Wednesday, September 3, 2014

પતિએ પ્રગટાવ્યો સમજણનો દીવો --- આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

માણસ એના વિવેક, વિનય, સંસ્કારથી શોભે છે, નહીં કે હીરામોતીના કે જડતરના દાગીનાથી

સૌમ્યપ્રભાએ એના લગ્નનું આલ્બમ ખોલ્યું, પ્રથમ પાના પર નજર કરી અને એની નજર ત્યાં જ ચોંટી રહી. એના મનમાં પ્રશ્ર્ન થયો કે સોળે શણગાર સજેલી લજ્જાભર્યું મધુર સ્મિત વેરતી આ યૌવના શું હું છું? ઓહ, ત્યારે કેટલાં સ્વપ્નાં હતાં!

અને આજે? આજે સ્વપ્નાં નથી, પણ ચહેરા અને આંખોમાં ગ્લાનિ અને ઉદ્વેગ છે. હાથે અને ગળે કરચલીઓ અને ગાલ સાવ બેસી ગયા છે. આ ફેરફાર ઉંમર વધવાથી થયો છે? ના હજી તો હું જિંદગીના અધવચ્ચે જ પહોંચી છું, પણ જીવનની વાસ્તવિકતાએ મને મારા પિતાના ઘરની વૈભવી જિંદગીમાંથી અહીં ભોંયે પટકી છે. ડગલે ને પગલે તકલીફો જ તકલીફો. ક્યારેક તો થાય છે કે લગ્ન કર્યાં એ શું ભૂલ છે? કે ખોટા પાત્ર સાથે લગ્ન થયાં છે?

પણ લગ્નનું પાત્ર તો માબાપે જ પસંદ કર્યું છે. શુભ ઘડીએ, વિધિવત્ માતા-પિતાના આશીર્વાદ સાથે પિયર છોડ્યું. પતિગૃહે પણ બધાંએ ઉમળકાથી મને આવકારી છે, કોઈએ મને નકારી ન હતી તો મારા જીવનમાં આવો જબરજસ્ત પલટો કેમ આવ્યો? આટઆટલી તકલીફો અને સંકટો કેમ આવ્યા?

મારા પતિ આકાશ ગજબની શ્રદ્ધાથી મહેનત કરે છે, પણ દરેક ઠેકાણેથી એ પાછા પડે છે. ચિંતાઓ, સતત ચિંતાઓએ એમની તબિયતને બગાડી છે. કોઈ સગાંનો સાથ-સહકાર નથી, પણ આકાશ કદી હિંમત નથી હાર્યા.

તેઓ મને કહે છે, ‘આપણાં દુ:ખો તો કંઈ નથી તું ચોગરદમ નજર કર. બીજાની તકલીફો જો તો ખબર પડશે કે લોકો કેવી વિકટ જિંદગી જીવી રહ્યા છે? હું કહેતી મને તો આપણા સંઘર્ષનો કોઈ અંત દેખાતો નથી. હું રડી પડતી ત્યારે આકાશ કહેતા, આવતીકાલે આપણા જીવનમાં સુખનો સૂરજ ઊગશે. આકાશનો આશાવાદ અને સિદ્ધાંતનિષ્ઠા અનન્ય છે. એમણે જીવનમૂલ્યો સાથે કદી બાંધછોડ નથી કરી.

નિરાશ થઈને ક્યારેક હું બળાપો કરતી, ત્યારે એ કહેતા, ‘લક્ષ્મી નસીબની વસ્તુ છે એની પાછળ પડો તોય જે ઘડીએ, જેટલી મળવાની હોય એટલી એ જ ઘડીએ મળે ન વહેલી મળે કે ન મોડી મળે. પણ વિદ્યા પુરુષાર્થથી મળે છે, માટે આપણે એવું જ્ઞાન મેળવવા મથવાનું કે જેથી આપણો આંતરિક વિકાસ થાય, ભૌતિક સંપત્તિનો આપણો મોહ છૂટે, કોઈ અપમાન કરે તોય આપણે સંતાપ ન પામીએ, આપણે સ્વસ્થ રહી શકીએ.’

આમ પતિની ઊંડી સમજ અને ચિંતનશીલતાને લીધે હું સામાન્યતામાં જકડાયેલી ન રહી. મારા વિચારોમાંથી નકારાત્મકતા બાદ થતી ગઈ પણ મારું મન હજી આકાશ જેવું અડગ નથી. લગ્નનું આ આલ્બમ જોયું અને મને લગ્ન પહેલાંની મારી જિંદગી યાદ આવી ગઈ. મારા પિતાના ઘરનો વૈભવ યાદ આવી ગયો.

ઓહ, કેવા વૈભવભર્યા એ દિવસો હતા. પૈસાની કોઈ ગણતરી ન હતી. મનમાં આવે એટલો ખર્ચો કરતી. ઘરમાં પણ કોઈ કામની જવાબદારી મારા માથે ન હતી. કોઈ ચિંતા ન હતી. ધનવાન બાપની દીકરી તરીકે બધે માનભર્યો આવકાર મળતો.

