Thursday, August 14, 2014

અજબ મંદાકિનીની ગજબ રચના --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=117203


વિસ્તાર ૩ લાખ પ્રકાશવર્ષ છે અને તેમાં ૫૦૦ અબજ તારા છે


બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

સત્તરમી સદીના પ્રારંભે ગેલિલિયોએ પોતાનું નાનું દૂરબીન બનાવી રાતે આકાશ તરફ માંડ્યું. ગેલિલિયોએ પોતાનું દૂરબીન આકાશમાં તાક્યું તે પહેલા જર્મન ઓપ્ટિશિયનો તેનો ઉપયોગ દિવસે દૂર દૂરની વસ્તુ જોવા કરતાં અથવા દૂર દૂરના ઘરમાં કે પડોશીના ઘરમાં શું ચાલી રહ્યું છે, તે ઘર કેવું છે તે જોવા કરતાં અને સાંજ પડે એટલે તેને પેટીમાં પેક કરી મૂકી દેતાં. ગેલિલિયો વિજ્ઞાની હતો. તેને તદ્દન ઉંધું જ કર્યું. રાતે પેટી ખોલી દૂરબીન કાઢ્યું અને રાત્રિ આકાશ તરફ તાક્યું.

ગેલિલિયોએ તેનું દૂરબીન આકાશગંગાના દિવ્ય શુભ્ર પટ્ટા પર તાક્યું. તે પટ્ટાને દૂધગંગા અથવા દૂધિયો પટ્ટો કહેવામાં આવતો. આપણા દેશમાં તેને આકાશમાં વહેતી ગંગા કહેતા. ગેલિલિયોએ તેના નાના દૂરબીનથી દુધિયા પટ્ટાનો અભ્યાસ કરીને દર્શાવ્યું કે તે કોઈ દુધિયો પટ્ટો નથી પણ તારાથી ખીચોખીચ ભરેલાં ક્ષેત્રો છે. તેને પછી ઝવય ખશહસુ ૂફુ ૠફહફડ્ઢુ નામ આપવામાં આવ્યું. આપણે તેને આકાશગંગા મંદાકિની કહીએ છીએ.

અઢારમી સદીના અંતમાં સર વિલિયમ હર્ષલે આકાશગંગા મંદાકિનીનું મેપીંગ કરવાનું શરૂ કર્યું એટલે કે તારા ગણવાનું અને આકાશગંગાનો આકાર કેવો છે તે જાણવા પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. પ્રાચીન સમયમાં એમ મનાતું કે પૃથ્વી વિશ્ર્વના કેન્દ્રમાં છે, પછી મનાતું કે સૂર્ય વિશ્ર્વના કેન્દ્રમાં છે, પછી મનાતું કે સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં છે, પછી મનાતું કે આકાશગંગા જ વિશ્ર્વ છે. પછી ખબર પડી કે આપણો સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં નથી પણ તેના કેન્દ્રથી ૩૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે.

જેમ જેમ ખગોળવિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ ખબર પડી કે આપણી આકાશગંગાનો દેખાતો વિસ્તાર એક લાખ પ્રકાશવર્ષ છે અને તેમાં ૧૦૦ અબજ તારા છે. હાલમાં માલૂમ પડ્યું છે કે આકાશગંગાનો વિસ્તાર ૩ લાખ પ્રકાશવર્ષ છે અને તેમાં ૫૦૦ અબજ તારા છે. આકાશમાં દેખાતા નક્ષત્રો, રાશિઓ, તારકસમૂહ બધાં જ આકાશગંગાના છે. લાલ, પીળા, સફેદ, વાદળી રંગના તારા દેખાય છે તે રંગો તારાની સપાટી પરનાં ઉષ્ણતામાનના દ્યોતક છે અને તેની વય પ્રદર્શિત કરે છે. લાલ તારા વૃદ્ધ તારા છે, પીળા તારા મધ્યમ વયના તારા છે અને સફેદ અને બ્લૂ (વાદળી) રંગના તારા યુવાન તારા છે.

આપણી આકાશગંગા મંદાકિનીનો આકાર પંજાબી પૂરી જેવો છે, તેનું કેન્દ્ર ઝળહળાટ પ્રકાશે છે એટલું તો તે પ્રકાશિત છે કે કોઈ સીમા નહીં. ખગોળવિદો કહે છે કે આકાશગંગાના કેન્દ્રમાં અબજો સૂર્યના પદાર્થવાળું બ્લેકહોલ છે અને તે જ મંદાકિનીને ગુરુત્વાકર્ષણ શક્તિ આપે છે.

આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં શું છે તે જોઈ શકાતું નથી. આકાશગંગાના કેન્દ્રથી દશ પ્રકાશવર્ષ સુધીમાં ડોકિયું કરી શકાતું નથી. સૂર્યની આકાશગંગાના કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરવાની કક્ષાની અંતર્ગત આકાશગંગાનો પ્રદેશ તારાથી ખીચોખીચ ભરેલો છે. ત્યાં સૌથી પ્રથમ જન્મેલાં તારા છે. એ બધા તારા સૂર્યના મોટાભાઈઓ છે. મંદાકિનીને સર્પિલભૂજાઓ છે. એક સર્પિલ ભૂજામાં સૂર્ય છે. 

