Friday, August 15, 2014

જિનેટિકલી મોડિફાઇડ પદાર્થો આહારને ઝેરી બનાવી દેશે -- સ્પોટ લાઈટ - સંજય વોરા

બજારમાં બીટી શાકભાજી આવતાં થશે ત્યારે સામાન્ય શાકભાજી સાથેની ભેળસેળને કારણે જેઓ બીટી શાકભાજીથી બચવા માગતા હશે તેઓ પણ બચી શકશે નહીં


સ્પોટ લાઈટ - સંજય વોરા


કેન્દ્ર સરકારની જિનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટીએ ૧૫ પ્રકારનાં જિનેટિકલી મોડિફાઇડ (જીએમ) બિયારણોની ફિલ્ડ ટ્રાયલની પરવાનગી આપી તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. અત્યાર સુધી માત્ર બીટી કોટનના બીજનું ઉત્પાદન કરવાની જ પરવાનગી આપવામાં આવી હતી. કપાસનો ઉપયોગ ખાદ્ય પદાર્થ તરીકે કરવામાં આવતો નથી તો પણ તેનો દેશભરમાંથી ઉગ્ર વિરોધ થયો હતો. બીટી બિયારણમાં એક ઝેરી બેક્ટેરિયાના જીન્સ ભેળવવામાં આવે છે, જેને કારણે છોડ ઝેરી બની જતો હોવાથી તેને જંતુનાશક દવાઓની જરૂર ઓછી પડે છે, એવું કહેવાય છે. પરંતુ આ ઝેરી બેક્ટેરિયાને કારણે આખો છોડ ઝેરી બની જાય છે. અગાઉ કેન્દ્ર સરકારે બીટી રીંગણાનાં બિયારણનું વેચાણ કરવાની પરવાનગી આપી તેનો પ્રચંડ વિરોધ થયો તેને પગલે આ પરવાનગી રદ કરવાની સરકારને ફરજ પડી હતી. હવે ટૂંક સમયમાં બીટી ચોખા, બીટી ભીંડા અને બીટી કોબીજ બજારમાં લાવવાની તૈયારીઓ મલ્ટીનેશનલ કંપનીઓ કરી રહી છે. જ્યારે બજારમાં બીટી શાકભાજી આવતાં થશે ત્યારે તેની સાધારણ ખાદ્યપદાર્થો સાથે ભેળસેળ થઇ જશે. તેને કારણે જેઓ બીટી અનાજ અને બીટી શાકભાજીથી બચવા માગતા હશે તેઓ પણ બચી શકશે નહીં.

એક સમયે આપણા દેશની શાકાહારી પ્રજા સમક્ષ એવો ખતરો હતો કે પિપરમીન્ટ, ચોકલેટ, બિસ્કિટ વગેરેમાં માંસાહારી પદાર્થોની ભેળસેળ કરવામાં આવી હોય તો તેને ખ્યાલ જ ન આવે અને તે અજાણતા જ માંસાહારનું સેવન કરતી થઇ જાય. હવે મેનકા ગાંધીની જહેમતને પરિણામે કેન્દ્ર સરકારે કાયદો કરી દરેક ખાદ્ય પદાર્થના પેકેટ ઉપર તે શાકાહારી છે કે માંસાહારી તેનો સ્પષ્ટ નિર્દેશ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો ઉત્પાદકો પૂરતી ઇમાનદારી દાખવી આ સૂચનાનું પાલન કરે તો શાકાહારીઓ સાથે વર્ષોથી ચાલતી છેતરપિંડીનો અંત આવશે, પણ જિનેટિક એન્જિનિયરિંગની શોધોને કારણે હવે એક નવી જ મોંકાણ ઊભી થઇ છે. જિનેટિકલી મોડિફાઇડ બિયારણોનું ઉત્પાદન કરતી કંપનીઓને જો ભારતમાં મોકળું મેદાન આપવામાં આવશે તો ટૂંક સમયમાં એવી પરિસ્થિતિ સર્જાશે કે આપણે બજારમાંથી જે ટમેટાં ખરીદીશું તેમાં મરઘીના જનીનની ભેળસેળ કરવામાં આવી હશે અને ઘઉંમાં બકરાંના જીન્સ ભેળવવામાં આવ્યા હશે. આવી કંપારી છૂટે તેવી સ્થિતિ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જાય તો નવાઇ નહીં પામતા.

