Tuesday, June 17, 2014

એન.જી.ઓ.ની બહેનજીઓ ઉઘાડી પડે છે ત્યારે --- સૌરભ શાહ

જે લોકોને ખબર છે કે પોતે સાચા છે, સારું કામ કરે છે એ લોકો ઝાઝા સાવધ નથી રહેતા. એમને એમ હોય છે કે જ્યારે હું સાચો હોઉં, સારો હોઉં ત્યારે મારું કોણ કશું બગાડવાનું છે. ખોટું કામ કરવામાં સાવધ રહેવું પડે. સચ્ચાઈથી જીવનારાએ શું કામ સાવધાની રાખવાની હોય.

અહીં જ આપણી ભૂલ થાય છે. સારા-સાચા લોકોનું બગાડનારાઓ તો ઊલટાના ઘણા હોય છે. ખરાબ-ખોટું કામ કરનારાઓ પહેલેથી જ પોતાના વિરોધીઓને ઓળખીને એમને બબ્બે ટુકડા નાખીને ચૂપ કરી દેતા હોય છે અથવા પોતાના વિરોધીઓને પારખીને એમને ઉઘાડા પાડીને મુસીબતમાં મૂકી દેતા હોય છે.

સારું અને સાચું કામ કરનારાઓએ પણ આવું કરવું પડે. તો જ એમનાં કામ નિર્વિઘ્ને પાર પડે. આ વિચાર હમણાં એટલા માટે આવ્યો કે ગયા અઠવાડિયે ભારતના ઈન્ટિલિજન્સ બ્યૂરો (આઈ.બી.)ના એક રિપોર્ટે ખૂબ હોહા મચાવી. એ રિપોર્ટ નૉન ગવર્નમેન્ટલ ઑર્ગેનાઈઝેશન યાને કિ "એન.જી.ઓ.ના નામે ઓળખાતી સેવા સંસ્થાઓ વિશે હતો, ખાસ કરીને પર્યાવરણવાદી સંસ્થાઓ વિશે જેમાંની ‘ગ્રીનપીસ’ સૌથી જાણીતી સંસ્થા છે. આ ઉપરાંત બીજી પણ ઘણી પર્યાવરણવાદી સંસ્થાઓનાં નામ આઈ.બી.ના રિપોર્ટમાં છે.

આ રિપોર્ટ મુતાબિક ભારતની આર્થિક પ્રગતિ ન થાય એવું ઈચ્છતા અમેરિકા-ઑસ્ટ્રેલિયા અને બીજા કેટલાક દેશો પર્યાવરણના નામે ભારતના કોલસા, અણુવીજળી, નર્મદા બંધ જેવા તોતિંગ પ્રોજેક્ટોની આડે વિઘ્નો ઊભાં કરે છે - ભારતની એન.જી.ઓ.ને કરોડો રૂપિયાનાં ‘દાન’ આપીને. ૧૯૫૦થી આપણે યુરેનિયમનો ખૂબ મોટો જથ્થો હોવા છતાં એનું માઈનિંગ નથી કરી શકતા. ઑસ્ટ્રેલિયાથી ભારતને અતિ મોંઘા ભાવે યુરેનિયમ સપ્લાય કરતી કંપની જ આડકતરી રીતે ભારતની કેટલીક એન.જી.ઓ.ને ‘પ્રેરણા’ આપીને ભારતમાં યુરેનિયમના ખોદકામ વિરુદ્ધ ઝુંબેશ ચલાવડાવે છે. આવું જ કોયલા ક્ષેત્રમાં. ભારતમાં કોલસો ખૂબ મોટા પ્રમાણમાં છે છતાં એનું પૂરતું ખાણકામ થતું નથી જેને કારણે ભારત પૂરતું વીજળીનું ઉત્પાદન કરી શકતું નથી. યુરેનિયમ અણુવીજળી માટે જરૂરી છે, જે ખૂબ મોંઘા ભાવે ખરીદવું પડે છે જેને કારણે અણુવીજળીનો ભાવ પરવડતો નથી. આ બધો વિરોધ પર્યાવરણના નામે થાય છે.

