Friday, August 15, 2014

બ્રહ્માંડ વિરાટનો હિંડોળો જ છે --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=135587

આ બ્રહ્માંડરૂપી હિંડોળો ફળો, ફૂલો, પ્રાણીઓ, પંખીઓથી શણગારાયેલો છે. તે લયબદ્ધ ચાલે છે. હિંડોળામાં લય હોય છે, એ જ લયથી આ બ્રહ્માંડ ચાલે છે. હિંડોળેથી જે ઊતરી જાય તે કાયમી ઊતરી જાય છે.

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

હાલમાં શ્રાવણ માસ ચાલે છે. શ્રીકૃષ્ણના મંદિરમાં હિંડોળાનો ઉત્સવ ઊજવવામાં આવે છે. આ ઉત્સવ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે, તે સૂચવવા ઊજવવામાં આવે છે. વિરાટ એટલે ઈશ્ર્વર, વિશ્ર્વરૂપ દર્શન દેખાડનાર ઈશ્ર્વર. આ સકળ બ્રહ્માંડ ઈશ્ર્વરનું સ્વરૂપ છે અને આ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે, આપણે બધા વિરાટના હિંડોળે હીંચકા ખાઈએ છીએ, જો આ હીંચકો ચાલે નહીં તો બધું અસ્તિત્વ નષ્ટ પામે. આપણા ઋષિ-મુનિઓનું બ્રહ્માંડ વિષેનું તત્ત્વજ્ઞાન બહુ ઉચ્ચતમ હતું. તેઓ જોઈ શકતા હતા કે આ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો જ છે અને તેના સિવાય બીજું કશું જ નથી. માટે જ તેઓએ મંદિરમાં હિંડોળાની પ્રથા શરૂ કરી અને સામાન્ય લોકોને બ્રહ્માંડની સમજ આપવા પ્રયત્ન કરેલો, પણ ઘણા લોકોને આ વિરાટના હિંડોળાના તત્ત્વજ્ઞાનની સમજ નથી. 

આ બ્રહ્માંડરૂપી હિંડોળો ફળો, ફૂલો, પ્રાણીઓ, પંખીઓથી શણગારાયેલો છે. તે લયબદ્ધ ચાલે છે. હિંડોળામાં લય હોય છે, એ જ લયથી આ બ્રહ્માંડ ચાલે છે. હિંડોળેથી જે ઊતરી જાય તે કાયમી ઊતરી જાય છે. બ્રહ્માંડનો લય જ બ્રહ્માંડનું ચાલકબળ છે. જો હિંડોળામાં અરાજકતા ઉત્પન્ન થાય તો તેનો લય ખતમ થઈ જાય છે અને બધું છિન્ન-ભિન્ન થઈ જાય છે. 

હિંડોળો ચાલે તેમાં તે ઊંચે હોય છે, પછી તે નીચે ઊતરે છે. ઊંચે છે તેને નીચે આવવું જ પડે છે અને જે નીચે છે તે ઉપર જાય જ છે. જીવનમાં ચડતી-પડતી થયા જ કરે છે, સર્જન અને વિસર્જન થયા જ કરે છે. આ ચડતી-પડતીની ક્રિયા પણ લયબદ્ધ જ હોય છે. રાત થાય છે પછી દિવસ થવાનો જ છે, સૂર્યાસ્ત થાય છે પછી સૂર્યોદય થવાનો જ છે. આ કુદરતનો લય છે. 

પૈડું બ્રહ્માંડના આ હિંડોળાનું જ રૂપ છે. તેનું બિન્દુ ઉપર જાય છે પછી તેને નીચે આવવું જ પડે છે.આ જ ચક્ર આકાશમાં ચંદ્ર અને સૂર્યના વિહારને લાગુ પડે છે. તેમાંથી જ સુદ આઠમ, પૂનમ, વળી પાછી વદ આઠમ અને અમાસ, વર્ષ બધાનો જન્મ થયો છે. આ બધાં વિરાટના હિંડોળાના દ્યોતક છે. બ્રહ્માંડમાં ક્યાં ચક્રગતિ નથી? ચક્રગતિ એ ઊર્જાના એક્સચેન્જને દર્શાવે છે. બ્રહ્માંડમાં જે ઊર્જાને આદાન-પ્રદાન (એક્સચેઈન્જ) ચાલે છે તે વિરાટના હિંડોળાનું પ્રતીક છે. ચક્ર જ પૂરા બ્રહ્માંડને ચલાવે છે અને તે જ વિરાટનો હિંડોળો.

બાળકોને ઝૂલે ઝૂલવા દેવા જોઈએ. તો જ તેમને બ્રહ્માંડના ડાયનામિક્સની ખબર પડે. ફજેત ફાટકુ (Marry-go-round) લ્યો કે ચગડોળ (Giant wheel) લ્યો તે વિારટના હિંડોળાનો જ અહેસાસ કરાવે છે.

એટમમાંround નાભિ-પ્રોટોનની ફરતે જે ઈલેક્ટ્રોન પરિક્રમા કરે છે તે હિંડોળે જ હીંચે છે. ઘડિયાળનું લોલક વિરાટ હિંડોળાનું જ પ્રતીક છે જે સમયને દર્શાવે છે. સમય હિંડોળાના રૂપે જ મપાય છે. ગ્રહો જે સૂર્યની પરિક્રમા કરે છે કે ઉપગ્રહો પોતપોતાની ગ્રહની પરિક્રમા કરે છે તે વિરાટના હિંડોળાના જ દર્શન કરાવે છે. બ્રહ્માંડમાં જન્મ-મરણનું ચક્ર વિરાટના હિંડોળાનો જ અહેસાસ કરાવે છે.

બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે તેની વધારે સાબિતી જોઈતી હોય તો પ્રકાશ છે. પ્રકાશ હકીકતમાં તરંગો છે. તરંગો એટલે ચક્રગતિ, તરંગો એટલે ઝૂલો. એ પછી પ્રકાશના તરંગો હોય કે અવાજનાં. આ પૂરું બ્રહ્માંડ વિદ્યુત-ચુંબકીય તરંગોથી ભરેલું છે. બ્રહ્માંડમાં ચક્રો ચાલ્યા જ કરે છે, હિંડોળા ચાલ્યા જ કરે છે. તે બધાં સુપ્રીમ હિંડોળાનું જ પરાવર્તન કરે છે. બધે જ નૃત્ય ચાલ્યા કરે છે. આ નૃત્ય હિંડોળો જ છે. તેનો લય વિરાટના હિંડોળાનો જ લય છે. બાળકનું ઘોડિયું વિરાટના હિંડોળાને જ પ્રદર્શિત કરે છે. હિંડોળો આનંદનું સ્વરૂપ છે. હિંડોળે ચઢો એટલે તમે જ્ઞાન-લય-તત્ત્વજ્ઞાનના ઝૂલે ઝૂલવા લાગો છો, તમે વિચારોની એક નવી દુનિયામાં જ ચાલ્યા જાવ છો. ઘણા લોકોને ઝૂલે ઝૂલવું ખૂબ જ ગમે છે, કારણ કે તે દિવ્યતાનો દ્યોતક છે. લગભગ બધાના જ ઘરે ઝૂલો હોય છે. બગીચામાં ઝૂલા હોય છે. લોકો ઝૂલાનું તત્ત્વજ્ઞાન જાણતા હોય કે નહીં પણ ઝૂલે ઝૂલવાનો આનંદ તો માણે જ છે. ઝૂલે ઝૂલીએ તો વિરાટના હિંડોળો ઝૂલતા હોઈએ એવો આનંદ આવે છે. પૂજ્ય મોરારીબાપુને ઝૂલે ઝૂલવાનો બહુ જ શોખ છે. તેઓ જ્યારે કથા કરતા હોય ત્યારે તો તે વિરાટના હિંડોળે જ ઝૂલતા હોય છે. માટે જ મોરારીબાપુ, મોરારીબાપુ છે. 

લય એ જ ઝૂલો. રાતે તારાની ટમટમાહટનો લય, પૂરા બ્રહ્માંડમાં ચાલતા સંગીતનો લય, તરંગો એટલે જ સંગીત, સંગીત એટલે લય. નરસિંહ મહેતાએ સુન્દર ગાયું છે. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. લટકા એટલે લય. નટરાજનું નૃત્ય પણ વિરાટનો હિંડોળો જ છે. જ્ઞાન અને વિજ્ઞાન વિરાટના હિંડોળાના લય પર જ ચાલે છે. સત્ય, વિરાટના હિંડોળાનો લય છે. બ્રહ્માંડમાં જેટલી ક્રિયાઓ ચાલે છે તે બ્રહ્માંડના હિંડોળાનાં લયને જ પ્રદર્શિત કરે છે. મહાસાગરનાં ઊછળતાં મોજાં બ્રહ્માંડના વિરાટ હિંડોળામાંથી નીકળતી ગર્જના છે. વસ્તુમાં દેખાતી સુડોળતા (symmetry) એ લયનો જ પ્રકાર છે. વિરાટના હિંડોળાનો મૂક લય એટલે સુડોળતા. ગીત-સંગીત એ જ લયનું પરાવર્તન કરે છે. બે માનવી વચ્ચેનો સંબંધ એ જ લયનું પ્રતીક છે. પ્રેમ એ લયનું અમૂર્ત સ્વરૂપ છે. પ્રેમ હોય તો જ લય જન્મે છે. લય જ વિરાટનો હિંડોળો છે. 

વિરાટના હિંડોળાની દોરી કઈ? તો કહે ઊર્જા. ઊર્જા વિરાટના હિંડોળાની દોરી છે, દોરી વડે ઊર્જા અપાય તો જ ઝૂલો ચાલે, હિંડોળો ચાલે. છેવટે ઊર્જા જ બ્રહ્માંડ રૂપી વિરાટ હિંડોળાને લયબદ્ધ ઝૂલાવે છે. રાસ, ગરબા અને શ્રીકૃષ્ણે રચેલો રાસ તે જ બ્રહ્માંડનો વિરાટ હિંડોળો. 

બ્રહ્માંડના વિરાટ હિંડોળાનું તત્ત્વજ્ઞાન બહુ ઊંડું છે. તેનું સ્થૂળ સ્વરૂપ પણ છે, તેનું સૂક્ષ્મ સ્વરૂપ છે અને તેનું અમૂર્ત સ્વરૂપ પણ છે. પવનની લહેરખી વિરાટના હિંડોળાનું આનંદ સ્વરૂપ છે જ્યારે ચક્રવાત તેનું ક્રોધાયમાન સ્વરૂપ છે. વૃક્ષો પવનના વાહકો છે માટે વિરાટના હિંડોળાનું તાદાત્મ્યરૂપ છે. રોમે-રોમમાં આનંદ તે વિરાટના હિંડોળાનું લય સ્વરૂપ છે. 

મંત્રો, કવિતા લયબદ્ધ હોય છે. માટે વિરાટના હિંડોળાને તે પ્રદર્શિત કરે છે. ધરતીકંપના તરંગો હોય છે. તરંગો એટલે હિંડોળો. ધરતીકંપ પૂરી પૃથ્વીને હિંડોળે ઝુલાવે છે. ધરતીકંપ તો માત્ર કુદરતી ક્રિયા છે પણ આપણે બનાવેલાં તકલાદી મકાનો પડી જાય છે અને પૃથ્વી પર મોતનું તાંડવ દેખાય છે. ધરતીકંપ બ્રહ્માંડના વિરાટ હિંડોળાનું જ સ્વરૂપ છે. સૂર્ય પોતે ધબકારા મારે છે. તે રણક્યા કરે છે. તે બ્રહ્માંડના હિંડોળાનું જ સ્વરૂપ છે. જીવંત વસ્તુના શરીરમાં ચાલતા ધબકારા વિરાટના હિંડોળાના અસ્તિત્વને દર્શાવે છે. હૃદયરૂપી લયબદ્ધ ચાલતો હિંડોળો બંધ થઈ જાય તો તે બ્રહ્માંડના વિરાટ હિંડોળામાં ભળી જાય છે. ઊર્જા પોતે તરંગો છે માટે વિરાટનો હિંડોળો જ છે. 