સૃષ્ટીના કોઇ પણ જીવંત પ્રાણીના જનીનમાં ફેરફારો કરી એક જીવના કોષમાં બીજા જીવના જનીનો દાખલ કરવાની વિદ્યાને જિનેટિક એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. જિનેટિક એન્જિનિયરિંગની વિદ્યા હવે પ્રયોગશાળાઓ અને વિજ્ઞાનીઓ પૂરતી મર્યાદિત નથી રહી પણ અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આ વિદ્યાનો ઉપયોગ કરી તગડો નફો રળવા મેદાને પડી છે. આ કંપનીઓનું ધ્યેય માનવજાતનું કલ્યાણ કરવાનું નથી પણ માનવજાતના આરોગ્ય અને સુખાકારીના ભોગે પણ નફો રળવાનું છે, એટલે જિનેટિક એન્જિનિયરિંગની વિદ્યા ખતરનાક પુરવાર થઇ શકે છે. આ વિદ્યાના ઉપયોગથી અમેરિકાના વિજ્ઞાનીઓએ સોયાબીનમાં માછલીના જનીનની ભેળસેળ કરી હતી. અમેરિકાની પ્રજાએ આ સોયાબીનનો વિરોધ કર્યો એટલે ત્યાંની સરકારે આવા દસ લાખ ટન સોયાબીનની ભારતમાં નિકાસ કરી દીધી. આ સોયાબીનમાં માછલીના જીન્સ ભેળવ્યા હોવા ઉપરાંત તેમાં આરોગ્યને નુકસાન કરે તેવા ગુણધર્મો પણ હોવાની સંભાવના હતી. જે શાકાહારીઓએ આ સોયાબીન ખાધા તેમને તો સ્વપ્નેય કલ્પના નહીં હોય કે તેઓ પોતાના પેટમાં માછલીનું માંસ પધરાવી રહ્યા છે. અમેરિકાની કંપનીઓ તો બાયોટેક્નોલોજીના વેપારમાંથી એટલો બધો નફો રળવા લાગી છે કે સરકારે આવી કંપનીઓ માટે અન્ન સલામતીના અનેક નિયમો ઢીલા મૂકી દીધા છે. અમેરિકામાં આ કંપનીઓ જીનેટિકલી મોડિફાઇડ ખાદ્ય પદાર્થો અને દવાઓનો વર્ષે ૫૦,૦૦૦ કરોડ ડૉલરનો ધંધો કરતી હોવાનું માનવામાં આવે છે. બ્રિટનમાં પણ જીએમ ખાદ્યપદાર્થો લોકોને વેચવા દેવા કે નહીં એ બાબતમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. બ્રિટનની સંસદમાં થોડા સમય અગાઉ મજૂર પક્ષના એક સંસદસભ્યએ એવો આક્ષેપ કર્યો હતો કે જીએમ ફૂડ ખાવાને કારણે કુલ ૫,૦૦૦ લોકોને ઝેરી વિષાણુઓનો ચેપ લાગ્યો હતો, જેમાંથી ૩૭નાં મોત થયાં હતાં અને ૧,૫૦૦ બીમાર પડી ગયા હતા.