સ્પેશ્યલ ઈકનૉમિક ઝોનની યોજનાઓ તેમ જ દરિયાકાંઠાની ખરાબાની જમીન વિકસાવવાની યોજનાઓ પણ પર્યાવરણવાદીઓને કારણે ખોરવાઈ જાય છે. નર્મદા યોજનાની આડે વર્ષો સુધી પર્યાવરણવાદીઓ આવ્યા જેને લીધે વિલંબ થતાં કંઈક વીસ કે ત્રીસ હજાર કરોડ રૂપિયા જેવો ખર્ચ વધી ગયો.

આઈ.બી.એ ખૂબ બારીકાઈથી આવી અનેક વિદેશ ફંડથી ચાલતી, પર્યાવરણવાદી સંસ્થાઓનો - ચાલુ ભાષામાં કહીએ તો - પર્દાફાશ કર્યો છે કે હજુ વધારે ચલતીપુર્જી ભાષામાં કહીએ તો ભાંડો ફોડ્યો છે.

આઈ.બી.નો આ રિપોર્ટ લીક થયો અને મીડિયામાં ત્રુટક ત્રુટક એના સમાચાર ટપકવા માંડ્યા ત્યારે એક ક્ષણ માટે મને આશ્ર્ચર્ય થયું કે એકાએક આઈ.બી. જેવી જાસૂસી સંસ્થા શું કામ એન.જી. ઓઝની પાછળ પડી ગઈ હશે? પછી બીજી ઘડીએ થતું કે હશે, જે થઈ રહ્યું છે તે સારું જ છે, કારણ કે આ બધી એન.જી.ઓઝની મેધા પાટકર જેવી બહેનજીઓ દેશને ઘણું નુકસાન કરે છે. આ લોકો એ જ લાગના છે.

આઈ.બી. રિપોર્ટનું ખરું રહસ્ય થોડા જ કલાકોમાં સમજાવા લાગ્યું. નવી સરકારે નર્મદા બંધને ૧૭ મીટર ઊંચા દરવાજા લગાવવાની પરવાનગી આપી. પછી તરત જ ન્યૂઝ આવ્યા કે ચીનની સરહદ નજીક ભારત વર્ષોથી એક હાઈવે બાંધવાની તજવીજ કરતું તેને પરવાનગી મળી ગઈ છે. એ પછી ન્યૂઝ આવ્યા કે આંદામાનના ટાપુઓ પર ભારતનું લશ્કર એક વિશાળ રડાર સ્થાપી રહ્યું છે જેથી એ રસ્તેથી થતી દુશ્મનોની કે ભાવિ દુશ્મનોની હિલચાલ પર નજર રાખી શકાય અને તરત જ ચોથા ન્યૂઝ મળ્યા કે નૅવીના વેસ્ટર્ન કમાન્ડને મુંબઈ જેવા વડા મથકનું બંદરગાહ ગીચ પડે છે એટલે ઘણા વખતથી નીચે કારવાર પાસે બીજું એક મુખ્યમથક સ્થાપવાની પરવાનગી મળી ગઈ છે. આ ચારેય ન્યૂઝ આઈ.બી.નો રિપોર્ટ લીક થયાના ચોવીસ-છત્રીસ કલાકની આસપાસ આવ્યા.

આ ચારેય યોજનાઓ પર્યાવરણવાદીઓના વિરોધને કારણે અટકીને પડી હતી. આંદામાનના રડારવાળા પ્રોજેક્ટ સામે તો પર્યાવરણવાદીઓનો વિરોધ કંઈક અજીબ જ હતો. એ પર્ટિક્યુલર ટાપુ પર કોઈક અલભ્ય પ્રકારનાં ચકલાં-ચકલી રહે છે. આ એન્ડેન્જર્ડ સ્પીશીઝ નષ્ટ ન પામે તે માટે લશ્કરી રડારના બાંધકામનો વિરોધ થતો હતો. કારવામાં પણ દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે દેશની સુરક્ષા માટેની યોજના મંજૂર થતી નહોતી. ચીનની સરહદ પાસે પણ ઝાડપાન બચાવવાનાં હતાં નર્મદાવાળું તો જાણીતું જ છે.

