Friday, August 15, 2014

કલ નૂમાઇશ મેં મિલા થા ચીથડે પહને હુએ… હમને પૂછા જો નામ, બોલા – હિન્દુસ્તાન હૈ… ! Jay Vasavada

http://planetjv.wordpress.com/


કલ નૂમાઇશ મેં મિલા થા ચીથડે પહને હુએ… હમને પૂછા જો નામ, બોલા – હિન્દુસ્તાન હૈ… !

15 Aug
India_by_Slickers03
કેટલા વખતે દેશમાં સવાર ઉઠીને સાંભળવાનું મન થાય અને આગળ કાગળ રાખ્યા વિના બોલી શકે એવા લીડરને લાલ કિલ્લા પરથી સાંભળવાનો આનંદ થયો. મોદીસાહેબનાં ફ્યુચર વિઝન અંગે ગુજરાતીઓને કોઈ શંકા હોઈ જ ના શકે, સવાલ એમના સપના સાકાર કરવા માટે પ્રજા +તંત્ર કેટલા તૈયાર છે એ જ છે. પણ આજે એમણે હજુ હમણાં જ મેં મારી કોલમમાં બે જુદા જુદા લેખોમાં અને મારા વરાછા બેન્કના તાજેતરની આર્થિક નીતિના પ્રવચનોમાં કરી એ વાત એમણે પણ ભારપૂર્વક કરી, એટલે ફરી એક વખત “રિઝોનન્સ”નો આનંદ થયો ! ( મને મોદી ગમે છે એનું મુખ્ય કારણ એ જ છે કે મને ગમતા કેટલાય વિચારોનું હું એમનામાં પ્રતિબિંબ જોઈ શકું છું ) એ વાત “MAKE IN INDIA” ની પ્રોડકટીવિટી વધારવાની. તો એ સાંભળી છેક ૨૦૦૮નો મારો આ લેખ યાદ આવી ગયો, જે ઝટ જુનો થાય એમ નથી. કારણ કે, આજે ય વોટ્સએપનાં ફોરવર્ડમાં આવે છે અને કહેવાતા “જાણીતા શિક્ષણવિદ” દીનાનાથ બત્રાનાં હાસ્યાસ્પદ નીવડેલા પુસ્તકોમાં પણ આ જ કોઈ રિસર્ચ વિના આ જ ગપ્પાબાજીની ગોખણપટ્ટી વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે ! આટલું સ્પષ્ટ મારા લેખમાં સત્ય ‘અનાવૃત’ થયેલું હોવા છતાં ગુજરાતના ભૂલકણાઓ પણ આ ભૂલી જાય છે. “સત્યમેવ જયતે”નું રાષ્ટ્રીય ઋષિસૂત્ર જો સિદ્ધ કરવું હોય તો અજ્ઞાનનાં અંધારા ઉલેચવા પણ આ બ્લોગપોસ્ટની લિંક મેક્ઝિમમ લોકોને મેસેજ કે કોઈ પણ માધ્યમે ફોરવર્ડ કરવા નમ્ર અપીલ છે. સચ્ચાઈની દવા જરાક કડવી લાગશે, પણ દેશની તબિયત રાંકડીમાંથી ફાંકડી કરવી હોય, તો લીમડાનો ઉકાળો સ્વાસ્થ્યવર્ધક નીવડે લાંબા ગાળે !
*****************
૧૫ ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી ઢૂકડી આવે કે ઇન્ટરનેટ પર તિરંગા અક્ષરે ટાઈપ થયેલો એક મેઇલ કૂદાકૂદ થવા લાગે છે. ‘ફેક્ટસ ટુ મેઇક એવરી ઇન્ડિયન’ પ્રાઉડ ! ચાલો, જરા ઉં…ડો શ્વાસ લઇને છાતી ફુલાવો વાંચો !
