Friday, August 15, 2014

બ્રહ્માંડ વિરાટનો હિંડોળો જ છે --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=135587

આ બ્રહ્માંડરૂપી હિંડોળો ફળો, ફૂલો, પ્રાણીઓ, પંખીઓથી શણગારાયેલો છે. તે લયબદ્ધ ચાલે છે. હિંડોળામાં લય હોય છે, એ જ લયથી આ બ્રહ્માંડ ચાલે છે. હિંડોળેથી જે ઊતરી જાય તે કાયમી ઊતરી જાય છે.

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

હાલમાં શ્રાવણ માસ ચાલે છે. શ્રીકૃષ્ણના મંદિરમાં હિંડોળાનો ઉત્સવ ઊજવવામાં આવે છે. આ ઉત્સવ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે, તે સૂચવવા ઊજવવામાં આવે છે. વિરાટ એટલે ઈશ્ર્વર, વિશ્ર્વરૂપ દર્શન દેખાડનાર ઈશ્ર્વર. આ સકળ બ્રહ્માંડ ઈશ્ર્વરનું સ્વરૂપ છે અને આ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે, આપણે બધા વિરાટના હિંડોળે હીંચકા ખાઈએ છીએ, જો આ હીંચકો ચાલે નહીં તો બધું અસ્તિત્વ નષ્ટ પામે. આપણા ઋષિ-મુનિઓનું બ્રહ્માંડ વિષેનું તત્ત્વજ્ઞાન બહુ ઉચ્ચતમ હતું. તેઓ જોઈ શકતા હતા કે આ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો જ છે અને તેના સિવાય બીજું કશું જ નથી. માટે જ તેઓએ મંદિરમાં હિંડોળાની પ્રથા શરૂ કરી અને સામાન્ય લોકોને બ્રહ્માંડની સમજ આપવા પ્રયત્ન કરેલો, પણ ઘણા લોકોને આ વિરાટના હિંડોળાના તત્ત્વજ્ઞાનની સમજ નથી. 

આ બ્રહ્માંડરૂપી હિંડોળો ફળો, ફૂલો, પ્રાણીઓ, પંખીઓથી શણગારાયેલો છે. તે લયબદ્ધ ચાલે છે. હિંડોળામાં લય હોય છે, એ જ લયથી આ બ્રહ્માંડ ચાલે છે. હિંડોળેથી જે ઊતરી જાય તે કાયમી ઊતરી જાય છે. બ્રહ્માંડનો લય જ બ્રહ્માંડનું ચાલકબળ છે. જો હિંડોળામાં અરાજકતા ઉત્પન્ન થાય તો તેનો લય ખતમ થઈ જાય છે અને બધું છિન્ન-ભિન્ન થઈ જાય છે. 

હિંડોળો ચાલે તેમાં તે ઊંચે હોય છે, પછી તે નીચે ઊતરે છે. ઊંચે છે તેને નીચે આવવું જ પડે છે અને જે નીચે છે તે ઉપર જાય જ છે. જીવનમાં ચડતી-પડતી થયા જ કરે છે, સર્જન અને વિસર્જન થયા જ કરે છે. આ ચડતી-પડતીની ક્રિયા પણ લયબદ્ધ જ હોય છે. રાત થાય છે પછી દિવસ થવાનો જ છે, સૂર્યાસ્ત થાય છે પછી સૂર્યોદય થવાનો જ છે. આ કુદરતનો લય છે. 

પૈડું બ્રહ્માંડના આ હિંડોળાનું જ રૂપ છે. તેનું બિન્દુ ઉપર જાય છે પછી તેને નીચે આવવું જ પડે છે.આ જ ચક્ર આકાશમાં ચંદ્ર અને સૂર્યના વિહારને લાગુ પડે છે. તેમાંથી જ સુદ આઠમ, પૂનમ, વળી પાછી વદ આઠમ અને અમાસ, વર્ષ બધાનો જન્મ થયો છે. આ બધાં વિરાટના હિંડોળાના દ્યોતક છે. બ્રહ્માંડમાં ક્યાં ચક્રગતિ નથી? ચક્રગતિ એ ઊર્જાના એક્સચેન્જને દર્શાવે છે. બ્રહ્માંડમાં જે ઊર્જાને આદાન-પ્રદાન (એક્સચેઈન્જ) ચાલે છે તે વિરાટના હિંડોળાનું પ્રતીક છે. ચક્ર જ પૂરા બ્રહ્માંડને ચલાવે છે અને તે જ વિરાટનો હિંડોળો.

