Friday, June 27, 2014

કેન્સરની કુરૂપતા સામે પ્રેમની પારાવાર તાકાતનો ચહેરો --- તરુ કજારિયા

કેટલીક વાર આપણી નજીકની વ્યક્તિઓને આપણે ગંભીરતાથી લેતા જ નથી હોતા. હકીકતમાં તેમની હાજરીને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરતા હોઇએ છીએ. પરંતુ એ વ્યક્તિ જ્યારે નથી હોતી ત્યારે તેની ગેરહાજરી અત્યંત તીવ્રતાથી અનુભવાય છે. ત્યારે સમજાય છે કે તે આપણી જિંદગી સાથે કેટલી બધી ગૂંથાઇ ગયેલી હતી! આપણા જીવનના પોતમાં તાણાંવાણાંની જેમ વણાઈ ગયેલી હતી!

અચાનક દિવસ દરમિયાન કે અડધી રાતે કે પરોઢિયે આંખો બંધ હોય કે ખુલ્લી આંખો સામે એ જ વ્યક્તિ અને તેની યાદની ચાદર પથરાઈ જાય! થાય કે અરે! આપણે તો તેની વધતી ઉંમર, ડરામણી બીમારી અને જીવન-મૃત્યુની ઘટમાળ વિશે ખાસ્સા વાકેફ હતા, સોર્ટ ઓફ પ્રીપેર્ડ હતા; તોય એની ગેરહાજરી ઝિરવવાનું આટલું મુશ્કેલ? આટલું દુષ્કર? કલ્પના પણ નહોતી કરી કે આટલું મોટું વેક્યુમ સર્જાઈ જશે!

થોડા સમય પહેલાં જ એક આત્મીય સ્વજનને કેન્સરમાં ગુમાવ્યા બાદ આવી લાગણી અનેક્વાર અનુભવાય છે. મેઇલ બોક્સમાં આવતી વૈકલ્પિક ઉપચારો દ્વારા મહિનાઓમાં કે દિવસોમાં કેન્સરને નાથવાના દાવા કરતી સાઇટ ‘કેન્સર ડિફિટેડ’ની ઇમેઇલ્સ ઉપહાસ જેવી લાગે છે. પહેલાં તો આવી સાઇટ પર આવતાં લેખો ખાસ્સી ઉત્સુકતાથી વાંચતી. તેમાં ટાંકવામાં આવતાં કિસ્સાઓ સાચા લાગતા અને થતું કદાચ કામિયાબ ઇલાજ મળી જાય તો જરૂર હોય તેમને જણાવી શકાય! એકાદ વરસ પહેલાં એક સ્વજન અન્નનળીના કેન્સરના શિકાર બન્યા ત્યારે અમેરિકામાં રહેતી તેમની ડોક્ટર્ બહેનને આવી સાઇટસ પર આવતા દાવાઓની જાણ કરી. મનમાં હતું કે કોઇ કુદરતી દ્રવ્યોનું તરણું મળી જાય અને ચમત્કાર થાય! પણ ત્યારે એ ડૉક્ટર બહેનનો જવાબ આવેલો કે આ બધા દાવાઓ હમ્બગ છે! 

ઇન ફેક્ટ, કેન્સર ડિફિટેડ- એ શબ્દો જ માણસની મજાક કરતા હોય તેવા ભાસે છે. આજે કદાચ દુનિયામાં ભાગ્યે જ એવો કોઇ પરિવાર કે વ્યક્તિ હશે જેમણે પોતાનું કોઇ સ્વજન કે સ્નેહી કેન્સરમાં ગુમાવ્યું નહીં હોય! પોતાના નામ માત્રથી માણસને ઘ્રુજાવી દેનારો આ મહારોગ મોટે ભાગે તો તેની મુઠ્ઠીમાં સપડાય તેને મસળી નાખવાનો પાશવી આનંદ લેતો જ હોય છે. પરંતુ કેટલાક નસીબદાર તેને માત આપી શકે છે. તાજેતરમાં યુવરાજ સિંહ કે મનીષા કોઇરાલા જેવી હસ્તીઓના કેસમાં ખરેખર તે પરાજિત થયેલો જણાય છે. અનેક જિંદગીઓને હરાવી દેનારા અને પરિવારોનાં માળા વિખેરી નાખનારા આ ભયાનક રોગને હારતા જોઇને કે પીછેહઠ કરતા જોઇને એક પ્રકારનો સંતોષ થાય છે! 

