http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=115518
શરીરમાં ચાલતી ક્રિયાઓ જ બ્રહ્માંડને સર્જે છે. દરેક માનવીનું બ્રહ્માંડ અલગ અલગ હોય છે ને તમે તેને કેવી રીતે લો છો એ પ્રમાણે તે સર્જાય છે
શરીરમાં ચાલતી ક્રિયાઓ જ બ્રહ્માંડને સર્જે છે. દરેક માનવીનું બ્રહ્માંડ અલગ અલગ હોય છે ને તમે તેને કેવી રીતે લો છો એ પ્રમાણે તે સર્જાય છે
બ્રહ્માંડ માહિતીનો પરપોટો હોય તેમ લાગે છે. એ માહિતીની મહાનદી છે જે વહ્યા કરે છે. તેમાં ડૂબકી મારો ત્યાં સુધી આપણા પરથી, આપણાં મગજ પરથી પસાર થાય છે. જેવા તેમાંથી બહાર નીકળો એટલે વાત પૂરી. જીવન એ માહિતીની નદીમાં ડૂબેલું શરીર છે. જીવન પૂરું થયું એટલે વાત પૂરી. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી માહિતીની આપલે છે. સ્વામી વિવેકાનંદનું કહેવું છે કે આપણે જ કાર્ય અને કારણ ઊભાં કરીએ છીએ તેને આપણે જીવન કહીએ છીએ. કાર્ય અને કારણની સમાપ્તિ એટલે માયાની સમાપ્તિ. આપણું મગજ અને વિચાર જ માયાને ઉત્પન્ન કરે છે અને પછી તેમાં ફસાય છે. શહેરીજનોનું બ્રહ્માંડ જુદું છે, ગામડાના રહેવાસીઓનું બ્રહ્માંડ જુદું છે, જંગલી - આદિવાસીઓનું બ્રહ્માંડ જુદું છે, સિંહ, વાઘનું બ્રહ્માંડ જુદું છે. શરીરમાં ચાલતી ક્રિયાઓ જ બ્રહ્માંડને સર્જે છે. શંકરાચાર્ય કહે છે કે માયામય ઈદમ્ અખિલં બુદ્ધ, બ્રહ્મપદં ત્વં પ્રવિશ વિદિત્વા. શરીર ગમે તેટલું સુન્દર કે બેડોળ હોય, માનવી ગમે તેટલો મહાન કે નિમ્નકક્ષાનો હોય તેનું મૃત્યુ થાય એટલે બધું પૂરું. માટે જ દરેકે દરેક માનવીનું બ્રહ્માંડ અલગ અલગ છે. અલગ અલગ સમયે તે અલગ અલગ છે. આમ જુઓ તો જીવન એક ટાઈમ પાસ છે. ઝાડ-પાન દરેકને પોતાનું બ્રહ્માંડ છે. તમે બ્રહ્માંડને કેવી રીતે લો છો, તે પ્રમાણે તે સર્જાય છે. વિચાર જ બ્રહ્માંડને સર્જે છે. વિચાર કયાંથી આવે છે? માહિતીમાંથી, તમારી પાસે જેટલી માહિતી વધારે અને જે પ્રકારની માહિતી વધારે તેવું તમારું બ્રહ્માંડ. માટે જ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો પેદા થાય છે. અમુક નિષ્ણાતને અમુક માહિતી હોય છે તો બીજાને બીજી. જેમ માહિતી વધારે તેમ ચિંતા વધારે. પશુ - પક્ષીઓને કોઈ ચિંતા હોય છે? વિચાર મગજની ઊર્જામાંથી ઉત્પન્ન થાય છે. માટે માહિતી ઊર્જાનું બીજું સ્વરૂપ છે. માટે જ વધારે વિચાર કરવાથી આપણને થાક લાગે છે. તો શું વિચાર કરવાનું માંડી વાળવું? આપણે માહિતીની નદીમાં ડૂબેલાં કદી પણ એમ કરી શકીએ નહીં. માહિતી જ આપણી નિયતિ છે. જીવન પોતે એક આભાસી- વાસ્તવિકતા છે, માટે જ તે માહિતી પર નિર્ભર છે. માહિતી જ તેને ઘડે છે. આપણું જીવન માહિતી જ ઘડે છે. જીવનની કોઈપણ વસ્તુ ખરી - ખોટી છે જ નહીં. તે માત્ર માહિતી છે. શા માટે આવું બ્રહ્માંડ ઘડાયું છે તે સમજાય તેવું નથી.