ભારતમાં જે મોન્સાન્ટો કંપનીને કારણે કપાસ ઉગાડનારા ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે, તેણે બ્રિટનમાં કરેલાં પરાક્રમો પણ જાણવા જેવાં છે. બ્રિટનની લિન્કનશાયર નામની કાઉન્ટીમાં મોન્સાન્ટો કંપનીને જીએમ રાઇના બિયારણ ઉપર પ્રયોગો કરવાની શરતી છૂટ આપવામાં આવી હતી. આ કરારમાં એક એવી શરત હતી કે જીએમ બિયારણની પરાગરજ બાજુના ખેતરોના રાઇના પાકમાં ન પ્રવેશી જાય તે માટે બે ખેતરો વચ્ચે આડશો ઊભી કરવી જોઇએ. મોન્સાન્ટોની મથરાવટી મેલી હતી અને તેણે આડશો ઊભી ન કરી એટલે બીજા છોડને તેનો ચેપ લાગી ગયો. આ કારણે બ્રિટનના હેલ્થ એન્ડ સેફ્ટી ખાતાએ જ મોન્સાન્ટો કંપની સામે લિંકનશાયરના મેજીસ્ટ્રેટની અદાલતમાં કેસ કર્યો છે. જો આ આરોપ પુરવાર થાય તો મોન્સાન્ટોએ ૧૫ લાખ રૂપિયા જેટલો દંડ ભરવો પડશે. આપણા દેશમાં તો આવા પ્રયોગોના ભયસ્થાનો વિશે એટલું બધું અજ્ઞાન છે કે મોન્સાન્ટોની આના કરતા મોટી ગેરરીતિઓ પણ ખ્યાલમાં ન આવે. દાખલા તરીકે ગુજરાત સરકારે મોન્સાન્ટોને રાજ્યની ૧૨,૦૦૦ હેક્ટર જમીનમાં જ પ્રાયોગિક ધોરણે બીટી કપાસના વાવેતરની છૂટ આપી હતી. મોન્સાન્ટોએ સરકારી છૂટના હાલહવાલ કરી કુલ ૧૮,૦૦૦ હેક્ટર જમીનમાં બીટી કપાસનું વાવેતર કરી નાખ્યું તો પણ સરકારે તેની સામે કોઇ પગલાં લીધાં હોવાનું જાણમાં નથી. બ્રિટનમાં મોન્સાન્ટો કંપનીએ સાદા સોયાબીન સાથે જીએમ સોયાબીનની ભેળસેળ કરી તેના પેકેટો વેચાણ માટે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં આપી દીધા હતા. આ વાતની જાણ થતા સુપરમાર્કેટોના માલિકો પણ મોન્સાન્ટો કંપની ઉપર ખફા થયા છે. લંડનના ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’ દૈનિકનો સર્વે કહે છે કે બ્રિટનના ૫૧ ટકા લોકો જીએમ ફૂડનો વિરોધ કરતા થયા છે.

જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા જોખમી રસીના વિષાણુઓ આપણા શરીરમાં ઘૂસાડી દેવા માટે અમુક કંપનીઓ ભેદી યોજના તૈયાર કરી રહી છે. બોયસ થોમ્પ્સન નામની વિદેશી ફાર્માસ્યુટીકલ કંપનીએ તૈયાર કરેલી યોજના મુજબ કેળાના જનીનમાં ફેરફાર કરીને તેમાં હેપેટાઇટિસ-બીના વિષાણુ ઘૂસાડી દેવામાં આવશે. આ કેળાં ખાનારને ખબર પણ નહીં પડે કે તેના શરીરમાં કોઇ અજાણ્યા વિષાણુઓનો પ્રવેશ થઇ રહ્યો છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ દ્વારા અનેક નૈતિક પ્રશ્ર્નો પેદા થાય છે. શું ઉપભોક્તાને જાણ જ કર્યા વિના તેના શરીરમાં અજાણ્યા સજીવ પદાર્થો ઘૂસાડી દેવાની કોઇને પણ છૂટ આપી શકાય ખરી? આપણા દેશમાં આ બાબતમાં કોઇ કાયદાઓ અસ્તિત્ત્વ ધરાવતા નથી, જેનો ભરપૂર લાભ આજે મલ્ટીનેશનલ કંપનીઓ ઉઠાવી રહી છે.