બ્રહ્માંડરૂપી વિરાટ હિંડોળાના તત્ત્વજ્ઞાનને હવે વિજ્ઞાન સમજાવી શકે છે. જ્યાં સુધી જ્ઞાન અમૂર્ત રહે ત્યાં સુધી તત્ત્વજ્ઞાન મૂર્ત થાય પછી તે વિજ્ઞાન બની જાય છે. માનવીનો કે વસ્તુનો પડછાયો શીખે બ્રહ્માંડરૂપી વિરાટ હિંડોળાનું જ સ્વરૂપ છે, કેમ કે તે નિયમાનુસાર નાનો મોટો થાય છે. ઋતુઓ જે બદલાય છે અને તહેવારો આવે છે તે પણ ઝૂલાની જેમ જ આંદોલન કરે છે. લોકો કે બધા જ પ્રકારનું જીવન આ બ્રહ્માંડરૂપી વિરાટ હિંડોળા પર સવાર થઈ જાય છે. થોડુંક દરરોજ ચઢે છે તો બીજું ઊતરે છે. પણ સમયની સાથે સતત આ વિરાટનો હિંડોળો ચાલ્યા જ કરે છે. વિરાટના હિંડોળાની ગતિવિધિનું નામ જ સમય છે. આપણું શરીર પોતે જ બ્રહ્માંડના વિરાટ હિંડોળાને પ્રદર્શિત કરે છે, કારણ કે તે શ્ર્વાસોચ્છ્વાસ કરે છે અને તે રિધમમાં છે. હાઈ કે લો બ્લડપ્રેશર આ હિંડોળાના લયને ક્ષતિ પમાડે છે.

Thursday, August 14, 2014

અજબ મંદાકિનીની ગજબ રચના --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=117203


વિસ્તાર ૩ લાખ પ્રકાશવર્ષ છે અને તેમાં ૫૦૦ અબજ તારા છે


બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

સત્તરમી સદીના પ્રારંભે ગેલિલિયોએ પોતાનું નાનું દૂરબીન બનાવી રાતે આકાશ તરફ માંડ્યું. ગેલિલિયોએ પોતાનું દૂરબીન આકાશમાં તાક્યું તે પહેલા જર્મન ઓપ્ટિશિયનો તેનો ઉપયોગ દિવસે દૂર દૂરની વસ્તુ જોવા કરતાં અથવા દૂર દૂરના ઘરમાં કે પડોશીના ઘરમાં શું ચાલી રહ્યું છે, તે ઘર કેવું છે તે જોવા કરતાં અને સાંજ પડે એટલે તેને પેટીમાં પેક કરી મૂકી દેતાં. ગેલિલિયો વિજ્ઞાની હતો. તેને તદ્દન ઉંધું જ કર્યું. રાતે પેટી ખોલી દૂરબીન કાઢ્યું અને રાત્રિ આકાશ તરફ તાક્યું.

ગેલિલિયોએ તેનું દૂરબીન આકાશગંગાના દિવ્ય શુભ્ર પટ્ટા પર તાક્યું. તે પટ્ટાને દૂધગંગા અથવા દૂધિયો પટ્ટો કહેવામાં આવતો. આપણા દેશમાં તેને આકાશમાં વહેતી ગંગા કહેતા. ગેલિલિયોએ તેના નાના દૂરબીનથી દુધિયા પટ્ટાનો અભ્યાસ કરીને દર્શાવ્યું કે તે કોઈ દુધિયો પટ્ટો નથી પણ તારાથી ખીચોખીચ ભરેલાં ક્ષેત્રો છે. તેને પછી ઝવય ખશહસુ ૂફુ ૠફહફડ્ઢુ નામ આપવામાં આવ્યું. આપણે તેને આકાશગંગા મંદાકિની કહીએ છીએ.

અઢારમી સદીના અંતમાં સર વિલિયમ હર્ષલે આકાશગંગા મંદાકિનીનું મેપીંગ કરવાનું શરૂ કર્યું એટલે કે તારા ગણવાનું અને આકાશગંગાનો આકાર કેવો છે તે જાણવા પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. પ્રાચીન સમયમાં એમ મનાતું કે પૃથ્વી વિશ્ર્વના કેન્દ્રમાં છે, પછી મનાતું કે સૂર્ય વિશ્ર્વના કેન્દ્રમાં છે, પછી મનાતું કે સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં છે, પછી મનાતું કે આકાશગંગા જ વિશ્ર્વ છે. પછી ખબર પડી કે આપણો સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં નથી પણ તેના કેન્દ્રથી ૩૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે.

જેમ જેમ ખગોળવિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ ખબર પડી કે આપણી આકાશગંગાનો દેખાતો વિસ્તાર એક લાખ પ્રકાશવર્ષ છે અને તેમાં ૧૦૦ અબજ તારા છે. હાલમાં માલૂમ પડ્યું છે કે આકાશગંગાનો વિસ્તાર ૩ લાખ પ્રકાશવર્ષ છે અને તેમાં ૫૦૦ અબજ તારા છે. આકાશમાં દેખાતા નક્ષત્રો, રાશિઓ, તારકસમૂહ બધાં જ આકાશગંગાના છે. લાલ, પીળા, સફેદ, વાદળી રંગના તારા દેખાય છે તે રંગો તારાની સપાટી પરનાં ઉષ્ણતામાનના દ્યોતક છે અને તેની વય પ્રદર્શિત કરે છે. લાલ તારા વૃદ્ધ તારા છે, પીળા તારા મધ્યમ વયના તારા છે અને સફેદ અને બ્લૂ (વાદળી) રંગના તારા યુવાન તારા છે.

આપણી આકાશગંગા મંદાકિનીનો આકાર પંજાબી પૂરી જેવો છે, તેનું કેન્દ્ર ઝળહળાટ પ્રકાશે છે એટલું તો તે પ્રકાશિત છે કે કોઈ સીમા નહીં. ખગોળવિદો કહે છે કે આકાશગંગાના કેન્દ્રમાં અબજો સૂર્યના પદાર્થવાળું બ્લેકહોલ છે અને તે જ મંદાકિનીને ગુરુત્વાકર્ષણ શક્તિ આપે છે.

આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં શું છે તે જોઈ શકાતું નથી. આકાશગંગાના કેન્દ્રથી દશ પ્રકાશવર્ષ સુધીમાં ડોકિયું કરી શકાતું નથી. સૂર્યની આકાશગંગાના કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરવાની કક્ષાની અંતર્ગત આકાશગંગાનો પ્રદેશ તારાથી ખીચોખીચ ભરેલો છે. ત્યાં સૌથી પ્રથમ જન્મેલાં તારા છે. એ બધા તારા સૂર્યના મોટાભાઈઓ છે. મંદાકિનીને સર્પિલભૂજાઓ છે. એક સર્પિલ ભૂજામાં સૂર્ય છે. 

સૂર્યને મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરતાં ૨૫ કરોડ વર્ષ લાગે છે. આપણી પાસે ૧૦,૦૦૦ વર્ષનો ઈતિહાસ નથી. આકાશગંગા જન્મી ત્યારથી માંડીને હાલ સુધીમાં સૂર્યે આકાશગંગાની માત્ર ૧૮ પરિક્રમા કરી છે. આકાશગંગામાં સો-સો, બસો-બસો પ્રકાશવર્ષ સુધી પથરાયેલાં વિરાટ અતિવિરાટ મોલેક્યુલર અને આયોનાઈઝડ વાયુ અને રજકણોનાં વાદળો છે. જ્યારે સૂર્ય મંદાકિનીના કેન્દ્રની પરિક્રમા કરતાં કરતાં આવા વાયુના વાદળોમાંથી પસાર થાય છે ત્યારે પૃથ્વી પર હિમયુગ આવે છે. પૃથ્વી પર રોગો પણ ફેલાય છે અને પૃથ્વીના વાયુમંડળમાં પણ ફેરફાર થાય છે. કદાચ જીવનના બીજ આ વાયુનાં વાદળોનાં પદાર્થમાંથી પૃથ્વી પર આવ્યા હોય. મંદાકિનીમાં જ્યાં પણ દૂરબીન માંડો ત્યાં જીવનરસની હાજરી નજરે ચઢે છે.

કોઈ પણ મંદાકિની લો. તેની રચના મધપૂડા જેવી છે, તેમાં ખાના ખાના (કમ્પાર્ટમેન્ટ્સ) છે. દરેક નાના-મોટા ખાનામાં એક એક તારો અને તેના ગ્રહમંડળો વસે છે. તારા માટેના આ ખાનાનો વિસ્તાર તારો મંદાકિનીના કેન્દ્રથી કેટલો દૂર છે અને તે પોતે કેટલો ભારે છે તેના પર છે, જેમ શહેરમાં બિલ્ડિંગો હોય, ફલેટો હોય અને તેમાં સામાન્ય શહેરીજનોનાં ફેમિલી વસતા હોય તેવું ચિત્ર છે. આપણી સૂર્યમાળામાં પણ દરેકે દરેક ગ્રહોને રહેવાના ફલેટો છે જ્યાં તેઓ તેમની ઉપગ્રહમાળા સાથે રહે છે.

આકાશગંગા મંદાકિની તેની નજીકની અને પોતાની સેટેલાઈટ ગેલેક્ષી (ઉપ-મંદાકિની) લાર્જ મેગેલેનીક કલાઉડને પોતાના પ્રચંડ ગુરુત્વાકર્ષણથી છિન્ન-વિછિન્ન કરતી જાય છે. તેના લીરા કાઢે છે. તેને પોતાની તરફ ખેંચે છે. તેમાંથી પદાર્થ ખેંચે છે. તેને લાંબી-રીબીન બનાવી નાખે છે. મિલ્કી છે અને મોટા મેગેલેન વાદળ વચ્ચે જાણે બ્રીજ બન્યો હોય, રામસેતુ બ્રીજ બન્યો હોય તેમ દેખાય છે. તે મેગેલેનના વાદળમાં રહેલા તારાને ફટાકડાની જેમ ફૂટવા મજબૂર કરે છે.

તાજેતરમાં ગઈઆ-ઈસો (ૠફશફ-ઊતજ્ઞ) પ્રકલ્પની અંતર્ગત મિલી સ્થિત ૮-મીટરના વિશાળ દૂરબીનની મદદથી આંતરરાષ્ટ્રીય ખગોળવિદોની એક ટીમે આકાશગંગાનો અભ્યાસ હાથ ધર્યો હતો. તેઓએ શોધી કાઢ્યું છે કે મંદાકિની ફરતે અલગ અલગ ઝોન છે અને મંદાકિનીના કેન્દ્રની નજીક તારા સૌ પ્રથમ જન્મ્યા હતા અને જેમ જેમ બહારની બાજુએ જતા જઈએ તેમ તેમ તારા પાછળથી જન્મ્યા હતાં. મિલ્કી વે વિષેના આ સંશોધનમાં પ્રોફેસર ગેરી ગિલ્મોર જે પ્રોજેક્ટના મુખ્ય ખગોળવિદ છે. મારીઆ બર્ગમન જે કેમ્બ્રિજની ઈન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોનોમી સાથે જોડાયેલ છે, આલ્ડો સેરેનેટની જે બાર્સેલોનાની ઈન્સ્ટ્ટિયૂટ ઓફ સ્પેશ સાયન્સ સાથે જોડાયેલા છે વગેરે ખગોળવિદો જોડાયેલાં છે.

આ ખગોળવિદોએ શોધી કાઢ્યું છે કે ૮ અબજ વર્ષની નીચેના વયના તારા તેમની વય ગમે તેટલી ઓછી વધતી હોય બધામાં ધાતુઓનું પ્રમાણ લગભગ સરખું જ હોય છે. આનાથી વધારે વયના તારામાં ધાતુઓ નહીવત્ પ્રમાણમાં જ હોય છે. પણ આ બંને પ્રકારના તારા પૂરી મંદાકિનીમાં પથરાયેલાં છે. અહીં આપણને વય અને તારાની ઘનતાનો સંબંધ દેખાય છે. હવે વિજ્ઞાનીઓ આકાશગંગા મંદાકિનીને વધારે સમજતા થયાં છે. આકાશગંગાના કેન્દ્રની નજીક ભારે ધાતુઓ ભરેલાં તારા છે. દૂર ઓછી ધાતુ ભરેલા તારા છે. મંદાકિનીના કેન્દ્ર નજીક વહેલા જન્મેલા તારા છે. જ્યારે દૂર નવા જન્મેલા તારા છે. આમ આપણી મંદાકિનીનો પદ્ધતિસરનો અભ્યાસ શરૂ થયો છે તે મંદાકિનીના નહીં સમજાયેલા રહસ્યોને છતાં કરશે.

વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો હાનિકારક છે --- સ્પોટ લાઈટ - સંજય વોરા

  જે સ્મારકને ‘વર્લ્ડ હેરિટેજ’ની યાદીમાં મૂકવામાં આવે છે તેની માલિકી સ્થાનિક પ્રજાના હાથમાંથી ઝૂંટવાઇ જાય છે

સ્પોટ લાઈટ - સંજય વોરા

સંયુક્ત રાષ્ટ્રસંઘની યુનેસ્કો નામની પેટા સંસ્થાએ મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસને અને ગુજરાતના ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી એટલે પ્રાચીન સંસ્કૃતિના ચાહકો આનંદમાં આવી ગયા હતા. યુનેસ્કો તરફથી આ પ્રકારનું બિરુદ બહુ ઓછાં જ પ્રાચીન સ્મારકોને મળે છે, એટલે આ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું ગૌરવ માનવામાં આવે છે. કોઈ પણ સ્મારકને યુનેસ્કો તરફથી આ રીતે માન્યતા પ્રાપ્ત થાય એટલે હરખપદૂડા થઈ જવાની જરાય જરૂર નથી. આ પ્રકારનો દરજ્જો મળ્યા પછી હકીકતમાં આ સ્મારકને ફાયદો થવાને બદલે નુકસાન જ વધુ થાય છે. આપણી પ્રજાની એવી માનસિકતા છે કે વિદેશીઓ જેને માન્યતા આપે તે જ મહાન કહેવાય. નોબેલ પારિતોષિક તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કવીવર રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું તે અગાઉ પણ તેઓ ઉત્તમ કાવ્યો લખતા જ હતા. નોબેલ પારિતોષિક મળવાથી ભારતીયોમાં પણ તેમનું માન વધી ગયું. આવું શા માટે? વિદેશીઓ જે ચીજને બિરદાવે તેને આપણે પણ બિરદાવવા લાગવું તે એક પ્રકારની માનસિક ગુલામી જ છે. અને નોબેલ પારિતોષિક હંમેશાં ગુણવત્તાના ધોરણે જ અપાય છે, એવું પણ નથી. ભારતના લોકો જેને રાષ્ટ્રપિતા ગણે છે તે ગાંધીજીને આ પારિતોષિક ન મળ્યું અને ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવેલાં મધર ટેરેસાને આ ઈનામ મળી ગયું એટલે તેમને ગાંધીજી કરતાં પણ મહાન માની લેવાનાં?

વિદેશીઓ તરફથી આપણી સંસ્કૃતિની કે પરંપરાની કોઈ પણ ચીજને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવે ત્યારે આપણે હરખાઈ જવાને બદલે સાવચેત થઈ જવું જોઈએ. આ વાત યુનેસ્કો દ્વારા આપવામાં આવતા વર્લ્ડ હેરિટેજ સાઈટના ખિતાબને પણ લાગુ પડે છે. ભારતનાં ૨૬ સ્મારકોને અને વિશ્ર્વનાં કુલ ૭૮૮ સ્મારકોને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીં સર્વપ્રથમ વાંધો અમને વર્લ્ડ હેરિટેજ શબ્દ સામે છે. આગ્રાનો તાજમહાલ કે અજંટાની ગુફાઓ તે ભારત નામના રાષ્ટ્રની પ્રજાની મૂડી છે. આ મૂડીને વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત કરવાથી તે વિશ્ર્વની અને વિશ્ર્વ વતી યુનોની કે યુનેસ્કોની મૂડી બની જાય છે. એટલે જે સ્મારક વર્લ્ડ હેરિટેજ બને તે દેશની પ્રજાનો અધિકાર તેના ઉપરથી ઝૂંટવાઈ જાય છે. આ વાત બરાબર સમજવી પડશે.

આપણા દેશમાં પ્રાચીન સ્મારકોની જાળવણી માટે પુરાતત્ત્વનો કાયદો છે અને આ કાયદાના અમલ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા નામની સંસ્થા પણ કાર્યરત છે. ભારત સરકારના પુરાતત્વ ખાતાને યોગ્ય લાગે તે સ્મારકને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવે છે અને પુરાતત્ત્વ ખાતું આ સ્મારકનો કબજો ગ્રહણ કરી લે છે. એટલે કે જે સ્મારકને રક્ષિત સ્મારકનો દરજ્જો આપવામાં આવે તે સ્મારકની માલિકી જે તે ટ્રસ્ટની કે સમાજની રહે છે, પણ આ સ્મારક ઉપર તેમનો અધિકાર ચાલ્યો જાય છે. સરકારી અધિકારીઓની રજા વિના આ ઈમારતોમાં કોઈ પણ પ્રકારનું સમારકામ કે ફેરફારો કરાવી શકાતા નથી. કેન્દ્ર સરકાર હસ્તકની સંસ્થા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા પાસે આવાં હજારો સ્મારકોની જાળવણી માટે કોઈ જ ભંડોળ નથી. એટલે તેઓ સમારકામ કરાવતા નથી અને લોકોને કરાવવા પણ દેતા નથી. એટલે સુધી કે પુરાતત્ત્વ ખાતાએ રક્ષિત જાહેર કરેલાં અનેક પ્રાચીન સ્મારકો ખંડેર થઈને નાશ પામે ત્યાં સુધી તેની કાળજી લેવામાં આવતી નથી.

પુરાતત્ત્વના કાયદા હેઠળ દેશમાંથી ૧૦૦ વર્ષ કરતાં જૂની કોઈ પણ મૂર્તિ કે સ્થાપત્ય મળી આવે તો તેની માલિકી સરકારની બની જાય છે. તાજેતરમાં ખંભાતમાં એક સ્થળે ખોદકામ કરતાં હજાર વર્ષ કરતાં વધુ જૂની ૬૨ જૈન મૂર્તિઓ મળી આવી તેનો કબજો પણ સરકારે લઈ લીધો છે અને જે જૈન સંઘ આ મૂર્તિઓનો માલિક છે, તેને જ તેનો કબજો સોંપવાનો ઈનકાર થઈ રહ્યો છે. આ તો હળાહળ અન્યાય છે. જે સંઘે આ મૂર્તિઓનું નિર્માણ કર્યું છે, તેનું જતન કર્યું છે, જેની આસ્થા આ પવિત્ર મૂર્તિઓ સાથે જોડાયેલી છે એને જ આ મૂર્તિઓનો કબજો સોંપવાનો ઈનકાર કરવામાં અન્યાય છે. માત્ર ૫૦ વર્ષ અગાઉ કરવામાં આવેલા એક કાયદાનો હવાલો આપી હજાર કે બે હજાર વર્ષ અગાઉ નિર્માણ કરવામાં આવેલી કોઈ મૂલ્યવાન ચીજ સરકાર તેના મૂળ માલિક પાસેથી ઝૂંટવી કેમ શકે? આ બધું પુરાતત્ત્વના નામે ચાલી રહ્યું છે.

પુરાતત્ત્વ ખાતું એવો દાવો કરતું હોય કે પ્રાચીન ચીજવસ્તુઓની જાળવણી માટે અને તેની પવિત્રતાની રક્ષા માટે અમે આ મૂર્તિઓ અમારા કબજામાં લઈએ છીએ, તો તે સરાસર જૂઠ છે. પરમાત્માની મૂર્તિ એ દર્શનની અને પૂજાની સામગ્રી છે. તેને જો મંદિરમાં વિધિપૂર્વક બિરાજમાન કરવામાં આવે અને શ્રદ્ધાળુઓ દ્વારા તેનું નિયમિત પૂજનઅર્ચન કરવામાં આવે તો જ તેની પવિત્રતા અને મહાનતાની રક્ષા થાય છે. પુરાતત્ત્વ ખાતું આ દર્શનની ચીજને પ્રદર્શનની ચીજ બનાવી દે છે. ભગવાનની મૂર્તિને મંદિરની પાદપીઠ ઉપર બિરાજમાન કરવાને બદલે તેઓ તેને મ્યુઝિયમમાં ગોઠવી દે છે. અહીં મૂર્તિનું પૂજન કરવાની કે તેની આરતી ઉતારવાની કોઈને છૂટ નથી હોતી. આ મૂર્તિ પ્રદર્શનની ચીજ બને છે એટલે તેની પવિત્રતાનો નાશ થાય છે અને સરકારી અધિકારીઓ તેના માલિક બની જાય છે.

જે રીતે પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલું સ્મારક જે તે સમાજના અધિકારમાંથી ઝૂંટવાઈને દેશની સરકારના અધિકારમાં આવી જાય છે તેવી જ રીતે જે સ્મારકને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવે તેના ઉપર પછી દેશની સરકારનો કોઈ જ અધિકાર નથી રહેતો પણ યુનેસ્કો જેવી સંસ્થા જ તેની વાસ્તવિક માલિક બની જાય છે. આ રીતે વિશ્ર્વભરમાં પથરાયેલાં મૂલ્યવાન પ્રાચીન સ્મારકોનો કબજો તે તે સમાજો અને સરકારોના હાથમાંથી ઝૂંટવી ગોરી પ્રજાના હાથમાં કેન્દ્રિત કરવા માટે જ વર્લ્ડ હેરિટેજ સાઈટનો સ્ટંટ ઊભો કરવામાં આવ્યો છે.

બિહારમાં આવેલા બુદ્ધગયા મંદિરને ઈ.સ. ૨૦૦૨ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો તે પછી ત્યાં શું બન્યું એ જાણવું ખૂબ રસપ્રદ છે. બુદ્ધગયા મંદિર હવે બૌદ્ધ સાધુઓના અંકુશમાં નથી રહ્યું પણ યુનેસ્કોના સીધા અંકુશ હેઠળ આવી ગયું છે. યુનેસ્કોની સમિતિની મંજૂરી વિના આ મંદિરમાં કોઈ ફેરફાર હવે કરી શકાતા નથી. આ મંદિરની બહાર પૂજાઅર્ચનાની સામગ્રી વેચતી જેટલી દુકાનો હતી તે બધી દૂર ખસેડવામાં આવી છે. આ રીતે મંદિરમાં પૂજા કરવા જતા શ્રદ્ધાળુઓ માટેની નજીકની સવલત ઝૂંટવી લેવામાં આવી છે. હવે આખા વિસ્તારમાં એક પણ જૂની ઈમારત કે ધર્મશાળા ઊભી કરવી હશે તો યુનેસ્કોની પરવાનગી લેવી પડશે. ભારતીય પ્રજાના ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારમાં આ દખલગીરી છે, એટલું જ નહીં દેશના સાર્વભૌમત્વ ઉપર પણ આક્રમણ છે. આપણા દેશની જમીન ઉપર જે કોઈ સંપત્તિઓ આવેલી છે તેની માલિક આપણી પ્રજા છે. તેનો આ હક ઝૂંટવી લઈ તે કોઈ વિદેશી એજન્સીને આપી દેવો તેના જેવી બીજી કોઈ મૂર્ખાઈ નથી. શું આપણા દેશની પ્રજા એટલી બધી બૂડથલ છે કે આપણો જે પ્રાચીન વારસો છે તેની કિંમત સમજવા માટે આપણે વિદેશી એજન્સીની મદદ લેવી પડે અને આપણો વારસો પણ તેમને સોંપી દેવો પડે? આ તો પાછલે બારણે સ્વીકારાયેલી ગુલામી જ છે.

વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં યુનેસ્કોની કુટિલતા પણ સમજવા જેવી છે, જે સ્મારકને આ પ્રકારનો દરજ્જો આપવામાં આવે તેના સમારકામની કે સંરક્ષણની કોઈ જવાબદારી યુનેસ્કોની રહેતી નથી. યુનેસ્કો એને માટે એક રાતી પાઈનું પણ ફંડ આપતું નથી. આ બધી જ જવાબદારી સ્થાનિક સરકારોની રહે છે પણ સ્મારક ઉપર આધિપત્ય યુનેસ્કોનું રહે છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ઘસારો સહન કર્યા વિના કે જવાબદારી સ્વીકાર્યા વિના યુનેસ્કો જેવી ભેદી સંસ્થા આ સ્મારકોની અધિપતિ બની જાય છે. આ સ્મારકોના સમારકામ માટે તેઓ એક પણ રૂપિયાની મદદ કરતા નથી પણ તેમને પૂછ્યા વિના આપણે કંઈ કરી શકતા નથી. આટલી બધી દાદાગીરી આપણે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મેળવવા માટે ચલાવી લઈએ છીએ. આવો દરજ્જો મેળવવા શા માટે મહેનત કરવી જોઈએ ?

કોઈ પણ સ્મારકને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળે એટલે તેના પતનના શ્રીગણેશ થાય છે. સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટોની નજર આ સ્મારકો તરફ ખેંચાય છે. આ સ્મારકને નિહાળવા વિદેશી સહેલાણીઓનાં ટોળાં ઊતરી પડે છે. તેમને આવકારવા માટે એરપોર્ટ, ફાઈવ સ્ટાર હોટેલો, દારૂની દુકાનો, માંસાહારની હોટેલો, કેસીનો, સિનેમા થિયેટરો વગેરે ઊભાં કરવામાં આવે છે. તીર્થસ્થાનોનું પવિત્ર વાતાવરણ ભ્રષ્ટ બની જાય છે. મુક્ત સહચર્યમાં માનતા વિદેશીઓ અર્ધનગ્ન વસ્ત્રો પહેરી આપણાં મંદિરોમાં પ્રવેશ કરે છે અને બીભત્સ ચેષ્ટાઓ કરે છે. પવિત્ર શહેરમાં દારૂ, જુગાર, વેશ્યાવ્યવસાય, મસાજ પાર્લરો વગેરે દૂષણો વધે છે અને સરવાળે તેની પવિત્રતા ભ્રષ્ટ થાય છે.

