Wednesday, September 3, 2014

પતિએ પ્રગટાવ્યો સમજણનો દીવો --- આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

માણસ એના વિવેક, વિનય, સંસ્કારથી શોભે છે, નહીં કે હીરામોતીના કે જડતરના દાગીનાથી

સૌમ્યપ્રભાએ એના લગ્નનું આલ્બમ ખોલ્યું, પ્રથમ પાના પર નજર કરી અને એની નજર ત્યાં જ ચોંટી રહી. એના મનમાં પ્રશ્ર્ન થયો કે સોળે શણગાર સજેલી લજ્જાભર્યું મધુર સ્મિત વેરતી આ યૌવના શું હું છું? ઓહ, ત્યારે કેટલાં સ્વપ્નાં હતાં!

અને આજે? આજે સ્વપ્નાં નથી, પણ ચહેરા અને આંખોમાં ગ્લાનિ અને ઉદ્વેગ છે. હાથે અને ગળે કરચલીઓ અને ગાલ સાવ બેસી ગયા છે. આ ફેરફાર ઉંમર વધવાથી થયો છે? ના હજી તો હું જિંદગીના અધવચ્ચે જ પહોંચી છું, પણ જીવનની વાસ્તવિકતાએ મને મારા પિતાના ઘરની વૈભવી જિંદગીમાંથી અહીં ભોંયે પટકી છે. ડગલે ને પગલે તકલીફો જ તકલીફો. ક્યારેક તો થાય છે કે લગ્ન કર્યાં એ શું ભૂલ છે? કે ખોટા પાત્ર સાથે લગ્ન થયાં છે?

પણ લગ્નનું પાત્ર તો માબાપે જ પસંદ કર્યું છે. શુભ ઘડીએ, વિધિવત્ માતા-પિતાના આશીર્વાદ સાથે પિયર છોડ્યું. પતિગૃહે પણ બધાંએ ઉમળકાથી મને આવકારી છે, કોઈએ મને નકારી ન હતી તો મારા જીવનમાં આવો જબરજસ્ત પલટો કેમ આવ્યો? આટઆટલી તકલીફો અને સંકટો કેમ આવ્યા?

મારા પતિ આકાશ ગજબની શ્રદ્ધાથી મહેનત કરે છે, પણ દરેક ઠેકાણેથી એ પાછા પડે છે. ચિંતાઓ, સતત ચિંતાઓએ એમની તબિયતને બગાડી છે. કોઈ સગાંનો સાથ-સહકાર નથી, પણ આકાશ કદી હિંમત નથી હાર્યા.

તેઓ મને કહે છે, ‘આપણાં દુ:ખો તો કંઈ નથી તું ચોગરદમ નજર કર. બીજાની તકલીફો જો તો ખબર પડશે કે લોકો કેવી વિકટ જિંદગી જીવી રહ્યા છે? હું કહેતી મને તો આપણા સંઘર્ષનો કોઈ અંત દેખાતો નથી. હું રડી પડતી ત્યારે આકાશ કહેતા, આવતીકાલે આપણા જીવનમાં સુખનો સૂરજ ઊગશે. આકાશનો આશાવાદ અને સિદ્ધાંતનિષ્ઠા અનન્ય છે. એમણે જીવનમૂલ્યો સાથે કદી બાંધછોડ નથી કરી.

નિરાશ થઈને ક્યારેક હું બળાપો કરતી, ત્યારે એ કહેતા, ‘લક્ષ્મી નસીબની વસ્તુ છે એની પાછળ પડો તોય જે ઘડીએ, જેટલી મળવાની હોય એટલી એ જ ઘડીએ મળે ન વહેલી મળે કે ન મોડી મળે. પણ વિદ્યા પુરુષાર્થથી મળે છે, માટે આપણે એવું જ્ઞાન મેળવવા મથવાનું કે જેથી આપણો આંતરિક વિકાસ થાય, ભૌતિક સંપત્તિનો આપણો મોહ છૂટે, કોઈ અપમાન કરે તોય આપણે સંતાપ ન પામીએ, આપણે સ્વસ્થ રહી શકીએ.’

આમ પતિની ઊંડી સમજ અને ચિંતનશીલતાને લીધે હું સામાન્યતામાં જકડાયેલી ન રહી. મારા વિચારોમાંથી નકારાત્મકતા બાદ થતી ગઈ પણ મારું મન હજી આકાશ જેવું અડગ નથી. લગ્નનું આ આલ્બમ જોયું અને મને લગ્ન પહેલાંની મારી જિંદગી યાદ આવી ગઈ. મારા પિતાના ઘરનો વૈભવ યાદ આવી ગયો.

ઓહ, કેવા વૈભવભર્યા એ દિવસો હતા. પૈસાની કોઈ ગણતરી ન હતી. મનમાં આવે એટલો ખર્ચો કરતી. ઘરમાં પણ કોઈ કામની જવાબદારી મારા માથે ન હતી. કોઈ ચિંતા ન હતી. ધનવાન બાપની દીકરી તરીકે બધે માનભર્યો આવકાર મળતો.

અને અત્યારે એ જ સગાંઓ મારી અવગણના કરે છે. મારાં ભાવ, ભાવના, સ્નેહ, વિવેકભર્યા વ્યવહારની કોઈ પરવા જ નહીં!

લગ્નના આ આલ્બમે મારા જીવનનાં પાછલાં ત્રીસ વરસ યાદ કરાવી દીધાં. આ વરસો દરમિયાન હું સંતાપથી શેકાતી રહી છું. પૈસાના અભાવે મને કડવી બનાવી દીધી છે. ક્યારેક તો હું આકાશની સાથે નિષ્ઠુરતાથી વાત કરું છું, મહેણાં મારું છું, આકાશ મને સમજે છે. એ પ્રેમથી કહે છે, એક દિવસ એવો જરૂરથી આવશે જ્યારે આ દુ:ખ, વ્યથા, સંતાપ નહીં હોય.

પણ ક્યારે! ક્યારે એ દિવસ આવશે હવે મારામાં ધીરજ નથી. લગ્ન પછી હું એક પણ મોંઘી સાડી નથી ખરીદી શકી. કોઈના ત્યાં લગ્નપ્રસંગે જાઉં ત્યારે એ જ સાડી પહેરવી પડે છે. ત્રીસ ત્રીસ વરસ થઈ ગયાં મેં એકે દાગીનો નથી ઘડાવ્યો. સાચું સોનું પહેરવાના દિવસો હવે નથી રહ્યા, પણ ખોટા દાગીના પણ ક્યાં ખરીદી શકું છું?

સૌમ્યપ્રભા પોતાની નાણાંભીડ વિશે વિચારતી શોકમગ્ન બેઠી છે. ત્રીસ વરસની ઉદાસી એને ઘેરી વળી છે. ત્યાં એ સમયે એનો પતિ આકાશ આવે છે. સૌમ્યપ્રભાના ખોળામાં ઉઘાડું પડેલું આલ્બમ જોઈને એ બધું સમજી જાય છે.

એ સૌમ્યપ્રભાને કશું પૂછતો નથી પણ ખુલ્લી બારીમાંથી દેખાતા વૃક્ષ તરફ આંગળી ચીંધીને કહે છે, ‘સૌમ્યપ્રભા, જો આ ઝાડ નાનકડું છે પણ કેવું ડોલે છે! અને આ મોટું ઝાડ પણ મસ્તીથી ડોલે છે. બંનેનાં રૂપ અને વિકાસ સાવ અલગ છે છતાં તેઓ એકબીજાની સરખામણી નથી કરતાં. તેઓ સંતાપ નથી પામતા તેથી આવાં મનોહર છે.’

જો આ નાનું ઝાડ એની બાજુમાં ઊગેલા મોટા ઘટાદાર ઝાડને જોઈને મનોમન નાનમ અનુભવે, કલેશ કરે તો શું થાય? એ નાનું ઝાડ સુકાઈ જાય, એનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય. એ મરી જાય તો બીજા કોઈને ખાસ નુકસાન નથી થવાનું પણ એ એની પોતાની જિંદગી ગુમાવી બેસે.

સૌમ્યપ્રભા, તું તો સમજદાર છે, તું બીજાની સાથે આપણી જિંદગી ન સરખાવ, તું લઘુતાગ્રંથિ ન અનુભવીશ. તું આત્મવિશ્ર્વાસ ન ગુમાવીશ. આપણી પાસે વૈભવ નથી પણ આપણી જિંદગી સાવ સત્ત્વહીન કે નિરર્થક નથી.

‘પણ મારી પાસે નવી સ્ટાઈલના કપડાં નથી, દાગીના નથી,’ સૌમ્યપ્રભાએ ઉદાસ સૂરમાં કહ્યું.

‘સૌમ્યપ્રભા, માણસ એના વિવેક, વિનય, સંસ્કારથી શોભે છે, નહીં કે હીરામોતીના કે જડતરના દાગીનાથી. જો આ નાના ઝાડ પાસે પેલા મોટા વૃક્ષ જેવી ઘટા નથી તોય શોભે છે ને! એ આનંદથી કેવું ડોલે છે! તું કુદરતને જો. તારી સમસ્યાનો ઉકેલ મળી જશે.’

સૌમ્યપ્રભાના મનને પતિની વાત સ્પર્શી. એ બોલી તમે દરેક વખતે મને ધૂળમાટીમાં રગદોળાતી બચાવી છે, તમારા સંગે મેં જીવનનો સાચો મહિમા જાણ્યો છે, હવે મને કોઈ ફરિયાદ નથી. સંતાપ નથી, ઉદ્વેગ નથી!
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=106940

બ્રહ્માંડમાં પદાર્થ અને પ્રતિપદાર્થ --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=106939

એમ પણ બને કે વિશ્ર્વમાં એક કોલોનીમાં પદાર્થ રહેતો હોય અને દૂર બીજી કોલોનીમાં પ્રતિપદાર્થ રહેતો હોય

આપણા બ્રહ્માંડમાં જમણું છે તો ડાબું છે, ગરમ છે તો ઠંડું છે. ઊંચું છે તો નીચું પણ છે. ધન છે તો ઋણ છે. સારું છે તો ખરાબ છે. નાણાં છે તો કાળાનાણાં પણ છે. અજવાળું છે તો અંધારું છે. ઈલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારવાહી પદાર્થકણ છે. તો પ્રોટોન ધન વિદ્યુત ભારવાહી પદાર્થકણ છે. આમ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વિદ્યુતભારમાં એકબીજાના વિરોધી છે. પણ તેના વજન સરખાં નથી. માટે પ્રોટોન, ઈલેક્ટ્રોનનો વિરોધી પદાર્થકણ ન ગણાય. સત્ય છે તો અસત્ય પણ છે અને જ્ઞાન છે તો અજ્ઞાન પણ છે. વસ્તુ અસ્તિત્વમાં આવે છે, સાથે સાથે પ્રતિવસ્તુ પણ અસ્તિત્વમાં આવે જ છે. 

