં ગુમાવ્યું નહીં હોય! પોતાના નામ માત્રથી માણસને ઘ્રુજાવી દેનારો આ મહારોગ મોટે ભાગે તો તેની મુઠ્ઠીમાં સપડાય તેને મસળી નાખવાનો પાશવી આનંદ લેતો જ હોય છે. પરંતુ કેટલાક નસીબદાર તેને માત આપી શકે છે. તાજેતરમાં યુવરાજ સિંહ કે મનીષા કોઇરાલા જેવી હસ્તીઓના કેસમાં ખરેખર તે પરાજિત થયેલો જણાય છે. અનેક જિંદગીઓને હરાવી દેનારા અને પરિવારોનાં માળા વિખેરી નાખનારા આ ભયાનક રોગને હારતા જોઇને કે પીછેહઠ કરતા જોઇને એક પ્રકારનો સંતોષ થાય છે! 

આવા આ કેન્સરનો માનવીય ચહેરો અમેરિકાના એક ફોટોગ્રાફરે પોતાના કૅમેરામાં કેપ્ચર કર્યો છે તેવી કમેન્ટ વાંચી તે અંગે વધુ જાણવા પ્રયત્ન કર્યો. આ મહિને અમેરિકામાં ‘ધ બેટલ વી ડિડ નોટ ચૂઝ’ નામનું એક પુસ્તક પ્રગટ થયું. પોતાની પત્નીની કેન્સર સામેની લડતની જર્નીને તસવીરોમાં ઝીલનાર ફોટોગ્રાફર ઍન્જેલો મેરેન્ડિનોનું દિલને હલાવી નાખે તેવું આ પુસ્તક છે. વર્ષ ૨૦૦૭માં પોતાની પ્રિયતમા જેન(જેનીફર) સાથે લગ્ન કર્યા. એકમેકની ખુશીમાં દુનિયાની સર્વોચ્ચ સિદ્ધિઓ મળી જતી હોય એટલો આનંદ અનુભવતા જેન અને ઍન્જેલો ક્લાઉડ નાઇન ઉપર હતાં. અને ત્યાં જ લગ્ન પછી પાંચ જ મહિનામાં જેનને બ્રેસ્ટ કેન્સર ડાયગ્નાઇઝ થયું! વર્ષ ૨૦૧૦માં કેન્સરે જેનના શરીરના અન્ય હિસ્સાઓને પણ પોતાની પકડમાં લઈ લીધા. અને ૨૦૧૧ની ૨૨મી ડિસેમ્બરે ચાલીસ વરસની જેન આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. ચાર વરસનાં એ ગાળામાં ઍન્જેલોએ જેનની ઊંડી કાળજી લીધી, પ્રેમથી સેવાસુશ્રુષા કરી અને તેમની જિંદગીમાં કેન્સરનું આગમન થયું ત્યારથી આવેલાં પરિવર્તનની પળોને અદ્ભુત સંવેદનાથી કૅમેરાના લેન્સમાં ઝીલતો રહ્યો. તેમના પ્રેમાળ દાંપત્યની ચિરંજીવીતા અને સશક્તતાના જીવંત આલેખ સમી એ તસવીરો જેનની માંદગીના વરસોમાં એ બન્ને માટે જીવન-બળ પુરવાર થઈ હતી.

જે પતિએ પાંચ મહિના પહેલાં જ તેને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી કહીને પોતાની જિંદગીમાં વેલકમ કરી હતી તે જેનના રોગગ્રસ્ત શરીર અને બીમાર ચહેરાને પણ એટલા જ પ્રેમથી પોતાના કેમેરામાં ઝીલી રહ્યો હતો. એ અત્યંત મૂવિંગ તસવીરોનું હૃદયસ્પર્શી પુસ્તક છે ‘ધ બેટલ વી ડિડ નોટ ચૂઝ’. જેનની જિંદગી પર કેન્સરનું આક્રમણ, ધીરે-ધીરે પણ મક્કમ પગલે થતી તેની આગેકૂચ અને આખરે જિંદગીના મસ્ટરમાંથી જેનની બાદબાકી કરતો તેનો અંતિમ પ્રહાર! આ બધી ઘટનાઓ-પરિસ્થિતિઓને ઍન્જેલોએ અદભુત નઝાકતથી અને કસબથી તસવીરોમાં ક્ંડારી છે. જેનને પૂછીને તેણે એ તસવીરો પોતાના બ્લોગ ઉપર મૂકી હતી. અને એ જોઇને સેંકડો લોકોના પ્રતિભાવ આવ્યા હતા. કેટલાય લોકોએ કેન્સર સામે હિમ્મતભેર લડવાની પ્રેરણા મેળવી હતી તો કેટલાયે કેન્સરગ્રસ્ત સ્વજનની પ્રેમાળ કાળજી કરવાની સૂઝ એમાંથી કેળવી હોવાનું સ્વીકાર્યું હતું. ઍન્જેલો કહે છે એ તસવીરોએ અમારા સ્વજનોને અમે કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં તેનો વાસ્તવિક ખ્યાલ આપ્યો અને એ સમયે અમારે જેની તાતી જરૂર હતી એ સપોર્ટ પૂરો પાડ્યો. છેલ્લા દિવસોમાં ઍન્જેલો અને સ્વજનો જેનને સતત હૂંફ અને વહાલથી તરબતર કરતા રહ્યા. એની એક-એક પળને જિંદગીથી ભરવાના પ્રયાસમાં રહ્યા અને ઍન્જેલો એ બધી સ્મૃતિઓને કેમેરામાં ઝીલીને શાશ્ર્વત બનાવતો રહ્યો. ઍન્જેલો કહે છે તેમ આ તેમની તસવીરો નથી, એ તસવીરો ખુદ તેઓ જ છે.

આ તસવીરોમાં પાંત્રીસેક વર્ષની સુંદર જેન, એકમેકના પ્રેમમાં ગળાડૂબ ઍન્જેલો અને જેન, કેન્સરની શરૂઆત પછી જેનની એવા જ ઉત્કટ પ્રેમથી સેવા કરતો એન્જેલો, જેનના ખરતા વાળ, વાળ વગરના બોડા માથા સાથે જેન, હૉસ્પિટલના બિછાના પર દવાઓના ઢગલા સાથે સૂતેલી જેન, ઘરની બહાર ફરવા જતા ત્યારે વોકર સાથે ચાલતી જેન, અસહ્ય પીડા સહેતી જેન...એવી અનેક ઇમોશનલ મોમેન્ટ્સ સચવાઈ છે. એક તસવીરમાં એક મોટી ઉંમરની સ્ત્રી અને જેન ખુશખુશાલ પોઝ આપી રહ્યા છે. જેનના માથા પર પહેલાં જેવા જ વાળ છે! હકીકતમાં એ સ્ત્રી વીસ વરસથી લંગકેન્સર સાથે જીવતા ઍન્જેલોના પિતા છે. જેનને કંપની આપવા અને જેનના ચહેરા પર સ્મિત લાવવા તેમણે પણ વાળની વીગ પહેરી છે! 

કેન્સર પ્રસરી ગયું ત્યાર બાદ જેનના થાપામાં સખત દુખાવો રહેતો. એ સ્થિર ઊભી પણ ન રહી શકતી અને વોકરના સપોર્ટ વગર ચાલી પણ ન શક્તી. ત્યારે ઍન્જેલોે જેનને લઈને બહાર ફરવા જતો. એ વખતે રસ્તા પર કે ગાર્ડનમાં લોકો જેનની સામે જે રીતે તાકતા તેની તસવીરો પણ ઍન્જેલોએ ખેંચી છે. એ કહે છે કે હું મારો કૅમેરા છુપાવીને તસવીરો ખેંચતો કે જેથી લોકોના નેચરલ એક્સ્પ્રેસન્સ ઝીલી શકું. ફોટોગ્રાફર તરીકે અમે તો લોકોને જોવા ટેવાયેલા હોઇએ પણ જેનને જે રીતે લોકો તાકી રહેતા તેનાથી એ થોડી ડિસ્ટર્બ થતી કેમકે એ નજરો તેને અચૂક યાદ અપાવતી કે તેને કેન્સર છે. ક્યારેક કોઇ બાળક જેનની એ બીમારીની અવસ્થાની કોઇ જ નોંધ લીધા વિના તેની સામે હસી લેતું તો જેન એવા જ હૂંફાળા સ્મિતથી તેનો જવાબ આપતી. મારે આ બધી વાતો મારી તસવીરોમાં ઝિલવી હતી. ઍન્જેલોએ તાજેતરમાં એ લોકોની તસવીરોનું એક પ્રદર્શન પણ ‘ઓબ્ઝર્વિંગ ઍન્ડ કેપ્ચરિંગ’ નામના શો રૂપે યોજ્યું હતું.

બીમાર સ્વજનની ખરેખર પ્રેમપૂર્વક સારવાર કરવી એટલે શું તેનો ખ્યાલ આ તસવીરો જોઇને આવે છે. જીવલેણ રોગની ક્રૂરતાની સાથોસાથ માનવીય સંબંધોની ગહેરાઈ અને તેના ઐશ્ર્વર્યનો અહેસાસ છે આ તસવીરો.

રોજ સવારના ઊઠીને પહેલો ચહેરો પોતાની વહાલસોઇ જેનનો જોઇ શકે એ માટે ઍન્જેલો હૉસ્પિટલમાં જેનની રૂમમાં તેના બેડની સામે જ બે ખુરશીઓ ભેગી કરતો અને તેના પર બેઠા-બેઠા રાત ગુજારતો. છેલ્લે જેનને ઘરે લઈ આવ્યાં હતાં. તો તેની પથારીની બાજુમાં સોફા પર સૂતો. જેનના મૃત્યુ પછી એની ખાલી પથારી અને ઘડી કરેલી ચાદરનો ફોટો હૃદયને આરપાર વીંધી નાખે તેવો વેધક છે. આ તસવીરો જોનારને તેમાં પોતાના સ્વજનની વિદાય પછીની ખાલી પડેલી પથારી કે સૂની પડેલી જિંદગીની ઝલક જ દેખાય છે. એન્જલોએ જેનની સ્મૃતિમાં ‘ધ લવ યુ શેર’ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે. એ ટ્રસ્ટ બ્રેસ્ટ કેન્સરથી પીડાતી મહિલાઓને આર્થિક મદદ કરવા માટે પ્રવૃત્તિ કરશે. પોતાના પુસ્તકની કમાણીમાંથી પચાસ ટકા ભાગ તે એમાં આપવાનો છે. આપણે પસંદ ન કરી હોય તેવી કેટલીય લડાઇઓ આપણે જિંદગીમાં લડવી પડે છે, પણ પ્રેમ અને વિશ્ર્વાસથી સરાબોર સાથીઓનો સંગ એ લડાઇને જિંદગીની જીતની લડાઈ બનાવી દઈ શકે. આ તસવીરોને ઍન્જેલો કેન્સરના માનવીય ચહેરા તરીકે વર્ણવે છે. 

કદાચ તેને કેન્સરનું આહવાન ઝીલતા પ્રેમની પારાવાર તાકાતનો ચહેરો કહીએ તો!

ઉર્દૂ: સાચા શબ્દો, ખોટા શબ્દો... --- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

ઉર્દૂના અભ્યાસ વિના ગુજરાતીમાં ગઝલ કે નઝમ કે કવિતા લખી શકાય છે, અને ઉર્દૂના હિજ્જે-ગ-માની સમજ્યા વિના મુશાયરાઓમાં આ કાવ્યપ્રકારો પેશ કરી શકાય છે પણ જો ખબર હોય કે ગઝલ શબ્દમાં ‘ગાફ’ નથી, પણ ‘ગએન’ છે, તો એ કૃતિ પ્રસ્તુત કરવામાં કંઈક સહુલિયત રહે છે. ગાફનો ઉચ્ચાર ‘ગ’ (જી) જેવો થાય છે, પણ ગએનનો ઉચ્ચાર ‘ઘ’ (જી-એચ)ની નજીકનો થાય છે. ગાલિબ, ગરીબ, ગુલામ, ગઝબ, ગલત, ગઝલ જેવા શબ્દોમાં ઉચ્ચાર જી-એચ જેવો થાય છે. એ અવાજ ગળાની અંદરથી ઘૂંટાયેલો આવે છે.

એપ્રિલ ૧૯૮૧માં અમદાવાદમાં ‘કુલ હિન્દ જશ્ને-ઉર્દૂ’ કાર્યક્રમની માતહત એક મુશાયરાનું આયોજન થયું હતું. એમાં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા, અને ઉદ્ઘાટક કવિ ઉમાશંકર જોષી હતા. જોષી હિન્દીમાં બોલ્યા હતા, અને ઉર્દૂનો મામલો હતો એટલે મુખ્યમંત્રી સોલંકીને માટે વારંવાર ‘વઝીરે-આઝમ’ શબ્દનો પ્રયોગ કરી રહ્યા હતા. પછી કોઈએ સ્પષ્ટતા કરી કે વઝીરે-આઝમ ન કહેવાય, મુખ્યમંત્રીને વઝીરે-આલા કહેવાય, વઝીરે-આઝમ એટલે પ્રધાનમંત્રી! રિપોર્ટ પ્રમાણે આ ‘ખુલાસો થતાં જ ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું...

ટોળાંને ઝબ્બે કરતી પોલીસ... જેવું વાક્ય ગુજરાતી છાપાંમાં બોલાય છે. ઝબ્બે શબ્દ મૂળ ધાતુ ‘ઝુબ્હ’ પરથી આવે છે અને એનો અર્થ થાય છે, કતલ કરવું. ઝબ્બે કરવું જેવો પ્રયોગ અનર્થક છે, ખાસ કરીને આ સંદર્ભમાં. આ જ રીતે ગુજરાતીઓને ‘મરહૂમ’ શબ્દ વાપરવાનો એક શોખ છે. સ્વર્ગસ્થનો પર્યાય મરહૂમ શબ્દ છે. ગુજરાતીના એક પ્રમુખ પત્રમાં છપાય છે: ગુરચરણ તોહરા અકાલી તખ્તના મરહૂમ આગેવાન છે! એ વખતે તોહરા સદેહે જીવતા હતા! મરહૂમ મૃતક માટે વપરાય છે, ઉર્દૂમાં જનાબ શકીલ બદાયુની મરહૂમ... જેવો પ્રયોગ થઈ શકે છે.

પ્રતિષ્ઠિત પત્રો પણ સ્વાતંત્ર્ય નેતા મૌલાના અબુલ કલામ આઝાદને માટે અબ્દુલ કલામ આઝાદ વાપરે છે. ઉચ્ચારણમાં બહુ ફર્ક નથી, પણ અર્થમાં પૂરો અનર્થ થઈ જવાનો અવકાશ છે. આઝાદી પહેલાંના દિવસો જોયા છે એ પેઢી માટે મૌલાના આઝાદ એક બહુ જ સમ્માનનીય નામ હતું, નેહરુ કે પટેલ જેટલું જ. પણ આજની પેઢીએ અબુલને અબ્દુલ બનાવી દીધા છે. અબુ એટલે પિતા, પણ અબ્દ એટલે ગુલામ! એટલે ગઈ કાલે જે પિતાતુલ્ય હતા એ આજે ગુલામ બની ગયા છે. વર્ષો પહેલાં દિલ્હીમાં એક મુશાયરો થવાનો હતો અને લોકોની ભીડ ખચાખચ હતી. આયોજક ગભરાવા માંડે એ સ્વાભાવિક હતું. લોકો અસ્થિર થવા લાગ્યા એટલે એક આયોજક માઈક પાસે આવ્યા અને બોલ્યા: ભાઈઓ! શાંત થઈ જાઓ! થોડા જ સમયમાં એહતલામ થઈ જશે! અને ભીડમાં એક કોહરામ મચી ગયો. હસાહસ અને ચીસાચીસ. અને સીટીઓ. આયોજક જે શબ્દ વાપરવા માંગતા હતા એ હતો એહતમામ, એટલે કે વ્યવસ્થા! પણ એ બોલી ગયા હતા કે થોડી જ વારમાં એહતલામ થઈ જશે. અને એહતલામ એટલ? એહતલામ એટલે સ્વપ્નદોષ!