કોઈ પણ સ્મારકને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળે એટલે એન્ટિકનો આંતરરાષ્ટ્રીય વેપાર કરતી દાણચોરોની સિન્ડિકેટની નજરે આ સ્મારક ચડી જાય છે. સ્થાનિક પ્રજાને પૈસા આપી તેઓ મંદિરોમાંથી મૂર્તિઓની અને પ્રાચીન ચીજવસ્તુઓની ચોરી કરાવે છે અને વિદેશની બજારોમાં ઊંચી કિંમતે વેચે છે. આ ચોરીમાં ક્યારેક તો પુરાતત્ત્વ ખાતાના ચોકીદારો અને અધિકારીઓ પણ સંડોવાયેલા હોય છે. એટલે કે જે સરકારી અધિકારીઓએ પ્રજા પાસેથી તેની પ્રાચીન સંપત્તિ અન્યાય કરીને ઝૂંટવી લીધી તેઓ જ હવે તેનું લિલામ કરે છે.

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=117200

ઘણા માણસો માત્ર પ્રભુનું ભજન કરી સંતોષ માને છે, પ્રભુનું કાર્ય કરતા નથી --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

જ્યાં સુધી જ્ઞાન અને આચરણનો સમન્વય ન થાય ત્યાં સુધી બધું વ્યર્થ છે એટલે તો સૉક્રેટિસે સદાચારીને જ જ્ઞાની ગણ્યા છે. બાકીના પાસે તો માત્ર માહિતી હોય છે

હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

ઈસપની બોધકથા હોય, પંડિત વિષ્ણુ શર્માની પંચતંત્રની વાર્તા હોય, હાસ્યરસનો કોઈ પ્રસંગ હોય કે પછી ઉગ્ર બોલાચાલી થતી હોય ક્યાંક ને ક્યાંક ગધેડું અવશ્ય આવી જશે, ઓછી ઊંચાઈ, લાંબા કાન અને અવિરત પરિશ્રમ કર્યા કરતું ગધેડું મને ગમે છે. પરશુરામનગર બંધાતું ત્યારે રેતી સારતા ગધેડા પર અમે કૂદીને બેસી જતા અને રાજકુમારીને બચાવવા દોડતા, ઘોડેસવાર થતા રાજકુમાર જેવી ઉત્તેજના અનુભવતા. પોતાના પર આવી પડેલા અપ્રિય ભારથી મુક્ત થવા એ ઊછળતું ત્યારે અમે પડી જતા અને કલ્પનાવિહારથી વાસ્તવિકતાની ભૂમિ પર આવી પડતા. અમે ભણતા ત્યારે સંસ્કૃતમાં શિયાળ અને ગધેડાનો પ્રસંગ આવતો. પંચતંત્રે બંનેના સંબંધો મામા-ભાણેજના સ્થાપિત કરી આપ્યા છે. મામા ગર્દભને શેરડી આરોગવાનો શોખ, ભાણેજ શૃંગાલ-શિયાળ જાણે છે. પૂર્ણિમાની રાત છે, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે. મામો અને ભાણેજ એક શેરડીના વાડામાં દાખલ થાય છે. શેરડી આરોગ્યા પછી ગર્દભમામા ઉત્સાહના અતિરેકમાં કહે છે. ભો: ભગિનસુત પશ્ય પશ્ય, અતિવ નિર્મલા રજનિ તદ્અહમ્ ગીતમ્ કરિશ્યામી, કતપેણ રાગેણ કરોમિ? અરે, ભાણેજ જોજો અતિ નિર્મળ રાત્રિ છે. તેથી હું ગીત ગાઈશ, કયા રાગમાં ગાઉં? પ્રથમથી ચેતીને ચતુર ભાણેજ શિયાળે વાડના છીંડા પાસે પોતાનું સ્થાન સંભાળ્યું. મામાએ મન મૂકીને હોંચીહોંચીનો એવો આલાપ ખેંચ્યો કે ખેડૂત જાગી ગયો, લાકડી લઈને દોડ્યો. પોતાના શેરડીના વાડામાં એક ગધેડાનો હોંચીહોંચી કરતો જોઈ ખેડૂતે બે દંડા વળગાડ્યા. મામાની ભાવસમાધિ તૂટી, કલાની સાધના કઠિન છે એવું ભાન થયું. તાડનથી આ જગત મિથ્યા છે એમાં માત્ર થોડી સરવાણી સુખની વહે ત્યાં દુ:ખના પાષાણો અવરોધ બનીને ઊભા રહે છે એ સત્ય સમજાયું. આ બધું અગાઉથી સમજી ગયેલું શિયાળ ખેડૂતને જોઈ ક્યારનું રવાના થઈ ગયું હતું. એ વખતે બીજી સમજણ નહોતી પણ ગધેડો સંસ્કૃતમાં અલંકૃત ભાષામાં વાત કરતું જાણીને આનંદ થતો. 

અમારા ગામના પાદરે કિશન મહારાજ કથાકારે એવી જમાવટ કરી કે રોજ ને રોજ કથા સાંભળવા માનવમહેરામણ ઊમટી પડતો. એમાં એક દિવસ કથાકારે સુંદર રજૂઆત કરી. તેમણે દૃષ્ટાંત આપ્યું કે જે માલિકો ગધેડા પાસે ગજાબહારનું કામ કરાવે છે અને ફટકા મારીને ત્રાસ આપે છે તે માલિક પછીના અવતારમાં ગધેડો બને છે અને ગધેડો માલિક બને છે. મજૂરોને ‘અમારો માલિક ગધેડો છે’ આવું કહેતાં તમે સાંભળ્યા હશે. જાણ્યેઅજાણ્યે એ લોકો સાચું બોલે છે. આ સિવાય જીવનમાં સારાં કૃત્યો કરો તો કેવા સારા અવતાર આવે અને બૂરાં કર્મો કરો તો કેવા બદતર અવતાર આવે એનું એવું સચોટ વર્ણન કર્યું કે કાંતિલાલનું મન અજંપાથી ભરાઈ ગયું. એ મૂંઝાઈ ગયો. મહારાજશ્રી પાસે કથા પૂરી થયા પછી તરત પહોંચી ગયો અને ધીરેથી પૂછ્યું, ‘મહારાજ મને ગધેડાનો અવતાર તો નહીં આવે ને?’ મહારાજશ્રીએ જતાં જતાં કહ્યું, ‘એકનો એક અવતાર વારંવાર ન આવે. જરા પણ ચિંતા કરશો નહીં. જાવ, પ્રભુનું ભજન કરો ને પ્રભુનું કાર્ય કરો.’

ઘણા માણસો માત્ર પ્રભુનું ભજન કરી સંતોષ માને છે, પ્રભુનું કાર્ય કરતા નથી. પ્રાચીન ભારતમાં ગુરુ પાસે બાર વર્ષ રહી વિદ્યાભ્યાસ કરનાર વિદ્યાર્થી વૃત્ત ન કરે તો તેને સ્નાતક ગણવામાં નહોતો આવતો. વૃત્ત એટલે આચરણ. જ્યાં સુધી જ્ઞાન અને આચરણનો સમન્વય ન થાય ત્યાં સુધી બધું વ્યર્થ છે એટલે તો સૉક્રેટિસે સદાચારીને જ જ્ઞાની ગણ્યા છે. બાકીના પાસે તો માત્ર માહિતી હોય છે.

જેમ ‘હાસ્યરસ વગરની ગંભીરતા અને ગંભીરતા વગરનું હાસ્ય બંને વ્યર્થ છે.’ આવું ગાંધીજીએ કહ્યું છે તેમ ‘જ્ઞાન વગરનું આચરણ અને આચરણ વગરનું જ્ઞાન બંને વ્યર્થ છે.’ આવું ભગવાન મહાવીરે કહ્યું છે. તેમણે સુંદર ઉદાહરણ પણ આપ્યું છે. જંગલમાં આગ લાગી હોય. એ જંગલમાં એક અંધ હોય અને એક અપંગ હોય એવી બે વ્યક્તિઓ રહેતી હોય. અંધ આગની જાણ થતાં દોડે અને અપંગ પરવશ થઈને બેસી રહે. અંધ જ્ઞાન નહીં હોવાથી આગની દિશામાં જ દોડશે અને નાશ પામશે. જ્યારે અપંગ જ્ઞાન હોવા છતાં આચરણ નહીં કરી શકવાથી નાશ પામશે. 

એક જ સંભાવના બંનેની બચી જવાની છે. અંધનું જ્ઞાન અને અપંગનું આચરણ બંનેનો સમન્વય થાય તો બંને બચી જાય. અંધની કાંધે ચડીને અપંગ રસ્તો બતાવી શકે, અંધ ચાલી શકે અને સફળ થઈ શકે. 

ગધેડાની કમનસીબી એ છે કે જ્ઞાનપૂર્વકનું આચરણ કરે તો પણ ક્યારેક શિક્ષાને પાત્ર બને છે. એક કુંભારને ત્યાં ગધેડું હતું અને પાળેલો મોતી કૂતરો હતો. એક વાર મોતી મસ્તી કરતા પોતાની સામે પડેલ કુંભારના પુત્રને કરડ્યો. કુંભારે ખિજાઈને લાકડીથી મોતીને ખૂબ માર્યો અને બપોરે ખાવા ન દીધું. રાત્રે પણ ભૂખ્યો રાખ્યો. ઉદાસ ચહેરે અને ભારે હૈયે મોતી બેઠો હતો. બાજુમાં ગધેડો ગંગારામ મોતીને આશ્ર્વાસન આપતો હતો. 

એમાં ચોર આવ્યા. બંનેએ ચોરનું આગમન નિહાળ્યું પણ હંમેશ મુજબ આજ મોતી ભસ્યો નહીં. ગધેડાએ કૂતરાને કહ્યું, ‘તું ભસ ઘરમાં ચોર આવ્યા છે.’ મોતી કહે: ‘મને માર્યો છે મને ખાવા પણ દીધું નથી. હું શું કામ ભસું?’ ગધેડો કહે: ‘તારી ફરજ તું ચૂકી રહ્યો છે.’ કૂતરો કહે: ‘મારી ફરજની તું શા માટે ચિંતા કરે છે? મારે નથી ભસવું જા, ભલે ચોર લૂંટી જાય.’ ગધેડાએ કહ્યું: ‘તું તારી ફરજ ન બજાવે તો હું તારી ફરજ બજાવીશ.’ આટલું કહી ગધેડો જોરજોરથી ભૂંકવા લાગ્યો. તરત જ કુંભાર જાગી ગયો અને ઊંઘ બગાડવા બદલ ગધેડાને બે ભાઠા મારી સૂઈ ગયો. કૂતરાએ કહ્યું, ‘જોયું ને થયો ને અનુભવ? આપણને સોંપવામાં આવેલ કાર્ય જ આપણે કરવું જોઈએ, બીજાનું કામ કરવા જોઈએ તો આમ થાય.’