જિનેટિકલ એન્જિનિયરિંગના પુરસ્કર્તાઓ કેવા અવનવા તુક્કાઓ લડાવે છે, એ જાણીને ઘણીવાર અચરજ થયા વિના રહેતું નથી. થોડા સમય અગાઉ બેબી ફૂડ બનાવતી એક મલ્ટીનેશનલ કંપનીએ માતાના દૂધના અમુક જીન્સ લઇ તેની ભેળસેળ ભેંસના દૂધ સાથે કરી હતી. તેમનો ઇરાદો ભેંસનાં આ જિનેટિકલી મોડિફાઇડ દૂધનો પ્રચાર માતાના દૂધના વિકલ્પ તરીકે કરવાનો હતો, પણ નિસર્ગપ્રેમીઓના વિરોધને કારણે આ યોજના અભરાઇ પર ચડાવી દેવી પડી હતી. જિનેટિકલી મોડિફાઇડ ખાદ્યપદાર્થોના વિરોધીઓ એવો આગ્રહ રાખી રહ્યા છે કે બજારમાં આવા પદાર્થો વેચવાની છૂટ આપવામાં આવે તો પણ તેના ઉપર તે મતલબનું સ્પષ્ટ લેબલ મારેલું હોવું જોઇએ જેથી ગ્રાહકોને પસંદગીનો અવકાશ મળે અને તેઓ અજાણતા જ આવા કોઇ પદાર્થો પોતાના પેટમાં ન પધરાવી દે. ઉત્પાદકો એવી દલીલો કરી રહ્યા છે કે ખેતરના સ્તરે જ આવા પદાર્થો સાથે સામાન્ય પદાર્થો ભળી જવાની સંભાવના છે, માટે લેબલિંગ શક્ય નથી. ઉત્પાદકોની આ દલીલ પોકળ છે. હકીકતમાં તેમને એવો ડર છે કે જો લેબલ મારવામાં આવશે તો લોકો આવા પદાર્થો ખરીદશે જ નહીં. ઓસ્ટ્રીયા અને લક્ઝેમ્બર્ગ જેવા દેશોમાં તો જિનેટિકલી મોડિફાઇડ પદાર્થોના ઉત્પાદન અને વેચાણ ઉપર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોર્વેમાં આવા પદાર્થો યોગ્ય લેબલ સાથે જ વેચી શકાય છે. જોકે બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં પ્રજાના સતત વિરોધ છતાં લેબલ મારવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું નથી.

જીએમ પદાર્થોના વિરોધીઓની મુખ્ય દલીલ એવી છે કે કુદરતે જે દરેક સજીવોની રચના કરી છે, તેની પાછળ ચોક્ક્સ ગણિત અને સિદ્ધાંતો કામ કરી રહ્યા છે. મનુષ્ય પોતાની ટૂંકી અને સ્વાર્થી બુદ્ધિથી આ રચનામાં મનઘડંત ફેરફારો કરશે તો સૃષ્ટિનું આખું તંત્ર જ ખોરવાઇ જશે. જિનેટિકલ એન્જિનિયરિંગને જો છૂટો દોર આપવામાં આવ્યો તો ટૂંક સમયમાં આપણી પૃથ્વી ઉપર એવા બેઘાઘંટ્ટુ સજીવો જોવા મળશે, જેની આપણે કલ્પના પણ કરી ન હોય. એક જ ઉદાહરણ જોઇએ તો અમેરિકામાં અત્યારે ડુક્કરના શરીરમાં માનવના જનીન ભેળવવાના પ્રયોગો ચાલી રહ્યા છે, જેને પરિણામે માનવોના અમુક ગુણધર્મો ધરાવતા ડુક્કરો પેદા થશે. કોઇ ભેજાગેપ વિજ્ઞાની માણસના જનીનમાં ડુક્કરના જનીનની ભેળસેળ કરી ડુક્કરનાં લક્ષણો ધરાવતા માણસો પેદા કરશે તો સમાજની શું હાલત થશે ?

No comments:

Post a Comment