ઉચ્ચાર ખાલિસ થવા જોઈએ, યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને વપરાવો જોઈએ. આ બુનિયાદી અપેક્ષાઓ છે. આ સિવાય ઉર્દૂમાં કેટલાક શબ્દો બડા મૌજું છે જે ભાષાની જાહોજલાલી બતાવે છે. ગુજરાતી ભાષામાં બે બહેનોને પરણનારા બે પુરુષો માટે સાઢુ શબ્દ વપરાય છે. ઉર્દૂમાં સાઢુ માટે જે શબ્દ વપરાય છે એ બડો રોમાન્ટિક છે: હમઝુલ્ફ! એવા બે જે બે બહેનાનાં જુલ્ફાંઓ સાથે રમી રહ્યા છે! હમથી શરૂ થનારા ઘણા સરસ ઉર્દૂ શબ્દો છે: હમકલામ અને હમઝુબાં, હમપિયાલા અને હમનિવાલા, હમદમ અને હમસાઝ, હમખ્વાબા એટલે સાથે સૂનારી સ્ત્રી. હમબિસ્તરી એટલે સંભોગ, સહ-શયન. અને રૌશનાઈ એટલે? ઉર્દૂમાં સ્યાહ એટલે કાળો, અને આ સ્યાહ શબ્દ પરથી આપણો શાહી અથવા ઈંક શબ્દ આવ્યો છે. પણ શાહી માટે ઉર્દૂમાં જે શબ્દ વપરાય છે એ છે: રૌશનાઈ! જે રોશન કરે છે, જે પ્રકાશ આપે છે, જે ઝળહળાટ કરે છે એ રૌશનાઈ છે. શાહીથી લખાયેલો શબ્દ રોશન કરે છે. શાહી જેવી વસ્તુ માટે આવો ઉમદા શબ્દ ઉર્દૂ આપી શકે છે. આપણી ભાષાઓમાં ગરીબ શબ્દ પ્રચલિત થઈ ચૂક્યો છે, અને એ વંચિત કે વસ્તુહારાના અર્થમાં વપરાય છે. પણ મૂળ અરબીમાં ગરીબ એટલે એ વ્યક્તિ જે વિસ્થાપિત થઈ છે, જે બેવતન થઈ છે, એક જગ્યાથી ઊખડીને બીજી જગ્યાએ સ્થપાઈ છે. નિરાશ્રિત કે શરણાર્થીનો ભાવ ગરીબ શબ્દમાં છે. નૂરજહાં ઈરાનથી હિંદુસ્તાન આવી હતી માટે પોતાની જાતને ગરીબ કહેતી હતી. લાહૌરની એની સાદી મઝાર પર પ્રથમ લીટી ફારસીમાં લખેલી છે: બર-મઝારે મા ગરીબાં! આ ગરીબની મઝાર છે, જે ‘ગરીબ’ સ્ત્રી હિંદુસ્તાનની મલેકા હતી, અને જેના નામના સિક્કા પતિ પાદશાહ જહાંગીરે છપાવ્યા હતા, અને એ સિક્કાઓ ‘નૂરજહાંની’ કહેવાતા હતા! લખનૌમાં શિયાઓ હતા, અને શિયાઓ ઈરાની વંશકુલના હતા, માટે ત્યાં થતા જશ્નને ‘શામે-ગરીબા’ અથવા ગરીબોની સાંજ કહેતા હતા.

ફારસી ભાષા દુનિયાની સૌથી શીરી ઝબાનોમાંની એક છે, અને ઉર્દૂએ અનગિનત ફારસી શબ્દો અપનાવી લીધા છે એટલે ઉર્દૂમાં એક માધુર્ય અને એક મુલાયમિયત આવી ગઈ છે. નહીં તો ગરીબી અને ગુરબત જેવા શબ્દોને શાયર અલામા ઈકબાલ કેટલી ખૂબીથી વાપરી શકે છે? સારે જહાં સે અચ્છા... ઈકબાલનું અત્યંત પ્રસિદ્ધ કાવ્ય છે. અને એમાં એક લીટી આવે છે: ગુરબતમેં હૈં અગર હમ, રહતા હૈ દિલ વતન મેં! અને એક નાની વાત. સારે જહાં સે અચ્છાનું શીર્ષક હતું, ‘તરાના-એ-હિન્દી’! એમાં ઈકબાલે વતન અને બેવતનીની વાત કરી છે. પછી ઈકબાલે ‘તરાના-એ-મિલ્લી’ લખ્યું, જેમાં લખ્યું: મુસ્લિમ હૈં હમ વતન હૈ સારા જહાં હમારા! પણ બીજું ગીત ખોવાઈ ગયું, અને પ્રથમ આજે પણ જગપ્રસિદ્ધ છે. કારણ? મને લાગે છે કે ગુરબત અને મેહરુમિયતની (ઈકબાલ કોઈ મેહરુમ અપના નહીં જહાં મેં) વાત પૂરી કવિતાને એક ઊંચાઈ પર લઈ જતી હતી.

ઉર્દૂનો શબ્દવૈભવ લગભગ અમર્યાદ છે, અને શબ્દોનું વિપુલ વૈવિધ્ય ભાષાને એક અલગ રવાની આપે છે. કેટલાય આકર્ષક શબ્દો ગુજરાતી ભાષામાં આવવા માટે દસ્તક મારી રહ્યા છે. અજબનાકની સાથે ગજબનાક અને હૈબતનાક છે. સીના-બ-સીના (છાતીથી છાતી દબાવીને)ની જેમ દોશ-બ-દોશ (ખભેખભા મિલાવીને) વપરાય છે. સલ્તનત છે તો સાથે સાથે નવાબિયત પણ છે, અને શહંશાહિયત પણ છે. આજીઝ (આજીજી કરનાર)ની સાથે ધ્વન્યાત્મક રીતે પૂરક નાચીઝ પણ છે. અકલ અને નકલ છે, બેહતરીન અને બદતરીન છે, હયાતની સાથે મૌત છે. અને... મૌત પાસે અટકી જવું જોઈએ! 



ક્લૉઝ અપ

દિલ દહલતે નહીં ઝિન્દાન મેં ગિરફતારોં કે

બેડિયાં ઢૂંઢતી હૈ પાંવ વફાદારોં કે

- બ્રિજનારાયણ ‘ચકબસ્ત’

Friday, June 20, 2014

આઇસ મેન --- દિવ્યાશા દોશી

એન્જિનયર અને પર્યાવરણવાદી ચેવાંગ નોરફેલે ઊભા કરેલા આર્ટિફિશિયલ ગ્લેસિયરને કારણે લેહ-લદાખનાં ગામોના ખેડૂતોને પાક લેવા માટે પાણી નથી ખૂટતું. કેટલાંક ગામમાં હવે ખેડૂતો વરસમાં બે વાર પાક લઇ શકે છે


સાર્થકતાના શિખરેથી - દિવ્યાશા દોશી

પાણીની તંગી રણમાં પડે તે લોકો માની શકે પરંતુ, હિમાલયના ઊંચા પહાડોમાં પડે તે માનવું અઘરું લાગે પણ લેહ લદાખનાં ગામોમાં ગ્લોબલ વાર્મિગને કારણે રણ જેવું સૂક્કુંભઠ્ઠ વાતાવરણ જોવા મળે. ખેડૂતોને વરસમાં એકવાર પાક માટે પાણી ગ્લેસિયર પીગળે તો મળે. પણ ગરમીનો પારો ઊંચે જતાં ગ્લેસિયર પણ વધુને વધુ ઊંચે જવા માંડ્યા. એક સમયે જ્યાં બરફથી ઢંકાયેલા પહાડો હતા ત્યાં ભૂખરા બરફ વિનાના નગ્ન પહાડો દેખાય. ગ્લેસિયર જ ન હોય તો પાણી ક્યાંથી મળે સૂક્કું રણ બસ જ્યાં નજર નાખો . ખેડૂતો પાસે બરફ વર્ષા કે વરસાદ થાય તેને માટે રીતસર પ્રાર્થના કર્યા સિવાય આરો નહતો, પરંતુ એક લદાખી એન્જિનયરને તેમની વહારે જાણે ભગવાને જ મોકલ્યો. એન્જિનયર અને પર્યાવરણવાદી ચેવાંગ નોરફેલે ઊભા કરેલા આર્ટિફિશિયલ ગ્લેસિયરને કારણે ત્યાંના ખેડૂતોને પાક લેવા માટે પાણી નથી ખૂટતું. કેટલાંક ગામમાં હવે ખેડૂતો વરસમાં બે વાર પાક લઇ શકે છે. 

લદાખનો વિસ્તાર એ ઠંડો પર્વતીય રણ પ્રદેશ છે એવું કહી શકાય. શિયાળામાં અહીં -૩૦ ડિગ્રી તાપમાન નીચું હોય શકે તો વાર્ષિક સરેરાશ વરસાદ ૫૦ મિમિ પડે છે. લેહમાં જન્મેલા નોરફેલે શ્રીનગરમાં અને લખનૌમાં શિક્ષણ લીધું. ત્યારબાદ ૧૯૬૦માં તેઓ જમ્મુ કાશ્મીરમાં રુરલ ડેવ્હલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સિવિલ એન્જિનિયર તરીકે જોડાયા.તેઓ શરૂઆતમાં તો ટાંકા જ બનાવતાં હતા. પાણી સંગ્રહવાના. પણ પછી તેમણે જોયું કે પાણી એ આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. કેટલીક જગ્યાએ પાણી વેડફાય છે તો કેટલીક જગ્યાએ પાણીની જબરદસ્ત તંગી છે. 

ચેવાંગ નારફેલે ૨૦૧૨ સુધીમાં ૧૨ આર્ટિફિશિયલ ગ્લેસિયર બનાવ્યા. આ ગ્લેસિયરોમાં ફુકત્સિ ગામનું ગ્લેસિયર સૌથી મોટું છે. ૧૦૦૦ ફીટ લાંબું, ૧૫૦ ફીટ પહોળું અને ચાર ફીટ ઊંડું છે. ફક્ત નેવું હજારને ખર્ચે તૈયાર થયેલું આ આર્ટિફિશયલ ગ્લેસિયર ગામના ૭૦૦ માણસોને પાણી પૂરું પાડવા સક્ષમ છે. લદાખમાં શિયાળામાં લોકો નળ બંધ નથી કરતાં અને પાણી વહેવા દે છે જો તેઓ નળ બંધ કરે તો પાણી ઠંડીને કારણે જામી જવાની સમસ્યાનો સામનો કરવો પડે. એક શિયાળામાં ચેવાંગે જોયું કે પોપલર ઝાડની છાયામાં ધીમી ગતિએ વહેતું પાણી જામી ગયું હતું. જ્યારે ઝડપથી વહેતું પાણી જામતું નથી. આ જોઇને ચેવાંગને આર્ટિફિશિયલ ગ્લેસિયર બનાવવાનો વિચાર આવ્યો. ચેવાંગે જોયું હતું કે છેલ્લાં પચાસ વરસમાં કેટલીય વાર વરસાદ લંબાયો હતો અને ગામના લોકો પાણી વિના ખેતી કરી શક્યા નહોતા. 

ગ્લોબલ વાર્મિંગને અસરને કારણે બરફના ગ્લેસિયરો પણ ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે. પર્યાવરણવાદીઓના મતે ૨૦૩૫ની સાલ સુધીમાં હિમાલયમાં ગ્લેસિયર ખતમ થઈ જવાની શક્યતા છે. આ બાબતથી જાણકાર ચેવાંગને ૧૯૯૬ની સાલમાં આર્ટિફિશિયલ ગ્લેસિયર ઊભું કરવાનો વિચાર આવ્યો અને તેને સમાજસેવી સંસ્થાની મદદથી તે અમલમાં મૂક્યો. ચેવાંગે હિમાલયની નદીઓને વેલીમાં વાળીને તેના પર ચેકડેમ બાંધી વહેણની ગતિ ધીમી કરતા તે ગ્લેસિયરમાં ફેરવાઈ શક્યું. તેને કારણે જમીનમાં પાણીની માત્રા વધી. ઝરણાઓ પણ વહેતા થયા. અને ખેતી માટે આ પાણી વાળી લેવાતું. ચેવાંગે આ ગ્લેસિયર કુદરતી ગ્લેસિયર કરતાં ઘણાં નીચે બનાવ્યા જેથી કુદરતી ગ્લેસિયર પીગળે તે પહેલાં આર્ટિફિશિયલ ગ્લેસિયર પીગળતાં તેમાંથી ખેડૂતો એક વધુ પાક આગોતરો લઈ શકે. આ ગ્લેસિયર ગામના લોકો ઈચ્છે તો ઘણા જ ઓછા ખર્ચે મેઇન્ટેન કરી શકે છે, પરંતુ લોકોને તેની પરવા ન હોવાનું ચેવાંગે જોયું છે. પોતાની આસપાસની તકલીફોમાંથી માર્ગ કાઢવા માટે લોકોએ સજાગ થવાની જરૂર છે. ચેવાંગનો અફસોસ યોગ્ય જ છે. ગંદકીની ફરિયાદ આપણે કરીશું, પરંતુ આસપાસની ગંદકી ઓછી કરવા કે ન થાય તે માટે કેટલી વ્યક્તિઓ જાગૃત થઈને વર્તે છે. પાણીનો વેડફાટ શહેરોમાં જે રીતે થાય છે તે જોઇને પાણી વિના ટળવળતા ગામવાસીઓ જુએ તો તેમનો જીવ બળી જાય. પર્યાવરણની ચિંતા આપણને સૌને હોવી જોઇએ, કારણકે પર્યાવરણનો બદલાવ દરેક પૃથ્વીવાસીને અસર કરી શકે છે. 

આ કામ માટે ભલે ઓછા પૈસા લાગે પણ તેટલું ફંડ ઊભું કરવું પણ ચેવાંગ માટે સહેલું નહોતું. પડકારો પીગળતા ગ્લેસિયરની માફક વધી રહ્યા હતા, પરંતુ હાર માન્યા સિવાય ચેવાંગે સમાજ માટે કામ કર્યે રાખ્યું. આજે તે ગ્લેસિયર મેન કે આઇસ મેનના નામે દેશવિદેશમાં મશહૂર છે. ટાઈમ મેગેઝિને પણ તેના કામની નોંધ લઈને આર્ટિકલ લખ્યો હતો. અફઘાનિસ્તાન અને અન્ય પહાડી પ્રદેશોમાંથી લોકો તેમની પાસે ટેક્નિક શીખવા આવ્યા હતા. વિચાર કરો કે ભવિષ્યમાં ગ્લેસિયર નહીં રહે તો ગંગા, યમુના જેવી નદીઓ પણ નહીં વહે. પાણીના અભાવે લોકો ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કરશે. પર્યાવરણ બચાવવા માટે ચેવાંગ નેરફેલ જેવા લોકોની જરુર છે પણ તેની કદર કરતાં આપણે શીખવાની છે. નહીં તો પર્યાવરણના મરણ સાથે આપણું અસ્તિત્વ પણ ટકવું મુશ્કેલ જ છે તે સમજાવવાની જરુર છે ખરી ?