અને અત્યારે એ જ સગાંઓ મારી અવગણના કરે છે. મારાં ભાવ, ભાવના, સ્નેહ, વિવેકભર્યા વ્યવહારની કોઈ પરવા જ નહીં!

લગ્નના આ આલ્બમે મારા જીવનનાં પાછલાં ત્રીસ વરસ યાદ કરાવી દીધાં. આ વરસો દરમિયાન હું સંતાપથી શેકાતી રહી છું. પૈસાના અભાવે મને કડવી બનાવી દીધી છે. ક્યારેક તો હું આકાશની સાથે નિષ્ઠુરતાથી વાત કરું છું, મહેણાં મારું છું, આકાશ મને સમજે છે. એ પ્રેમથી કહે છે, એક દિવસ એવો જરૂરથી આવશે જ્યારે આ દુ:ખ, વ્યથા, સંતાપ નહીં હોય.

પણ ક્યારે! ક્યારે એ દિવસ આવશે હવે મારામાં ધીરજ નથી. લગ્ન પછી હું એક પણ મોંઘી સાડી નથી ખરીદી શકી. કોઈના ત્યાં લગ્નપ્રસંગે જાઉં ત્યારે એ જ સાડી પહેરવી પડે છે. ત્રીસ ત્રીસ વરસ થઈ ગયાં મેં એકે દાગીનો નથી ઘડાવ્યો. સાચું સોનું પહેરવાના દિવસો હવે નથી રહ્યા, પણ ખોટા દાગીના પણ ક્યાં ખરીદી શકું છું?

સૌમ્યપ્રભા પોતાની નાણાંભીડ વિશે વિચારતી શોકમગ્ન બેઠી છે. ત્રીસ વરસની ઉદાસી એને ઘેરી વળી છે. ત્યાં એ સમયે એનો પતિ આકાશ આવે છે. સૌમ્યપ્રભાના ખોળામાં ઉઘાડું પડેલું આલ્બમ જોઈને એ બધું સમજી જાય છે.

એ સૌમ્યપ્રભાને કશું પૂછતો નથી પણ ખુલ્લી બારીમાંથી દેખાતા વૃક્ષ તરફ આંગળી ચીંધીને કહે છે, ‘સૌમ્યપ્રભા, જો આ ઝાડ નાનકડું છે પણ કેવું ડોલે છે! અને આ મોટું ઝાડ પણ મસ્તીથી ડોલે છે. બંનેનાં રૂપ અને વિકાસ સાવ અલગ છે છતાં તેઓ એકબીજાની સરખામણી નથી કરતાં. તેઓ સંતાપ નથી પામતા તેથી આવાં મનોહર છે.’

જો આ નાનું ઝાડ એની બાજુમાં ઊગેલા મોટા ઘટાદાર ઝાડને જોઈને મનોમન નાનમ અનુભવે, કલેશ કરે તો શું થાય? એ નાનું ઝાડ સુકાઈ જાય, એનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય. એ મરી જાય તો બીજા કોઈને ખાસ નુકસાન નથી થવાનું પણ એ એની પોતાની જિંદગી ગુમાવી બેસે.

સૌમ્યપ્રભા, તું તો સમજદાર છે, તું બીજાની સાથે આપણી જિંદગી ન સરખાવ, તું લઘુતાગ્રંથિ ન અનુભવીશ. તું આત્મવિશ્ર્વાસ ન ગુમાવીશ. આપણી પાસે વૈભવ નથી પણ આપણી જિંદગી સાવ સત્ત્વહીન કે નિરર્થક નથી.

‘પણ મારી પાસે નવી સ્ટાઈલના કપડાં નથી, દાગીના નથી,’ સૌમ્યપ્રભાએ ઉદાસ સૂરમાં કહ્યું.

‘સૌમ્યપ્રભા, માણસ એના વિવેક, વિનય, સંસ્કારથી શોભે છે, નહીં કે હીરામોતીના કે જડતરના દાગીનાથી. જો આ નાના ઝાડ પાસે પેલા મોટા વૃક્ષ જેવી ઘટા નથી તોય શોભે છે ને! એ આનંદથી કેવું ડોલે છે! તું કુદરતને જો. તારી સમસ્યાનો ઉકેલ મળી જશે.’

સૌમ્યપ્રભાના મનને પતિની વાત સ્પર્શી. એ બોલી તમે દરેક વખતે મને ધૂળમાટીમાં રગદોળાતી બચાવી છે, તમારા સંગે મેં જીવનનો સાચો મહિમા જાણ્યો છે, હવે મને કોઈ ફરિયાદ નથી. સંતાપ નથી, ઉદ્વેગ નથી!
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=106940

No comments:

Post a Comment