Wednesday, September 3, 2014

આપણે બ્રહ્માંડરૂપી કાચના ગોળામાં રહીએ છીએ --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=137997

પુરાતનકાળથી ભારતીયો ધાતુ વિદ્યામાં ખૂબ આગળ છે. ભૂતકાળમાં તેઓએ રણકતા વિશાળ ઘંટો અને ઝાલરો બનાવેલાં. દરેક મંદિરોમાં ઘંટારવ થતાં. આ કાંસા કે પિત્તળની ધાતુના ઘંટો ખૂબ જ ચળકતા હતાં. તેઓએ કાંસાની ધાતુના વાસણો બનાવેલાં. તાંબાના ચળકાટ મારતાં ઘડા, કળશો, પંચપાત્રો, તરભાણા, ચમચીઓ (આચમનીઓ) બનાવેલાં. કાંસાની ધાતુના આયના બનાવી તેઓએ ઈતિહાસ સર્જેલો. કાંસાના કલબલિયા વગેરે બનાવેલાં. કાંસાની ધાતુના આયના મહારાણીઓ વાપરતી. પછી કાંસાના દૂરબીનો બન્યાં. આમ કાંસાની ધાતુના આયના કહો કે કાચ કહો તરીકે વપરાતા.

રામ બે-ત્રણ વર્ષના હતા ત્યારે એક પૂર્ણિમાની રાતે તેમને આકાશમાં પૂર્ણ ચંદ્ર જોઈ તેને પકડવાની હઠ લીધેલી. આખા રાજમહેલને તેણે રોઈને માથે લીધેલો. બુદ્ધિશાળી કૌશલ્યા માતાએ રામને રોતા બંધ કરવા, તેને શાંત કરવા અને ખૂશ કરવા તરકીબ શોધી કાઢી. તેમણે રામની સમક્ષ પાણી ભરેલી મોટી થાળી લાવીને મૂકી. થાળીના પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું. તેને બાળ રામે પાણીમાં હાથ નાંખી પકડ્યું. તેઓ રાજી રાજી થઈ ગયાં. આમ પાણી ભરેલી થાળી દુનિયાનું પ્રથમ દૂરબીન હતું તે કૌશલ્યામાતાની બુદ્ધિમતાની દેન હતી. આમ પાણી કાચ તરીકે સાબિત થયું.

બીજી એક રસપ્રદ પૌરાણિક કથા છે. એકવાર ફરતાં ફરતાં નારદમુનિ પૃથ્વી પર આવ્યા અહીં તેમણે એક સુંદર ક્ધયાને જોઈ અને મોહ પામી ગયાં અને તેમને પરણવાની ઈચ્છા થઈ આવી. નારદમુનિને થયું કે એમનો સાધુવેશ જોઈને તે સુંદરી તેમની સાથે પરણશે નહીં. તેથી તેઓ સીધા વિષ્ણુભગવાન પાસે ગયા. વિષ્ણુભગવાનને નારદજીએ કહ્યું કે જુઓ ભગવાન મારી જિંદગીમાં મેં કદી કાંઈ આપની પાસે માગ્યું નથી. આજે પ્રથમવાર આપની પાસે માગું છું. મને આપના જેવું રૂપ આપો. વિષ્ણુભગવાન નવાઈ પામ્યાં કે આ પરમહંસને આજે થયું છે શું તે મારા જેવું રૂપ માગે છે. નક્કી કાંઈક દાળમાં કાળું છે. નારદજી કોઈ ઊંધા રસ્તે ચઢી ગયાં છે, નહીં તો આવી માગણી ન કરે. મારે તેમને રસ્તાથી ચલિત ન થાય તેવું કરવું પડશે. વિષ્ણુભગવાને નારદજીને પોતાના જેવું જ રૂપ આપ્યું પણ મોઢું બકરીનું આપ્યું. માણસ પોતે પોતાનું આખું શરીર જોઈ શકે પણ તે પોતાનું મોઢું જોઈ ન શકે. ત્યારે આયના કે કાચ હતાં નહીં. નારદજી તો પછી ખુશ થતાં થતાં પેલી સુંદરી પાસે ગયા. તેમને એમ હતું કે પેલી સુંદરી તેમને જોઈને તેમની સાથે પરણશે. પણ પેલી સુંદરી નારદજીની સામે જોઈ ખડખડાટ હસવા લાગી અને તરત જ ચાલી ગઈ. નારદજી હતાશ થઈ ગયાં. હતાશા દૂર કરવા તે પાસે સરોવર હતું ત્યાં મોઢું ધોવા ગયા, પાણીમાં મોઢું ધોવા જતાં જુએ છે કે તેનું રૂપ તો વિષ્ણુભગવાન જેવું હતું પણ મોઢું બકરીનું. તરત જ નારદજી સમજી ગયા કે વિષ્ણુભગવાને તેમને છેતર્યાં છે. માટે જ તે સુંદરીએ તેમની સાથે લગ્ન કર્યા નહીં અને ભાગી ગઈ. તેઓ વિષ્ણુભગવાન પર ખૂબ જ ગુસ્સે થઈ ગયાં. પાછળથી નારદજીને સમજાયું કે વિષ્ણુભગવાને એવું શા માટે કર્યંુ હતું. નારદજીને સંસારની મોહમાયાની દુનિયાથી બચાવવા એવું કર્યું હતું. આ કથા દર્શાવે છે કે પાણી ત્યારે આયના તરીકે લેવાવાનું શરૂ થયું. આમ પાણીમાં મોઢું દેખાય છે તે વાત સ્પષ્ટ બની અને પાણી મોઢું જોવા વપરાવાનું શરૂ થયું. માટે પાણી સૌ પ્રથમ કાચ તરીકે સાબિત થયું.