સૂર્યને મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરતાં ૨૫ કરોડ વર્ષ લાગે છે. આપણી પાસે ૧૦,૦૦૦ વર્ષનો ઈતિહાસ નથી. આકાશગંગા જન્મી ત્યારથી માંડીને હાલ સુધીમાં સૂર્યે આકાશગંગાની માત્ર ૧૮ પરિક્રમા કરી છે. આકાશગંગામાં સો-સો, બસો-બસો પ્રકાશવર્ષ સુધી પથરાયેલાં વિરાટ અતિવિરાટ મોલેક્યુલર અને આયોનાઈઝડ વાયુ અને રજકણોનાં વાદળો છે. જ્યારે સૂર્ય મંદાકિનીના કેન્દ્રની પરિક્રમા કરતાં કરતાં આવા વાયુના વાદળોમાંથી પસાર થાય છે ત્યારે પૃથ્વી પર હિમયુગ આવે છે. પૃથ્વી પર રોગો પણ ફેલાય છે અને પૃથ્વીના વાયુમંડળમાં પણ ફેરફાર થાય છે. કદાચ જીવનના બીજ આ વાયુનાં વાદળોનાં પદાર્થમાંથી પૃથ્વી પર આવ્યા હોય. મંદાકિનીમાં જ્યાં પણ દૂરબીન માંડો ત્યાં જીવનરસની હાજરી નજરે ચઢે છે.

કોઈ પણ મંદાકિની લો. તેની રચના મધપૂડા જેવી છે, તેમાં ખાના ખાના (કમ્પાર્ટમેન્ટ્સ) છે. દરેક નાના-મોટા ખાનામાં એક એક તારો અને તેના ગ્રહમંડળો વસે છે. તારા માટેના આ ખાનાનો વિસ્તાર તારો મંદાકિનીના કેન્દ્રથી કેટલો દૂર છે અને તે પોતે કેટલો ભારે છે તેના પર છે, જેમ શહેરમાં બિલ્ડિંગો હોય, ફલેટો હોય અને તેમાં સામાન્ય શહેરીજનોનાં ફેમિલી વસતા હોય તેવું ચિત્ર છે. આપણી સૂર્યમાળામાં પણ દરેકે દરેક ગ્રહોને રહેવાના ફલેટો છે જ્યાં તેઓ તેમની ઉપગ્રહમાળા સાથે રહે છે.

આકાશગંગા મંદાકિની તેની નજીકની અને પોતાની સેટેલાઈટ ગેલેક્ષી (ઉપ-મંદાકિની) લાર્જ મેગેલેનીક કલાઉડને પોતાના પ્રચંડ ગુરુત્વાકર્ષણથી છિન્ન-વિછિન્ન કરતી જાય છે. તેના લીરા કાઢે છે. તેને પોતાની તરફ ખેંચે છે. તેમાંથી પદાર્થ ખેંચે છે. તેને લાંબી-રીબીન બનાવી નાખે છે. મિલ્કી છે અને મોટા મેગેલેન વાદળ વચ્ચે જાણે બ્રીજ બન્યો હોય, રામસેતુ બ્રીજ બન્યો હોય તેમ દેખાય છે. તે મેગેલેનના વાદળમાં રહેલા તારાને ફટાકડાની જેમ ફૂટવા મજબૂર કરે છે.

તાજેતરમાં ગઈઆ-ઈસો (ૠફશફ-ઊતજ્ઞ) પ્રકલ્પની અંતર્ગત મિલી સ્થિત ૮-મીટરના વિશાળ દૂરબીનની મદદથી આંતરરાષ્ટ્રીય ખગોળવિદોની એક ટીમે આકાશગંગાનો અભ્યાસ હાથ ધર્યો હતો. તેઓએ શોધી કાઢ્યું છે કે મંદાકિની ફરતે અલગ અલગ ઝોન છે અને મંદાકિનીના કેન્દ્રની નજીક તારા સૌ પ્રથમ જન્મ્યા હતા અને જેમ જેમ બહારની બાજુએ જતા જઈએ તેમ તેમ તારા પાછળથી જન્મ્યા હતાં. મિલ્કી વે વિષેના આ સંશોધનમાં પ્રોફેસર ગેરી ગિલ્મોર જે પ્રોજેક્ટના મુખ્ય ખગોળવિદ છે. મારીઆ બર્ગમન જે કેમ્બ્રિજની ઈન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોનોમી સાથે જોડાયેલ છે, આલ્ડો સેરેનેટની જે બાર્સેલોનાની ઈન્સ્ટ્ટિયૂટ ઓફ સ્પેશ સાયન્સ સાથે જોડાયેલા છે વગેરે ખગોળવિદો જોડાયેલાં છે.

આ ખગોળવિદોએ શોધી કાઢ્યું છે કે ૮ અબજ વર્ષની નીચેના વયના તારા તેમની વય ગમે તેટલી ઓછી વધતી હોય બધામાં ધાતુઓનું પ્રમાણ લગભગ સરખું જ હોય છે. આનાથી વધારે વયના તારામાં ધાતુઓ નહીવત્ પ્રમાણમાં જ હોય છે. પણ આ બંને પ્રકારના તારા પૂરી મંદાકિનીમાં પથરાયેલાં છે. અહીં આપણને વય અને તારાની ઘનતાનો સંબંધ દેખાય છે. હવે વિજ્ઞાનીઓ આકાશગંગા મંદાકિનીને વધારે સમજતા થયાં છે. આકાશગંગાના કેન્દ્રની નજીક ભારે ધાતુઓ ભરેલાં તારા છે. દૂર ઓછી ધાતુ ભરેલા તારા છે. મંદાકિનીના કેન્દ્ર નજીક વહેલા જન્મેલા તારા છે. જ્યારે દૂર નવા જન્મેલા તારા છે. આમ આપણી મંદાકિનીનો પદ્ધતિસરનો અભ્યાસ શરૂ થયો છે તે મંદાકિનીના નહીં સમજાયેલા રહસ્યોને છતાં કરશે.

No comments:

Post a Comment