વિજ્ઞાનીઓએ કણોનાં પ્રતિકણો શોધી કાઢ્યા છે. કણ અને પ્રતિકણના વિદ્યુતભાર સરખા અને વિરોધી છે, તેટલું જ નહીં તેમનામાં રહેલો પદાર્થનો જથ્થો (દળ ળફતત ) પણ સરખાં જ હોય છે. આ પૂર્ણ રીતે કણનો પ્રતિકણ છે. ઈલેક્ટ્રોનનો પ્રતિકણ પોઝિટ્રોન છે. તેમનામાં રહેલા દળ સરખાં છે. વિદ્યુતભાર પણ સરખા છે, પણ વિરોધી છે. હવે તો દરેકે દરેક વિદ્યુતભારવાળા પદાર્થકણોના પ્રતિકણો શોધી કાઢવામાં આવ્યા છે. આ હકીકતમાં મહાન શોધો ગણાય. કણ અને તેનો પ્રતિકણ અલગ અલગ રહે છે. જો તે મળે તો ઊર્જામાં રૂપાંતર થઈ જાય છે. પ્રોટોન ધનવિદ્યુતભારવાહી પદાર્થકણ છે અને ઈલેક્ટ્રોન ઋણવિદ્યુતભારવાહી પદાર્થકણ છે, પણ ઈલેક્ટ્રોન પ્રોટોનનો પ્રતિપદાર્થ નથી. તેથી તેઓ બંને મળે તો વિદ્યુતભારવિહીન ન્યુટ્રોન બને છે. તેમાં માત્ર પ્રકાશ સાથે તેમના વિદ્યુતભાર જ નષ્ટ પામે છે. 

આપણું બ્રહ્માંડ માત્ર પદાર્થનું બનેલું છે. તેમાં પ્રતિપદાર્થ નથી. જ્યારે બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે પદાર્થ અને પ્રતિપદાર્થ બંને ઉત્પન્ન થયા હતા. પણ કોણ જાણે કેમ બ્રહ્માંડમાં પ્રતિપદાર્થ દેખાતો નથી. વિજ્ઞાનીઓ આ પાછળનું કારણ શોધે છે. 

વિજ્ઞાનીઓ માને છે કે જેમ આપણું બ્રહ્માંડ છેવટે પદાર્થનું બનેલું છે તેમ બીજું વિશ્ર્વ માત્ર પ્રતિપદાર્થનું બનેલું હશે. આપણા બ્રહ્માંડને છેવાડે ખૂબ જ પ્રકાશ દેખાય છે. તે દર્શાવે છે કે આપણું બ્રહ્માંડ અને તેનું પ્રતિપદાર્થનું બ્રહ્માંડ તેમની કિનારીએ એકબીજાને અડે છે, જેથી બંને મળીને ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. પ્રતિપદાર્થના બ્રહ્માંડમાં બધો જ પદાર્થ પ્રતિપદાર્થ છે. 

આપણા બ્રહ્માંડમાં ધનવિદ્યુતભારવાહી પ્રોટોનની ફરતે ઋણવિદ્યુતભારવાદી ઈલેક્ટ્રોન પરિક્રમા કરે છે અને હાઈડ્રોજનનું અણુ બનાવે છે. વિજ્ઞાનીઓએ કલ્પના કરી કે આપણા જ બ્રહ્માંડમાં ઋણવિદ્યુતભારવાહી પ્રતિપ્રોટોનની ફરતે ધનવિદ્યુત ભારવાહી ઈલેક્ટ્રોન (જેને આપણે પોઝિટ્રોન કહીએ છીએ) પરિક્રમા કરતો હોવો જોઈએ. આ 

હાઈડ્રોજન જ અણુનો પ્રતિઅણુ કહેવાય. મેટર એન્ટિમેટર તેમ હાઈડ્રોજન એટમ, એન્ટિહાઈડ્રોજન એટમ, મેટર છે તો એન્ટિમેટર છે. તેમ હાઈડ્રોજન એટમ છે તો એન્ટિહાઈડ્રોજન એટમ પણ હોવો જોઈએ. તેઓ લેબોરેટરીમાં એન્ટિહાઈડ્રોજન એટમ બનાવવા સમર્થ થયા છે. હવે ધીરે ધીરે તેઓ પ્રતિપદાર્થ અન્ટિમેટર બનાવવાની તૈયારી કરે છે. કેમ કે જેમ હાઈડ્રોજન એટમમાંથી ધીરે ધીરે પદાર્થ બન્યો છે, તેમ એન્ટિહાઈડ્રોજન એટમમાંથી એન્ટિમેટર (પ્રતિપદાર્થ) બની શકે. બ્રહ્માંડના દરેકે દરેક પદાર્થનો પ્રતિપદાર્થ હોઈ શકે. સાકરના ગાંગડાને પ્રતિસાકરપદાર્થનો ગાંગડો હોઈ શકે. માનવીનો પ્રતિમાનવી હોઈ શકે. જો આવા બે માનવીઓ મળે તો માત્ર ઊર્જા ઉત્પન્ન થાય અને બંને અદૃશ્ય 

થઈ જાય.

આપણા બ્રહ્માંડમાં પ્રતિપદાર્થ બનાવવો તે બૉઈલરમાં બરફ ઉત્પન્ન કરવા જેટલું અઘરું કાર્ય છે, પણ વિજ્ઞાનીઓએ એન્ટિહાઈડ્રોજન અણુઓ બનાવીને સાબિત કર્યું છે કે તેઓ આવા અણુઓ બનાવી શકે છે. આવા અણુ બનાવવામાં આવ્યા છે પણ તેમને અલગ રાખવામાં આવ્યા છે, જેથી હાઈડ્રોજન અને એન્ટિહાઈડ્રોજનના અણુઓ મળીને પ્રકાશમાં ફેરવાઈ ન જાય.

હાઈડ્રોજનના અણુમાં ઈલેક્ટ્રોનને ઊર્જા આપી તેને હાયર ઓરબીટ પર લઈ જવામાં આવે છે. જે તરત જ નીચેની ઓરબીટ પર ઉતરી જઈ પ્રકાશ ફેંકે છે. આવી જ રીતે એન્ટિહાઈડ્રોજન અણુમાં પોઝિટ્રોનને ઊર્જા આપી હાયર ઓરબીટ પર લઈ જવામાં આવે છે, જે તરત જ નીચેની ઓરબીટ પર ઊતરી જઈ પ્રકાશ ફેંકે છે. આમ આ બંનેના વર્તનમાં કાંઈ ફરક દેખાતો નથી.

આપણે પદાર્થ અને પ્રતિપદાર્થના વર્તનમાં ફરક જોઈ શકતાં નથી. તેથી એ કળવું મુશ્કેલ છે કે આપણે પદાર્થ સાથે કામ કરીએ છીએ કે પ્રતિપદાર્થ સાથે, પણ આવો પદાર્થ ચુંબકીયક્ષેત્રમાંથી પસાર કરવામાં 

આવે તો તેમના વળાંક એકબીજાથી વિરોધી દિશાના હોઈ આપણે કળી શકીએ કે એક પદાર્થ છે તો બીજો પ્રતિપદાર્થ છે. 

જેમ મેટર છે તેમ એન્ટિમેટર છે. તે જ પ્રમાણે માનવી છે તો એન્ટિમાનવી પણ છે. આપણા બ્રહ્માંડમાં અન્ટિમાનવીઓ શોધવા જરૂરી છે. મેટરને એન્ટિમેટર છે તે સિદ્ધાંત (થિયરી)થી દર્શાવનાર પ્રથમ વિજ્ઞાની પી.એ.એમ. ડીરાક હતા તે માટે તેમને નોબેલ ઈનામ મળ્યું હતું. ડીરાકના પટ્ટશિષ્ય ભારતીય ગણિતજ્ઞ હરિશ્ર્ચંદ્ર હતા. હરિશશ્ર્ચંદ્રના નામે અલાહાબાદમાં ભૌતિકશાસ્ત્રની સંસ્થા છે. તેમ છતાં ઈલેક્ટ્રોનના પ્રતિકણ પોઝિટ્રોનને સી.ડી. એન્ડરસને ૧૯૩૨માં શોધ્યો. તે માટે એન્ડરસનને નોબેલ ઈનામ આપવામાં આવ્યું હતું. પોઝિટ્રોન પ્રથમ પ્રતિપદાર્થ હતો. 

મેટર ઉત્પન્ન થાય સાથે સાથે એન્ટિમેટર પણ ઉત્પન્ન થાય જ. પણ આપણા બ્રહ્માંડમાં માત્ર મેટર દેખાય છે. એન્ટિમેટર દેખાતી નથી. તે વિજ્ઞાનીઓને આશ્ર્ચર્ય પમાડે છે. જોકે પોઝિટ્રોન જેવા પ્રતિપદાર્થકણો મળી આવે છે. હવે તો એવી કલ્પના થઈ છે કે આપણા બ્રહ્માંડમાં માનવી છે તો ક્યાંક તેનો એન્ટિમાનવી પ્રતિમાનવી પણ હશે, જે બધું વિરુદ્ધનું કાર્ય કરતો હશે. તે વિરુદ્ધની દુનિયા હશે. લેખકોએ, મેટર-એન્ટિમેટર, માનવી-પ્રતિમાનવી વિષય પર કેટલીક વિજ્ઞાન પરીકથાઓ લખી છે, જેમ ટાઈમ-ટ્રાવેલ પર અગણિત વિજ્ઞાન પરીકથાઓ લખાઈ છે કે હજી લખાશે તેમ મેટર-એન્ટીમેટર પર પણ વિજ્ઞાન-પરીકથા લખાઈ છે કે હજી લખાશે. આ બંને વિજ્ઞાન પરીકથા લખવા માટે બહુ હોટ ટોપિક છે. 

વિશ્ર્વમાં પ્રતિપદાર્થના પૂરેપૂરાં તારાનું પણ અસ્તિત્વ હોઈ શકે છે. એટલું જ નહીં પણ વિશ્ર્વમાં પ્રતિપદાર્થની પૂરેપૂરી મંદાકિનીઓનું અસ્તિત્વ હોઈ શકે છે. પણ હકીકતમાં તેઓ હજુ શોધાયાં નથી. પદાર્થકણ અને પ્રતિપદાર્થકણને ઉપર ઉપરથી જોવાથી તે ઓળખાય નહીં. આપણે એ પણ ભેદ કરી શકીએ નહીં કે આપણે પોતે પદાર્થ છીએ કે પ્રતિપદાર્થ, આપણે વિશ્ર્વમાં જીવીએ છીએ કે પ્રતિવિશ્ર્વમાં. એમ પણ બને કે વિશ્ર્વમાં એક કોલોનીમાં પદાર્થ રહેતો હોય અને દૂર બીજી કોલોનીમાં પ્રતિપદાર્થ રહેતો હોય.

એન્ટિમેટર પદાર્થની પ્રતિકૃતિ ખરી, પણ તદ્દન વિરુદ્ધ. ક્લોનિંગ એ પદાર્થની આબેહૂબ કૃતિ છે પણ પ્રતિકૃતિ નથી. ક્લોનિંગમાં દેખાવે તે સરખા હોય પણ તેમના મગજ જુદી રીતે વિચારી શકે. પ્રતિકણો બનાવવા બહુ અઘરાં નથી, પણ પ્રતિપદાર્થ એન્ટિહાઈડ્રોજન એન્ટિ હિલિયમ વગેરે બનાવવું તે હજુ પણ વિજ્ઞાનીઓ માટે પડકારરૂપ છે. પ્રતિપદાર્થ માટે વિવિધ એટમના પ્રતિએટમ (એન્ટિ એટમ) બનાવવા પડે અને તે ઘણું અઘરું કામ છે.

નક્ષત્ર અને રાશિ શું છે?

નક્ષત્ર અને રાશિ શું છે?

પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે! પૃથ્વી અને તેનો ઉપગ્રહ ચંદ્ર બંને એક સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે! પૃથ્વીની આસપાસ પણ ફરતો હોવાથી બંનેની સૂર્ય સામે આવવાની ગતિવિધિ જુદી હોય છે! વળી સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની ધરી ઉપર પણ ફરતા હોય છે! બ્રહ્માંડની આ જટિલમાં જટિલ રચના છે પણ આ ચક્ર ચોક્કસ સમય જાળવીને ભારે નિયમિતતાથી ચાલ્યા કરે છે! આથી આપણે સમયનું પ્રમાણમાપ સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે કરીએ છીએ. ચંદ્રની સ્થિતિઓને ચોક્કસાઈથી નક્કી કરવા માટે ખગોળ શાસ્ત્રીઓએ તેમની ભ્રમણ કક્ષાના ભાગલા કર્યા છે! આકાશમાં બીજું કશું હોય નહીં એટલે તેમની આસપાસના તારાઓનો પણ ઉપયોગ કર્યો છે!

આપણને હંમેશાં ચંદ્ર આકાશમાં સરકતો દેખાય છે. આજે જે તારાઓની નજીક હોય ત્યાં બીજે દિવસે હોતો નથી! આકાશમાં ચંદ્ર જે માર્ગે અટકે છે, માર્ગમાં આવતા તારાના ઝૂમખાનાં નામ આપીને ચંદ્રનું સ્થાન નક્કી થાય છે. આવા બધા મળીને ર૭ ઝુમખા છે! ચંદ્ર ર૭ સ્ટેશનો વટાવીને અમાસ સુધી ચકરાવો પૂરો કરે છે! આ ર૭ ઝૂમખાને નક્ષત્ર કહેવામાં આવે છે! 

પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, પરંતુ પૃથ્વી પરથી જોઈએ તો સૂર્ય એક વર્ષ પૃથ્વીનું એક ચક્કર કાપતો હોય એમ લાગે છે! આને આપણે એક વર્ષ કહીએ છીએ. સૂર્યના આ માર્ગના ૧૨ ભાગ પાડવામાં આવ્યા છે. આ દરેક ભાગમાં ચોક્કસ આકારના તારાનું ઝુમખું છે! આ ઝુમખાના આકાર મુજબ તેના નામ પાડ્યા છે. આ બધા નામો અંગ્રેજી ઉપરથી ઊતરી આવ્યા છે. 

કુદરત સૌથી મોટી આર્કિટેક્ટ છે --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=113069

દરેકે દરેક મહાન આર્કિટેક્ટને બ્રહ્માંડનો અભ્યાસ હોવો જરૂરી છે, કારણ કે બ્રહ્માંડના આર્કિટેક્ચરને સમજ્યા વગર તે મહાન આર્કિટેક્ટ બની શકે નહીં

યુક્લિડિયેનર (નોન-યુક્લિડિયન) ભૂમિતિના સર્જકો, ગૉસ, રિમાન, લોબોવ્સ્કી, બોલ્યાઈ, રિસી, ક્રિસ્ટોફેલ જેવા સમર્થ ગણિતશાસ્ત્રીઓ હતા. તેમને પ્રશ્ર્ન પૂછ્યો કે એક બિન્દુમાંથી રેખા પર શું એક જ લંબ દોરી શકાય? બે સમાન્તર રેખાઓને ગમે તેટલી લંબાવીએ તો શું તે બે રેખાઓ સમાન્તર જ રહે? આ પ્રશ્ર્નોમાંથી ઉદ્ભવી નવી ભૂમિતિ. આ નવી ભૂમિતિ દર્શાવે છે કે એવી પરિસ્થિતિ દુનિયામાં, બ્રહ્માંડમાં છે જ્યાં એક બિન્દુમાંથી કોઈ એક રેખા પર ધારો એટલા લંબ દોરી શકાય અને બે સમાન્તર રેખાઓ દૂર દૂર જતાં સમાન્તર રહે નહીં, પણ એક બિન્દુએ મળે, છેને આશ્ર્ચર્ય? પણ તે હકીકત છે. 

એક કાગળ લો. તેના પર ક્ષિતિજને સમાંતર રેખા દોરો. તે કાગળને નળાકારના રૂપમાં વાળો. તે રેખા વર્તુળ બનશે. એટલે કે પ્લેન પેપર પર દોરેલી સુરેખા નળાકાર પર વર્તુલ બને છે. માટે નળાકાર પરનું વર્તુળ નળાકાર પર સુરેખા જ ગણાય. જો આપણે પ્લેન કાગળમાં ક્ષિતિજને લંબ હોય તેવી રેખા દોરીએ અને પછી એ કાગળને નળાકારના રૂપમાં વાળીએ તો તે રેખા ઊભી રેખા જ રહે. પણ જો આપણે પ્લેન કાગળના એક ખૂણેથી લઈને બીજા ખૂણા સુધી રેખા દોરીએ વિકર્ણ દોરીએ અને પછી કાગળને નળાકારના રૂપમાં વાળીએ તો તે હેલિક્સ સ્પ્રિંગ) બને છે. એટલે કે નળાકાર પર હેલિક્સ એક સુરેખા ગણાય. સુરેખાની વ્યાખ્યા એ છે કે બે બિન્દુ વચ્ચે ઓછામાં ઓછું અંતર આપણે જંગલમાં કેડીઓ પડેલી જોઈએ છીએ. એ કેડીઓ હકીકતમાં જંગલમાં ચાલવા અને એક જગ્યાએથી બીજી જગ્યા વચ્ચેના ઓછામાં ઓછાં અંતરો છે. હિમાલયમાં પણ પહાડો પરથી નીચે ઊતરવા કે સુકાયેલા તળાવમાં ચાલવા આવી કેડીઓ હોય છે. પાયથાગોરસનો નિયમ બે બિન્દુ વચ્ચેના ઓછામાં ઓછા અંતરનો નિયમ છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ બે બિન્દુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર છે. ગોળા પર રેખાંશનાં વર્તુળો સુરેખા છે, ભૂમધ્યરેખા (વિષુવવૃત્ત)નું વર્તુળ સુરેખા છે. ગોળા પર અક્ષાંશના વર્તુળો સુરેખાઓ નથી. 

ગોળા પર ઉત્તરધ્રુવથી શરૂ થતું રેખાંશનું અર્ધવર્તુળ વિષુવવૃત્તના વર્તુળને કે અક્ષાંશના કોઈ પણ વર્તુળને લંબ હોય છે. એવું બીજું રેખાંશનું અર્ધવર્તુળ વિષુવવૃત્તના વર્તુળને કે અક્ષાંશના કોઈ પણ વર્તુળને લંબ હોય છે આ રેખાંશવૃત્તો ગોળા પર સુરેખાઓ ગણાય. તે બંને સમાન્તર સુરેખાઓ છે તેમ છતાં તે ધ્રુવના બિન્દુઓ પર મળે છે. આ યુક્લિડીએતર ભૂમિતિ છે. બે રેખાંશવૃત્તો અને વિષુવવૃત્ત ગોળા પર ત્રિકોણ બનાવે છે. જેના ત્રણ ખૂણાનો સરવાળો ૧૮૦ અંશથી વધારે છે. કારણ કે બે રેખાંશવૃત્તો વિષુવવૃત્તને લંબ છે. એટલે તે વિષુવવૃત્ત સાથે ૯૦ અંશના બે ખૂણા બનાવે છે. અને ત્રીજો ખૂણો ધ્રુવબિન્દુ પર. આમ આ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો ૧૮૦ અંશથી હંમેશા વધારે થાય છે. ઘોડાનું પલાણ વિચિત્ર ભૌમિતિક રચના છે. જ્યાં બે સમાંતર રેખા એકબીજાથી દૂર જાય છે અને આવી સપાટી પર ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો ૧૮૦ અંશથી ઓછો થાય છે. 

આ યુક્લિડીએતર ભૂમિતિ વળી પાછી લોકલ સ્તરે એટલે કે નાના ક્ષેત્રમાં યુક્લિડ બની જાય છે. જેમ વર્તુળના પરિઘ પરનો મિલીમીટરનો ભાગ રેખા હોય છે. યુક્લિડ અને યુક્લિડીએતર ભૂમિતિ વચ્ચે આ સંબંધ છે. માટે જ પૃથ્વી દડા જેવી ગોળ હોવા છતાં સ્થાનિક રીતે આપણને સપાટ દેખાય છે અને પૃથ્વી પરનો રસ્તો વર્તુળ હોવા છતાં આપણને સીધો દેખાય છે. પૃથ્વી પર કોઈ પણ રેખા દોરીએ તો તે સુરેખા હોતી જ નથી. માત્ર સ્થાનિક સ્તરે તે સુરેખા દેખાય છે. 