હ્યુલેટ પેકાર્ડના જનરલ મેનેજર કોણ છે ? રાજીવ ગુપ્તા. પેન્ટિયમ ચીપના ક્રિએટર કોણ છે ? વિનોદ દામ. દુનિયાના ટોચના અબજપતિમાં કોણ આવે છે ? મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી. એટી એન્ડ ટી અને બેલ લેબ.ના પ્રેસિડેન્ટ કોણ છે ? અરૂણ નેત્રાવલી. વિન્ડોઝ ૨૦૦૦ના ‘એમટીડી’ માઇક્રોસોફ્‌ટ ટેસ્ટિંગ ડાયરેકટર કોણ હતા ? સંજય તેજવિર્કા સીટીબેન્ક અને સ્ટેમ્ચાર્ટના સીઇઓ કોણ છે ? વિકટર મેન્ઝીસ, રાણા તલવાર. પેપ્સીના સીઈઓ કોણ છે ? ઇન્દ્રા નુઈ.

અમેરિકાના ૩૮% ડોક્ટર્સ ભારતીયો છે. ૧૨% વિજ્ઞાનીઓ પણ ભારતીય મૂળના છે. ‘નાસા’ જેવી પ્રતિષ્ઠિત વિજ્ઞાન સંસ્થાના ૩૬% વિજ્ઞાનીઓ હિન્દુસ્તાની છે ? નંબર વન સોફ્‌ટવેર કંપની માઇક્રોસોફ્‌ટના ૩૪ % કર્મચારીઓ ભારતીય છે. આઈબીએમ, ઇન્ટેલ, ઝેરોકમ જેવી કંપનીમાં ૨૮%, ૧૭ % અને ૧૩% ભારતીયો છે.
આનંદમ્‌ ? તાલીયાં ? ચાલો હવે શ્વાસ છોડો. છાતી સંકોચો. માથું ઝૂકાવીને આગળ વાંચો.

માર્ચ ૨૦૦૮માં ભારતીય રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં માનવ સંસાધન રાજ્યવિકાસ મંત્રી પુરન્દેશ્વરીએ આ જ ઇમેઇલ ‘ફિગર્સ’ને પોતાના જવાબમાં ટાંક્યા. (ઘણા ભાષણભડવીરો તો છૂટથી એ ફેંકીને તાળીયો ઉઘરાવતા ફરે છે !) અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના અનુભવી પત્રકાર ચિદાનંદ રાજદ્યટ્ટાએ સંસદ જેવી અધિકૃત સંસ્થામાં (માઇક ઉપરાંત) ચાલતી ગપ્પાઓની ફેકાંફેંકી અંગે જાહેર પડકાર ફેંક્યો.
૨૦૦૩માં બિલ ગેટ્‌સનો જ્યારે એમણે ઇન્ટરવ્યૂ કર્યો હતો, ત્યારે એક સવાલના જવાબમાં ખુદ બિલ ગેટસે (ભારતની શુભેચ્છા મુલાકાત પર હોવા છતાં) કહ્યું હતું કે માઇક્રોસોફ્‌ટમાં ભારતીયો હોવા અંગેનો આ આંકડો સાચો નથી. એમણે ૩૦ % જેટલા ભારતીયો હોવાની વાત જ હસી કાઢી હતી. એટલું કહ્યું હતું કે કંપનીના એન્જીનીયરિંગ સેકશનમાં (રિપિટ, એન્જીનીયરિંગ વિભાગમાં… કંપનીમાં નહિ) વઘુમાં વઘુ ૨૦% ભારતીયો હોઈ શકે ! ‘નાસા’માં કામ કરતા ભારતીયો જ એટલું તો સ્વીકારે છે કે અહીં વઘુમાં વઘુ ૪થી ૫ (હા, ચારથી પાંઆઆઆચ !) ટકા ભારતીયો છે !