આફ્રિકાના દેશ યુગાન્ડામાં પણ બરફના ગ્લેસિયર્સ છે તે બહુ ઓછાને ખબર છે. ર્વેનઝોરી માઉન્ટન જેને ત્યાંના લોકો માઉન્ટન ઑફ ધ મુન કે આફ્રિકન આલ્પસના નામે ઓળખે છે. આ માઉન્ટનના ગ્લેસિયર પણ વાતાવરણમાં સીઓટુ કાર્બન ફુટ વધવાને કારણે પીગળી રહ્યા છે. તાજેતરમાં ગ્રીન ક્રોસ ઇન્ટરનેશનલ અને વર્લ્ડ યુથ પાર્લામેન્ટ ફોર વોટર સંસ્થાએ કરેલા આ પર્વતોના સર્વેમાં જાણવા મળ્યું છે કે આ ગ્લેસિયર્સ ૨૦૩૦ સુધીમાં ઇતિહાસ બનીને રહી જશે. નુકસાન એટલું થઈ ચૂક્યું છે કે કોઇપણ હિસાબે આ ગ્લેસિયર્સ બચાવી શકાય તેમ નથી. દુનિયામાં દરેક જગ્યાએ આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યાં ચેવાંગ નેરફેલ જેવી વ્યક્તિઓની સૂઝથી આપણે ટકી રહ્યા છીએ. કેટલીક વ્યક્તિઓ બીજાના જીવનનો વિચાર કરીને જીવનનું સાર્થક્ય શોધે છે. પોતાના કાર્યની સભાનતા વિના કે તેની નોંધ લેવાય છે કે નહીં તે વિચાર્યા વિના બસ તેઓ સમાજ માટે જીવ્યે જાય છે.

પાસ થવા ઈશ્ર્વરની મહેરબાની જરૂરી --- અધીર અમદાવાદી

ઉમેદવાર પર કુદરત મહેરબાન ત્યારે કહેવાય જયારે એની ડોક લાંબી હોય, આંખે નંબર ન હોય અને આગળ બેઠેલો હોંશિયાર હોય. આવામાં ૧૫-૨૦ માર્ક વધુ આવવાની શક્યતા ખરી


લાતની લાતને વાતની વાત - અધીર અમદાવાદી

વર્ષોથી વિદ્વાનોમાં ‘પરીક્ષા કોની?’ એ બાબતે મતમતાંતર રહ્યા છે. એક તરફ ભૌતિક રીતે વિદ્યાર્થી પરીક્ષા આપે છે. પણ હકીકતમાં પરીક્ષા મા-બાપની થાય છે. પરીક્ષા સન આપે છે પણ ટેન્શન મમ્મીને હોય છે. સન આ વખતે ‘બારમામાં છે’ આ ધ્રુવવાક્ય હજારો ઓફિસોમાં રજા લેવા માટે વપરાયું હશે. બાકીની હજારો ઓફિસમાં ડોટર આ વખતે ‘બારમામાં છે’ વપરાયું હશે. પણ પપ્પાઓ રજા લઇ એવું તો શું કરે છે? 

જેમ કોઈ કામ નિર્વિઘ્ને કરવા માટે ગણપતિનું સ્મરણ થાય છે એમ પરીક્ષામાં પાસ થવા માટે પ્રથમ પપ્પાને યાદ કરો. કારણ કે પપ્પા હાથવગા હોય છે. કોઈપણ પ્રકારના ગોરખધંધા માટે રૂપિયા એમની પાસેથી જ છેવટે ઢીલા કરાવવાના હોય છે. પરીક્ષામાં તૈયારી ઓછી હોય ત્યારે એડમિશનમાં આવતા વિઘ્ન હરવા જે મદદ કરે તે પપ્પા જ હોય છે. પેપર કોણે સેટ કર્યું છે, ક્યાં છપાવા જાય છે અને ક્યાં ચેક થાય છે આ સંબંધિત માહિતીનું ઉત્ખનન કરતું કોઈ નજરે ચઢે તો સમજવું કે આ ભઈનો સન બારમામાં હશે, અને થોડો વિક હશે. અને જો કોઈ આમ તો હોંશિયાર છે, પણ થોડો રમતિયાળ છે’ એવું કહે તો સમજવું કે એ ભઈનો સન ભણવાને બદલે મોબાઈલ પર ન રમવા જેવું રમતો હશે. અને ન કરવા જેવું બીજું ઘણુંય કરતો પણ હશે. આવા સનના ડેડે પરીક્ષા વખતે રજા લેવી યથાર્થ છે. 

‘જિંદગીમાં શોર્ટકટથી કશું પ્રાપ્ત નથી થતું’. આવું મજૂરી કરનાર માને છે. ભણીને કોનો ઉદ્ધાર થયો છે?’ આવું ધંધો કરનાર માને છે. પણ નોકરી માટે ડીગ્રી જોઈએ, એ કેવી રીતે મેળવી એ કોઈ પૂછતું નથી’. આવું સરકારી નોકરી કરનાર સાહેબ માને છે. આપડે એન્જીનીયર થવાનું, પેમેન્ટ સીટથી થયા એવું ડીગ્રી સર્ટીમાં લખાતું નથી’ આવું રોકડ ઢીલી કરનાર બાપા માને છે. આજકાલ પપ્પાઓ વધારે પ્રેક્ટીકલ થતાં જાય છે. અને ડોબા દીકરાની મારઝૂડને બદલે પ્રેક્ટીકલ રસ્તો શોધવામાં માને છે. આવામાં છોકરાં પાસ થવા શોર્ટકટ જ શોધે જ ને? કાગડાના ઈંડાને થોડા કાળા ચીતરવા પડે? 

પણ પાસ થવા માટે પ્રેક્ટીકલ પપ્પા ઉપરાંત થોડી ઈશ્વરની મહેરબાની અને કુદરતની કૃપા હોવી પણ જરૂરી છે. નસીબદાર લોકોને એક્ઝામ હોલમાં નથ્થુલાલ જેટલી હાઈટવાળા સુપરવાઈઝરો આવે છે, જેમની નજર પાછળની બેન્ચ સુધી પહોચતી નથી. એમાં પણ ઉમેદવાર પર કુદરત મહેરબાન ત્યારે કહેવાય જયારે એની ડોક લાંબી હોય, આંખે નંબર ન હોય અને આગળ બેઠેલો હોંશિયાર હોય. આવામાં ૧૫-૨૦ માર્ક વધુ આવવાની શક્યતા ખરી. વળી ઓબ્જેક્ટીવ ક્વેશ્ચનના જવાબો આખા ક્લાસના સરખા જ હોય છે. જાતકને ફીઝીક્સના દાખલા અને કેમેસ્ટ્રીની ફોર્મ્યુલાઓ ભલે યાદ ન રહેતી હોય પણ કયો જવાબ કઈ કાપલી પર લખ્યો છે અને એ શરીરના કયા ભાગ પર સંતાડી છે એ યાદ રહેતું હોય તો બીજા ૧૫-૨૦ માર્કનો જુગાડ થઇ જાય છે. જે ભાગ્યવાનનો નંબર ગ્રાઉન્ડ ફ્લોરની બારી પાસે આવે એ બીજા દસ માર્કનો અધિકારી બને છે. જ્યારે ચાલુ પેપરે ટોઇલેટનો આંટો મારનાર વળતી મુસાફરીમાં પાંચ દસ માર્ક લેતો જ આવે છે. કેટલા થયા? ટોટલ મારો જોઉં. શું કહ્યું? હજી બીજી ટ્રીકો જાણવી છે? બોસ, અહીં ફક્ત પાસ થવાના ઉપાયો બતાવવાના છે, બોર્ડમાં નંબર લાવવાના નહિ. ખોટી કીકો ના મારો. 

આજકાલ પેપર તપાસવા માટે પરીક્ષકોને સમય નથી. એક વખતના યુનિવર્સીટી ટોપર એવા અમારા અંકલે અમને સ્કૂલકાળમાં ટીપ આપી હતી. પેપરમાં પહેલો પેરેગ્રાફ જોરદાર લખવો. ફર્સ્ટ ઈમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઈમ્પ્રેશન. આ અંગ્રેજો જે કહેવતો આપી ગયા એ બધી હજુય સાચી પડે છે. એટલે જ દરેક જવાબની પહેલી ત્રણ-ચાર લીટી સોલ્લીડ લખવી. આગળ વાંચવાનો પરીક્ષક પાસે સમય નથી હોતો. સમય બચે તો લીલી-જાંબલી પેનથી હાઈલાઈટ કરવું. વચ્ચે દિલવાલે દુલ્હનિયાની સ્ટોરી લખશો તો પણ વાંધો નથી. પરીક્ષક એને ઉદાહરણ સમજીને માર્ક્સ આપી દેશે. એ પણ વાંચશે તો. નહીં વાંચે તો જવાબની લંબાઈ ફૂટપટ્ટી વગર અંદાજથી માપી એ મુજબ માર્ક્સ આપશે. બીઝી શિક્ષકોમાં આ રિવાજ અતિપ્રચલિત છે. શું લખ્યું એ અગત્યનું નથી, કેટલા પાના ભર્યા એ અગત્યનું છે. આવું સ્વામી અધીરાનંદજી કહે છે. 

જોકે પરીક્ષામાં પાસ થવા ક્વેશ્ચન પેપરમાં પચાસ કે સોની નોટ મુકવાની ભૂલ કદી ન કરવી. યાર, ટીચરનું પણ સ્ટેટ્સ હોય છે. એ કંઈ ટ્રાફિક પોલીસ છે કે પચાસની નોટ આપી એટલે જવા દે? એના પગારધોરણ જોઈને રકમ નક્કી કરાય. જોકે ટીચરના પગાર સ્કેલ અને ગ્રેડ પે પ્રમાણેની રકમ આન્સરશીટમાં મૂકવી શક્ય નથી. આમ, ટીચરનું લેવલ ન સમજી શકનાર વિદ્યાર્થી પચાસ સોની નોટ મૂકી છાપે ચઢે છે. આવા વિદ્યાર્થી ભણ્યા તો નથી જ હોતાં પણ ગણ્યા પણ નથી એવું કહી શકાય. એટલા માટે જ આવા સસ્તા ઉપાય કરવાને બદલે સમજુ લોકો પેપર ક્યાં જાય છે તેનું મૂળ શોધવાનું એક્ઝામિનેશન સેન્ટરથી શરુ કરી દે છે. પપ્પાની રજાનો આમ સદુપયોગ થાય છે. 

આ આખું વાંચીને તમને થશે કે બોસ તમે આમ પાસ થવાના આડાંઅવળાં રસ્તા બતાવો એ શું યોગ્ય છે? તમને આવું શોભે છે? કદાચ તમને કેજરીવાલને ફરિયાદ કરવાનું પણ મન થાય. પણ હે સુજ્ઞ વાંચક, પરીક્ષામાં જેને પાસ થવું છે એ વિષય સંબંધી પુસ્તક વાંચે છે, અભ્યાસ કરે છે નહીં કે પરીક્ષામાં પાસ થવાના આવા ચાલુ ઉપાયો વાંચે! ખરી વાત છે કે નહિ?

બ્રહ્માંડમાં વિહરતું મંદાકિનીનુંં યુગલ --- ડૉ. જે. જે. રાવલ

આપણી મંદાકિની પડોશની મેગેલન મંદાકિની સાથે જોડી બનાવી પ્રચંડ ગુરુત્વાકર્ષણના બળે મેગેલનમાંથી પદાર્થ ખેંચીને તેનો આકાર બગાડે છે


બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

પૃથ્વી પર કુંવારા માણસો છે, યુગલો છે. તેમ બ્રહ્માંડમાં પણ એકલાઅટુલા તારા છે અને તારાના યુગલો પણ છે. હમણા જ વેલેન્ટાઈન ડે ગયો. તે દિવસે યુગલો એકબીજાને ભેટ આપી તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. આ પશ્ર્ચિમ સંસ્કૃતિ છે. આપણે ત્યાં તો હરહંમેશ યુગલો વેલેન્ટાઈન ડે ઉજવે છે. આપણને પશ્ર્ચિમ સંસ્કૃતિની જરૂર નથી. આપણી સંસ્કૃતિને નહીં જાણનારા યુગલો પાગલ થઈ વેલેન્ટાઈન ડે ઉજવે છે. દિવસે દિવસે આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ તે ચિંતાનો વિષય છે.

આકાશમાં વશિષ્ઠ અને અરુન્ધતીની જોડી દર્શન દે છે. સપ્તઋષિનો છઠ્ઠો તારો વશિષ્ઠ છે. તેની બાજુમાં ઘણો જ ઝાંખો તારો અરુન્ધતી છે. કહેવાય છે કે જે દર્શક અરુન્ધતીનો તારો નરી આંખે જોઈ શકે છે તેની આંખ તંદુરસ્ત ગણાય. તેને આંખે નંબર આવ્યા ન ગણાય. આપણા દેશમાં નવદંપતીને વશિષ્ઠ અને અરુન્ધતીના દર્શન કરાવવામાં આવે છે જેથી તેનો ગૃહસ્થાશ્રમ ઉત્તમ નીવડે.

સાત ઋષિઓએ હિમાલયમાં તપ કરવા જવાનું નક્કી કર્યું. આ વાત તેમેણે તેમની ઋષિ-પત્નીઓને કરી. બધી જ ઋષિ-પત્નીઓ આ બાબતે સહમત થઈ અને પાછળ આશ્રમમાં રહેવા તત્પર થઈ. વશિષ્ઠ ઋષિની પત્ની અરુંધતીએ વશિષ્ઠને કહ્યું કે તે તેની સાથે જ આવશે. વશિષ્ઠ ઋષિએ અરુન્ધતીને કહ્યું કે દેવી, હિમાલયમાં તપ કરવાનું ઘણું કષ્ટદાયક હોય છે. માટે તમે આશ્રમમાં રહો. અરુન્ધતીએ ઋષિને કહ્યું કે જો તમારે કષ્ટ વેઠવાનું હોય તો અમારે તમારી સાથે આવી તમારા કષ્ટમાં ભાગ લઈ તમને સુવિધા થાય તેમ કરવું જોઈએ. અરુન્ધતી પછી વશિષ્ઠ ઋષિ સાથે હિમાલયમાં ગયાં. વશિષ્ઠ અરુન્ધતીના આ પ્રેમને અમર કરવા સપ્તર્ષિ તારામંડળમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે.