કાચનો ઈતિહાસ બહુ જૂનો છે. ખરેખર કૃત્રિમ કાચ સૌ પ્રથમ કોણે અને કેવી રીતે બનાવ્યો તે સ્પષ્ટ નથી. પણ કૌરવો પાંડવોનાં સમયમાં કાચ હતો. તક્ષશીલા વિદ્યાપીઠમાંથી કાચ મળી આવે છે. સિન્ધુ સંસ્કૃતિના સમયમાં પણ કાચ હતો. પૃથ્વી પરની ઘણી ખરી પ્રાચીન સંસ્કૃતિના સમયમાં ત્યાં કાચ અસ્તિત્વ ધરાવતો હતો. ઈન્દ્રપ્રસ્થમાં પાંડવોના રાજપ્રાસાદ (રાજમહેલ)માં જે મય દાનવે માયાથી જગ્યા ઉત્પન્ન કરી હતી, જેમાં પણ પ્રચૂર પ્રમાણમાં કાચ વપરાયો હોય તેમ સ્પષ્ટ બને છે.

જ્યારે વીજળી રણમાં ત્રાટકે છે ત્યારે ગ્લાસ બીડઝ પેદા થાય છે. જવાળામુખી ફાટે છે ત્યારે પણ તેની આસપાસ ગ્લાસબીડઝ પેદા થાય છે. ગ્લાસ હકીકતમાં રેતી અને સોડાનું ગરમીમાં થતું સંયોજન છે. કિવદંતી એવી છે કે ફિનીક્ષનું વહાણ દરિયાકાંઠે તોફાનમાં ઘસડાઈ ગયું હતું નેવીગેટરોને દરિયા કાંઠે ઊતરવું પડ્યું હતું. ખોરાક રાંધવા તેઓએ દરિયાકાંઠાની રેતીમાં સોડાના બ્લોક રાખી ચૂલા બનાવી રસોઈ પકવી હતી. રસોઈ થઈ ગઈ પછી બીજે દિવસે સવારે નેવીગેટરોએ જોયું તો જ્યાં રસોઈ કરવા ચૂલા માંડ્યા હતાં તેની રાખમાં હીરાની જેમ નાના બીડઝ ચમકતા હતાં. તે જ કાચ.