એકચ્યુઅલી, અમેરિકામાં રંગભેદ સામેના પ્રબળ આક્રોશને લીધે વિરાટ, પ્રતિષ્ઠિત કોર્પોરેશનમાં કર્મચારીઓની ‘એથેનિક’ (વંશ/જાતિ/મૂળ કે કૂળ)ના આધારે નોંધણી કરવાની નીતિ જ નથી હોતી ! એટલે સત્તાવાર આવી વિગતો મળે નહિ, અને બિનસત્તાવાર આવા આંકડાઓ પ્રગટ કરતા હોઈ અધિકૃત સર્વેક્ષણો થયા જ નથી ! (ઇમેઇલ તો ભારતીયો જ વાંચીને પોરસાવાના છે, એમાં સોર્સ કે ઓથેન્ટિસિટીની ચિંતા કરવાની આદત જ ક્યાં છે !)
વાત રહી અમેરિકામાં રહેલા ભારતીય ડૉક્ટરોની. (બાય ધ વે, ભારતની આરોગ્ય સુવિધા પર આપણે પોરસાવું જોઇએ કે અમેરિકન ડોક્ટર ઉપર ?) ‘ધ એસોસિએશન ઓફ અમેરિકન ફિઝીશ્યન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન’ (એએપીઆઈ)માં ૪૨,૦૦૦ જેટલા મેમ્બર્સ છે. (જેમાં પંદરેક હજાર મેડિકલ સ્ટુડન્ટસ છે) ૨૦૦૪ના સત્તાવાર અંદાજ મુજબ અમેરિકામાં સાડા આઠ લાખ ડોક્ટર્સ હતા. માટે ૧૦ %થી વઘુ ભારતીય મૂળના હોવાનો સવાલ જ નથી થતો ! (મુદ્દાની વાત તો એ છે કે અમેરિકાની કુલ વસતિમાં ભારતીયો જ પૂરા ૧ % પણ નથી !)
શોબાઝી એ નવરાઘૂપ ભારતીયોનો ફેવરિટ પાસટાઈમ છે. એટલે સ્તો ભારતીય નાગરિક પણ ન રહ્યા હોય એવા કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ અહીં રાતોરાત નેશનલ સેલિબ્રિટી બની જાય છે ! આઝાદી પછીના પાંચ નોબલ પ્રાઈઝ વિનર ભારતીયોમાં અમર્ત્ય સેન અને વિદ્યાધર નાયપોલ ભારતમાં રહેતા નથી. (નાયપોલ તો ભારતમાં જન્મ્યા પણ નથી) મધર ટેરેસા ભારતીય હતા નહિ. અને ડૉ. હરગોવિંદ ખુરાના તથાસુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર ( અને લેટેસ્ટ વેંકટરામન રામક્રિશનન પણ !) અમેરિકન સિટિઝન બની ચૂક્યા હતા ! (એટલે સ્તો રિસર્ચ કરી શક્યા !)

આ લેખના આરંભે લખેલા સીઇઓના નામો પણ સાચા હોય કે ખોટા તેનાથી કશો ફેર નથી પડતો. કારણ કે, એ લોકો ઇન્ડિયન નેશનલ્સ તરીકે નહિ, પણ ફોરેન સિટિઝન્સ તરીકે જે તે કંપનીમાં કામ કરીને તરક્કી કરે છે. એમના સંતાનો પણ વિદેશી નાગરિકત્વ ધરાવે છે. અને એ કંપનીઓના સ્થાપક, આર્ષદ્રષ્ટા કે માલિકો નથી. વિદેશી કંપનીઓની નીતિરીતિ મુજબ વર્તનારા કર્મચારીઓ છે. (ભારતમાં તો એ પોતાની સ્વતંત્ર દુકાન નાખવા ગયા હોત, ત્યાં જ વૃઘ્ધ થઇને સ્વધામ પહોંચી ગયા હોત !)