ન્યુટનના નિયમ પ્રમાણે જો કોઈ વસ્તુ પર બળ ન લાગે તો તે વસ્તુ ગતિમાં હોય તો તે સુરેખામાં ગતિ ચાલુ જ રાખે. પણ પૃથ્વી પર કોઈ એવી જગ્યા તો નથી જ્યાં બળ ન લાગતું હોય. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તો હોય જ છે. માટે પૃથ્વી પર કે તેની આસપાસ વસ્તુ સુરેખામાં ગતિ કરી જ ન શકે. પૂરા બ્રહ્માંડમાં હકીકતમાં સુરેખાનું અસ્તિત્વ નથી. ન્યુટનના નિયમો આમ માત્ર આદર્શ પરિસ્થિતિનું નિરુપણ કરે છે વાસ્તવિકતા નહીં. માટે જ આઈન્સ્ટાઈનને નવું ડાયનામિક્સ આપવાનો વિચાર આવ્યો. જે બ્રહ્માંડમાં વાસ્તવિકતા દર્શાવે છે. આપણા ઓરડામાં અંતરીક્ષ છે. ઓરડાની બહાર પણ અંતરિક્ષ છે. તેની બહાર પણ અંતરીક્ષ છે. આપણા પેટમાં પણ અંતરીક્ષ છે. અંતરીક્ષને કેદ કરી શકાય નહીં. તેવી જ રીતે ગુરૂત્ત્વાકર્ષણને પણ કેદ કરી શકાય નહીં. કેમ કે ગુરૂત્વાકર્ષણને કેદ કરનાર વસ્તુને પણ ગુરૂત્વાકર્ષણ હોય છે. માટે આઈન્સ્ટાઈને ગુરૂત્વાકર્ષણને અંતરીક્ષના રૂપમાં વર્ણન કરવાનું વિચાર્યું. ગુરૂત્વાકર્ષણ છે, તો ભૂમિતિ વક્ર છે. એટલે કે યુક્લિડીયેતર (નોન-યુક્લિડીયન) છે. આમ બ્રહ્માંડની ભૂમિતિ નોન-યુક્લિડીયન છે. આઈન્સ્ટાઈને તેથી ગુરૂત્વાકર્ષણનું વર્ણન કરવા પાર્શ્ર્વભૂમિતી યુક્લિડની નહીંપણ નોન-યુક્લિડીયન લીધી. ગુરૂત્ત્વાકર્ષણ તેથી અંતરીક્ષની વક્રતાના રૂપમાં હાજર થયું અને તેથી તે આકર્ષણ છે તે પણ સાબિત થયું. ગુરૂત્વાકર્ષણ શા માટે આકર્ષણ છે. તે ન્યુટનનું ડાયનામિક્સ જવાબ આપી શકતું ન હતું. આઈન્સ્ટાઈનના મત પ્રમાણે અંતરીક્ષ એક ચાદર જેવું છે. તેમાં જ્યારે પદાર્થનું ગઠન થાય છે એટલે તે વક્રતા પ્રાપ્ત કરે છે. પદાર્થની ફરતે ઝોલો પડે છે. ખાડો પડે છે અને એ ખાડામાં જ્યારે બીજો નાનો પદાર્થ અસ્તિત્વમાં આવે છે ત્યારે તે મોટા પદાર્થ ફરતેના ખાડામાં ઢળે છે તેને જ આપણે ગુરૂત્વાકર્ષણ કહીએ છીએ. આમ ગુરુત્વાકર્ષણ અંતરીક્ષની વક્રતાના રૂપમાં દર્શન દે છે. આઈન્સ્ટાઈનના બ્રહ્માંડને ચાર પરિમાણ છે. સમય તેનું ચોથું પરિમાણ છે તેથી જ્યારે બ્રહ્માંડમાં કોઈ પદાર્થનું ગઠન થાય છે ત્યારે ન તો તેની આસપાસનું ત્રિપરિમાણીય બ્રહ્માંડ વક્ર થાય છે. પણ સમય પણ વક્ર થાય છે. બ્રહ્માંડમાં એવું અતિશક્તિશાળી ગુરુત્ત્વાકર્ષણ બળ હોઈ શકે જ્યાં સમય પાછો ચાલે, ભૂતકાળમાં જાય. 

આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે અંતરીક્ષ એ જ. ગુરુત્વાકર્ષણ પણ અંતરીક્ષનું વર્ણન કેવી રીતે થાય? ભૂમિતિ વડે. માટે ગુરુત્ત્વાકર્ષણ એટલે ભૂમિતિ. અંતરીક્ષ એ જ ઊર્જા. માટે ભૂમિતિએ જ ઊર્જા. આમ ગુરુત્વાકર્ષણ, અંતરીક્ષથી, ઊર્જા પ્રકાશ, બ્રહ્માંડ બધાં એકના એક જ છે. પદાર્થ ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરે, ઊર્જા ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરે (ઊ=ળભ૨) માટે પદાર્થ, ઊર્જા એ જ અંતરીક્ષ (ભૂમિતિ).

બ્રહ્માંડમાં જે માયા દેખાય છે તે ભૂમિતિની માયા છે. દૃશ્યવિશ્ર્વ તેની સુંદરતા, બેડોળપણુનું બધું જ ભૂમિતિની માયા છે. બ્રહ્માંડમાં કોઈ પણ એવી વસ્તુ નથી જેને ભૂમિતી નથી.

એક બિન્દુ ભૂમિતિ ઉત્પન્ન કરી ન શકે. જ્યારે બીજું બિન્દુ અસ્તિત્વમાં આવે એટલે એ બે બિન્દુ વચ્ચે અંતર ઉત્પન્ન થાય અને ત્યારે ભૂમિતિ ઉત્પન્ન થાય. આ બે બિન્દુ વચ્ચેનું અંતર બૌધાયન-પાયથાગોરસના પ્રમેય વડે મપાય માટે બૌધાયન-પાયથાગોરસ પ્રમેય બ્રહ્માંડની ભૂમિતિના પાયામાં છે. અંતરીક્ષ સપાટ નથી વક્ર છે, કારણ કે તેમાં પદાર્થ છે, ઊર્જા છે, બળો છે જે અંતરીક્ષની ભૂમિતિને વક્ર કરે છે. માટે બૌધાયન-પાયથાગોરસની મીટર સ્કેલ (મેઝરિંગ ટેપ) એવી છે જે સપાટ બ્રહ્માંડમાં અંતર માપે અને વક્ર બ્રહ્માંડમાં પણ અંતર માપે. આ મેઝરિંગ ટેપ આઈન્સ્ટાઈને આપી. છેવટે તે બૌધાયન-પાયથાગોરસની મેઝરિંગ ટેપ જ છે. તેને વક્ર અંતરીક્ષમાં મોડીફાઈ કરેલી છે.

લોઢી, તાવડી કે વાટકાની અંદરની કે બહારની સપાટી માપવી હોય તો ફૂટપટ્ટીને વાંકી વાળવી પડે. આ ભૂમિતિ એટલે જ નોન-યુક્લિડીયન ભૂમિતિ. યુક્લિડીયન ભૂમિતિ, નોન-યુક્લિડીયન ભૂમિતિનો ભાગ છે. સપાટીના નાના ક્ષેત્રમાં નોન-યુક્લિડીયન ભૂમિતિ યુક્લિડીયન બને છે. માટે સપાટ સમતલમાં યુક્લિડીયન ભૂમિતિ કામ કરી શકે છે. યુક્લિડીયન ભૂમિતિએ જ નોન-યુક્લિડીયન ભૂમિતિ તરફ વિજ્ઞાનીઓને વાળ્યા છે. ન્યુટનનું ડાયનામિક્સ યુક્લિડીયન ભૂમિતિના સહારે ચાલે છે. આઈન્સ્ટાઈનનું ડાયનામિક્સ વિસ્તૃત ડાયનામિક્સ છે. તે નોન-યુક્લિડીયન ભૂમિતિના સહારે ચાલે છે અને બ્રહ્માંડની વાસ્તવિકતા પ્રદર્શિત કરે છે પણ લોકલ લેવલે તે ન્યુટનનું ડાયનામિક્સ છે. યુક્લિડીયન ભૂમિતિ અને નોન-ન્યુક્લિડીયન (યુક્લિડીયેતર) ભૂમિતિ વચ્ચેનો જે સંબંધ છે તે જ સંબંધ ન્યુટોનીયન ડાયનામિક્સ અને આઈન્સ્ટાનીઅન ડાયનામિક્સ વચ્ચે છે. 

વર્લીના નેહરુ સેન્ટરના ડિસ્કવરી ઓફ ઈન્ડિયાના બિલ્ડિંગનું નિરીક્ષણ કરશો તો માલૂમ પડશે કે તેના પર હેલિક્સી બનાવી છે. લોકલ લેવલે તે ચોરસના બ્લોક છે. અહીં આપણને યુક્લિડીયન અને નોન-યુક્લિડીયન વચ્ચેનાં સંબંધની ખબર પડે છે. દરેકે દરેક મહાન આર્કિટેક્ટને બ્રહ્માંડનો અભ્યાસ હોવો જરૂરી છે. કારણ કે બ્રહ્માંડના આર્કિટેક્ચરને સમજ્યા વગર તે મહાન આર્કિટેક્ટ બની શકે નહીં. કુદરત સૌથી મોટી આર્કિટેક્ટ છે. મહાન ચિત્રકારને કુદરતને નીરખવી જ પડે, કારણ કે કુદરત મહાન ચિત્રકાર છે. 

એક વાર અમદાવાદની આર્કિટેક્ચરની કોલેજે મને વ્યાખ્યાન આપવા આમંત્રણ આપ્યું. તે સ્પેશિયલ વ્યાખ્યાન હતું. હું તો રહ્યો ગણિતશાસ્ત્રી અને ખગોળવિજ્ઞાની-આર્કિટેક્ટોને વિચાર કરતાં કરી દે તેવું વ્યાખ્યાન કેવી રીતે આપવું. મેં પછી બ્રહ્માંડનું આર્કિટેક્ચર વિષયે વ્યાખ્યાન આપેલું. આર્કિટેક્ચર ઓફ ધ યુનિવર્ઝ ફેબ્રીક્સ ઓફ ધ યુનિવર્ઝ બધા સ્થપતિઓ ખુશ થઈ ગયેલાં. તેમને ખબર પડી કે બ્રહ્માંડનો અભ્યાસ કર્યા વગર મહાન સ્થપતિ બની શકાય નહીં. જેમ બ્રહ્માંડના દર્શન કર્યા વગર મહાન ચિત્રકાર બની શકાય નહીં. વેદનાને અનુભવ્યા સિવાય મહાન કવિ કે સાહિત્યકાર બની શકાય નહીં. બ્રહ્માંડના સંગીતને જાણ્યા વગર મહાન સંગીતકાર બની શકાય નહીં.