આ માહિતીના વિચારે ભૌતિકશાસ્ત્રીઓને હોલોગ્રાફિક સિદ્ધાંત તરફ વાળ્યા છે. આ બ્રહ્માંડને ભૌતિકશાસ્ત્રીઓ માહિતીના રૂપમાં જ જુએ છે. જેટલી માહિતી આપણી પાસે વધારે તેટલું મોટું આપણું બ્રહ્માંડ. આ વિચાર તે જ શંકરાચાર્ય અને વિવેકાનંદ જેને માયા કહે છે તે જ. આભાસી છતાં વાસ્તવિક અને વાસ્તવિક છતાં આભાસી. વસ્તુનું વર્ણન કરવા, વસ્તુને સમજવા કે સમજાવવા આપણને માહિતીની જરૂર પડે છે. માટે જ તમે જેવા વિચાર કરો તેવું બ્રહ્માંડ તમે નિર્માણ કરી શકો છો. આ માહિતી કાં તો સાહિત્યના રૂપમાં હોય છે. સમીકરણના રૂપમાં હોય છે, ભૂમિતી કે ચિત્રના રૂપમાં, છેવટે તે માહિતી છે. માહિતી જ આપણને બ્રહ્માંડનું જ્ઞાન કરાવે છે. આ દુનિયા માહિતી પર ચાલે છે. માહિતી જયારે નક્કર બને છે ત્યારે જ્ઞાનમાં પરિવર્તિત થાય છે. જે આપણને સત્ય તરફ દોરી જાય છે. સત્ય તેમ છતાં માહિતીનો જ ભાગ છે. માહિતી જે કાયમી છે, તે સત્ય, છેવટે સત્ય પણ સાપેક્ષ છે. બ્રહ્માંડ છેવટે સૂક્ષ્મ બોક્સનું બનેલું છે. એટલે કે તેનો સ્વભાવ ક્વોન્ટમ છે. આપણને તે અખંડિત લાગે છે પણ તે ખંડિત છે. ક્વોન્ટમ છે. બ્રહ્માંડની દેખાતી અખંડિતતા એક આભાસ છે. બ્રહ્માંડનું અંતરીક્ષ નાના નાના સૂક્ષ્માતિસૂક્ષ્મ બોક્સનું બનેલું છે. આ બોક્સની બાજુ સેન્ટિમીટરના લાખ, અબજ, અબજ અબજમાં ભાગની છે. વિજ્ઞાનીઓ તેને ક્વોન્ટમ થિયરીના જનક મહાન જર્મન વિજ્ઞાની મેક્સ પ્લાન્કના માનમાં પ્લાન્ક લેન્થ કહે છે અને પ્લાન્ક લેન્થથી બનેલા બોક્સના વોલ્યુમને પ્લાન્ક વોલ્યુમ કહે છે અથવા પ્લાન્ક બોક્સ કહે છે. બ્રહ્માંડનું અંતરિક્ષ પ્લાન્ક બોક્સનું બનેલું છે. બ્રહ્માંડની તે ઈંટ છે, આ દરેકે દરેક પ્લાન્ક બોક્સ એક માહિતી સાચવે છે. આમ બ્રહ્માંડ ખરેખર તો માહિતીનું જ બનેલું છે. આપણે બાળકને નાનપણથી મગજમાં શું ભરીએ છીએ, માહિતી જ. આપણા મગજનું કોમ્પ્યુટર અદ્વિતીય માહિતી સંગ્રાહક છે. કદાચ સુપર કોમ્પ્યુટર પણ તેની હરીફાઈ કરી શકે નહીં અને ભવિષ્યમાં કદાચ કરી પણ શકશે નહીં. માટે જ ઈન્ફોર્મેશન ટેકનોલોજી હરણફાળ ભરતી જાય છે. હોલોગ્રાફિક સિદ્ધાંતનું કહેવું છે કે માહિતીનો સંગ્રહ વોલ્યુમમાં નથી થતો પણ સપાટી પર થાય છે. કોઈપણ વસ્તુને જોઈએ તો આપણને તેની સપાટી જ દેખાય. બ્લેક હોલમાંથી માહિતી તો આપણને મળે જ નહીં પણ બ્લેકહોલના અસ્તિત્વની માહિતી તો આપણને મળે છે. તો બ્લેકહોલમાં માહિતી કયાંથી આવે છે? તેની સપાટી પરથી એટલે કે માહિતી પ્લાન્ક ક્ષેત્રમાંથી આવે છે. એક સેન્ટિમીટરની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળું બોક્સ એક પર ૯૯ શૂન્યની સંખ્યાના પ્લાન્ક વોલ્યુમ સમાવે. એક પર ૯૯ શૂન્ય એટલે અબજ અબજ અગિયાર વાર. આ બોક્સનું ક્ષેત્રફળ એક પર ૬૬ શૂન્ય બને, કારણ કે વોલ્યુમ (ઘનફળ) લંબાઈના ઘનમાં હોય, જયારે ક્ષેત્રફળ તેના વર્ગમાં હોય. એક સેન્ટિમીટરની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળાં આઠ બોક્સનું કુલ ઘનફળ ૮ થાય પણ તેનું કુલ ક્ષેત્રફળ ચાર જ થાય. એટલે માહિતી જાણે ચાર જ બોક્સ હોય તેવી રીતે મળે. આ ખરેખર રસપ્રદ છે. આ બધા વિચારોએ નિષ્ણાતોને પણ ગૂંચવી નાખ્યા છે પણ તેને નજર-અંદાજ કરી શકાય તેમ નથી. જેમ કેલિડોસ્કોપમાં રાખેલા કાચના ટુકડા આપણને અલગ અલગ રંગબેરંગી ડિઝાઈનો દર્શાવે છે. તે પ્રમાણે બ્રહ્માંડ આપણને અલગ અલગ રંગબેરંગી ડિઝાઈનો દર્શાવે છે. આ બધા વિચારો ગુરુત્વાકર્ષણ ક્વોન્ટમ થિયરી અને થર્મોડાયનામિકની આધુનિક થિયરીઓના સંયોજનનું પરિણામ છે. |
No comments:
Post a Comment