ફિલ્મી ડાયલોગથી લઇને નુક્કડ પરની બેઠકોમાં ‘ઇન્ડિયા રાઇઝિંગ’થી પોરસાનારા આવા ફુલણજીઓની કમી નથી. લોકો કહે છે, આ છે એક મહાન દેશ જેણે છેલ્લા ૧૦૦૦ વર્ષથી કોઈના પર આક્રમણ કર્યું નથી ! લો બોલો ! આ મહાનતાનો પુરાવો છે ? આ તો કાયરતાનો નમૂનો છે ! વાતવાતમાં ભારતમાં શોધાયેલા શૂન્યથી થયેલી ડિજીટલ ક્રાંતિની, પુષ્પક વિમાનની, નાલંદા-તક્ષશિલા વિદ્યાપીઠોની ચર્ચા થાય છે. કોમ્પ્યુટરમાં સૌથી વઘુ યોગ્ય ‘ભાષા’ (એટલે ટાઇપીંગની નહિ, સોફ્‌ટવેરની) સંસ્કૃત હોવાના નારાઓ ફુંકાય છે. ‘નવગતિ’ સંસ્કૃત શબ્દ પરથી જ ‘નેવીગેશન’ અંગ્રેજીમાં શબ્દ આવ્યો હોવાનું કહેવાય છે બીજગણિત, ભૂમિતિ, કલનગણિત, ત્રિકોણમિતિ, દ્વિધાત સમીકરણ બઘું ભારતીય ૠષિઓની શોધ હોવાના દાવાઓ થાય છે. સુશ્રુતે વાઢકાપની અને ભારતે શતરંજની શોધ કરી હોવાનું કહેવાય છે. મહાન પ્રાચીન વારસાના ઐતિહાસીક તથ્યો ઉજાગર કરાય છે. ‘સોને કી ચિડિયા’ હિન્દુસ્તાનના ખજાનાના દસ્તાવેજો વંચાય છે !
એવરીથિંગ ઇઝ પાસ્ટ ! વ્હેર ઇઝ ધ પ્રેઝન્ટ ? આ બધી જ વાતોને લાંબા શાસ્ત્રાર્થ વિના સ્વીકારી લો, તો પણ એ બધો ભૂતકાળ છે. વર્તમાન કે ભવિષ્ય નહિ ! વીર દાદાજીના ફોટા સામે દીવો કરવાથી કે હાર પહેરાવવાથી પૌત્ર બહાદુર યોઘ્ધો બની જશે ? એણે તો શૂરવીરતા મેદાનમાં આજે ઉતરીને, હરીફોને હંફાવીને સાબિત કરવી પડશે ! શૂન્ય કે ગણિતના સિઘ્ધાંતો ભારતે શોઘ્યા, પણ રોજબરોજના જીવનમાં એમાંથી સગવડદાયી આવિષ્કારો કરવાનો ઉદ્યમ કોણે કર્યો ? વિદ્યા પુસ્તકોમાં શોભતી નથી, એનો અમલ કરનારને ફળે છે ! સમંદરપાર જાય તો ‘ધરમ’ ભ્રષ્ટ થઇ જાય એવું માનવાવાળાઓના દેશને વાસ્કોડી ગામા ગુલામ બનાવવાનો પાયો નાખે, ત્યારે નેવિગેશન શબ્દના નામે હરખાવાથી શું મળે ? સંસ્કૃત શ્રાવણ મહિનામાં ય કોઈ ભારતમાં એક પાનું વાંચતું નથી, અને કોમ્પ્યુટર ક્રાંતિ એના વિના જ દિન દુગની, રાત ચૌગુની વધતી જાય છે. પુષ્પકની વાર્તાઓ આયાતી બોઇંગ અને એરબસમાં ટ્રાવેલ કરતા-કરતાં વાંચવામાં સારો ટાઈમપાસ થાય છે.