કાચના ચશ્મા નીચે પડી જાય તો તેના ટુકડે ટુકડા થઈ જાય છે. તે ઘન વસ્તુ છે. વિજ્ઞાનીઓએ કાચ વિષે જબ્બર જ્ઞાન સંપાદન કર્યું છે. કાચ વિષેનું આખું વિજ્ઞાન છે. કાચમાં થતાં પ્રકાશનાં પરાવર્તનની પ્રક્રિયાના નિયમો, વક્રીભવનની પ્રક્રિયાના નિયમો વગેરે. હવે આપણે જાણીએ છીએ કે પાણી પણ કાચ જ છે. તેને હાથમાં પકડી શકાય, તે હાથમાંથી સરકી જાય, પાણીનો વરસાદ પડે. આપણે પાણી પીએ, પણ પાણી કાચ જ છે કારણ કે તેમાં પ્રકાશનું પરાવર્તન થાય છે, વક્રીભવન થાય છે, તે મેઘધનુષ ઉત્પન્ન કરે છે. આ અર્થમાં પાણી કાચ છે, કાચ કરતાં પાણી વિશેષ છે. માટે પાણીને તમે કાચ કહી શકો.

પૃથ્વી ફરતેનું વાયુમંડળ પણ કાચ જ છે. કારણ કે તેમાં પ્રકાશનું પરાવર્તન થાય છે, વક્રીભવન થાય છે અને તેમાં મેઘધનુષ પણ ઉત્પન્ન થાય છે, માટે આપણી ફરતે વાયુમંડળ એટલે કાચ જ છે. અંતરીક્ષ પોતે પણ કાચ જ છે. કારણ કે તેમાં પણ પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન થાય છે. દૂરથી આવતું કવેઝારનું કિરણ વચ્ચે આવેલી ગેલેક્ષીના ગુરુત્વાકર્ષણને લીધે તે વાંકું વળે છે અને તેના કેટલાય પ્રતિબિંબો ઉત્પન્ન થાય છે. માટે અંતરીક્ષ પણ કાચ જ છે.

માનવીનો ચહેરો પણ કાચ જ છે. તેમાં પણ સામા માનવીનું રીફ્લેકશન થાય જ છે. માટે કવાર્ટઝ, ડાયમન્ડ વગેરે કાચ જેવું જ અંતરીક્ષ કે વાયુમંડળ કાર્ય કરે છે.

કાચમાં કવાર્ટઝમાં કે ડાયમંડમાં પ્રકાશનું ટોટલ ઈન્ટરનલ રીફલેકશન થાય છે, તેમ પાણીમાં, વાયુમંડળમાં અને અંતરીક્ષમાં પણ પ્રકાશનું ટોટલ ઈન્ટરનલ રીફલેકશન થાય છે, તેમ પાણીમાં, વાયુમંડળમાં અને અંતરીક્ષમાં પાણી પ્રકાશનું ટોટલ ઈન્ટરનલ રીફલેક્શન છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો રીફ્રેકટીવ ઈન્ડેક્ષ (વક્રીભવનાંક) એક છે, વાયુમંડળમાં કે પાણીમાં તે એકથી વધારે છે. હજુ સુધી વિજ્ઞાનીઓએ એવું માધ્યમ શોધ્યું નથી કે જેનો વક્રીભવનાંક એક કરતાં ઓછો હોય. જો આવું માધ્યમ શોધી કાઢવામાં આવે તો પ્રકાશની ગતિ બમણી કે ત્રણગણી કે તેનાથી વધારે કરી શકાય. શૂન્યાવકાશમાં ડાયઈલેક્ટ્રિક કોન્સ્ટન્ટ (પરમીઆબીલીટી) એક છે, પણ કોઈ બીજા માધ્યમમાં તે એકથી વધારે છે. વિજ્ઞાનીઓએ હજુ સુધી એવું માધ્યમ શોધી કાઢ્યું નથી જેનો ડાઈઈલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એકથી ઓછો હોય. જ્યારે આવું બની શકશે ત્યારે આપણું બ્રહ્માંડ અલગ જ હશે. હકીકતમાં આપણે બ્રહ્માંડરૂપી કાચના ગોળામાં વસીએ છીએ.