લિંકન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા ત્યારે ગામના સંબંધીઓ અને નહોતા પરિચિત એવા પણ જૂની ઓળખાણો કાઢી લિંકનને મળવા આવનારમાં સામેલ થવા લાગ્યા. મુલાકાતીઓને લિંકને બેસાડ્યા. ચા-પાણી, નાસ્તો કરાવ્યાં. સૌની સાથે વાતો કરી. લિંકને એમ કે અભિનંદન આપી સૌ વિદાય થશે પણ ત્યાં તો અમુકે પ્રમુખ તરીકે લિંકનને શું શું કરવું એનાં સૂચનો માંડ્યાં કરવાં. સંરક્ષણ, અર્થતંત્ર, આંતરિક સલામતી વગેરેમાં શું કરવા જેવું છે એ વિશે ઘણા લિંકનને સમજાવવા માંડ્યા. અબ્રાહમ લિંકનમાં અજોડ હાસ્યવૃત્તિ હતી, ગમે તેવા વિકટ સંજોગોમાં એ હસી શકતા. આટલી મોટી જવાબદારી વહન કરવા છતાં તેઓ હળવાશથી જીવન જીવી શકતા. સૌની વાત સાંભળી લિંકને કહ્યું, પઈંિં ીળશક્ષમત ળય ફ તજ્ઞિંિુથ આવું કહી વાત રજૂ કરવાની લિંકનની ટેવ જાણીતી હતી. તેમણે સૌને કહ્યું એક રાજા પોતાના દરબારીઓ સાથે શિકાર કરવા જતો હતો. ગામને પાદર કુંભારવાડા પાસેથી પસાર થતાં એક કુંભારે પૂછ્યું, ‘નામદાર આપ ક્યાં પધારો છો?’ રાજાએ કહ્યું, ‘હું રસાલા સાથે શિકાર કરવા જાઉં છું.’ કુંભાર કહે, ‘નામદાર આપ જાઓ છો ખરા, પરંતુ આજે અનરાધાર વરસાદ વરસવાનો છે.’ રાજા કહે: ‘હું એવો મૂર્ખ નથી. મેં સવારમાં રાજના જોષીને બોલાવીને હવામાનની સ્થિતિ જાણીને પછી જ શિકારે જવાનું નક્કી કર્યું છે.’ કુંભાર કહે, ‘જેવી આપની મરજી.’ રાજાનો રસાલો રવાનો થયો. જંગલમાં પહોંચ્યો ત્યાં એવો મુશળધાર વરસાદ વરસ્યો કે સૌ હેરાન થઈ ગયા. મહામહેનતે પાછા ફર્યા. 

મહેલમાં પાછા ફરીને રાજાએ પહેલો હુકમ કર્યો રાજના જોષીને બરતરફ કરવામાં આવે છે અને કુંભાર જેણે વરસાદની આગાહી કરી તેને રાજ્યના જોષી તરીકે નિમણૂક કરવામાં આવે છે. 

શાહી ફરમાન લઈ રાજાના અનુચરો પહોંચ્યા કુંભાર પાસે. કુંભાર ગભરાઈ ગયો. એ મૂંઝવણમાં રાજદરબારમાં આવ્યો તો ખરો પણ બે હાથ જોડી રજૂઆત કરી કે: ‘હજૂર હું જ્યોતિષ વિદ્યામાં કાંઈ પણ નથી જાણતો. આ તો અમારા ગધેડા પગેથી જ્યારે ખડતલવા માંડે છે, પગથી ભોમકા ખોદવા મંડે છે ત્યારે અમે સમજી જઈએ છીએ કે વરસાદ આવશે.’

રાજાએ કુંભારની વિગત જાણી બીજો હુકમ ભર્યો. કુંભારની જગ્યાએ રાજના જોષી તરીકે ગધેડાની નિમણૂક કરવામાં આવે છે. લિંકનની વાત સાંભળી સલાહ આપનારા એકબીજા તરફ જોઈ રહ્યા અને સલાહ આપવાનું બંધ કરી ઘરભેગા થઈ ગયા. 

આજે સવારે છાપામાં ગધેડાના કામના કલાકો, એમના આરામનો સમય, પાણી અને ઘાસચારા માટેની સુવિધા, રાતપાળી બંધ, સૂર્યોદય પહેલાં અને પછી કામ કરાવવાની મનાઈ વગેરે વાંચી મને આનંદ થયો. ગધેડા વિશેની મારી લાગણી હું વ્યક્ત કર્યા વગર ન રહી શક્યો. 

કદાચ એ બધા પણ ભેગા થઈ ખુશ થયા હશે. એમને પણ આશા બંધાણી હશે કે હવે ધીરે ધીરે દેશના અન્ય કર્મચારીઓ જેવી સવલતો ભવિષ્યમાં મળે તો ના નહીં.

ગુરુત્વાકર્ષણ: કુદરતની દેન --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=120230

ગ્રહના ગુરુત્વાકર્ષણે જ વાયુઓને કેદ કરી રાખીને પોતાનું વાયુમંડળ બનાવ્યું છે. ગ્રહનું ગુરુત્વાકર્ષણ નબળું હોય તો વાયુને કેદ ન રાખી શકે ને એ ગ્રહના વાયુમંડળમાંથી પલાયન થઈ જાય

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

આપણી આજુબાજુ જોઈએ તો અંતરીક્ષ ખાલીખમ લાગે. પ્રાચીન સમયમાં લોકો માનતા કે બ્રહ્માંડ ખાલીખમ છે. પ્રાચીન લોકોએ પવનનો અનુભવ કર્યો. તેમ છતાં લોકોને ખબર પડતી ન હતી કે પવન વૃક્ષને હલાવે છે કે વૃક્ષ પવન ઉત્પન્ન કરે છે? પવનને પ્રાચીન લોકો દેવતા માનતા. શરીર શ્ર્વાસોચ્છ્વાસ કરતું તો તેઓને ખબર પડતી નહીં કે શરીર શા માટે શ્ર્વાસોચ્છ્વાસ કરે છે. પાણી ગરમ કરીએ તો પાણીની વરાળ ઉત્પન્ન થતી જે અંતરીક્ષમાં વિલય થઈ જતી. કોઈને ખબર ન પડતી કે તે કેવી રીતે વિલય પામે છે. સવારમાં ઝાકળ પડતું કે વરસાદ વરસતો તો લોકો માનતા કે અંતરીક્ષમાં ગયેલી વરાળ ઠંડી પડતાં વળી પાછી પાણીનું સ્વરૂપ ધારણ કરે છે. બરફને જોઈને તેમને ખબર પડી કે પાણી બરફ થઈ શકે છે. આમ તેઓની સામે પાણીનાં ત્રણ રૂપ દેખાયાં. અંતરીક્ષમાં જાતજાતના વાયુઓ છે તે શોધ વિજ્ઞાનની મહાન શોધ ગણાય. ધીરે ધીરે વિજ્ઞાનીઓએ હવામાંથી વાયુઓને છુટ્ટા પાડી તેના ગુણધર્મો જાણ્યા અને પછી પ્રયોગશાળામાં તેમને ઉત્પન્ન કરી તેમના ગુણધર્મોની ચકાસણી કરી. આમ વિજ્ઞાનીઓને ઑક્સિજન, કાર્બનડાયોક્સાઈડ વગેરે વાયુઓના અસ્તિત્વની જાણ થઈ.

લોકો પછી માનતા કે પૂરા બ્રહ્માંડમાં આ બધા વાયુઓ છે. પણ હવે ખબર પડી કે ગ્રહની ફરતે અમુક કિલોમીટર સુધી જ વાયુમંડળ હોય છે. આ વાયુમંડળની ઘટ્ટતા કે પાંખાપણું ગ્રહના પોતાના ગુરુત્વાકર્ષણ પર આધાર રાખે છે એટલે કે ગ્રહમાં કેટલો પદાર્થ (mass) છે તેના પર આધાર રાખે છે. ગ્રહના વાયુમંડળની પેલે પાર શૂન્યાવકાશ હોય છે. જોકે પૂર્ણ શૂન્યાવકાશ નથી હોતું. તેમાં બહુ જ શૂન્યવત્ હાઈડ્રોજન વાયુની ઘનતા હોય છે. બ્રહ્માંડના પિંડો તેમાં રહેલા પદાર્થ પર આધારિત ઘટ્ટ કે પાંખા વાયુમંડળથી ઘેરાયેલા હોય છે, વાયુમંડળના કોસેટામાં કે વાયુમંડળના આવરણમાં હોય છે.

પૃથ્વીનું વાયુમંડળ જ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ માટે જવાબદાર છે. પૃથ્વીના વાયુમંડળે જ પૃથ્વી પર જીવન ઉત્પન્ન કર્યું છે અને હજુ સુધી ટકાવી રાખ્યું છે. પૃથ્વીનું વાયુમંડળ પૃથ્વી પરના જીવનનું રક્ષણ પણ કરે છે. પૃથ્વી પર જે જીવન ઉત્પન્ન થયું છે તેમાં પદાર્થના રૂપમાં પૃથ્વીનું પોતાનું યોગદાન છે, સાથે સાથે સૌર-ઊર્જાનું યોગદાન પણ એટલું જ છે અને વાયુમંડળનું અને પૃથ્વીની ફરતે રહેલા ચુંબકીયક્ષેત્રનું. પૃથ્વી પોતે તો હોવી જ જોઈએ. સૂર્ય હોય પણ પૃથ્વી ફરતે વાયુમંડળ ન હોત તો પણ પૃથ્વી પર જીવન ન ઉદ્ભવ્યું હોત. પૃથ્વી ફરતે વાયુમંડળ હોત પણ સૂર્ય ન હોત તો પણ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયું ન હોત. પૃથ્વી ફરતેનું ચુંબકીયક્ષેત્ર પણ પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરે છે, નહીં તો વૈશ્ર્વિક કિરણો (cosmic rays) અને સૂર્યમાંથી આવતાં તીવ્ર ઊર્જાવાળાં કિરણો અને પદાર્થકણોએ પૃથ્વી પર જીવનને પાંગરવા જ દીધું ન હોત. આમ પૃથ્વી પર જીવન કે કોઈ પણ ગ્રહ પર જીવન હોવું તે કુદરતની જ દેન છે.

પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયા પછી પણ તે સ્વતંત્ર રીતે વિકાસ પામી શકે નહીં. તેને ખોરાક અને પાણી માટે પૃથ્વી પર, વનસ્પતિ પર કે પશુઓ પર આધાર રાખવો પડે. જીવવા માટે શ્ર્વાસોચ્છ્વાસ કરવા વાયુમંડળ પર આધાર રાખવો જ પડે. પાણી માટે વાયુમંડળ અને સૂર્ય પર આધાર રાખવો જ પડે. જોવા માટે જીવન પાસે આંખ તો હોય છે પણ પ્રકાશ ન હોય તો આંખના રમકડા નકામા સાબિત થાય, અને આંખ ન હોય તો પ્રકાશનો કોઈ અર્થ નથી. આમ આપણે કેટલા બધાં બીજા પર આધારિત છીએ તેની આપણને ખબર પડે છે.

વાયુમંડળમાં ઑક્સિજન છે જે માનવીને જિવાડે છે. બધી જ દહનક્રિયા કરે છે. કાર્બનડાયોક્સાઈડમાંથી વૃક્ષો અને વનસ્પતિ પૃથ્વી પરના જીવન માટે ખોરાક બનાવે છે. નાઈટ્રોજન વાયુ ઑક્સિજનની જલદના ખૂબ જ મંદ કરે છે. નહીં તો બે હાથ ઘસો અને અગ્નિ ઉત્પન્ન થઈ જાય. પાણી પણ ઑક્સિજન અને હાઈડ્રોજન વાયુનું સંયોજન છે. વાયુમંડળ ન હોય તો જીવન મૃત્યુ પામે. વાયુમંડળ ન હોય તો શરીરની નસો ફાટી જાય, અને મૃત્યુ થાય. ઊંચા પહાડો પર વાયુમંડળ પાતળું થઈ જાય છે માટે ત્યાં ઑક્સિજન વાયુના નળાકારમાંથી વાયુ લઈ શ્ર્વાસોચ્છ્વાસ કરવો પડે છે. પર્વતારોહકની નસો ફૂલી જાય છે. તેને બહારથી વાયુ ન મળે તો તેની નસો ફાટી જાય છે. વાયુમંડળ પાતળું થઈ જાય તો તેનું દબાણ ઘટી જાય છે. તેથી પાણી ઓછા ઉષ્ણતામાને અંતરીક્ષમાં ઊડી જાય છે. ગ્રહનું ગુરુત્વાકર્ષણ વાયુમંડળના વાયુઓને કેદ કરી રાખે છે. ગ્રહના ગુરુત્વાકર્ષણે જ વાયુઓને કેદ કરી રાખી પોતાનું વાયુમંડળ બનાવી રાખ્યું છે. જો ગ્રહનું ગુરુત્વાકર્ષણ નબળું હોય તો તે વધારે ગતિ ધરાવતા વાયુઓને કેદ રાખી શકતું નથી અને આવા વાયુઓ ગ્રહના વાયુમંડળમાંથી પલાયન થઈ જાય છે. ચંદ્ર અને બુધ પર માટે જ વાયુમંડળોનો અભાવ છે. સૂર્યની ગરમી પણ વાયુઓની ગતિ વધારી ગ્રહ પરથી તેમને પલાયન થવામાં મદદ કરે છે. મંગળ પર વાયુમંડળ પાતળું હોવાથી ત્યાં વાયુનું દબાણ ઓછું હોવાથી તેના પરથી પાણી ઊકળી ઊકળીને પલાયન થઈ ગયું છે. આમ ગુરુત્વાકર્ષણ વાયુમંડળને સાચવી રાખવા મુખ્ય ભાગ ભજવે છે. કુદરતની બધી જ વસ્તુઓને પોતપોતાનું કાર્ય હોય છે. કોઈ અકલ્યાણકારી નથી. પણ અમુક પરિસ્થિતિ સર્જાય તો જ તે અકલ્યાણકારી બને છે. જીવન માટે કુદરતના બધાં જ પાસાં કલ્યાણકારી હોય છે. જીવન માટે ગુરુત્વાકર્ષણ કુદરતની દેન છે. ગ્રહનો પદાર્થ જ છેવટે પોતાની ફરતે ચુંબકીયક્ષેત્ર રચે છે અને વાયુમંડળ રચે છે અને તેને બનાવી રાખી શકે છે.