આકાશમાં યયાતિ તારામંડળમાં અલગોલ નામનો તારો છે. તેને ડેમન સ્ટાર પણ કહે છે. આ તારાને નામ આપનાર આરબો હતા. આરબો રાતે વિશાળ રણમાં મુસાફરી કરતા. અલગોલ નામનો તારો પ્રકાશિત થતો અને ડીમ થતો. આ જોઈને આરબો ડરી જતાં. તેઓ માનતા રાક્ષસ આપણી પર નજર રાખે છે. અલગોલ આકાશમાં હોય ત્યારે તેઓ રાતે મુસાફરી કરવાનું થોડા દિવસ મુલતવી રાખતાં. બીજી કથા પ્રમાણે આ નક્ષત્રને પરસ્યસ કહે છે. તે વીર યોધ્ધો મેડુસા નામની રાક્ષસીને મારીને તેના ડોકા સાથે આવે છે. સીટસે એન્ડ્રોમેડાને પકડી છે. એન્ડ્રોમેડા બચાવો બચાવો બૂમ પાડે છે. આવે વખતે પરસ્યસ મેડુસાનું ડોકુ લઈ ત્યાંથી પસાર થાય છે. સીટસ મહાભયંકર વિશાળ દરિયાઈ પ્રાણી છે તે એકવાર કોઈને પકડે એટલે તેનું મૃત્યુ નિશ્ર્ચિત જ ગણાય. પરસ્યસે મહાભંયકર લડાઈ કરીને મેડુસાને મારી તેની સાથે તેનું ડોકું કપડાથી ઢાંકીને લાવતો હતો. મેડુસાનું એવું હતું કે જે તેનું ડોકું જુએ તે તરત જ મૃત્યુ પામે. એન્ડ્રોમેડાને દુ:ખી જોઈ પરસ્યસે મેડુસાનું ડોકું સીટસ તરફ રાખી તેના પરથી કપડું ખસેડી લીધું. જેવું સીટસે મેડુસાનું ડોકુ જોયું કે તેનું મૃત્યુ થયું અને એન્ડ્રોમેડા તેના મુખમાંથી છૂટી ગઈ અને તેણીએ પછી પરસ્યસ સાથે લગ્ન કર્યાં.

આજે અલગોલ નામનો તારો છે તે મેડુસાની આંખમાં છે. હકીકત એ છે કે અલગોલની ફરતે બીજો તેનો યુગ્ય તારો પરિક્રમા કરે છે. આમ આકાશમાં આ યુગલ છે. જ્યારે બંને તારા સાથે દેખાય છે ત્યારે અલગોલ ખૂબ જ પ્રકાશિત થઈ જાય છે પણ જ્યારે ઝાંખો તારો અલગોસની સામેથી પસાર થાય છે ત્યારે તેનું તેજ તદ્દન ઝાંખુ થઈ જાય છે. આમ આ બંને તારા ગુરુત્વાકર્ષના સંબંધે આકાશમાં વિહાર કરે છે અને એકબીજાની ફરતે ફુદરડી ફરે છે.

બૃહલુબ્ધક (Big Dog, Canis Major) તારામંડળમાં સૌથી પ્રકાશિત તારો Dog star sirlus  છે. તેને આપણે વ્યાધ કહીએ છીએ. તે આપણાથી ૮.૭ પ્રકાશવર્ષ દૂર છે. વ્યાધ તારો આપણા પૂર્વજોને ૮૦૦૦ વર્ષથી જાણીતો છે. તે મૃગનક્ષત્રની વચ્ચેના ત્રણ તારાની સીધી રેખામાં અગ્નિ ખુણામાંથી ઉદય પામે છે. પૃથ્વી પરથી જોતાં તે સૌથી વધારે પ્રકાશિત છે. તેને એક જોડિયો તારો છે. તે યુગલ તારા સિસ્ટમ છે. વ્યાધનો જોડિયો તારો સફેદ વામનતારો છે. (White Dwarf Star) છે. સૂર્ય જેવા તારામાં જ્યારે કેન્દ્રનું ઈંધણ ખૂટી જાય છે ત્યારે ન્યૂક્લીઅર બળો નબળા પડે છે. તે તારાને ફુલાવી રાખવા સમર્થ નથી રહેતા. તારાના પદાર્થના ગુરુત્વાકર્ષણના બળો તેથી તારાને સંકોચે છે. તારો ૧૪ લાખ કિલોમીટરના વ્યાસમાંથી ૧૪૦૦૦ કિલોમીટરના વ્યાસવાળો નાનો ગોળો બની જાય છે. તે એકસોગણો સંકોચાય છે. આવા તારામાંથી પ્રકાશ અને ઊર્જા નીકળતી નથી. તેને શ્ર્વેતવામન અથવા શ્ર્વેતપટુ (White Dwarf Star) કહે છે. પછી તે ધીરે ધીરે છયમ ઉૂફરિ બને છે અને છેવટે ઇહફભસ ઉૂફરિ બને છે. તે તારાનું ગ્રેવયાર્ડ બને છે, તારાની કબર બને છે. તે સૂર્ય જેવા તારાનો અંત ગણાય છે. તારો શાંત બની જાય છે. તે તારો સંકોચાય છે, પણ તેનો પદાર્થ એ જ રહે છે. તેનું ગુરુત્વાકર્ષણ સરખું જ રહે છે પણ તે દેખાતો નથી. તેની ફરતે ગ્રહમાળા હોય તો ગ્રહમાળા રહે છે પણ ગ્રહો તારાના પ્રકાશનું પરાવર્તન કરીને પોતાને દેખાડતા હોઈ પણ તારામાંથી પ્રકાશ જ ન આવતો હોઈ ગ્રહો દેખાતા નથી. તે તારાની ફરતે પરિક્રમા કરતા રહે છે પણ દેખાતા નથી. તારા સહિત આખી ગ્રહમાળા અંધારામાં ગાયબ રહે છે.

આકાશમાં યુગલ તારામાં એક પ્રકાશિત હોય છે જે દેખાય છે અને તેનો જોડિયો તારો બ્લેક ડવાર્ફ હોઈ દેખાતો નથી. ઘણીવાર તારાનો જોડિયો તારો ન્યુટ્રોન તારો હોય છે. આ યુગલમાં ઘણીવાર બંને તારા ન્યુટ્રોન તારા હોય છે. સૂર્યથી એ ચારગણા વજનદાર તારામાં ઈંધણ ખૂટી જાય છે ત્યારે તેમાં ગુરુત્વીયપતન થાય છે. તે સંકોચાય છે. ૨૦ લાખ કિલોમીટરના વ્યાસનો તારો માત્ર ૧૦ કિલોમીટરના વ્યાસનો તારો બને છે. તેની ઘનતા એક મિલિયન બિલિયન ગણી વધી જાય છે. તેનું એક ચમચીભર દ્રવ્યનું વજન બે અબજ ટનનું થાય છે. શ્ર્વેતવામન તારાનું ચમચીભર દ્રવ્યનું વજન એક ટન થાય છે. ન્યુટ્રોન તારામાં પદાર્થ ન્યુટ્રોનનો બનેલો હોય છે. આટલા બધા ભારે પણ ૧૦ કિલોમીટરના વ્યાસના તારા એકબીજાની ફરતે ફુદરડી ફરે છે અને એક સેક્ન્ડમાં તેમની ધરી પર ૩૩ વાર કે ૧૦૦, ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ કે ૨૦૦૦ વાર ફરે છે. તે અંતરીક્ષના લીરા બોલાવે છે.

યુગલ તારામાં ઘણીવાર એક તારો બ્લેક હોલ હોય છે અથવા ન્યુટ્રોન તારો હોય છે અને બીજો સામાન્ય તારો હોય છે. આ ન્યુટ્રોન તારો કે બ્લેક હોલ તેના જોડિયા તારામાંથી તેના ગુુરુત્વાકર્ષણના બળે પદાર્થ ખેંચે છે અને સામાન્ય તારાને કુબડો બનાવતો દેખાય છે. ઘણીવાર આ યુગલમાં બંને તારા બ્લેકહોલ હોય છે. આમ આકાશમાં ઘણી જાતના યુગલતારા છે.

એમ જણાય છે કે આપણા સૂર્યને પણ જોડિયો તારો છે. તે બ્લેક ડવાર્ફ તારો છે અને સૂર્યથી લગભગ બે પ્રકાશવર્ષ દૂર છે. એટલે કે ૨૦,૦૦૦ અબજ કિલોમીટર દૂર છે. તે બ્લેકડ વાર્ફ હોઈ નજરે ચઢતો નથી પણ તેના ગુરુત્વાકર્ષણની અસર સૂર્યમાળા ફરતે રહેલા ઉર્ટના ધૂમકેતુના વાદળ પર થાય છે. પૃથ્વી અને ચંદ્ર પણ એક યુગલ સિસ્ટમ જ છે.

માત્ર તારા જ આકાશમાં યુગલ નથી હોતાં પણ મંદાકિનીઓ (Galaxies) પણ યુગલ હોય છે. આપણી આકાશગંગા મંદાકિની (Milkyway Galaxy) નજીકના મેગેલન મંદાકિની સાથે જોડી બનાવે છે. તે મેગેલન મંદાકિનીમાંથી તેના પ્રચંડ ગુરુત્વાકર્ષણના બળે પદાર્થ ખેંચે છે. તે મેગેલન મંદાકિનીના આકારને ખરાબ કરતી જાય છે. મેગેલન મંદાકિનીમાંથી ખેંચાયેલો પદાર્થ આપણી મંદાકિની સુધી પહોંચ્યો છે જે બે મંદાકિની વચ્ચે સેતુ બંધાયેલ હોય તેવો લાગે છે. સપ્તર્ષિની નજીકમાં વ્હર્લપુલ (Whirpool) મંદાકિની છે. તેણે પણ તેની જોડિયા મંદાકિનીમાંથી એટલો બધો પદાર્થ ખેંચ્યો છે કે તે બે વચ્ચે સેતુ બંધાયો હોય તેવું દેખાય છે. ગુરુત્વાકર્ષણ યુગલમાં રહેલા બે તારા કે બે મંદાકિનીઓ વચ્ચેનું આકર્ષણ છે, પ્રેમ છે. આકાશમાં કેટલીયે યુગલ મંદાકિનીઓ છે. યુગલો માત્ર પૃથ્વી પર જ નથી પણ હેવનમાં પણ છે. ગેલેક્સી ગૠઈ ૫૪૨૭ અને ગેલેક્સી ગૠઈ ૫૪૨૬ યુગલ મંદાકિનીઓ છે. ગેલેક્સીમાં સર્પિલ ભૂજાવાળી હોય છે.

વૃશ્ર્ચિક રાશિનો જયેષ્ઠા તારો પણ યુગ્મતારો છે. યુગ્મતારાને અંગ્રેજીમાં બાયનરી સ્ટાર્સ (Binary System of Stars) કહે છે.

Tuesday, June 17, 2014

એન.જી.ઓ.ની બહેનજીઓ ઉઘાડી પડે છે ત્યારે --- સૌરભ શાહ

જે લોકોને ખબર છે કે પોતે સાચા છે, સારું કામ કરે છે એ લોકો ઝાઝા સાવધ નથી રહેતા. એમને એમ હોય છે કે જ્યારે હું સાચો હોઉં, સારો હોઉં ત્યારે મારું કોણ કશું બગાડવાનું છે. ખોટું કામ કરવામાં સાવધ રહેવું પડે. સચ્ચાઈથી જીવનારાએ શું કામ સાવધાની રાખવાની હોય.

અહીં જ આપણી ભૂલ થાય છે. સારા-સાચા લોકોનું બગાડનારાઓ તો ઊલટાના ઘણા હોય છે. ખરાબ-ખોટું કામ કરનારાઓ પહેલેથી જ પોતાના વિરોધીઓને ઓળખીને એમને બબ્બે ટુકડા નાખીને ચૂપ કરી દેતા હોય છે અથવા પોતાના વિરોધીઓને પારખીને એમને ઉઘાડા પાડીને મુસીબતમાં મૂકી દેતા હોય છે.

સારું અને સાચું કામ કરનારાઓએ પણ આવું કરવું પડે. તો જ એમનાં કામ નિર્વિઘ્ને પાર પડે. આ વિચાર હમણાં એટલા માટે આવ્યો કે ગયા અઠવાડિયે ભારતના ઈન્ટિલિજન્સ બ્યૂરો (આઈ.બી.)ના એક રિપોર્ટે ખૂબ હોહા મચાવી. એ રિપોર્ટ નૉન ગવર્નમેન્ટલ ઑર્ગેનાઈઝેશન યાને કિ "એન.જી.ઓ.ના નામે ઓળખાતી સેવા સંસ્થાઓ વિશે હતો, ખાસ કરીને પર્યાવરણવાદી સંસ્થાઓ વિશે જેમાંની ‘ગ્રીનપીસ’ સૌથી જાણીતી સંસ્થા છે. આ ઉપરાંત બીજી પણ ઘણી પર્યાવરણવાદી સંસ્થાઓનાં નામ આઈ.બી.ના રિપોર્ટમાં છે.

આ રિપોર્ટ મુતાબિક ભારતની આર્થિક પ્રગતિ ન થાય એવું ઈચ્છતા અમેરિકા-ઑસ્ટ્રેલિયા અને બીજા કેટલાક દેશો પર્યાવરણના નામે ભારતના કોલસા, અણુવીજળી, નર્મદા બંધ જેવા તોતિંગ પ્રોજેક્ટોની આડે વિઘ્નો ઊભાં કરે છે - ભારતની એન.જી.ઓ.ને કરોડો રૂપિયાનાં ‘દાન’ આપીને. ૧૯૫૦થી આપણે યુરેનિયમનો ખૂબ મોટો જથ્થો હોવા છતાં એનું માઈનિંગ નથી કરી શકતા. ઑસ્ટ્રેલિયાથી ભારતને અતિ મોંઘા ભાવે યુરેનિયમ સપ્લાય કરતી કંપની જ આડકતરી રીતે ભારતની કેટલીક એન.જી.ઓ.ને ‘પ્રેરણા’ આપીને ભારતમાં યુરેનિયમના ખોદકામ વિરુદ્ધ ઝુંબેશ ચલાવડાવે છે. આવું જ કોયલા ક્ષેત્રમાં. ભારતમાં કોલસો ખૂબ મોટા પ્રમાણમાં છે છતાં એનું પૂરતું ખાણકામ થતું નથી જેને કારણે ભારત પૂરતું વીજળીનું ઉત્પાદન કરી શકતું નથી. યુરેનિયમ અણુવીજળી માટે જરૂરી છે, જે ખૂબ મોંઘા ભાવે ખરીદવું પડે છે જેને કારણે અણુવીજળીનો ભાવ પરવડતો નથી. આ બધો વિરોધ પર્યાવરણના નામે થાય છે.

સ્પેશ્યલ ઈકનૉમિક ઝોનની યોજનાઓ તેમ જ દરિયાકાંઠાની ખરાબાની જમીન વિકસાવવાની યોજનાઓ પણ પર્યાવરણવાદીઓને કારણે ખોરવાઈ જાય છે. નર્મદા યોજનાની આડે વર્ષો સુધી પર્યાવરણવાદીઓ આવ્યા જેને લીધે વિલંબ થતાં કંઈક વીસ કે ત્રીસ હજાર કરોડ રૂપિયા જેવો ખર્ચ વધી ગયો.

આઈ.બી.એ ખૂબ બારીકાઈથી આવી અનેક વિદેશ ફંડથી ચાલતી, પર્યાવરણવાદી સંસ્થાઓનો - ચાલુ ભાષામાં કહીએ તો - પર્દાફાશ કર્યો છે કે હજુ વધારે ચલતીપુર્જી ભાષામાં કહીએ તો ભાંડો ફોડ્યો છે.

આઈ.બી.નો આ રિપોર્ટ લીક થયો અને મીડિયામાં ત્રુટક ત્રુટક એના સમાચાર ટપકવા માંડ્યા ત્યારે એક ક્ષણ માટે મને આશ્ર્ચર્ય થયું કે એકાએક આઈ.બી. જેવી જાસૂસી સંસ્થા શું કામ એન.જી. ઓઝની પાછળ પડી ગઈ હશે? પછી બીજી ઘડીએ થતું કે હશે, જે થઈ રહ્યું છે તે સારું જ છે, કારણ કે આ બધી એન.જી.ઓઝની મેધા પાટકર જેવી બહેનજીઓ દેશને ઘણું નુકસાન કરે છે. આ લોકો એ જ લાગના છે.

આઈ.બી. રિપોર્ટનું ખરું રહસ્ય થોડા જ કલાકોમાં સમજાવા લાગ્યું. નવી સરકારે નર્મદા બંધને ૧૭ મીટર ઊંચા દરવાજા લગાવવાની પરવાનગી આપી. પછી તરત જ ન્યૂઝ આવ્યા કે ચીનની સરહદ નજીક ભારત વર્ષોથી એક હાઈવે બાંધવાની તજવીજ કરતું તેને પરવાનગી મળી ગઈ છે. એ પછી ન્યૂઝ આવ્યા કે આંદામાનના ટાપુઓ પર ભારતનું લશ્કર એક વિશાળ રડાર સ્થાપી રહ્યું છે જેથી એ રસ્તેથી થતી દુશ્મનોની કે ભાવિ દુશ્મનોની હિલચાલ પર નજર રાખી શકાય અને તરત જ ચોથા ન્યૂઝ મળ્યા કે નૅવીના વેસ્ટર્ન કમાન્ડને મુંબઈ જેવા વડા મથકનું બંદરગાહ ગીચ પડે છે એટલે ઘણા વખતથી નીચે કારવાર પાસે બીજું એક મુખ્યમથક સ્થાપવાની પરવાનગી મળી ગઈ છે. આ ચારેય ન્યૂઝ આઈ.બી.નો રિપોર્ટ લીક થયાના ચોવીસ-છત્રીસ કલાકની આસપાસ આવ્યા.

આ ચારેય યોજનાઓ પર્યાવરણવાદીઓના વિરોધને કારણે અટકીને પડી હતી. આંદામાનના રડારવાળા પ્રોજેક્ટ સામે તો પર્યાવરણવાદીઓનો વિરોધ કંઈક અજીબ જ હતો. એ પર્ટિક્યુલર ટાપુ પર કોઈક અલભ્ય પ્રકારનાં ચકલાં-ચકલી રહે છે. આ એન્ડેન્જર્ડ સ્પીશીઝ નષ્ટ ન પામે તે માટે લશ્કરી રડારના બાંધકામનો વિરોધ થતો હતો. કારવામાં પણ દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે દેશની સુરક્ષા માટેની યોજના મંજૂર થતી નહોતી. ચીનની સરહદ પાસે પણ ઝાડપાન બચાવવાનાં હતાં નર્મદાવાળું તો જાણીતું જ છે.

નવી સરકારે એક ઝટકે આ ચારેચાર પ્રોજેક્ટસને મંજૂરી આપી દીધી અને મંજૂરીની વિગતો બહાર પડે તે પહેલાં આઈ.બી. જે રિપોર્ટને છેલ્લાં દસ વર્ષથી તૈયાર કરી રહી હતી અને કૉંગ્રેસ સરકાર એના પર કોઈ એક્શન લેવા તૈયાર નહોતી એટલે જે રિપોર્ટ દબાવીને રાખી મૂકવામાં આવ્યો હતો તે રાતોરાત મીડિયામાં લીક કરવામાં આવ્યો (આવી મારી ધારણા છે, મારો તર્ક છે, મારી પાસે આવી કોઈ માહિતી નથી પણ બે વત્તા બેનું લૉજિક છે.)

અંગ્રેજીમાં કહેવત છે કે કૂતરાને ઠાર મારતાં પહેલાં તમારે ગમેતેમ કરીને સાબિત કરી નાખવાનું કે એ હડકાયો થયો જ, ગાંડો થયો છે. અહીં તો કૂતરો (એટલે કે પેલી એન.જી.ઓઝ) હડકાયો જ છે પણ એને ઠાર મારતાં પહેલાં, એની ક્રેડિબિલિટી સામે મસમોટો ડૉલરિયો પ્રશ્ર્નાર્થ ઊભો કરતાં પહેલાં માત્ર જાહેર જ કરવાનું હતું - પશુચિકિત્સકના રિપોર્ટ દ્વારા કે આ ખરેખર હડકાયો જ છે.

આઈ.બી. રિપોર્ટ લીક કરવામાં ન આવ્યો હોત અને આ ચારેય પ્રોજેક્ટસની જાહેરાતો નવી સરકારે કરી હોત તો પર્યાવરણવાદી સંસ્થાઓએ કેટલો મોટો તમાશો કર્યો હોત તેની કલ્પના તમે કરી શકો છો.

ચારેય યોજનાઓ દેશ માટે સારી છે, એમાં ક્યાંય કોઈ ગોરનું તરભાણું ભરવાનું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સારાઈ અને સચ્ચાઈ પર મુશ્તાક રહીને આ યોજનાઓને આઈ.બી. રિપોર્ટ લીક કરાવ્યા વિના કરી હોત તો અત્યારે એમના માથે માછલાં જ નહીં વ્હેલ અને શાર્ક પણ ધોવાતી હોત.

પણ આ માણસ ચબરાક છે, વિચક્ષણ છે અને કૃષ્ણાની જેમ વખત આવ્યે કુટિલ નીતિનો કસબ અમલમાં મૂકનાર અનુભવી રાજદ્વારી નેતા છે. ટૂંકમાં એમનામાં ચાણક્ય બુદ્ધિ છે. ચારેય યોજનાઓની જાહેરાતની લગભગ લગોલગ આઈ.બી.નો રિપોર્ટ લીક થશે તો પર્યાવરણવાદીઓના ફુગ્ગામાંથી (ગ્લોબલ વૉર્મિંગની) હવા નીકળી જશે એ જાણવાની કૂટનીતિ એમને આવડે છે.

સાચા અને સારા માણસને જીવનમાં જો વખત આવ્યે કુટિલ બનતાં ન આવડે તો જમાનો અને વિરોધીઓ એને જીવતો ફાડી ખાય અને જેને એ કુટિલ નીતિ કરતાં ફાવી જાય તે કૌટિલ્ય તરીકે ઓળખાય, ચાણક્ય બનીને પ્રસિદ્ધિ પામે. તમે જો માનતા હો કે તમે સો ટકા શુદ્ધ સાચા, સારા માણસ છો તો તમારે આટલી દુનિયાદારી, આટલી કહેવાતી અશુદ્ધિ, તમારામાં ઉમેરવી પડે અને જો તમે ઑલરેડી એવું કરતા હો તો તમારે અમને શિષ્ય તરીકે તમારાં ચરણોમાં સ્થાન આપવું પડે.

Monday, June 16, 2014

આર્ટિકલ થ્રીસેવન્ટી અને શ્યામાપ્રસાદ મુખર્જી --- સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ

અટલ બિહારી વાજપેયીએ દસ વરસ પહેલાં જાહેર આક્ષેપ કર્યો હતો કે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની હત્યા ૧૯૫૩માં નેહરુ સરકારના ઈશારે કરવામાં આવી હતી

ભારતના ઈતિહાસ પર નજર નાખું છું ત્યારે મને એક પણ વ્યક્તિ એવી જડતી નથી, જેણે રાષ્ટ્રનું એટલું નુકસાન કર્યું હોય જેટલું પંડિત નેહરુએ કર્યું છે: ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી

ભારતના સ્વાતંત્ર્ય પછીનો ઈતિહાસ એટલે જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ફિરોઝ ગાંધી, રાજીવ ગાંધી, ગં. સ્વ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો ઈતિહાસ એવું માની લેનારી ભોળી અને ગુમરાહ પ્રજાને આ ઈતિહાસને સમાંતર એવા એક અન્ય અતીત વિશે વાત કરવાનો મોકો મળ્યો છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરનારી સામ્યવાદી તથા કૉન્ગ્રેસી શિક્ષણકારોની ટોળકીને કારણે આ સમાંતર ઈતિહાસ નવી પેઢીના વિદ્યાર્થીઓને ભાગ્યે જ ભણાવવામાં આવે છે.

આ મોકો આવ્યો દસ વરસ પહેલાં અટલ બિહારી વાજપેયીએ તે વખતે બે એક મહિના પહેલાં સત્તા ગુમાવીને ભૂતપૂર્વ વડા પ્રધાન બની ચૂકેલા વાજપેયીના શબ્દો ૭ જુલાઈ ૨૦૦૪ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયા હતા. વાજપેયીએ આક્ષેપ કર્યો હતો કે નેહરુ સરકારના ઈશારે શ્યામાપ્રસાદ મુખર્જીની હત્યા કરવામાં આવી હતી. બહુ ઓછાં વર્તમાનપત્રોએ પી.ટી.આઈ. દ્વારા વહેતા મૂકવામાં આવેલા આ ગંભીર આક્ષેપની ખબર પ્રગટ કરી હતી. વાજપેયીએ કહ્યું, ૧૯૫૩ની સાલમાં નેહરુ સરકાર અને જમ્મુ-કાશ્મીરની સરકારે કાવતરું રચીને શ્યામાપ્રસાદ મુખર્જીની હત્યા કરી હતી.

અત્યારે બંધારણની ૩૭૦મી કલમ વિશેનો વિવાદ ચગાવી રહેલા જમ્મુ-કાશ્મીરના ચીફ મિનિસ્ટર ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા અને માત્ર ૪૪ સંસદ સભ્યો સાથે હવે સંસદમાં બેસવા જનાર કૉન્ગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીની દાદીના પિતા પંડિત જવાહરલાલની સરકારોનું એ કાવતરું હતું. જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટિકલ થ્રીસેવન્ટીના વિરોધી હતા.

નવી પેઢી માટે આ નામ નવું છે. શ્યામા સ્ત્રીનું નામ છે અને પ્રસાદ એના પતિનું એવું પણ કેટલાક ગુજરાતી રાજકીય સમીક્ષકો માને છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી દેશના એક અત્યંત ઉચ્ચ કક્ષાના રાજપુરુષ હતા. જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીને વાજબી રીતે જ તે વખતે જવાહરલાલ નેહરુના સશક્ત વિકલ્પ તરીકે જોવામાં આવતા હતા. ૧૯૫૩માં શ્યામાપ્રસાદના અકાળે નિધનથી ભારતના રાષ્ટ્રવાદને, હિન્દુત્વને અને રાષ્ટ્રીય પરિબળોને અકલ્પનીય ફટકો પડ્યો હતો, જનસંઘના અસ્તિત્વ પર પ્રશ્ર્નાર્થ મુકાઈ ગયો હતો. નેહરુવાદી સમાજવાદની સામે રાષ્ટ્રવાદી અને હિન્દુવાદી એવા ઉદારવાદી સમાજની રચનાનું સપનું શ્યામાપ્રસાદે સેવ્યું હતું. એમનું મૃત્યુ (વાસ્તવમાં ખૂન) ન થયું હોત તો કૉન્ગ્રેસી નીતિઓને કારણે ગત સાડા છ દાયકાઓમાં દેશની બરબાદી સર્જાઈ ન હોત. જનસંઘ પહેલાંથી જ એક શક્તિશાળી રાજકીય પક્ષ બનીને નેહરુની તેમ જ ભ્રષ્ટ કૉન્ગ્રેસી નેતાઓની સામે પડીને સત્તા હાંસલ કરી શક્યો હોત.

નવી પેઢીના વાચકોને જણાવવાનું કે જનસંઘનું નવું રાજકીય સ્વરૂપ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપના અત્યારના મોટાભાગના સિનિયર નેતાઓ જનસંઘના સભ્ય હતા. જનસંઘની શક્તિને ખતમ કરી નાખવા નેહરુની અને જમ્મુ-કાશ્મીરની અબ્દુલ્લા સરકારોએ શ્યામાપ્રસાદ મુખર્જીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને સફળતાપૂર્વક અમલમાં પણ મૂક્યું હતું. આ કાવતરું માત્ર શ્યામાપ્રસાદને ખતમ કરી નાખવાનું નહોતું, હિન્દુત્વનો ઝંડો લહેરાવવામાં પ્રચંડ સફળતા મેળવી રહેલા રાજકીય પક્ષ જનસંઘને નામશેષ કરી નાખવાનો પ્રયત્ન કરવાની પણ સાઝિશ હતી.

મુંબઈમાં કોલાબાના રિગલ સિનેમા પાસેનું ટ્રાફિક સર્કલ શ્યામાપ્રસાદ મુખર્જી ચૌક નામે જાણીતું છે પણ ૨૧ ઑક્ટોબર ૧૯૫૧ના રોજ જનસંઘના સ્થાપક પ્રમુખ બનનારા ડૉ. શ્યામાપ્રસાદના જીવન વિશે બહુ ઓછી માહિતી આજની જનરેશન પાસે છે.

ગાંધીજીની હત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલની આંતરડાની બીમારીને લીધે નરમગરમ રહેતી તબિયતને કારણે કૉન્ગ્રેસ પર પંડિત જવાહરલાલ નેહરુનું પ્રભુત્વ વધી ગયું હતું. ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદારના અવસાન પછી નેહરુ નિરંકુશ બની ગયા. રાષ્ટ્રવાદને બદલે નેહરુએ મુસ્લિમ તુષ્ટિકરણ કરતા સેક્યુલરિઝમને પોતાની કથિત સમાજવાદી નીતિઓમાં કેન્દ્રસ્થાને રાખ્યું. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક - તમામ ક્ષેત્રે દેશ તૂટવા લાગ્યો. શિક્ષણપ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદ દેશની શિક્ષણનીતિને અભારતીય બનાવતા ગયા. નેહરુની કાશ્મીર તથા તિબેટ નીતિને કારણે ભારતની એકતા અને અખંડિતતા જોખમમાં મુકાઈ રહી હતી.

આ સમયે કૉન્ગ્રેસ ઉપરાંત દેશમાં સંગઠિત રાજકીય પક્ષ માત્ર સામ્યવાદીઓ પાસે હતો. નેહરુનું ચિંતન સામ્યવાદની ખૂબ નજીક હતું. કૉન્ગ્રેસીઓ અને સામ્યવાદીઓ વચ્ચે પ્રેક્ટિકલી ઝાઝો તફાવત રહ્યો નહોતો. આજે પણ નથી. યુપીએની પહેલી સરકાર સામ્યવાદીઓના ટેકાથી જ રચાઈ હતી.

બીજી બાજુ, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને આગળ કરીને દેશમાં રાજકીય સત્તા ઊભી કરી શકે એવું એક પણ રાજકીય સંગઠન નહોતું. હિન્દુઓ ગાંધીજીને અને ગાંધીજીને કારણે કૉન્ગ્રેસીઓને જ પોતાના પ્રતિનિધિ માનતા થઈ ગયા હતા. હિન્દુ મહાસભા હતી, પણ આઝાદી પહેલાંય એનું જોર એ કક્ષાએ નહોતું કે કૉન્ગ્રેસનો વિકલ્પ પૂરો પાડી શકે. ગાંધીજીની હત્યા પછી નેહરુએ મોકો જોઈને મહાસભા પર પ્રતિબંધ મૂકીને એની આબરૂ ખરડી નાખી. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. હેડગેવારનું ૧૯૪૦માં અવસાન થયું તે પછી હિન્દુ મહાસભા તથા આર.એસ.એસ. વચ્ચેનો તાલમેલ ખોરવાઈ ગયો હતો. બાકી મહાસભા પરના પ્રતિબંધનો પ્રચંડ વિરોધ કરીને આર.એસ.એસ. દ્વારા વિશ્ર્વના હિન્દુઓનું ઉપરાણું લેવામાં આવ્યું હોત તો દેશનો ઈતિહાસ જુદો હોત એવું કેટલાક સમીક્ષકોનું માનવું છે. જોકે, નેહરુ તથા એમના સાથીઓએ આર.એસ.એસ. પર પણ પ્રતિબંધ લાદીને એને બદનામ કરવામાં તે વખતે કશું જ બાકી રાખ્યું નહોતું.

આ પરિસ્થિતિમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ હિન્દુત્વની વિચારધારાને રાજકીયક્ષેત્રે સ્થાપવા જનસંઘની કલ્પના કરી. સિમલામાં અંગ્રેજીમાં કરેલા એક જાહેર ભાષણમાં ડૉ. મુખર્જીએ સ્પષ્ટ કહ્યું હતું: ‘ભારતના ઈતિહાસ પર નજર નાખું છું ત્યારે મને એક પણ વ્યક્તિ એવી જડતી નથી, જેણે રાષ્ટ્રનું એટલું નુકસાન કર્યું હોય જેટલું પંડિત નેહરુએ કર્યું છે.’

એ સમયે, અર્થાત્ ૧૯૫૨ની સૌપ્રથમ લોકસભા ચૂંટણીમાં, પંડિત નેહરુ અને એમના પિઠ્ઠુ કૉન્ગ્રેસીઓ જનસંઘને ખૂબ જોખમી પોલિટિકલ પાર્ટી માનતા. એમનાં ચૂંટણી પ્રવચનોમાં સૌથી વધુ પ્રહારો જનસંઘ પર કરવામાં આવતા. આકાશવાણી અને પ્રમુખ વર્તમાનપત્રો નેહરુનાં ઉપકાર, અસર તથા નિયંત્રણ હેઠળ હતાં એટલે પ્રજા સુધી જનસંઘ વિશે ગેરમાહિતીઓ જ પહોંચતી.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ક્યારેય કૉન્ગ્રેસમાં નહોતા. ગાંધીજી અને સરદારના દબાણને કારણે પંડિત નેહરુનું આઝાદી પછીનું પ્રથમ પ્રધાનમંડળ (૧૯૫૨ની લોકસભાની ચૂંટણી પહેલાનું) ખરા અર્થમાં રાષ્ટ્રીય પ્રધાનમંડળ બન્યું હતું. એમાં કૉન્ગ્રેસના સભ્યો ઉપરાંત ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભારતના પ્રથમ નાણામંત્રી ડૉ. જૉન મથાઈ, ડૉ. હોમી ભાભા તથા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પણ હતા. આ ચારેય કૉન્ગ્રેસના સભ્ય નહોતા. તે સમયે દેશમાં એવી લાગણી હતી કે આઝાદ ભારતના સૌપ્રથમ શિક્ષણપ્રધાન તરીકેની જવાબદારી પ્રખર ચિંતક અને બુદ્ધિજીવી એવા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને સોંપવામાં આવશે.

પણ મૌલાના આઝાદની જીદને કારણે નેહરુએ શિક્ષણ ખાતું એમને સોંપી દીધું. ભારતમાં રહી ગયેલા મુસ્લિમોને રાષ્ટ્રની સાંસ્કૃતિક ધારાથી અલગ રાખવા માટે મૌલાના આઝાદ શિક્ષણપ્રધાન બનવા માગતા હતા. પરિણામે સ્વતંત્ર ભારતમાં પ્રથમ શિક્ષણપ્રધાન એવી વ્યક્તિને બનાવવામાં આવી, જે ભારતીય કમ, અરબી વધુ હતી. ડૉ. મુખર્જીને ઉદ્યોગ-વ્યાપારનું ખાતું સોંપી સાઈડલાઈન કરવામાં આવ્યા, જે રીતે અત્યારે શિવસેનાના અનંત ગીતેને ભારે ઉદ્યોગોનું ખાતું સોંપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેનાને એની હેસિયત દેખાડી દીધી છે એ જ રીતે.

ડૉ. મુખર્જી કાર્યક્ષમ પ્રધાન હતા. એમની પ્રામાણિકતા બેજોડ હતી. એક પાર્લામેન્ટેરિયન તરીકેની સૂઝસમજ તથા વકતા તરીકેની એમની પ્રતિભાથી સૌ કોઈ અંજાઈ જતા. તેઓ સરદાર પટેલની ખૂબ નીકટ હતા. ડૉ. મુખર્જીનું ચિંતન, એમનો દૃષ્ટિકોણ વિશુદ્ધ રાષ્ટ્રવાદી હતાં.

ડૉ. મુખર્જી કોઈ પણ પ્રતિભાની બાબતમાં નેહરુથી ઊતરતી કક્ષાએ નહોતા, પણ નેહરુને પોતાની આસપાસ હા જી હા કરનારાઓ જ જોઈતા હતા. આને કારણે બેઉ વચ્ચે આરંભથી જ તણખા ઝર્યા કરતા. ૧૯૫૨ની ચૂંટણી પૂર્વેના ભારતના પ્રધાનમંડળના મોટાભાગના સભ્યો વૈચારિક તથા ભાવનાત્મક દૃષ્ટિએ નેહરુને બદલે સરદાર તથા ડૉ. મુખર્જીની વધુ નિકટ હતા.

૧૯૫૨ની ચૂંટણી આવી તે પહેલાં જ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે એક મ્યાનમાં બે તલવાર રહી શકવાની નથી. ૧૯૫૦ના એપ્રિલમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું. જનસંઘની સ્થાપના ભલે આ ઘટનાના દોઢ વર્ષ બાદ થઈ, પણ એની પ્રક્રિયાનો આરંભ ત્યાગપત્રની આ ઘટનાથી થઈ ગયો હતો.

(ક્રમશ:)
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ અનેક વાર બંધારણની કલમ ૩૭૦નો વિરોધ કર્યો હતો

શ્યામાપ્રસાદ મુખર્જીની વાત આગળ ચલાવીએ. ભારતના ભાગલા પછી પૂર્વ પાકિસ્તાનમાંથી હિન્દુઓની મારી મારીને હકાલપટ્ટી કરવામાં આવી અને જે હિન્દુઓએ પોતાની ભૂમિ છોડવાની ના પાડી એમના પર જુલમ કરીને મુસલમાન બનાવી દેવામાં આવ્યા. લાખો હિન્દુ શરણાર્થી બનીને પૂર્વ પાકિસ્તાનમાંથી પશ્ર્ચિમ બંગાળ આવ્યા.

ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલ આ પરિસ્થિતિને થાળે પાડવા કલકત્તા ગયા. એમણે ત્યાંના એક ભાષણમાં પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે પૂર્વ પાકિસ્તાનના હિન્દુઓ સાથેનો આ દુર્વ્યવહાર બંધ નહીં થાય અને તેઓ શરણાર્થી બનીને ભારત આવ્યા કરશે તો એમના પુનર્વસવાટ માટેની જમીન પાકિસ્તાને આપવી પડશે. સરદારે કહ્યું કે પૂર્વ પાકિસ્તાનની કુલ વસ્તીના ૩૦ ટકા હિન્દુઓ જો પાકિસ્તાનમાં ન સમાઈ શકવાના હોય તો એમના માટે પાકિસ્તાને જ અલગ હોમલૅન્ડની જમીન ફાળવી આપવી પડશે. સરદારે પૂર્વ પાકિસ્તાનના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે પોલીસ ઍક્શનની તૈયારી પણ શરૂ કરી દીધી.

વ્યાપાર, ઉદ્યોગપ્રધાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સહિત નહેરુ કૅબિનેટના મોટાભાગના પ્રધાનો તેમ જ ભારતની જનતા સરદારની આ નીતિની તરફેણમાં હતા.

બંગાળી હોવાને કારણે ડૉ. મુખર્જી આ સમસ્યામાં વધારે રસ લેતા હતા અને સરદાર પણ આ પ્રશ્ર્ને ડૉ. મુખર્જીની સલાહનું મહત્ત્વ ઊંચું આંકતા હતા, પણ નહેરુ તથા મૌલાના આઝાદને સરદારની આ દૃઢતા માફક આવતી નહોતી. મૌલાના આઝાદ દ્વારા પાકિસ્તાનને ભારતના સંભવિત પોલીસ ઍક્શનની જાણકારી મળી. પાકિસ્તાની વડા પ્રધાન લિયાકત અલી ખાં મંત્રણા માટે નવી દિલ્હી દોડી આવ્યા. નહેરુને એમણે એવી પટ્ટી પઢાવી કે નહેરુએ પૂર્વ પાકિસ્તાન સામે કોઈ પણ પ્રકારનું પગલું નહીં લેવાય એવી બાંયધરી આપી દીધી. આમ પૂર્વ પાકિસ્તાનમાં રહી ગયેલા હિન્દુઓ સાથે ભારત કોઈ નિસબત નહીં ધરાવે એવી ખાતરી અપાઈ ગઈ.

આ સમજૂતીને કારણે સમગ્ર દેશમાં, ખાસ કરીને પશ્ર્ચિમ બંગાળમાં, પ્રજા ખૂબ રોષે ભરાઈ.

નહેરુએ પૂર્વ પાકિસ્તાનના દોઢ કરોડ હિન્દુઓને પાકિસ્તાની જુલમ સહન કરવા ત્યજી દીધા હતા. સરદાર પટેલ ઉપરાંત અનેક પ્રધાનો નહેરુની આ મૂર્ખામીથી નારાજ હતા. ડૉ. મુખર્જી માનતા હતા કે નહેરુના પ્રધાનમંડળમાં રહેવાથી નહેરુની આ નીતિને સમર્થન આપ્યું ગણાશે માટે રાજીનામું આપીને પ્રધાનપદું છોડી દેવું જોઈએ. સરદારનું માનવું હતું કે પ્રધાનમંડળમાં રહીને જ નહેરુની આ નીતિનો સચોટ વિરોધ થઈ શકશે. પણ ડૉ. મુખર્જીએ જોયું કે સરદારે આમેય પોતાની બગડતી જતી તબિયતને કારણે કૅબિનેટની મીટિંગોમાં આવવાનું ઓછું કરી નાખ્યું હતું અને આને કારણે નહેરુ - આઝાદ જૂથનું વર્ચસ વધી રહ્યું છે, કોઈ પણ મુદ્દે આ જૂથ પર અંકુશ મૂકવાનું કામ દુષ્કર બનતું જાય છે. રાષ્ટ્રહિતથી વિપરીત એવી નહેરુુની નીતિઓનો બહાર રહીને પ્રગટ વિરોધ કરવા માટે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારત સરકારના પ્રધાનમંડળમાથી રાજીનામું આપ્યું. સિદ્ધાંત અને નીતિના મુદ્દે ખુરશીને લાત મારનારા તેઓ પ્રથમ કેન્દ્રીય પ્રધાન હતા. રાજીનામાની તારીખ ૮ એપ્રિલ, ૧૯૫૦. રાજીનામું આપ્યા પછી પણ તે સ્વીકારાયું તે પહેલાં, ૧૮ એપ્રિલના રોજ એમણે પોતાના આ નિર્ણય વિશે વિગતે વાત કરતું પ્રવચન સંસદમાં આપ્યું. આ ભાષણ એક ઐતિહાસિક દસ્તાવેજ છે, જેમાં નેહરુની રાષ્ટ્રવિરોધી નીતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ડૉ. મુખર્જીની દૃષ્ટિ તથા નિષ્ઠાએ જનસંઘને જન્મ આપ્યો. ૧૯૫૨ના ફેબ્રુઆરીમાં માંડ ત્રણ-ચાર મહિના જૂના જનસંઘે ડૉ. મુખર્જીના માર્ગદર્શન તથા નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું. પ્રથમ ચૂંટણીમાં જ જનસંઘના ઉમેદવારોને કુલ એટલા મત મળ્યા જેને કારણે ચૂંટણીપંચે જનસંઘને કૉન્ગ્રેસ, સામ્યવાદી પક્ષ તથા સમાજવાદી પક્ષની સમકક્ષ મૂકીને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવી પડી.

૧૯૫૨ના ડિસેમ્બરમાં કાનપુરમાં જનસંઘનું પ્રથમ રાષ્ટ્રીય અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં ભારતના નવનિર્માણ માટે ભારતની શિક્ષણનીતિનું ભારતીકરણ કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. વિદેશી આક્રમણખોરો તથા વિદેશી શાસકોએ લખેલા ભારતીય ઈતિહાસના પુનર્લેખનથી માંડીને રક્ષાબંધન, વિજયાદશમી, દિવાળી તથા હોળી જેવા ઉત્સવોને રાષ્ટ્રીય તહેવાર ગણીને એ દિવસે જાહેર રાષ્ટ્રીય રજા રાખીને દેશભરમાં ઉજવણી કરવા સહિતના સંખ્યાબંધ મુદ્દાઓ આ પ્રસ્તાવમાં હતા.

આમાંનો એક મુદ્દો જમ્મુ-કાશ્મીરને બંધારણની કલમ ૩૭૦ હેઠળ અપાયેલા વિશેષાધિકારનો વિરોધ કરતો પણ હતો. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આ કલમનો વિરોધ કરતી ‘જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદ’ને સંપૂર્ણપણે ટેકો આપતા હતા. છેવટે આ જ મુદ્દો એમની હત્યાનું કારણ બન્યો. એમણે ૨૩ જાન્યુઆરી, ૧૯૫૦ અગાઉનાં અનેક પ્રવચનોમાં જાહેરાત કરી હતી કે ૩૭૦મી કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપવાની ભૂલ ન કરવી જોઈએ. આ વિશે એમણે નહેરુને વિગતે પત્ર પણ લખ્યો હતો અને શેખ અબ્દુલ્લાને રૂબરૂ મળીને એમને સમજાવવાની કોશિશ પણ કરી હતી.

૧૯૫૩માં જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની જુલમી સરકાર વિરુદ્ધનું આંદોલન પુરજોશમાં ચાલી રહ્યું હતું. ઠેકઠેકાણે સત્યાગ્રહીઓ પર ગોળીબાર થતો હતો. અનેક નાગરિકો શહીદ થઈ ચૂકયા હતા અને હજારો આંદોલનકારીઓ જેલમાં હતા. પ્રજા પરિષદ તરફથી ડૉ. મુખર્જીને અનેકવાર આગ્રહ કરવામાં આવતો કે તમે જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લો, જાતે પરિસ્થિતિનું અવલોકન કરો, આને કારણે કાર્યકરોનું મનોબળ પણ વધશે.

ડૉ. મુખર્જીએ આ આમંત્રણ વિશે પોતાના સાથીઓ સાથે વિચારણા કરી. સૌની સલાહને માન આપીને ડૉ. મુખર્જીએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. તે વખતે એમને ખબર નહોતી કે આ પ્રવાસ એમના જીવનની અંતિમ યાત્રા બની જશે. આવતા રવિવારે પૂરું.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના મોતને કારણે પંડિત નેહરુને જે જોઈતું હતું તે પ્રાપ્ત થઈ ગયું

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની વાત આ લેખમાં પૂરી કરીએ. ડૉ. મુખર્જીના સૂચિત કાશ્મીર પ્રવાસના સમાચાર જાણ્યા પછી અનેક લોકોએ આવીને એમને સલાહ આપી કે ત્યાં જવામાં જાનનું જોખમ છે. શ્રીમતી સુચેતા કૃપલાણીએ ડૉ. મુખર્જીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પંડિત નેહરુ તમને કાશ્મીરથી જીવતા પાછા નહીં આવવા દે એટલે આ પ્રવાસ રદ કરવો જોઈએ. આના જવાબમાં ડૉ. મુખર્જીએ સુચેતાજીને કહ્યું કે પંડિત નેહરુ સાથે મારે કોઈ અંગત અદાવત તો છે નહીં, માત્ર નીતિસંબંધી મતભેદ છે. મેં એમનું કંઈ બગાડ્યું નથી, એ શું કામ મારું અનિષ્ટ ચાહે? આ સાંભળીને સુચેતાજીએ કહ્યું કે તમે કદાચ પંડિતજીની માનસિકતાને જાણતા નથી. એ માને છે કે તમે એમના સૌથી મજબૂત વિરોધી અને વિકલ્પ તરીકે પ્રજાની આંખમાં વસી ગયા છો. તમને ખતમ કરવા એ કંઈ પણ કરશે.

પણ ડૉ. મુખર્જીએ પોતાનો નિર્ણય બદલવાની ના પાડી. એ દિવસોમાં જન્મુ-કાશ્મીર જવા માટે નવી દિલ્હીના સંરક્ષણ મંત્રાલયમાંથી પરમિટ કઢાવવી પડતી. ડૉ. મુખર્જીએ પરમિટ માટે અરજી આપવાની ના પાડી અને કહ્યું કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય હિન્દુસ્તાનનું અવિભાજ્ય અંગ છે. ભારતીય નાગરિક તરીકે અને એમાંય સંસદસભ્ય તરીકે ભારતભરમાં કોઈ પણ ઠેકાણે જવાનો એમને બંધારણીય અધિકાર છે.

મેના મધ્યમાં ડૉ. મુખર્જીએ દિલ્હીથી પ્રવાસનો આરંભ કર્યો. જમ્મુ પહોંચતાં પહેલાં અનેક જગ્યાઓએ એમનાં સન્માન તથા ભાષણો થયાં. જલંધર પહોંચ્યા ત્યારે એમને ગુરદાસપુરના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો ટેલીગ્રામ મળ્યો. એમાં લખ્યું હતું કે ભારત સરકારે એમને પરમિટ વગર જમ્મુ-કાશ્મીર રાજ્યાં પ્રવેશ કરવાની છૂટ આપી છે. આ અનુમતિ વાસ્તવમાં ‘આ જા ફસા જા’ની કૂટિલનીતિનું એક પગલું હતી, કારણ કે આ તાર નહોતો આવ્યો ત્યાં સુધી સૌની ધારણા હતી કે જમ્મુ પહોંચવા માટેના આગલા સ્ટેશને અર્થાત જલંધરમાં નહીં તો પઠાણકોટમાં ડૉ. મુખર્જીની ધરપકડ થઈ જશે જેથી તેઓ જમ્મુ-કાશ્મીરની હદમાં પ્રવેશી ન શકે. 

બીજે દિવસે ગુરુદાસપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટે્રેટ ડૉ. મુખર્જીને પઠાણકોટમાં મળ્યા અને એમની સાથે માધોપુર રાવી નદીના પુલ સુધી ગયા. 

ડૉ. મુખર્જીએ પુલનો અડધો હિસ્સો પાર કરીને જેવા જમ્મુ-કાશ્મીરની સીમામાં પગ મૂક્યો કે તરત જ શેખ અબ્દુલ્લા સરકારની પોલીસે એમની ધરપકડ કરીને તાબડતોબ એમને શ્રીનગર મોકલી આપ્યા. 

પરમિટ પ્રથા ભારત સરકારે ચાલુ કરી હતી. જમ્મુ-કાશ્મીર સરકારનો કાઈ કાયદો ડૉ. મુખર્જીએ તોડ્યો નહોતો. જમ્મુ-કાશ્મીરમાં થયેલી ધરપકડ સામે એ રાજ્યની બહારની અદાલતોમાં કોઈ કાર્યવાહી થઈ શકે નહીં, કારણ કે એ રાજ્ય ભારતની સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રની બહાર છે. કાશ્મીરની હાઈ કોર્ટમાં ડૉ. મુખર્જી માટે હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં વિલંબ થયો. 

આ ગાળામાં, જૂનના આરંભમાં, મૌલાના અબુલ કલામ આઝાદ શ્રીનગર જઈ આવ્યા પણ શેખ અબદુલ્લાના કેદી તથા એક જમાનામાં નેહરુ કૅબિનેટમાંના પોતાના સિનિયર સાથીને મળવા ન ગયા. 

થોડાક દિવસ પછી, ર૩મી જૂને, જનસંઘના સંસદસભ્ય તથા નામાંકિત ધારાશાસ્ત્રી બૅરિસ્ટર ઉમાશંકર ત્રિવેદીને શ્રીનગરની નીડો હોટેલમાં બે વ્યક્તિઓ મળવા આવી. એ દિવસે કાશ્મીર હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ જિનાલાસ કિલમની કોર્ટમાં ડૉ. મુખર્જી માટેની હેબિયસ કૉર્પસ અરજી પર સુનાવણી થવાની હતી. બે ભેદી માણસોમાંથી એક હિન્દુ પોલીસ અધિકારી હતા, બીજો કાશ્મીરી પંડિત હતા. બંનેએ બેરિસ્ટર ત્રિવેદીને કહ્યું કે અમને માહિતી મળી છે કે શેખ અબદુલ્લા પંડિત નેહરુની સૂચનાને કારણે ડૉ. મુખર્જીને જીવતા પાછા નહીં જવા દે માટે તમારે બને એટલું જલદી એમને અહીંથી મુક્તિ અપાવીને દિલ્હીભેગા થઈ જવું જોઈએ.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની મુક્તિ માટે બૅરિસ્ટર ઉમાશંકર ત્રિવેદીએ કોર્ટમાં બપોર પછી પણ દલીલો ચાલુ રાખી. ચાર વાગ્યે દલીલો પૂરી થઈ. બૅરિસ્ટર ત્રિવેદીને પોતે રજૂ કરેલા મુદ્દાઓને કારણે તેમ જ ન્યાયમૂર્તિના અભિગમ પરથી ખાતરી હતી કે અદાલત ડૉ. મુખર્જીને મુક્ત કરવાનો હુકમ કરશે. ન્યાયમૂર્તિ કિલમે બીજા દિવસે ઉઘડતી અદાલતે ચુકાદો સંભળાવવામાં આવશે એમ કહીને નિર્ણય લખવા માટે એક રાતનો સમય લીધો. 

સાંજે બૅરિસ્ટર ત્રિવેદી ડૉ. શ્યામાપ્રસાદને મળવા હૉસ્પિટલ ગયા. એક દિવસ અગાઉ એમને જેલમાંથી આ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડૉ. મુખર્જી પ્રસન્નચિત્ત હતા. એમની તબિયત ખાસ્સી સુધારા પર હતી. સાંજે સાત વાગ્યે ત્રિવેદી શ્યામાપ્રસાદની વિદાય લઈને પોતાની હોટેલ પર ગયા.

ડૉ. શ્યામાપ્રસાદને હાઈ બ્લડપ્રેશરની બીમારી હતી. હૃદયરોગ પણ હતો. એમના ડૉક્ટરોએ એમને સમુદ્રની સપાટીથી બહું ઊંચાઈ પરનાં સ્થળોએ જવાની કે ત્યાં રહેવાની સખત 

મનાઈ કરી હતી. જમ્મુમાં એમની ધરપકડ થઈ ત્યારે કાશ્મીર સરકારને આ વાતની જાણ કરી દેવામાં આવી હતી. આમ છતાં એમને શ્રીનગર લઈ જવામાં આવ્યા. 

હૉસ્પિટલમાં ડૉ. મુખર્જીની તહેનાતમાં રહેતી નર્સના કહેવા મુજબ રાત્રે દસ વાગ્યે ડૉક્ટર અલી જાને ડૉ. મુખર્જીને અકે ઈન્જેક્શન આપ્યું હતું. નર્સે ડૉ. અલી જાનને કહ્યું હતું કે દર્દીની તબિયત હવે ઘણી સારી છે. અને એમને કોઈ પ્રકારની દવાની અથવા ઈન્જેક્શનની જરૂર નથી, પણ ડૉ. અલી જાને ધરાર એક ઈન્જેકશન આપ્યું હતું. આ ઈન્જેક્શન ડૉ. અલી જાને કલાક પહેલા જ, બરાબર ૯ વાગ્યે શ્રીનગરના અમીરા કદલ વિસ્તારની વિખ્યાત દવાની દુકાન ‘કૅમ્પ ઍન્ડ કંપની’માંથી ખરીદ્યું હતું. દુકાનમાંથી આ ઈન્જેક્શન આપનારે કહ્યું હતું: ‘તેં ડૉક્ટરને પૂછ્યું હતું કે તમે આ ઈન્જેક્શન કોના માટે લઇ જાઓ છો?’ દુકાનદારના કહેવા મુજબ દર્દીની હાલત અત્યંત કટોકટીભરી હોય ત્યારે જ આ ઈન્જેક્શન લઈ જવામાં આવતું હોય છે.

રાત્રે ૧૦ વાગ્યે ડૉ. અલી જાને આ ઈન્જેક્શન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને આપ્યું. ઈન્જેક્શન આપ્યાની થોડીક જ મિનિટોમાં ડૉ. મુખર્જીની તબિયત લથડી ગઈ. ઈન્જેક્શન આપ્યાની બરાબર સાઠ મિનિટ બાદ ડૉ. મુખર્જીએ દમ તોડ્યો.

ડૉ. મુખર્જીના મોતના સમાચાર સમગ્ર રાષ્ટ્ર માટે આઘાતજનક હતા. 

ડૉ. મુખર્જીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કર્યા વિના શ્રીનગરથી દિલ્હી મોકલી દેવામાં આવ્યો. દિલ્હીમાં હજારો દેશભક્તો એમની અંતિમયાત્રામાં જોડાયા ઉદાસ રાષ્ટ્ર દિવસો સુધી પોતાના એક સમર્થ નેતાના અપમૃત્યુના શોકમાં ગરકાવ રહ્યું. જુલાઈ, ૧૯પ૩માં સંસદનું વર્ષસત્ર શરૂ થયું. સંસદના તમામ રાજકીય પક્ષો વતી ડૉ. મુખર્જીનું શ્રીનગરમાં કૈદી તરીકે થયેલા મૃત્યુની ચર્ચા થઈ અને આ અકુદરતી મોતની તપાસ કરવા માટે એક પંચ યા તપાસસમિતિ નીમવાની બુલંદ માગણી કરવામાં આવી. કૉંગ્રેસ વતી પુરુષોત્તમદાસ ટંડન જેવા વરિષ્ઠ નેતાઓએ પણ આ માગણીને સમર્થન આપ્યું. પણ પંડિત નેહરુએ તપાસની માગણી ફગાવી દીધી. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના મોતના બનાવમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું એ સમયે આકાશવાણી તથા પ્રમુખ વર્તમાનપત્રો નેહરુની ખૂબ નિકટ હતાં. પણ એ .... તમામ માધ્યમોમાં શ્યામાપ્રસાદજીના મોત માટે નેહરુ- શેખ અબદુલ્લાની સાંગાંઠ વિશે ચર્ચાઓ થતી રહી. નેહરુ મર્યા ત્યાં સુધી આ આક્ષેપોનો બોજ હેઠળ જીવ્યા.

ડૉ. મુખર્જીના મોતને કારણે પંડિત નેહરુને જે જોઇતું હતું તે પ્રાપ્ત થઇ ગયું. નેહરુથી કાશ્મીરને તથા લઘુમતીઓને પંપાળવાની નીતિઓ સામે રાષ્ટ્રવાદી ઉદારતાના ઉચ્ચતમ વિચારો આપનારાઓમાં રાજકીય ક્ષેત્રે ડૉ. મુખર્જી સૌથી મોટું બળ હતાં. એમના જવાથી આ રાજકીય ચળવળમાં શૂન્યાવકાશ સર્જાયો. જેને પૂરતાં દાયકાઓ વીતી ગયા. નેહરુવાદી ગતિઓથી થઇ રહેલા નુકસાન સામે જનસંઘ જેવા રાષ્ટ્રવાદી રાજકીય પક્ષોની જે ભૂમિકા તૈયાર થઇ રહી હતી, તેનું જાણે બાળમરણ થયું.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની હયાતીમાં જનસંઘ કૉંગ્રેસનો એક સબળ, કાયમી અને શ્રેષ્ઠ વિકલ્પ બની શકયો હોત. કદાચ એ જ કારણ હતું. એમની હયાતીને નામશેષ કરવા પાછળ.

ઈતિહાસ વિજેતાઓ દ્વારા અથવા શાસકો દ્વારા લખાતો હોય છે. ભારતનો ઈતિહાસ મોગલો તથા અંગ્રેજોએ લખ્યો ત્યાર બાદ કૉંગ્રેસીઓએ તથા એમના સત્તાસાથી તથા પિઠ્ઠુઓ એવા સામ્યવાદીઓએ. દેવ ગઢવી એટલે ગુજરાતના જ નહીં, સમર્ગ ભારતના ઉચ્ચ કક્ષાના કાર્ટૂનીસ્ટ દસ બાર વર્ષ અગાઉ એમણે એક કાર્ટૂન દોર્યું હતું. ઈતિહાસનું એક પુસ્તક હાથમાં પકડીને એક નેતાજી બોલે છેે, બાદશાહ અકબરના માથે મોગલ પાઘડીને બદલે ગાંધીટોપી ચીતરવાનો ઉત્સાહ કોણે દેખાડયો?

ભારતના ઈતિહાસ સાથે થયેલા ચેડાં સુધારીને ભારતની પ્રજાને એમનો સાચો ઈતિહાસ શીખવાડવાનો સુવર્ણ અવસર અત્યારે ભારતના નવા વડા પ્રધાનને પ્રાપ્ત થયો છે.





Saturday, June 14, 2014

હિંદુસ્તાનીઓ ફરજપરસ્ત છે? પૂછો હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના આ પ્રોફેસરને --- ગીતા માણેક

સ્ટાફની પસંદગી કરતી વખતે શું ધ્યાનમાં લેવું જોઈએ? તેની ડિગ્રી, તેના માર્ક કે તેનાં જીવનમૂલ્યો?


એક ફાઈવ સ્ટાર હોટેલના બેન્કવેટ હૉલમાં પાર્ટી ચાલી રહી છે. એક મલ્ટિનેશનલ કંપનીના જૂના સીઈઓનો વિદાય સમારંભ અને તેમના સ્થાન પર નવા આવી રહેલા સીઈઓને આવકારવા માટે આ પાર્ટીનું આયોજન થયું છે. જાતભાતની વાનગીઓથી બુફે ટેબલ ભરચક છે. જાતભાતની મોંઘીદાટ શરાબની બોટલો ખુલ્લી છે. પાર્ટીનો માહોલ જામ્યો છે. એ હોટેલમાં બેન્કવેટ હોલની જવાબદારી સંભાળતી મેનેજર આવે છે અને પાર્ટી માણી રહેલા મહેમાનોને શક્ય એટલી સ્વસ્થતાથી કહે છે કે હોટેલમાં કંઈક પ્રૉબ્લેમ છે. મને બરાબર ખબર નથી કે શું થયું છે, પણ પરિસ્થિતિ જોખમી લાગી રહી છે. અમે બેન્કવેટ હૉલના દરવાજા બંધ કરી રહ્યા છીએ અને તમે બધા મહેરબાની કરી જમીન પર સૂઈ જાઓ. તે છોકરી આ મહેમાનોને સૂચના આપે છે કે આ હૉલમાં જેટલાં દંપતીઓ છે તેઓ અલગ થઈ જાઓ અને જુદા જુદા ખૂણામાં ચાલ્યાં જાઓ.