બાળકોને ઝૂલે ઝૂલવા દેવા જોઈએ. તો જ તેમને બ્રહ્માંડના ડાયનામિક્સની ખબર પડે. ફજેત ફાટકુ (Marry-go-round) લ્યો કે ચગડોળ (Giant wheel) લ્યો તે વિારટના હિંડોળાનો જ અહેસાસ કરાવે છે.

એટમમાંround નાભિ-પ્રોટોનની ફરતે જે ઈલેક્ટ્રોન પરિક્રમા કરે છે તે હિંડોળે જ હીંચે છે. ઘડિયાળનું લોલક વિરાટ હિંડોળાનું જ પ્રતીક છે જે સમયને દર્શાવે છે. સમય હિંડોળાના રૂપે જ મપાય છે. ગ્રહો જે સૂર્યની પરિક્રમા કરે છે કે ઉપગ્રહો પોતપોતાની ગ્રહની પરિક્રમા કરે છે તે વિરાટના હિંડોળાના જ દર્શન કરાવે છે. બ્રહ્માંડમાં જન્મ-મરણનું ચક્ર વિરાટના હિંડોળાનો જ અહેસાસ કરાવે છે.

બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે તેની વધારે સાબિતી જોઈતી હોય તો પ્રકાશ છે. પ્રકાશ હકીકતમાં તરંગો છે. તરંગો એટલે ચક્રગતિ, તરંગો એટલે ઝૂલો. એ પછી પ્રકાશના તરંગો હોય કે અવાજનાં. આ પૂરું બ્રહ્માંડ વિદ્યુત-ચુંબકીય તરંગોથી ભરેલું છે. બ્રહ્માંડમાં ચક્રો ચાલ્યા જ કરે છે, હિંડોળા ચાલ્યા જ કરે છે. તે બધાં સુપ્રીમ હિંડોળાનું જ પરાવર્તન કરે છે. બધે જ નૃત્ય ચાલ્યા કરે છે. આ નૃત્ય હિંડોળો જ છે. તેનો લય વિરાટના હિંડોળાનો જ લય છે. બાળકનું ઘોડિયું વિરાટના હિંડોળાને જ પ્રદર્શિત કરે છે. હિંડોળો આનંદનું સ્વરૂપ છે. હિંડોળે ચઢો એટલે તમે જ્ઞાન-લય-તત્ત્વજ્ઞાનના ઝૂલે ઝૂલવા લાગો છો, તમે વિચારોની એક નવી દુનિયામાં જ ચાલ્યા જાવ છો. ઘણા લોકોને ઝૂલે ઝૂલવું ખૂબ જ ગમે છે, કારણ કે તે દિવ્યતાનો દ્યોતક છે. લગભગ બધાના જ ઘરે ઝૂલો હોય છે. બગીચામાં ઝૂલા હોય છે. લોકો ઝૂલાનું તત્ત્વજ્ઞાન જાણતા હોય કે નહીં પણ ઝૂલે ઝૂલવાનો આનંદ તો માણે જ છે. ઝૂલે ઝૂલીએ તો વિરાટના હિંડોળો ઝૂલતા હોઈએ એવો આનંદ આવે છે. પૂજ્ય મોરારીબાપુને ઝૂલે ઝૂલવાનો બહુ જ શોખ છે. તેઓ જ્યારે કથા કરતા હોય ત્યારે તો તે વિરાટના હિંડોળે જ ઝૂલતા હોય છે. માટે જ મોરારીબાપુ, મોરારીબાપુ છે. 

લય એ જ ઝૂલો. રાતે તારાની ટમટમાહટનો લય, પૂરા બ્રહ્માંડમાં ચાલતા સંગીતનો લય, તરંગો એટલે જ સંગીત, સંગીત એટલે લય. નરસિંહ મહેતાએ સુન્દર ગાયું છે. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. લટકા એટલે લય. નટરાજનું નૃત્ય પણ વિરાટનો હિંડોળો જ છે. જ્ઞાન અને વિજ્ઞાન વિરાટના હિંડોળાના લય પર જ ચાલે છે. સત્ય, વિરાટના હિંડોળાનો લય છે. બ્રહ્માંડમાં જેટલી ક્રિયાઓ ચાલે છે તે બ્રહ્માંડના હિંડોળાનાં લયને જ પ્રદર્શિત કરે છે. મહાસાગરનાં ઊછળતાં મોજાં બ્રહ્માંડના વિરાટ હિંડોળામાંથી નીકળતી ગર્જના છે. વસ્તુમાં દેખાતી સુડોળતા (symmetry) એ લયનો જ પ્રકાર છે. વિરાટના હિંડોળાનો મૂક લય એટલે સુડોળતા. ગીત-સંગીત એ જ લયનું પરાવર્તન કરે છે. બે માનવી વચ્ચેનો સંબંધ એ જ લયનું પ્રતીક છે. પ્રેમ એ લયનું અમૂર્ત સ્વરૂપ છે. પ્રેમ હોય તો જ લય જન્મે છે. લય જ વિરાટનો હિંડોળો છે. 