બ્રહ્માંડમાં દેખાતાં આકારો, રૂપો, રંગો, તેની ટૉયોલોજી તેની ભૂમિતિ પ્રદર્શિત કરે છે. મંદાકિનીઓ (લફહફડ્ઢશયત) અને નિહારિકાઓ (ક્ષયબીહફ), વાયુના વાદળો, ધૂમકેતુ, ગ્રહણો વગેરેના આકારોએ જ બ્રહ્માંડની ભૂમિતિને જન્મ આપ્યો છે. એ ભૂમિતિને જ આપણે આત્મસાત્ કરવાની છે. એ જ વિશ્ર્વદર્શન છે. વેલા, પાંદડા, ફૂલો, નદીઓ, પહાડો, જંગલો, મહાસાગરોની ભૂમિતી સપાટ નથી. વાંકી-ચૂંકી છે, નોન-યુક્લિડીયન છે, પણ લોકલ સ્તરે તે સપાટ (યુક્લિડીયન) છે. તે જ બ્રહ્માંડનું રહસ્ય છે. બ્રહ્માંડ એટલે અંતરીક્ષ અને અંતરિક્ષ એટલે ભૂમિતિ. બધું જ અંતરીક્ષમાંથી ઉત્પન્ન થાય છે અને તેમાં સમાય છે. અંતરીક્ષ જ બધી વસ્તુનું ઉદ્ગમ સ્થાન અને અંતિમસ્થાન છે, એ જ ભૂમિતી છે. બ્રહ્માંડ ભૂમિતીના માર્ગે ચાલે છે. વિમાન, મેટ્રો ટે્રઈન, બુલેટ ટ્રેઈનની ભૂમિતિ જુદી છે. સાઈકલની ભૂમિતિ જુદી છે. માનવીના શરીરની ભૂમિતિ કેટલી રસપ્રદ અને વિચિત્ર છે. આકારોએ બ્રહ્માંડને દૃશ્યમાન કર્યું છે. અને તે ભૂમિતી છે. 

બ્રહ્માંડની શોભા અનેરી છે. તે તેની ભૂમિતિને લીધે છે. દરેક ગામ કે શહેર કે માનવી તેની ભૂમિતિને લીધે ઓળખાય છે. માટે જ વિદ્યાર્થીઓએ ભૂમિતિથી આઘા ભાગવું જોઈએ નહીં પણ તેને આત્મસાત્ કરવી જોઈએ. સ્ટેટીસ્ટીક્સને પણ ભૂમિતી છે અને ઈલેકશનને પોતાની ભૂમિતિ છે.

માહિતીની મહાનદી --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=115518

શરીરમાં ચાલતી ક્રિયાઓ જ બ્રહ્માંડને સર્જે છે. દરેક માનવીનું બ્રહ્માંડ અલગ અલગ હોય છે ને તમે તેને કેવી રીતે લો છો એ પ્રમાણે તે સર્જાય છે

બ્રહ્માંડ માહિતીનો પરપોટો હોય તેમ લાગે છે. એ માહિતીની મહાનદી છે જે વહ્યા કરે છે. તેમાં ડૂબકી મારો ત્યાં સુધી આપણા પરથી, આપણાં મગજ પરથી પસાર થાય છે. જેવા તેમાંથી બહાર નીકળો એટલે વાત પૂરી. જીવન એ માહિતીની નદીમાં ડૂબેલું શરીર છે. જીવન પૂરું થયું એટલે વાત પૂરી. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી માહિતીની આપલે છે. સ્વામી વિવેકાનંદનું કહેવું છે કે આપણે જ કાર્ય અને કારણ ઊભાં કરીએ છીએ તેને આપણે જીવન કહીએ છીએ. કાર્ય અને કારણની સમાપ્તિ એટલે માયાની સમાપ્તિ. આપણું મગજ અને વિચાર જ માયાને ઉત્પન્ન કરે છે અને પછી તેમાં ફસાય છે. શહેરીજનોનું બ્રહ્માંડ જુદું છે, ગામડાના રહેવાસીઓનું બ્રહ્માંડ જુદું છે, જંગલી - આદિવાસીઓનું બ્રહ્માંડ જુદું છે, સિંહ, વાઘનું બ્રહ્માંડ જુદું છે. શરીરમાં ચાલતી ક્રિયાઓ જ બ્રહ્માંડને સર્જે છે. શંકરાચાર્ય કહે છે કે માયામય ઈદમ્ અખિલં બુદ્ધ, બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા. શરીર ગમે તેટલું સુન્દર કે બેડોળ હોય, માનવી ગમે તેટલો મહાન કે નિમ્નકક્ષાનો હોય તેનું મૃત્યુ થાય એટલે બધું પૂરું. માટે જ દરેકે દરેક માનવીનું બ્રહ્માંડ અલગ અલગ છે. અલગ અલગ સમયે તે અલગ અલગ છે. આમ જુઓ તો જીવન એક ટાઈમ પાસ છે. ઝાડ-પાન દરેકને પોતાનું બ્રહ્માંડ છે. તમે બ્રહ્માંડને કેવી રીતે લો છો, તે પ્રમાણે તે સર્જાય છે. વિચાર જ બ્રહ્માંડને સર્જે છે. વિચાર કયાંથી આવે છે? માહિતીમાંથી, તમારી પાસે જેટલી માહિતી વધારે અને જે પ્રકારની માહિતી વધારે તેવું તમારું બ્રહ્માંડ. માટે જ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો પેદા થાય છે. અમુક નિષ્ણાતને અમુક માહિતી હોય છે તો બીજાને બીજી. જેમ માહિતી વધારે તેમ ચિંતા વધારે. પશુ - પક્ષીઓને કોઈ ચિંતા હોય છે? વિચાર મગજની ઊર્જામાંથી ઉત્પન્ન થાય છે. માટે માહિતી ઊર્જાનું બીજું સ્વરૂપ છે. માટે જ વધારે વિચાર કરવાથી આપણને થાક લાગે છે. તો શું વિચાર કરવાનું માંડી વાળવું? આપણે માહિતીની નદીમાં ડૂબેલાં કદી પણ એમ કરી શકીએ નહીં. માહિતી જ આપણી નિયતિ છે. જીવન પોતે એક આભાસી- વાસ્તવિકતા છે, માટે જ તે માહિતી પર નિર્ભર છે. માહિતી જ તેને ઘડે છે. આપણું જીવન માહિતી જ ઘડે છે. જીવનની કોઈપણ વસ્તુ ખરી - ખોટી છે જ નહીં. તે માત્ર માહિતી છે. શા માટે આવું બ્રહ્માંડ ઘડાયું છે તે સમજાય તેવું નથી.

આ માહિતીના વિચારે ભૌતિકશાસ્ત્રીઓને હોલોગ્રાફિક સિદ્ધાંત તરફ વાળ્યા છે. આ બ્રહ્માંડને ભૌતિકશાસ્ત્રીઓ માહિતીના રૂપમાં જ જુએ છે. જેટલી માહિતી આપણી પાસે વધારે તેટલું મોટું આપણું બ્રહ્માંડ. આ વિચાર તે જ શંકરાચાર્ય અને વિવેકાનંદ જેને માયા કહે છે તે જ. આભાસી છતાં વાસ્તવિક અને વાસ્તવિક છતાં આભાસી. વસ્તુનું વર્ણન કરવા, વસ્તુને સમજવા કે સમજાવવા આપણને માહિતીની જરૂર પડે છે. માટે જ તમે જેવા વિચાર કરો તેવું બ્રહ્માંડ તમે નિર્માણ કરી શકો છો. આ માહિતી કાં તો સાહિત્યના રૂપમાં હોય છે. સમીકરણના રૂપમાં હોય છે, ભૂમિતી કે ચિત્રના રૂપમાં, છેવટે તે માહિતી છે. માહિતી જ આપણને બ્રહ્માંડનું જ્ઞાન કરાવે છે. આ દુનિયા માહિતી પર ચાલે છે. માહિતી જયારે નક્કર બને છે ત્યારે જ્ઞાનમાં પરિવર્તિત થાય છે. જે આપણને સત્ય તરફ દોરી જાય છે. સત્ય તેમ છતાં માહિતીનો જ ભાગ છે. માહિતી જે કાયમી છે, તે સત્ય, છેવટે સત્ય પણ સાપેક્ષ છે.

બ્રહ્માંડ છેવટે સૂક્ષ્મ બોક્સનું બનેલું છે. એટલે કે તેનો સ્વભાવ ક્વોન્ટમ છે. આપણને તે અખંડિત લાગે છે પણ તે ખંડિત છે. ક્વોન્ટમ છે. બ્રહ્માંડની દેખાતી અખંડિતતા એક આભાસ છે. બ્રહ્માંડનું અંતરીક્ષ નાના નાના સૂક્ષ્માતિસૂક્ષ્મ બોક્સનું બનેલું છે. આ બોક્સની બાજુ સેન્ટિમીટરના લાખ, અબજ, અબજ અબજમાં ભાગની છે. વિજ્ઞાનીઓ તેને ક્વોન્ટમ થિયરીના જનક મહાન જર્મન વિજ્ઞાની મેક્સ પ્લાન્કના માનમાં પ્લાન્ક લેન્થ કહે છે અને પ્લાન્ક લેન્થથી બનેલા બોક્સના વોલ્યુમને પ્લાન્ક વોલ્યુમ કહે છે અથવા પ્લાન્ક બોક્સ કહે છે. બ્રહ્માંડનું અંતરિક્ષ પ્લાન્ક બોક્સનું બનેલું છે. બ્રહ્માંડની તે ઈંટ છે, આ દરેકે દરેક પ્લાન્ક બોક્સ એક માહિતી સાચવે છે. આમ બ્રહ્માંડ ખરેખર તો માહિતીનું જ બનેલું છે. આપણે બાળકને નાનપણથી મગજમાં શું ભરીએ છીએ, માહિતી જ. આપણા મગજનું કોમ્પ્યુટર અદ્વિતીય માહિતી સંગ્રાહક છે. કદાચ સુપર કોમ્પ્યુટર પણ તેની હરીફાઈ કરી શકે નહીં અને ભવિષ્યમાં કદાચ કરી પણ શકશે નહીં. માટે જ ઈન્ફોર્મેશન ટેકનોલોજી હરણફાળ ભરતી જાય છે.

હોલોગ્રાફિક સિદ્ધાંતનું કહેવું છે કે માહિતીનો સંગ્રહ વોલ્યુમમાં નથી થતો પણ સપાટી પર થાય છે. કોઈપણ વસ્તુને જોઈએ તો આપણને તેની સપાટી જ દેખાય. બ્લેક હોલમાંથી માહિતી તો આપણને મળે જ નહીં પણ બ્લેકહોલના અસ્તિત્વની માહિતી તો આપણને મળે છે. તો બ્લેકહોલમાં માહિતી કયાંથી આવે છે? તેની સપાટી પરથી એટલે કે માહિતી પ્લાન્ક ક્ષેત્રમાંથી આવે છે. એક સેન્ટિમીટરની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળું બોક્સ એક પર ૯૯ શૂન્યની સંખ્યાના પ્લાન્ક વોલ્યુમ સમાવે. એક પર ૯૯ શૂન્ય એટલે અબજ અબજ અગિયાર વાર.