આવા આ કેન્સરનો માનવીય ચહેરો અમેરિકાના એક ફોટોગ્રાફરે પોતાના કૅમેરામાં કેપ્ચર કર્યો છે તેવી કમેન્ટ વાંચી તે અંગે વધુ જાણવા પ્રયત્ન કર્યો. આ મહિને અમેરિકામાં ‘ધ બેટલ વી ડિડ નોટ ચૂઝ’ નામનું એક પુસ્તક પ્રગટ થયું. પોતાની પત્નીની કેન્સર સામેની લડતની જર્નીને તસવીરોમાં ઝીલનાર ફોટોગ્રાફર ઍન્જેલો મેરેન્ડિનોનું દિલને હલાવી નાખે તેવું આ પુસ્તક છે. વર્ષ ૨૦૦૭માં પોતાની પ્રિયતમા જેન(જેનીફર) સાથે લગ્ન કર્યા. એકમેકની ખુશીમાં દુનિયાની સર્વોચ્ચ સિદ્ધિઓ મળી જતી હોય એટલો આનંદ અનુભવતા જેન અને ઍન્જેલો ક્લાઉડ નાઇન ઉપર હતાં. અને ત્યાં જ લગ્ન પછી પાંચ જ મહિનામાં જેનને બ્રેસ્ટ કેન્સર ડાયગ્નાઇઝ થયું! વર્ષ ૨૦૧૦માં કેન્સરે જેનના શરીરના અન્ય હિસ્સાઓને પણ પોતાની પકડમાં લઈ લીધા. અને ૨૦૧૧ની ૨૨મી ડિસેમ્બરે ચાલીસ વરસની જેન આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. ચાર વરસનાં એ ગાળામાં ઍન્જેલોએ જેનની ઊંડી કાળજી લીધી, પ્રેમથી સેવાસુશ્રુષા કરી અને તેમની જિંદગીમાં કેન્સરનું આગમન થયું ત્યારથી આવેલાં પરિવર્તનની પળોને અદ્ભુત સંવેદનાથી કૅમેરાના લેન્સમાં ઝીલતો રહ્યો. તેમના પ્રેમાળ દાંપત્યની ચિરંજીવીતા અને સશક્તતાના જીવંત આલેખ સમી એ તસવીરો જેનની માંદગીના વરસોમાં એ બન્ને માટે જીવન-બળ પુરવાર થઈ હતી.

જે પતિએ પાંચ મહિના પહેલાં જ તેને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી કહીને પોતાની જિંદગીમાં વેલકમ કરી હતી તે જેનના રોગગ્રસ્ત શરીર અને બીમાર ચહેરાને પણ એટલા જ પ્રેમથી પોતાના કેમેરામાં ઝીલી રહ્યો હતો. એ અત્યંત મૂવિંગ તસવીરોનું હૃદયસ્પર્શી પુસ્તક છે ‘ધ બેટલ વી ડિડ નોટ ચૂઝ’. જેનની જિંદગી પર કેન્સરનું આક્રમણ, ધીરે-ધીરે પણ મક્કમ પગલે થતી તેની આગેકૂચ અને આખરે જિંદગીના મસ્ટરમાંથી જેનની બાદબાકી કરતો તેનો અંતિમ પ્રહાર! આ બધી ઘટનાઓ-પરિસ્થિતિઓને ઍન્જેલોએ અદભુત નઝાકતથી અને કસબથી તસવીરોમાં ક્ંડારી છે. જેનને પૂછીને તેણે એ તસવીરો પોતાના બ્લોગ ઉપર મૂકી હતી. અને એ જોઇને સેંકડો લોકોના પ્રતિભાવ આવ્યા હતા. કેટલાય લોકોએ કેન્સર સામે હિમ્મતભેર લડવાની પ્રેરણા મેળવી હતી તો કેટલાયે કેન્સરગ્રસ્ત સ્વજનની પ્રેમાળ કાળજી કરવાની સૂઝ એમાંથી કેળવી હોવાનું સ્વીકાર્યું હતું. ઍન્જેલો કહે છે એ તસવીરોએ અમારા સ્વજનોને અમે કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં તેનો વાસ્તવિક ખ્યાલ આપ્યો અને એ સમયે અમારે જેની તાતી જરૂર હતી એ સપોર્ટ પૂરો પાડ્યો. છેલ્લા દિવસોમાં ઍન્જેલો અને સ્વજનો જેનને સતત હૂંફ અને વહાલથી તરબતર કરતા રહ્યા. એની એક-એક પળને જિંદગીથી ભરવાના પ્રયાસમાં રહ્યા અને ઍન્જેલો એ બધી સ્મૃતિઓને કેમેરામાં ઝીલીને શાશ્ર્વત બનાવતો રહ્યો. ઍન્જેલો કહે છે તેમ આ તેમની તસવીરો નથી, એ તસવીરો ખુદ તેઓ જ છે.

આ તસવીરોમાં પાંત્રીસેક વર્ષની સુંદર જેન, એકમેકના પ્રેમમાં ગળાડૂબ ઍન્જેલો અને જેન, કેન્સરની શરૂઆત પછી જેનની એવા જ ઉત્કટ પ્રેમથી સેવા કરતો એન્જેલો, જેનના ખરતા વાળ, વાળ વગરના બોડા માથા સાથે જેન, હૉસ્પિટલના બિછાના પર દવાઓના ઢગલા સાથે સૂતેલી જેન, ઘરની બહાર ફરવા જતા ત્યારે વોકર સાથે ચાલતી જેન, અસહ્ય પીડા સહેતી જેન...એવી અનેક ઇમોશનલ મોમેન્ટ્સ સચવાઈ છે. એક તસવીરમાં એક મોટી ઉંમરની સ્ત્રી અને જેન ખુશખુશાલ પોઝ આપી રહ્યા છે. જેનના માથા પર પહેલાં જેવા જ વાળ છે! હકીકતમાં એ સ્ત્રી વીસ વરસથી લંગકેન્સર સાથે જીવતા ઍન્જેલોના પિતા છે. જેનને કંપની આપવા અને જેનના ચહેરા પર સ્મિત લાવવા તેમણે પણ વાળની વીગ પહેરી છે! 

કેન્સર પ્રસરી ગયું ત્યાર બાદ જેનના થાપામાં સખત દુખાવો રહેતો. એ સ્થિર ઊભી પણ ન રહી શકતી અને વોકરના સપોર્ટ વગર ચાલી પણ ન શક્તી. ત્યારે ઍન્જેલોે જેનને લઈને બહાર ફરવા જતો. એ વખતે રસ્તા પર કે ગાર્ડનમાં લોકો જેનની સામે જે રીતે તાકતા તેની તસવીરો પણ ઍન્જેલોએ ખેંચી છે. એ કહે છે કે હું મારો કૅમેરા છુપાવીને તસવીરો ખેંચતો કે જેથી લોકોના નેચરલ એક્સ્પ્રેસન્સ ઝીલી શકું. ફોટોગ્રાફર તરીકે અમે તો લોકોને જોવા ટેવાયેલા હોઇએ પણ જેનને જે રીતે લોકો તાકી રહેતા તેનાથી એ થોડી ડિસ્ટર્બ થતી કેમકે એ નજરો તેને અચૂક યાદ અપાવતી કે તેને કેન્સર છે. ક્યારેક કોઇ બાળક જેનની એ બીમારીની અવસ્થાની કોઇ જ નોંધ લીધા વિના તેની સામે હસી લેતું તો જેન એવા જ હૂંફાળા સ્મિતથી તેનો જવાબ આપતી. મારે આ બધી વાતો મારી તસવીરોમાં ઝિલવી હતી. ઍન્જેલોએ તાજેતરમાં એ લોકોની તસવીરોનું એક પ્રદર્શન પણ ‘ઓબ્ઝર્વિંગ ઍન્ડ કેપ્ચરિંગ’ નામના શો રૂપે યોજ્યું હતું.

બીમાર સ્વજનની ખરેખર પ્રેમપૂર્વક સારવાર કરવી એટલે શું તેનો ખ્યાલ આ તસવીરો જોઇને આવે છે. જીવલેણ રોગની ક્રૂરતાની સાથોસાથ માનવીય સંબંધોની ગહેરાઈ અને તેના ઐશ્ર્વર્યનો અહેસાસ છે આ તસવીરો.

રોજ સવારના ઊઠીને પહેલો ચહેરો પોતાની વહાલસોઇ જેનનો જોઇ શકે એ માટે ઍન્જેલો હૉસ્પિટલમાં જેનની રૂમમાં તેના બેડની સામે જ બે ખુરશીઓ ભેગી કરતો અને તેના પર બેઠા-બેઠા રાત ગુજારતો. છેલ્લે જેનને ઘરે લઈ આવ્યાં હતાં. તો તેની પથારીની બાજુમાં સોફા પર સૂતો. જેનના મૃત્યુ પછી એની ખાલી પથારી અને ઘડી કરેલી ચાદરનો ફોટો હૃદયને આરપાર વીંધી નાખે તેવો વેધક છે. આ તસવીરો જોનારને તેમાં પોતાના સ્વજનની વિદાય પછીની ખાલી પડેલી પથારી કે સૂની પડેલી જિંદગીની ઝલક જ દેખાય છે. એન્જલોએ જેનની સ્મૃતિમાં ‘ધ લવ યુ શેર’ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે. એ ટ્રસ્ટ બ્રેસ્ટ કેન્સરથી પીડાતી મહિલાઓને આર્થિક મદદ કરવા માટે પ્રવૃત્તિ કરશે. પોતાના પુસ્તકની કમાણીમાંથી પચાસ ટકા ભાગ તે એમાં આપવાનો છે. આપણે પસંદ ન કરી હોય તેવી કેટલીય લડાઇઓ આપણે જિંદગીમાં લડવી પડે છે, પણ પ્રેમ અને વિશ્ર્વાસથી સરાબોર સાથીઓનો સંગ એ લડાઇને જિંદગીની જીતની લડાઈ બનાવી દઈ શકે. આ તસવીરોને ઍન્જેલો કેન્સરના માનવીય ચહેરા તરીકે વર્ણવે છે. 

કદાચ તેને કેન્સરનું આહવાન ઝીલતા પ્રેમની પારાવાર તાકાતનો ચહેરો કહીએ તો!

No comments:

Post a Comment