વિરાટના હિંડોળાની દોરી કઈ? તો કહે ઊર્જા. ઊર્જા વિરાટના હિંડોળાની દોરી છે, દોરી વડે ઊર્જા અપાય તો જ ઝૂલો ચાલે, હિંડોળો ચાલે. છેવટે ઊર્જા જ બ્રહ્માંડ રૂપી વિરાટ હિંડોળાને લયબદ્ધ ઝૂલાવે છે. રાસ, ગરબા અને શ્રીકૃષ્ણે રચેલો રાસ તે જ બ્રહ્માંડનો વિરાટ હિંડોળો. 

બ્રહ્માંડના વિરાટ હિંડોળાનું તત્ત્વજ્ઞાન બહુ ઊંડું છે. તેનું સ્થૂળ સ્વરૂપ પણ છે, તેનું સૂક્ષ્મ સ્વરૂપ છે અને તેનું અમૂર્ત સ્વરૂપ પણ છે. પવનની લહેરખી વિરાટના હિંડોળાનું આનંદ સ્વરૂપ છે જ્યારે ચક્રવાત તેનું ક્રોધાયમાન સ્વરૂપ છે. વૃક્ષો પવનના વાહકો છે માટે વિરાટના હિંડોળાનું તાદાત્મ્યરૂપ છે. રોમે-રોમમાં આનંદ તે વિરાટના હિંડોળાનું લય સ્વરૂપ છે. 

મંત્રો, કવિતા લયબદ્ધ હોય છે. માટે વિરાટના હિંડોળાને તે પ્રદર્શિત કરે છે. ધરતીકંપના તરંગો હોય છે. તરંગો એટલે હિંડોળો. ધરતીકંપ પૂરી પૃથ્વીને હિંડોળે ઝુલાવે છે. ધરતીકંપ તો માત્ર કુદરતી ક્રિયા છે પણ આપણે બનાવેલાં તકલાદી મકાનો પડી જાય છે અને પૃથ્વી પર મોતનું તાંડવ દેખાય છે. ધરતીકંપ બ્રહ્માંડના વિરાટ હિંડોળાનું જ સ્વરૂપ છે. સૂર્ય પોતે ધબકારા મારે છે. તે રણક્યા કરે છે. તે બ્રહ્માંડના હિંડોળાનું જ સ્વરૂપ છે. જીવંત વસ્તુના શરીરમાં ચાલતા ધબકારા વિરાટના હિંડોળાના અસ્તિત્વને દર્શાવે છે. હૃદયરૂપી લયબદ્ધ ચાલતો હિંડોળો બંધ થઈ જાય તો તે બ્રહ્માંડના વિરાટ હિંડોળામાં ભળી જાય છે. ઊર્જા પોતે તરંગો છે માટે વિરાટનો હિંડોળો જ છે. 

બ્રહ્માંડરૂપી વિરાટ હિંડોળાના તત્ત્વજ્ઞાનને હવે વિજ્ઞાન સમજાવી શકે છે. જ્યાં સુધી જ્ઞાન અમૂર્ત રહે ત્યાં સુધી તત્ત્વજ્ઞાન મૂર્ત થાય પછી તે વિજ્ઞાન બની જાય છે. માનવીનો કે વસ્તુનો પડછાયો શીખે બ્રહ્માંડરૂપી વિરાટ હિંડોળાનું જ સ્વરૂપ છે, કેમ કે તે નિયમાનુસાર નાનો મોટો થાય છે. ઋતુઓ જે બદલાય છે અને તહેવારો આવે છે તે પણ ઝૂલાની જેમ જ આંદોલન કરે છે. લોકો કે બધા જ પ્રકારનું જીવન આ બ્રહ્માંડરૂપી વિરાટ હિંડોળા પર સવાર થઈ જાય છે. થોડુંક દરરોજ ચઢે છે તો બીજું ઊતરે છે. પણ સમયની સાથે સતત આ વિરાટનો હિંડોળો ચાલ્યા જ કરે છે. વિરાટના હિંડોળાની ગતિવિધિનું નામ જ સમય છે. આપણું શરીર પોતે જ બ્રહ્માંડના વિરાટ હિંડોળાને પ્રદર્શિત કરે છે, કારણ કે તે શ્ર્વાસોચ્છ્વાસ કરે છે અને તે રિધમમાં છે. હાઈ કે લો બ્લડપ્રેશર આ હિંડોળાના લયને ક્ષતિ પમાડે છે.

1 comment: