Saturday, June 28, 2014

દસકો ફેરવી નાખતા દસ શબ્દો -- સેલિબ્રિટીના આયનામાં સેલિબ્રિટી - ડો. જે. જે. રાવલ

હળવગદના મહાદેવના મંદિરના પૂજારીથી નેહરુ પ્લેનેટેરિયમના ડિરેકટર સુધીની મજલ કાપનાર ખગોળવિદ ડૉ. જે. જે. રાવલે સૂર્યમંડળનો તલસ્પર્શી અભ્યાસ કરી નવી નવી જાણકારી આપી જગતને દંગ કરી દીધું છે....

‘રાવલ મુંબઈ આવે છે, તું એને રિસર્ચની ગોઠવણ કરી આપજે’

કોઈની ભલામણ કરતું આ દસ શબ્દનું વાકય. પણ આ દસ શબ્દોએ એવી કમાલ કરી કે એ વ્યક્તિના જીવનનો દસકો ફરી ગયો. ત્યારથી પ્રગતિના પગથિયા ચડવાનું જે શરૂ કર્યું તે આજ દિન સુધી પાછું વાળીને નથી જોયું. શિફારસ કરનાર અને જેને શિફારસ થઇ હતી એ બન્ને વ્યક્તિ નામવંત હતી અને જેની શિફારસ થઇ હતી એ એ સમયની નામ વિનાની વ્યક્તિ સખત મહેનત અને આવડતથી પોતાની જાતને આ બન્ને વ્યક્તિની હરોળમાં ગોઠવાઈ જઈ નામવંત બની ગઈ.

શિફારસ કરનારી વ્યક્તિ હતી પ્રોફેસર મહાદેવ દત્તા. મહાન વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ ઇન્સ્ટિટયુટ ઓફ ફિઝિકલ સાયન્સીસ, કલકત્તાના ડિરેક્ટર. જેમને શિફારસ થઇ હતી એ વ્યક્તિનું નામ છે ડૉ. જયંત વિષ્ણુ નારળીકર, ભારતના વિશ્ર્વવિખ્યાત એસ્ટ્રોફિઝિસીસ્ટ અને જેમની શિફારસ થઇ હતી એમનું નામ છે જિતેન્દ્રકુમાર જટાશંકર રાવલ.

નામ વાંચીને તો લાગે કે હશે કોઈ ક્રિયાકાંડી બ્રાહ્મણ અથવા હશે કોઈ ધર્મસ્થાન-મંદિરના પૂજારી. પણ આ વ્યક્તિ નથી વ્યવસાયે બ્રાહ્મણભાઈ કે નથી કોઈ ધર્મસ્થાન-મંદિરના પૂજારી. એ તો છે સરસ્વતીદેવીના ઉપાસક અને વિદ્યાના મંદિરના પૂજારી ખગોળ વિજ્ઞાની ડૉ. જે જે રાવલ. તેઓ જે જે રાવલ તરીકે એટલી હદે જાણીતા છે કે એમનું આખું નામ જિતેન્દ્રકુમાર જટાશંકર રાવલ છે એ એમની સાથે નિયમિત કામ કરનારાઓમાંથી ૮૦ ટકા લોકોને કદાચ ખબર નહિ હોય.

પોતાની કારકિર્દીમાં ધરખમ પરિવર્તન લાવનારા આ બે મહાનુભાવોની સ્મૃતિઓ તાજી કરતી વખતે ડૉ. રાવલના ચહેરા પર અનોખી ચમક આવી જાય છે. અસ્સલના જમાનાનો ગુરુકુળનો કોઈ વિદ્યાર્થી પોતાના ગુરુના સ્મરણમાત્રથી કેવો ભાવવિભોર થઇ જાય કંઇક એવા જ ભાવ રાવલ સાહેબના ચહેરા પર દેખાઈ રહ્યા હતા.

પોતાની કારકિર્દીમાં બે મહત્ત્વના તબક્કે નિર્ણાયક વળાંક લાવનારી આ બે વ્યક્તિ વિશે ડૉ. જે જે રાવલ કહે છે, ‘આ લોકોએ જો મારો હાથ ના ઝાલ્યો હોત તો આજે હું કદાચ કોઈ સ્કૂલ-કોલેજમાં શિક્ષક હોત અથવા કોઈ કંપનીમાં કોને ખબર શું કામ કરતો હોત.’

અને રાવલસાહેબ ભૂતકાળમાં સરી પડે છે. ‘૧૯૬૮માં મેં અપ્લાઇડ મેથ્સ સાથે એમ.એસસી. કર્યું અને એ જ વર્ષે મારા લગ્ન પણ થયા’, તેઓ જણાવે છે, ‘મારે તો રિસર્ચ કરવું હતું, ખગોળ વિજ્ઞાનની દુનિયામાં સિક્કો જમાવવો હતો, પણ લગ્ન થઇ ગયા એટલે નોકરી તો કરવી જ પડે. એટલે થાણાની એક ફેકટરીમાં મહિને દાડે ૩૦૦ રૂપિયાની નોકરી સ્વીકારી લીધી. કામ સ્ટોર મેનેજરનું કરું પણ મનમાં તો રિસર્ચનો જ કીડો સળવળ્યા કરે.લોકો રિસર્ચ કઈ રીતે કરતા હશે?નવું નવું કઈ રીતે શોધી કાઢતા હશે? એવા વિચારો જ મનમાં ઘૂમરાયા કરે. આઠ મહિના પછી શેઠે ૧૦૦ રૂપિયા વધારી પર્મેનન્ટ કરવાની વાત કરી. મેં તો કહ્યું મને ૫૦૦ આપો. શેઠે માગણી ના સ્વીકારતા ન્યુ એરા સ્કૂલમાં ટીચરની ૫૦૦ની નોકરી સ્વીકારી લીધી. થોડા સમય પછી નોકરી કરતા કરતા રિસર્ચ માટે સમય માગ્યો ત્યારે મને ચોખી ના પાડવામાં આવી અને એટલે મેં એ નોકરીને પણ ગુડબાય કરી દીધું અને ઘર ચલાવવા ટ્યુશન્સ શરૂ કર્યા. વળી પાછી એક કંપનીમાં નોકરીએ બેઠો.આર્થિક જવાબદારીઓ પૂરી કરવા આ બધું કરતો હતો પણ મારું ચિત્ત એમાં નહોતું.’

અહીં આવે છે જીવનનો પ્રથમ વળાંક.૧૯૭૪માં અખબારમાં એક જાહેરખબર આવી કે કલકત્તાની સત્યેન્દ્રનાથ બોઝ ઇન્સ્ટિટયુટ ઓફ ફિઝિકલ સાયન્સીસમાં એમ.એસસી. પછી એમ.ફિલ.ના રિસર્ચની એમાં વાત હતી. આપણા રાવલસાહેબ તો હરખાઈ ગયા. તાબડતોબ અરજી કરી, ઈન્ટરવયૂ માટે કૉલ આવ્યો અને એડમીશન પણ મળી ગયું.

‘બોગદામાંથી પસાર થતી વ્યક્તિને એક મીણબત્તીના પ્રકાશમાત્રથી જેવી લાગણી થાય એવો જ હરખ મને થયો.’ જે જે રાવલ કહે છે, દર મહિને ૨૦૦ રૂપિયાની સ્કોલરશિપ સાથે ભણવાનું શરૂ કરી દીધું. જોકે એમાંથી ૧૫૦ રૂપિયા ઘરે મોકલતો-મોકલવા પડતા કારણ કે ઘરે પત્ની હતી અને પુત્રીનો જન્મ થઇ ગયો હતો.એક ટાઇમ સાંજે જમીને જેમતેમ ૫૦ રૂપિયામાં મહિનો પૂરો કરતો.’

આ બધી વાતની જાણ થઇ ઇન્સ્ટિટયુટના ડિરેક્ટર મહાદેવ દત્તાને. અભ્યાસમાં કડક હાથે કામ લેતા દત્તા સાહેબ ખૂબ જ લાગણીવાળા હતા.પિતા જેમ સંતાનોનું ધ્યાન રાખે એમ બધાનું ધ્યાન રાખવા લાગ્યા. ‘રહેવાની જગ્યા ફ્રી, કોઈ ભાડું નહિ.ફીમાં પણ માફી,’ જે જે રાવલ કહે છે,આર્થિક બોજો હળવો થતા અમે બધા જોશમાં આવી ગયા.બે વર્ષમાં ડિસ્ટિંન્ક્શન સાથે એમ.ફિલ.કર્યું અને દત્તાસાહેબ દ્વારા આયોજિત એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજૂ કરવાની તક મળી અને એ પછી મહાદેવ દત્તાએ કલકત્તામાં પીએચ.ડી. કરવા કહ્યું.’

બસ, આજ તો ખેવના હતી રાવલસાહેબની. પણ કાળને જાણે આ મંજૂર ન હોય એમ સ્કોલરશિપની સમસ્યા અને પત્નીની બીમારીને કારણે તેઓ બિસ્તરા-પોટલા બાંધી મુંબઈ પાછા ફર્યા. મુંબઈ પાછા તો ફર્યા પણ કરવું શું એની કોઈ દિશા નહોતી. અહીં આવે છે જીવનનો બીજો અને મહત્ત્વપૂર્ણ વળાંક.પ્રોફેસર મહાદેવ દત્તા જે જે રાવલની લગન જાણતા હતા એટલે એમણે મુંબઈમાં જગવિખ્યાત વિજ્ઞાની પ્રોફેસર જયંત નારળીકરને ફોન કરી કહ્યું, ‘રાવલ મુંબઈ આવે છે,તું એને રિસર્ચની ગોઠવણ કરી આપજે.’ આટલી વાત કરીને એક વિગતવાર કાગળ પણ લખ્યો.