ઓનર ધ પાસ્ટ, ઇમેજીન ધ ફ્‌યુચર. વીતી ગયેલી વાતને ચોક્કસ બિરદાવો, આદર આપો. પણ એની પટ્ટીઓ આંખે બાંધી લેવાથી આવતીકાલ અંધકારમય થઇ જવાની છે ! ‘મેરા ભારત મહાન’ (એ ‘સૌ મેં સે અસ્સી બેઇમાન’ કોણ બોલ્યું ? ચૂઉઉઉપ !) ના મલ્ટીકલર ડ્રીમ્સ પૂરા થયા પછી આંખો ચોળતા ચોળતા આઝાદીના ૬૧ વર્ષે આ સવાલો બાવળિયાના કાંટાની જેમ મગજમાં ભોંકાવા જોઇએ ! વારતહેવારે, આપણી મમરા જેવડી એચિવમેન્ટસને આપણે મોદક જેવડી કરીને કાખલીઓ કૂટીએ છીએ, ત્યારે જરાક સીમાડા વટાવીને આસપાસ નજર તો નાખો !
ના, અમેરિકાને મૂકો તડકે. સ્વીડનની વસતિ ૯૦ લાખની છે. મતલબ, મુંબઇ મહાનગરની વસતિ એનાથી વઘુ છે અને જગતના કેટકેટલા ક્ષેત્રોમાં સ્વીડન છવાઈ ગયું છે ? ઓટોમોબાઈલમાં વોલ્વો, હાઉસહોલ્ડમાં ઇલેક્ટ્રોલક્સ અને આઇકિયા, મોબાઈલમાં ( લાંબા સમય સુધી રાજ કરનાર) એરિકસન, બોલબેરિંગમાં એસકેએફ… જગતના કોઈ પણ ખૂણે જાવ તો આ સ્વીડિશ બ્રાન્ડનેમના સિક્કા પડે છે ! ભારત પાસે ગ્લોબલી રેકેગ્નાઇઝડ (એન્ડ સોલ્ડ) બ્રાન્ડેડ પ્રોડક્ટસ આજે કેટલી છે ? સ્વીડનના કેટલા સ્ટોરમાં ભારતના બિસ્કિટ, સીડી પ્લેયર, ફોન કે કાર પાછળ પાગલ કસ્ટમર્સ આવે છે ? અને હા, જગતની ૯૦% કરન્સી નોટસનો સ્પેશ્યલ પેયર સ્વીડનમાં બને છે !
સાઉથ કોરિયા,ડેન્માર્ક, જર્મની, કોરિયા, તાઈવાન, નેધરલેન્ડ… કેટકેટલા નાનકડા દેશો ઇકોનોમિક સુપરપાવર છે ! આપણે મહેનતકશ હોવાની વાતો કરીએ કરીએ છીએ. પણ આપણું વર્ક કલ્ચર ગોસિપ કલ્ચર છે. ટુરિસ્ટ તરીકે નહિ, વિઝિટર તરીકે નાના-નાના યુરોપિયન દેશોમાં જાવ તો ય ‘હાર્ડ વર્ક ડિસિપ્લીન’ શું એ ખબર પડી જશે ! હોંગકોંગથી દુબઈ સુધીના અંગૂઠા જેવડા એશિયન દેશો પણ એમાંથી શીખી ગયા છે, પણ આ ભવ્ય ભાતીગળ ભારત ઠોઠ નિશાળિયો જ રહ્યું છે !
આપણે ત્યાં ભાગ્યે જ ‘નોલેજ ડોમેઇન’ ઇન્ડસ્ટ્રીઝ છે. બધા જ શોર્ટકટવાળાઓ છે. લાગવગ અને ઓળખાણવાળા જગ્યા કરી લે છે. વિદેશમાં યુનિવર્સિટીઝ મિલિયન ડોલર ટર્નઓવર કરે છે. વિરાટ કંપનીઓની પ્રોડક્ટસનું ભવિષ્ય યુનિવર્સિટીઝના ક્લાસરૂમ્સ અને લેબોરેટરીઝમાં ઘડાય છે ! અહીં અમેરિકામાં મંદી આવે એટલે ઉલ્લૂના પઠ્ઠાઓની જેમ ભારતીયો મોજમાં આવી જાય છે ! છેક સ્વામી વિવેકાનંદના જમાનાથી આપણે આ ભૌતિકવાદી દેશોના ખતમ થવાનું કાઉન્ટડાઉન ગણીએ છીએ, પણ ત્યાં તો વિશ્વયુઘ્ધો છતાં કાંકરી યે હલતી નથી !