પદાર્થમાંથી વાયુઓ બને છે અને વાયુઓમાંથી પદાર્થ બને છે. બ્રહ્માંડ જન્મ્યું ત્યારે ઊર્જા ઉત્પન્ન થઈ. ઊર્જાનું ગઠન થતાં અણુ-પરમાણુ બન્યા. તમાંથી વાયુઓ જન્મ્યાં. તેમાંથી પદાર્થ બન્યા. વાયુનાં વાદળો, મંદાકિની, તારા, ગ્રહો-ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ બન્યાં. આ પદાર્થ ગરમ કરતાં કે બીજી કોઈ રીતે તેમાંના ઘટકો વાયુરૂપે બહાર પડે છે. મૂળભૂત ઊર્જા છે, ઈલેકટ્રોન-પ્રોટોન છે-વાયુઓ છે. વાયુઓ પદાર્થ ઉત્પન્ન કરે છે અને પદાર્થો વાયુઓ. છેવટે તે જે ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરે છે. તે જ સૂર્ય જેવા તારા ઉત્પન્ન કરે છે અને તે જ ચુંબકીયક્ષેત્ર અને જીવનને ઉત્પન્ન કરે છે. આમ છેવટે ઊર્જા જ બ્રહ્માંડ છે. માટે જ આપણે શક્તિને જગત-જનની કહીએ છીએ, અને તેની આરાધના કરીએ છીએ. આ વેદો અને ઉપનિષદોનો અધ્યાત્મવાદ છે.

પવનના પ્રવાહો સૂર્ય ઉત્પન્ન કરે છે. પૃથ્વીની ધરી વાંકી હોવાથી પૃથ્વીના ગોળા પર અલગ અલગ ભાગ પર અલગ અલગ ગર્ભ હોય છે જે પવન પ્રવાહો ઉત્પન્ન કરે છે, ઋતુઓ ઉત્પન્ન કરે છે.

વાયુના નિયમો જાણવા બહુ અઘરા છે. વિજ્ઞાનીઓએ તે જાણવા ઘણી જહેમત ઉઠાવી છે. વાયુઓ ઘણા જીવરા હોઈ તેને વાસણમાં પૂરી અભ્યાસ કરવો અઘરો છે. તે વાસણમાંથી છટકી જાય છે, લીક-આઉટ થઈ જાય છે. આ ક્ષેત્રે રોબર્ટ બૉયલ, પ્રિસ્ટલી, લેધેત્ઝીઅર જેવા વિજ્ઞાનીઓએ બહુ પાયાનું કામ કર્યું છે. છેવટે બ્રહ્માંડ ઊર્જા-અણુ-પરમાણુ અને વાયુની માયા છે. અણુ-પરમાણુ જ જાતજાતના વાયુઓ બનાવે છે. અણુ-પરમાણુઓ ઊર્જામાંથી બને છે. ઊર્જા જ જાતજાતના બળો-ગુરુત્વાકર્ષણ, વિદ્યુત-ચુંબકીય, આણ્વિક અને રેડિયો-એક્ટિવિટીનાં બળો ઉત્પન્ન કરે છે.

વિજ્ઞાનીઓએ જોયું કે પાણીની વરાળ ઠંડી થઈ પાણી બનાવે છે. પાણી ઠંડું થઈ બરફ બને છે. તો તેઓએ કાર્બન-ડાયોક્સાઈડ, ઑક્સિજન, હાઈડ્રોજન વગેરે વાયુઓને ઠંડા કરી તેમનાં પ્રવાહી બનાવ્યાં. વાયુઓને પ્રવાહી બનાવવા બહુ જબ્બર અને જોખમી બાબત છે. છેવટે તેઓએ વાયુઓના બરફો બનાવ્યા, વાયુઓને ઘનસ્વરૂપ બનાવ્યા. જેમ જેમ પદાર્થ ઠંડો થતો જાય છે, વાયુ ઠંડો થતો જાય છે તેમ તેમ કુદરતના નવાં નવાં રહસ્યોને તે છતાં કરે છે. નિરપેક્ષ શૂન્યના તાપમાને વાયુઓ નિષ્ક્રિય બને છે. તેઓ તેમની ગતિ ખોઈ બેસે છે, પ્રકાશ પણ તેની એક સેક્ધડની ૩ લાખ કિલોમીટરની ગતિ ખોઈ સેક્ધડની ૩ મીટરની ગતિએ પહોંચી જાય છે. આ ઉષ્ણતામાને અણુઓ ભેગા મળી મોટા મોટા અણુઓ બનાવે છે. બોઝ-આઈન્સ્ટાઈને પદાર્થનો નિરપેક્ષ શૂન્ય (Absolute zero-૩૭૩ સેલ્સિયસ) નજીક અભ્યાસ કરી તેનું વર્તન નિહાળ્યું હતું અને વિજ્ઞાનમાં ઈતિહાસ રચ્યો છે જેને બોઝ-આઈન્સ્ટાઈન ક્ધડન્સેશન કહે છે.

Thursday, August 7, 2014

શેઠ અને શેઠાણી --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=116016

‘આના બાપા જગજીવનદાસથી કામ થાતું નહોતું. થાકી રહેતા હતા અને ઉપરથી જુવાન દીકરીની ચિંતા.. એમાં હું ભટકાઇ ગયો. મજબૂરીનો લાભ આ જગતમાં કોણ નથી લેતું?’

મારા મિત્ર વિઠ્ઠલે મને કહ્યું, ‘મારે મુંબઈ તારા કાર્યક્રમમાં આવવું છે’ મેં કહ્યું, ‘ભલે’. મુંબઇમાં બિરલા હૉલમાં મારો કાર્યક્રમ હતો, અને એ વખતે એ કાર્યક્રમમાં અભિનેત્રી નિરૂપા રૉય હાજરી આપવાના હતાં. વિઠ્ઠલના આનંદનો પાર ન રહ્યો. તેણે મુંબઇનો તેનો એવી રીતે પ્રવાસ ગોઠવ્યો કે મારો કાર્યક્રમ પણ માણી શકાય. નિરૂપા રૉયને પણ જોઇ શકાય અને સગાંને પણ મળી શકાય.

મેં વિઠ્ઠલની એક સીટ રખાવી હતી. પણ એ કહે, ‘હું સ્ટેજ પર તારી સાથે આવીશ.’ કાર્યક્રમ વચ્ચે એ સાડીના વિક્રેતાનું ફંકશન હતું જેમાં નિરૂપા રૉયની હાજરી રહેવાની હતી. અમારો ઈન્ટરવેલ પહેલાંનો કાર્યક્રમ પૂરો થયો. વચ્ચે સમારંભની જાહેરાત કરવામાં આવી, ‘આપણાં આદરણીય મહેમાન ખ્યાતનામ અભિનેત્રી નિરૂપા રૉયને સ્ટેજ પર પધારવા વિનંતી’. એવી જાહેરાત થઇ. એ આવ્યાં, અમને મળ્યાં, વિઠ્ઠલ મારી પાછળ જ હતો. અમારા ફોટા પાડવામાં આવ્યાં. લાખાભાઇ, પ્રાણભાઇ, દિવાળીબહેન અને હું ફોટામાં આવ્યાં. સાથે વિઠ્ઠલ પણ આવ્યો. વિઠ્ઠલની ઉત્તેજનાનો પાર નહોતો. કોઇ અદભુત ઘટના જીવનમાં ઘટી હોય, જે પોતાને હજી માનવામાં ન આવતી હોય એટલો એ વિહવળ હતો.

એ વખતે હું ૫૧, પોપટવાડી, કાલબાદેવી રોડ પર કેશુભાઇ કોઠારીની ઓફિસમાં સૂઇ રહેતો. વિઠ્ઠલને પણ ત્યાં જ સૂવા મેં આગ્રહ કર્યો.

અમે કાર્યક્રમ પછી રવાના થયા. વિઠ્ઠલ મને કહે, ‘આ કાર્યક્રમમાં નિરૂપા રૉય હતાં? ને. મેં કહ્યું, ‘હા’ હું તમારી હારે જ હતો ને? મેં કહ્યું, ‘હા’. વિઠ્ઠલ કહે, ‘આ વાત ગામના નહિ માને. જોજે તારે જોવું હોય તો’ ‘અરે પણ તું હતો એ હું જાણું છું ને? મેં કહ્યું છતાં વિઠ્ઠલનું મન માનતું નહોતું.

એ એક જ વાત કર્યા કરતો, ‘ગામના નહિ માને’. માનવીને ઊંચો દરજ્જો મળે. પૈસા મળે, પ્રસિદ્ધિ મળે... એ પાછી સગાંસબંધીઓ, મિત્રો અને વિરોધીઓને સ્વીકાર્ય બને ત્યારે તેમાં આનંદ સમાયેલો છે. જો સમાજને ખબર ન પડે તે શા કામનું? કોઈ સંબંધીની મોટરમાં બેસીને મુંબઇમાં ફરતાં એક જ વિચાર આવે છે કે અત્યારે ગામનો કોઇ અચાનક મળી જાય અને મને જુએ તો કેવું સારું? દુ:ખમાં માનવી એકલો રહેવાનું પસંદ કરે છે. સુખમાં માનવીને સમાજમાં રહેવું ગમે છે. ચીંથરેહાલ ગરીબ હાલતમાં કોઇ સંબંધી જોઇ ન જાય એ ચિંતા હોય છેે. સૂટ-બૂટ ટાઈમાં સજ્જ હોઇએ ત્યારે કોઇ જુએ તેવી ઇચ્છા હોય છે. જગતની મહાન વિભૂતિઓ પોતે જ્યારે મૂંઝવણમાં, દ્વિધામાં હતા ત્યારે તેમણે સમાજ છોડી દૂર જંગલમાં, પહાડ પર કે ગુફામાં એકાંતમાં રહેવાનું પસંદ કર્યું છે, પરંતુ જયારે કાંઇક પ્રાપ્ત કર્યું ત્યારે એ પાછા સમાજમાં આવ્યા અને પોતાને થયેલી સત્યની પ્રતીતિ વિષે સમજાવ્યું. માનવી જીવનમાં હંમેશા સુખ વધારવા અને દુ:ખ ઘટાડવા પ્રયાસ કર્યા જ કરે છે. દુ:ખ જીવનમાં આવે છે ત્યારે તો ભયાનક યાતનામાંથી પસાર થવું પડે છે. પણ એ તબક્કો પસાર થઇ જાય છે પછી એ વાત કરતાં આનંદ આવે છે. ખાવાં ધાન ન હોય, પહેરવાં કપડાં ન હોય, સગાંસંબંધી ગામના સૌ જાકારો દેતાં હોય, જીવતર ઝેર થઇ પડયું હોય, ગરીબી ભરડો લઇ ગઇ હોય, પત્ની વાતવાતમાં બેકાર પતિને ધધલાવી નાખતી હોય, છોકરાઓ વગડાઉ મીંદડા જેમ ઘૂરકતા હોય, લેણિયાતોએ હારે ને હારે ઉપાડો લીધો હોય અને એ જ વખતે પાછું ઓછામાં પૂરું કોઇ દરદ માથું ઊંચું કરે ત્યારે માણસ મૂંઝાઇ જાય છે. આયખાને ટૂંકાવી નાખવું, એ એક જ માર્ગ સામે દેખાય છે. આ સમય જિંદગીનો આ સમય જાળવી લીધા જેવો હોય છે. આવા સમયે કામ આવે તેનું નામ સમજણ. આશાવાદી હંમેશાં એમ વિચારે છે કે ગમે તેવી મુશ્કેલીઓ જીવનમાં આવે પણ એ કાયમી નથી હોતી. માનવી ગમે તેટલો મોટો હોય પણ તેની સમસ્યા એનાથી મોટી રહેવાની જ. આશાવાદી સમસ્યાને સ્થાયી નથી ગણાવતા, જયારે નિરાશાવાદી સમસ્યાને સ્થાયી ગણે છે. આટલો જ બંનેમાં ફેર છે.