નવી સરકારે એક ઝટકે આ ચારેચાર પ્રોજેક્ટસને મંજૂરી આપી દીધી અને મંજૂરીની વિગતો બહાર પડે તે પહેલાં આઈ.બી. જે રિપોર્ટને છેલ્લાં દસ વર્ષથી તૈયાર કરી રહી હતી અને કૉંગ્રેસ સરકાર એના પર કોઈ એક્શન લેવા તૈયાર નહોતી એટલે જે રિપોર્ટ દબાવીને રાખી મૂકવામાં આવ્યો હતો તે રાતોરાત મીડિયામાં લીક કરવામાં આવ્યો (આવી મારી ધારણા છે, મારો તર્ક છે, મારી પાસે આવી કોઈ માહિતી નથી પણ બે વત્તા બેનું લૉજિક છે.)

અંગ્રેજીમાં કહેવત છે કે કૂતરાને ઠાર મારતાં પહેલાં તમારે ગમેતેમ કરીને સાબિત કરી નાખવાનું કે એ હડકાયો થયો જ, ગાંડો થયો છે. અહીં તો કૂતરો (એટલે કે પેલી એન.જી.ઓઝ) હડકાયો જ છે પણ એને ઠાર મારતાં પહેલાં, એની ક્રેડિબિલિટી સામે મસમોટો ડૉલરિયો પ્રશ્ર્નાર્થ ઊભો કરતાં પહેલાં માત્ર જાહેર જ કરવાનું હતું - પશુચિકિત્સકના રિપોર્ટ દ્વારા કે આ ખરેખર હડકાયો જ છે.

આઈ.બી. રિપોર્ટ લીક કરવામાં ન આવ્યો હોત અને આ ચારેય પ્રોજેક્ટસની જાહેરાતો નવી સરકારે કરી હોત તો પર્યાવરણવાદી સંસ્થાઓએ કેટલો મોટો તમાશો કર્યો હોત તેની કલ્પના તમે કરી શકો છો.

ચારેય યોજનાઓ દેશ માટે સારી છે, એમાં ક્યાંય કોઈ ગોરનું તરભાણું ભરવાનું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સારાઈ અને સચ્ચાઈ પર મુશ્તાક રહીને આ યોજનાઓને આઈ.બી. રિપોર્ટ લીક કરાવ્યા વિના કરી હોત તો અત્યારે એમના માથે માછલાં જ નહીં વ્હેલ અને શાર્ક પણ ધોવાતી હોત.

પણ આ માણસ ચબરાક છે, વિચક્ષણ છે અને કૃષ્ણાની જેમ વખત આવ્યે કુટિલ નીતિનો કસબ અમલમાં મૂકનાર અનુભવી રાજદ્વારી નેતા છે. ટૂંકમાં એમનામાં ચાણક્ય બુદ્ધિ છે. ચારેય યોજનાઓની જાહેરાતની લગભગ લગોલગ આઈ.બી.નો રિપોર્ટ લીક થશે તો પર્યાવરણવાદીઓના ફુગ્ગામાંથી (ગ્લોબલ વૉર્મિંગની) હવા નીકળી જશે એ જાણવાની કૂટનીતિ એમને આવડે છે.

સાચા અને સારા માણસને જીવનમાં જો વખત આવ્યે કુટિલ બનતાં ન આવડે તો જમાનો અને વિરોધીઓ એને જીવતો ફાડી ખાય અને જેને એ કુટિલ નીતિ કરતાં ફાવી જાય તે કૌટિલ્ય તરીકે ઓળખાય, ચાણક્ય બનીને પ્રસિદ્ધિ પામે. તમે જો માનતા હો કે તમે સો ટકા શુદ્ધ સાચા, સારા માણસ છો તો તમારે આટલી દુનિયાદારી, આટલી કહેવાતી અશુદ્ધિ, તમારામાં ઉમેરવી પડે અને જો તમે ઑલરેડી એવું કરતા હો તો તમારે અમને શિષ્ય તરીકે તમારાં ચરણોમાં સ્થાન આપવું પડે.

No comments:

Post a Comment