કાચ બહુ અદ્ભુત વસ્તુ છે, તે દિવ્યદૃષ્ટિ છે. કાચને માઈક્રોસ્કોપની નીચે રાખીએ એટલે કે માઈક્રોસ્કોપ તો તે અગાધ સૂક્ષ્મ દુનિયાના આપણને દર્શન કરાવે છે. પણ જો કાચને આપણે દૂરબીન ઉપર મૂકીએ (એટલે કે દૂરબીન) તો તે આપણને અગાધ બહારની વિશાળ દુનિયાના દર્શન કરાવે છે. કાચ છે એક જ પણ તે બ્રહ્માંડના બંને સ્વરૂપોને આપણી સમક્ષ હાજર કરે છે. જો કાચ ન શોધાયો હોત તો આપણને અગાધ બ્રહ્માંડની ખબર જ ન પડત. ગેલિલિયોએ કાચનો એટલે કે દૂરબીનનો ઉપયોગ વિશાળ બ્રહ્માંડ જોવા માટે કર્યો. રોબર્ટ હૂક જેવા વિજ્ઞાનીઓએ કાચનો એટલે કે સૂક્ષ્મદર્શકયંત્રનો ઉપયોગ વિશાળ સૂક્ષ્મ દુનિયા જોવા માટે કર્યો. જો કાચ ન હોત તો ૪૦ વર્ષ પછી લોકોને વાંચવાનું રહેત જ નહીં. આંખ પોતે જ કાચ છે. થોડે ઘણે અંશે બ્રહ્માંડની બધી જ વસ્તુ કાચ છે. બ્રહ્માંડની બધી જ વસ્તુ થોડે ઘણે અંશે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન કરે છે. કાચની માયા, દુનિયાની માયાનું જ સ્વરૂપ છે. કાચ જ આપણને મૃગજળ દેખાડે છે. પૃથ્વીનું વાતાવરણ જ આપણને મૃગજળ દેખાડે છે. તે સરોવરમાં સરોવર જ તળિયાને ઉપર આવેલું દેખાડે છે, તે આપણા કેટલાય, વાંકાચૂંકા પ્રતિબિંબો દેખાડે છે. તે માયા જ છે ને? અમુક પરિસ્થિતિમાં આપણા પ્રતિબિંબો કે ભદ્દા હોય છે તે કાચ દેખાડે છે. અરીસો આપણને આપણે જેવા છીએ તેવા જ દેખાડે છે. યુવાનીમાં અરીસો આપણને આનંદ પમાડે છે, વૃદ્ધાવસ્થામાં તે આપણને ખેક પમાડે છે પાણી કાંઈ પણ ચોર્યા વગર તે સત્યને આપણી સામે મૂકે છે. કાચનું આ બીજું પાસું છે. રેતી અને સોડાનો બનેલો કાચ આપણને આજાયબ માયાના દર્શન કરાવે છે. કર્મોનું ફળ એ કર્મોરૂપી કાચમાં થતું પરાવર્તન (ફળ) છે. કાચ અત્ર, તત્ર, સર્વત્ર છે. મોતી હકીકતમાં કાચ જ છે. મન પણ કાચ છે. ત્રણ ભાંગ્યા સંધાય નહીં મન મોતી અને કાચ આમ તે ત્રણે એકનાં એક જ છે વેદોનો અને શંકરાચાર્યનો અદ્વૈતવાદ છે. બ્રહ્માંડમાં છેવટે અદ્વૈતવાદ જ પ્રવર્તે છે, તે પછી બળોનો હોપ કે પદાર્થ અને ઊર્જાનો હોય. છેવટે ચેતના જ કાચ છે જે બધાનું રીફલેકશન કરે છે, એ જ બ્રહ્માંડ છે. છેવટે સૂક્ષ્મ જ ભૌતિક તરીકે પેદા થાય છે. ભૌતિક એ સૂક્ષ્મનું અનાવરણ છે દેહ છે, મિત્રીકરણ છે. આપણા માટુંગામાં રહેતા ગણપતભાઈ રા. જાની વારંવાર મને આ બાબતની યાદ દેવરાવે છે.

આ બ્રહ્માંડ ચેતનારૂપી કાચથી ભરેલું છે. માટે બ્રહ્માંડ કાચનો ગોળો છે, તેમાં બધાનું જ રીફલેક્શન તમે જોઈ શકો છો. હોલોગ્રાફી આનું જ સ્વરૂપ છે. કાચનું આ વૈશ્ર્વિકકરણ છે. કાચની આરપાર જોઈ શકાય છે. માટે જ ટ્રાન્સપરન્સી કે ટ્રાન્સપરન્ટ શબ્દો અસ્તિત્વમાં આવ્યા છે જે સત્યને દર્શાવે છે, બ્રહ્મના રૂપને દર્શાવે છે.

No comments:

Post a Comment