અમેરિકા-યુરોપમાં મંદી આવશે, તો આઉટસોર્સિંગના પૈસા કોણ ચૂકવશે ? ફોરેન કેપિટલ પર તો ભારતીય શેરબજારના સેન્સેક્સને તંદુરસ્તીની લાલી ફુટતી હોય છે ! આપણે ત્યાં ખર્ચના સાધનો વધે છે, આવકના સાધનો એ પ્રમાણમાં વધે છે ખરા ? અને જગતની નજર ભારત પર ‘ગ્રેટ ટેલન્ટ’ તરીકે નથી. ‘ચીપ લેબર’ તરીકે છે !
૨૧મી સદીમાં મહાન બનવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સતત અપગ્રેડ કરવું પડે ! અહીં અંગ્રેજોના ટપાલ-રેલવે-પોલિસ-કોર્ટના માળખાને સુધારવાની વાત દૂર, આપણે સડાવી નાખ્યું છે ! વિશ્વમાં એ દેશ પ્રગતિ કરે છે, જ્યાં જ્ઞાનીઓ, દોલતમંદો અને પ્રતિભાશાળીઓ પૂજાય છે. અહીં દરિદ્રનારાયણની સાદગીનું સ્વપ્નીલ ઘેન ઉતરતું નથી. આળસુ પરોપજીવી બગાઇઓ જેવા બાવાબાપુ સાઘુઓ પૂજાતા રહે છે. શ્રીમંતાઈની કદર કરવાને બદલે ઇર્ષા થાય છે ! અને પાયાની વાત. એજ્યુકેશન સ્કૂલથી કોલેજ સુધીનું શિક્ષણ ક્રિએટીવિટી, ઇનોવેશન, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ માટે ચાવીરૂપ બનવું જોઇએ. ગોખણપટ્ટીની ઉલટી માટે નહિ ! આપણે ‘નોલેજ કેપિટલ’ નહિ, પણ શિક્ષણથી ‘ચીપ વર્કફોર્સ’ બનાવીએ છીએ ! અઘુરામાં પુરું અનામતથી ખદબદતી બાબુશાહી અને તીનપાટિયાં લપોડશંખોથી ઉભરાતું પોલિટિક્સ.
આંખો આંજી દે એવા બૈજીંગ ઓલિમ્પિકના દમામદાર ઉદ્ઘાટન સમારંભનો ઠસ્સો જોઇને રાજીપા સાથે રૂદનની લાગણી થાય છે. માઇક પર બરાડા પાડવાથી જગતને મહાન સંસ્કૃતિનો પરિચય નથી થતો. જે રીતે ઓલિમ્પિકના ઉદ્ઘાટનમાં ચીને શાનથી, દબદબાથી, ગ્લેમરસ સ્ટાઇલથી અને આઘુનિક મૌલિકતાથી પોતાના કલ્ચરનું પેકેજીંગ અને માર્કેટિંગ કર્યું, એ જોઇને હરામ હાડકાના ભૂતકાળપ્રેમી વાતોડિયા હિન્દુસ્તાનીઓએ ધડો લેવો જોઇએ ! બાય ધ વે, સ્વાતંત્ર્ય દિન કે ગોવિંદા મટકીફોડના ઢોલત્રાંસામાં વિચારજો… ‘ઇન્ડિયા ધ ગ્રેટ’નો ઓલિમ્પિકમાં કેટલો ટેરર છે ? આપણા રમતવીરોની તાકાતથી કેટલા ટચૂકડા દેશો ફફડી ઉઠે છે ?
(શીર્ષક : દુષ્યંતકુમાર )

No comments:

Post a Comment