આ બોક્સનું ક્ષેત્રફળ એક પર ૬૬ શૂન્ય બને, કારણ કે વોલ્યુમ (ઘનફળ) લંબાઈના ઘનમાં હોય, જયારે ક્ષેત્રફળ તેના વર્ગમાં હોય. એક સેન્ટિમીટરની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળાં આઠ બોક્સનું કુલ ઘનફળ ૮ થાય પણ તેનું કુલ ક્ષેત્રફળ ચાર જ થાય. એટલે માહિતી જાણે ચાર જ બોક્સ હોય તેવી રીતે મળે. આ ખરેખર રસપ્રદ છે. આ બધા વિચારોએ નિષ્ણાતોને પણ ગૂંચવી નાખ્યા છે પણ તેને નજર-અંદાજ કરી શકાય તેમ નથી.

જેમ કેલિડોસ્કોપમાં રાખેલા કાચના ટુકડા આપણને અલગ અલગ રંગબેરંગી ડિઝાઈનો દર્શાવે છે. તે પ્રમાણે બ્રહ્માંડ આપણને અલગ અલગ રંગબેરંગી ડિઝાઈનો દર્શાવે છે. આ બધા વિચારો ગુરુત્વાકર્ષણ ક્વોન્ટમ થિયરી અને થર્મોડાયનામિકની આધુનિક થિયરીઓના સંયોજનનું પરિણામ છે.

સમય: ઘડિયાળ અને કૅલેન્ડરની બહાર... --- ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=104960

વસ્તુઓ તરફ જોઈએ છીએ ત્યારે એ સીધી લાગે છે. પાણીમાં એ હોય છે ત્યારે વળેલી લાગે છે. આપણી અંદર જે વિસંવાદિતા છે એ પ્રકટ થાય છે, એવું ગ્રીક દાર્શનિક પ્લેટોએ અઢી હજાર વર્ષો પહેલાં કહ્યું હતું. આપણે પણ આ વિશે વિચાર્યું હતું અને વિશ્ર્વને ‘માયા’ જેવા એક અદ્ભુત, અમૂર્ત શબ્દ આપ્યો હતો. આંખોથી આપણે જોતા રહીએ છીએ અને ઠગાતા રહીએ છીએ. દુનિયા બ્લૅક ઍન્ડ વ્હાઈટ નથી, દુનિયાને એના રંગોમાં જ આંખ જુએ છે. દુનિયા રંગીન છે, કદાચ આપણા પ્રતિભાવો બ્લૅક ઍન્ડ વ્હાઈટ છે. બ્લૅક ઍન્ડ વ્હાઈટ વસ્તુ એ કલ્પના છે, વાસ્તવ નથી. કાચની આરપાર જોઈ શકાય છે, પણ બીજી બાજુ ઢાંકી દો, અથવા પાણી ચડાવી દો, અથવા રંગ કરી દો તો આપણે આપણી જાતને જ જોઈ શકીએ છીએ. 

માર્ક ટ્વેઈને લખ્યું છે કે દરેક માણસ ચંદ્ર જેવો છે. એની ઊજળી બાજુ બતાવતો રહે છે, અને અંધારી બાજુ સંતાડી રાખતો હોય છે. દાંતનો એક્સ-રે લેવો હોય ત્યારે આપણને હસવાનું કહેવામાં આવે છે, અને જ્યારે એ એક્સ-રેમાં આપણે આપણી ખોપરી અને મોઢું અને છૂટા છૂટા દાંત જોઈએ છીએ ત્યારે લાગે છે કે સૃષ્ટિનો આ સૌથી ભયાવહ, કંકાલ ચહેરો છે. 

આપણા ખૂબસૂરત ચહેરાના હાસ્યની પાછળ સંતાયેલું એ બદસૂરત કંકાલ આપણું પોતાનું છે. ચીનમાં ફિલસૂફ લાઓ-ત્ઝુ કહી ગયો હતો: જે જાણે છે એ જાણતો નથી. જે જાણતો નથી એ જાણે છે. અને આપણા કેનોપનિષદમાં આ જ વાત કહી છે અને પ્લેટો અને લાઓ-ત્ઝુથી કદાચ સેંકડો વર્ષો પહેલાં કહેવાઈ છે: અવિજ્ઞાનં વિજાનતાં, વિજ્ઞાતમ્ વિજાનતામ્... જે જાણું છું એમ કહે છે એ એને નથી જાણતો, જે નથી જાણતો એમ કહે છે એ જ જાણે છે.

માણસની કદાચ સૌથી મોટી માયા કે ભ્રમ છે: સમય! સનાતન અને શાશ્ર્વતને હજી સુધી કોઈ ધર્મ વ્યાખ્યામાં બાંધી શક્યો નથી. અનાદિ અને અનંત કદાચ એવી અમૂર્ત કલ્પનાઓ છે જે મનુષ્યની વિચારશક્તિની બહાર છૂટી ગઈ છે. 

જૈનદર્શનમાં મૃત્યુને માટે ‘કાલધર્મ પામ્યા’ જેવી વિભાવના છે. કાલ શબ્દ બહુઅર્થી છે, અને કાલ શબ્દ સમયના અર્થમાં વપરાય છે. 

માણસ પાસે સમયને માપવા માટે માત્ર ગણિત છે અને માણસ સમયને સમજવા માટે માત્ર ઘડિયાળ અને કૅલેન્ડર જેવાં બે જ, સાધનો શોધી શક્યો છે. સવારની આભા, બપોરનો ઉત્તાપ, સાંજનો અસ્ત ફીલ કરવા માટે ઘડિયાળ એક અત્યંત નિર્બળ સાધન છે, પણ માણસ પાસે જગતભરમાં સમયને સમજવા માટે એ એક જ ઉપાય છે અને દુનિયામાં સવારના ૧૧ સર્વત્ર વાગતા નથી. પૃથ્વી ફરતી રહે છે, ટાઈમ-લેગ અને ટાઈમ-ટોન જેવાં કોષ્ટકો ગોઠવવા પડ્યાં છે. 

હિંદુસ્તાનમાં એક જ જડ ટાઈમ આસામથી ગુજરાત સુધી છે, રશિયામાં અગિયાર ટાઈમઝોન છે. પૂર્વમાં વ્લાદિવોસ્તોકમાં સૂર્યોદયના પ્રથમ કિરણોનો ઉજાસ ક્ષિતિજ પર દેખાય છે ત્યારે પશ્ર્ચિમમાં સેન્ટ પિટર્સબર્ગમાં ક્ષિતિજ પર રાતનું અંધારું ઘેરાતું હોય છે. 

સમય સાપેક્ષ કે રિલેટિવ હોય છે. પશુનો સમય અને મનુષ્યનો સમય બે જુદા સમયો છે. સ્કૂલી છોકરાનો છૂટ્ટીનો દિવસ અને સ્કૂલે જવાનો દિવસ, વૅકેશન પહેલાનો દિવસ અને વૅકેશન પતી ગયા પછીનો દિવસ, બધા જ જુદાં જુદા હોય છે. જંગલમાં રવિવાર આવે કે ન આવે, શું ફર્ક પડે છે? સમયનું રહસ્ય જન્મથી મૃત્યુ સુધી સમજાતું નથી. અંગ્રેજી કહેવત છે: ટુ-ડેઝ હાર્ડ ટાઈમ્સ આર ટુ-મોરોઝ ગુડ ઑલ્ડ ડેઝ! આજના સંઘર્ષના દિવસો આવતી કાલે સરસ મજાના ભૂતકાળના દિવસો બની જશે! નિવૃત્તિની નિષ્ક્રિય શાંતિ દિવસને ૪૮ કલાકનો બનાવી દે છે અને જવાનીની પ્રવૃત્ત મસ્ત હલચલ દિવસને ૧૨ કલાકમાં સમાપ્ત કરી દે છે. ફક્ત સંગીત સમય પર છવાઈ શકે છે. મનનું ગમવું સમયની અવધિ નક્કી કરે છે. ત્રિકાલ અને મહાકાલ જેવા શબ્દો બેમાની બની જાય છે. ટોમસ માનની પ્રખ્યાત નવલકથા ‘ધ મૅજિક માઉન્ટન’ ૧૯૨૪ની કૃતિ છે, પણ એનો હીરો સમય છે. સમયનું રહસ્ય કોઈ સમજ્યું છે?

માણસ પાસે સમય માપવાનું એક જ સાધન છે: ગણિત! પૃથ્વી સૂર્યનું ભ્રમણ કરવામાં ૩૬૫.૨૪૨૧૯૯ દિવસો લે છે, અને એ એક વર્ષ છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે તો એને એક પરિક્રમા કરતાં ર૪ કલાક લાગે છે, જેમાંથી માણસે અંધારા અને અજવાળાના ૧૨-૧૨ કલાકના બે ટુકડા પાડ્યા છે. 

માણસનું આયુષ્ય આ ૩૬૫ દિવસના વર્ષ પરથી આપણે નક્કી કરીએ છીએ. હું ૭૩ વર્ષનો છું, પણ પૃથ્વીને બદલે જો હું જ્યુપિટર કે નેપ્ચૂન પર હોત અને ત્યાંનું વર્ષ ૮૦૦ કે ૧૨૦૦ દિવસોનું હોત તો મારી ઉંમર કદાચ પ૩ વર્ષ કે ૩૩ વર્ષ હોત! આયુષ્ય સમયનો જ એક અંશ છે અને આપણી પાસે બીજાં સાધનો કે ઉપકરણો નથી માટે આપણને વર્ષોના માપદંડનો જ સહારો લેવો પડે છે અને એક જ શરીરમાં અલગઅલગ ઉંમરો જીવતી હોય છે. મારો એક કાન ૪૪ વર્ષ જેટલું સાંભળતો હોય અને બીજો કાન ફક્ત ૬૪ વર્ષ જેટલું સાંભળતો હોય, એક આંખમાં માઈનસ-ફાઈવની દૃષ્ટિ હોય, અને બીજી આંખમાં માઈનસ-એકની દૃષ્ટિ હોઈ શકે છે. એક કિડની મરી ગઈ હોય, અને બીજી કિડની જીવતી હોય...! ઉંમર ફક્ત વર્ષોની લંબાઈનું શુષ્ક ગણિત બની જાય છે. 