માણસ ગરીબ હોય અને અમીર બની જાય. દર્દી હોય અને તંદુરસ્ત બની જાય. રાજકારણમાંથી ફેંકાઇ ગયો હોય અને મંત્રી બની જાય ત્યારે પછી તેને દુ:ખની વાત કરવામાં સંકોચ નથી થતો. મને આ તમામ વિગત જશવંતલાલ શેઠે ઘાટકોપર હું તેમને ત્યાં રોકાણો ત્યારે કહી.

શેઠ ઘણા ઠરેલ, અનુભવી અને જીવતરનો કસ કાઢનાર પુરુષાર્થી. તેમની વાતો સાંભળી મને આનંદ થયો.

જશવંતલાલે કહ્યું, ‘મુંબઈ આવ્યો ત્યારે ખિસ્સામાં એક પૈસો નહોતો. પૂછો તમારાં કાકીને’ ત્યાં કાકીએ આવી મોરચો સંભાળ્યો. મને કહે, ‘તમારા કાકા મારા બાપુની દુકાનના પાટિયે સૂઇ રહેતાં. મારા બાપુ ઘણી વાર આમને ઉઠાડી દુકાન ખોલતા. ક્યારેક હાથમાં સાવરણી પકડાવી વળાવતા પણ ખરા.’ શેઠને થયું, ‘આ બેઠી ભોં મારા જેવા મહેમીનની હાજરીમાં કયાં ઉખાડી?’ પણ શેઠાણીને હવે રોકી શકાય એમ નહોતું. તેમણે બોલવાનું ચાલુ રાખ્યું. ‘પ્રથમ મુંબઇમાં આમને ઓટલો મળ્યો. પછી મારા બાપુએ દુકાનમાં નોકરીએ રાખ્યા. ખાવું-પીવું ને વીસ રૂપિયા વાપરવા આપતા. આમ રોટલો મળ્યો.’ ત્યાં શેઠે કહ્યું, ‘અને પછી મળ્યો આ ચોટલો.’

ઓટલો, રોટલો, અને ચોટલો... જાણ્યે-અજાણ્યે પ્રાસ મળી ગયાં. જશવંતલાલે કહ્યું, ‘આના બાપા જગજીવનદાસથી કામ થાતું નહોતું. થાકી રહેતા હતાં અને ઉપરથી જુવાન દીકરીની ચિંતા.. એમાં હું ભટકાઇ ગયો. મજબૂરીનો લાભ આ જગતમાં કોણ નથી લેતું?

‘આના બાપાએ મને કામ કરાવી- કરાવી તોડી નાખ્યો. મારા સસરામાં કોઠા-બુદ્ધિ ભારે. જેમ હું નોકરી છોડવાની વાત કરું ત્યાં મને કહે, ‘જા, થેલી લઇને શાક લઇ ઘરે જશુમતીને આપી આવ’ મને એવો કોણીએ ગોળ ચોટાડતા કે હું નોકરી મૂકવાનું માંડી વાળતો.’ શેઠને વચ્ચેથી અટકાવી શેઠાણી મને કહે, ‘ભાઇ, એમની વાત માનશો મા હો! ઈ કાંઈ ને કાંઈ બહાનું કાઢી અહીં ઘરે આવતા અને મારી સામું જોઇ રહેતા, બળદ ખોળ સામું જોવે તેમ શેઠ કહે, ‘જુવાનીમાં બુદ્ધિ હોય છે? તમે જ કહો’ પણ મને બોલવાની બેમાંથી એકેયે તક આપી જ નહીં.

શેઠાણીનો ઉત્સાહ વધુ હતો. તેમણે કહ્યું, ‘દુકાનના પાટિયેથી દુકાનમાં પગપેસારો કર્યો. કાલાવાલા કરી મારા બાપાને રીઝવ્યા. ધરનાં કામ કરી કરીને મારી બાને મનાવી લીધાં. મનેય થયું કે ઘરના માણસ છે, કીધામાં તો રહેશે. ત્યારે તો મારો પડયો બોલ ઝીલવા ખડે પગે તૈયાર રહેતાં. ઘણી વાર હું રાતના કહેતી કે પાંઉભાજી લઇ આવો તો તે લઇ આવતા’ શેઠ કહે, ‘મારી સાથે બેસીને વાતો કરવા માટે તમારાં કાકી એ વખતે આવું બધું કરતાં. કાકી કહે, ‘હવે જાવ જાવ. નિશાળ છૂટવાના વખતે તમે નહોતા રાહ જોઇને ઉભા રહેતા? શેઠ કહે, ‘તમારા બાપુજી કામ ચીંધે પછી મારે ક્યાં જવું?’ શેઠાણી કહે, ‘તમને તો ઘર બાંધવાની હોંશ જ નહોતી. એમને? શેઠે ટૂંકું વાળતાં કહ્યું, ‘મૂળ હું સ્વભાવનો ભોળો અને આવડા આ બધા ઉસ્તાદ. મને જમાઈ બનાવ્યો પછી તો મનેય આ લાઇનનો અનુભવ થતો ગયો. મેં મારી દુકાન શરૂ કરી. અત્યારે ચારે દીકરાને ચાર દુકાનો, ચારેયના મકાન, દેશમાં રહ્યું તે મકાન, આવતાં જતાં રહેવા માટે બે મોટર, અને બચાવેલી થોડી મૂડી પણ ખરી. ઈશ્ર્વરની દયાથી જીવનના દુ:ખના દિવસો પસાર થઇ ગયા અને આજે ભગવાને સારા દિવસો દેખાડયા.’

વાત પૂરી કરવા માટે જશવંતલાલે આખરી આર્થિક સધ્ધરતાનું ચિત્ર મારી સમક્ષ દોરી પૂર્ણાહૂતિ કરી. છતાં શેઠાણીએ છેલ્લી વાત કહી, ‘એ તો પગ પૂજો મારી બાના. મારી બાએ એકવાર મારા બાપુજીને પૂછયું, ‘આપણી જશુ માટે કાંઇ વિચાર્યું?’ મારા બાપુજી કહે, હું સારા મુરતિયાની શોધમાં છું.’ મારી બા કહે, ‘હું જશુની ઉંમરની થઇ ત્યારે મારા બાપુજીએ સારા મુરતિયા ગોતવાનું પડતું મૂકી તમારી હારે ચાર ફેરા ફરાવી દીધા હતા. આ જશવંત બિચારો બળદની જેમ દુકાન અને ઘરકામનો ભાર વેઢારે છે. ઈ શું ખોટો છે? આખી જિંદગી ઉપકાર તો નહીં ભૂલે! શેઠાણીએ પોતાના પરિવારના ઉપકારનું છેલ્લું પ્રકરણ આલેખીને નામાસણ વાળ્યું, શેઠને આ ગમ્યું નહીં. તેમણે મને કહ્યું, ‘કિસ્મત અને મજબૂરી આનું નામ. ભાગ્ય પાસે માનવી કેવો લાચાર છે એનું આ ઉદાહરણ છે. શેઠાણી ખિજાયા એટલા માટે જ જોકે શેઠ આ બોલ્યા હતા.

પરંતુ મારે નીકળવાનું મોડું થતું હતું એટલે મેં કહ્યું, ‘મુસીબતોને જ સફળતાની સીડી બનાવી જે વ્યક્તિ સિદ્ધિ સુધી પહોંચવા પ્રયાસ કરે છે તે જ મજબૂરીને કિસ્મતમાં અને લાચારીને ભાગ્યમાં બદલી નાખે છે.’

બંનેને લાગ્યું કે આ વાક્ય પોતાના માટે બોલાયું છે, એટલે બંને ખુશ થયાં. હું પણ ખુશ થઈ રવાના થયો.



સૂર્યમંડળ એટલે લઘુગ્રહો અને ધૂમકેતુઓનો મહાસાગર --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=116027


મકાન ચણાઇ જાય અને તેની ફરતે ઈંટોનો ભંગાર પડ્યો રહેે, તેમ સૂર્યમાળા બંધાઈ ગઇ પછી જે પદાર્થ પડી રહે તે નાના-મોટા ખડકો હોય જેને આપણે લઘુગ્રહો કહીએ છીએ

હાલમાં પૃથ્વીના આકાશમાં બે મોટા લઘુગ્રહો દેખાય છે. તેમનાં નામો સેરેસ અને પાલાકા છે. બંને દેવીઓનાં નામ છે. તે દૂરબીનની મદદથી જ દશ્યમાન થાય છે. સેરેસ સૌ પ્રથમ શોધાયેલો લઘુગ્રહ છે. ૧૮૦૧ની પહેલી જાન્યુઆરીએ સિસિલીના ખગોળવિદ ગુઇસ્તપી પિઆઝીએ તેેને શોધી કાઢયો હતો. તેની શોધને ૨૧૩ વર્ષ થયાં છે. સેરેસનું નામ સિસિલીની દેવીના નામ પરથી પાડવામાં આવ્યું છે. તેની સાઇઝ (વ્યાસ) લગભગ ૯૩૦ કિલોમીટર છે. એટલે કે મુંબઇથી મથુરા સુધી. આ અંતરમાં કેટલાં બધાં શહેરો છે. એટલાં શહેરો સેરેસ પર ઊભાં કરી શકાય. તે તરતો હિમાલય છે. પાલાસ બીજા નંબરનો મોટો લઘુગ્રહ છે. તેનો વ્યાસ ૫૬૦ કિલોમીટર છે. તેનો વ્યાસ મુંબઇથી અમદાવાદ સુધીનો છે. આ બે શહેરો વચ્ચે કેટલાં મોટા શહેરો ખેતરો, નદીઓ, પહાડો આવેલાં છે. એટલે કે આ એ લઘુગ્રહો પર ભવિષ્યમાં પૃથ્વીવાસીઓ કોલોની બાંધશે.

સૂર્યમાળામાં નહીં નહીં તો પચાસ હજાર લઘુગ્રહો છે. તે લઘુગ્રહ કહેવાય છે, કારણ કે તે નાના છે પણ સૂર્યની પરિક્રમા કરે છે. તેને અંગ્રેજીમાં એસ્ટેરોઇડ કહે છે. એસ્ટેરોઇડ એટલે સ્ટાર- લાઈક, કારણ કે તે સ્ટાર તારો નથી પણ તારા જેવો દેખાય છે. લઘુગ્રહો પણ દૂરબીનથી જોતાં ગ્રહોની માફક નાની થાળી દેખાડે છે. પીયાઝીએ સેરેસને શોધ્યો પછી તેનો અભ્યાસ કર્યો છે. થોડા દિવસ પછી તે મળ્યો નહીં. અને પછી તે અઠવાડિયા સુધી મળ્યો નહીં. છેવટે પીઆઝીએ જાહેર કર્યું કે મેં શોધેલો અવકાશીપિંડ મને હવે મળતો નથી. આ બાબત મને કોઇ મદદ કરે તો વિખ્યાત ગણિતશાસ્ત્રી કાર્લ ફ્રેડ્રિક ગૉસ તેની મદદે આવ્યાં. પીઆઝીનાં નિરીક્ષણો લઇને તેને ગણિતની એવી રીત શોધી કાઢી કે તેની પૂરી કક્ષા દોરી શકાય અને પછી સમય કેટલો પસાર થયો તેના પરથી તેને જગ્યા શોધી શકાય. આમ સેરેસને પાછો શોધી કાઢવામાં આવ્યો.

૧૯૭૫માં ઈરોઝ નામના લઘુગ્રહે પૃથ્વીના આકાશમાં દર્શન દીધા હતા. ઈરોઝ તદ્દન નાનો લઘુગ્રહ છે. મોટા લઘુગ્રહો દડા જેવા ગોળ હોય છે પણ નાના લઘુગ્રહોના આકારો ચિત્ર-વિચિત્ર હોય છે. કેટલાક બટેટાના આકારનાં હોય છે, કેટલાંક શક્કરિયા આકારના હોય છે. કેટલાંક ગાજરનાં આકારના હોય છે તો કેટલાક ડજબેલ આકારના હોય છે. તેઓ પોતાની ધરી પર પણ ગોળ ગોળ ઘૂમે છે. તેના આકાર અનિયમિત હોઇ તેમાંથી આવતો પ્રકાશ પણ ઓછો વધતો થાય છે. રાત્રિ આકાશમાં જ્યારે તેની વિશાળ ભાગ સૂર્ય કરફ હોય છે ત્યારે તે પ્રકાશિત દેખાય છે. પણ પછી જયારે તેનો નાનો ભાગ સૂર્ય તરફ આવે છે ત્યારે તે ઝાંખો દેખાય છે. ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ કે લઘુગ્રહો સ્વયં પ્રકાશિત હોતા નથી. તે બધા સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરી પોતાને દેખાડે છે. લઘુગ્રહો કાર્બન, રેતી, ધાતુઓ અને કાળમીંઢ પથ્થરના બનેલાં હોય છે. વિજ્ઞાનીઓ માને છે કે ભવિષ્યમાં જ્યારે પૃથ્વી પરની ધાતુઓની અને પથ્થરોની ખાણો ખલાસ થવા આવશે ત્યારે તેમાં પૃથ્વીવાસીઓને આ બધા પદાર્થોનો પુરવઠો પૂરો પાડશે. લઘુગ્રહો સૂર્યમાળાનો જન્મ, રચના અને વિકાસ સમજવા માટે ઘણા અગત્યમાં છે. તેઓ ઉલ્કાઓ, ધૂમકેતુઓ અને બીજા નાના નાના આકાશીપિંડોના વર્ગનાં છે. આ બધા આકાશીપિંડો નાના હોવા છતાં પણ સૂર્યમાળાને સમજવામાં ખૂટતી કડી પૂરી પાડી શકે તેમ છે. ટોટાટીસ નામનો લઘુગ્રહ ગડથોલિયાં ખાય છે. દર ચાર વર્ષે પૃથ્વીની નજીક આવે છે. તે ભયરૂપ છે. રોકેટો અંતરીક્ષ યા લઘુગ્રહ પર જલ્દીથી ઉતારશે.