હા, અમે વાત કરી રહ્યા છીએ ૨૬ નવેમ્બર ૨૦૦૮માં મુંબઈની તાજમહાલ હોટેલ પર થયેલા આતંકવાદી હુમલાની. અહીં વાત આતંકવાદની નથી કરવી, પણ આ હોટેલના સ્ટાફની કરવી છે. એ દિવસે આ હોટેલના સ્ટાફે જે ફરજપરસ્તી દર્શાવી હતી એ અમેરિકાની વિશ્ર્વવિખ્યાત બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને શીખવવામાં આવી રહી છે. આ આખી ઘટનાને કેસ સ્ટડી તરીકે લઈ તેને સમજવાની કોશિશ થઈ રહી છે કે આ હોટેલમાં એ વખતે ફરજ બજાવી રહેલા સ્ટાફમાં એવું તે શું છે કે આવા સંકટના સમયે પોતાના પરિવારનો અરે, ખુદ પોતાના જાનનો વિચાર કર્યા વિના તેઓ પોતાની ફરજને વળગી રહ્યા?

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ભારતીય મૂળના પ્રોફેસર રોહિત દેશપાંડેએ તેમના વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો કે તાજમહાલ હોટેલ પર આતંકવાદી હુમલો થયો ત્યારે હોટેલમાં જનરલ મૅનેજરથી માંડીને વેઈટર અને ટેલિફોન ઑપરેટરો સુધીનો ૬૦૦ જણનો સ્ટાફ કામ કરી રહ્યો હતો. તમને શું લાગે છે કે આ ૬૦૦ જણના સ્ટાફમાંની દરેક વ્યક્તિ હોટેલના પ્રવેશદ્વાર સિવાયના બહાર નીકળવાના તમામ રસ્તાઓથી વાકેફ હતી તો એમાંના કેટલા જણા આતંકવાદીઓ ત્રાટક્યા છે એની જાણ થતાં હોટેલ છોડીને ભાગી ગયા હશે? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કે વધુમાં વધુ ૧૦૦-૧૫૦ જણા સિવાયના બાકી બધા રફુચક્કર થઈ ગયા હશે. તેમના પ્રોફેસરે કહ્યું કે રોંગ આન્સર. તમારા બધાનો જવાબ ખોટો છે, કારણ કે એ દિવસે તાજમહાલ હોટેલના ૬૦૦ જણના સ્ટાફમાંથી એકપણ સ્ટાફ મેમ્બર ભાગી ગયો નહોતો કે ન તો ભાગી જવાની કોશિશ કરી હતી.

જે બેન્કવેટ મેનેજરની વાતથી આ લેખની શરૂઆત કરી હતી તે બેન્કવેટ મેનેજર મલ્લિકા જગડને મોબાઈલ ફોન પર તેના સહકર્મચારીએ કહ્યું કે હોટેલમાં કંઈક ભયાનક બની રહ્યું છે. શું થયું છે એની ખબર નથી. આ સંજોગોમાં તેલ લેવા ગઈ યુનીલિવર કંપનીની પાર્ટી અને ખાડામાં જાય તેમના મહેમાનો, કહીને મલ્લિકા હોટેલના પાછલા દરવાજેથી ભાગી ગઈ હોત તો માનસશાસ્ત્રના અત્યાર સુધીનાં સંશોધનો અને તારણો પ્રમાણે એ અજુગતું નહોતું. કોઈ પણ ભયજનક સ્થિતિમાં માણસ આ જ માર્ગ અખત્યાર કરે એ સ્વાભાવિક ગણાય, પણ જે કંપનીની પાર્ટી ચાલી રહી હતી એ યુનીલિવરની વાઈસ પ્રેસિડન્ટ લીના નાયરે એ વાતની શાખ પૂરી છે કે મલ્લિકા અને બેન્કવેટ હૉલમાં સેવા આપી રહેલા તમામ સ્ટાફ મેમ્બર્સ એક ઘડી માટે પણ અમને મૂકીને ગયા નહોતાં. લીના નાયરે કહ્યું છે કે બીજા દિવસે અમે બધા અગ્નિશામક દળના જવાનોની મદદથી બહાર નીકળ્યાં એ ઘડી સુધી એ સૌ અમારી સાથે જ હતા એટલું જ નહીં, પણ એ સંકટની સ્થિતિમાં મલ્લિકા અને અન્ય સભ્યોએ જે સ્વસ્થતા જાળવી રાખી અને અમને બધાને જે હિંમત બંધાવી હતી એને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. આવી મુશ્કેલીભરી સ્થિતિમાં ૨૪ વર્ષની હા, માત્ર ૨૪ વર્ષની છોકરીએ આવીને એ હૉલમાં હાજર ગેસ્ટને સૂચન કર્યંુ કે તમે જમીન પર ચત્તાપાટ સૂઈ જાઓ એટલું જ નહીં, પણ દંપતીઓ જુદાજુદા ખૂણામાં સૂઈ જાઓ. આવું કહેવા માટેનું કારણ ભલે તેણે શબ્દોમાં ન આપ્યું પણ તેનો કહેવાનો મતલબ સમજાય એવો હતો કે જો હુમલો થાય જ તો પતિ-પત્ની જુદા-જુદા ખૂણામાં હોય તો બંનેમાંથી કમસે કમ એકના બચવાની તો સંભાવના રહે અને તો ઘરે તેમનાં બાળકો સાવ અનાથ ન થઈ જાય!

આખી રાત આવી રીતે વીતી અને સવારે જ્યારે બહારની આગના ધુમાડાથી બેન્કવેટ હૉલ ભરાઈ ગયો ત્યારે બહાર નીકળવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બહાર બારીમાંથી સીડી લગાડીને અગ્નિશામક દળના જવાનો અમને ઉતારવા માટે હાથ કરી રહ્યા હતા. પાર્ટીમાં હાજર સો જેટલા મહેમાનોમાંના બધ્ધેબધ્ધા ઊતરી ગયા બાદ જ સ્ટાફના સભ્યો ઊતરીને બહાર આવ્યા હતા.

મલ્લિકાને જ્યારે પૂછવામાં આવ્યું કે તને ડર નહોતો લાગ્યો? ત્યારે ૨૪ વર્ષની આ યુવતીએ કહ્યું હતું કે હા, ડર તો લાગ્યો હતો, પણ એ વખતે મારા માટે એનાથી પણ મહત્ત્વની વાત હતી અને એ હતી મારી ફરજ. આઈ વોઝ ડુઇંગ માય જૉબ. એ રાત્રે હોટેલમાં આશરે સાડાનવ વાગ્યે આતંકવાદીઓની બંદૂકોમાંથી ગોળી છૂટી ત્યારથી લઈને બીજા દિવસે સવારે ૪ વાગ્યા સુધી ટેલિફોન ઑપરેટરો સતત હોટેલની દરેક રૂમમાં ફોન કરીને લોકોને જણાવી રહી હતી કે મહેરબાની કરી તમારા રૂમનો દરવાજો લૉક કરી દો. કી-હૉલમાંથી કાર્ડ કાઢી લો જેથી રૂમમાં ઈલેક્ટ્રિસિટી બંધ થઈ જાય અને આગ લાગવાની સંભાવના ઓછી થાય અને તેમણે હોટેલમાં રહેતા ગેસ્ટને સૂચનાઓ આપી કે ધીમેકથી બહાર નીકળી કૉરીડોરની લાઈટ પણ બંધ કરી દો જેનું બટન તમારી રૂમની બહાર જ છે જેથી અંધારામાં આતંકવાદીઓ માટે કંઈ પણ કરવું મુશ્કેલ બને. આખી રાત તેમણે ગેસ્ટ સાથે વાતચીત ચાલુ રાખી. આ બધી જ ટેલિફોન ઑપરેટરોએ ધાર્યંુ હોત તો પાછલા રસ્તે ભાગી જઈને ઘરે જઈને પતિના પડખામાં ભરાઈને ગોદડું ઓઢીને સૂઈ જઈ શકી હોત અથવા ટેલિવિઝન પર અન્ય દર્શકોની જેમ આખી ઘટના જોતી રહી હોત. પણ ના, તેમાંની કોઈ પણ ટેલિફોન ઑપરેટર પોતાની ખુરસી છોડીને ગઈ નહોતી. ઊલટું તે ઑપરેટરોએ જનરલ મેનેજરથી માંડીને બધા સ્ટાફ અને ગેસ્ટ વચ્ચે સંદેશવ્યવહાર ચાલુ રાખવામાં અતિશય મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એ તો બધાને હવે ખબર છે કે એ દિવસે હોટેલની રેસ્ટોરાંમાં જમી રહેલા તમામ મહેમાનો સલામતીપૂર્વક બહાર નીકળી શકે એ માટે બધા શૅફ (રસોઈયા) અને અન્ય સ્ટાફના સભ્યોએ માનવસાંકળ બનાવી રેસ્ટોરાંમાં ફસાયેલા લોકોને ફાયર એક્ઝિટ તરફ દોરી ગયા હતા પણ આ વાતનો અંદાજ એક આતંકવાદીને આવી જતા તેણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં પાંચેક જેટલા શૅફના જીવ ગયા હતા.

હોટેલના જનરલ મેનેજર કરમબીન સિંહ કાંગા સતત આ સંક્ટના સમયે કાર્યરત રહ્યા અને સ્ટાફ સાથે સંપર્કમાં રહીને કામગીરી નિભાવતા રહ્યા. તેઓ કહે છે કે મારા પિતા આર્મીમાં હતા અને જ્યારે હું જનરલ મેનેજરના પદ પર પહોંચ્યો ત્યારે તેમણે મને કહ્યું હતું કે હવે તું આ જહાજનો કેપ્ટન છે. મુશ્કેલીની સ્થિતિમાં જહાજનો કેપ્ટન જહાજ છોડી જાય એ કઈ રીતે બને? કાંગાએ પિતાની એ શીખને શબ્દશ: નિભાવી હતી અને એ નિભાવતાં તેમણે તેમની પત્ની અને બંને દીકરાઓ ગુમાવ્યાં હતાં કારણ કે તેમનો પરિવાર હોટલના છઠ્ઠા માળે કવોર્ટર્સમાં રહેતો હતો જે આ ઘટનામાં બળીને ખાખ થઈ ગયો, જેમાં તેમની પત્ની અને બે દીકરા ભડથું થઈ ગયાં હતાં!

ટાટા ગ્રુપના રતન ટાટા પણ કહે છે કે આવી સ્થિતિમાં કઈ રીતે વર્તવાનું કે શું કરવાનું એની માહિતી કે સૂચનો આપતી પુસ્તિકા, નિયમો કે તાલીમ ન હોવા છતાં અમારા સ્ટાફે આખી પરિસ્થિતિમાં જે રીતે ફરજ નિભાવી એ કાબિલે-દાદ હતી. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર રોહિત દેશપાંડે માટે તાજમહાલ હોટેલના સ્ટાફે દેખાડેલી ફરજપરસ્તી નવાઈ ઊપજાવે એવી હતી. તેમના ભણતરમાં, સંશોધનમાં કે જાણવામાં આવી ઘટના વખતે સ્ટાફ આવી નિષ્ઠા દાખવે એવું ક્યારેય આવ્યું નહોતું. આવું કંઈ રીતે થયું અને એવું તે કયું કારણ હતું કે આ સ્ટાફ પોતાના કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના કામ કરતો રહ્યો?

રોહિત દેશપાંડેએ આનાં મુખ્યત્વે ત્રણ કારણ શોધી કાઢ્યાં છે. પહેલું આપણા દેશની સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવની ભાવના છે. આ ભાવના હિંદુસ્તાનીઓના લોહીના કણ-કણમાં વણાયેલી છે. એટલે જ અતિથિઓના રૂપમાં હોટેલમાં આવેલા દેવી-દેવતાઓની સલામતી જાનના જોખમે પણ સ્ટાફે જાળવી હતી.

બીજી સૌથી વધુ અગત્યની અને નોંધનીય બાબત એ છે કે ટાટા ગ્રુપ અને ખાસ તો તાજમહાલ હોટેલના એચ. આર. વિભાગે આવા ફરજપરસ્ત, ઈમાનદાર અને નિષ્ઠાપૂર્ણ સ્ટાફની શોધ ક્યાંથી અને કેવી રીતે કરી એ રોહિત દેશપાંડેએ પૂછ્યું હતું. તેમને જાણવા મળ્યું કે ટાટા ગ્રુપે મુંબઈ, દિલ્હી, કોલકાતા કે ચેન્નાઈ જેવાં શહેરોની જાણીતી કૉલેજોમાં ભણતાં અને અવ્વલ નંબરે પાસ થતાં યુવક-યુવતીઓને નોકરી પર નહોતાં લીધાં. તેમને ત્યાં કામ કરતો સ્ટાફ નાસિક, ત્રિવેન્દ્રમ, રાયપુર કે એવાં નાનાં-નાનાં શહેરોમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. 

સ્ટાફ પસંદ કરતી વખતે તે વ્યક્તિની માર્કશીટને જ મહત્ત્વ નહોતું આપવામાં આવ્યું, પણ તેનો અભિગમ અથવા જેને આપણે સંસ્કાર કહી શકીએ એના પર ધ્યાન આપવામાં આવ્યું હતું. જે છોકરા કે છોકરીની પસંદગી કરવામાં આવી હોય તેના શિક્ષકને અથવા તે જે સ્કૂલ-કૉલેજમાં ભણ્યો હોય તેના પ્રિન્સિપલને પૂછવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ તેના શિક્ષકને માન આપતો હતો, તેને તેના વડીલો પ્રત્યે આદર હતો. તે ઉમેદવારનાં નૈતિક મૂલ્યો. સિદ્ધાંતો, રહેણીકરણી કેવાં છે એના પર ધ્યાન અપાયું હતું.

બીજી તરફ ટાટા ગ્રુપે તેમના સ્ટાફને ખૂબ સરસ રીતે સાચવ્યો હતો. હોટેલના કોઈ પણ ગેસ્ટ કોઈ પણ સ્ટાફની પ્રશંસા કરતી એક લીટી પણ લખે તો એના ૪૮ કલાકની અંદર સ્ટાફના તે સભ્યના કામની નોંધ લેવામાં આવતી અને એ મુજબ તેને આર્થિક વળતર પણ અપાતું. એના માટે તેણે દિવાળી, દશેરા કે અકાઉન્ટિંગ વર્ષ પૂરું થાય એની રાહ ન જોવી પડતી.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર રોહિત દેશપાંડે કહે છે કે આ કેસ સ્ટડીમાંથી હું ઘણું બધું શીખ્યો. સ્ટાફ નિષ્ઠાપૂર્વક કામ નથી કરતો, ભારતીયો બધા કામચોર થઈ ગયા છે, જવાબદારી અને ફરજનું ભાન નથી એવી ફરિયાદો કરનારા માલિકોએ પણ આમાંથી શીખવા જેવું ઘણું છે.