ઉંમર એક જબરદસ્ત ભ્રમ છે, જે ભ્રમમાંથી આપણે જીવનભર છૂટી શકતા નથી. સ્ત્રી ૩૮ની હોય છે અને ૩૯ની થાય છે, અને ૪૦ પર પહોંચે છે ત્યારે એ ફેરફાર એક વર્ષનો નથી, પણ જિંદગી પાંચ-પાંચ વર્ષ કૂદતી રહે છે. ઉંમર આરંભમાં શારીરિક હોય છે, અને ક્રમશ: માનસિક બનતી જાય છે. 

ટાઈમ-પાસ હવે એક ગુજરાતી શબ્દ બની ગયો છે, અને સુખી, મધ્યમવર્ગીય, મધ્યવયસ્ક ગુજરાતી ગૃહિણીઓનો જીવનમંત્ર બની ગયો છે. આખો દિવસ શું કરવું? અંગ્રેજીમાં કહેવત છે કે સ્ત્રીનું કામ ક્યારેય પૂરું થતું નથી! અને એ વાત સાચી પણ છે. દિવસના ૧૨ કલાક ગૃહસ્થ સ્ત્રી માટે ઓછા પડે છે. સવારના ઊઠીને દૂધ લેવાથી માંડીને રાત્રે દહીં જમાવીને સૂઈ જવા સુધીનો અંતરાલ ગૃહિણીને માટે એક દિવસ કહેવાય છે અને આ એક દિવસ વર્ષો સુધી આવતો રહે છે, જતો રહે છે. ફક્ત ચહેરા પરની રેખાઓ, ઝુર્રીઓ, શિકનો બદલાતી જાય છે અને ડ્રેસિંગ ટેબલ પરની પ્રસાધનોની શીશીઓની કતાર લાંબી થતી જાય છે. સમય સ્થિર થતો જાય છે, થીજતો જાય છે, ઠંડો પડતો જાય છે. 

ટાઈમપાસ થતો નથી. શું કરવું? બહારની દુનિયાનો અનુભવ નથી, અસલામતીનો ડર પણ છે, અને સમય ફેલાઈને વિકરાળ સ્વરૂપ લઈ લે છે. દિવસે સૂવું. રાત્રે ઊંઘ ન આવવી. ઘર વસ્તુઓથી ભરાતું જાય, મન ખાલી થતું જાય, આ ખૂણાની ધૂળ પેલા ખૂણા તરફ ઉડાડવી, પેલા ખૂણાની ધૂળ આ ખૂણા પર ઉડાડવી, એને સાફસફાઈ, ઘરકામ, પ્રવૃત્તિ કહેવાય છે. ફ્રિજમાં ધીરે ધીરે વપરાયા વિનાની નકામી વસ્તુઓ જમા થતી જાય છે. ખરીદી કે શૉપિંગ શોખમાંથી આદત, આદતમાંથી વ્યસન, વ્યસનમાંથી એક ઍન્ટિ-ડિપ્રેસ્સન્ટ પલાયનવાદી ઈલાજ બની જાય છે.

ટીવીની સિરિયલો છે, ધર્મ છે, મુરારિદાસ હરિયાણી છે, માસીની છોકરીનું લગ્ન છે, સ્ત્રીઓની પત્રિકાઓ કે પૂર્તિઓ છે જેમાં રસોઈ, પ્રસાધનો, સોફ્ટસેક્સ વિષયક સવાલો, ‘મારો ૬ વર્ષનો ‘બાબો’ ખાતો નથી’ જેવા વિષયો છે. 

રાત્રે સૂતાં પહેલાં માળા ગણવાની છે, અને દિવસે નાહીને પૂજા કરવાની છે. સમય જ સમય છે અને પસાર થઈ રહેલો મંદગતિ વર્તમાન શરીર પાસેથી કિંમત ચૂકવતો જાય છે. કામવાળીથી સાસુ સુધીનું વર્તુળ ચકરાતું રહે છે... સમયનું પ્લાનિંગ બધાને તો નહીં પણ ઘણાને ફાવતું નથી. જીવનના દરેક તબક્કે પ્રાથમિકતાઓ પણ બદલાતી રહે છે. હવે ૮ વર્ષની તન્વીને અને ૧૧ વર્ષના તનયને મમ્મીની જરૂર દિવસમાં બે જ વખતે પડે છે, સ્કૂલે જતી વખતે, અને સ્કૂલથી આવીને. જે પતિને આકાશ જીતવું છે એની પૃથ્વી સંભાળી રાખવાની છે. સમયના ઢાંચામાં વ્યક્તિ ફિટ થતી જાય છે. કદાચ એને સુખ કહેતા હશે... 



ક્લૉઝ અપ

ઝરા મુસ્કુરા કે છિડક દો નમક તુમ

કે મુંહ જખ્મ કા બેમઝા હો રહા હૈ

-હિંદુસ્તાનમાં રહેલી અંગ્રેજ સ્ત્રી આઈરીન જેકબે લખેલો શેર

આપણે બ્રહ્માંડરૂપી કાચના ગોળામાં રહીએ છીએ --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=137997

પુરાતનકાળથી ભારતીયો ધાતુ વિદ્યામાં ખૂબ આગળ છે. ભૂતકાળમાં તેઓએ રણકતા વિશાળ ઘંટો અને ઝાલરો બનાવેલાં. દરેક મંદિરોમાં ઘંટારવ થતાં. આ કાંસા કે પિત્તળની ધાતુના ઘંટો ખૂબ જ ચળકતા હતાં. તેઓએ કાંસાની ધાતુના વાસણો બનાવેલાં. તાંબાના ચળકાટ મારતાં ઘડા, કળશો, પંચપાત્રો, તરભાણા, ચમચીઓ (આચમનીઓ) બનાવેલાં. કાંસાની ધાતુના આયના બનાવી તેઓએ ઈતિહાસ સર્જેલો. કાંસાના કલબલિયા વગેરે બનાવેલાં. કાંસાની ધાતુના આયના મહારાણીઓ વાપરતી. પછી કાંસાના દૂરબીનો બન્યાં. આમ કાંસાની ધાતુના આયના કહો કે કાચ કહો તરીકે વપરાતા.

રામ બે-ત્રણ વર્ષના હતા ત્યારે એક પૂર્ણિમાની રાતે તેમને આકાશમાં પૂર્ણ ચંદ્ર જોઈ તેને પકડવાની હઠ લીધેલી. આખા રાજમહેલને તેણે રોઈને માથે લીધેલો. બુદ્ધિશાળી કૌશલ્યા માતાએ રામને રોતા બંધ કરવા, તેને શાંત કરવા અને ખૂશ કરવા તરકીબ શોધી કાઢી. તેમણે રામની સમક્ષ પાણી ભરેલી મોટી થાળી લાવીને મૂકી. થાળીના પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું. તેને બાળ રામે પાણીમાં હાથ નાંખી પકડ્યું. તેઓ રાજી રાજી થઈ ગયાં. આમ પાણી ભરેલી થાળી દુનિયાનું પ્રથમ દૂરબીન હતું તે કૌશલ્યામાતાની બુદ્ધિમતાની દેન હતી. આમ પાણી કાચ તરીકે સાબિત થયું.

બીજી એક રસપ્રદ પૌરાણિક કથા છે. એકવાર ફરતાં ફરતાં નારદમુનિ પૃથ્વી પર આવ્યા અહીં તેમણે એક સુંદર ક્ધયાને જોઈ અને મોહ પામી ગયાં અને તેમને પરણવાની ઈચ્છા થઈ આવી. નારદમુનિને થયું કે એમનો સાધુવેશ જોઈને તે સુંદરી તેમની સાથે પરણશે નહીં. તેથી તેઓ સીધા વિષ્ણુભગવાન પાસે ગયા. વિષ્ણુભગવાનને નારદજીએ કહ્યું કે જુઓ ભગવાન મારી જિંદગીમાં મેં કદી કાંઈ આપની પાસે માગ્યું નથી. આજે પ્રથમવાર આપની પાસે માગું છું. મને આપના જેવું રૂપ આપો. વિષ્ણુભગવાન નવાઈ પામ્યાં કે આ પરમહંસને આજે થયું છે શું તે મારા જેવું રૂપ માગે છે. નક્કી કાંઈક દાળમાં કાળું છે. નારદજી કોઈ ઊંધા રસ્તે ચઢી ગયાં છે, નહીં તો આવી માગણી ન કરે. મારે તેમને રસ્તાથી ચલિત ન થાય તેવું કરવું પડશે. વિષ્ણુભગવાને નારદજીને પોતાના જેવું જ રૂપ આપ્યું પણ મોઢું બકરીનું આપ્યું. માણસ પોતે પોતાનું આખું શરીર જોઈ શકે પણ તે પોતાનું મોઢું જોઈ ન શકે. ત્યારે આયના કે કાચ હતાં નહીં. નારદજી તો પછી ખુશ થતાં થતાં પેલી સુંદરી પાસે ગયા. તેમને એમ હતું કે પેલી સુંદરી તેમને જોઈને તેમની સાથે પરણશે. પણ પેલી સુંદરી નારદજીની સામે જોઈ ખડખડાટ હસવા લાગી અને તરત જ ચાલી ગઈ. નારદજી હતાશ થઈ ગયાં. હતાશા દૂર કરવા તે પાસે સરોવર હતું ત્યાં મોઢું ધોવા ગયા, પાણીમાં મોઢું ધોવા જતાં જુએ છે કે તેનું રૂપ તો વિષ્ણુભગવાન જેવું હતું પણ મોઢું બકરીનું. તરત જ નારદજી સમજી ગયા કે વિષ્ણુભગવાને તેમને છેતર્યાં છે. માટે જ તે સુંદરીએ તેમની સાથે લગ્ન કર્યા નહીં અને ભાગી ગઈ. તેઓ વિષ્ણુભગવાન પર ખૂબ જ ગુસ્સે થઈ ગયાં. પાછળથી નારદજીને સમજાયું કે વિષ્ણુભગવાને એવું શા માટે કર્યંુ હતું. નારદજીને સંસારની મોહમાયાની દુનિયાથી બચાવવા એવું કર્યું હતું. આ કથા દર્શાવે છે કે પાણી ત્યારે આયના તરીકે લેવાવાનું શરૂ થયું. આમ પાણીમાં મોઢું દેખાય છે તે વાત સ્પષ્ટ બની અને પાણી મોઢું જોવા વપરાવાનું શરૂ થયું. માટે પાણી સૌ પ્રથમ કાચ તરીકે સાબિત થયું.