ભવિષ્યમાં લઘુગ્રહો પર કોલોની બંધાશે અને તેઓ સૂર્યમાળામાં નાના શહેરો જેવા હશે. પૃથ્વી પણ એક અંતરીક્ષવાન જ છ જે તેની કક્ષામાં સતત સૂર્યની પરિક્રમા કરે છે. લઘુગ્રહો નાના આકાશીપિંડો હોવાથી તેમની ફરતે વાયુમંડળ હોતું નથી. ત્યાંથી રાત્રિ આકાશ ખૂબ જ ભવ્ય દેખાય છે. હકિકતમાં ત્યાં દિવસે પણ તારા દેખાય છે અને તેનો અભ્યાસ થઇ શકે છે. સૂર્ય અને તારા સાથે દેખાય છે. જેમ રાત્રિ આકાશમાં ચંદ્ર તારા વચ્ચે વિહરતો દેખાય છે તેમ લઘુગ્રહો પર સૂર્ય તારા વચ્ચે વિહરતો દેખાય. ત્યાં ગુરુત્વાકર્ષણ તદ્દન ઓછું હોઇ ત્યાંથી પલાયન થવું સરળ પડે ત્યાંથી રોકેટને આકાશમાં છોડવાનું તદ્દન સહેલું કાર્ય હોય. ઓછી ઊર્જા, ઓછી ઈંધણના ખર્ચે આકાશમાં રોકેટને છોડી શકાય.

પૃથ્વી પર ક્ષિતિજ આપણાથી ૨૦,૦૦૦ ફૂટ દૂર હોય. લઘુગ્રહ પર તે માત્ર ૨૦૦ કે ૫૦૦ ફૂટ જ આપણાથી દૂર હોય. તેથી ત્યાં મોટા ગુંબજ ધરાવતા પ્લેનેટેરિયન જેવો તે દુનિયાનો દેખાવ લાગે.

ઘણાખરા લઘુગ્રહોનું નિવાસસ્થાન મંગળ અને ગુરૂ વચ્ચેના ક્ષેત્રમાં છે. તેને લઘુગ્રહોનો પટ્ટો કહે છે. બીજા કેટલાક દરેકે દરેક ગ્રહની ફરતે ઝળુંબે છે અને થોડા બીજા પૂરા સૂર્યમંડળમાં વિહાર કરે છે. સૂર્યમાળામાં બીજા પણ લઘુગ્રહોનો પટ્ટા મળી આવ્યા છે અને ગ્રહોના ઉપગ્રહ મંડળનો પણ તદ્દન નાના નાના લઘુગ્રહો ભરેલા પટ્ટા હોવાની શક્તા છે.

આપણને થાય કે લઘુગ્રહો કેવી રીતે જન્મ્યા હશે? તારા અને તેની ગ્રહમાળાઓ વાયુના વિશાળ વાદળમાંથી જન્મ લે છે. આપણી આકાશગંગા મંદાકિનીમાં હજુ પણ આવા લાખો અને કરોડો વાયુનાં વિશાળ વાદળો નજરે પડે છે. વાયુનાં વાદળોમાં ગુરુત્વાકર્ષણને લીધે ગુરુત્વી પતન થાય છે. આ વાયુનાં વાદળો ગોળ ગોળ ફરતાં હોવાથી તેમના વિષુવવૃત્ત પર ફૂલે છે. જેમ જેમ તે સંકોચાય તેમ તેમ તેનું ધરીભ્રમણ તીવ્ર બને છે અને તેની મધ્યેરેખા પર તે વધારે ને વધારે ફૂલે છે. એક વખત એવો આવે છે કે કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળની બરાબર થાય છે. ત્યારે વાદળનો મધ્યરેખા પર ફૂલેલા ભાગ વલય રૂપે છુટ્ટો પડે છે અને તેમાં ગ્રહ બંધાય છે. આમ ક્રિયા ચાલ્યા જ કરે છે અને એક પછી એક ગ્રહ જન્મ લે છે અને વાયુનાં વાદળનો કેન્દ્ર ભાગ ખૂબ ઘટ્ટ અને ગરમ થઇ જાય છે. ત્યાં વાયુનું દબાણ પ્રચંડ હોય છે. તેમાં ન્યૂક્લિઅર રિએકશન શરૂ થઇ જાય છે. તે સૂર્ય તરીકે તારા તરીકે અવતાર લે છે અને તેની ફરતે ગ્રહો પરિક્રમા કરતા થાય છે. વાયુનું વાદળ જે વલયો છુટ્ટા કરે છે, તેમાં પ્રથમ નાના ના પિંડો, ખડકો બને છે. જે ભેગા મળીને ગ્રહ બનાવે છે. ગ્રહની ફરતે પણ નાના નાના પિંડો બાકી પડયા રહે છે તે જ લઘુગ્રહો. કોઇ વલયમાં અમુક કારણોસર ગ્રહ ન બંધાય તો તે લઘુગ્રહના પટ્ટા રૂપે દૃશ્યમાન થાય છે. હકિકતમાં પૂરું સૂર્યમંડળ લઘુગ્રહો અને ધૂમકેતુઓનો મહાસાગર છે. લઘુગ્રહો સૂર્યમાળાના બંધારણની ઈંટો છે. મકાન ચણાઇ જાય અને તેની ફરતે ઈંટોનો ભંગાર પડ્યો રહેે, તેમ સૂર્યમાળા બંધાઈ ગઇ પછી જે પદાર્થ પડી રહે તે નાના-મોટા ખડકો હોય જેને આપણે લઘુગ્રહો કહીએ છીએ. લઘુગ્રહો સૂર્યમાળાનો મૂળભૂત પદાર્થ છે.

લઘુગ્રહોમાંથી ભવિષ્યમાં ધાતુઓ મેળવાશે, પાણી અને પેટ્રોલ મેળવાશે અને હીરા, સોનું, ચાંદી વગેરે મેળવી શકાશે. ભવિષ્યમાં તેમના પર કોલોની સ્થપાશે. તે પૃથ્વી પરની માનવજાતને ખતરારૂપ પણ છે. તે વારંવાર પૃથ્વી પર આવી પડે છે અને ભયંકર વિનાશ નોતરે છે. પૃથ્વી પર લોનાર લેઇક બેરીન્જર ઉલ્કાકુંડ, ખજિયાક સરોવર આકાશમાંથી આવી પડેલા લઘુગ્રહોમાં પદચિન્હો છે. ૨૦૦ ફુટના લઘુગ્રહો પૃથ્વી પર બંબે કિલોમીટર પહોળા અને અડધો કિલોમીટર ઊંડા ઉલ્કાકુંડો બનાવે છે. જો લઘુગ્રહ મોટો હોય તો પાંચ, દશ કે ૫૦ કિલોમીટર પહોળા ઉલ્કાકુંડો બનાવે છે. પૃથ્વી પર આવા કેટલાય ઉલ્કાકુંડો છે. મનાય છે કે બે કરોડ ૬૦ લાખ વર્ષો પહલાં ૧૦ કિલોમીટરની સાઇઝનો એક લઘુગ્રહ પૃથવી સાથે અથડાયો હતો. તેણે ડાયનોસોર્સનું નિકંદન કરી નાખ્યું હતું.

લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાય છે ત્યારે સો એટમ બોમ્બ એકસાથે ફૂટે તેટલો વિનાશ વેરે છે. સો કિલોમીયર સુધી એક ઝાડ પણ ઊભું રહી શકતું નથી. હજારો ટન ધૂળને અંતરીક્ષમાં ફેંકે છે. વાયુમંડળ ધૂળથી ભરાઇ જાય છે અને માણસો અને પ્રાણીઓ ગૂંગળાઇને મૃત્યુ પામે છે. તે ક્ષેત્રમાં દિવસો સુધી સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવી શકતો નથી. આમ લઘુગ્રહ હોય છે નાનો પણ તેની વિનાશ શક્તિ ગણી મોટી હોય છે. તેની ગતિને લીધે તે જયારે પૃથ્વી સાથે અથડાય છે ત્યારે હજારો ટન ધૂળને વાયુમંડળમાં ફેંંકે છે. બધાં મકાનોને ધરાશયી કરી નાખે છે અને તે મહાવિનાશનું કારણ બને છે. તેની અથડામણથી પૃથ્વીની જમીનમાં એટલું મોટું દબાણ સર્જાય છે કે કોલસો હીરો બની જાય છે અને સેન્દ્રિય પદાર્થો પેટ્રોલ, કેરોસીન, પાણીમાં ફેરવાઇ જાય છે. કોઇ વાર તે નજીકમાં પાતાળ ફોડી નાખે છે અને પાણીનું ઝરણું ઉત્પન્ન કરે છે. તે વાયુમડળના ઘટકોમાં પણ ફેરપાર કરી શકે છે. તે જબ્બર ભયંકર ધરતીકંપ થાય તેટલા વિનાશ વેરે છે. કુદરતની આ પ્રક્રિયામાંથી બચી શકાતું નથી. તે સૂર્યમાળાનાં સતત ચાલતી ક્રિયા છે. હજાર, પાંચ હજાર, પચાસ હજાર વર્ષે એકાદ નાનો મોટો લઘુગ્રહ તો પૃથ્વી સાથે અથડાય જ છે. ચંદ્ર, બુધ, મંગળ, પ્લુટો અને બીજા સૂર્યમંડળના ગ્રહોનાં ઉપગ્રહો છે. લઘુગ્રહોની સપાટી જોશો તો તેના પર કેટલાય ઉલ્કાકુંડો નજરે ચઢે છે. પૂરા સૂર્યમંડળમાં લઘુગ્રહોની અથડામણ ચાલુ જ છે. સૂર્યમાળામાં તે તરતા પહાડો છે. જયાં પડે ત્યા વિનાશ સર્જે છે. પણ સાથે સાથે નવસર્જન પણ થાય છે. કોઇ એક લઘુગ્રહના પૃથ્વી પર આવી પડે તો શું કરવું? તે માટે વિજ્ઞાનીઓ ચિંતિત છે અને તે પૃથ્વી સાથે અથડાય નહીં અને તેને અંતરીક્ષમાં બીજે માર્ગ વાળી દેવાય તેવી યોજના ઘડે છે.

લઘુગ્રહો પૃથ્વી પરના જીવનનો વિકાસ, પૃથ્વી ફરતેના વાયુમંડળનો વિકાસ સાથે સંબંધ ધરાવે છે. થોડા દાયકા પહેલાં ખગોળવિદો લઘુગ્રહોના અભ્યાસને ન્યૂનતમ માનતા હતા, પણ હવે તે લોકોના લઘુગ્રહોના અભ્યાસની અગત્યતા સમજમાં આવી છે. લઘુગ્રહોેના નામો માણસોના નામ પર પણ છે. વિક્રમ સારાભાઇ, રામાનુજન, મૃણાલિની સારાભાઇ અને તેમની દીકરીની નામે પણ લઘુગ્રહો છે. એવી પ્રથા છે કે લઘુગ્રહને જે શોધે તે તેનું નામ ગમે તે રાખી શકે છે. તેની માતાનું નામ, તેના ગામનું નામ વગેરે. તેના પર કોઇ નિયંત્રણ નથી. ગ્રહો અને ઉપગ્રહોના નામો પૌરાણિક કથાનાં પાત્રોનાં નામ પર જ રાખી શકાય. ધૂમકેતુનાં નામો તેના શોધનારાના પોતાના નામે જ રખાયા છે. આ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક યુનિયનના નિયમો છે.