‘મહાદેવ દત્તાની ભલામણ જ એટલી જોરદાર હતી કે નારળીકરે પત્ર લખી મને મળવા બોલાવ્યો,’ ડૉ. જે જે રાવલ કહે છે, હું તો પહોંચી ગયો ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર)ના કેન્દ્ર પર. નારળીકર ત્યારે ટીઆઈએફઆર સાથે સંકળાયેલા હતા. પહેલા તો તેમણે મારી રજૂઆત વિગતે જાણી. પછી મારી સાથે ચર્ચા કરી પણ પોતે ટેક્નિકલ કારણોસર મને ટીઆઈએફઆરમાં લઇ નહિ શકે એમ અફસોસપૂર્વક જણાવ્યું. આ વાત સાંભળી હું થોડો નિરાશ થઇ ગયો. જોકે પછી એમણે જે વાત કરી એમાં મને આશાનો દીવડો ટમટમતો દેખાયો. એમણે કહ્યું કે વરલીમાં નેહરુ પ્લેનેટેરિયમ શરૂ થયું છે.એમને ખગોળ વિજ્ઞાનીની જરૂર છે. તું એમાં જોડાઈ જા.નોકરી કરતા કરતા તું રિસર્ચ પણ કરી શકીશ.’ પ્રોફેસર જયંત નારળીકર 

વિષે એમણે એક મજેદાર કિસ્સો પણ કહ્યો. તેમણે જણાવ્યું, ‘નારળીકર અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતા.૧૯ વર્ષની ઉંમરે બનારસ યુનિવર્સિટીમાં બી.એસસી. કરીને આગળ ભણવા કેમ્બ્રિજ ગયા હતા. તેમણે બારમા ધોરણની પરીક્ષા આપી ત્યારે ગણિતનું છ સવાલનું ત્રણ કલાકનું પેપર એમણે એક કલાકમાં લખી નાખ્યું. એ સમયે પેપરનો સમય પૂરો ન થાય ત્યાં સુધી નીકળાતું નહિ.એટલે તેઓ ચુપચાપ બેઠા રહ્યા. એટલામાં રાઉન્ડ પર નીકળેલા કોઈ અધિકારીનું ધ્યાન એમના પર પડ્યું અને એની પાસે આવીને કહેવા લાગ્યા કે થોડો વિચાર કરીશ તો આગળ પેપર લખી શકીશ.જોકે પેપર લખાઈ ગયું છે એવો જવાબ સાંભળીને પેલા ભાઈ તો ભોંઠા પડી ગયા. અન્ય એક પરીક્ષાના પેપરનો કિસ્સો પણ મજેદાર છે. પેપરમાં લખ્યું હતું કે કોઈ પણ છ સવાલના જવાબ લખો. દરેકના માર્ક સરખા છે. નારળીકરે છથી વધારે પ્રશ્ર્નોના ઉત્તર આપ્યા અને છેવટે લખ્યું કે કોઈ પણ છ ઉત્તર તપાસો, દરેકના સરખા જ માર્ક છે.’

બસ, નારળીકરના કહેવાથી રાવલસાહેબ નેહરુ પ્લેનેટેરિયમમાં જોડાઈ ગયા અને બની ગયા પ્લેનેટેરિયમના જોઈન્ટ ડિરેકટર. નોકરીની સાથે રિસર્ચ પણ શરૂ કરી દીધું. અંતે ડૉ. જે જે રાવલની ગાડી તેઓ ઈચ્છતા હતા એ પાટા પર અને એ દિશામાં દોડવા લાગી. એ દિવસથી પોતે ઝંખતા હતા એ દિશામાં જ પ્રયાણ જારી રહ્યું છે.ખગોળશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી, ઊંડું સંશોધન કરી સિદ્ધિના એક પછી એક શિખરો સર કરતા ગયા છે આપણા ડૉ. જે જે રાવલ.સૂર્યમંડળ વિષે અનેક સંશોધનો કરી દુનિયાના નકશા પર ભારતનું નામ રોશન કર્યું છે. વિશાળ સંશોધન ઉપરાંત વિજ્ઞાન પર ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પારાવાર લેખો લખ્યા છે. સ્કૂલ-કોલેજો-સંસ્થા-મંડળોમાં વ્યાખ્યાનો આપ્યાં છે. રેડિયો-ટીવી પર વાર્તાલાપ રજૂ કર્યા છે. પુસ્તકો પણ લખ્યાં છે. કોઈ પણ ગુજરાતીની છાતી ફાટફાટ થાય એવું એમનું યોગદાન છે. પણ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓએ હાથ ઝાલી લીધો એ તેઓ કદી વીસર્યા નથી અને હવે જ્યાં જરૂર લાગે ત્યાં પોતે હાથ ઝાલવાનું કામ કરી ઋણ અદા કરે છે.

No comments:

Post a Comment