કાચનો ઈતિહાસ બહુ જૂનો છે. ખરેખર કૃત્રિમ કાચ સૌ પ્રથમ કોણે અને કેવી રીતે બનાવ્યો તે સ્પષ્ટ નથી. પણ કૌરવો પાંડવોનાં સમયમાં કાચ હતો. તક્ષશીલા વિદ્યાપીઠમાંથી કાચ મળી આવે છે. સિન્ધુ સંસ્કૃતિના સમયમાં પણ કાચ હતો. પૃથ્વી પરની ઘણી ખરી પ્રાચીન સંસ્કૃતિના સમયમાં ત્યાં કાચ અસ્તિત્વ ધરાવતો હતો. ઈન્દ્રપ્રસ્થમાં પાંડવોના રાજપ્રાસાદ (રાજમહેલ)માં જે મય દાનવે માયાથી જગ્યા ઉત્પન્ન કરી હતી, જેમાં પણ પ્રચૂર પ્રમાણમાં કાચ વપરાયો હોય તેમ સ્પષ્ટ બને છે.

જ્યારે વીજળી રણમાં ત્રાટકે છે ત્યારે ગ્લાસ બીડઝ પેદા થાય છે. જવાળામુખી ફાટે છે ત્યારે પણ તેની આસપાસ ગ્લાસબીડઝ પેદા થાય છે. ગ્લાસ હકીકતમાં રેતી અને સોડાનું ગરમીમાં થતું સંયોજન છે. કિવદંતી એવી છે કે ફિનીક્ષનું વહાણ દરિયાકાંઠે તોફાનમાં ઘસડાઈ ગયું હતું નેવીગેટરોને દરિયા કાંઠે ઊતરવું પડ્યું હતું. ખોરાક રાંધવા તેઓએ દરિયાકાંઠાની રેતીમાં સોડાના બ્લોક રાખી ચૂલા બનાવી રસોઈ પકવી હતી. રસોઈ થઈ ગઈ પછી બીજે દિવસે સવારે નેવીગેટરોએ જોયું તો જ્યાં રસોઈ કરવા ચૂલા માંડ્યા હતાં તેની રાખમાં હીરાની જેમ નાના બીડઝ ચમકતા હતાં. તે જ કાચ.

કાચના ચશ્મા નીચે પડી જાય તો તેના ટુકડે ટુકડા થઈ જાય છે. તે ઘન વસ્તુ છે. વિજ્ઞાનીઓએ કાચ વિષે જબ્બર જ્ઞાન સંપાદન કર્યું છે. કાચ વિષેનું આખું વિજ્ઞાન છે. કાચમાં થતાં પ્રકાશનાં પરાવર્તનની પ્રક્રિયાના નિયમો, વક્રીભવનની પ્રક્રિયાના નિયમો વગેરે. હવે આપણે જાણીએ છીએ કે પાણી પણ કાચ જ છે. તેને હાથમાં પકડી શકાય, તે હાથમાંથી સરકી જાય, પાણીનો વરસાદ પડે. આપણે પાણી પીએ, પણ પાણી કાચ જ છે કારણ કે તેમાં પ્રકાશનું પરાવર્તન થાય છે, વક્રીભવન થાય છે, તે મેઘધનુષ ઉત્પન્ન કરે છે. આ અર્થમાં પાણી કાચ છે, કાચ કરતાં પાણી વિશેષ છે. માટે પાણીને તમે કાચ કહી શકો.

પૃથ્વી ફરતેનું વાયુમંડળ પણ કાચ જ છે. કારણ કે તેમાં પ્રકાશનું પરાવર્તન થાય છે, વક્રીભવન થાય છે અને તેમાં મેઘધનુષ પણ ઉત્પન્ન થાય છે, માટે આપણી ફરતે વાયુમંડળ એટલે કાચ જ છે. અંતરીક્ષ પોતે પણ કાચ જ છે. કારણ કે તેમાં પણ પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન થાય છે. દૂરથી આવતું કવેઝારનું કિરણ વચ્ચે આવેલી ગેલેક્ષીના ગુરુત્વાકર્ષણને લીધે તે વાંકું વળે છે અને તેના કેટલાય પ્રતિબિંબો ઉત્પન્ન થાય છે. માટે અંતરીક્ષ પણ કાચ જ છે.

માનવીનો ચહેરો પણ કાચ જ છે. તેમાં પણ સામા માનવીનું રીફ્લેકશન થાય જ છે. માટે કવાર્ટઝ, ડાયમન્ડ વગેરે કાચ જેવું જ અંતરીક્ષ કે વાયુમંડળ કાર્ય કરે છે.

કાચમાં કવાર્ટઝમાં કે ડાયમંડમાં પ્રકાશનું ટોટલ ઈન્ટરનલ રીફલેકશન થાય છે, તેમ પાણીમાં, વાયુમંડળમાં અને અંતરીક્ષમાં પણ પ્રકાશનું ટોટલ ઈન્ટરનલ રીફલેકશન થાય છે, તેમ પાણીમાં, વાયુમંડળમાં અને અંતરીક્ષમાં પાણી પ્રકાશનું ટોટલ ઈન્ટરનલ રીફલેક્શન છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો રીફ્રેકટીવ ઈન્ડેક્ષ (વક્રીભવનાંક) એક છે, વાયુમંડળમાં કે પાણીમાં તે એકથી વધારે છે. હજુ સુધી વિજ્ઞાનીઓએ એવું માધ્યમ શોધ્યું નથી કે જેનો વક્રીભવનાંક એક કરતાં ઓછો હોય. જો આવું માધ્યમ શોધી કાઢવામાં આવે તો પ્રકાશની ગતિ બમણી કે ત્રણગણી કે તેનાથી વધારે કરી શકાય. શૂન્યાવકાશમાં ડાયઈલેક્ટ્રિક કોન્સ્ટન્ટ (પરમીઆબીલીટી) એક છે, પણ કોઈ બીજા માધ્યમમાં તે એકથી વધારે છે. વિજ્ઞાનીઓએ હજુ સુધી એવું માધ્યમ શોધી કાઢ્યું નથી જેનો ડાઈઈલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એકથી ઓછો હોય. જ્યારે આવું બની શકશે ત્યારે આપણું બ્રહ્માંડ અલગ જ હશે. હકીકતમાં આપણે બ્રહ્માંડરૂપી કાચના ગોળામાં વસીએ છીએ.

કાચ બહુ અદ્ભુત વસ્તુ છે, તે દિવ્યદૃષ્ટિ છે. કાચને માઈક્રોસ્કોપની નીચે રાખીએ એટલે કે માઈક્રોસ્કોપ તો તે અગાધ સૂક્ષ્મ દુનિયાના આપણને દર્શન કરાવે છે. પણ જો કાચને આપણે દૂરબીન ઉપર મૂકીએ (એટલે કે દૂરબીન) તો તે આપણને અગાધ બહારની વિશાળ દુનિયાના દર્શન કરાવે છે. કાચ છે એક જ પણ તે બ્રહ્માંડના બંને સ્વરૂપોને આપણી સમક્ષ હાજર કરે છે. જો કાચ ન શોધાયો હોત તો આપણને અગાધ બ્રહ્માંડની ખબર જ ન પડત. ગેલિલિયોએ કાચનો એટલે કે દૂરબીનનો ઉપયોગ વિશાળ બ્રહ્માંડ જોવા માટે કર્યો. રોબર્ટ હૂક જેવા વિજ્ઞાનીઓએ કાચનો એટલે કે સૂક્ષ્મદર્શકયંત્રનો ઉપયોગ વિશાળ સૂક્ષ્મ દુનિયા જોવા માટે કર્યો. જો કાચ ન હોત તો ૪૦ વર્ષ પછી લોકોને વાંચવાનું રહેત જ નહીં. આંખ પોતે જ કાચ છે. થોડે ઘણે અંશે બ્રહ્માંડની બધી જ વસ્તુ કાચ છે. બ્રહ્માંડની બધી જ વસ્તુ થોડે ઘણે અંશે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન કરે છે. કાચની માયા, દુનિયાની માયાનું જ સ્વરૂપ છે. કાચ જ આપણને મૃગજળ દેખાડે છે. પૃથ્વીનું વાતાવરણ જ આપણને મૃગજળ દેખાડે છે. તે સરોવરમાં સરોવર જ તળિયાને ઉપર આવેલું દેખાડે છે, તે આપણા કેટલાય, વાંકાચૂંકા પ્રતિબિંબો દેખાડે છે. તે માયા જ છે ને? અમુક પરિસ્થિતિમાં આપણા પ્રતિબિંબો કે ભદ્દા હોય છે તે કાચ દેખાડે છે. અરીસો આપણને આપણે જેવા છીએ તેવા જ દેખાડે છે. યુવાનીમાં અરીસો આપણને આનંદ પમાડે છે, વૃદ્ધાવસ્થામાં તે આપણને ખેક પમાડે છે પાણી કાંઈ પણ ચોર્યા વગર તે સત્યને આપણી સામે મૂકે છે. કાચનું આ બીજું પાસું છે. રેતી અને સોડાનો બનેલો કાચ આપણને આજાયબ માયાના દર્શન કરાવે છે. કર્મોનું ફળ એ કર્મોરૂપી કાચમાં થતું પરાવર્તન (ફળ) છે. કાચ અત્ર, તત્ર, સર્વત્ર છે. મોતી હકીકતમાં કાચ જ છે. મન પણ કાચ છે. ત્રણ ભાંગ્યા સંધાય નહીં મન મોતી અને કાચ આમ તે ત્રણે એકનાં એક જ છે વેદોનો અને શંકરાચાર્યનો અદ્વૈતવાદ છે. બ્રહ્માંડમાં છેવટે અદ્વૈતવાદ જ પ્રવર્તે છે, તે પછી બળોનો હોપ કે પદાર્થ અને ઊર્જાનો હોય. છેવટે ચેતના જ કાચ છે જે બધાનું રીફલેકશન કરે છે, એ જ બ્રહ્માંડ છે. છેવટે સૂક્ષ્મ જ ભૌતિક તરીકે પેદા થાય છે. ભૌતિક એ સૂક્ષ્મનું અનાવરણ છે દેહ છે, મિત્રીકરણ છે. આપણા માટુંગામાં રહેતા ગણપતભાઈ રા. જાની વારંવાર મને આ બાબતની યાદ દેવરાવે છે.

આ બ્રહ્માંડ ચેતનારૂપી કાચથી ભરેલું છે. માટે બ્રહ્માંડ કાચનો ગોળો છે, તેમાં બધાનું જ રીફલેક્શન તમે જોઈ શકો છો. હોલોગ્રાફી આનું જ સ્વરૂપ છે. કાચનું આ વૈશ્ર્વિકકરણ છે. કાચની આરપાર જોઈ શકાય છે. માટે જ ટ્રાન્સપરન્સી કે ટ્રાન્સપરન્ટ શબ્દો અસ્તિત્વમાં આવ્યા છે જે સત્યને દર્શાવે છે, બ્રહ્મના રૂપને દર્શાવે છે.